8 - પ્રકરણ : ૮ - જાહેર વાહનોની બલિહારી / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   ઉતારાનો ૭ નંબરનો રૂમ શાંત હતો, જોકે નજીકની પેલી ક્લબમાંનું સંગીત આછું સંભળાતું રહેતું. ઘણી મોડી રાતે એ સંગીત થંભી જાય પછી પાણી પરની પથ્થરની દીવાલ સાથે અથડાતાં મોજાંનો રવ સંભળાવા માંડતો. ખૂબ ગમતો એ લયબદ્ધ રવ. ત્યારે મને બહાર નીકળી જવાની ઈચ્છા થઈ આવતી. રાત પડ્યે જ આકાર પામતાં મોજાં જોવાં, અંધારા આકાશમાં ચમકતા તારા જોવા કે પછી રસ્તા પરનાં દીવાબત્તી હજી ચાલુ હશે?

   પણ ઊંઘ સાથે આળસ પણ ભળેલી હોય છે. ઉપરાંત, મુખ્ય બારણું બંધ હોય, ને એ ખોલવા જતાં અવાજ કરી બેસું તો? રાતે પવન પણ બહુ જોર સાથે ફૂંકાવા માંડે છે. એના સૂસવાટા મને સંભળાય છે. બારીમાંથી નજર કરું તો હાલતાં ઝાડના પડછાયામાં એ દેખાય પણ છે, પરંતુ મારા બંધ રૂમની અંદર એ અનુભવી શકાતો નથી. સવાર પડતાંની સાથે સૂરજનું આકરું અજવાળું મિજાજી મુકાદમની જેમ એ મોજાં પર, એ પવન પર મનાઈનો હુકમ ફરમાવી રહે છે.

   આજે શનિવાર હોઈ જાહેર બસો અડધો દિવસ જ ચાલવાની હતી. સવારનો નાસ્તો કરી, ઉપોલા ટાપુના દક્ષિણ-પૂર્વ છેડે લાલોમાનુ નામની ભૂશિર સુધી બસ દ્વારા જવાના વિચારે હું બહાર નીકળી. એને માટેની બસ ક્યાંથી મળે એ ઉતારા પરની સામોઆન છોકરીને પૂછ્યું. એણે આપિઆ શહેરના નાનકડા નકશા પર ક્યાંય સુધી આંગળી ગોળ ગોળ ફેરવી ને પછી એક રસ્તા પર મૂકી. હું એ બસ-સ્ટોપપર પહોંચી. ત્યાંની એક દુકાનમાં પૂછ્યું તો ત્યાંની છોકરીએ કહ્યું કે લાલોમાનુ માટેની બસ ત્યાં ઊભી જ નથી રહેતી. “એ તો બીચ રોડ પર, ચોપડીઓની દુકાન પછી એક ચર્ચની નજીકમાં ઊભી રહે છે.” હવે હું એ તરફ પાછી જાઉં છું ત્યારે એક બસને ઊભી રહેતી અને જતી રહેતી જોઉં છું. કદાચ બેમાંની એક બસ હતી, જે હું લઈ શકી હોત – લાલોમાનુ જતી. નહીં તો આઉફાગા જતી. હું એ પછીની બસની રાહ જોતી ઊભી રહું છું. દસેક મિનિટ પછી એક બસ આવે છે, હું હાથ હલાવું છું, ચાલક મને સાચુકલા ઉતારુના રૂપમાં જોતો નથી અને અટક્યા વગર આગળ ચાલી જાય છે.

   બસ-ડિપો પર જવું વધારે સારું એમ હું વિચારું છું, અને ત્યાં જતી બસ લેવા રસ્તાની સામેની તરફ જાઉં છું. એ બસ આવે છે. હું ચડું છું. પહેલાં એ મચ્છી-બજારના ડિપો પર જાય છે. હવાની હલચલ માછલીની ગંધ પ્રસરાવતી રહે છે. હું મુખ્ય ડિપો પર જવા માટે બેસી રહું છું. રસ્તે હું ચાલકને લાલોમાનુવાળી બસ માટે પૂછું છું. એ કહે છે, “એ તો મચ્છીબજારવાળા ડિપો પરથી મળશે.” હું બસમાં બેઠેલી રહું છું. થોડી મિનિટો પછી મચ્છી-બજારના ડિપો પર એ મને એક બસ આગળ ઉતારી દે છે. એ સાચી બસ છે.

   વૃદ્ધ લાગતા એક સજ્જન, જેમની બાજુમાં હું બેઠી છું. મને પૂછે છે કે હું ક્યાં જઈ રહી હતી. હું જ્યારે કહું છું કે હું તો ફક્ત ફરવા ને ભૂમિ જોવા જ લાલોમાનુ જતી હતી. ત્યારે એ સહજ મૃદુતાથી મને જણાવે છે કે, “લાલોમાનુથી આપિઆ પાછી આજે કોઈ બસ આવશે નહીં. એટલું જ નહીં, પરમ દિવસ – સોમવાર – સુધી આવશે નહીં.” હજી તો શનિવારની સવારના પોણા અગિયાર થયા હતા, અને આ કે બીજી કોઈ બસ લાલોમાનુથી પાછી આજે કે કાલે – રવિવારે – આવવાની નહોતી. ચાલક એ બાજુ રહેતા હોય છે. રવિવારની રજાના દિવસે પોતાની બસ પોતાના ઘર પાસે જ રાખતા હોય છે. દરેક બસ પર નંબર નહીં, પણ છેલ્લી જગ્યાનું નામ હોય છે. વળી, દરેક બસ-કંપનીનું પોતાનું સમય-પત્રક હોય છે, જેમાં ક્યારેક પણ ફેરફાર થઈ શકે. એ માટે – કે કશા માટેબસ-કંપની જવાબદાર હોતી નથી.

   મચ્છી- બજારના ડિપો પરની એ બસને છોડી દેવા સિવાય મારી પાસે કશો ઉપાય હતો નહીં. એ સજ્જનનો આભાર માની હું ઊતરી ગઈ. પળભરમાં બીજી યોજના ઘડીને, મુલિનુઉ ભૂશિર તરફ જવા માટે પાણીની દિશામાં ચાલવા માંડી. શનિવાર સવારની લાલોમાનુની બસનું પુરાણ પૂરું થયું હતું અને દિવસ આખો હજી બાકી હતો !

   હવે મજબૂત, કાળા પથ્થરનાં ત્રણ પહોળાં પગથિયાંની દરિયા-દીવાલ પર ચાલતી હતી. સૂરજ મારી પાછળ હતો, ઉપર ચડતો જતો હતો, પણ નજરની સામે તો નહોતો. તેથી હું કદમ-કૂચ કરતી ગઈ – આગલા જમાનામાં જ્યાં સૈનિકોએ કરી હશે ત્યાં.

   તાપ તો એવો કે આનાથી વધારે જાણે હોઈ જ ના શકે, અને છાંયો બિલકુલ નહીં. બપોરના બાર થવા આવેલા અને ઝાડ પોતાનો છાંયો રોપીને ઊભાં હતાં. ઑગિ ગ્રે હોટેલથી શરૂ કરીને આ ભૂશિર સુધીનો રસ્તો “ઐતિહાસિક માર્ગ” કહેવાય છે. એના પર કેટલાંક સ્થાન, મકાન, કબર જોવાનાં છે. શહેરમાં મોખરાનું દ્રષ્ટિબિંદુ ધરાવતી વિરાટ સરકારી ઇમારતની નજીકમાં પુલનુનુ “ફાલે” છે, જેમાં “માતાઈ” કહેવાતા અગ્રણીઓ સંસદમાં રજૂ કરવાની બાબતોની ચર્ચા કરવા ભેગા મળે છે. શહેરમાં જતા મુખ્ય રસ્તાને નાકે એક મોટું ઘડિયાળ મૂકેલું છે. એ ને એનો ટાવર લાગે છે બહુ સરસ, પણ સાચો સમય એ ક્યારેય બતાવતું લાગતું નથી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ખપી ગયેલા સામોઆન પ્રજાજનોને માટેનું એ સ્મારક પણ છે.

   મુલિનુઉ ભૂશિરના રસ્તે કેટલાંક સ્મારકો છે, જે જલ્દી જણાતાં નથી. વિશ્વયુદ્ધોના સ્મરણમાં બનેલાં જર્મન, બ્રિટિશ ને અમેરિકન સ્મારકો નાનાં છે અને ચોતરફ રોપેલાં છોડ-ઝાડમાં જાણે છુપાયેલાં રહે છે. સાદી પથ્થરની તકતીઓ પર કોતરેલા અક્ષરો પણ ઘસાઈ ગયા છે. જરા આગળ જતાં, સામોઆનાં બે સંસદ-ભવનની ઇમારતોના ઘુમ્મટ દેખાઈ આવે છે. એ “ફોનો” તરીકે ઓળખાય છે. જૂનું મકાન રસ્તાની નજીક છે, જ્યારે નવું ઘાસના લીલા મેદાનને છેડે, સામોઆના સ્વાતંત્ર્ય-સ્મારકની સામે બનાવાયું છે.
   “જમીનની માલિકી” ન્યાયાલય એક સાદા, લાંબા ઘર જેવા મકાનમાં વસેલું છે. સફેદ દીવાલો પર ભૂરા રંગનીપટ્ટી છે. તે જ એની શોભા બને છે. એની સામે ૧૯૬રની સ્વાતંત્ર્ય માટેની ચળવળની યાદગીરીનું સ્મારક છે. એ પણ નાનું, સાવ સાદું, દેશ જ આટલો નાનો અને કેટલી ઓછી વસ્તી. પછી વધારે હોય પણ શું?

   બાગ જેવા એક વિભાગમાં “દફન-ક્ષેત્ર” છે. કેટલાક રાજવીકક્ષાના આદિવાસી નાયકોની કબરો મોટાં, ઊંચા, સફેદ રંગેલા ઘુમ્મટવાળાં સ્થાપનના સ્વરૂપમાં થયેલી છે. માતાઆફા ઇઓસેફો, માલિએતોઆ તાનુમાફિલિ, આફામાસાગા માઉ, તાપુઆ તામાસેસ વગેરે નામો સ્પષ્ટ વંચાતાં હતાં. સ્થાપનોને જોતાં જોતાં આ નામો ધ્યાનથી હું ડાયરીમાં લખતી રહેલી. ભાષાના ધ્વનિમાં રસ પડતો હોય છે. “પોલિનેશિયન ભાષા-જૂથ”માંની આ ભાષા વિષે પછી થોડું વધારે જાણવા મળેલું.

(સામોઆ દ્વીપ-દેશના આપિઆ શહેરને છેડે આવેલી ઉમરાવની પુરાણી કબર.)


   સામોઆન ભાષાની બારાખડીમાં પાંચ સ્વર છે અને વ્યંજન તો ચૌદ જ છે. બધા શબ્દો જાણે સરખે સરખા જ લાગે. વળી, લાક્ષણિક પોલિનેશિયન શૈલી પ્રમાણે અક્ષરો અને સ્વરો પુનરાવર્તિત થયા કરે છે – જેમકે, ઉતુલાએલાએ, તોગિતોગિગા, લુફિલુફિ, સાલામુમુ વગેરે. અક્ષર “વ” વારંવાર વપરાતો વર્તાય છે – જેમકે વાઈમોસો, વાઈબા, વાઈલિમા, વાઈઉસુ, વાઈગાગા, વાઈલેલે ઇત્યાદિ, તો અક્ષર “જ” આ ભાષામાં નથી. તેથી જ્યાં ખ્રિસ્તી ધર્મ પ્રવર્તે છે એવા આ દેશમાં “જિસસ” શબ્દ લખાય છે “ઈએસુ” ને બોલાય છે “યેસુ.”

   વળી ટૉન્ગા તથા સામોઆની ભાષામાં “ર” નથી. એની જગ્યાએ “લ” વપરાતો રહે છે. બીજું, કોરિઆની ભાષાની જેમ અહીં “પ” અને “બ” એકમેકની જગ્યાએ વાપરી શકાય છે. એક આપણો જાણીતો શબ્દ “ફિરંગી” અહીં “પાલાગી” બને છે, જેનો ઉચ્ચાર વળી “પાલાન્ગી” થાય છે! સાગરખેડુઓની સાથે ફરતો ફરતો “ફિરંગી” શબ્દ અહીં પહોંચ્યો હશે, જ્યાં એણે સ્થાનિક ભાષાને અનુરૂપ સ્વરૂપ અને ધ્વનિ ધારણ કર્યા. મઝા આવે છે આવું બધું જાણવાની. થોડી જાણકારી મેળવ્યા પછી લોકોની વાતોમાંથી પણ થોડા શબ્દો પકડાતા રહે છે.

   નાયકોનાં ઐતિહાસિક સ્થાપનો ખુલ્લા લીલા મેદાનમાં હતાં ને એમાં ચંપાનાં ઘણાં ઝાડ હતાં. મોટા મોટા સફેદ ચંપા ભરપૂર ખીલેલાં હતાં, પણ છાંયડાને નામે કાંઈ નહીં. બીજે થોડાં ઘેઘૂર વૃક્ષો સાથે સાથે ઊગેલાં હતાં, ત્યાં છાંયડો હતો. ત્યાં જમીન પર જ બેસી જઈ. કેટલાંક સ્થાનિક કટુંબો કોલસા પર ખાદ્ય પદાર્થો પકવી રહ્યાં હતાં. ત્યાંથી હું પાછી પાણી પરની દીવાલ તરફ જતી રહી. છીછરા પાણીમાં પાંદડાં ને ડાળખાં પડતાં ગયેલાં હતાં. એક-બે સ્થાનિક પુરુષો માછલી પકડવા મથી રહ્યા હતા. દીવાલના છેલ્લા વળાંક પર, ડાબી બાજુએ, રાષ્ટ્રીય ખગોળ-કેન્દ્રના મકાન તથા ઘાસિયા કમ્પાઉન્ડની પાછળ કેટલાંક સ્થાનિક યુવકો ને યુવતીઓ બિયર પી રહ્યાં હતાં; સિગારેટ ને કદાચ ગાંજાની બીડીઓ પણ ફૂંકી રહ્યાં હતાં. સામોઆના સમાજમાં જાહેરમાં આ પ્રકારની વર્તણૂક કદાચ નિષિદ્ધ છે. આ સ્થળ સાવ નિર્જન, શાંત ને સાવ છુપાયેલું હતું, જેને વિષે, અલબત્ત, આખું ગામ જાણતું જ હશે.

   જરા દૂરથી એમને જોયા પછી ફરી એમની સામે મેં જોયું નહીં.એ લોકોએ કોઈ રીતે મને હેરાન કરી નહીં. હું બહારની હતી, તે એમને માટે સ્પષ્ટ હતું. મારી વળી શું શરમ હોય એમને કે બીક ! સ્થાનિક જીવનનું આ પાસું જોવાની કે જાણવાની મને ઇચ્છા હોતી નથી. પોતાને તેમજ અન્યને હાનિ પહોંચાડતી બાબતો મને આગંતુક તરીકે પણ કષ્ટકર બનતી હોય છે.

   દીવાલ પર છેક છેડા સુધી ચાલવાનું પૂરું કરી હું ખગોળકેન્દ્રના મકાનના પ્રવેશદ્વાર પાસે આવી. ત્યાં મોટરો ને ટેક્સીઓને માટે એક ગોળાકાર જગ્યા હતી. રસ્તાનો પણ છેડો ત્યાં આવતો હતો ને વાહનો ત્યાંથી વળીને પાછાં ફરતાં હતાં. મને લાગતું હતું કે આટલું લાંબું, આવા અનાવૃત્ત સૂર્યની નીચે ફરીથી ચાલીને તો પાછાં ના જ જવું જોઈએ. માથે સુતરાઉ હેટ તો હોય, પણ એનાથી ખાસ કશો બચાવ ના થાય. જતાં પહેલા થોડો પોરો ખાવાની પણ જરૂર હતી. ત્યાં પાણીની પાસે બહુ સરસ પવન વાતો હતો. નિરાંત પામીને, મોટા વૃક્ષના છાંયડામાં એક પથ્થર પર હું બેસી પડી. તદ્દન તપી ગયેલા જીવને આખરે કળ વળતી હતી.

   એક પછી એક ગાડીઓ કુટુંબ સાથે ત્યાં આવતી હતી, છાંયડામાં ઊભી રહેતી હતી. મોટાં તેમજ બાળકો અંદર જ બેસી રહેતાં હતાં - થોડી વાર, અને બસ, પછી ગાડીઓ પાછી જતી રહેતી હતી. ખરેખર આંટો મારવા જ નીકળવાનો રિવાજ હતો કે ?

   થોડી વાર પછી એક સરસ ગાડીમાં એક કુટુંબ આવ્યું – માતા, પિતા, બે નાના દીકરાઓ. બીજાં બધાંની જેમ આ લોકો પણ ગાડીની અંદર જ બેઠાં રહ્યાં. પાછાં જવા માટે ગાડી શરૂ કરી ત્યારે પાસે જઈને મેં પૂછ્યું – જો મને શહેર સુધી લઈ જઈ શકે તો. “જરૂર, જરૂર” એમણે કહ્યું. શહેરને નાકે જ નહીં, મને ઉતારા સુધી પણ લઈ જવા એ તૈયાર હતાં. મારે હજી ઉતારે પહોંચી નહોતું જવું, તેથી હું ઑગ્રિ ગ્રે હોટેલ પાસે ઊતરી ગઈ.

   એ હોટેલની સામે પાણી તરફ એક નાનો “ફાલે” હતો. નાના થાંભલા પર ટેકવેલું વાંસનાં પાનનું લાક્ષણિક છાપરું. બાકી ખુલ્લું એટલે છાંયડા સાથે હવા પણ મળતી રહે. વળી, અંદર ગોળાકારેસાંકડી બેઠક બનાવાયેલી હતી. ત્યાં હું બેઠી – રસ્તા પરની અવરજવર જોતી. ટૅક્સી-ચાલકો માટે પણ એ થોડી ઘડી આરામ કરવા માટેનું સ્થાન હશે, કારણકે એક જણ આવ્યો પણ ખરો. મોટી ઉંમરના માણસ હતા અને સામોઆના વધુ ભાગનાં પ્રજાજનોની જેમ સાલસ અને મિલનસાર હતા.

   અમારી વચ્ચે થોડી વાતો થઈ. બેએક પ્રશ્નો એમણે પૂછ્યા ખરા, પણ વધારે તો એ જ બોલતા રહ્યા. મારી લાલોમાનુ-વિષયક કહાણી સાંભળીને એમણે કહ્યું કે એ મને ટૅક્સીમાં લઈ જઈ શકે. જવા-આવવાના એકસો-વીસ સામોઆન ડૉલર થાય. “બહુ સારી કિંમત આપું છું” એમણે કહ્યું. મેં એવી ઇચ્છા બતાવી નહીં. કદાચ એટલે જ એ ચાલી ગયા. લગભગ તરત બીજા એક જણ આવ્યા – વધારે ઉંમરલાયક અને આત્મવિશ્વાસથી ભરપૂર. જાણે “સામોઆના રાજા !” એ તો તરત મને એમના સુખી જીવનની વાતો કરવા માંડ્યા.

   “બહુ સારી ને સહેલી જિંદગી છે. ત્રણ પત્નીઓ અને અગિયાર છોકરાં છે. ઘર-બાર બધું પૂરતું છે. કોઈ ચિંતા નથી. ટેક્સીમાંથી જ બહુ સારી આવક થાય છે. આ ઑગિ ગ્રે હોટેલના વિદેશીઓ માટે જ હાજર રહું છું. ત્યાં બધાં મને ઓળખે ને મને જ બોલાવે.” સાચે જ સામેથી દરવાને એનું ધ્યાન ખેંચ્યું. “ઑફિસા” નામ ધરાવનારા એ સંતુષ્ટ સજ્જને એમની આવક વધારનારા વિદેશીને ફરવા લઈ જવા માટે ઊપડી ગયા.

   હું બેસી રહી, ઠંડક, એકાંત, આરામ ! એકાદ કલાક એમ વીત્યો. ઉતારે જઈને પણ આરામ જ હતો – લખ્યું, વાંચ્યું; ચોકલેટનું દૂધ, ચીઝ ને ખારાં બિસ્કિટ ખાધાં. એ થયું બપોરનું ખાણું. સાડા પાંચ વાગ્યે પણ સાંજનો સૂર્ય હાથની છાજલી કરાવતો હતો. પણ હમણાં એ અસ્ત થવાનો ને એ પછી વાતાવરણ ખુશનુમા બનવાનું. દરિયા-દીવાલ પર ચાલતા બે ફિજિના ઇન્ડિયન મળ્યા. બંને ત્રણ પેઢીથી ફિજિમાં રહેતા. એક કામ માટે સામોઆ આવેલા અને બીજો યુવક ‘સાઉથ પેસેફિક યુનિવર્સિટી’ના સામોઆન કેન્દ્રમાં ખેતીવાડી ક્ષેત્રનો અભ્યાસ કરવા આવેલો. એણે કહ્યું કે ત્યાં પચાસેક ફિજિયનતેમજ વીસેક જેટલા ઇન્ડો-ફિજિયન વિદ્યાર્થીઓ ભણતા હશે. એ ઉમેરવાનું ચૂક્યો નહીં કે ફિજિ સરકાર તળ-ફિજિયનોને શિષ્યવૃત્તિ આપે છે, પણ ઇન્ડો-ફિજિયનને નહીં. ત્રણ પેઢીથી ત્યાં વસે છે છતાં આ ભેદ-ભાવ તો ભોગવવો જ પડે છે.

   સામોઆના આપિઆ શહેરની આસપાસ ત્રણ કૉલેજો છે તેમજ આ યુનિવર્સિટીનું કેન્દ્ર છે. સામોઆમાં ભણતર મફત નથી – શાળાઓમાં નહીં કે કૉલેજો-યુનિવર્સિટીમાં પણ નહીં. હૉસ્ટેલમાં રહેનારા માટે ખાવાનાના જુદા પૈસા લેવાય છે અને જાહેર વાહનોના પણ આપવા પડતા હોય છે. વિદેશી ચલણમાં ગણવા જાઓ તો બહુ ના લાગે; પણ એ તો બહારનાંને. ગામડાંમાં અને ખેતરોમાં રહેનારાં સાધારણ કુટુંબો માટે તો આ ધારો સતત આવક-નિયમન માગી લેતો હશે. ઉપરાંત, પરિણામે અસંખ્ય છોકરાં ભણવાનું છોડી પણ દેતાં હશે. એમાંનાં જ કદાચ થોડાં મોટાં થઈને મદપાન-ધૂમ્રપાન વગેરે બદીઓના ગુલામ બનતાં હશેને.

   એ પછી એક દંપતી મળ્યું, જેમાં પતિ ત્રણ પેઢીનો ઇન્ડો-ફિજિયન હતો, ને એની પત્ની ઑસ્ટ્રેલિયામાં ઉછરેલી થાઈલેન્ડનીસ્ત્રી હતી. એ પણ અઢી વર્ષથી સામોઆમાં નોકરીને લીધે વરસાદ કરી રહ્યાં હતાં. મારી સાંજ આ બધાંની સાથે જ વીતી. એક મોટી ચીની રેસ્ટોરાંમાં અમે સાથે જમ્યાં. ખાવાનું સ્વાદમાં ઠીક હતું.

   મારા ઉતારાની બાજુમાંની નાઈટ-ક્લબનું સંગીત હું રોજ રાતભર સાંભળતી આવેલી. એક વાર અંદર જઈ સાંભળવાનું મન મને હતું. તે આજે સંતોષાયું. ફિજિનાં ઇન્ડિયનો ત્યાં મારી સાથે આવ્યાં. એકલાં જતાં મને ઘણો સંકોચ થતો હતો. ગાનારાં ને વગાડનારાં ખૂબ સરસ, લયબદ્ધ સંગીત રજૂ કરી રહ્યાં હતાં. એની સાથે અમે નૃત્ય કરવા પણ માંડેલાં. કેટલીક સ્થાનિક છોકરીઓ પણ જૂથમાં ત્યાં આવેલી. એમણે મને પોતાની કરી લીધી અને નાચવામાં સાથે ખેંચી લીધી. કેવળ સ્થાનિક લોકો હતા ત્યાં – સાદાં ને સહૃદયી. એકાદ દારૂડિયો પાસે આવી ચઢેલો, પણ ક્લબના પહેરેગીરોએ એને સંભાળી લીધેલો. બહુ મઝા આવેલી. મને આવી તક ભાગ્યે જ મળતી હોય છે.

   ઉતારો તો બાજુમાં જ હતો ને બીજાં મુસાફરો હજી જાગતાં હતાં. હું મારા ઓરડામાં ગઈ પછી થોડી જ વારમાં વરસાદ શરૂ થયેલો – સાવ અચાનક ને ખૂબ જ મોટેથી. ઓહોહો, શું રવ હતો એનો. એને મેં માણ્યો – કલાકો સુધી. બંધ રૂમમાં યે ઠંડક થઈ ગઈ ને મારે ઊઠીને શાલ કાઢવી પડી.

   સવાર તદ્દન સ્વચ્છ હતી. દરિયો પણ સ્તબ્ધ, જાણે રાતે કશું થયું જ નહોતું. આ ડહાપણને જોઈને અને એ ગાંડપણ પર હસતાં મેં નિરાંતે નાસ્તો કર્યો. હું બહાર નીકળી ત્યારે દેવળોમાંની રવિવારની પ્રાર્થના પૂરી થઈ હશે, કારણકે રસ્તા પર ઘણા લોકો દેખાયા. પુરુષો, સ્ત્રીઓ, બાળકો – બધાં સરસ, સફેદ કપડાંમાં હતાં. ચોખ્ખાં ને નવાં દેખાય. એક બસ-સ્ટેન્ડ પર ત્રણ પેઢી બેઠેલી. હું એમની સામે હસી. એ બધાં મારી સામે હસ્યાં, દાદીમા સિવાય. મેં કહ્યું, “મા, હસોને.” એ મલક્યાં ને મેં ફોટો લીધો. પ્રકાશ બરાબર નહોતો તોયે. એ ફોટો સંતોષકારક નહીં હોય, પણ એ ક્ષણની યાદ હજી છે.

   રવિવારની સવારે દેવળમાંની પ્રાર્થના પૂરી થઈ એટલે પ્રજાજનો તો ઘરને રસ્તે પડ્યાં. હું ચાલતી ચાલતી બસ-ડિપો પર ગઈ. એ તો ખાલી હતો. એવા જ ખાલી રસ્તાઓ પર સામોઆની લાક્ષણિક રંગરંગીન બસો ફરતી દેખાતી હતી. એક-બેને મેં હાથ કરેલો. એકેય ઊભી નહોતી રહી. મને નવાઈ લાગેલી. મેં ફરિયાદ કરેલી ત્યારે કોઈએ કહેલું કે એ કોઈ મારે માટે ઊભી નહીં રહેવાની, કારણકે એ બધી જુદાં જુદાં ગામોમાંથી ત્યાંના જ લોકોને લઈને આવેલી ને એ બધાને પાછી પણ લઈ જવાની.

   અજબ ગોઠવણ હતી, ભાઈ. બસો જાણે ચાલકોની હતી. એજ્યાં રહેતા હોય ત્યાં પડી રહે ને એમને ફાવે ત્યાં. ત્યારે ને તેમને ફરવા લઈ જાય. ખાસ કરીને રવિવારે. કોઈ પણ કામ માટે, કે કદાચ આંટો મારવા માટે એ બસો શહેરમાં નીકળી આવતી ને તે જ ગામોમાં પાછી જતી. એ બધું ગામના લોકો માટે ખરું – રવિવારને દિવસે, પણ જાહેર જનતા અને પ્રવાસીઓ માટે તો નહીં જ.

   મેં કહ્યું, “સારું ભાઈ. એમ રાખો.”
   બાકીનો દિવસ શહેરના ખાલી રસ્તાઓ પર ફરવામાં ને ઉતારે લખતાં-વાંચતાં બેસી રહેવામાં ગયો. નાના એક દેશમાં એવો શાંત દિવસ ગાળવાનો મને જરાયે વાંધો નહોતો. આખો વખત ઝરમર થતી રહેલી. વરસાદ આવે ત્યારે વાદળ ને પછી તરત બહુ જ તેજવાળો સૂરજ બહાર નીકળી આવતો – જાણે રમત રમતો ના હોય. -

   પણ એ રાત કોઈ રીતે શાંત નહોતી. મધરાત પછી ભારે વરસાદ શરૂ થયેલો. ધ્યાનથી વિચારતાં નવાઈ લાગે કે હંમેશાં આવા જ સમયે વરસાદ પડવા માંડતો હતો. વળી, હંમેશની જેમ અચાનક તેમજ ખૂબ જોરથી એ શરૂ થયો; ને ચાર કલાક સુધી ચાલુ પણ રહ્યો – એટલો જોરથી કે કોઈ ઊંધી પણ ના શકે. એ અવાજ, એ રવ પસંદ પડે તેવો કે સંગીતમય નહોતો. મને એ કોઈ આદિજાતિના યુદ્ધ-નૃત્ય જેવો લાગેલો. રવીન્દ્રનાથના એક ગીતના શબ્દો યાદ આવી ગયા – “આજ દિગંતે ઘન ઘન ગભીર ગુરુ ગુરુ ગુરુ ગુરુ ડમરુ રવ થયો છે શરૂ.”

   પાણી તો એવું પડ્યું કે જાણે એના સળંગ પડદા સર્જાતા ના હોય. એવું ધોધમાર પડતું રહ્યું કે રૂમની બંધ બારીઓની અણદીઠી તડોમાં થઈને પાણી ઝીણા ધુમ્મસની જેમ પ્રસરતું રહ્યું. મારા મનમાં એનું નામ “વિશાળકાયી વરસાદ” તરીકે ચૂંટાતું ગયું. સવારના નાસ્તા વખતે એક ડચ મુસાફરે એ જ શબ્દ-પ્રયોગ કરેલો. સામોઆના લોકો જેવા મોટા ને પહોળા હતા તેવો જ હતો ત્યાંનો વરસાદ. મારી બારીની બહાર એ કશા જાડા પ્લાસ્ટિક પર પડતો હતો કે શું, પણ એનો અવાજ મોટો ને પહોળો હતો. જુદી જગ્યાની જુદી ઘટના : એને માટે પર્યાયો પણ જાણે જુદા જ જોઈએ. આ વરસાદ માટે ‘હેલી’અથવા ‘ધોધમાર’કે ‘પુષ્કળ’જેવાં વિશેષણ બહુ નબળાં પડે. અહીં તો એને “મોટો, પહોળો, તગડો વરસાદ” અથવા “Big Rain”જ કહેવો પડે !

   પછીની રાતે મારે વિમાન-માર્ગે આગળ અન્યત્ર જવાનું હતું, એટલે મને એ માટે મનમાં થોડી ચિંતા પણ થઈપરંતુદિવસ સ્વચ્છ, શાંત, નિઃસ્પંદિત રહ્યો. હું ફરી એક વાર, જાણે મારી ફરજ હોય તેમ જઈને ખરા બસ-સ્ટેન્ડ પર ઊભી રહી. લાલોમાનુ જવા માટેસ્તો ! પૂછતાં એક સ્ત્રીએ કહ્યું, “એને આવતાં તો કદાચ કલાક પણ થાય.” એ તો એની બસ આવતાં ચાલી ગઈ. એક યુવક ફાલેફા ગામે જતી બસમાં ચાર ડઝન પાઉંરોટી ભરેલાં ખોખાં ચઢાવવાની રાહ જોતો ઊભો હતો. એણે કહ્યું, “એને આવતાં તો બે કલાક થવાના.” કેટલું બધું દૂર છે લાલોમાનુ.

   આ લોકોની વાત સાચી ના પણ નીકળે. એમનો સમયનોખ્યાલ એકદમ ચોક્કસ નથી હતો. એ અનુમાન પર વધારે આધારિત હોય છે. તેથી હું મારી મેળે રાહ જોતી ઊભી રહી શકે તેમ હતી, પણ મને થયું કે છેલ્લે ચિંતા મને જ થવાની. અગિયાર તો ત્યાં વાગેલાં. એક-દોઢ વાગ્યે તો મારે પાછાં ફરવું જ પડે. તો જમું, બૅન્કમાં જાઉં, હોટેલ પરથી સામાન લઉં ને ચારેકની આસપાસ તો વિમાનમથકે જવા નીકળવું પડે. મેં ફરીથી મારા નકશામાં જોયું. ફાલેફા ગામ પૂર્વ કિનારે તો હતું જ. એટલે લાલોમાનુની દિશા તો થઈ જ. એનાથી જ મારે સંતોષ માની લેવો તેમ હતું.

   બસ આવી એટલે પેલા યુવકે પાઉરોટીનાં ખોખાં ઉપર ચઢાવી દીધાં ને ચાલકની પાસે ગોઠવ્યાં. એ બધાં માટે તો આ રોજનું થતું હશે. હું પણ એ જ બસમાં ચઢી ગઈ. થોડી જ મિનિટોમાં શહેર પૂરું થયું, રસ્તો સાંકડો થયો અને લૂમઝૂમી ઊઠેલાં ઘરેલુ ફૂલ-ઝાડની વચ્ચેથી જવા માંડ્યો. કેરી અને બ્રેડફૂટનાં લચી રહેલાં ઝાડ અને ગુલમહોર, ચંપા, જાસૂદ વગેરે પૂર્ણ પ્રફુલ્લિત ફૂલે, કિનારો દેખાયો તો એ પથ્થરોથી વેરવિખેર હતો. ક્યાંક મોજાં અફળાતાં હતાં, તો બીજે ક્યાંક પાણી સાવ સ્તબ્ધ હતું. બસની બારીમાંથી સરસ પવન આવતો હતો. મને એની નિરાંત હતી. પછી ક્યાંય દૂર સુધીનો દરિયો દેખાવા માંડ્યો ત્યારે તો મનમાં ઘણી ટાઢક વળી.

   આટલી ઘડીમાં જ નક્કી થઈ ગયું હતું કે સુંદર માર્ગે હું આવી ચડી હતી. નાનાં નાનાં ઘણાં ગામો આવવા શરૂ થયાં. એમ લાગ્યું કે બધાં ઘર રસ્તાની બે બાજુ પર જ થયેલાં હતાં. પછી અંદર તરફ કાંઈ જ નહીં – સિવાય કે ગીચ વનરાજિ. ઘરોની સરહદ પણ વક્ષો જ કરતાં હતાં. કેટલાંક ઘર અને એમના “ફાલે” – મંડપો રંગ-મેળને કારણે શોભતાં હતાં. ચાલુ બસમાંથી મને ફોટા લેવાની તક ના મળી. એમ તો બસ ઘણુંયે ઊભી રહેતી હતી, પણ ક્યારેય એવા ઘરની સામે નહીં! લોકો આ બસોને ઘરની ગાડીની જેમ જ ગણે છે એવું ઘણી વાર લાગે. કોઈ ચાલકને ઓળખતું હોય તો કોઈ દુકાન-હાટડી પાસે બસને ઊભી રખાવી કશુંક ખરીદી પણ આવે, કે કુટુંબનું કોઈ રસ્તામાં દેખાતાં એને બસમાં ચઢાવી પણ દે કે પછી સરસામાન હોય ત્યારે ઘરને દરવાજે બરાબર ઉતારે. મને તો આ બધું જોવું બહુ ગમ્યું. કેવું નાની પરિચિતતાઓ ને સગવડોથી વણાયેલું જીવન હતું આ ગામોનું.

   એક ગામે રસ્તાની બંને બાજુ સફેદ અને પીળા રંગેલા પથ્થરો વારાફરતી ગોઠવેલા, જાણે પોતાના વિસ્તારની હદ પ્રદર્શિત કરવા. મને થયું, અરે, આવો વિચાર કોને આવ્યો હશે? સળંગ વ્યવસ્થિત ગોઠવેલા સફેદ ને પીળા રંગ ખૂબ સરસ લાગતા હતા, ને કેટલું કળાત્મક પરિણામ નીપજયું હતું એ સાદી રચનાથી.

   ફાલેફા નદી પર એક નાનો ધોધ પડતો હતો. મારે ત્યાં જ ઊતરવું હશે એમ ચાલકે માનેલું. હું ત્યાં ઊતરી પણ ગઈ. તરત ગરમી વળગી પડી અને ઉપર હતો પેલો જબરો સૂરજ. નાના પુલની નીચે નાની નદી ધસતી જાય છે, અને પછી નાના પણ ભારે ગર્જન કરતા ધોધરૂપે કાળી, મોટી શિલાઓ પર પછડાતી જતી રહે છે. જરા આગળ જઈ, કોઈ કુળવધૂની જેમ ધીર-ગંભીર થઈ એ સાગરમાં સમાઈ જાય છે. પહાડના ઢોળાવ પર થોડું હું ચાલી. વનસ્પતિ કેટલી બધી, પણ છાંયડો જરાયે નહીં. આ તરફ ઘણી બસો આવતી-જતી હોય એમ લાગ્યું. પણ ગરમી એવી કે ખાલી ખાલી આંટા મરાય એમ નહોતું. પણ - ફોટા લેવાના ઉદ્દેશથી રસ્તા પર થોડી વાર હું ટહેલતી રહી ખરી, પણ એમાં બહુ મઝા નહોતી. એક ઘર અને એના આગળનાં ફૂલોનો ફોટો લેવા ગઈ, તો અંદરથી એક જાડી છોકરી રસ્તા પર આવીને કહેવા લાગી, “ફોટો લેવો છે? તો પૈસા પડશે.” મેં સામેકહ્યું, “ના, નથી લેવો.” હું ચાલવા માંડી તો પાછળથી એ બોલવા માંડી, “અરે, લો. લો. હું તો ખાલી કહું છું.” મને ખબર હતી કે એ અમસ્તું જ કહેતી હશે. સામોઆના લોકો તો ખૂબ મળતાવડા ગણાય છે અને સરળ.

   આપિઆ શહેરમાં પાછાં પહોંચી કામ પતાવ્યાં. એક દુકાનમાં આંટો મારતાં ખબર પડી કે આંતરરાષ્ટ્રીય છૂંદણાં-પરસ્ત લોકોનું સરઘસ નીકળવાનું હતું, ને વળી મારા ઉતારા પાસે થઈને જ જવાનું હતું. દુનિયાનાં છૂંદણાં-શોખીનો - Tattoo-people- નું વાર્ષિક સંમેલન આ વખતે સામોઆ ખાતું હતું. એના ભાગ રૂપે સરઘસ યોજાયું હતું. આપિઆનું પોલીસ-બેન્ડ મોખરે ચાલ્યું. પછી આ આંતરરાષ્ટ્રીય જૂથનું નામ લખેલું લાંબુ કાપડ લઈ ત્રણેક જણ ચાલ્યાં. બીજાં કેટલાંકના હાથમાં એમના દેશોના ધ્વજ હતા. સરઘસ બહુ મોટું નહોતું. પચાસસાઠથી વધારે શોખીનો ભેગાં નહોતાં થયાં, પણ છૂંદણાં હતાં જોવા જેવાં. સ્ત્રીઓને ખભે, હાથ, પગે ડિઝાઈન ટંકાઈ હતી, તો પુરુષોની આખી પીઠ પર ટાંકણાં હતાં. વળી, લાલ ને ભૂરા જેવા રંગ પણ પૂરેલા દેખાય.

   જોઈને નજરને જાણે ખાલી ચડી આવે. જોકે અચરજ પણ થાય. મારા કેમેરામાંના છેલ્લા છએક ફોટા મેં છૂંદણાંના જ લઈ લીધા. સામોઆનાં લાક્ષણિક દ્રશ્યોને બદલે આમાં ફિલ્મ પૂરી થઈ. તોયે છેલ્લે તો લાક્ષણિક કહેવાય એવો જ અનુભવ થયો. વિમાનમથકને રસ્તે મિનિ-વાનના એક ટાયરમાં પંક્યર પડ્યું ને રીપેર કરવા માટે જરૂરી ચીજો તો નહોતી ! આસપાસનાં ઘરોમાં જઈ જઈને ચાલક કશુંક માગી તો લાવ્યો, પણ વાર ખૂબ થઈ રહી હતી. છેવટે એક ખાલી ટૅક્સીને જતી જોઈને મેં એને ઊભી રાખી. સામાન વાનમાંથી ટેક્સીમાં મૂક્યો ને ઉતાવળે મથકે પહોંચી.

   સદ્દભાગ્યે એ ઊડતા વાહનમાં કોઈ અઘટિત યોગ ના થયો !
(ક્રમશ :...)


0 comments


Leave comment