10 - પ્રકરણ : ૧૦ - ખીલ્યાં મારાં પગલાં / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   દક્ષિણ પ્રશાંત મહાસાગરમાંના અન્ય ટાપુઓ ફિજિ, ટૉન્ગા, સામોઆ – કેવા જુદા લાગેલા. કૂક આઈલૅન્ડ્સ જોયા પછી લાગ્યું કે આ ટાપુ એમનાથી પણ જુદો હતો. ઘણો વધારે પોલિનેશિયન હતો દેખાવે, અને પેલા ત્રણ ટાપુઓ કરતાં “સોસાયટી આઈલૅન્ડ્સ દ્રીપ-દેશ” જેવો વધારે હતો. વનસ્પતિના પ્રકાર, પર્વત-શૃંગોના આકાર વગેરે લાક્ષણિક રીતે પોલિનેશિયન છે. વળી, કૂક આઈલૅન્ડ્સની પ્રજાનો પંચ્યાશી ટકા હિસ્સો નિર્ભેળ પોલિનેશિયન છે. ઘણાં વર્ષોથી મનેજ્યાં જવાની તીવ્ર ઇચ્છા હતી ત્યાં – પોલિનેશિયાની ધરા ઉપર – મેં હવે પગ મૂક્યા હતા ને ત્યાંની હવા હું શ્વસી રહી હતી. પછી ઘડીએ ઘડીએ હું હરખાતી જ હોઉં ને !

   રારોટૉન્ગા પરની બીજી સાંજે દરિયાકિનારે બનેલી એક હોટેલના ખુલ્લા વરંડામાં બેઠેલી. ચાલીસ-પચાસ જેટલા લોકો પોતપોતાનો સમય માણતા હતા. કર્મચારીઓ મને શંકાની નજરે જોતાં હતાં તેનો ખ્યાલ મને આવ્યો હતો, પણ મેં ગણકાર્યું નહોતું. વાંચતી, દરિયા સામે જોતી હું બેસી રહી. આશા તો પાણી પરનો સરસ સૂર્યાસ્ત જોવાની હતી, પણ વાદળ આવી ગયાં ને રંગો ફેલાયા નહીં. પરન્તુ અજવાળાની કોઈ પણ ક્ષણે આ સમુદ્ર ત્રિરંગી છટા તો પ્રદર્શિત કરતો જ રહે છે. ખુલ્લો તડકો હોય ત્યારે એના પાણીમાં મોરપીંછ, પીરોજી અને જળ-નીલ પટ્ટા પડે છે. આકાશ ભૂખરું બનતાં પાણી શ્યામ-ધૂસર મોતી જેવા ચળકતા વર્ણો ધારણ કરે છે. જળની સર્વ વર્ણ-છટાઓ સાદા શબ્દોથી વર્ણવવી પણ કેવી રીતે ?

   એનું એ જ જળ, પણ વારંવાર પરિવર્તિત. ક્ષણે ક્ષણે જે નવીનતા પામે છે તે જ ખરેખર રમણીય છે. જે સર્વેક્ષણે આમ નિતાંત-સુંદર છે તે સર્વદા “નઝર-નવાઝ” છે. જેમ અહીંની ધરા હતી તેમ જ અહીંનો અબ્ધિ પણ લાક્ષણિક પોલિનેશિયન હતો. ચળકતાં પાનાંવાળાં આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ફોટા વાટે જોયેલું તે બધું હવે સાદ્રશ્ય થયેલું હતું. હવે બધું જ મારી દ્રષ્ટિમાં આબદ્ધ હતું.

   આ સાગરને જોતી જોતી હું મારા ઉતારા તરફ ચાલી. સૂરજ ઢબે ઝડપથી અંધારું થવા માંડતું હોય છે. ઇચ્છા તેમજ પ્રયત્ન કરવા છતાં મારાથી જલદી ચલાતું નહોતું. પરવાળાંની કરચોની બનેલી રેતીમાં પગ ખૂંપી જતા હતા, વાંકા વળી જતા હતા. આ ટાપુ-દેશના કિનારા એના સાગર-તટો માટે જાણીતા નથી. અહીં રેશમ જેવી સુંવાળી, સફેદ રેતી ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. અહીંના કિનારા સાગર-સ્નાન માટે સુયોગ્ય નથી. છબછબિયાં કે સોત્સાહ રમત કરવા માટે અહીં મોજાંની સંગત નથી. આ તટો પર ચાલવા પણ કોઈ નીકળતું નથી હોતું. એ સાંજે એક હું હતી ને લગભગ હાંફી ગઈ હતી.

   પછીની મોડી સવારે આવારુઆ શહેરમાં ગઈ. કાંટા પ્રમાણેની બસ લઈને, એટલે ઉતારાથી શહેર જલદી આવે. એનો મુખ્ય એક રસ્તો ને એના પર બધી દુકાનો. ત્યાં સ્થાનિક લોકો કરતાં પ્રવાસીઓ વધારે દેખાય. જોકે ન્યૂયૉર્કની હોનારતની અસર અતિદૂરના આ પ્રદેશ પર પણ પડી હતી, ને પ્રવાસે આવનારાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો હતો.

   મને તો શહેર કૃત્રિમ લાગે – જાણે પરદેશીઓ માટે જ વસાવ્યું ના હોય. પણ ચોખ્ખું ને મીઠડું યે ખરું. મુખ્ય રસ્તા અને દરિયા પરની પાળની વચ્ચે બનાવેલો બે-માર્ગી, પહોળો વાહન-માર્ગ સરસ છે. એમાં ઝાડ, ફૂલ, ખજૂરી વગેરે વાવ્યાં છે, છાંયડામાં બેઠકો મૂકી છે. પાછળ જુઓ તો ઘેરા લીલા પર્વતોનો પૃષ્ઠપટ અને સામે જુઓ તો એકાધિક રંગનો ભપકો બતાવતો રહેતો સાગર. છાંયડામાં બેસીને એની સામે જોવું શક્ય બનતું. આવારુઆ શહેરની સામેનો આ કિનારો અંદર પડતાં ગોળને બદલે કુદરતી રીતે જ બહાર પડતા ગોળાકારેહતો. તેથી એક સાથે થોડો જ ભાગ દેખાતો. મને થયું, અરેરે, કેટલી બધી મનોહરતા આંખથી છીનવાઈ જાય છે !

   નકશામાં પુસ્કાલયનું નામ જોઈને મેં એ તરફી જતી ગલી લીધી. એ તો એક વાગ્યામાં બંધ થઈ ગયેલું. એકાદ રૂમનું હોય એવું નાનું મકાન હતું. સહેજમાં વરસાદ શરૂ થયો. એવો કે છત્રીનું કાંઈ ના ચાલે. હું એક ચર્ચની પાસે હતી, એટલે એનાં પગથિયાં પર, બાજુમાં છત્રીને સુકાવા ખુલ્લી મૂકીને, વાછંટ ખાતી હું બેસી રહી. સ્થાનિક લોકો ખુલ્લે માથે ચાલતા રહે છે. એ બધા જાણે છે કે જેવો અણધાર્યો તૂટી પડે છે તેવો જ ઓચિંતો એ અટકી પણ જાય છે.

(કૂક આઈલૅન્ડ્સના આવારુવા શહેરમાં આવેલો, અવાવરું પડી રહેલો રાજાનો એક મહેલ.)


   આ દેવળ ૧૮૫૫માં બંધાયેલું. સફેદ ધોળેલી દીવાલો પર પરવાળાંની કરચો મિશ્રિત કરાયેલી છે. એક જમાનામાં આ રીત મોભાદાર ગણાતી. હવે આવાં મકાન જૂજ રહ્યાં હોઈ એમને સંભાળવાનો આગ્રહ રખાય છે. બાજુમાંના કબ્રસ્તાનમાં વડા પ્રધાન, મુખ્ય પાદરી વગેરેની કબરો તેમજ પૂતળાં છે. દેવળના મુખ્ય દ્વારની સામેના ચોગાનમાં અનેક વૃક્ષોને કારણે આખું ન દેખાતું એક મકાન હતું. નકશામાંજોયું તો એ આદજાતિની “રાણી”નો મહેલ હતો. થાંભલા, વરંડા, વાંસની પટ્ટીઓની જાળી, ઢળતું છાપરું – દૂરથી જોવામાં તો સારો લાગતો હતો, પણ બંધ ને અવાવરુ પણ દેખાતો હતો. ત્યાંની ભાષામાં મહેલ જેવા નિવાસસ્થાનને “મારાએ” કહે છે. આ મહેલનું નામ “તાપુતાપુઆતેઆ” હતું ને એ “રાણી”નું “માકેઆ તાકાઉ આરિકિ” હતું. એ તો ક્યારનાં મૃત્યુ પામ્યાં ને તેથી જ એની નિસ્તેજ હાલત થયેલી છે. છતાં આજે પણ, આ કે બીજા “મારાએ”નાં ચોગાનોમાં પણ સાધારણ પ્રજાજનો પગ મૂકી શકતાં નથી. હજી ‘જાતિ’નાં નાયકો પૂજનીય અને એમનાં સ્થાનો પવિત્ર ગણાય છે.

   જમાનો આધુનિક થયો હોય તેથી કાંઈ પ્રથાને, વારસાગત વિચારસરણીને ભૂલી જવાય ! ત્યાંથી થોડે જ આગળ જતાં બીજી એક પ્રથાને સર્જનાત્મક કળાકૃતિઓમાં પરિણમેલી જોઈ. પહાડ તરફના રસ્તે જતાં જતાં હું ત્યાંની તાકામોઆ થિઓલોજી કૉલેજના પરિસરમાં પહોંચી ગયેલી. અંગ્રેજી પાદરીઓએ મૂળ ૧૮૪૨માં એની સ્થાપના કરેલી. બાજુમાં સાઉથ પેસેફિક યુનિવર્સિટીનું અહીંનું કેમ્પસ હતું. એનાં પણ કેટલાંક મકાન હતાં. એક હૉલની અંદર સાંજને માટેની કોઈ મિજબાનીનું આયોજન થઈ રહેલું લાગ્યું, બહાર એક પણ વ્યક્તિ ફરતી દેખાઈ નહીં. રાષ્ટ્રીય કળા-સંગ્રહાલયનું મકાન નકશામાંથી નોંધેલું એટલે હું એની અંદર ગઈ. ત્યાં “તિવાએવાએ”નું પ્રદર્શન હતું. આપણે જેને “રજાઈ” કહીએ તે. કૂક આઈલૅન્ડ્સની પ્રજા આને કળાનો પ્રકાર ગણે છે અને સાંસ્કૃતિક સંદર્ભે એમનું ઘણું મોટું મૂલ્ય આંકે છે. માતાઓ અને દાદીમાઓ ઘરની દીકરીઓને નાનપણથી ભરતના ટાંકાની તથા પેચવર્કની આ કળા, તેમજ પોતાને લાક્ષણિક ને મૌલિક એવાં રીત-આકૃતિ શીખવે છે. ઉપરાંત, માતા જાતે તૈયાર કરેલી “તિવાએવાએ” દીકરીને લગ્ન-પ્રસંગે ભેટ આપે છે. એ દહેજનો ભાગ જ નહીં, પણ પ્રેમ અને ગૌરવથી ખચિત અમૂલ્ય ઉપહાર બનીને રહે છે.

   છેલ્લાં પચાસેક વર્ષમાં બનાવાયેલી આવી “તિવાએવાએ” મને જોવા મળી. અમુક તો ખૂબ જ સુંદર હતી. રંગરંગીન તો બધીજ ને કેટલીકમાં ઝીણવટપૂર્વકનું કામ હતું. બાકી ક્યાં તો ભૌમિતિક અથવા ફૂલોની ડિઝાઈન થયેલી હતી. ફૂલો પણ ટાપુ પર ખીલતાં હોય તે – ચંપા, જાસૂદ, આપણને ચાંદની જેવા લાગે તે સુગંધી “તિઆરે” અને “માતિરિતા” કહેવાતાં આપણાં દાઉદી જેવા ગોટા વગેરે. ગૃહિણીનું જીવન જીવતી એ સ્ત્રીઓની કળાદ્રષ્ટિ પ્રદર્શિત “તિવાએવાએ” દ્વારા સાકાર થતી હતી. મને બહુ સરસ તક મળી એક કળાત્મક અને જીવંત સામાજિક, સાંસ્કૃતિક પ્રથા વિષે જાણવાની.

   એ આખો વિભાગ સરસ હતો. કળાગૃહની સામે મોટું રમતગમતનુંમેદાન હતું. અહીંના લોકો પણ રગબિ-ફૂટબોલના બહુ શોખીન છે. નવું સ્ટેડિયમ વિમાનમથકની પાછળ બંધાયું છે, પણ આ “તુપાપા” મેદાનમાં દર શનિ-રવિની બપોરે તો જૂથો આવી જ ચડે છે. ત્યાં જ નવુંનક્કોર એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ હતું. બગીચા જેવી પ્રફુલ્લિત શોભા પછી મોટી અદ્યતન ઇમારત દેખાય છે, જેમાં નૃત્ય-સંગીતને લગતા કાર્યક્રમોને માટે મોટું સભાગૃહ બનાવાયું છે. એને અંદરથી જોવાનો વારો ના આવ્યો, છતાં બધું જોઈને આનંદ થયો. સાવ શાંત ને એકદમ સ્વચ્છ સ્થાન કોને ના ગમે?

   છેલ્લે ફરીથી શહેરની દુકાનોની સામેની તરફનો રસ્તો વળોટી, દરિયાને જોતી બેઠી. થોડું વાંચ્યું છાંયડામાં. હવા પણ આરામપ્રદ હતી. જોકે પવન વધારે વાતો હોય તો સાંજ પડ્યે પાછું ઠંડું પણ થઈ જાય છે. શુક્રવારની સાંજે માર્કેટના ચોગાનમાં “ખાણી-પીણીનો મેળો” ભરાયો હતો. આ સાપ્તાહિક પ્રસંગની જાણ મને પ્રવાસીપત્રિકામાંથી થયેલી. પાંચેક વાગ્યે હું ત્યાં ગઈ. વચ્ચેના મંડપમાં સ્થાનિક સંગીત ચાલતું હતું. આસપાસ ટેબલો ને સ્ટેન્ડ પર ખાવાનું વેચાતું હતું. સ્થાનિક લોકો ઘેરથી બધું બનાવીને લાવેલાં. થોડા પ્રવાસીઓ હશે, પણ વધારે તો સ્થાનિક કુટુંબો જ ખરીદતાં ને ખાતાં હતાં. મેં એક સ્ટેન્ડ પરથી બે-ત્રણ શાક લીધાં. નામના પૈસામાં સારું એવું ખાવાનું મળ્યું. આટલાં વર્ષો પ્રવાસ કરતાં રહ્યા પછી હવે ભાવશે કે નહીં જેવો વિચાર પણ આવતો નથી. ચાખ્યા પછી ના ભાવ્યું હોય એવું પણ હવે બનતું નથી. જે જગ્યાએ જે મળે તે પર્યાપ્તજ લાગે.

   બસનું સમયપત્રક મેં જોઈ રાખેલું. શુક્રવારે છેલ્લી બસ છ વાગ્યાની હોય છે, ને તે પણ કાંટા પ્રમાણેની. સ્વાભાવિક રીતે જ એમાં ઘણી ભીડ થઈ ગઈ. ઉતારે પહોંચતાં કલાક થયો. શુક્ર અને શનિવારે રાતે દસથી બાર વાગ્યા સુધી ફરી બે કે ત્રણ બસ જતી-આવતી હોય છે, કે જેથી લોકો રાત્રીચર્યા માણી શકે. મારે તો એવું કરવાનું હોતું નથી, તેથી સાંજની જે છેલ્લી બસ હોય તે યથેષ્ટ લાગે !

   ઉતારે પહોંચી ગઈ પછી વરસાદની ઝરમર શરૂ થઈ. એ તો બહુ જ ગમે. મેં મને પોતાને કહ્યું, ભઈ, આ “કરવાનું કાંઈ નથી, પણ સમય સરસ જાય છે” – વળી જગ્યા પણ ગમવા માંડી ગઈ છે !

   શનિવારની સવારે રોજ કરતાં ઘણી વહેલી તૈયાર થઈ ગઈ. નવ ને છત્રીસની બસ લેવી હતી. આજે સવારે પેલા “પુનાન્ગા નઈ” માર્કેટ-સ્થળે હસ્તકળાની ચીજોનું હાટ ભરાશે એમ પ્રવાસીપત્રિકામાં વાંચ્યું હતું. બસમાં ચઢેલાં બધાં પ્રવાસીઓને આ જાણ હતી. ભરબપોરે ખુલ્લામાં નીકળવું કોને ગમે ?

   માર્કેટમાં પહેલી નજરે લાગે કે હસ્તકળા કરતાં ખાવાનું વધારે છે. પણ પછી ફરીએ તેમ બીજું બધું નજર પડે. આ ટાપુ પર “પારેઉ” કહેવાતાં, સ્ત્રીઓ દ્વારા લુંગીની જેમ વીંટાતાં વસ્ત્ર દ્વીપોચિત રૂપ ને રંગમાં વેચાતાં હતાં. ઘેરા રંગ હોય – ભૂરો, લાલ, પીળો, લીલો. નાળિયેરીનાં ઝાડ, દરિયા-કિનારાનાં દ્રશ્ય, હોડી, મોટાં જાસુદ ફૂલ વગેરે જેવી ડિઝાઈન એમનાં પર આલેખેલી હોય. પાછી બધાંને ખબર હોય કે એ અહીં તૈયાર નથી થતાં, પણ પ્રવાસીઓમાં પ્રિય આ વસ્ત્ર અન્યત્ર – ખાસ કરીને સોસાઈટી આઈલૅન્ડ્સમાંથીઆવે છે. અહીંથી હું ત્યાં જવાની હતી – જોકે મને સુંદર, પણ સર્વ-સામાન્ય આ રૂપ-રંગ વસાવવાનું જરાયે આકર્ષણ નહોતું.

   “પારેઉ”ની દુકાનો ઉપરાંત ટી-શર્ટથી ખીચોખીચ દુકાનો પણ હતી. એ બધાં તરફ મારે ખાસ જોવાનું નહોતું. પણ ત્યારે શેની તરફ જોવાનું હતું? થોડી કંઠી-બુટ્ટીઓ, થોડી ‘પોટરી’ – માટીનીચીજો. આ જળ-પ્રદેશ જેને માટે વિખ્યાત છે તે કાળાં મોતી લઈને પણ થોડાં જણ વેચવા બેઠેલાં. લાકડાંમાંથી ઘડેલાં મહોરાં ને પૂતળાં મને જરાય ગમ્યાં નહીં. મંડપની અંદર ગીત-સંગીત ચાલતું હતું, તે સાંભળ્યું. વળી, ઘણા સ્થાનિક લોકો આવેલા તેથી જગ્યા ભરેલી હતી.

(તાજાં ફૂલોનાં, રિવાજ પ્રમાણેનાં “આભૂષણો" પહેરેલી કૂક આઈલૅન્ડ્સની બે સ્મિતવદના સ્ત્રીઓ.)


   મોટા ભાગના પુરુષો ટૂંકાં પાટલૂન અને ટી-શર્ટમાં હતાં, ને સ્ત્રીઓ ક્યાં તો એવાં જ કપડાંમાં, ક્યાં તો ઢીલાં ફ્રોકમાં હતી. સાદો, રોજિંદો પોષાક; ને લગભગ બધાં પ્રવાસીઓ પણ એવા જ લાગે. હું તો પ્રવાસમાં પણ અશોભનીય પોષાક પહેરતી નથી. સાદો ભલે હોય, પણ સુઘડ તો હોવો જ જોઈએ. વળી, આ આખા જળસ્થળ પ્રદેશની લલનાઓ જેવી લાગું તે માટે છેલ્લાં ત્રણ કે ચાર વર્ષથી હું વાળ વધારતી રહેલી. ટૉન્ગા, સામોઆ, કૂક, સોસાયટી, તેમજ અન્ય દ્વીપદેશો પર કાળા, લાંબા, ઘટ્ટ વાળ સ્વાભાવિક હોય છે અને કદાચ સ્ત્રી-સૌંદર્યનું પ્રમાણ પણ ગણાતા હશે. પોલિનેશિયાના ટાપુઓ પર માથા પર તાજાં ફૂલોની લગભગ તો જાતે જ વણેલી ગોળ માંડણી મૂકવાની પ્રથા છે – વધારે સ્ત્રીઓમાં. એ નથી માળા,કે નથી વેણી; પણ માથા પર બેસે ને ટકે એવી પુષ્પ-રચના છે. જેને અહીંની ભાષામાં “એ-ઈ તિઆરે” કહે છે. આપણે “ફૂલોનો વર્તુળાકાર મુકુટ” કહી શકીએ. માર્કેટમાં ઘણી સ્થાનિક સ્ત્રીઓ તેમજ બે-ત્રણ પુરુષોએ ખૂબ સુંદર મુકુટ પહેરેલા હતા.

   મને ખરીદી કરતાં જોવામાં ને ફોટા લેવામાં વધારે રસ. એને અનુરૂપ આ ‘મેળો’હતો. પાસે જઈને ફોટો લેતી હોઉં ત્યારે પહેલાં પૂછી લઉં. કોઈ ના પાડે જ નહીં. દરેક સ્ત્રી હસીને ફોટો પડાવવા તૈયાર થઈ જાય. એક વૃદ્ધા વર્ષોની એમની પારંપારિક રીતિ પ્રમાણે સુંદર મુકુટ પહેરીની એકલાં ચૂપચાપ બેઠેલાં. એમને પૂછતાં સહેજ માથું હલાવી હા પાડી, પણ સ્મિત ના આપ્યું. ફોટા પડાવવામાં એમને હવે રસ નહીં હોય. જે ફોટો મળવાનો ના હોય એમાં રસ રાખવાનો પણ શું !

   એક ખુલ્લી ટ્રકમાં બેસીને એક યુવતી જરા સાદા, “અહેતે” કહેવાતા આવા મુકુટ બનાવી રહી હતી. નાળિયેરીનાં પાનની લીલી પટ્ટીઓ એની ચપળ આંગળીઓમાંથી પસાર થઈને અસાધારણ ગૂંથણી પામતી હતી. એક “અહેતે” એણે માથા પર પણ મૂક્યો હતો. હસતું મોઢું. હું ખસી ના શકી. એના ફોટા લીધા ને એની વારસાદત્ત કળા જોતી રહી. એક ક્ષણે અચાનક એવો વિચાર આવી ગયો, ને એવું મન થઈ ગયું કે તૈયાર થયેલાંમાંનો એક “અહેતે” મેં માથા પર ગોઠવી દીધો. ત્યારે ખ્યાલ આવે આ ફૂલપાનનો અપૂર્વ મુકુટ કેટલો ભારે હોય છે. તે રોજેરોજ આ પહેરીને બહાર નીકળનારાં ને કલાકો સુધી એને પહેરી રાખનારાં આવારુઆ શહેરમાં મેં જોયેલાં. ખૂબ સ્વાભાવિક ભાવે એ સ્ત્રીઓ ફરતી દેખાયેલી. પરસેવો પણ થતો હશે વાળ ને કપાળમાં, પણ અકળામણનાં કોઈ ચિહન એમનાં મોઢાં પર દેખાય નહીં.

   મેં “અહેતે” મુકુટ પહેર્યો એમાં તો જાણે મારો દર્પ વધી ગયો ! ના, ના, મારી ખુશીનો પાર ન રહ્યો. નજીકનાં બધાં પણ મારી સામે જોઈને ખુશ થતાં લાગ્યાં. એક-બે આગંતુક પરદેશી સ્ત્રીઓએ ડોકું હલાવીને કહ્યું : “બરાબર સ્થાનિક જેવાં જ લાગો છો.” વાહ,એ ઇચ્છા તો દક્ષિણ પ્રશાંતમાં આવતાં પહેલાં હતી, તે કેવી સરસસહજ રીતે પ્રાપ્ત થઈ હતી. કોઈને કેમેરા આપી મેં મારા બે ફોટા લેવડાવ્યા. કેવા આવશે તે કોને ખબર, પણ એ શિર-ભૂષા સાથેનું પ્રમાણ પણ પ્રાપ્ત કરવું હતું.

   “અહેતે” એને પાછો આપી, ત્યાંનાં બધાંને “આવજો' કહી હું નીકળી ગઈ. તડકામાં આમ દોઢેક કલાકથી વધારે ના રહેવાયું. સૂર્ય એવો તપ્ત-નગ્ન હતો કે હવામાન પણ રોજ કરતાં જુદું લાગ્યું. ગરમી આજે વધારે જ હતી. શહેરની દુકાનો તરફ જઈને એકાદ-બેની અંદર આંટો માર્યો. વાતાનુકૂલ ઠંડક હોય એટલે સારું લાગે, બાકી લેવાનું તો મારે કાંઈ હતું નહીં. રાતનું જમવાનું ઉતારાના રસોડામાં બનાવવા માટે સુપર માર્કેટમાંથી થોડાં શાક લઈ લીધાં બસ-સ્ટેન્ડ પર પહોંચીને લાગ્યું કે તરતની બસ ભરાઈ જવાની હતી. પછી ઊભાં રહેવું પડે. વળી, એ કાંટા પ્રમાણે જતી બસ હતી. આખા ટાપુ પર ફરતી, વારંવાર ઊભી રહેતી જવાની. જો બેસવા ના મળ્યું હોય તો કલાક એમ ના ફાવે. તેથી મેં અડધો કલાક રાહ જોઈને કાંટા વિરુદ્ધની બસ લેવાનું નક્કી કર્યું.

   દરિયાની સામે જઈને ઝાડ નીચેની બેન્ચ પર બેઠી. અતિશય પ્રકાશને કારણે એ પણ ઝગમગાટ લાગતો હતો. ચળકતા રંગ ઉપસેલા હતા – મધરાતી નીલ, વધારે ઘેરો પીરોજા, વચ્ચે વચ્ચે દેખાઈ જતો જળહરિત અને ‘લગૂન’નાં પાણીનો આછો ભૂરો. એનો એ, છતાં હરહંમેશ જુદો. હરહંમેશ અવનવો. પણ એ તો એ જ.

   પછીની બસ તો વળી આગલીથી પણ વધારે ભરાઈ ગઈ. શનિવારે સવારે શહેર બપોરના એક વાગ્યામાં બંધ થઈ જાય, એટલે બધાં પ્રવાસીઓ હોટેલો પર પાછાં જતાં રહે. કાંટા વિરુદ્ધની બસમાં રસ્તો ટૂંકો બને ને ઊતરવાનું જલદી આવી રહે, કારણકે બધી મોટી હોટેલો એ દિશામાં – રારોટોન્ગા ટાપુને પૂર્વ તથા દક્ષિણ કિનારે – આવેલી છે. બે જ બસ-રસ્તા. એક આમ જાય ને બીજી તેમ જાય. ત્રણ દિવસથી જ હું તો ફરતી હતી ને જાણે ટાપુ પર ગોળ ગોળ ફરતાં હોઈએ એવું લાગે. તો રહેનારાંનું, ને બસ-ચાલકોનુંશું થતું હશે ? જોકે કોઈના મોઢા પર થાક કે ખાસ કંટાળો વર્તાય નહીં.

   બધી સ્થાનિક સ્ત્રીઓ હસતી ના દેખાય, પણ બસના ચાલકો લગભગ હમેશાં હસતા તેમજ હસાવતા હોય. તે વિનોદી ટુચકા બોલતા રહે ને પોતાના ટચુકડા ટાપુ-દેશનાં વખાણ કરતાં રહે. મેં બેએક વાર કહ્યું કે હું ન્યૂયોર્ક શહેરથી આવું છું. હાજરજવાબી એવા કે તરત કંઈક “ઊંધું” ને હસવા જેવું સામે કહ્યું જ હોય. ત્રણ કે ચાર વાર કોઈ બસ લે તો લગભગ બધા ચાલકો જોવા મળી ગયા હોય. એ લોકો પણ ઘણાં પ્રવાસીઓને ઓળખી જાય. પછી તો વિનોદ પણ ફરી ફરી સાંભળવાનો આવે, ને જે પહેલી – ને કદાચ બીજી – વાર સાંભળતાં હોય એમને ઘણું હસવું આવે. છતાં ચાલકોને મળતાવડું વર્તન સારું તો લાગે જને.

   બપોરે સાડા ત્રણ પછી હું કિનારા પર ગયેલી. સફેદ તટ પર પડીને સર્વત્ર પ્રસરતો પ્રકાશ ને એની સફેદ ઉગ્રતા મારી દ્રષ્ટિ માટે અસહ્ય હતાં. હું આંખો ખુલ્લી રાખી શકતી નહોતી. પગ નીચે કચરાટ કરતી પરવાળાંની કરચો પર ક્યાંયે છાંયો નહોતો. નાળિયેરીના પડછાયા એમના પોતાનામાં પૂરા સમાયેલા હતા. પણ થોડે જ દૂર છાંયો હોય એમ લાગ્યું. હું એ દિશામાં ચાલી – આંખો પર હાથની છાજલી કરતી, પણ એમને ખુલ્લી રાખવા સફળ ના થતી ! ચાલવું પણ સહેલું નહોતું – દરેક પગલું ઘણો પ્રયત્ન માગતું, કારણકે ક્યાં તો પગ ફસકી જતો, ક્યાં તો કરચોના જથ્થામાં ખૂંપી જતો.

   જોરથી શ્વાસ-નિશ્વાસ ખેંચાતા-છુટતા રહ્યા. જેટલી વાર ઊંચું જોયું તેટલી વાર છાંયો વધારે દૂર ગયેલો લાગ્યો. આમ ને આમ દોઢ માઈલ જેટલું ગઈ હોઈશ. ત્યારે ઘડીક થોભીને પાછું ફરીને જોયું તો છાંયો હું આવી હતી તે તરફ, ને ત્યાં હતો. એ ક્ષણે મને સમજાયું કે છાયા-પડછાયા પણ ભ્રમ સર્જી શકે છે – મૃગજળની જેમ અને ખોટી આશા આપી શકે છે. કુદરતની આવી છલનાનો અનુભવ કદાચ આ પહેલી વાર મને થયો હશે. એ પછી એટલામાં તો થાકી ગયેલી હું ડહાપણપૂર્વક પાછી જ વળી ગઈ !

   ઉતારો જતી કેડીની નજીકમાં હાથમાંનો ટુવાલ ને ચંપલ મૂકી હું પાણી પાસે ગઈ. ‘લગૂન’માં પાણી ભરાયું હતું. એટલું તો નિર્મળ હતું એ, અને તપેલી ત્વચાને એવું તો આહલાદક લાગતું હતું. દર્શન સુંદર, સંવેદન સુંદર, પણ હતું છીછરું. જરા પણ લહેરી વગરનું, ને એથીયે ખરાબ તો તળિયે પરવાળાના મૃત પાષાણથી છવાયેલું એ પાણી હતું. મોટા ભાગના એ પાષાણ હતા સપાટ જેવા ને બહુ અણીદાર નહોતા. પણ ઊંચા-નીચા, અસમાન તેમજ લપસણા હતા. અહીં પ્રવાસીઓને કહેવામાં આવતું હોય છે કે બૂટ, ચંપલ કે સ્લીપર પહેરીને પાણીમાં જવું. મને પણ આની જાણ હતી, એમ કરવાનો વિચાર મને ગમ્યો નહોતો.

   હવે જયારે હું પાણીમાં ગઈ હતી ત્યારે એમાં પગ મૂકતાં જવાનું, છબછબિયાં કરવાનું કેટલું અશક્ય હતું તે મેં અનુભવ્યું. નહોતું પાણી સાથે રમત કરવાનું શક્ય, કે નહોતો એ ઝગમગાટ આંખોને સહ્ય. હવે તો મારી આંખો જ નહીં, મારા પગનાં તળિયાંમાં પણ ખૂંચતું ને વાગતું હતું ! હાથથી પાણી ઉછાળીને ભીનાં થઈ થોડી જ વારમાં હું બહાર નીકળી આવી.

   ઉતારે પાછાં જતાં પણ મને બરાબર દેખાતું નહોતું. એવાં અંધારાં આંખોને સંપૂર્ણ અનાવૃત્ત એવા જાજ્વલ્યને લીધે આવી ગયેલાં. મને થયું કે કૂક આઈલૅન્ડ્સમાં પાણીની અંદર જવાનું પ્રકરણ પૂરું થઈ ગયું હતું. હવે એ માથાકૂટ મારે ના કરવી જોઈએ. “કદાચ કરું પણ ખરી”, મનના કોઈ બીજા હિસ્સા પાસેથી જવાબ મળેલો. “એક વધારે વાર. કદાચ.”
* * *
   બીજા આગલા દિવસોથી કેટલો જુદો હતો આ દિવસ, મેં વિચાર્યું. આટલો તડકો, આટલું તેજ પહેલાં ભોગવવાનાં આવ્યાં નહોતાં. પણ સાંજે કદાચ ઠંડક થઈ જાય. એ પછીના કલાકો સુખદ બને પણ ખરા. થોડો વરસાદ પણ કદાચ થઈ જાય. વાસ્તવમાં, વરસાદ મને બહુ ગમે છે. હું એની રાહ જોયા કરતી હોઉં છું – ખાસ કરીને આવા ટાપુઓ પર – જયાં કોઈ પ્રવૃત્તિ ખાસ હોય નહીં, એટલેબેસીને વરસાદ પડતો જોયા કરવાનું બહુ ગમે. હું એકલી હોઉં ત્યારે મને તો એમ લાગે કે વરસાદ દ્વારા પ્રકૃતિ મારી સાથે વાત કરે છે. ખરેખર, એ રાતે વરસાદ શરૂ થયો ત્યાં સુધી હું જાગતી બેસી રહી. મારે કંપની જોઈતી હતી.

   બાકી અહીં હું ઘણી વહેલી સૂઈ જતી હોઉં છું. રાતે દસ વાગ્યામાં તો પથારીમાં હોઉં છું. શાંત, ધીમા, એકલા, અલસમય આ દિવસો એટલી બધી વિશ્રાંત આપી રહ્યા છે ! પછી તો રાતે ખૂબ વરસાદ પડેલો. જોરથી ફૂંકાતો પવન સંભળાતો હતો, પણ એથીયે મોજાં તો નહોતાં જ થતાં. ‘લગૂન’નું પાણી એ અનુભવથી વંચિત રહે છે.

   રાત દરમ્યાન બાજુના ઘરમાંથી બાળક રડી ઊઠ્યું. થોડી વાર કશુંક સંગીત વાગતું રહ્યું. ત્રણ વાગ્યે કૂકડો બોલ્યો. ચર્ચના ઘંટ સાડા ચાર વાગ્યે વાગવા શરૂ થયા. રવિવારની પહેલી પ્રાર્થના અહીં પ્રભાતે પાંચ વાગ્યે હોય છે. એમ તો પછી હું નવ વાગ્યા સુધી પથારીમાં રહી, પણ સરખી ઊંઘ નહોતી જ થઈ.
(ક્રમશ :...)


0 comments


Leave comment