14 - પ્રકરણ : ૧૪ - સૌથી સુંદર ટાપુ પર / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


બોરા બોરા ટાપુ (કવિતા)

જાદુ જેવી લીલા છે. આ સ્થાન વિષેની કુદરતની તો,
ધરતી છે જ્યાં લીલી, ને દરિયો પણ જયાં લીલો.

કિનારેથી ક્યાંય સુધી છે મરકત મણિનો રંગ,
પગ મૂકતાં તો ફરી વળે એ જાણે અંગે અંગ.
તરતાં-ફરતાં એને મનમાં છેક ઊંડેથી ઝીલો-
આ દરિયો ઝીલો લીલો.

કે હશે પછી એ તળિયે રહેતા કાચંડાની જાત-
જે બદલ્યા કરતો વર્ણ અનેક સૂરજનીસાથે સાથ? મોરપીંછ, ને ઝાંખો ભૂરો, મધરાતી ને નીલો–
આ દરિયો નીલો લીલો.

ઝીણાં ઝીણાં મોજાંની એવી તો મીઠી બાની,
ને પવન પણ ડાહ્યો-ડમરો, અહીંયા કશું નથી તોફાની.
રૂપ અનોખું, છાંયે બેઠાં, નયન ભરીને પી લો-
આ દરિયો પી લો લીલો.
   આ દેશ, કે જેનું નામ છે “સોસાયટી આઈલૅન્ડ્સ”, પણ એ ઓળખાય છે “ફ્રેન્ચ પોલિનેશિયા” તરીકે. એથીયે વધારે, દુનિયા એને “તાહિતી” તરીકે ઓળખે છે. ભઈ, તાહિતી તો દેશનો એક ભાગ છે. એની અંદરના ટાપુઓમાંનો એક છે. દેશનું એક માત્ર આંતરરાષ્ટ્રીય વિમાન-મથક તાહિતી ટાપુ પર છે. આખી દુનિયાનાં વિમાનો ત્યાં જ ઊતરે, એટલે બધાં પ્રવાસીઓ એ એક નામ સૌથી વધારે સાંભળે, જાણે ને યાદ રાખે. આ દેશમાં જઈ આવેલાં ઘણાને પણ એનું સાચું નામ શું એની ખબર નથી હોતી !

   તાહિતી પર સૌથી પ્રથમ પહોંચનાર હતા બ્રિટિશ કપ્તાન સૅમ્યુઅલ વોલિસ. ૧૭૬૭માં એમણે એના કિનારે વહાણ લાંગર્યું અને ઇંગ્લંડના રાજા જ્યોર્જ ત્રીજાને નામે એનો કબજો લીધો. પછી ૧૭૬૯માં વિખ્યાત આદ્ય-પ્રવાસી કપ્તાન જેમ્સ કૂક ત્યાં પહોંચેલા અને એમણે આ દ્વીપ-સમૂહને “સોસાયટીઆઈલૅન્ડ્સ”નું નામ આપેલું. એનું કારણ એ કે એમાંના મુખ્ય સાત ટાપુઓ ઘણા પાસે પાસે છે – જાણે કે એકમેકની કંપનીમાં છે, રહેવાસી કોઈ સોસાયટીમાં જેમ સાત બંગલા હોય તેમ. આ સાત તે તાહિતિ, બોરા બોરા, હુઆહિને, મોએરિઆ, રાઈઆતેઆ, તાહાઆ અને માઉપિતિ. હું પહેલા ચાર પર જવાની હતી, ને તાહિતિથી નીકળીને બોરા બોરા આવી ગઈ હતી.

   છેક દક્ષિણ છેડે માહિરા ભૂશિર પર નાના જેવા કમ્પાઉન્ડમાં ઉતારો “માએવા” આવેલો હતો. છ-સાત કમરાવાળું સાદું, પણ સુઘડ મકાન. નીચે બધાંને માટે સહ-સામાન્ય બેઠક-ખંડ અને રસોડું. પાણીતરફના મોટા વરંડામાં ટેબલ, ખુરશીઓ ને બેઠકો. એ જગ્યા કેટલી આવકારક ને આનંદદાયક હતી. ઉતારામાં બહુ ભીડ નહોતી. બીજાં ત્રણેક યુગલ હશે. બધાં ફ્રેન્ચ હતાં. આ ટાપુ પર ફ્રેન્ચ ભાષાનો જ વધારે વપરાશ છે. મોટી હોટેલમાં કામ કરનારાં થોડાં જણ સિવાયસ્થાનિક લોકો અંગ્રેજી બોલતાં કે જાણતા નથી.

   સવારે સવા ચારની ઊઠેલી એટલે પહેલાં તો બેએક કલાક ઊંઘી ગઈ. પછી ચાલતાં સાતેક મિનિટ દૂર આવેલી નાની દુકાનમાં દૂધ, બ્રેડ વગેરે ખરીદવા ગઈ. અહીં આ એક જ માર્કેટ હતી. એમાં જે મળે તે ખરું. વળી, બંધ પણ બે વાગ્યામાં થઈ જાય. આ કામ પત્યું એટલે હવે હું સમુદ્રને માટે તૈયાર હતી. ઉત્સુક હતી.

   આખા ફ્રેન્ચ પોલિનેશિયામાં જે સુંદરમાં સુંદર સાગરતટ ગણાય છે તે આ બોરા બોરા ટાપુ પર હતો –ને તે પણ પાછો માતિરા ભૂશિર પર. મારા ઉતારાથી ડાબે જતાં ત્રણ મિનિટમાં આવે. એક રિઝોર્ટ - હોટેલનો જે તટ હતો તે જ તરત “જાહેર તટ” બનતો હતો. એના પર એક મોટો લંબચોરસ મંડપ બાંધેલો હતો. એનાં પગથિયાં પર બેસો તો છાંયડો મળે, અને જળનો નિબંધ, અતીવસુંદર દ્રશ્યપટ દેખાય. પણ હું તો ખુલ્લા પગે રેતીમાં ચાલી. હાશ, આખરે સુંવાળી સફેદ વેળુ તળિયાને સ્પર્શતી હતી; પોચું મખમલી સંવેદન પમાડતી હતી. છેવટે પાણીની કંઈક પણ હલચલવાળો કિનારો આવી મળ્યો હતો. પાણી સંપૂર્ણપણે પરિષ્કાર હતું, અને એમાં પગ મૂક્યો તો સંપૂર્ણપણે આહલાદક હતું. એના રંગો ખરેખર અકથ્ય,અવર્ણનીય હતા.

   દક્ષિણ પ્રશાંત મહાસાગરના જળને માણવાની લાંબા કાળની ઇપ્સાને થોડી વાર સંતોષી હું ઉતારે ભાગી, કૅમેરો લીધો ને પાછી તટ પર ગઈ. પાંચ મિનિટ પણ દૂર નહીં. આહ, કેવી મઝા ! પણ આવતી કાલ સુધી ફોટા લેવાની રાહ હું જોઈ ના શકી. આજે ને હમણાં જ જડી દેવાં હતાં એ જળ-દ્રશ્યોને મંત્રમાં. પછી કિનારેથી દૂર સુધીના દરિયાના ફોટા લીધા. પછી હાથમાં કૅમેરો સાવધાનીથી પકડી, ઘૂંટણ સુધીના પાણીમાં ગઈ, ને દરિયામાંથી કિનારાના ફોટા લીધા. એમાં તટ પરની ત્રણ-ચાર તન્વી નાળિયેરી, મંડપ પરનું સૂકી તાડપત્રીનું છાપરું, સફેદ રેતી ને પાછળ રહેલા ઊંચા પર્વતો આબદ્ધ થયાં. પછી કૅમેરો ટુવાલ સાથે મંડપના પગથિયા પર મૂકી બીજી વાર દરિયામાં નહાવા ગઈ.

   થોડી વાર પછી પરાણે બહાર નીકળી કિનારે ચાલી. સૂર્યની શુભ્રોજ્જવળ આભા સફેદ રેતી પરથી પાછી ફેંકાતી હતી – આંખો પર. નામનાં કહેવાય એવાં ઘેરા વાદળ પાછળ એ ગયો ત્યારે નિરાંત લાગી. વળી ત્રીજી વાર સાગરથી આહુત થવા અંદર ગઈ – જાણે ધરવ જ નહોતો થતો ! તે વખતે એક કાવ્ય સ્ફુરવા માંડ્યું. આનંદનો તો પાર નહીં. પંક્તિઓ રચાતી ગઈ તેમ હું એમને વારંવાર રટતી ગઈ – રખેને ભુલાઈ જાય. અંતે, સમુદ્રથી મંત્રમુગ્ધ અને સુયોગ્ય શબ્દોથી ધન્ય બનતી જતી હું ઉતારે ગઈ. ચોખ્ખા પાણીથી નાહી, તૈયાર થઈ, આનંદિત ને સંતુષ્ટ હું વરંડાના ટેબલ પર બેસી સાગરને જોતાં જોતાં એની જ પ્રશંસાનું કાવ્ય લખતી રહી.

   આ પ્રક્રિયાએ પ્રાણમાં એવાં સ્પંદન સર્યો કે આ દેશના ચારેય ટાપુઓને માટે એક એક કાવ્ય લખવાનો નિર્ણય કર્યો. પ્રેરણા અને કલ્પન એ સ્થાનો જ પૂરાં પાડતાં રહ્યાં.

   ઉતારાના બેઠક-ખંડમાં રાખેલા એક પુસ્તકમાં આ બોરા બોરા ટાપુ માટે કેટલીક સરસ માહિતી જોઈ : સદીઓ પહેલાં અહીંની મૂળ પ્રજા એને “વાવાઉ” અને “માઈ તે પોરા” – એટલે કે “અંધકારમાંથી જન્મનાર” તેમજ “દેવો દ્વારા સર્જત” જેવાં નામોથી ઓળખતી હતી. આ ટાપુ જૂનામાં જૂનો ગણાય છે. એક પ્રાચીન માન્યતા પ્રમાણે આ ભૂમિ સૌથી આગળ જળના ઊંડાણમાંથી ઉત્પત્તિ પામી હતી. નવમી સદીથી આ પ્રજા પોલિનેશિયાના ટાપુઓ પર, અને પ્રશાંત મહાસાગરમાં અન્યત્ર જતી-આવતી રહી હતી. એમાં રાજાઓ ને જાતિનાયકોની પ્રથા ક્યારથી શરૂ થઈ તેની પ્રમાણપૂર્વકની જાણ નથી; પણ વાયકા છે કે એમના પ્રથમ રાજાનો જન્મ “એક પાષાણ તથા એક ખડકની વચ્ચેના “પ્રેમ-સંબંધથી” થયો હતો. સ્પષ્ટ છે કે આ કારણે જ એ રાજા એક અજેય યોદ્ધો હતો. ૧૭૬૯માં કપ્તાન કૂક તાહિતી પહોંચ્યા ત્યારે ત્રણ જાતિ-જૂથોની વચ્ચે લડાઈ-ઝગડા ચાલી રહ્યા હતા. ૧૮૮૮માં રાણી તેરીઈ માએવારુઓ દ્વારા બોરા બોરા ટાપુ ફ્રેન્ચ સત્તાને ભેટ અપાયો. કદાચ આ શરૂઆત હતી. એક પછી એક અન્ય ટાપુ પણ આ પરિણામ પામ્યાં, ને એમ કરતાં આખો દેશ ફ્રેન્ચના કબજામાં ગયો.

(અત્યંત સુંદર બોરા-બોરા ટાપુ પરનો શાંત, સ્વચ્છ એક સાગરતટ.)


   બોરા બોરા ટાપુ સાવ નાનો છે. માંડ પચીસ માઈલ લાંબો રસ્તો એની આસપાસ ફરી વળે છે. સાઇકલ પર જાઓ તો ચાર કલાકમાં પ્રદક્ષિણા કરી લેવાય ! ટાપુનો આકાર બહુ અવળસવળ છે. વધુમાં વધુ લંબાઈ છ-સાત માઈલ હશે ને વધુમાં વધુ પહોળાઈ ત્રણ માઈલ પણ નથી. કેન્દ્ર-ભાગમાં ઊંચા લાગતા પર્વતો અને જંગલ લાગે તેવી ગીચ વનસ્પતિ ! આ ટાપુ મધદરિયેથી ઊઠતાં પ્રચંડ વાવાઝોડાંમાં પણ સપડાતો રહેતો હોય છે. ૧૯૯૭માં અહીં ખૂબ તારાજી થયેલી: મારાવાળા ઉતારાનું મકાન પણ બચ્યું નહોતું. એનો ઘણો ભાગ તૂટી પડેલો. એ ફોટા બેઠક-ખંડમાં લટકાવેલા હતા. પ્રશાંત તેમજ ઍટલાન્ટિક સમુદ્રોમાંના ઘણા ટાપુઓ પર વાવાઝોડાં ને ઝંઝાવાતો ચઢી આવતાંહોય છે. વર્ષના અમુક મહિના આવી કુદરતી આફતો માટેની ઋતુ ગણાય છે. ઑક્ટોબર ને નવેમ્બર આ બધે મુસાફરી માટે અનિશ્ચિત ગણાય ને ક્યારેક જોખમી પણ બને. હું એ જ મહિનાઓમાં દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં યાત્રાએ નીકળી હતી. આ ચિંતા મારા મનમાં પહેલેથી જ હતી. પણ આટલું ફર્યા પછી હવે લાગે છે કે આ વર્ષે આ ઋતચક્ર જરા અનિયમિત થયું છે – મારા સારા નસીબે !
* * *
   આ ટાપુઓ પર સાંજ સરસ શાંત ને શીતળ બની જતી હોય છે. આજના સાંધ્ય આકાશમાં ત્રીજનો ચંદ્ર મલકી રહ્યો હતો. પણ પછી વરસાદ પડવા માંડ્યો – ઓચિંતો, ધોધમાર અને રોમાંચક. આવી સુંદર જગ્યા હોય, આવું હર્ષકર વાતાવરણ હોય ત્યારે પરસ્પર કોણ ના હળે-મળે ? ઉતારા પરનાં ફ્રેન્ચ પ્રવાસીઓ મારી સાથે વાતો કરવા લાગેલાં. એક મોટી ઉંમરની સ્ત્રી સિવાય. એનું મોઢું ચઢેલું ને સ્મિત વગરનું જ રહ્યું. એના આધેડ, વાળ વગરના, મોટા પેટવાળા પતિ બહુ હસમુખા હતા. એમને મારે માટે બહુ કૂતુહલ હતું, પણ પત્નીથી થોડા ગભરાતા લાગ્યા. આ બધો ખ્યાલ તરત આવી ગયો, તેથી હું એ પૂછે એનો જવાબ આપતી, પણ વાત શરૂ કરતી નહીં. ઘણી વાર પાછલી સીડી પરથી ઊતરીને બહાર ચાલી જતી.

   બીજું એક નવ-પરિણીત યુગલ હતું, અને કરીમ નામનો મૃદુ સ્વરે વાત કરતો મૂળ સિરિયાનો ફ્રાન્સમાં રહેતો યુવક હતો. એ ત્રણ સાથે સહજ વાતો થઈ જતી. અમારે બધાંને બૂટ-ચંપલ મુખ્ય બારણાની બહાર કાઢવાં પડતાં. અહીં એ રિવાજ બધે જોયો – ઘરમાં, આવી નાની ધર્મશાળાઓમાં ને ઘણી વાર દુકાનોમાં પણ. ખરીદવા જનારાં પણ પગરખાં ઉતારીને અંદર જાય. આપણને તો આ પરિચિત લાગે, પણ આ ઇલાકામાં અહીં પહેલી વાર જોયો.

   રસ્તાની સામે એક દુકાન હતી. એમાં કપડાં વેચાતાં હતાં. ત્યાં કામ કરતી છોકરી તરત વાતો કરવા લાગી ગઈ. પછી ફોનની ઘંટડી વાગી તો એણે વાગવા દીધી. ઉપાડ્યો નહીં. કહે, “ઘરાક સાથે હોત તો ના જ ઉપાડતને !” એનું નામ પૅટ્રિશિયા હતું. સરસ મોઢું હતું. મળતાવડી હતી તેથી જાણે વધારે દેખાવડી બનતી હતી. દક્ષિણ પ્રશાંતના જળ-સ્થળ-પ્રદેશમાં ફરતાં બે-ત્રણ વાર મને પ્રશ્ન પુછાયા હશે – “છોકરાં છે?”, “કેટલાં છે?” પણ પરણેલી છું કે નહીં તે કોઈ પૂછતું નહોતું. પૅટ્રિશિયાએ પણ છોકરાં વિષે જ પૂછ્યું. મેં પછીથી એને પૂછ્યું કે, “તું પરણેલી છે?”, “ત્યારે એણે ના પાડેલી. પછી કામના કલાકો, એની માતા, શનિવારની મિજબાની વગેરે વિષે વાતો કરતાં એણે સ્વાભાવિક રીતે જ બાળકનો ઉલ્લેખ કરેલો ને ઉમેરેલું કે, “એને લીધે હું બહુ વ્યસ્ત ને હંમેશાં ઉતાવળમાં રહેતી હોઉં છું.”

   હવે મને સમજાયું કે દ્વીપ-પ્રજામાં પરણ્યા વગર બાળક હોવંહ સ્વાભાવિક ગણાય છે, સ્વીકાર્ય છે અને કદાચ અપેક્ષિત પણ હશે. ઉપરાંત, પરણવું – પતિ મેળવવો – તે વધારે અઘરું છે. પૅટ્રિશિયાએ પણ આવું જ કહેલું. પછી કહે, “રવિવારે સવારે આઠથી નવ ઘણાં જણ ચર્ચની પ્રાર્થના-ઉપાસનામાં જાય છે. પછી કોઈ “મોતુ” – પાતળી ટાપુ-પટ્ટી – પર જાય છે. ત્યાં દરિયો, રેતી, સૂરજ, ખાણીપીણી ને મોજમજા. ઘણાં જણ ખૂબ દારૂ પી લે છે. પછી છાકટા બને છે, નશામાં એવા ભાન ભૂલે કે મારામારી કરવા લાગે છે. તો ચર્ચમાં જવાનો અર્થ શું?”

   મેં પહેરેલી વીંટીઓ ને બુટ્ટીઓ એને બહુ ગમી ગયેલાં. મને કહે, “તમારી પાસે બીજું શું શું છે? મને બતાવોને.” હું ઉતારે જઈને જે થોડું સાથે હતું તે એને બતાવવા લઈ આવેલી. એકબે કંઠી હશે, ચાવીનો નાનો ઝૂડો, ઝાંઝર, બાંધણીની ઓઢણી જેને હું સ્કાર્ફ તરીકે વાપરતી હતી – એવું બધું. ભારતની વસ્તુઓ જોવાની એને બહુ મઝા આવી. મને બતાવવાની! પાંચ વાગ્યે દુકાન બંધ કરી પૅટ્રિશિયા ઘેર જતી રહી. મારે તો સાગરનો ને એના કદિ નહીં જોયેલા વર્ષોનો સંગ હતો.

   રાતના સાડા દસેક વાગ્યે હું ચાલવા નીકળેલી. ઘેરી અંધારી રાત હતી. આકાશમાં તારા દેખાતા હતા. આવું દુષણ વગરનું અવકાશ હવે ક્યાં જોવા મળે સહેલાઈથી? રસ્તો તદ્દન ખાલી ને શાંત હતો.જરાક આગળ, સામસામેનાં બે ઘરમાં લોકો મિજબાની માટે ભેગા થયેલા લાગતા હતા. વાતોનો, સંગીતનો ધીમો અવાજ મારા સુધી પહોંચતો હતો. ડાબી બાજુના ઘરમાં વધારે જણ હશે ને દારૂ પીતા પણ હશે, કારણકે મોટેથી હસવાનું સંભળાતું હતું. જમણી બાજુના ઘરના કમ્પાઉન્ડમાં ત્રણેક માણસ બેઠેલા દેખાયેલા. એમાંનો એક ગિતાર વગાડતો હતો. એણે ગાવાનું શરૂ કર્યું ત્યારે એક સ્ત્રી સાથે જોડાયેલી. કાનને બહુ સારું લાગ્યું. પોલિનેશિયન ગીતો હશે, તે પણ અસલ ને વારસાગત. આગંતુકોના મનોરંજન માટે હોય તેવાં કૃત્રિમ નહીં.

   એમનું ગાવાનું ઘણું લાંબું ચાલ્યું. મધરાતથી પણ મોડે સુધી. મને મારા રૂમમાં રહ્યું રહ્યું આછું આછું સંભળાતું રહેલું. ગમેલું પણ ખરું. એથીયે મોડે વરસાદ જેવું લાગેલું – કે પછી એ સૂસવાટા મારતો પવન હશે ? રૂમમાં એક-બે મચ્છરો ઊડતા-ગણગણતા રહેલા. એનું મારણ મેં પ્લગમાં ભરાવેલું, પણ એની અસર એ મચ્છરો પર થઈ નહોતી.

   સવારે સાડા આઠમાં તો સૂર્ય ઉગ્ર બની ગયેલો હતો. પ્રકાશ આંખો આંજતોજતો હતો. કમ્પાઉન્ડને છેડે ઊભી રહીને હું દરિયાને જોતી હતી. એના પાણીના રંગો માટે અસંભવિત લાગે તેવા શબ્દો વાપરવા પડે – લીલચટ્ટો, મરકત મણિનો, મોરપીંછ, ઝાખો ભૂરો, મધરાતી ને નીલો ! ડાબી બાજુએ માછીમારની નૌકા પર અસંખ્ય દરિયાઈ પંખી બેઠેલાં. એ પણ અવનવું દ્રશ્ય બનતું હતું. એ બાજુ સ્થાનિક માહોલ હતો. જમણી બાજુએ ફેન્સી હોટેલની “પ્રોપર્ટી” હતી. દરિયો અને કિનારો કોઈની માલિકીનો કઈ રીતે થતો હશે? હું ઉતારાની સીમાની પાળી કૂદી હોટેલના “પ્રાઈવેટ” હિસ્સામાં ચાલી. પાણીમાં લાંબો મંચ બનાવી, એની બે તરફ કુટિર જેવા જળ-કક્ષ બાંધેલા હતા. પાણી પર તરતા હોય એવું લાગે. મેં ફોટામાં આવી કુટિરક્ષેણિ જોયેલી ને નરી આંખે જોવાનો બહુ શોખ હતો. બોરા બોરાના વિમાન-મથક પરથી જ એક આવી કુટિર-પંક્તિ જોવા મળેલી. એના ફોટા લીધેલા. હવે આના લીધા. હોટેલની “પ્રોપર્ટી”ની રેત પર ગોઠવેલી ત્યારે સાવ ખાલી રહેલી, આરામ-ખુરશીઓનો ફોટો “કળાત્મક” કહેવાય તેવો આવ્યો !

(મોઓરિઆ ટાપુ પર આવેલી એક મોઘી, તદ્દન અઘતન,“તરતી હોટેલ”ની કુટિરો.)


   સૂરજને સંતાકૂકડી રમવા માટે જરા જેટલાંયે વાદળ નહોતાં. પાણી પાસે ચાલી, એની સામે જોયા કર્યું, પણ અંદર જવાનો લોભ રોક્યો. થયું કે બપોર પછી ચાર-પાંચ વાગ્યે તડકો નમતો થયો હશે. પણ ચાલવા જવાનો નિર્ણય તો લીધો જ. ટાપુના પૂર્વ કિનારે ઉત્તર તરફ. તે બાજુ હું હજી ગઈ નહોતી. ગઈ તો થોડો વધારે ભાગ જોવા મળ્યો. વનસ્પતિ, પહાડ, દરિયો – થોડાં વધારે કઠોર તડકાથી કંઈક વધારે બચાવ મેળવવા મેં છત્રી ખોલી. ફક્ત હેટ પૂરતી નહોતી પડતી. વળી, વાળમાં પરસેવો તો થયા જ કરે. છત્રી પકડીને હાથ દુઃખી જાય, પણ સાથે પોતાનો છાંયડો તો રહે.

   હું ઝાડનો છાંયડો શોધતી રહેતી હતી, પણ એ બહુ મળતા નહોતા, કારણકે રસ્તો સીધો નહોતો જતો. હું “એક વળાંક વધારે”, “એક બીજા છાંયડા સુધી” કહેતી કહેતી જાતને આગળ ધપાવ્યે જતી હતી. થોડાં સ્થાનિક ઘર દેખાયાં, પણ વધારે તો અદ્યતન રિઝોર્ટ હોટેલો હતી. મોટાં કમ્પાઉન્ડ અને જાસૂદના છોડની એવી ઊંચી, જાડી વાડ કે એમનાં મકાન ના દેખાય અને પાણીની ઝલક પણ ના મળે. બધાંના દરવાજે પહેરેગીર. અંદર જનારાં મોટરમાં જ આવવાનાં. એક ચાલીને ફરનારા જણની કોઈને પડી ના હોય.

   એક વળાંકેથી દરિયો જ્યારે દેખાયો ત્યારે કિનારો જરા પણ સારો નહોતો. સરી ગયેલી ઓટની નિશાનીઓ એના પર વિખરાઈ પડી હતી – ઘાસ, તૂટેલાં ડાળખાં, સૂકાં નાળિયેરનાં છોડાં, રેતી પર કાદવિયાં ચાઠાં. મારા ઉતારા પાસેનો કિનારો તો કેટલો સરસ છે ! વાહ, કેવી નસીબદાર બની હતી હું!

   આમ ને આમ ત્રણેક માઈલ ચાલી હતી. જરા વાર બેસવા જેવી એક પણ જગ્યા મળી નહોતી. છેવટે એક કિનારે રેતીમાં ઊગેલી નાળિયેરીના છાંયામાં એક પથ્થર પર બેઠી. જરા શ્વાસ ખાવા, જરા હવા ખાવા. ત્યાં વળી સહેજ હવાની લહેરખી હતી. બાકી બધે – હોટેલોની ઊંચી વાડ અને ગીચ જંગલ જેવા ઢોળાવોની વચ્ચેથી પસાર થતા રસ્તા પર – હવાનું નામ નહોતું. ઘણો બાફ હતો. પછી ક્લાંતિ લાગે જને. બે કલાક આમ ગાળ્યા પછી હું પાછી ફરી. ઉતારે હાથમોઢું ધોઈ પાછલા વરંડામાં બેઠી, ત્યાં ફરફરતા પવનથી મનને સ્મિત પાછું મળ્યું.

   બોરા બોરાના નકશામાં સાગર-સ્નાનને લાયક ત્રણ કિનારા બતાવાયા છે. એમાંના સૌથી સારા કિનારાની સાવ પાસે હું રહી છું. વરંડામાં બેઠાં બેઠાં સાગર સરસ દેખાતો હતો. પાણી આંખને જ નહીં, મનને પણ આંજી દઈ રહ્યું હતું. શું એનું રૂપ, શું એના રંગ અપારદર્શક મોરપીંછ જેવો, ઘેરો પીરોજા અને વચ્ચે વચ્ચે લગભગ ઑલિવ – લીલા રંગના પટ્ટા. ફોટાઓમાં ફ્રેન્ચ પોલિનેશિયાની જે છબી ઊપસતી, જાહેરાતને માટે છપાતી જોઈ હતી તે અહીં સાચી પડતી જોવા મળતી હતી.

   મારે કોઈ પર્યટન પર કે અન્ય “મોતુ” પર ઉજાણી માટે જવું નહોતું. મારા મનમાં જેની શોધ હતી તે આ હતું, અહીં જ હતું – રહેવા માટે ઘરની હૂંફવાળી જગ્યા; અત્યંત સૌંદર્યમંડિત દ્રશ્ય, કે જ્યાં પાણી અને પવનની વચ્ચે સુસંગતિ હતી; જયાં સૂર્ય-કિરણ નિખરતાં –હસતાં રહેતાં હતાં, ને નડતાં નહોતાં તેવો આ વરંડો. ફ્રેન્ચ પોલિનેશિયાના ભ્રમણ અંગેનું મારું સ્વપ્ન આ જ સર્વનું બનેલું હતું. એ સ્વપ્ન અહીં જ તાદ્રશ થયું હતું, સંપૂર્ણ થયું હતું. બીજે ક્યાંય જવાની જરૂર હવે રહી નથી. આ પર્યાપ્ત છે, અતિ-સુખદ છે.
* * *
   પરિવર્તિત, સ્પંદિત, પ્રભાવિત જળ-વર્ણોને જોતી જોતી હું ત્યાં બેસી રહી. થોડું વાંચ્યું. વચમાં વળી પ્રેમનાં, અગમ્ય તલસાટનાં ગીતો ગાયાં – સાગરને ઉદ્દેશીને જ તો. જાણે મઝધારના ઊંડાણની ઝંખના હતી જીવને, સુદૂરને માટે આતુરતા હતી મનમાં.

   પછી જ્યારે વધારે વાર દૂર ના જ રહેવાયું ત્યારે હું ત્રણ મિનિટ દૂરના જાહેર કિનારે ગઈ. સૂરજના તેજનો સુમાર નહોતો. આકાશના અન્ય હિસ્સામાં રાખોડી વાદળની થોડી જમાવટ હતી. મેં એમને વિનંતી કરી. ખરેખર એમણે ખસી આવીને સૂરજને ઢાંક્યો પણ ખરો. અડધો કલાક મને સરસ સહ્ય, સીમિત પ્રકાશ મળ્યો. મને એ ખ્યાલ પણ આવ્યો કે સવારથી વહેલી બપોર સુધીનો સમય કદાચ સૌથી સારો હતો, કારણકે ત્યારે પાણીમાં નાનાં મોજાં બનતાં હતાં. આ મોડી બપોરે પાણી લગભગ સ્થિર હતું – જાણે સુસ્ત અને અન્યમનસ્ક હતું. દરિયાઈ કચરાના ઝીણા ટુકડા ક્યારેક સપાટી પર દેખાતા હતા. પણ પાણી અસંભવ-સ્વચ્છ હતું. એકદમ પારદર્શક.

   એના વિવિધ રંગ દૂરના દૂર રહેતા હતા, ને વીંટળાઈ વળતું નિકટનું પાણી હવાના રંગનું હતું. પગની નીચેનું તળિયું ને એની રેતી એટલાં સ્પષ્ટ જોઈ શકાતાં હતાં જેવી તટ પરની રેતી હતી. આપણે ડૂબી જઈએ ત્યાં સુધી – એટલે કે છ ફીટ તો ખરું જ – તળિયું ચોખ્ખેચોખ્ખું દેખાયા કરે. એ સમયે છ-આઠ સ્થાનિક લોકો અને દસ-બાર પ્રવાસીઓ સાગરને માણતાં હતાં. સારું થયું કે મેં વધારે રાહ ના જોઈ. મોડેથી કદાચ કોઈ ના હોય, ને સાવ એકલાં પાણીમાં જવાનું વિચિત્ર લાગ્યું હોત.

   સાંજ સૌમ્ય ને પ્રસન્નકર હતી. સૂર્યાસ્ત જોઈ શકાય એ માટે બાજુના એક વળાંક પર આવેલી ચીની રેસ્ટોરામાં જઈને બેઠી. જેચીની સજ્જન ત્યાંના માલિક હતા તેમને મારા જેવી દેખાતી – એટલે કે અશ્વેત, ભિન્ન વ્યક્તિ જોઈને નવાઈ લાગેલી. મારે વિષે (અનુમેય) પ્રશ્નો પૂછ્યા પછી એમણે પોતાને વિષે કહેલું. એ પોતે તો બોરા બોરા પર જન્મ્યા હતા. પણ એમનાં માતા-પિતા પચાસ વર્ષ પહેલાં હોન્ગકોન્ગથી આવીને અહીં વસ્યાં હતાં. એમનાં પત્ની મલેશિયાનાં ચીની હતાં, કોઆલાલમ્પુરમાં જન્મેલાં ને મોટાં થયેલાં. મને એમણે સારો શાકાહારી ભાત બનાવી આપ્યો, પણ સાંધ્ય સૂર્યને તો લગભગ છેલ્લી ઘડીએ વાદળો આવીને ગ્રસી ગયાં !

   જમી લીધા પછી એ જ દિશામાં હું આગળ ચાલી. લાંબા વળાંક પર કિનારો પણ અર્ધ-ચંદ્રાકારે હતો ને સરસ દ્રષ્ટગત થયેલો હતો. અહીં કેટલાક માઈલો સુધી ફેન્સી હોટેલોની હેરાનગતી નથી. બબ્બે રસ્તાની સામેની બાજુએ સ્થાનિક ઘરોની હાર છે. દરેકનાં સદસ્યો આગલા વરંડામાં બેઠેલાં હોય. ત્યાં ઠંડક હોય, સાંજની હવા હોય અને દરેકના બેઠક–ખંડમાં ટેલિવિઝન ચાલુ હોય. એ કમ્પાઉન્ડ નાનાં હતાં તેથી ચાલતાં ચાલતાં સહેજ નજર કરવામાં પણ આટલું જણાઈ આવે. રહેઠાણ હતાં તેથી રસ્તા પર બત્તીઓ હતી ને કદાચ વસ્તીને કારણે જ હવામાં કહોવાતા ઉકરડાની ગંધ હતી. કચરો નાખવાનાં ઘણાં પીપ ઘરોની નજીકમાં રસ્તા પર હતાં. એમાં વધેલું-ખવાઈને બાકી રહેલું શું યે નાખવામાં આવ્યું હશે – માંસ, મચ્છી – કોને ખબર.

   આ બધાંથી દૂર જઈ કિનારા પર ઊંધી પડેલી એક હોડી પર હું બેઠી. લહેરીઓનો મૃદુ રવ સાંભળ્યો, ને એક પછી એક ખીલી આવતા તારાઓને ગાઈ ગાઈને આવકાર્ય ! આનંદિત થવા માટે કેટકેટલાંનો સાથ જોઈએ ? એ પ્રક્રિયા અંતર્ગત હોય છે અને સભર એકાંતમાં ઉત્તમ રીતે સિદ્ધ થાય છે. ઘણાં વર્ષોથી વિધાતાએ મને અંદરખાને આનંદ અને કૃતાર્થતાના અનુભવ આપ્યા કર્યા છે. સમય સહેલો તેમજ કઠિન રહ્યો છે, હૃદયને આગમનના ઉત્સાહ તથા વિદાયના કષ્ટની જાણ થતી રહી છે. ક્યારેક – જાણે અકારણ હૃદય ઉદાસ બને છે, આંખો ભરાઈ આવે છે ને હું સમજવા મથું છું કે એમશા માટે થાય છે. શા માટે ?
   આવાં સંવેદન હજી પણ મારે પોતાને માટે પણ રહસ્ય જેવાં થઈને રહે છે. એ પણ આપણા હાથમાં ક્યાં હોય છે? બધો સંચારસ્વત્વની બહારનું કોઈ ગેબી તત્વ જ કરતું હોય છે ને?

   બોરા બોરા છોડીને અન્યત્ર જવાનો સમય આવી ગયો. ઉતારેથી મિનિ-બસ લઈને વાઈતાપે જવાનું. ત્યાંથી નૌકા લઈ, ‘લગૂન’માં થઈને વિમાન-મથકવાળા “મોતુ” પર પહોંચવાનું. વળી પાછો માઉન્ટ ઓતેમાનુ ઉન્નત-શિર બનતો હતો. ટિકિટ ને સામાનનું પતાવી કૉફી ખરીદી બોરા બોરાની સુંદરતા જોતી, યાદ કરતી હું બેઠી. એકલાં મને ઘણું ગમે છે. હવે તો એ સ્વભાવનું મુખ્ય અંગ બની ગયું છે, પણ બીજાં જે રીતે મને જોતાં લાગે તે પરથી થાય કે એમને બહુ નવાઈ, શંકા ને પ્રશ્નો થતાં હશે – “કોણ છે આ જુદી જાતની વ્યક્તિ? શું કરતી હશે એ એકલી ? મઝા આવતી હશે ખરી એને ?”

   કોઈ પૂછે તો જવાબ જરૂર આપું છું, પણ સમજાવી નથી શકતી. ખાતરી કરાવી નથી શકતી કે “હા, હા, મને બહુ મઝા આવતી હોય છે.” જાત સાથે મારે સંઘર્ષ નથી એટલે ક્ષણોને, સંવેદનોને સમગ્ર રીતે સંપૂર્ણતાથી પામી શકું છું.

   બોરા બોરાની ઉપરના આકાશમાં જઈ વિમાન એથીયે નાના તાહાઆ અને રાઈઆતેઆ ટાપુ દેખાય તે રીતે દક્ષિણ તરફ ઊડ્યું. ખુલ્લા દરિયા પર આવી એ પૂર્વ તરફ વળ્યું હશે, ને એટલામાં તો એ વાદળોમાં સમાઈ ગયું હતું. પંદરેક મિનિટ થઈ હશે, ને ફરી ઊતરવાનો સમય થઈ ગયો ! કેટલું ટૂંકું હતું બોરા બોરાથી હુઆહિને ટાપુ વચ્ચેનું હવાઈ અંતર !

   આ હુઆહિને ટાપુ પણ કેન્દ્ર-ભાગમાં પર્વતીય છે ને ચોતરફ ‘લગૂન’રહેલું છે. એ વળી, બે નાના ટાપુઓનો બનેલો છે ને સાવ નાના એક પુલ દ્વારા સંકળાયેલો છે. સુંદરતામાં એ ત્રીજા ક્રમ પર છે – બોરા બોરા ને મોઓરિઆ પછી. કહે છે કે વર્ષો પહેલાં તાહિતી ટાપુ કેવો શાંત ને અકૃત્રિમ હતો તે જોવું હોય તો હુઆહિને ટાપુ પર જવું. એ ખેતી-પ્રધાન છે ને એના પર જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી છે. અહીં સાગર-સ્નાન માટે માંડ બે કિનારાછે, પણ કેટલાંક પ્રાચીન ભગ્નાવશેષોને લીધે એ મહત્વનો બનેલો છે. વસ્તી બાવનસો-ત્રેપનસોની અને આવકનો આધાર મુખ્યત્વે ટેટી, તરબૂચ વગેરેનાં વાવેતર પર, તેમજ કોપરાની તાહિતી માટેની નિકાસ પર. દક્ષિણ પ્રશાંતના ટાપુ-દેશોની ભાષાઓમાં પણ નાળિયેરની અંદરના સફેદ ભાગને “કોપરા” કહે છે – સૂકવ્યા પછી.

   બહુ જ ઓછાં પ્રવાસીઓ હુઆહિનેના મથકે ઊતર્યા. ભારે શરીરવાળા એક પુરુષ મારી રાહ જોતા ઊભેલા. મને જોઈને જાણે ઓળખી ગયા. નામ પરથી ખબર તો પડેને કે અશ્વેત હશે. એમની હોટેલ માટે તાહિતિથી મેં આરક્ષણ કરાવેલું. જાત-મહેનતથી ઉતારે પહોંચનારી મને – આમ લેવા આવનારની સગવડ મળે તે જાણે મને જ “વિચિત્ર” લાગતું હતું.

   હુઆહિને મથક પરથી જ ખ્યાલ આવી જતો હતો કે આ સાવ શાંત સ્થળ હતું. મથકની બહારનો રસ્તો એટલો સાદો હતો, ને સિમેન્ટનો ચણેલો હશે કે શું, પણ સાવ સફેદ દેખાતો હતો. વનસ્પતિ પણ જરાક જુદી લાગી, નાળિયેરનાં ઝાડ પણ અહીં જુદી જાતનાં હતાં – નીચાં ને બટકાં; ઊંચાં ને લલિત નહોતાં. પર્વતો પર અડોઅડ ઊગેલી, જાડી જાજમ જેવી લાગતી ઘેરી લીલી ગાઢ વનસ્પતિ છવાયેલી હતી. શિખરો અહીં તીક્ષ્ણ નથી. એ પણ ગોળ પડતાં ને બટકાં હતાં. મને ફોટા લેવાનું મન તો બહુ થયું, પણ રાહ જોવાનું નક્કી કર્યું.

   મિ. લીફોક સરળ માણસ હતા. અંગ્રેજી ખાસ બોલી શકતા નહોતા. જે બોલે તે ઉચ્ચારને લીધે જલદી સમજાય નહીં. એકદમ ઓળખાઈ જાય તેવું હૉન્ગકૉન્ગના ચીની લોકો એવું મોઢું હતું – બે પેઢી પછી પણ. એમનો જન્મ પણ અહીં છતાં અંગ્રેજીની ટેવ નહીં. જોકે અહીંની મુખ્ય ભાષા તો ફ્રેન્ચ. એ જાણે. ટાપુનું મુખ્ય ગામ ફારે આવતાં મિ. લીફોકે ગાડી ઊભી રાખી. મને કહે, “તમારા રહેવાના બંગલામાં રસોડું છે, ને ત્યાં ગયા પછી કશું નહીં મળે, તેથી જે જોઈએ તે અહીંથી લઈ લો.” એ ગાડીમાં બેસી રહ્યા ને મને સુપર માર્કેટ બતાવ્યું. મેં પાણીની બાટલીઓ, દૂધ, બ્રેડ વગેરે ખરીદી લીધું.

   ફારે ગામનું કેન્દ્ર એટલે એક રસ્તો. એના પર થોડી દુકાનો, એક બૅન્ક, એક પોસ્ટઑફિસ, ત્રણેક કાફે ને તળાવ જેવું લાગતું ‘લગૂન’. ગામ તરફનો એનો કિનારો ચણેલો હતો ને સરસ લાગતો હતો. સ્થાનિક માછીમારોની હોડીઓ બાંધેલી હતી ને પાછળ પર્વતોની સળંગ પંક્તિ હતી. ‘લગૂન’નું પાણી સ્તબ્ધ ને છીછરું લાગતું હતું. એના રંગ પણ સ્પષ્ટ નહોતા થતા, કારણકે ગગનમાં વરસાદી વાદળ ભેગાં થઈ રહ્યાં હતાં.

   ત્યાંથી આગળ ગયાં ત્યારે રસ્તા પર સ્થાનિક ઘરો આવવા માંડ્યાં. દરેકનો પોતાનો બાગ તો ખરો જ. ફૂલો જાતે જ ખીલ્યાં હોય. યોજનાપૂર્વક વાવેલું- ઉગાડેલું ના હોય તોયે બધું સરસ જ લાગે. કંઈક જુદું પણ. જાણે આ ટાપુ પરની કુદરત જુદી હતી. અરે પણ, એ જુદાપણું વર્ણવવું કઈ રીતે? એનાં સર્વ ઘટકો એનાં એ હતાં - પાણી, પહાડો, ગીચ વનસ્પતિ, પ્રજા ને છતાં કંઈક જુદો દેખાવ. આવું બધું નિરીક્ષણ કરવાની બહુ મઝા આવતી હતી, પણ એનું વર્ણન કરવા જવામાં નિષ્ફળતા જ મળવાની. તસ્વીરોમાં પણ કદાચના ઝડપાય એવી સૂક્ષ્મ-સ્તરીય ભિન્નતા હતી આ.

   ફિતિઈ ગામ ફક્ત એક સ્કૂલનું બનેલું લાગ્યું. એનાં નીચાં મકાન સફેદ ધૉળ અને પીળા રંગની પટ્ટીઓની લીધે સરસ દેખાતાં હતાં. છોકરાં ભણતાં હશે, કારણકે કમ્પાઉન્ડ ખાલી હતું. પછી ગાડી એક ઢાળ ચઢી, ડાબે વળી ને બેલવ્યુ હોટેલના કમ્પાઉન્ડમાં પ્રવેશી. ખીલેલાં ફૂલો અને લચેલાં ફળોવાળાં અગણ્ય વૃક્ષોની વચ્ચે વચ્ચે છૂટી કુટિરો બનાવેલી હતી. એમાંની એક મારે માટે હતી.

   વળી એક સુંદર સ્થાન. નિતાંત નિર્જનતા. અનિંદ્ય એકાંત.
(ક્રમશ :...)


0 comments


Leave comment