15 - પ્રકરણ : ૧૫ - પ્રથાઓ અતીતની, વર્તમાનની / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


હુઆહિને ટાપુ (કવિતા)

કહે છે કે એ
ગિરિ-શૃંગ-પંક્તિ પર સંલગ્ન
કો’ પ્રાચીન પાષાણ-કન્યાના ગર્ભમાંથી
જન્મ પામ્યો હતો.
એના જ સંસ્પર્શ થકી
હશે અહીં બધું
સુંદરીય, રમણીય;
સાવ અપરિચિત
અનાગરીય સ્વસ્થતા.

પ્રકૃતિની થઈ કૃપા-દ્રષ્ટિ
મારા પર પણ–
અ-છૂત, અ-દીઠ, અ-કથ્ય કોઈ હું.
ને કાંઠે કાંઠે
જાહેર થયું ફરમાન, કે
નથી કરવાની કોઈએ
મારા આકાંતમાં.
પછી બસ, હું છું, ને છે
આ તાજગીનું વાતાવરણ,
લાલ ત્વચાથી સોહતી ધરા.
એના અંગ પરની લીલી ચૂંદડી,
વરસાદનું ટીખળ,
ને દૂર રહીને
અતડો થયેલો સાગર.

પણ થોડા સમય પછી
ચંપા, ચમેલી, ને ‘તિઆરે’ ફૂલોની
ગુસપુસ સાંભળી ગયેલી હવા
આવી વાત લઈ આવી, કે–
કહે છે કે
કાળક્રમે
કોઈ એકાકિની પ્રવાસિની અંગે પણ
અહીં
લોકવાયકા બની જવાની છે.
   હુઆહિને ટાપુના મધ્ય ભાગમાંના ઊંચા ઢોળાવ પરના મારા ઉતારે પહોંચીને પહેલાં મને થયું કે “ટાપુ પર રહેવું, ને દરિયો ના દેખાય એ કેવું ! પણ ધીરે ધીરે સાવ જુદા જ એ દ્રશ્યપટથી મન ટેવાયું. એક તરફ ગાઢ લીલા પહાડ દેખાય ને બીજી તરફ એવા જ ઢોળાવો અને એમની નીચે રહેલો મારોએ અખાતનો તળાવ જેવો ખૂણો દેખાય. દ્રષ્ટિને સરસ મોકળાશ મળતી હતી. જીવને ભરપૂર એકાંત મળતું હતું. મારાવાળા “બંગલામાં આગળ વરંડો, અંદર ઓરડો ને છેલ્લે રસોડું. આ ત્રણે જગ્યામાં બેસવા માટે ખુરશીઓ અને ચીજો મુકવા માટે ટેબલો પણ ખરાં. પથારી પર મચ્છરદાની પણ હતી ને રસોડાની બાજુમાં મોટી બાથરૂમ. જેમ બહાર તેમ અંદર – બધું સરસ હતું.

   બીજા બે બંગલામાં એક-એક યુરોપી દંપતી હતું. ભાડે કરેલી મોટરમાં જતાં-આવતાં મને જો વરંડામાં જુએ તો “હેલો” કહે. શ્રીમતી લીફોકે મને પણ ગાડી ભાડે કરવાનું સૂચન કર્યું હતું, પણ એક જણ માટે ખૂબ મોંઘું પડે. વળી, જવાનું ક્યાં? મોડી રાત સુધી કે મોડી સાંજ સુધી બહાર રહેવાની હોઉં નહીં, પછી ચોવીસ કલાક માટે ગાડી ભાડે કરવાની જરૂર જ નહોતી. મને ખબર હતી કે બનશે તેટલું તો હું ચાલવાની. મિ. લીફોકે મને એલચી કેળાંની મોટી એક લૂમ અને મોટું પાઈનેપલ આપ્યાં. “ખાઓ, ખાઓ” એ કહે. મેં બહું ના પાડી, કારણકે ફળ ખાવાનો મને શોખ જ નથી, પણ એ માન્યા નહીં. ત્યાં ને ત્યાં જ એટલાં બધાં ફળ થાય કે ખવાય નહીં.વેચવાં કોને, જ્યારે બધાંને ઘરે બધું થતું હોય!

   હુઆહિને પર સાગર-સ્નાન થઈ શકે એવા કિનારા ભાગ્યે હશે. મેં એ વિષે પૂછ્યું ત્યારે શ્રીમતી લીફોક બહુ નવાઈ પામ્યાં લાગ્યાં. પર્વત પર રહેનારા સ્થાનિક જણ કદાચ સાગરનો વિચાર પણ નહીં કરતાં હોય. મારા ઉતારે ખૂબ મોટો સ્વિમિંગપુલ હતો, તે કદાચ હું એકાદ વાર વાપરીશ એમ મેં વિચાર્યું. એની બાજુમાં ક્લબ-હાઉસ જેવું મકાન હતું. મિ. લીફોકે કહ્યું કે શુક્ર અને શનિની રાતે એ ત્યાં સંગીત, ખાવા-પીવાનું વગેરે રાખતાં હતાં. સ્થાનિક જુવાનિયાં આવતાં, નાચતા, મઝા કરતાં. એમાંથી આવક થતી હતી, પણ બહુ જણ દારૂ પીને ભાન ભૂલતા હતા, ધમાલ કરતા હતા એટલે મિ. લીફોકે સપ્તાહાંતની મિજબાનીઓ બંધ કરી દીધી. ત્યારથી એ મકાન બંધ પડેલું હતું.

   પછીથી વરસાદ ચઢી આવ્યો. મારા વરંડામાં બેસીને વરસાદ પડતો જોવા માટે અત્યંત સરસ જગ્યા હતી. ક્યાંય સુધી એ આવ્યો-ગયો કરતો રહ્યો ને હવામાં ઠંડક આવી ગઈ. સૂરજ જ્યારે વાદળ પાછળ હતો ત્યારે હું પુલમાં તરવા પડી. પણ પછી જ્યારે ચાલવા નીકળી ત્યારે આકાશ સાફ થઈ ગયું હતું, સૂરજ બહાર હતો અને કનડવા લાગ્યો હતો. ફરીથી તડકો, ગરમી ને પરસેવો. છતાં, એક કાચા જેવા પાછલા રસ્તા પર ઈડન પાર્ક તરફ ચાલી. એકાદ માઈલ દૂર, એ જગ્યાએ જુદી જુદી જાતનાં ફળનાં ઝાડ તથા ઔષધ તરીકે વપરાતી વનસ્પતિનાં વાવેતર અને ઉછેર કરવામાં આવે છે. ત્યાં સુધી હું ચાલી, પણ અંદર ના ગઈ. રસ્તાની બંને બાજુ નાનાં, સાદાં સ્થાનિક લોકોનાં ઘર હતાં. કોઈ બહાર દેખાયું નહોતું, પણ હું પાછી ફરી ત્યારે સ્કૂલની બસ સામે આવી હતી – છોકરાંને ઉતારવા. અહીં બધા રસ્તા ઢાળ પડતા લાગે છે. આટલું જતાં-આવતાં, ને તે પણ ઉગ્ર સૂર્યની ચાંપતી નજરની નીચે – થાક ચઢી ગયો, અકળામણ લાગી ગઈ.

   ઉતારામાં બધે – વરંડા ને રસોડાના ટેબલ પર, પથારી પર અને બાથરૂમમાં પણ – લાલચટક જાસૂદનાં મોટાં, તાજાં ફૂલો સહજ શોભા માટે મૂકેલાં. એમનો આવકાર પામતાં પાછું પ્રસન્ન થઈ જવાયું. ટાપુઓના લોકોમાં આ ટેવ પહેલાં પણ જોઈ છે. કરીબિયન સાગરમાંના ટાપુઓની હોટેલોમાં ખાસ. રૂમ સાફ કરનારી સ્ત્રીઓ જ આ ફૂલો મૂકતી જાય. શોભા માટેની કેટલી સહેલી રીત, પણ સર્વ-જનોને આવું ક્યાં સૂઝતું હોય છે?

   કમ્પાઉન્ડમાં “આવાકાડો', ‘બ્રેડ-ફૂટ’ તેમજ કેરીના નરવા પ્રચુર પ્રમાણમાં દેખાતા હતા. ડાળીઓ લચી પડી હોય. એ બધું તો આનંદ, પણ સહજોત્પન્ન ઘાસમાં જરાક વાર પણ જો પગ મૂકો, ને જે કાંટા વાગે કે જીવાત કરડે તે તો ઇચ્છનીય નથી જ. બેલવ્યૂ હોટેલની બહોળી જર-જમીન આની સાબિતી માટે પૂરતી હતી. પાંચ મિનિટના ચાલવા ને ફરવામાં મારા સ્કર્ટમાં એટલા તો કાંટા ભરાઈ ગયા. સારું હતું કે લાંબું સ્કર્ટ પહેર્યું હતું, નહીં તો એ બધા પગમાં સીધા વાગ્યા હોત.

   મિ. લીફોકે મને કહ્યું હતું કે સાડા ચાર વાગ્યે એ પાછા ફારે ગામમાં જવાના હતા, જો મારે જવું હોય તો. હું ગઈ – એ બહાને ક્યાંક એક આંટો મરાય. હુઆહિને ટાપુ તાહિતિથી એકસો-દસ માઈલ દૂર હશે. એનું ક્ષેત્રફળ માત્ર ઓગણત્રીસ ચો.મી. છે ! છપ્પનસો જેટલી વસ્તી અને જીવન શાંત ને સુખી. દરેક કુટુંબની પોતાની શાકભાજી ને ફળની વાડીઓ રસ્તાઓ પર સળંગ દેખાય. ટાપુનું સૌથી ઊંચું – ૨,૨૦૦ ફીટ પર – શિખર માઉન્ટ “તુરી”નું છે, પણ ટાપુના પ્રતીક જેવો પર્વત તો માઉન્ટ “તાવાઈઉરા” છે. જરા ધારીને જુઓ તો એની ટોચ પર ટેકરાનો આકાર ચત્તી સૂતેલી ગર્ભવતી સ્ત્રી જેવો લાગે છે. આંગળી ચીંધીને કોઈ એમ કહે, એ પછી એ આકાર ઊપસી આવે ખરો ! આ પરથી તો ટાપુનું નામ પડ્યું ગણાય છે – “હુઆ હિન” એટલે “ગર્ભવતી સ્ત્રી.” પ્રવાસ-પત્રિકામાં આવી સમજૂતી હતી. ઉતારાના પછીના બે-એક ઢાળ ઊતરતાં જ આ પર્વતાકાર દેખાવા માંડે.

   મિ. લીફોકને શું કામ હતું તેની મને ખબર નહોતી, અને જ્યારે ‘લગૂન’ના પાણી તરફ ઊતરી જતા પાછલા કાચા રસ્તા પર એ ગાડી લઈ ગયા ત્યારે મેં પૂછ્યું કે “ક્યાં જઈએ છીએ ?” ઘરોની છોકરાં રમતાં હતાં. સ્ત્રીઓ બારણાંની બહાર પગથિયાં પર બેઠી હતી. મિ. લીફોકે ગાડી વાળીને એક ઘર પાસે ઊભી રાખી. કહે, “પોલિનેશિયન પત્નીને બજાર ફરવા લઈ જવાની છે.” શું? એક ચીની પત્ની ને બીજી તળ-જાતિની? દિવસે એક વાર આવીને ખરીદીની સગવડ આપવાની. બીજી કશી માથાકૂટ કે જવાબદારી નહીં રાખવાની. એવું હશે? મેં પૂછ્યું નહીં, પણ અહીંની સમાજ-રચનાનોઅને શાંતિમય જીવનનો થોડો વધારે ખ્યાલ આવ્યો.

   એમાંનાં ક્યાં છોકરાં મિ. લીફોકનાં હતાં તેનો ખ્યાલ મને આવ્યો નહીં. એ વિષે પણ મેં કશું પૂછ્યું નહીં. પણ બધાંને એમણે હસીને બોલાવ્યાં, બધાં છોકરાં મોટરની આસપાસ ફર્યા, મને પણ “કેમ છો” કહ્યું. એ મહિલા બેઠાં ને અમે મુખ્ય રસ્તે નીકળી આવીને ગામમાં ગયાં. જે સમય મને મળ્યો તેમાં હું ગામના રસ્તા પર ફરી. બૅન્ક, પોસ્ટઑફિસ અને કેટલીક દુકાનો બંધ પણ થઈ ગયાં હતાં. ઉતારા સુધી ચાલતાં જવાનો એક વિચાર મને આવ્યો – ચારેક માઈલ ચઢવા-ઊતરવાનું થાય, પણ પછી એને માંડી વાળ્યો. ફરીથી “ભાભીજી”ના ઘર પાસે ગયાં ને એમને ઉતારી દીધાં. “આવજો” – બસ, સામસામે એટલું જ. “અંદર આવો” કે “આવશો” જેવું કાંઈ નહીં. પણ જે હતું તે સ્વાભાવિક હતું, આડંબર કે જબરદસ્તી વગરનું હતું.

   હસતા ચહેરાવાળા, અંગ્રેજી નહીં બોલી શકતા મિ. લીફોક બહુ સારા હતા. મને કશુંક બતાવવા માટે એ ઉતારાથી આગળ મને લઈ ગયા. ટાપુના બે નાના ભાગને જોડતો એકનો એક પુલ ત્યાં હતો. ટાપુનો મોટો ભાગ તે “હુઆહિને નુઈ” ને નાનો તે “હુઆહિને ઇતિ (Iti).”આ પુલ પરથી બંને ભાગ દેખાય – એટલું એનું મહત્વ. પ્રવાસીને બતાવવા યોગ્ય ! પુલ પછી એક તળાવડી હતી. ત્યાં માછલી “પકવવા” માટેની વ્યવસ્થા હતી. એટલે પહોંચવાનો રસ્તો તો ભીનો ને કાદવિયો હતો, પણ તોયે મિ. લીફોક ગાડી લઈ ગયા. તળાવડી પાસે મારે ઊતરવુંયે પડ્યું. કાળી કાળી અનાકર્ષક માછલીઓ જોવામાં મને જરાય રસ નહીં, પણ એમનો બતાવવાનો શોખ અને આગ્રહ એવો કે મેં બહુ જીદ ના કરી. અહીં બીજુંકશું જોવા-કરવાનું હતું જ નહીં. તેથી એમને એમ કે મેં ના જોઈ હોય તેવી આ બે નજીકની જગ્યાઓ બતાવે.

   બહુ ભલા દિલના હતા મિ. લીફોક. મેં એમનો ઘણો આભાર માન્યો. એ કહે, “ન્યૂયૉર્ક શહેર સળગ્યું પછી અહીં પ્રવાસીઓ બહુ ઓછા થઈ ગયા છે.” વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વિનાશની અસર દુનિયાના ખૂણે-ખૂણામાં પહોંચી હતી. એમણે બિન લાદન માટે શબ્દોથી અણગમો દર્શાવ્યો. ન્યૂયૉર્કની હોનારતને યાદ કરતાં મન જરા ઉદાસ થઈ ગયું.
* * *
   અજવાળું હતું ત્યાં સુધી વરંડામાં બેસવાનું સારું હતું. અંધારાની સાથે જીવાત, મસી ને મચ્છર પણ વધ્યાં. પછી બહાર રહેવામાં મઝા નહોતી. પથારી પરની મચ્છરદાની એટલી ઝીણી ને રેશમી સુંવાળી હતી. એની અંદર સૂવાનું સારું લાગ્યું, પણ ગણગણાટ વગરના છાનામાના બેએક મચ્છર મને કરડ્યા તો ખરા જ. વહેલી સવારે ધોધમાર વરસાદ પડવા માંડેલો, છતાં સાડા છમાં તો ઘણું અજવાળું થઈ ગયેલું.

   આઠ વાગ્યે મિ. લીફોકે બારણું ખખડાવ્યું, ને કહ્યું કે અડધા કલાકમાં મિનિ-વાન તમને લેવા આવશે. જોકે “હુઆહિને ડિસ્કવરી ટૂર” કંપનીની વાન આવી નવ વાગ્યે. સારું થયું કે મિ. લીફોકે પ્રયત્ન કર્યો અને મારે માટે આ પર્યટન નક્કી કરી આપ્યું, નહીં તો દિવસ એકલાં બેસીને નજીકમાં થોડું થોડું ચાલીને ગાળવો પડ્યો હોત. અહીં જાહેર બસનું તો નામ નહોતું. વાનમાં એક ફ્રેન્ચ માણસ બેઠો હતો. બીજી બે ફ્રેન્ચ સ્ત્રીઓને ક્યાંકથી લઈ લીધી. હું ચાલકની સાથેની બેઠક પર આગળ બેઠેલી. તે બરાબર જ હતું, કારણકે એ ત્રણ પાછળ ફ્રેન્ચમાં વાતો કર્યે જ જતાં હતાં.

   ચાલકનું નામ મૅરિ-લુઈસ હતું. એ સારા સ્વભાવની, સાદા દેખાવની પોલિનેશિયન સ્ત્રી હતી. એનો વર જર્મન હતો. આ કંપની એ બંનેની પોતાની હતી. મૅરિ-લુઈસ અમને “ગુઈ” અને “ઇતિ”— બંને ભાગોમાં લઈ ગઈ. બધું થઈને આ ટાપુ પર પચાસ માઈલનો રસ્તો હશે. એના ચાલીસ માઈલ પર તો અમે ફર્યા જ હોઈશું.એટલે ઘણું ફર્યા ને ઘણું જોયું – એમ કહેવાય. જ્યાં કશાનો ફોટો પાડવાનું મને થાય ત્યાં અમે વાન ઊભી રાખી શકતાં. મૅરિ-લુઈસે પહેલેથી જ એ છૂટ અમને આપેલી. એ સિવાય, ખાસ ફોટો લેવા જેવી જગ્યાઓ આવતાં એ પોતે જ વાન ઊભી રાખતી. “કુદરતી રીતે જ આ ટાપુ આવો વનસ્પતીય અને જંગલ જેવો બનેલો છે”, એણે કહ્યું, “પણ જોવામાં સરસ લાગતી આ લાલ જમીન લોહતત્વથી એટલી ભરપૂર છે કે કશી જાતના વાવેતર માટે એ યોગ્ય નથી.” પણ આટલી બધી વાડીઓ થયેલી છે તે કઈ રીતે ? એવા પ્રશ્નના જવાબમાં એણે સમજાવ્યું કે “કોઈ પણ શાક કે ફળના વાવેતર અને ઉછેર માટે લોકોએ કાળી નરમ માટી અન્યત્રથી મંગાવીને વાડીની જગ્યામાં નાખવી પડે છે.” ખરેખર ત્યારે સમજણ પડી કે સહજ, શાંત ને સહેલા લાગતા અહીંના જીવનમાં કેટલી બધી મહેનત સંતાયેલી હતી. છતાં, અહીંના લોકો પાસે ખાવા-પીવાનું પૂરતું છે : શાકભાજી, ફળ, નાળિયેર, માછલી. જે બાકી રહ્યું તે પાંઉરોટી, ચોખા ને બિયર !

   અરે, ફ્રેન્ચ પોલિનેશિયાના આ ટાપુઓ પરનાં સુપર માર્કેટોમાં મેં બાસમતી ચોખાનાં પેકેટ બધે જોયાં, તે કહેવાનું રહી ગયેલું!

   હુઆહિને ટાપુ પર જાણે સર્વત્ર પહાડો છે. બધી બાજુ, જ્યાં જઈએ ત્યાં, ને તેથી જ ઘણી વાર પાણી દેખાતું નથી. રસ્તો સતત ઢાળ ચઢતો ને ઊતરતો રહ્યો. એટલે જ એ પચાસ માઈલનો થયો હશેને. નહીં તો આ ટાપુ તો સાવ નાનકડો હતો. ઘણાં વળાંકો આવ્યા ને એમાંના ઘણા પાણીવાળા ખાંચા હતા. ‘લગૂન’નાં પાણી લગભગ બધે શાંત ને સ્થિર હતાં. ઉત્તરે ગયાં ત્યારે બે કિનારે મોજાં ઊઠતાં ને ભાંગતાં દેખાયાં હતાં. અમે એમને દૂરથી જ માણ્યાં હતાં. વરસાદ અને સૂરજની વચ્ચે સતત અદલાબદલી ચાલતી રહેલી. થોડી વાર ખૂબ જોરથી વરસાદ પડતો, ને પછી ફરીથી ભૂરા થઈ ગયેલા ગગનમાં સૂરજ પ્રકાશવા માંડતો.

   છત્રી ખોલો-બંધ કરો, ગોગલ્સ પહેરો-કાઢો, એમ અમે કરતાં રહ્યાં. બપોરે બારેકના સુમારે વરસાદની બધી નિશાનીઓ જતી રહી, તડકો ખૂબ ચઢી ગયો અને ગરમી ઘણી વધી ગઈ. પણ ત્યારે પાણીખૂબ સુંદર રંગો પ્રદર્શિત કરવા માંડ્યું. બોરા બોરા ટાપુ પરથી જોયા હતા તેટલા બધા ઉલ્લાસિત-પ્રફુલ્લિત નહીં; પણ સાવ નિસ્તેજ નહીં. પર્વત-ખચિત આ હુઆહિને ટાપુ પર સાગરનું મનગમતું રૂપ જોવા મળ્યું, તે ખુશનસીબ જ હતું.

   “વેનિલા (Vanilla)ની વાડી”નો વારો આ પછી આવ્યો. અહીંની પ્રથા પ્રમાણે એ પણ એક કુટુંબનું પોતાનું હતું. આવકનું સાધન તો ખરું જ, પણ વાડી જોઈને લાગે કે એ કાળજી તેમજ સ્નેહનું ભાજન પણ હતી. એ “પ્લાન્ટેશન”(Plantation)માં દસ હજારથી પણ વધારે વેનિલાની વેલો હતી. દરેકની ઉચિત માવજત કરતાં રહેવું પડે છે. દાણાથી ભરેલી ફળીઓ બેસતાં દોઢ વર્ષ નીકળી જાય છે. એમને ઉતારીને આ “દાણા”ને સૂકવતાં ત્રણ મહિના થાય છે. તે પણ દિવસના બે જ કલાક. એમને સૂર્યમાં રાખવાના હોય છે, એટલે એમને તડકામાં મૂકવા તેમજ અંદર લઈ લેવાની બાબતે ચોકસાઈ રાખવી પડે છે.

   વેલીઓની વચ્ચે અમે ફર્યા. વેનિલાનું ‘એસેન્સ’વાપર્યું હોય, પણ એનું મૂળ ક્યારે જોવા મળે? ઘણી વેલીઓ પર કુમળાં, “ઑર્કિડ” ફૂલ જેવા આકારનાં ફૂલો બેઠાં હતાં. મૅરિ-લુઈસે અમને સમજાવ્યું કે નરફૂલ અને માદા ફૂલની વચ્ચેનું પરાગાધાન હાથથી કરવું પડે છે.ઓહોહો, રોજનાં હજારો ફૂલોને આમ પુષ્ટ તથા પ્રોત્સાહિત કરતાં રહેવાનાં, એટલે કે આખી પ્રક્રિયાની પાછળ કેટલો શ્રમ કરવાનો. તેથી જતો સ્નેહ પણ આવશ્યક છે.

   વાડી અને ઘરની વચ્ચેના ખુલ્લા ભાગમાં ઝાડ નીચે એક મોટું ટેબલ હતું. એની એક બાજુ એક જાજરમાન પોલિનેશિયન મહિલા તાજાં ફૂલો ગૂંથીને માથા માટે વર્તુળાકાર વેણી-મુકુટ જ વળી – બનાવી રહ્યાં હતાં. સાંજે એક સાપ્તાહિક સ્નેહ-મિલન હતું. એને માટેની એ તૈયારી હતી. એમના મીઠા, સહેજ શરમાળ સ્મિતના અને એમની હસ્તકળાના અમે ફોટા લીધા. મને તો એ મિલનમાં જવાનું જ મન થઈ ગયું, પણ આ ટાપુ પર એવું કશું શક્ય નહોતું. પહાડ ઉપરના મારા ઉતારા પરથી એકલાં ને ચાલતાં હું ક્યાં જવાની હતી ?

   પછી પાઈનેપલ પ્લાન્ટેશન પર ગયેલાં. એનો ઉછેર વધારે જણ કરતાં હોય છે. એમાં મહેનત ઘણી ઓછી. એ બધાં તો જાતે ઊગી જાય ને તરત ખાવા મંડાય. પાઈનેપલ સ્થાનિક લોકો પોતાના વપરાશ માટે ઉગાડે છે, જ્યારે ટેટી-તરબૂચનો પાક તાહિતિ અને બીજા ટાપુઓ પર વેચવામાં આવે છે. આવું કેમ હશે એનો વિચાર કરતાં લાગે છે કે પાઈનેપલ બધા જ ટાપુઓ પર ઊગતાં હશે. એ તો પોલિનેશિયાના પ્રદેશની ખાસિયત છે જ. છેક કૂક આઈલૅન્ડ્સથી માંડીને ચાર હજાર માઈલ દૂરના હવ્વાઈ-જૂથના ટાપુઓ પર પાઈનેપલ પ્રચુરતાથી ઊગતાં જોવા મળે છે. જ્યારે ટેટી-તરબૂચ માટે અમુક જ પ્રકારની માટી જરૂરી, ઋતુ જરૂરી, ને તાપમાત્રા જરૂરી હશે જે હુઆહિને પર હશે, ને અન્ય ટાપુઓ પર નહીં હોય.
* * *
(હુઆહિને ટાપુના દરિયાઈ પાણીની વચ્ચોવચ કાળાં મોતીની પકવણીઅંગેની વ્યવસ્થા માટે બનાવાયેલી કુટિર.)


   ટાપુના પૂર્વ કિનારે “ફાઈએ” નામના ગામ પાસે એક ખાલી જગ્યામાં મૅરિ-લુઈસે વાન ઊભી રાખી. કહે, “હવે તમારે મોતી કઈ રીતે “પકાવાય” છે તે જોવા જવાનું છે. હોડી ત્યાંથી તમને લેવા ને મૂકવા આવશે.” ફ્રેન્ચ પોલિનેશિયા આખી દુનિયામાં કાળાં “કુદરતી” મોતી માટે વિખ્યાત છે. ત્યાંની દુકાનો અને હાટડીઓમાં વેચવા મૂકેલાં તો આ મોતી બહુ જ દેખાતાં હોય, પણ એમનો “ઉછેર” જ્યાં થતો હોય તે “Pearl Farm” જોવાનો વારો આજ પહેલાં આવ્યો નહોતો.

   એક નાની મોટર-બોટ આવી. એમાં અમે બેઠાં ને ફાઈએ અખાતના ચળકતા પીરોજા-રંગી પાણીમાં પ્રવેશ્યાં. માથા પર કઠોર મિહિરની અપલક દ્રષ્ટિ હતી. મધદરિયે એક મંચ બનાવેલો હતો. ત્યાં પહોંચ્યાં પછી જોયું કે ત્રણ-ચાર કારીગરો “ઓઇસ્ટર” કાલવની છીપમાં કશું પૂરતા હતા, કે જેમાંથી મોતી ગંઠાય છે. ત્રણ યુવાનો પ્રાણવાયુ ભરેલી નળીઓ બાંધી પાણીમાં ઝંપલાવતા હતા, અને મોતી “પકાવવા” મૂકેલી જાળીઓ કાઢીને કારીગરોને આપતા હતા, અથવા તૈયાર કરેલી જાળીઓ ફરી પાણીમાં ગોઠવી દેતા હતા.

   એક કર્મચારી મારી સાથેનાં ત્રણ જણને પહેલાં ફેંચમાં આખી પ્રક્રિયા સમજાવવા લાગ્યો. મંચ પર બનાવેલા એક કક્ષમાં અસાધારણ અને મૂલ્યવાન ગણાતાં આ “શ્યામ મુક્તક” છૂટાં, તથા વીંટી, બુટ્ટી, માળાના રૂપમાં વેચવા મૂકેલાં હતાં. મારી પાસે એક લાંબો છ-સૅરી હાર ઘણાં વર્ષોથી છે ને ગમી ગયેલું એક મોટું શ્યામ મુક્તક મેં કૂક આઈલૅન્ડસમાંથી ખરીદેલું. તેથી અહીં મારે જોવાનું જ હતું. પેલો કર્મચારી ભૂલી જ ગયેલો કે મને અંગ્રેજીમાં સમજાવવાનું છે. જોકે મેં એને ના જ પાડી હોત, કારણકે ખાસ વાત નહોતી. પણ છીપની અંદરના લોચા વગેરે હું જોઈ શકું તેમ નહોતી. આ મુક્તક-ક્ષેત્ર જોવા મળ્યું તે સારું થયું, ને પાણીની પાસે તો જવાયું.
* * *  
   ‘નુઈ’ ભાગમાં ઉત્તરે જતાં માએવા ગામ પાસે મૅરિ-લુઈસે વાન ઊભી રાખી. રસ્તાની જમણી બાજુ સ્થિર પાણીનો થોડો પ્રસ્તાર હતો. “અહીં શું જોવાનું હતું?” એવું પહેલાં મને થયું. વિગતો જાણી ત્યારે બહુ રસ પડ્યો. એક તો, એ ખૂબ મોટું સરોવર હતું અને તે પણ ખારા પાણીનું સરોવર. દરિયાનું જ પાણી અહીં આવી વસેલું. આનો અર્થ એ કે માછલીઓ પણ આ પાણીમાં ઘસડાઈ આવતી,વસતી, ઊછરતી હોય. સ્થાનિક માછીમારોએ આ માછલીઓને પકડવા માટે એટલી બધી બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરેલી કે બધી સામટી પકડાય, ઊભાં રહીને એ કામ કરવું ના પડે.

(સોસાઈટી આઈલૅન્ડસ દ્વીપ-દેશમાં તળ પ્રજાજનો દ્વારા સદીઓથી વપરાતી માછલી પકડવાની અનન્ય રીત.)


   આ લોકોએ કિનારા પાસેના છીછરા જેવા પાણીમાં અમુક રીતે પથરા મૂકીને જાણે નાના વાડા બનાવેલા. છેલ્લે એ પથ્થરો ત્રિકોણ આકારે મૂકેલા હતા. આ રચના એવી હતી કે માછલીઓ અંદર આવી શકે નિરાંતે, સરસ સેલારા મારતી, પણ પછી પાછી ના જઈ શકે. એ રસ્તો એમને ના મળે ને બધી ત્રિકોણ વાડામાં ભેગી થતી રહે. નિયત ઋતુ થતાં માછીમારો એમને જાળ નાખીને ઉપાડી લે. મૅરિ-લુઈસે કહ્યું કે આ રીત સદીઓથી ચાલતી આવેલી છે. છસો કે વધારે વર્ષોથી તો ખરી જ.

   આ સહજ-બુદ્ધિ અને રચના-ચાતુર્ય માટે મને આ ગ્રામીણ માછીમારો માટે ખૂબ માન થયું. પથ્થરોની એ ગોઠવણી લાગતી હતી પણ સરસ. કિનારેથી એ મત્સ-સંચય-યુક્તિના ફોટા પણ લીધા જ.

   આ હુઆહિને ટાપુ પર અનેક “મારાએ” – એટલે કે “પ્રાચીનપૂજનીય સ્થાન”ના અવશેષ જોવા મળે છે. માએવા ગામમાંના આ “ફાઉના નુઈ” સરોવરની આસપાસ તથા નજીકના માતાઈરેઆ પહાડના ઢોળાવો પર થઈને ચાલીસ “મારાએ”, તેમજ બસો જેટલા બીજા પાષાણ-સ્મારકોની નિશાનીઓ અભ્યાસીઓએ નોંધ્યાં છે. પોલિનેશિયાના ટાપુઓનો સાંસ્કૃતિક ઇતિહાસ આ ઉત્ખનનને કારણે ઘણો સમૃદ્ધ બનેલો ગણાય છે. એમાંના અમુક જાતિ-નાયકોનાં સભા-સ્થાન હતાં, અમુક પૂજા-સ્થાન હતાં, તો ઢોળાવ પરના કેટલાક ભગ્નાવશેષ યુદ્ધ-કાળે બાંધેલા કિલ્લાના હતા. મૂળ અગિયારમી ને બારમી સદીમાં અહીં વસતી માઓહી આદિ-જાતિ દ્વારા “મારાએ” બાંધવાની પ્રથા શરૂ થયેલી, તે છેક ૧૮૪૪માં ફ્રેન્ચ સાથેના યુદ્ધમાંના વ્યૂહ તરીકે વપરાતી રહી.

   બીજા ટાપુઓ પર “મારાએ” ક્યાં નહોતા જોયા ? પરન્તુ અહીંના “મારાએ” આખા પોલિનેશિયાના જળ-વિસ્તારમાં સૌથી મહત્વના મનાય છે. “ફાઉના નુઈ” સરોવરના મોકળા પ્રસ્તારવાળા કાંઠે મળી આવેલા “મારાએ” સમૂહને યત્નપૂર્વક, એના અસલી સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યો છે, ને એ આખા આ જળ-પ્રદેશમાં સૌથી વધારે જોવાલાયક કહેવાય છે. એ મને જોવા મળ્યો તે કેવું વિશિષ્ટ હતું.

(હુઆહિને ટાપુ પર ગીચ જંગલથી છવાયેલા પહાડની ટોચે આવેલા પાષાણોમાંથી ઊપસતો સૂતેલી સ્ત્રીનો આકાર.)


    સપાટ જમીન પર મોટા મોટા પથ્થરો ગોઠવેલા હતા. ક્યાંક નીચી પાળીની જેમ, ક્યાંક બહોળા મંચની જેમ. હજી આ જગ્યાઓ “પવિત્ર” અને સન્માનીય ગણાય છે, તેથી એ પથ્થરો પર પગ મૂકવાની મનાઈ છે. ખુલ્લા આકાશમાં સળગતો સૂર્ય. છાંયડાનું નામ નહીં ને તડકો ભારોભાર. જગ્યા પણ મોટી હતી. એમાં ફર્યા પછી, તળાવના કિનારા પર બનાવેલા “ફારે” – એટલે કે કુટિર–ની અંદર ગઈ. ત્યાં ઠંડક નહોતી, પણ તડકો તો નહોતો ! જેને “સભા-ગૃહ” કહી શકાય તેવા આ “ફારે પોટેએ”ની અંદર હવે એ જૂના જમાનાને લગતી ચીજ-વસ્તુઓ તથા પ્રાચીન પ્રથાઓની વિગતે અપાયેલી સમજૂતી વગેરેનું પ્રદર્શન વસાવવામાં આવ્યું છે.

   પાણી પરના આવા સ્થાને દેવોની સ્થાપના તથા આરાધના કરવામાં આવતી, અને બહુશત લોકો એ માટે અહીં ભેગા થતા. વળી, મચ જેવા પાષાણના “મારાએ” પર ઉત્સવના સમયે નૃત્યો, પૂજા અને મંત્રોચ્ચાર થતાં; તેમજ ત્યાં બલિ ચઢાવવાનો વિધિ પણ થતો. આદિજાતિની આ મૂળ. પ્રજામાં પ્રાણીઓ ઉપરાંત માનવ-બલિ ચઢાવવાની પણ પ્રથા હતી. આવા “મારાએ' તથા “ફારે”નાં સ્થાન, ત્યારના લોક-જીવનમાં ધાર્મિક તેમજ સામાજિક બાબતે અત્યંત સૂચક અને અર્થપૂર્ણ હતાં તેમ જાણવા મળે છે. અત્યારે આ બધું આપણને અજીબ અને ધૃણાસ્પદ લાગે, પણ કદાચ આખા વિશ્વની આદિ-જાતિઓમાં આવાં સમાંતરે જતાં રીત-રિવાજ હતાં, તે પણ આપણે જાણતાં હોઈએ છીએ. હવે તો આ બધું અતીતનો ઇતિહાસ બનેલું છે.

   પોલિનેશિયાના દરેક ટાપુએ વિવિધ સર્જનાત્કમ ક્ષેત્રમાંથી કલાકારોને આકર્ષ્યા છે. ચિત્રકાર પોલ ગોગાઁ કદાચ સૌથી વિખ્યાત નામ છે. યુરોપ અને અમેરિકામાંથી કેટલાયે લેખકો પણ આ ટાપુઓ પર ફર્યા, વસ્યા. તે જ રીતે સ્થાનિક સર્જકો પણ. જેમકે, બે જાણીતા પોલિનેશિયન કવિઓ- હેન્રી હિરો ને બૉબિ હોલ્કોમ્બ – ઘણાં વર્ષો હુઆહિને પર રહ્યા ને મૃત્યુ પણ અહીં જ પામ્યા. આવા સર્જકો, તેમજ ૧૮૦૮માં આવેલા પ્રોટેસ્ટન્ટ પાદરીઓએ ધીરે ધીરે કરતાં બલિની પ્રથા નાબૂદ કરાવી. જોકે પાદરીઓએ તો ખ્રિસ્તી ધર્મના પ્રચાર તથા પરિવર્તનનો જોરદાર આગ્રહ રાખ્યા ને “મારાએ”ના સામૂહિક વપરાશને જ બંધ કરાવી દીધો.
* * *
   સમય થતાં, વળી પાછાં તડકામાં ચાલીને લગભગ દોડીને અમે વાનમાં બેસી ગયાં. એ જ રસ્તે આગળ જતાં ટાપુની છેક ઉત્તરે વિમાનમથક આવે. અમે ડાબે વળીને ફારે ગામમાં ગયાં. એ જ થોડી દુકાનો ને શાંત એવું ગામનું કેન્દ્ર. ટાપુના ઉત્તર-પશ્ચિમ કિનારેથી, દરિયાની પાર જોતાં રાઈઆતેઓ અને તાહાઆ ટાપુના અસ્પષ્ટ આકાર નજરે પડતા રહે છે. મૅરિ-લુઈસે કહેલું કે હુઆહિનેમાં ફક્ત પ્રાથમિક શાળા છે. માધ્યમિક શાળાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ રાઈઆતેઆ જવું પડે. એ તો પાસે ને નૌકામાં પહોંચી જવાય, પણ જેને કૉલેજનો અભ્યાસ કરવો હોય તેમને વધારે દૂર છેક તાહિતી જવું પડે. આવી તકલીફો લઈને કેટલાં જતાં હશે આગળ ભણવા?

   સાડા ચારેક કલાકનું સરસ લાંબુ પર્યટન થયેલું. બે જેવા તો આમ વાગી ગયા. મને થયું, બાકીનો દિવસ તો હવે જલદી નીકળી જશે. સાડા ચાર વાગ્યે મિ. લીફોક મારા બંગલા પાસે વાન લઈને આવ્યા ને મને પૂછ્યું કે હું એમની સાથે ગામમાં જવાની હતી કે નહીં ? મને એવું સૂઝયું નહોતું, પણ બારણે તાળું મારીને તરત હું નીકળી ગઈ. એમની પોલિનેશિયન પત્નીના ઘર પાસેનું દ્રશ્ય આગલા દિવસ જેવું જ હતું – પગથિયાં પર, બારણા પાસે શાંતિથી બેઠેલી સ્ત્રીઓ; બહાર રમતાં છોકરાં; વાનને જોઈને સહજ હસતાં મોઢાં. બધાંની ત્વચા ઘઉંવર્ણી છે ને મોઢાં લાંબાં કે લંબગોળ છે. યુવતીઓ તો બરાબર ચિત્રોમાં જોઈ હોય તેવી જ દેખાય. લાક્ષણિક પોલિનેશિયન મુખાકાર. મને ફોટા લેવા ગમ્યા હતા, પણ ગઈ કાલે મને ખબર નહોતી ને આજે ઉતાવળમાં કેમેરા સાથે લીધો નહોતો. ઉપરાંત, આ સમયે પ્રકાશ ઝંખવાઈ જાય છે. ધીમી સ્પીડની મારી ફિલ્મો માટે એ પૂરતો ના ગણાય.

   રોજિંદા આ ‘ચક્કર’માં જરા પણ વાર લાગતી નથી. રોજે રોજ જરૂરની બે-ત્રણ વસ્તુઓ લઈ લેવાની તે જ. કામ વગરનું કશુંબેસવાનું, ઊભા રહેવાનું નહીં. કોઈ લાંબી વાત નહીં, કોઈ ચર્ચા ને દલીલો પણ નહીં. સ્વાભાવિક હસતાં મોઢે મળવાનું, કામ પતાવી, ફરજ બજાવી, એવાં જ હસતાં મોઢે છૂટાં પડવાનું. મને ગમ્યો આ સંબંધ. એમાં હવે કશો ભાર, કશો જુલમ નહોતો રહ્યો. સાથે જ સંભાળ લેવાતી હતી.

   ઉતારે આવીને હું વરંડામાં બેઠી. સાત હજી વાગ્યા નહોતા, ને મસી જેવી ઝીણી જીવાતનો ઉપદ્રવ મને બહુ લાગ્યો. રસોડામાંના ટેબલ પર બેસીને જમવું પડ્યું! પથારીમાં પણ કશુંક કરડ્યું – દેખાય નહીં એવું કંઈક. પછી વરસાદ પડવા માંડ્યો – ધોધમાર, જેના પર પડે તેને કૂટતો ને પીટતો હોય તેમ એકધારો ક્યાંય સુધી. સાથે ગાજવીજ બને. જોર-જોરથી મેઘગર્જન અને ચોંકાવી દે તેવા વીજળીના કડાકા. ઉત્પાત ને પ્રકોપ કહેવાય એવી ઝંઝા. ખરેખર “big rain” – મહાકાય વારિ-વર્ષણ. એક વાર સામોઆમાં બતાવ્યું હતું તેવું ભીષણ સ્વરૂપ. આ તો હજી “સૂકી” ઋતુ હતી, જે નવેમ્બરના અંત સુધી રહેતી ગણાય છે. એને હજી દસ દિવસની વાર હતી, ને તે છતાં આ પ્રચંડ આક્રમણ. “ભીની” ઋતુમાં તો વરસાદ અને પવન ભેગા મળીને શુંનં. શું ય કરતા હશે.

   વાર્ષિક ઋતુપત્રકમાં જે માહિતી હોય તે તો માનવીય અનુમાન અને અપેક્ષા. “હુકમનું પતું” તો હંમેશાં “માતા-પ્રકૃતિ” – Mother Nature –ના હાથમાં જ હોય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment