16 - પ્રકરણ : ૧૬ - છેલ્લે સૂકું-ભીનું મન / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


મોઓરિઆ ટાપુ (કવિતા)

ધરા-જડિત
ઊંચી, તીક્ષ્ણ પર્વતાંગુલિઓ
આકાશને પ્રશ્ન પૂછવાની હિંમત કરે છે.
વાદળોના તૂટી પડ્યા પછી
સર્વ કૂતુહલ થઈ જાય છે.
જળબંબાકાર. ને ત્યારે
કશા ઉત્તર આપવાના રહેતા નથી.
લીલું મૌન છવાઈ રહે છે.
ચારે તરફ.
ગોળ ગોળ ફરતે જતો
એકનો એક રસ્તો
કોઈ આગંતુકને ભૂલાં પાડી શકતો નથી.
ઝાડ-પાન ખડખડ હસ્યા કરે છે.
મોટાં મોટાં ચંપા-ફૂલ
જ્યાં ને ત્યાંખર્યાકરે છે.

વાયકા પ્રમાણે ‘કાચંડો' કહેવાતો ટાપુ
આડે પડખે થઈને
પૂંછડી પટપટાવે છે,
ને બળબળતા સૂરજને
જરાયે ગણકારતો નથી.

બધાં કુદરતી તત્વો
જાણે મત્ત બનેલાં છે.
મારું ભાન હજી ભુલાયું નથી,
ને મન હજી ખોવાયું નથી.
કેટલો બધો સમય બચી જાય છે
-કશું શોધવું નથી પડતું ત્યારે,
-પ્રાપ્ત થયેલું બધું પૂરતું હોય છે ત્યારે.
   આગલી રાતનો ઝંઝાવાતી, ક્રોધ ને હુંકારભર્યો વરસાદ છેવટે અટક્યો તો ખરો, પણ પ્રકૃતિના એ જ મનોભાવે આકાશને જળભરેલાં, ઘેરાં રાખોડી વાદળોથી છવાયેલું રાખ્યું. સવારે પણ એ જ રંગ ને ઢંગ હતા. પહાડની તળેટીમાંના પાણીના ખાંચાની ઉપર થઈને આવતાં એ વાદળોનો આકાશી માર્ગ સ્પષ્ટ હતો. કોઈ સાવ અજાણ્યા, દૂર દૂરના ટાપુ પરના પહાડના એક ઢાળે રહેલી હું સંગ-વંચિત, આધુનિક કોઈ યક્ષિણી અથવા સ્થાન-સ્નેહથી સિક્ત પ્રવાસિનીને યોગ્ય ચાંચલ્યથી એ ગતિ નિહાળતી હતી. જોતજોતામાં એવી જ રુદ્રતા અને ઉડતા સાથેના વરસાદનું તાડન શરૂ થઈ ગયું. વરંડાની અંદર વાછંટ આવવા માંડી. ત્યાંનાં ટેબલ અને ખુરશી ભીનાં થવા માંડ્યાં. જમીન, પાંદડાં, ઘાસ કે ધાતુની સપાટી પર પડતું પાણી જુદો જુદો રવ ઉત્પન્ન કરતું હતું. વરસાદ જોવો અને સાંભળવો બહુ જ ગમે, પણ આ સવારે મારે હવે પછીના ટાપુ મોઓરિઆ પર જવા માટેનું વિમાન લેવાનું હતું. એ બાબતે જરા અજંપો થવા લાગ્યો.

   મિ. લીફોક એમની વાનમાં મને મથકે લઈ ગયા. ઉતારી, ‘આવજો’ કહી હસતા હસતા પાછા જતા રહ્યા. મારું વિમાન અડધોએક કલાક મોડું ઊપડ્યું, પણ સરખું પહોંચી ગયું ખરું. બસ, એ પછી નીચે ઊતરતા ખખડધજ વિમાનની જેમ મારી ખુશનસીબીનું ધોરણ પણ નીચું ઊતરતું ગયું.

   મોઓરિઆના વિમાન-મથકે ત્રણ-ચાર કાઉન્ટર હતાં, પણ ત્યાંથી મને કોઈ વાન કે સમૂહ-વાહન મળે એમ નહોતું. એ માટે આગળથીપૈસા ભરીને વાઉચર મેળવવું પડે, જે મારી પાસે નહોતું. એકાદ ટેક્સી હતી, જેના ચાલકે ઘણા વધારે પૈસા માગ્યા. પૂછતાં ખબર પડી કે મથકની બહારના મુખ્ય માર્ગ પરથી ‘લ ટ્રક’મળી શકે તેમ હતી. હું ત્યાં પહોંચી ત્યારે એક પ્રવાસી ત્યાં રાહ જોતા ઊભા હતા. આકાશ વાદળિયું હોઈ સૂર્ય ઢંકાયેલો હતો તેથી રાહ જોવાનું કઠિન નહોતું. સમય થતાં આવી તે મોટી બસ હતી. એમાં નિરાંતે બેસીને મોઓરિઆનું સૌંદર્ય જોતાં જોતાં જવાયું.

   અહીં પણ વચ્ચે લીલોતરીથી છવાયેલા પર્વતો હતા, પણ અલબત્ત, ટાપુની અંદર ખાંચા કરીને આવતી બંને ખાડી – “કૂક” તથા “ઓપુનોહુ” – નાં પડખાં ઉપરના પર્વતોનાં શિખર ખૂબ વિચિત્ર લાગે તેવાં ને લાક્ષણિક પોલિનેશિયન આકારનાં હતાં. એમનાં દ્વારા તો મોઓરિઆનું પ્રવાસ-પત્રિકાઓ અને ફેન્સી સામયિકોમાંનું કલ્પન સર્જાતું આવ્યું છે. વિમાન ઉત્તર તરફના આખા ટાપુ પરથી ઊડતું આવ્યું હતું, એની બારીમાંથી આ બંને ખાડીઓ તથા વિલક્ષણ શૃંગો મને દેખાયાં હતાં. ‘લગૂન’નું પાણી મોરપીંછ રંગનું હતું, અને જો સૂર્ય ચમકતો હોત તો એ ઘણું વધારે વિશિષ્ટ લાગ્યું હોત.

   વાદળનો આછો પડદો મારે માટે વધારે સારો હતો. ટાપુને ચોતરફ વીંટાયેલો આ એક જ માર્ગ હતો. નકશામાં જોઈને હું માર્ગ પરનાં થાણાં – જેવાં કે મોટાં હોટેલો, દેવળો, દુકાનો વગેરે – ઓળખાતી રહી. જે જગ્યાએ રહેવાનું વિચારેલું એનું નામ ચાલકને કહી રાખેલું. એણે યાદ રાખીને બસ ત્યાં ઊભી રાખી. ઉતારો જોતાં જ ખ્યાલ આવ્યો કે એમાં ભૂલ થઈ હતી. જગ્યા સારી હતી – પાણીને કિનારે. જોકે ‘લગૂન’નું પાણી સ્તબ્ધ ને જાણે જીવવિહીન હતું. એને તળિયે ધારદાર, મૃત પરવાળાં જડેલાં હતાં એટલે ફક્ત હું જ નહીં, કોઈ એ પાણીમાં પગ મૂકી શકે તેમ જ નહોતું. પણ ભાગીને જવાનું ક્યાં? નહોતું કોઈ જાહેર વાહન ત્યાં કે નહોતા બીજા ઉતારા નજીકમાં. આ રૂમ સાવ સાદો હતો. જોકે બત્તીનું અજવાળું ઘણું હતું ને ચાદર વગેરે ચોખ્ખાં હતાં. એક જ રાતનો સવાલ હતો, એટલે મેં ચલાવી લેવાનું નક્કી કર્યું. ફિલસૂફીનો આશરો મેં મનોમનલીધો હતો, પણ થોડી ઉદાસી તો મન પર રહી જ. મારો શ્રમસિદ્ધ એકસોમો આ દેશ હતો. એના છેલ્લા ટાપુ પરની આ છેલ્લી રાત હતી. બીજે બધે સારી રીતે રહેવા મળ્યું ને અહીં પસંદગી ઠીક ના થઈ. છેલ્લા કોળિયામાં જાણે કાંકરી આવી હતી.

  મસીના સતત હુમલાને લીધે બહાર તટ પર બેસવું કષ્ટકર હતું. રૂમમાં પણ મચ્છર હતા ને છત પરથી જતી ગરોળી પથારી પર પડી. ચમકીને ચાદર ખંખેરીને એને કાઢી તો ખરી, પણ પછી બત્તી ચાલુ રાખવાનું મન ના થયું. સાત વાગ્યે એક વાર બારણું ખોલીને બહાર જોયું તો કમ્પાઉન્ડમાં અંધારું ઘોર હતું. એકાંત હંમેશાં ગમતું આવ્યું છે ને એકાકીપણું પણ માણી શકાયું છે, પરંતુ આ એકલતા, આ વિમુક્તિ અસ્વાભાવિક હતાં એમ મને લાગ્યા કર્યું.

   અજવાળું હતું ત્યારે મુખ્ય માર્ગ પર ગઈ હતી. નજીકમાં કેટલીક દુકાનો ને એક બૅન્ક હતાં. ખાવા માટેની બે-ત્રણ જગ્યાઓમાંથી આશરે જ એકમાં જઈ જમી લીધું હતું. એ સાથે, એક પ્રવાસ-કાર્યાલય પર જઈને આવતી કાલને માટે “દ્વીપ-વર્તુળ પર્યટન” માટે આરક્ષણ કરાવેલું. એ કામ બુદ્ધિપૂર્વકનું હતું એમાં ના નહીં. આખો દિવસ અત્યંત સુંદર ગણાતા આ ટાપુને નિહાળવામાં જશે. આ જુગુપ્સાનોભાવ ક્યાંયે ફેંકાઈ જશે.
* * *
   ઊંચાં, તીક્ષ્ણ પર્વત-શૃંગો, ઊંડે સુધી કિનારે ઘૂસી આવેલી ખાડીઓ અને પાનાં-નીલમ રત્ન-વર્ષા જળથી સોહતાં ‘લગૂન’ઇત્યાદિને કારણે મોઓરિઆ ટાપુ સર્વ-પ્રિય બનેલો છે. એટલું જ નહીં, હોલિવૂડની કેટલીય ફિલ્મોમાં એને સ્થાન મળતું રહેલું છે. તાહિતિ ટાપુથી એ બાર માઈલ જ દૂર છે. ઘણાં પ્રવાસીઓ અહીં સવારથી સાંજ ફરવા આવી જાય છે, તો પપિએતે શહેરમાં કામ કરનારાં ઘણાં હવે મોઓરિઆ પર રહેવા માંડ્યાં છે. આ ટાપુ નાનો છે, શાંત છે અને ઘણો સાફ રહે છે કારણકે ત્યાંના નગરપતિ એ માટે આગ્રહશીલ છે. જોકે અમાપ લોકપ્રિયતાને કારણે જ એ અત્યંત મોંઘો તથા વેપારી-વલણનો ભોગ બની ગયેલો છે. કુલ વસ્તી માંડ બાર હજાર જેટલી હશે, જેનોમોટો ભાગ પાઈનેપલના વાવેતરમાંથી, માછલી પકડવામાંથી તથા પ્રવાસીઓને લગતી પ્રવૃત્તિઓમાંથી આવક મેળવતો રહે છે.

   નકશામાં જોતાં એનો આકાર કોઈને ઊંધા ત્રિકોણ જેવો લાગશે, તો કોઈને હૃદય જેવો રોમાંચક લાગશે. લાખો વર્ષ પહેલાં, આ ટાપુ પરનો એક જવાળામુખી ક્યાં તો અડધો દરિયામાં તૂટી પડ્યો,ક્યાં તો અડધો અવકાશમાં ફેંકાઈ ગયો હતો ને તેથી આવો આકાર થઈને રહેલો છે. બાકી રહેલા વિવરની ધાર ઘસાતી-ખવાતી તીક્ષ્ણ, તેમજ વિચિત્ર લાગતા આકારનાં શૃંગ ને શિલાઓ બનીને બચેલી છે. એમાંનાં અમુકને વિષે લોકવાયકાઓ પણ સર્જાયેલી છે.

   ફ્રેન્ચ પોલિનેશિયાની પ્રથમ ભાષાને “રેઓ માઓહી” કહે છે. એમાં મોઓરિઆનો અર્થ “પીળો કાચંડો” થાય છે. ખરેખર, ઊંચાનીચાં ભીંગડાંવાળી પીઠ પાથરીને એક કાચંડો પીળા તડકામાં આડો પડ્યો ના હોય એવી કલ્પના થઈ શકે છે ! આ અર્થની ખબર હતી તેથી આ ટાપુ પરના કાવ્યમાં એ કલ્પન મને કામમાં આવી ગયું. ખ્રિસ્તી મહાદેવળના ઘુમ્મટના આકારના માઉન્ટ મોઉઆરોઆ “શાર્ક માછલીનો દાંત” અને “બાલિ હાઈ પર્વત” જેવાં નામ પ્રચલિત થયેલાં છે. માઉન્ટ રોતુઈ કાળા લાવાનો બનેલો છે ને વિવરના નીચલા ભાગમાં એકલો ઊભેલો દેખાય છે.

   માઉન્ટ તોહિએઆ માટે તો મઝાની વાયકા છે. ચોરોના દેવ માઉન્ટ રોતુઈને ચોરી જવા માગતા હતા, પણ લોકકથાઓમાંના જાણીતા વીર પાઈ આ વાત જાણી ગયા. રાતના અંધારામાં આમ બનતું અટકાવવા માટે પાઈએ તાહિતી પરથી મોઓરિઆના માઉન્ટ તોહિએઆના શિખર પર પોતાનો ભાલો ફેંક્યો. એની સનસનાટીના અવાજથી ત્યાંના કૂકડા જાગી ગયા અને છડી પોકારવા માંડ્યા. એનાથી લોકો જાગી ગયા અને ચોરોના દેવને અટકાવી શક્યા. એ ભાલાના ઘા દ્વારા, એ કાળથી માઉન્ટ તોહિએઆના જાડા અંગૂઠા જેવા શિખરમાં કાણું પડેલું છે.

   મોઓરિઆ ટાપુને ફરતો એક માર્ગ છે, જેની આખી લંબાઈ છત્રીસ માઈલ છે. એ સિવાય આઠ-દસ કાચા જેવા રસ્તા હશે. જે અડધો માઈલ-એક માઈલ જઈ, પર્વતો શરૂ થતાં ત્યાં જ અટકી જાય છે. એમના પર બે-ચાર ઘર અને લોકોની વાડીઓ હોય છે. અહીં મુખ્ય શહેર કે કેન્દ્ર જેવું કાંઈ નથી, પણ આઠ જુદાં જુદાં નામ નકશામાં ને માર્ગ પર મૂકેલાં પાટિયાંથી જાણવા મળે : માહારેપા, પાપેતોઆઈ, હાઆપિતિ, માઆતેઆ, આફારેઆઈતુ, વાઈઆરે, તેમાએ અને પાઓ પાઓ. દરેક જગ્યાએ સાવ થોડાં ઘર ને તેય દેખાય તો દેખાય. એક કે બે દેવળ બધે હોય. કિનારા પરનાં અમુક સ્થાન પ્રવાસીઓ માટેની હોટેલોએ પચાવી પાડ્યાં છે. તે બધે દુકાનો, રેસ્ટોરાં, માર્કેટ, બૅન્ક વગેરેનું એક જૂથ બની ગયેલું જોવા મળે. મોઓરિઆ ઐતિહાસિક અગત્યનું જોવાનું કશું નથી, પણ એનું પ્રાકૃતિક રૂપ વખણાય, તેથી એ અત્યંત લોકપ્રિય બનેલો છે.

   ઘણાં વખાણ સાંભળેલાં તેથી જ હું પણ અહીં આવવા પ્રેરાયેલી ! પણ મને આ ટાપુ ઓછામાં ઓછો ગમ્યો. લાગે છે બહુ જ સુંદર, પણ એના વાતવરણમાંનું કશુંક ઉપરછલ્લું અને ખોટું લાગતું રહ્યું.
* * *
   લગભગ આખી રાત જોરજોરથી વરસાદ પડતો રહ્યો હતો - જાણે દરિયો ભરવાનો ના હોય ! સવારે પણ ઝરમર ચાલુ હતી ને આકાશ ઘેરાયેલું હતું. નિરાંત લાગતી હતી. એનાથી વાદળોને લીધે સૂરજથી બચવું નહોતું પડતું. આ વખતે વળી મિનિ-વાનમાં ત્રણ અમેરિકન હતાં. હું આગળ જ બેસી ગયેલી. અહીં પણ ચાલક ઍડ્ના નામની સ્થાનિક સ્ત્રી હતી. એણે પહેરેલી હૅટ પર ગોળ ફરતાં ખૂબ સરસ ફૂલ હતાં. ગુલાબ પણ ખરાં. મને બહુ જ ગમી ગયાં. દિવસ દરમ્યાન મેં ખૂબ હળવા હાથે ગુલાબની પાંદડીને સ્પર્શ કર્યો, ત્યારે જ ખબર પડી કે એ તો રેશમી ફૂલો હતાં – સાચાં, તાજાં નહીં. પણ તો યે એ ખૂબ ગમતાં રહ્યાં. એમાં રંગોની તાજગી તો હતી

   ફોટા લેવા માટે પ્રકાશ જરા ઓછો હતો. ભૂરા સ્વચ્છ આકાશને અઢેલીને રહેલાં ગાઢ લીલાં વિલક્ષણ શિકાર આમ તો અત્યંત આકર્ષક રંગ-વિરોધ, તથા હંમેશાં યાદગાર દ્રશ્ય સર્જતાં હોય છે, પણ આજે નહીં. તેજ હોય તેની સાથે તાપ ને તડકો પણ હોય, તેથી ક્યાં તોસારા ફોટા પાડવા મળે, ક્યાં તો થોડો છાંયો ને થોડી નિરાંત મળે !

   સૌથી પહેલાં પાઈનેપલ ફેક્ટરી પર લઈ જવાયાં. કમ્પાઉન્ડ મોટું હતું. ફળની વાડી જોવા ના મળી, ને ફેક્ટરીની અંદર પણ ના જઈ શકાયું. પ્રવાસીઓ માટે બનાવેલી મોટી દુકાનમાં બહુ આવકાર મળ્યો. પર્યટનના ભાગ રૂપે પાઈનેપલ, કેળાં, નારંગી ને નાળિયેરમાંથી બનાવેલાં ગળ્યાં પીણાં ચાખવા મળ્યાં. “ચાખશે તો ખરીદશે” એવો ખ્યાલ વેચનારાને સ્વાભાવિક રીતે હશે. અમે કોઈએ ખરીદ્યાં નહીં. બીજી વસ્તુઓથી દુકાન ભરેલી હતી, પણ બધા ટાપુઓની જેમ અહીં મોટા ભાગની ચીજો ઈન્ડોનેશિયામાં બનાવેલી હતી. લાગે ટાપુઓને લાક્ષણિક – અમુક રંગ, અમુક ડિઝાઈન, લાકડાં અને નાળિયેરમાંથી બનેલી વગેરે. પણ ફ્રેન્ચ પોલિનેશિયામાં ખાસ હસ્તકળા લાગતી નથી. ઇન્ડોનેશિયા પણ ટાપુ-દેશ તો ખરો જ. મને બધું જોવાની મઝા આવી, પણ અમુક વસ્તુઓ ઇન્ડોનેશિયા ગઈ ત્યારે ખરીદી હતી. પેલાં ત્રણે અમુક ખરીદ્યું – ભેટ આપવા માટે.

   એ જ રસ્તે પછી પહાડ પર ચઢવા માંડે છે. એ પ્રાચીન જવાળામુખીના અર્ધ-વિવરનો વિસ્તાર હતો, ને ત્યાં લાવાની કાળી જમીન સહેજ પણ દેખાતી નહોતી – બલ્કે અનેક પ્રકારનાં વૃક્ષ-વનસ્પતિથી એ પૂરેપૂરી ભરાઈ ગયેલી હતી. સાગ ને સીસમ, ખજૂરી ને નાળિયેરી, અતિશય જાડાં-પહોળાં થડવાળાં જંગલી જાસૂદ તથા તાહિશિયન ચેસ્ટનટના ઝાડ; ન્યૂઝીલૅન્ડથી ગાયો અને ઘોડાની સાથે સાથે લવાયેલાં ચીડનાં ઝાડ; ઉપરાંત, સર્વસામાન્ય પપૈયાં, કેળાં, કેરી, આવાકાડો, બ્રેડક્રૂટ, જેકફ્રૂટ વગેરે તો બહોળા પ્રમાણમાં હોય જ. પાઈનેપલનાં ક્ષેત્ર ઠેર ઠેર હતાં. “ક્રિસ્ટમસ ટ્રી-ફલાવર” નામનાં ફૂલ લાલ ને કેસરી હોય છે અને નાનેથી મોટા થતા જતા આકારે ખીલતાં હોય છે. “નોનો” નામનું ફળ બહારથી થોડું સીતાફળ જેવું લાગે. એ અમુક દવાઓમાં વપરાય છે એમ ઍડ્નાએ કહ્યું, “નોનો” ને સૌથી પહેલાં મેં ટૉન્ગા પર જોયું હતું. દક્ષિણ પ્રશાંત મહાસાગરના એક છેડાથી છેક બીજા છેડા સુધી હું આવી પહોંચી હતી.

   પહાડ ચઢીને રસ્તો “બેલ્વેડિઅર પોઈન્ટ” પર પહોંચે છે. મોઓરિઆનો દ્રશ્યપટ અહીંથી બહુ સરસ દેખાય છે – લાંબી આંગળીઓ જેવી બે ખાડી-કૂક અને ઓપુનોહુ – નીચે બે બાજુ દેખાતી હતી. વચમાં હતો માઉન્ટ રોતુઈ, જેને “પવિત્ર પર્વત” પણ કહે છે. આ દ્રશ્ય મેં વિમાનમાંથી જોયું હતું. અત્યારે જ્યારે ફોટા લેવાની તક હતી ત્યારે એકદમ વરસાદ પડવા માંડ્યો અને અમે ભાગીને મિનિવાનમાં બેસી ગયાં. વિશ્વમાં વિખ્યાત દ્રશ્ય જોવા મળ્યું હતું, એ પર્યાપ્ત હતું.

   ત્રણ બાજુ પરની શૃંગ-શ્રેણિ જોવા જેવી હતી – નજર પર પણ કાપા પાડે તેવી વિષમ – કર્કશ. ૩૬૨૫ ફીટ ઊંચો માઉન્ટ તોહેલા ટાપુ પરનું ઉચ્ચતમ શિખર છે. અન્ય શિખરો એમના આકાર પરથી જ ઓળખાય છે. એક જાડો અંગૂઠો ને એની વચમાં એક કાણું; બીજો હિંસક શાર્ક માછલીના તીક્ષ્ણ દાંત જેવો; ત્રીજો ધારદાર તીણા દાંતાવાળી કરવત જેવો તો વળી, અન્ય આકાર જવાબ આપવા ઊંચી કરેલી આંગળીઓ જેવા હતા. આ બધાં શિખર તેમજ ઢાળઢોળાવો સંપૂર્ણપણે લીલોતરીથી છવાયેલાં હતાં. ફક્ત એક જ સ્થાને જીવનના અંત જેવો નિર્મમ, કાળમીંઢ પાષાણ દેખાતો હતો, ત્યાં એ પ્રાચીન કાળથી બનેલી, રાક્ષસી પરિમાણની દ્રષ્ટિને રોકતી દીવાલના રૂપમાં હતો.

   ભલેને વરસાદ પડતો ગયો. ભલેને ભીનાં થયાં કે ફોટા ના લેવાયા. મારું મન ફરી આનંદમાં આવી ગયું હતું. સામાન સાથે જ હું નીકળી આવેલી. નિશ્ચિત ટાપુ પર ફરી રહી હતી – જોવાનું જોકે બહુ નહોતું. કિનારા પર એકાદ નાનો, સ્થાનિક પાર્ક, રસ્તાને નાકે એકાદ પ્રાથમિક શાળા; એક ખાલી જગ્યામાં “તાજી મરેલી” માછલીઓ ખરીદવા સ્થાનિક લોકોની જરાક અમથી ભીડ – એવું બધું શાંત જીવનની ઝીણી ઝાંખી જેવું. એ બધામાં રસ પડતો હતો.

   “બેલ્વેડિઅર પોઈન્ટ”થી યે ઉપર, પ્રાચીન જ્વાળામુખીના અર્ધમુખની કિનારી પર ચઢતો જતો રસ્તો તિતિરોઆ “મારાએ”ના અવશેષો પાસે પહોંચે છે. ચારસો-પાંચસો વર્ષ પહેલાં પૂજનીય દેવ-સ્થાન ત્યાંસ્થપાયાં હતાં. જાતિ-નાયકો ત્યાં સભા ભરતા, ઉત્સવો મનાવતા અને તીરંદાજીની સ્પર્ધા યોજતા. એની સંભાળ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમ પ્રવાસ-પત્રિકા કહે છે, પણ જોઈએ ત્યારે એવું લાગે નહીં. જેમ-તેમ પડેલા પથ્થર જ દેખાય. એક “મારાએ”ના બધા પાષાણ ગોઠવેલા લાગતા હતા. કદાચ એ એક જ ઉદ્ધાર પામેલો હતો. બાકી બધું તરછોડાયેલું, ભુલાયેલું ને લીલી ફૂગનાં સ્તરવાળું રહ્યું હતું. એક જમાનાની “પવિત્ર અને દેવાર્પિત ભૂમિ પર હવે મનસ્વી રીતે ઊગી ગયેલાં, તાહિશિયન ચેસ્ટનટ વૃક્ષોનાં પહોળાં, મોટાં ત્રિકોણાકાર થડનો અવિચારી કબજો હતો.

(સોસાઈટી આઈલૅન્ડ્સ દ્વીપ-દેશમાં જોવા મળતાં, “મારાએ” કહેવાતાં પ્રાચીન પવિત્ર આદિ-સ્મારકોનો એક અંશ.)


    મનમાં એમ થાય કે નષ્ટ થયેલી પ્રથાનું ઐતિહાસિક મૂલ્ય કેટલું રહે, ને ક્યાં સુધી રહે ? ને તે પણ ચાર્વાકવાદી કહી શકાય તેવાંસ્થાનો પર ?
* * *
   પહાડ પરથી નીચે આવ્યા પછી એ જ પાછલા કાચા રસ્તા પર એક જગ્યાએ, કૃષાવિદ્યાની કૉલેજ દ્વારા એક નાના તળાવમાં ઝીંગા માછલીનો ઉછેર થઈ રહ્યો હતો. સ્થાનિક લોકોને આ માછલીમાં બહુ રસ નથી હોતો, પણ મોટી ફેન્સી હોટેલોમાં ઊતરનારાં પ્રવાસીઓને ઝીંગા બહુ પસંદ. એ પશ્ચિમના દેશોમાં ફેન્સી, મોંઘી ખાદ્ય-સામગ્રી ગણાય છે. આ હોટેલોના વપરાશ માટે જ મોઓરિઆ પર ઝીંગાનો ઉછેર થાય છે. જોકે આ કૉલેજ અનેક પ્રકારની વનસ્પતિનો અભ્યાસ વાવેતર, ઉછેર ને સંભાળ પણ ચોક્કસ યોજના તથા શિસ્તપૂર્વક કરે છે. સાવ નાના ટાપુ પર આવી સંસ્થા છે એ જાણીને આનંદ થયેલો.

   ભૂમિ અત્યંત ફળદ્રુપ હોઈ પડતર ઘાસ તો શું, પણ ભલભલાં છોડ ને ઝાડ સહેજ વારમાં, એમ ને એમ, તદ્દન મેળે મેળે, જ્યાં ને ત્યાં મૂળ નાખી બેસે છે અને વધતાં રહે છે. પરંતુ આ સાથે અહીં લોકો વ્યવસ્થિત રીતે, વિચારપૂર્વક, સુઘડ લાગે તેમ ફૂલછોડ વાવતા હોય છે, એ પણ જોવા મળતું રહે છે. ઘણાં ઘરની બહાર જાસૂદની અને બીજી જાતની વાડ પણ ઉદ્દેશપૂર્વક ઉગાડેલી હોય છે. પણ કમ્પાઉન્ડની અંદર ફૂલો ખીલ્યાં હોય તે તરત જ ઘર જેવું દેખાવા માંડે છે, તે ચોક્કસ. હંમેશાં આમ બનતું દેખાયું. સાવ સાધારણ કહીએ તેવાં ફૂલ તરત ફેર પાડી દે. કોઈ પણ જમીનને બાગમાં, કોઈ પણ મકાનને ઘરમાં ફેરવી દેતાં હતાં ફૂલ – જાસૂદ, ચંપા, કરેણ, બારમાસી, ગુલતોરો.

   બધાં ઘર પર પતરાંનાં છાપરાં હોય છે. બહુ લાંબાં – કદાચ સદાને માટે – ચાલેને તેથી. સદીઓ સુધી સૂકાં તાડપત્રનો રિવાજ હતો. એ પાંદડાંને દર પાંચ-છ વર્ષે તો બદલવાં જ પડે. વચમાં વાવાઝોડાં આવી જાય તો એથીયે પહેલાં. તેથી જ હવે પતરાં વપરાવાં માંડ્યાં છે. દેખાવ બદલાઈ ગયો. જ્યાં ગ્રામીણ હતું ત્યાં શહેરી, જ્યાં કુટિર જેવું હતું ત્યાં મકાન જેવું લાગવા માંડ્યું છે. ટેલિવિઝનની એન્ટેના તથા ડિસ્ક લગભગ દરેક છાપરા પર લાગી ગયાં છે. આ આધુનિક જમાનાનાં ચિહ્ન.

   ટાપુનું આવર્તન લેતાં લેતાં ઘણાં ઘર જોયાં. બધાં હોય રસ્તાપર જ. ક્યારેક પહાડ તરફ તો ક્યારેક પાણી પર. એમને જાણે વધારે ફાયદો થયેલો લાગે. પાણીનું સતત દર્શન – એ તો કેવું સુખ! અસંખ્ય ઘર ખૂબ સરસ, તદ્દન નવાં અને આધુનિક જેવાં પણ હતાં. એવાં કેટલાંક ઉત્તર કિનારે, વિમાન-મથક અને વાઈઆરે નૌકા-અડ્ડાની વચ્ચેના એક પહાડી ઢોળાવ પર દેખાયેલાં. આવાં નિવાસસ્થાનનાં માલિક સ્થાનિક નહીં, પણ શ્વેત વ્યક્તિઓ હોય છે. ધનસંપત્તિ અને મોકળા સમયથી સજ્જ પરદેશીઓ, આવાં સ્થાન વખતોવખત આવી, આરામ કરવા માટે રાખતાં હોય છે. નકશામાં આઠ નામ જોયેલાં, એમાંનું એક વાઈઆરે. ત્યાં તાહિતી જતી નૌકા માટેનો અડ્ડો છે તે જ. વસવાટ કે વેપાર-કેન્દ્ર જેવું કશું ત્યાં નથી. બાકી અહીં સાત ગામ, સાત દેવળ ને સાત શાળાઓ છે એમ ઍડ્નાએ જણાવેલું. લોકો પ્રોટેસ્ટન્ટ-પંથી વધારે, કારણકે એ પંથના પાદરીઓ સૌ પ્રથમ આ બધા ટાપુ પર આવેલા, પરન્તુ કૅથોલિક, સપ્તમ-દિન પંથી અને જેહોવાના સાક્ષી પંથમાં માનનારા પણ અહીં છે જરૂર. વસ્તી જ માંડ બાર હજારની – ત્યાં વહેંચણીમાં ક્યા પંથને ભાગે કેટલી સંખ્યા આવતી હશે?

   વાતવાતમાં ઍડ્ના બોલેલી કે એને બોરા બોરા કરતાં મોઓરિઆ વધારે સારું લાગતું હતું, “કારણકે ત્યાંના લોકો બહુ મળતાવડા નથી.” સાંભળીને હું હસેલી. મને ખાતરી છે કે બોરા બોરાના લોકો અહીંના લોકો માટે આવું જ કંઈક કહેતા હશે. બધે એકબીજા માટે આવું જ કહેવાતું હોય છે. મિત્રાચારીના ખ્યાલ હંમેશાં સાપેક્ષ હોય છે. આ બધા ટાપુઓ પર અગણ્ય જણ, અલબત્ત, સ્વાભાવિક રીતે જ હસમુખા અને મિત્ર-ભાવી હોય છે, પણ બીજાં અનેકને માટે સ્મિતભાષી વર્તનનો સંબંધ વિભિન્ન કારણો સાથે હોય છે. સમય, સ્થળ, સંજોગો, મૂડ, ગરજ, પરિચય જેવાં કારણો. મેં આ બધા પ્રવાસી-પ્રિય ટાપુઓ પર ઘણીયે છોકરીઓને જોઈ કે જે દુકાનોમાં કામ કરતી હોય, પણ મોઢું કે ભવાં ચઢાવીને, નીરસ ને બેપરવા થઈને અથવા મારા જેવા અશ્વેત પ્રવાસીની સામે પણ જોયા વગર બેઠી હોય – જાણે સ્વભાવ જ એવો હોય. ત્યાં તો આ બધા ભાવ બદલાઈ જાય ને હસીખુશીથી, રસથી, આગ્રહથી બોલવા માંડી જાય - કોઈ ઓળખીતું હોય, શ્વેત-વર્ણ હોય. ઠેર ઠેર આવા અનુભવો પરથી હું સમજતી થઈ છું કે સર્વજન સાથે સરખી રીતે વર્તનાર વ્યક્તિઓ બહુ ઓછી હોય છે. સામાન્યતઃ વર્તન વિભિન્ન કારણોસર બદલાતું રહેતું હોય છે. ઍડ્નાને મેં આમાંનું કશું કહ્યું નહીં. કશો અર્થ સરવાનો નહોતો. લગભગ ક્યારેય નથી હોતો !”

   સાથેના યુગલે અડધા દિવસ માટેના જ પૈસા ભર્યા હતા. એ દરમ્યાન સાથે હસ્યાં, વાતો કરી ને પછી એમની હોટેલ પર ઉતારી દીધાં. જે એક યુવક હતો, એને પોતાની હોટેલ પર જઈ ઊંઘી જવું હતું. એને ઉતાર્યો. પછી રહ્યાં હું નેઍડ્ના. બપોરના બાર વાગતાંમાં બધાંયે વાદળ ખસી ગયાં હતાં. આકાશ ચોખ્ખું થઈ ગયું હતું અને તડકા-તાપને માઝા નહોતી રહી. ચાલુ વાનમાં પવન આવતો હતો અને ઍડ્ના ખૂબ ઝડપથી ચલાવતી હતી. મને થાય કે જરા ધીરે, નિરાંતે જાય તો કેવું સારું; તો સ્થાનોને, દ્રશ્યોને સરખાં જોવાય. હવે ફોટા માટે પ્રકાશ ઘણો હતો. ત્રણેક વાર મારે એને ઊભા રહેવા માટે, જરા પાછળ જવા માટે કહેવું પડ્યું કે જેથી હું ફોટો પાડી શકું. આખા ટાપુને ફરતે એ મને લઈ ગઈ ખરી.

   પણ એનું ચિત્ત બીજે જ હતું. એક તો બપોરના જમવાના સમયે એ કોઈ સગાંને મળવાની હતી. વાઈ મોઆના રેસ્ટોરાં પાણી પર હતી. મારા ઉતારાની નજીકમાં જ હતી. એ તરફ પાછું જવાનું થયું જ ! ગરમીમાં બીજે જવાને બદલે મેં પણ ત્યાં જ ચીની નિરામિષ મંગાવ્યું. સાથે તીખી ચીની ચટણી માગેલી. કાચની દીવાલમાંથી પાણી દેખાતું હતું. અનાવૃત્ત સૂર્યને લીધે એના રંગ હવે પીરોજા અને દરિયાઈ નીલ બન્યા હતા.જમ્યા પછી બહાર જઈને હું થોડી વાર થોડો છાંયડો મેળવી સાગરની સામે બેઠી. બે ગોરી યુવતીઓએ પાણીમાં ઊતરવાનો પ્રયત્ન કર્યો, પણ પરવાળાની ધારદાર કરચો પગનાં તળિયે એવી વાગી કે તરત બંને બહાર નીકળી આવી. મારી સામે માથું હલાવી મને કહે, “ના, શક્ય જ નથી.”

   હવે ઍડ્ના મને એક શોપિંગ સેન્ટર પર લઈ ગઈ. ગાડીભાડે કરવા માટેની એક નાની ઑફિસમાં એની ઓળખીતી છોકરી કામ કરતી હતી. ત્યાં જઈને એ બેસી ગઈ. બે-ત્રણ દુકાનો. એમાં મેં થોડો સમય કાઢ્યો. પછી એક ઝાડની નીચે બનાવેલા ઓટલા પર છાંયો જોઈને બેસી રહી. એકાદ વાર ઍડ્નાને પૂછવા ગઈ કે “હવે કેટલી વાર છે?” એ બિયર પીતી હતી. બીજી દસ મિનિટ પછી, પંદર મિનિટ પછી,” એમ એણે કહ્યું. એક બિયર પૂરો કરીને એણે બીજો હાથમાં લીધેલો. આખરે પિસ્તાલીસ મિનિટમાં બે બિયર પીધા પછી એ વાન પાસે આવી.

   ત્યાંથી ટાપુના ઉત્તર-પશ્ચિમ કિનારા પરની એક હોટેલના કમ્પાઉન્ડમાં ગયાં. એને કોઈને મળવાનું હતું. કમ્પાઉન્ડના રસ્તા પર એટલા બધા ચંપા ખરીને પડતા જતા હતા કે રસ્તો સફેદ બનેલો લાગે. પાછળ લાકડાની બેન્ચો અને ટેબલો મૂકેલાં. ત્યાં જ ઍડ્નાએનાં મિત્રોને મળી. હું દરિયા સામે જોતી બેઠી. સારી જગ્યા જોવા મળી, કારણકે આ કિનારો પાણીમાં જવાય એવો હતો, અને ગોળ વળતાં આવતાં નાનાં મોજાં જાણે ઘણા વખતે જોવા મળ્યાં હતાં. છાંયામાં, દરિયા પરની હવામાં એમ બેસી રહેવામાં મને વાંધો નહોતો. બીજું કરત પણ શું?

   ઍડ્ના મને વિમાન-મથકે ઉતારવાની હતી એટલે નિરાંત હતી. નહીં તો ટેક્સી કે ‘લ ટ્રક’શોધવી પડી હોત. આમ ત્રણ વાગ્યા. મેં સવા છને બદલે સવા ચારના વિમાનમાં બેઠક બદલાવી દીધેલી. અહીં તો એવું કે હવામાન સારું ના હોય તો વિમાન ના જાય. સવા છનું છેલ્લું વિમાન, ધારો કે આ સાંજે તાહિતી જવા ના ઊપડ્યું તો? મારે તો પછીથી રાતે અમેરિકા જવાનું વિમાન લેવાનું હતું. મોઓરિઆનું એ જ નાનું મથક ખાલી ને શાંત હતું. ફર્શ ધૂળ, કચરા ને સિગારેટોની રાખથી ગંદો થયેલો હતો. એ રોજ વળાતો નહીં હોય ? ત્રણ નાની જંગલી મરઘીઓ કરચો વીણીને ખાતી ફરતી હતી. એક કૂતરો પણ તાલ જોવા આંટો મારી ગયો. હાજર સ્થાનિક વ્યક્તિઓનું ધ્યાન એ તરફ ખેંચાયું નહોતું. એમને તો આ રોજનું થયું. મનમાં હસતાં વિચાર્યું, “મરઘીઓ છે મીઠડી. વિમાન-મથક પર શોભે છે !”

   સામાન આપી, ટિકિટ બતાવી, હાથ-મોઢું ધોઈ આવી હું જરા ચોખ્ખી ને સ્વસ્થ થઈ. એટલામાં ઍડ્ના નાના સ્ટેન્ડ પર જઈ, કર્મચારી સાથે વાતો કરતાં કરતાં બિયર પીવા માંડી ગઈ હતી. એને બીજો હાથમાં લેતી મેં જોઈ. કદાચ ત્રીજો પણ પીવાની. પછી ઘેર જઈને. આ લોકો અઢાર-વીસ બિયર સળંગ પી જતા હોય છે એમ સાંભળેલું, તાહિતિના ઉતારા પર જોયું પણ હતું જ. અહીં જિંદગી સરસ છે, સુખી લાગે છે, પણ કદાચ વધારે પડતી શાંત, એકવિધ ને “કંટાળાજનક” હશે તેથી જ આવી ટેવો પડવા માંડતી હશે. મારું વિમાન આવ્યું ત્યાંસુધી તો ઍડ્ના ઊભેલી જ હતી.

   સાવ જ નાનકડું વિમાન. પંદરેક જણ બેસી શકે તેવું. ઊપડે ને ઉતારે – એમાં દસ મિનિટ પણ માંડ થઈ હશે. આકાશી ટેક્સી જ કહેવાય એને. મોઓરિઆનાં વિદાય-દ્રશ્ય સ્પષ્ટ હતાં – સ્પંદિત હરિત તીક્ષ્ણ – ઉચ્ચ શૃંગો ને કિનારાથી દૂર ભાગતાં ધવલ મોજાં દ્વારા આકારિત થતું ‘લગૂન.’

   એમને દ્રષ્ટિના આશ્ર્લેષમાં લઈને મેં એક ઊંડો શ્વાસ લીધો.
(ક્રમશ :...)


0 comments


Leave comment