17 - પ્રકરણ : ૧૭ - સભાન સમાપન / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   મોઓરિઆથી તાહિતિ જતું વિમાન સાવ નાનકડું. બીજાં ચારેક પ્રવાસીઓ ખાલી હાથે હતાં. મારી હેન્ડબૅગ અંદર મુકાઈ કે નહીં, એ વિષે મને શંકા થઈ. જાણે એ વિમાનમાં એને મૂકવા જેટલી જગ્યા પણ હતી કે નહીં? એ ઊપડે તે પહેલાં ઊઠીને હું ચાલકને પૂછી આવી. મારો સામાન ભુલાયો તો નથી ને?

   પછી તો એ ઊપડ્યું શું ને ઊતર્યું શું? જાણે રમત-રમતમાં કોઈ જરાક ફરવા ના લઈ ગયું હોય? આકાશ સ્વચ્છ હતું અને હવા સ્થિર હતી – એટલું સારા પક્ષે કહેવાય. અદ્રશ્ય એવી હવાનાં કંપન જો વિમાની યંત્રોએ અનુભવ્યાં હોત તો આ સાવ ટૂંકું ઉડ્ડયન પણ મુલત્વી રાખવું પડ્યું હોત.

   મોઓરિઆના વિખ્યાત પ્રતીક-દ્રશ્ય નજરને વિશદ, ઇપ્સિત ઉપહારની જેમ પ્રાપ્ત થયાં હતાં. એ જોતાં જોતાં પણ મેં એક નિઃશ્વાસ મૂકેલો. એ શા માટે હશે? આ દ્વીપ-દેશને મેં ક્યારનો ઝંખ્યા કરેલો. એમાં પસાર થયેલા બધા દિવસો વિશિષ્ટ બનવા જોઈએ. તો અહીં મને એમ કેમ થયું કે, સારું છે કે હું જઈ રહી છું? કોઈ પણ સ્થાનને છોડવું ક્યારેય ના ગમે, તો આ છોડતાં કેમ રાહત થઈ રહી હતી? મોઓરિઆ તો આખા વિશ્વના પ્રવાસીઓને આકર્ષે છે, તો મને કેમ...? ...કે પછી એ જ કારણે મને મઝા ના આવી ત્યાં?અત્યાર સુધીની દરેક જગ્યાએ ફિજિ, ટૉન્ગા, સામોઆ, કૂક તેમજ સોસાઈટી-દેશના અન્ય ટાપુઓ પર હું લોક-જીવનનો કિંચિત અંશ બની શકી હતી. એ સર્વ સ્થાનોએ મને પોતપોતાની માયામાં પ્રવેશવા દીધી હતી. તો મોઓરિઆ શું એટલું બધું કૃત્રિમ, ઉપરછલ્લું ને નિષ્ઠાહીણું હતું કે હું એની નિકટ પહોંચી ન શકી ?

   શું એ મારી જ ક્ષતિ હતી? શું તેથી જ હતો એ નિઃશ્વાસ?
   મોઓરિઆની આકાર-છાયા થોડી ધૂંધળી થવા માંડી ત્યાં તો તાહિતિનો મોટોટાપુ સ્પષ્ટાકાર બન્યો. સંપૂર્ણપણે લીલો ને પર્વતખચિત. એના ઢોળાવો પરનાં રહેઠાણો લીલી જાજમમાં ગૂંથેલાં સફેદ ટપકાં જેવાં હતાં. એનું પોતાનું ‘લગૂન’ચળકતા નીલ-પીરોજા પાણીનું બનેલું હતું. સાગરને છૂટો પાડતી પરવાળાંની પાળી મોજાંને પણ ત્યાં જ અટકાવતી હતી. બસ, વિમાનને ઊતરવાની ભૂમિ-પટ્ટી આવી પહોંચી !

   વિમાનમાંથી નીચે ઊતર્યા પછી ચાલકની સાથે આંખ મળી. એમણે હસીને કહ્યું, “તમારો સામાન જોયોને? હવે ચિંતા નથી ને?” બાકીનાં સ્થાનિક જેવાં પ્રવાસીઓ તો હાથ હલાવતાં જતાં રહ્યાં. સામાન લઈને હું મુખ્ય મથકના મકાન પર ગઈ. ઓહ, પપિએતેનું મથક ગરમ ગરમ હતું – એનું મકાન બારણાં વગરનું, સળંગ ખુલ્લા વરંડાનું બનેલું હતું તોયે. છતાં મનમાં નિરાંતનો ભાવ અનુભવ્યો. તાહિતી પાછાં આવવું ગમ્યું, ને સાથે જ એમ પણ થયું કે “ઘર તરફ જવાનું છે તે સારું છે.”

   મને તો બધે જ ઘર જેવું લાગે, ને ક્યાંયથી નીકળવું ના ગમે. આ તો મારો જોવા ઇચ્છેલો એકસોમો બનેલો દેશ હતો, તેથી મનોમન નવાઈ તો મને જ લાગતી હતી. જોકે કારણો પણ જાતથી છૂપાં તો નહોતાં જ. ફિજિ, ટૉન્ગા, સામોઆ કેવાં ગમેલાં. ત્યાં જીવનમાં ઘણી વધારે સ્વાભાવિકતા હતી. સોસાઈટી-દેશના ટાપુઓ પ્રવાસીઓ પર જ નભે છે ને પોતાપણું દર્શાવી શકતા નથી, કે સહજ આત્મીય બની શકતા નથી. એના ભૂમિભાગ સુંદર છે, પણ ત્યાં સ્નાન અને જળ-નિમજ્જનને યોગ્ય સાગર-કિનારા નથી. જોકે આવું તો દક્ષિણ પ્રશાંતના કોઈ ટાપુ-દેશ પર મળતું નથી. એમનાં ભૌગોલિક અંગ જ એ પ્રમાણે છે. વળી, જ્યાં કોઈ યોગ્ય-ભોગ્ય તટ હોય છે તે બધા ક્યાં તો સુગમ્ય નથી હોતા, ક્યાં તો ફેન્સી હોટેલોના ભાગરૂપે હોય છે. જાણે અહીં બધે સમુદ્રને પણ નાથવામાં આવ્યો છે – મૃત પરવાળાંની પાળ વડે બાંધવામાં આવ્યો છે – હોટેલો અન્યાયી સીમાઓવ વડે.

   આથીયે ખરાબ અને લગભગ અસહ્ય છે જીવાતની કનડગત. અહીં ક્યાંયે બણબણતી માખીનો ઉપદ્રવ નથી, પણ મચ્છર ને મસી જેવી, કરડ્યા કરે તેવી જીવાતની બહુ હેરાનગતી છે. હજી તો આરતીટાણું થાય ના થાય, સૂરજ ડૂબકી ખાય ના ખાય ત્યાં જીવાતનું જૂથ માથા પર અનિચ્છિત ચક્રની જેમ ઘૂમવા માંડે. દિવસે ગીચ વન્સપતિ લીલીછમ અને આસ્વાદ્ય લાગે છે તે જ રાતે આ અદ્રશ્ય. અ-૨વ હુમલાનું કારણ બને છે.

   “ચાલો, બહુ સરસ”, મેં વિચાર્યું. “લાંબા વખતની મારી ઇચ્છા સંતોષાઈ ગઈ. ફ્રેન્ચ પોલિનેશિયામાં જાતે જાતે હું ઈષત્ ફરી હતી.”
* * *
   સાંજે છએક વાગતાં તાહિતિના ફાઆઆ વિમાન-મથકની પાછળના ઢાળ ચઢી હું સોરેન્સેન ઉતારે જતી રહી. બીજા ત્રણ ટાપુઓ પર ગઈ ત્યારે મોટી બૅગને ત્યાં જ મૂકી રાખેલી. તે હવે લેવાની હતી. એ પહેલાં પાણી ઉકાળીને મેં ‘મૅગિ’ નૂડલ્સનું અડધું બાકી રહેલું પેકેટ રાંધ્યું, ગરમ કૉફી બનાવી ને છેલ્લી વાર ચમેલીના માંડવાતળે બેસી, કોમળ ફૂલોને જોતાં જોતાં, એમની સુગંધથી શ્વાસને ભરી દેતાં મેં એટલું ખાઈ લીધું. વિમાન તો છેક અગિયાર વાગ્યે ઊપડવાનું હતું.

   કુટુંબનાં ત્રણ સભ્યો પણ ત્યાં જ હતાં. એ લોકો મને કહેતાં હતાં – “સંપર્ક રાખજે. કાગળ લખજે. ફરી આવજે.” સ્થાન જાણેફરી મને એના રેશમી કોશેટામાં વીંટતું હતું. બેનિસિયાને મેં મારી પાસેની એક લાખની પહોળી, સરસ બંગડી ભેટ આપી. ખાસ્સી મોટી હતી, પણ એનો હાથ એવો ભારે કે માંડ ચઢી ને કાંડા પર ચપોચપ થઈને રહી. એને બહુ ગમી. શ્રીમતી સોરેન્સેનને મેં એક પીન આપી ને ફિલને એક ટાઈ આપી. રૂમનું ભાડું એમણે સહેજે ઓછું નહોતું કર્યું, પણ એ બધાં સારાં હતાં અને મારી બૅગ રાખવા દીધેલી. મારે એ બદલ એમનો આભાર માનવો હતો.

   તે જ વખતે શ્રીમતી સોરેન્સેને એમના સ્વાભાવિક મૃદુ સ્વરે કહ્યું : “આજે અમારી લગ્ન-તિથિ છે.” આથી મારી ભેટો સાર્થ બની. મેં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે આ પહેલી જ તિથિ હતી. એક જ વર્ષ થયેલું એમને પરણ્ય. ફિલ તો કદિ શર્ટ પણ ના પહેરે. એ સાંજે પ્રસંગનું ઔચિત્ય સાચવવા જ કદાચ એણે શર્ટ પહેરેલું, પણ ટાઈ બાંધતા ના આવડે. મેં ટાઈ આપી એટલે ગળામાં તો તરત નાખી, પણ પછી શું? એણે મને બાંધી આપવા કહ્યું. અરે, ભાઈ, મને ક્યાંથી આવડે? છતાં થોડી મચડી, પણ સરખી ગાંઠ વળાઈ નહીં. બધાં હસ્યાં સાથે. મેં ફરી એમને અભિનંદન કહ્યાં.

   પછી ફિલને મને મથકે મૂકી આવવા વિનંતી કરી. આમ તો એ ઢાળ ઊતરતાં જ હતું, પણ બૅગને ખેંચીને લઈ જતાં મને મહેનત ઘણી પડી હોત. ફિલને પગે વાગેલું ને ખૂબ દુઃખતું હતું. એ ગાડી ચલાવી શકે તેમ નહોતા, તેથી સોરેન્સેન અને બેનિસિયા મને મૂકવા આવ્યાં. મોટરમાં ખરેખર પાંચ જ મિનિટનો રસ્તો હતો, તેથી બહુ તકલીફ આપવાનો સવાલ નહોતો. છૂટાં પડતાં મને થયું કે તાહિતિ ફરીથી જવાનું કારણ આ કુટુંબ અને પેલી ચમેલી હશે.

   તાહિતિમાંની એ પહેલી મોડી રાતે મને અણધારી મદદ કરનારા ટેક્સી-ચાલક દાદાજીને ફરીથી મળવાની, ફરીથી આભાર માનવાની ઇચ્છાથી ટૅક્સીના અડ્ડા પર જઈ મેં એમને શોધ્યા, પણ એ ત્યાં નહોતા. ના મળાયું એ કારણે જીવ બળ્યો, કે પછી ભક્તની ભીડ ભાંગવા રાતે બે વાગ્યે કોઈ દાદાજી બન્યું હતું?
* * *
   તાહિતિથી અમેરિકાના પશ્ચિમ કિનારે જવા માટેનું ન્યૂઝીલૅન્ડની કંપનીનું વિમાન મોડું હતું. ત્યારે તો કોઈએ સરખો જવાબ નહોતો આપ્યો, પણ એ પાંચેક કલાક મોડું થયું હતું. જનારાં અનેક પ્રવાસીઓ આમથી તેમ પહેલાં તો ફર્યા. પછી થાકીને હાજર ખુરશીઓ પર, અથવા ફર્શ પર ઝોકાં ખાતાં બેઠાં. બધાંયે જૂથમાં અથવા સાથીની સાથે. એકલી તો એક હું.

   સાડા અગિયાર-બાર વાગ્યે લાઈનો શરૂ થઈ. ધીરે ધીરે આગળ વધતાં, કેટલીય વાર ટિકિટ ને સામાનનું પતાવ્યું. પછી ફરી બહાર જ બેસીને રાહ જોવાની હતી. આખરે વહેલી સવારના ત્રણ વાગ્યે વિમાન ન્યૂઝીલૅન્ડથી આવ્યું. એ પછી અમને અંદરના ખંડમાં જવા મળ્યું. વાહ, ત્યાં તો સરસ મોટા સોફા હતા. અમને વહેલાં અંદર જવા દીધાં હોત તો થોડું ઊંઘી તો લેવાત. લગભગ આખી રાતનો ઉજાગરો થયો હતો.

   વિમાન લૉસ ઍન્જલસ પહોંચ્યું પણ મોડું. એનો વાંધો મને આવવાનો નહોતો, કારણકે ત્યાંથી ન્યૂયૉર્ક જતું મારું વિમાન છેક રાતનું હતું. ફરીથી આ દિવસ મથક પર બેસી રહેવાનું હતું, ને આખી રાત વિમાનમાં ઊડવાનું હતું. આમ, દક્ષિણ પ્રશાંતના સરસ લાંબા પ્રવાસના છેલ્લાં બે દિવસ અને બે રાત બેઠાં બેઠાં પસાર કરવાના આવ્યા હતા.

   પરન્તુ ગતિ સ્વગૃહ ભણી હતી, જ્યાં વિશ્રાંતિને પૂરો અવકાશ હતો !
* * *
   દક્ષિણ પ્રશાંત મહાસાગરમાંના કેટલાક દેશો પર જવામાં મેં તેર-ચૌદ હજાર માઈલનો દરિયો વળોટ્યો હતો. કિનારેથી કિનારે અને મઝધારથી સઝધાર પહોંચતી રહી હતી. મારી પોતાની ઉપસ્થિતિપણ ટાપુ-સમી જ થઈ હતી. વિચાર કરતાં મને સભાન ખ્યાલ આવેલો કે આ પ્રવાસ દરમ્યાન દરરોજનો લગભગ અડધો કલાક કોઈની સાથે સહેજ વાતચીત કે પૂછપરછ કરવાની તક મળેલી. બાકીના સાડા તેવીસ કલાક મૌનનો દરિયો ફરી વળેલો રહેલો. આ પરિપ્રેક્ષ્યથી જુઓ તો સમય કેટલો નીરવ, મૂક ને શાંત લાગે છે. એટલું તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મોટા ભાગનો એ સમય મેં નિજાનંદમાં અને મનોશાંતિમાં ગાળેલો.

   ઊંડા આનંદ અને સંતોષ છતાં હૃદય ક્યારેક કષ્ટ પણ પામેલું, કઠિન પરિસ્થિતિઓ આવી મળી ત્યારે ટકી જવાનું બળ પણ મળતું રહેલું. “તે ક્યાંથી હશે?” – પ્રશ્નના જવાબમાં નિઃશંક એમ જ કહેવું પડે કે સાચેસાચ એકલી, એકાકિની પ્રવાસિનીની વહારે એ જ આવતા રહ્યા હતા જેમણે જન-સ્થાન-સમગ્રનો તીવ્ર પ્રેમ એના હૃદયમાં લાંબા કાળથી સીંચ્યા કર્યો હતો.

*** પૂર્ણ ***


0 comments


Leave comment