98 - ન ફેર પડે / જવાહર બક્ષી


વિસ્મરણ કે સ્મરણ ન ફેર પડે
પ્રેમમાં સ્હેજ પણ ન ફેર પડે

પ્રેમ તો સાવ પારદર્શક છે
મૂકી જો આવરણ.. ન ફેર પડે

ઘાવ સરખા જ બેઉને લાગે
હોય એરણ કે ઘણ, ન ફેર પડે

વેદનાનો જ દેશ રહેવાનો
કર ગમે ત્યાં ભ્રમણ, ન ફેર પડે

સ્વપ્ન સાચે જ જયારે તૂટે છે
ઊંઘ કે જાગરણ ન ફેર પડે

મિત્ર ! તરસ્યો છું હું મીઠા જળનો
તું તો દરિયો છે, પણ ન ફેર પડે

મુગ્ધ છું, મસ્ત છું, નિજાનંદે
તું મને ચૂંટી ખણ, ન ફેર પડે

જિંદગીના જુદા જુદા ચહેરા
એક મારું વલણ ન ફેર પડે

અંતે એની કૃપા અનંત હશે
તું ગમે તેમ ગણ !... ન ફેર પડે


0 comments


Leave comment