4.3 - અતિપ્રિય અતિથિ / મનીષા જોષી


સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં
આ ફ્લેમિંગો હજી આવ્યાં કેમ નહીં ?
ત્યાં જ ઠંડીથી ઠૂંઠવાતાં મરી તો નહીં ગયાં હોય ?
કે પછી રસ્તામાં એમની કાંપતી પાંખો
એવાં જ સફેદ વાદળો સાથે ભૂલથી અથડાઈને
ચિરાઈ ગઈ હોય ?
નળ-દમયંતીની વાર્તા કહેતો પેલો નાવિક
રાજા નળની જળસમાધિ બતાવી રહ્યો હતો.
હું જોઈ રહી, એની નાવ પર દોરેલાં લાકડાનાં ફ્લેમિંગો.
ને પછી એ નાવિકની વહુએ ઘરમાં લીંપેલાં
માટીનાં ફ્લેમિંગો.
સરોવરમાં ઊગેલાં કુમળાં ઘાસનાં બીજ ફ્લેમિંગો.
વાંસનાં હલેસાં ફ્લેમિંગો.
કેટલાં બધાં ! પણ બધાં જ સ્વર્ગસ્થ.
મારે તો જોવા હતાં હુંફાળા તડકામાં પાંખો શેકતાં,
સુંવાળાં સંવનન કરતાં,
માટીમાં ખાડા કરી ઈડાંઓ સેવતાં ફ્લેમિંગો.
જોકે, સરોવરનાં છીછરાં પાણીમાં રમતી
જળકુકડી જોવાની મજા આવે છે,
પણ ફ્લેમિંગો કેમ ભૂલાય ?
શાંત સ્વરૂપ અતિથિ.
જોજનો દૂરથી, ઠંડીથી બચવા, અહીં આવીને રહેતાં
અતિપ્રિય અતિથિ.
જોઈએ તો મારા શરીરની ઉષ્મા પણ હું તમને આપું.


0 comments


Leave comment