4.5 - પુનઃજન્મો / મનીષા જોષી


ફ્લેમિંગોના અકાળ અવસાન પછી હવે શું ?
ફીનિક્સની રાખ પડી છે.
સો વર્ષ પછી એ ફરીથી આ જ રાખમાંથી જન્મ લેશે.
હજી સો વર્ષ પૂરાં નથી થયાં.
અને એની આ રાખના ઢગલા પર
ગલૂડિયું બેઠક જમાવી રહ્યું છે.
ફીનિક્સની પાંખોનો ફફડાટ દેખાય છે
ગલૂડિયાના લટકતા, ધ્રૂજતા કાનમાં.
એની નાનકડી પટપટતી પૂંછડી
એટલે ફીનિક્સનો આત્મા.
હાડકું ચાવતા દાંત એટલે
ફીનિક્સનું આખુંયે જીવન.
ચામડાની ગંધથી ફૂલી જતાં એના નાકનાં ફોયણાં
એટલે ફીનિક્સની દરિયા પરની
ઊંચી ઊંચી ઉડાનોની બધી અગમચેતી.
એ ફીનિક્સની આ રાખ પર હવે
ગલૂડિયું સૂતું છે.
એ રાખની અંદરની શારીરિકતા પર
એનાં સ્વપ્નો રચાયાં છે.
એ હવે જાગે તેમ નથી.
એનું ચિંતન એટલે રાખમાં રહી ગયેલું
ફીનિક્સનું વીર્ય
જેમાંથી કોઈ ફીનિક્સ જન્મવાનું નથી.


0 comments


Leave comment