78 - જાય છે / જવાહર બક્ષી


શું મિલન કે શું જુદાઈ ! જાય છે
રાત જાણે કે અમસ્તી જાય છે

મારો સંદેશો કદી તો પહોંચશે
વૃક્ષની છાયાઓ તરતી જાય છે

હું હવાના ઘરમાં રહેવા જાઉં છું
ને પવન ભીંતોને ખેંચી જાય છે

કોઈ સપનું ચીસ પાડીને ઊઠે...
રાતનો ભેંકાર તૂટી જાય છે

ક્યાંક વાદળ વરસ્યાં હોવા જોઈએ
અહીં કોઈ ઠંડક શી વળતી જાય છે

એમ મોઢું ફેરવી ગઈ જિંદગી
જેમ કોઈ કાવ્ય વાંચી જાય છે

શબ્દ ! મારા શબ્દડાઓ ક્યાં ગયાં ?
કોઈ શ્વાસમાં પ્રવેશી જાય છે


0 comments


Leave comment