4.7 - મીં જા મામા / મનીષા જોષી


કાઢી લીધા આંખોના ડોળા ને ઘસ્યા પથ્થર પર.
પછી ચોંટાડી દીધા, બગાઈની જેમ, ગાયની પીઠ પર.
ગોળ ફેરવી પુચ્છ ને પછાડી ગાયે પીઠ પર.
ને જોયા તારાઓનાં ઝુંડને પડતાં નીચે.
ભૂંરાટી થઈ ગાય તો ! દોડી આખા ગામમાં.
ચાટવા મથી આંખોના ડોળા અડરની જેમ.
બધું વહી ગયું થૂંકની શ્રાવણી નદીમાં.
નદી, જેમાં રહે હંસ, માછલી, ઓક્ટોપસ, વ્હેલ
ને હવે વરસાદમાં નીકળ્યા છે, લાલ લાલ મખમલના મામાઓ
સુંવાળાં જીવડાં, પોચાં પોચાં, શરીર માત્ર.
આંખો ક્યાં છે એ તો ખબરે ન પડે.
સહેજ જો ચાલતાં શરીર ઉથલી પડે તો,
સીધાંયે માંડ થાય, એ આ મીં જા મામાઓ
જઈ રહ્યા છે ગમાણ તરફ.
ગાંડી સ્ત્રી જેવી એ ગાય પાસે ?
જેને ફેંકવા ભૂંરાટી થઈ'તી એના માટે જ હવે
શોક કરતી, શાંત થઈ ગયેલી એ ગાય પાસે ?
હા, એના ગળામાં મખમલના આ મામાઓ
પરોવાશે હાર થઈને.
આંખમાંથી કાઢી લીધેલી કીકીઓ જેવા ચમકીલા તારાઓ
બધું જ જોતાં અને કંઈ જ ન સમજતાં
આ તારાઓનો હાર થઈને
પરોવાશે ગાયના ગળામાં.
* * *
'મીં જા મામા' : કચ્છી ભાષામાં વરસાદ એટલે મીં. વરસાદમાં નીકળતા લાલ રંગનાં જીવડાંને કચ્છીમાં 'મીં જા મામા' કહે છે.


0 comments


Leave comment