4.9 - પવન / મનીષા જોષી


પાણીના લીસા પાતાળે
બે ચકમક પથ્થરો ઘસી જોયા.
પણ, એક તો ઘેનભરેલાં પોપચાં
અને તેમાં માણસોને
ઊંઘમાં નાંખી દેતો આ પવન !
આ વડની વડવાઈઓ પણ
ડાળે ડાળથી જમીન તરફ ખૂંપતી જાય છે.
થોડીકેય અધ્ધર નથી રહી જમીનથી
અને ટેટાનો સ્વાદ ચાખવા ગયેલાં પક્ષીઓ
લાખ ચાંચો ભરાવ્યા છતાંયે
વૃક્ષમાંથી બહાર જ નથી નીકળી શકતાં.
લંગોટિયાં બાળકો રમવા જઈ રહ્યાં છે,
પાતાળકૂવા તરફ.
ચારેબાજુની આ બૂમરાડમાં
જરી ભરેલા ઘોડાઓયે હવે
ચાલી નીકળ્યા છે,
અસવારની રાહ જોયા વિના.


0 comments


Leave comment