4.15 - મૂર્છા / મનીષા જોષી


દરિયા પર એક વસાહત છે.
માછણો પોતાનાં કપડાં સૂકવી રહી છે.
અને ખારવાના છોકરાઓ જોઈ રહ્યા છે,
ખારી રેતીમાં આળોટતી
સુંદર મત્સ્યકન્યાઓને.
એમને કિનારા સુધી ખેંચી લાવનારાં
મોજાંઓ તો પાછાં વળી ગયાં છે ક્યારનાં.
મૂર્છિત આ કન્યાઓની આંખો ઉઘડતી નથી
તડકામાં શરીર પરથી ખરી રહ્યા છે
ચમકતા કાંટાઓ, અને સોનેરી વાળમાં
ગૂંચ વળી રહે છે, અસ્પષ્ટ
આંખોમાં પાણી શોષાઈ ગયાં છે,
પેલા ખારવાના છોકરાની નજરમાં.
જેના અધખુલ્લા હોઠો પાછળ ફૂટી રહ્યા છે
આડાઅવળા, નવાસવા દૂધિયા દાંત.


0 comments


Leave comment