5.3 - કપાસનાં ફૂલ / મનીષા જોષી


મોટાંમસ પાન અને
સૂજેલાં કમળો નીચે
પાતળી દાંડીઓ જેમ પડી રહે
એવી નિર્બળ થઈ ગઈ છે મારી રાત !
પાણીમાં ઉતરી રહેલા હિપોપોટેમસની જેમ
ચાલી ગઈ છે, વિચારશીલ,
પડી હશે ક્યાંક નોંધારી અથવા તો
એક પગ જડબામાં પકડી લઈ
ખેંચી ગયો હશે મગર એને અંદર,
દૂર, દૂર આરસના ઠંડાગાર મહેલમાં.
વિશાળ ફર્શ પર અગણિત મોતી પથરાયાં હોય,
મોકલી જો હંસોને.
ચરશે એ ચારો ત્યાં ફર્શ પર?
ખોદી નાખશે આરસને, ચાંચો ભરાવી ભરાવીને.
લોહીલુહાણ થયાં છે મારાંયે પેઢાં
મોરચંગ વગાડતાં.
તેં તો વાવી દીધાં કપાસનાં ફૂલો મારી રાતમાં.
ડરું છું આ પહોળાં થતાં જતાં ફૂલોથી.
પાછી આપ મને એક રાત ફરીથી.
અંગિમાઓના લાસ્યવાળી.
કેનાનાં કેસરી ફૂલ જેવી, ઊંડી.
નરમ, અંતર્નિહિત, સુંગધવાળી.
કોઈ જ વિક્ષેપ વગરની.
અસ્ખલિત.


0 comments


Leave comment