5.10 - વિસ્મય / મનીષા જોષી


આજે મેં એક બહુરૂપી જોયો.
શહેરના વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર ચાલતો જતો હતો.
હનુમાનના વેશમાં.
મોઢું ફુલાવેલું, હાથમાં ગદા, સળગતી પૂંછડી,
અને પવનવેગી ચાલ.
એ તો પસાર થઈ ગયો.
પણ મને યાદ રહી ગઈ, એની જાંબલી રંગની જાંઘો.
અને એના પરનો મોટો કાળો મસો.
એની પત્ની પણ રોજ વિસ્ફારિત નેત્રે આમજ તાકી રહેતી હશે
ક્યારેક શિવાજી મહારાજ તો ક્યારેક
શંકરનો પોઠિયો બનતા એના પતિને.
બહુરૂપી મોરપીંછ લગાવી મોરની ચાલે ચાલતો રહે
વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર,
ટહુકા કરતો.


0 comments


Leave comment