6.5 - પરકાયા પ્રવેશ / મનીષા જોષી


હું હવે આ પરીકથા જેવાં સ્વપ્નોથી
ખરેખર થાકી ગઈ છું, જો અત્યારે અડધી રાત્રે
બહાર બાલ્કનીમાં એકલી બેઠી છું.
આમ તો આજે મારે પણ ખૂબ રડવું હતું,
પણ હવે આ વરસાદ જ અનરાધાર વરસી રહ્યો છે.
અને નીચે રસ્તા પર એક ગધેડો ભીંજાતો ઊભો છે.
ઉપર આકાશમાં તો કંઈ જ દેખાતું નથી.
કેટલાં બધાં રહસ્યો !
મારા, તારાં અને આ આકાશનાં !
આકાશને તો હનુમાને છાતી ચીરી હતી એમ
બે હાથે ચીરી નાખવાનું મન થાય છે.
અને પછી બંને ટુકડાઓ પેલા જરાસંધના શરીર જેમ
અવળી જ દિશામાં ફેંકી દઉં,
કે ક્યારેય એક જ ન થાય.
પછી હું એક નવું આકાશ બનાવું.
જ્યાં માત્ર થોડાં જ પગથિયાંથી પહોંચી શકાય.
પણ, તારાં અને મારાં રહસ્યોનું શું?
ચાલ, આપણે પરકાયા પ્રવેશ કરીએ.
એકબીજાનાં તન-મનને ભોમિયાની જેમ ખૂંદી વળીએ.
તું મારા શરીરમાં રહે,
હું તારા શરીરમાં રહું.
બંનેના જીવ એકબીજાનાં હાથમાં સલામત !
મને તારાથી, તને મારાથી
અને આપણને આ આકાશથી
કોઈ જ ભય નહીં.
કશું જ અજ્ઞાત નહીં.
કોઈ જ પરીકથા નહીં.


0 comments


Leave comment