2 - રસરાજ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


‘સરિતા, છુપાઈને મારી પાછળ આવ. હું જરા આજ એમની ગમ્મત કરું.’ એક પંદર વર્ષની તરુણી સાથેની સખીને કહેતી હતી.
‘પણ પેલો ડોસલો બેઠો છે તે જોયું?જાણશે કે આપણે અહીં આવ્યાં છીએ તો ભોગ મેળવી નાખશે.’
‘ચૂપ ચૂપ, ઘાંટા કાઢીને બોલીશ નહિ. એક તો એને બરાબર દેખાતું નથી, બીજું વળી સંધ્યાકાળ પડી છે અને ત્રીજું તેની નજર કાંઈ આપણા તરફથી નથી. કહે, એ હવે શી રીતે જાણવાનો છે?'બોલનાર યુવતી ધીમે પગલે અર્ધસ્મિતે આગળ વધી.
ઉપવનની બાજુના ભાગમાં બેસવાને શિલાસન બનાવેલાં હતાં અને વચ્ચે મનોહર જલયંત્ર ઊડતો હતો. દરવાજા પાસેના એક આસાન ઉપર આશરે અઠ્ઠાવીસેક વર્ષનો એક યુવક બેઠો હતો. તેના મુખ ઉપર ગ્લાનિની છાયા પડી ગઈ હતી. તે કંઈક વિચારમાં હોય તેમ તેની આંખ ઠરી રહી હતી. નીચે એક વૃદ્ધ બ્રાહ્મણ ફુવારા તરફ નજર રાખી બેઠો હતો.

'કહો રસરાજ, કોણ હશે?' પીયૂષવેલીએ સ્વર બદલીને ધીમે અવાજે પૂછ્યું.
'કોણ પીયૂષ?'તેનો હાથ પકડી લઈ રસરાજ ધીમે સ્વરે બોલ્યો : 'અત્યારે ક્યાંથી? લે છોડી દે.'
પીયૂષે હાથ લઈ લીધા. રસરાજ પાછળ ફર્યો અને સરિતાને સાથે જોઈ ખમચાયો.
‘સરિતા ! તું અહીં બેસ. અમે જરા આમતેમ ફરીએ છીએ. અને જો કુબેરશંકર શોધવા નીકળે તો જલદી અમને કહી જજે. અમે પેલી જૂઈના મંડપ પાસે છીએ.’રસરાજની આંગળી પકડી પીયૂષવેલી જૂઈના મંડપ પાસે ચાલી.
‘કહો, હવે બાપુના વિચાર ફર્યા કે નહિં?'
‘પીયૂષ ! હવે ફરી રહ્યા. તારે ને મારે કંઈ પૂર્વજન્મનું લહેણું લાગતું નથી. બાપુ આવા ક્રૂર કદી નહોતા લાગ્યા. હશે; મારું જે થાય તે ખરું, પણ તું હવે ક્યાંકરસરાજ બીજે સ્નેહ બાંધ. મારો તારી તરફનો સ્નેહ તને કાંઈ પણ ઉપયોગનો નથી.'
‘ખરેખર, રસરાજ! હજી બાપુ આવા જ છે? હું દક્ષિણી શા માટે જન્મી. ખરેખર કહો છો, બાપુ આવા જ છે?'.

પીયૂષ ગળગળી થઈ ગઈ. તેની આંખોમાં પાણી ભરાઈ ગયું. માથું રસરાજના ખભા ઉપર ટેકવી તે તેને બાઝી પડી. રસરાજમાં પુરુષનું કઠણ હૃદય હતું.
‘આમ દિલગીર થયે કાંઈ વળશે ? તારે ભોગવવાનું તું ભોગવ, મારે ભોગવવાનું હું ભોગવીશ. સત્ય જ કહું છું કે હવે મારો એક પણ ઉપાય નથી.’
‘તમે ચૂડામણિને કહો ને. એ તમારા પિતાને મારી અને તમારી સ્થિતિ કહેશે. મિત્ર તરીકે એ એટલી સેવા નહિ બજાવે ?'
‘કેમ નહિ! પણ એ બધું વ્યર્થ જશે; છતાંયે હું કહીશ.'
‘રસરાજ, સાચું જ કહું છું કે જો તમારી સાથે મારો સંબંધ નહિ જોડાય તો મારું ધારેલું હું કરીશ.’

પીયૂષ, તારું ધારેલું તું કરજે ને મારું ધારેલું હું કરીશ. ખરેખર કહું છું કે હવે તો જીવવું જ નથી ગમતું. મારી આટલી વયમાં પણ પિતા મને સ્વતંત્રતા ન આપે, મારી ઇચ્છાઓ પૂરી ન પાડે ત્યારે પછી એ પિતાનો પુત્ર રહી જીવવામાં શો લાભ? હું એમનો એકનો એક પુત્ર છું. એટલે હું કદાચ એમનાથી છૂટો થાઉં તો એમને શોક થશે. મને એ વિચાર આવે છે ત્યારે મરણમાં પણ દિલગીરી લાગે છે. પણ તું આવી તો આટલી મોડી કેમ આવી? જો વહેલી આવી હોત તો સંપૂર્ણ રીતે આ હૃદય ખાલી કરત. હવે ઘેર જઈને આંસુ પાડીશ ત્યારે શાંતિ થશે.' રસરાજ શાંત પડી ગયો અને શૂન્ય મુખે પીયૂષ સામે જોઈ રહ્યો. તેનાં આંગળાં છોડી એણે કેડ પર હાથ મૂક્યો હતો અને શોકમાં પણ પળવાર મળેલા આનંદનો લાભ લેતો હતો.

આમતેમ ફરી બંને જણ જળયંત્ર તરફ ફર્યા. કુબેરશંકર ત્યાં લાકડાં લઈ ઊભો રહ્યો હતો અને રસરાજને જોતો હતો. બંને જણાં ખમચાયાં. નજર નાખતાં સરિતા ત્યાં ન હતી.
‘પીયૂષ આવજો'; પાછળની બાજુથી પસાર થતો રજા માંગતો ધીમો સ્વર સંભળાયો. રસરાજ કુબેરશંકર તરફ વળ્યો અને બંને જણા ઉપવનની પાસેના મહાલયમાં પ્રવેશ્યા.
સરિતા વૃક્ષ નીચે ઊભી રહી હતી. પીયૂષ આવતાં જ તરત ઘર તરફ ફરી. ઉદ્યાનમાં સાંજનો આનંદ મૂકી રાત્રિની ગ્લાનિ પીયૂષના મુખ ઉપર આવી ગઈ.
(રાગ કાલિંગડો - તાલ દાદરો)
કહો કો જઈ પ્રિયાને દિલવર અકળાઈ ગયો (૨)
કહો જલ્દી પ્રિયાને અતિ અમુઝાઈ ગયો – કહો.
જરી જરી નિંદ આવે
ઊઠી ઝબકીને જાગે
ફરી ફરી ઓરડે ને ઓરડે વ્હીલાઈ ગયો – કહો.
વીતે નહિ રેન જરી.
પડે નહિ ચેન જરી
બિછાને આંસુડે ને આંસુડે ન્હવાઈ ગયો – કહો.
કરે જઈ વાત તારી
ઝરખે ચંદ્ર સ્વામી
બિચારો દુઃખથી દબાઈને દીવાનો બન્યો
બિચારો દુઃખથી દબાઈને દીવાનો બન્યો.

અર્ધરાત્રિ પડી હતી. ચંદ્રિકાના આછા અજવાળામાં શોકપૂર્ણ ગાન રેલાતું હતું. દિલરૂબાનો મીઠો અવાજ તેમાં ભળેલો હતો. રસમંદિરમાંથી એ સ્વર નીકળતો હતો. પશ્ચિમ તરફના ઓરડામાં ખુલ્લે શરીરે હાથમાં વાજિંત્ર લઈ રસરાજ ગાતો હતો. આંખ અરધી મીંચેલી હતી તે ગાનમાં એકાગ્રતા સૂચવતી હતી. ગાયન પૂરું થતાં તેણે વાજિંત્ર મૂકી દીધું. અષ્ટમીનો ચંદ્ર હવે અસ્ત પામવાની તૈયારી કરતો હતો. નર્મદાજીનો પૂર્વ દિશાનો પટ ક્યારનોયે અંધકારમાં પ્રવેશી ગયો હતો. શ્વેત જ્યોત્સનાએ હવે રતાશ પકડી હતી અને દૃશ્ય કાંઈ ઝાંખું બની ગયું હતું.

‘ચંદ્ર તારી સ્થિતિ જેવી એક દિવસ મારી છે. ઊગ્યો છું તો અસ્ત પામવાનું મારે છે જ... ઓ પીયૂષ ! હવે છેલ્લા પ્રણામ જ. બાપુની, માજીની હવે ચિંતા છોડી દઉં છું. મારે એમનો હર્ષ કે શોક ક્યાં જોવો છે? બસ હવે તો એ જ. નર્મદા ! દેવી ! મારી ખાકનો સત્કાર કરજે; ઉડાડી મૂકીશ નહિ.’

તેણે થરથરતે હાથે છરી હાથમાં લીધી. ઘડીક તેની સામે જોઈ રહ્યો. ચંદ્રના આછા અજવાળામાં એની ક્રૂરતા - કઠોરતા સામે રસરાજ જોઈ રહ્યો.
‘પીયૂષ ! તું મને ભૂલીશ તો નહિ? હું નહિ હોઉં તો અન્ય પતિ શોધ્યા વગર તારે ક્યાં છૂટકો છે? વરસ વીતશે એમ મારી તરફનો તારો સ્નેહ પણખૂટશે.'

તેણે છરી સામે ફરી જોયું. એટલામાં બારણું ખખડ્યું. તેણે છરી ફેંકી દીધી. તેનું લોહી ઊડી ગયું ને થરથર કંપવા લાગ્યો. અત્યારે કોણ હશે? ફરી બારણું ખખડ્યું. રસરાજે સાંકળ ઉઘાડી તો હાથમાં દીવો લઈ પદ્મરાજ પ્રવેશ્યો.
'રસરાજ! હજી કેમ જાગે છે? હમણાં ફેંકી શું દીધું?'

રસરાજ ગભરાઈ ગયો, પણ સાવધ થઈ કહ્યું : ‘બાપુ એ તો દિલરૂબાની બો (ગજ) નીચે મૂકી.'
'ઘરનાં બીજાં માણસો ઊંધે છે તેની તને ખબર છે? આ તે ગાવાનો વખત છે? કંટાળીને મારે ઉપર આવવું પડ્યું.’
‘બાપુ શું કરું. ઊંઘ નહોતી આવતી, તેથી જરા ગાતો હતો.'
‘તારા જેવી હઠ મેં કોઈ છોકરામાં ન જોઈ, પીયૂષ. પારકી ન્યાતની છોકરી છે એ ખ્યાલ તું કેમ વીસરી ગયો?'
‘એ બધું કાલે ચૂડામણિ આવવાનો છે તે કહેશે; તમારી આગળ તે હું શું કહું ?’
‘હશે ! અત્યારે નીચે ચાલ ને મારા ઓરડામાં સૂઈ જા.’

પિતા જાણી તો નહિ ગયા હોય? કોઈ દિવસ નહિ અને આજે પોતાના ઓરડામાં કેમ લઈ જાય છે?એમ વિચાર કરતો બારણું બંધ કરી રસરાજ પિતાના ઓરડા તરફ વળ્યો.
રસરાજ સૂતો તો ખરો, પણ તેને ઊંઘ ન આવી. બધા વિચારો તરવા લાગ્યા. થઈ ગયેલી વાતની તે કલ્પના કરવા લાગ્યો અને હમણાં જ તે પ્રમાણે વર્તતો હોય તેમ તેના હૃદયના ધબકારા વધવા લાગ્યા. તેના હાથ થરથરવા લાગ્યા. બારણું ખખડ્યું જાણી ‘કોણ’કહી ઝબકી ઊઠ્યો.
‘કોઈ નથી. કેમ, કોઈએ બારણું ખખડાવ્યું?' વૃદ્ધ પિતાએ પ્રશ્ન કર્યો. તેને પાછી શુદ્ધિ આવી અને સાવધ થયો. આમ ને આમ રાત્રિ પસાર થઈ.

બીજે દિવસે બપોરના બે વાગ્યા હતા. રસમંદિરના એક ઓરડામાં પદ્મરાજ તથા કુબેરશંકર વાતો કરતા હતા.
‘શાસ્ત્રીજી, તમારી શિખામણે અફળ ગઈ; મારીયે અફળ ગઈ.'
‘શું કરું, બાપુ? મારાથી બનતે પ્રયત્ન એમને એ વાત ભૂલાવું છું, પણ કાંઈ ભૂલાતી નથી. જૂના-જૂના રાણાઓના ઇતિહાસ કહ્યા; પ્રીતિ ભૂલવાને સંસ્કૃત કવિઓના શ્લોકો સંભળાવ્યા. પણ બધું નકામું જ જાય છે. એક ઘડી પણ એમને છૂટો મૂકતો નથી. પણ બાપુ, પાકટ બુદ્ધિ થઈ એટલે આ બાબતો એકદમ શી રીતે અસર કરે ?'
‘શાસ્ત્રીજી, મારો તો વિચાર એમ છે કે હમણાં નંદનગામ છોડી એને કોઈક એકાંત જગ્યામાં લઈ જાઉં. ત્યાં કદાચ અહીંની વાત ભૂલી જાય. ખરેખર ! આ છોકરો તો વિચિત્ર જ છે. છવ્વીસ-સત્તાવીસ વર્ષનો થયો ત્યાં સુધી તો પરણવાનું નામ ન લીધું, ને હવે એજન્ટ સાહેબની છોકરીની રઢ લાગી છે. એ તો સુધરેલાએટલે આપણને આપે; પણ આપણી લોકમાં કેટલી અપકીર્તિ થાય? ન્યાતજાત બધુંયે આપણે તજવું પડે. એ લોક દક્ષિણી બ્રાહ્મણ અને અમે ગુજરાતી ક્ષત્રિય. એ બેનો કોઈ દિવસ મેળ થાય ખરો? એ તો ઈશ્વર જો આપણી સહાયતામાં ન હોત તો આપણું કોણ જાણે શુંયે થાત ! આ બાબતનું આને તો કાંઈ ભાન પણ નથી.'
‘નહિ જ બાપુ; પણ ગામ-પરગામ લઈ ગયે કંઈ વળે તેમ મને લાગતું નથી. છતાં કરી જુઓ અખતરો.'
‘આ ચૂડામણિ આવ્યો.'

એટલામાં એક પચીસેક વર્ષનો યુવક ઓરડામાં આવ્યો. આવીને તે પદ્મરાજની સામે બેઠો અને હાથ જોડીને બોલ્યો : ‘બાપુકાકા, છેલ્લી વિનંતિ કરવા આવ્યો છું. આપ મોટા છો તેથી આપની આગળ નાનાઓ શરમ મૂકી વાત કરે તે અઘટતું લાગે, પણ જો પુત્ર વહાલો હોય તો એની ઇચ્છા પૂરી કરો.’
‘ચૂડામણિ ! એ તો બેવકૂફ છે પણ તું યે બેવકૂફ છે? તને ક્યાં ખબર નથી કે જુદીજુદી નાતો વચ્ચે લગન ન થાય? મેં તો, ઉલટું તારા ઉપર આધાર રાખ્યો હતો કે ચૂડામણિ એને કંઈ સમજાવશે; ત્યારે તું તો એનો પક્ષ લઈને આવ્યો છે. જો , આજે તો મેં એમ ધાર્યું છે કે એને મારી સાથે કુબેરભંડારી લઈ જાઉં, ત્યાં એને ફેરવું તો કાંઈક વિસ્મૃતિ થાય.’

ચૂડામણિ : ‘બાપુકાકા, એ તો અસંભવિત છે. જે-જે વસ્તુ દેખાડશો તે તે વસ્તુમાં એ વહાલી વસ્તુ જ જોશે; અને વહાલી વસ્તુને તે લાગુ પડશે એટલે વિસ્મૃતિ થવી મુશ્કેલ છે. અત્યારે એની સ્થિતિ એક નાના બાળક જેવી થઈ ગઈ છે. અને આપનું વર્તન પણ એક બાળક તરફ હોય તેમ થાય છે. જે ઠીક લાગે તે કરો. મારી ફરજ છે કે કોઈ પણ રીતે તેને મદદ કરવી.’
‘પણ મેં કહ્યું તે તારા ધ્યાનમાં નથી ઊતરતું?દક્ષિણીઓ સાથે ગુજરાતી ક્ષત્રિય પરણી શકે?’
‘પણ એ તો આ બધા ભેદ ભૂલી ગયો છે.’
‘એ ભૂલી ગયો છે, પણ મારું કાળજું ઠેકાણે છે તો ! બીજો કોઈ ઉપાય હોય તો કહે; બાકી પરણાવવાની તો ચોખ્ખી ના જ. એને કહેજે કે કાલે સાંજે કુબેરભંડારી જવાનું છે.’
‘વારુ બાપુકાકા, જેવી તમારી મરજી.’કહી ચૂડામણિ ખિન્ન મુખે ઊઠી રસરાજના ઓરડા તરફ વળ્યો. પલંગ ઉપર રસરાજ પડી રહ્યો હતો ને ચૂડામણિની વાટ જોતો હતો. ધીમે પગલે શોકભર્યો એને આવતો જોઈ રસરાજ પરિણામ સમજી ગયો.
‘ભાઈ, એ તો એવા જ છે;વિચારમાં ફેરફાર નથી અને કહેવડાવ્યું છે કેકાલે સાંજે કુબેરભંડારી જવાનું છે.’ચૂડામણિ પેસતાં પેસતાં બોલ્યો.
‘કુબેરભંડારી?નંદનગામ છોડીને? ઓ બાપુ! તમે તો હદ કરી. ચૂડામણિ, મારું કામ કરીશ? આ વાત જલદી પીયૂષને કહીશ? આજે રાત્રે ગમે તેમ કરીને મળી જાય એમ કહી આવ. તું એને મદદ કરીને બોલાવી લાવ. છેલ્લો-છેલ્લો મને મળી લેવા દે. હવે અહીં પાછા ફરવાની આશા ઓછી જ છે.’
‘જો, આમ નબળું મન ન રાખ. તને હમણાં મૃત્યુની વાતો કરવી બહુ ગમે છે. તારે યાત્રા કરી પાછા આવવાનું જ છે.'
‘અરે, પણ પીયૂષને આટલું કહી તો આવ.’
‘કહેવા જવામાં મને કાંઈ વાંધો નથી; પણ તું આમ હતાશ શું થાય છે? ધૈર્ય કેમ ખોઈ દે છે? એક સ્ત્રીના પ્રેમથી સ્ત્રી જેવા હૃદયનો થઈ ગયો છે? અમે તારી દયા ખાઈએ છીએ તેની તને શરમ નથી આવતી?’
‘બસ? તું કહી રહ્યો? તું પણ આમ ઠપકા આપ્યે જઈશ? જો સાંજ પડવા આવી છે. તું જલદી જા, કહી આવ.'
ચૂડામણિ ગયો. રસરાજ ફરી પલંગ પર જઈ પડ્યો.
રાત્રિનો એક વાગ્યો છે. રસરાજ બારી પાસે ઊભો છે. ચંદ્રના પ્રકાશમાં જેટલે દૂર દૃષ્ટિ જાય એટલે સુધી તે જોયા કરે છે. એટલામાં ઉપવન તરફ કાંઈક ખખડાટ થયો. સામેના ઝાડ ઉપરથી કોઈએ રસરાજ તરફ દોરડું ફેંક્યું. પ્રથમ તો તે ચમક્યો, પણ પછી તરત જ તે તેણે પકડી લીધું.
‘કઠેરા સાથે બાંધી દો અને સાચવીને નીચે ઊતરો.’કોમળ અવાજથી ઝાડ ઉપરથી કોઈ બોલતું હતું.

એક પળ પણ અટક્યા વગર રસરાજે દોરડું બાંધી લીધું અને ઝાડ પરથી સરિતા નીચે ઊતરે તે પહેલાં તો તેને ટેકો દેતો ઊભો રહ્યો.
‘કહે, ક્યાં છે પીયૂષ?’એણે આતુરતાથી પ્રશ્ન કર્યો.
‘પેલી વાડ પાસે ઊભાં છે. હું તથા અનુચર અહીં ઊભા છીએ અને કાંઈ જાણ થશે તો ખબર આપીશું.'

ચંદ્રના અજવાળામાં વાડ પાસે અંગ ઉપર શાલ વીંટી પીયૂષ ઊભી રહી હતી અને આતુરતાથી રસમંદિર તરફ જોતી હતી.
રસરાજ ત્યાં જઈ પહોંચ્યો. જોતાંની સાથે પીયૂષને જ ભેટી પડ્યો અને તેના ખભા પર માથું મૂકી રડી પડ્યો.
‘ઓ પીયૂષ ! પીયૂષ! હવે છેલ્લી મળી લે. ફરીથી હું તને મળી રહ્યો! કાલે જવાનો છું તે કદાચ હંમેશને માટે.’
‘ઓ નાથ, આમ કેમ બોલો છો? આપઘાત કરવાના છો? કહી દો મને. બાપુ ના કહેતા હોય તો મને ભૂલી જાઓ, પણ એવું કાંઈ ન કરશો. જીવન હશે તો કોઈક દિવસ નજરે પડીશું અને એટલાથીયે આનંદ થશે.'
‘પીયૂષ! બીજો રસ્તો નથી. કાં તો તું મારી કે મૃત્યુ મારું, એ બેમાંથી એક પસંદ કરવાનું છે. તું મારી થઈ શકતી નથી તો પછી મૃત્યુ સિવાય બીજો શો ઉપાય ?'
‘હું તમારી જ છું તો.’
‘પણ આમ ચોરીછૂપીથી ક્યાં સુધી મળાય? એક પળ પણ હવે તારાથી છૂટા પડવું ગમતું નથી. તારી સાથે લગ્ન કર્યા સિવાય એક દિલ બનશે ખરું?’
‘હું આવીને બાપુને આજીજી કરું? મને પરનાતી ન ગણશો !’
‘પણ એ કદી બને ખરું? તું દક્ષિણી તે ગુજરાતી શી રીતે બનશે? જો કુબેરભંડારીમાં બાપુ નહિ માને તો હવે તો આ છેલ્લો જ મેળાપ છે.’આંસુ ભરાઈ આવવાથી પીયૂષ શાંત થઈ ગઈ. જવાબ દેવાની તેની ઇચ્છા હતી પણ તેને ડૂમો ભરાઈ ગયો હતો અને બોલી શકાતું ન હતું. અંતે તેનાથી ખૂબ મોટેથી રડી જવાયું.

સરિતા એકદમ દોડતી આવી : ‘બહેન, બહેન, આ શું?’
પીયૂષ શાંત થઈ ગઈ. ‘કંઈ નહિ, જરા દિલગીરી થઈ.’આંસુ લૂછી રસરાજ પણ સાવધ થઈ ગયો.
‘પણ પીયૂષ તું અહીં આવી શી રીતે?’
‘પાછલી બારીએથી. ચાકરને કહ્યું છે કે કોઈ પૂછે તો આડોઅવળો જવાબ વાળજે.’
‘એમ? ઠીક લે ત્યારે આવજે.’કહી રસરાજે પીયૂષનો હાથ છોડી દીધો: ‘મને ભૂલીશ નહિ, – અથવા ભૂલી જજે. મારાથી જે થશે તે કરીશ.’બંને જણ છૂટાં પડ્યાં.
રસરાજ આવ્યો હતો તે રીતે પાછો બારી પર ચડી ગયો.
ઉનાળાની રમ્ય સવાર પડી. નર્મદાનો પ્રવાહ શાંત વહ્યે જતો હતો. નવા મહેમાનના નિશ્વાસ આગળ વહી જઈને તે નંદનગામમાં સમાવતો હતો. ત્યાં પીયૂષ તે ઝીલતી હતી. કિનારાની ભીની માટીની ગંધ પ્રસરી રહી હતી. પ્રભાત અત્યંત આનંદજનક લાગતું હતું.
ભંડારીના શિવાલયનાં પગથિયાં ઉપર શાસ્ત્રી અને રસરાજ બેઠા હતા. ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભે ટુવાલ નાખી બેઠેલા રસરાજને શાસ્ત્રી ઉપદેશદેતા હતા. ભર્તૃહરિના અને શંકરાચાર્યના વૈરાગ્યના શ્લોકો સંભળાવતા અઠ્ઠાવીસ વર્ષના પૂર્ણ યુવાનને શાસ્ત્રીજી વૈરાગ્ય શીખવતા હતા.

શોકની અને ઘડપણની અસર સરખી હોય તેમ બંનેનાં શરીર દુર્બળ જણાતાં હતાં; પરંતુ અસર સરખી હોવા છતાં કારણો જુદાં માલૂમ પડી આવતાં હતાં.
એક તરફ ઢળેલો પ્રેમ બીજી તરફ વાળવાને બદલે પંડિત શાસ્ત્રી પ્રેમને ધિક્કારવાનું શીખવતા હતા. ‘કેમ ભાઈ? શો વિચાર કરો છો? હમણાંની તમારીસ્થિતિ શાંત થતી લાગે છે. મારી શિખામણની અસર થાય છે ખરી.'

શાસ્ત્રીજીને શાંતિ લાગતી હોય તો હવે નિરાશાની જ હતી. અત્યંત વિચારને લીધે લાગેલા શ્રમની જ હતી.
‘મેં તમને જે-જે શિખામણો આપી છે તે યાદ લાવો અને જુઓ કે બધી વાતો ભુલાઈ જાય છે કે નહિ. પીયૂષ એ કોણ? એનું પૃથક્કરણ કરો અને પછીએમાં કાંઈ સત્યછે કે કેમ તેનો વિચાર કરો.’
શાસ્ત્રીજી તમે વૃદ્ધ છો, હું જુવાન છું. કદાચ સત્ય ન હોય, પણ હજુયે મારાં ચક્ષુ ઊઘડ્યાં નથી. યૌવનનું આવરણ ખસશે ત્યારે કદાચ એ બુદ્ધિ આવશે. પણ જુઓ, જુઓ શાસ્ત્રી, પેલી છોકરી કોણ જાય છે? પીયૂષ તો ન હોય?’કાંઠા પર પાણી ભરીને જતી એક યુવતી જોઈ રસરાજ બોલી ઊઠ્યો.
‘ન હોય, ભાઈ, એ અહીં ક્યાંથી? નંદનગામ અહીંથી તો ઘણું દૂર છે. કિનારે-કિનારે જઈએ તોયે ત્રીસ કોસ થાય. પીયૂષ અહીં ક્યાંથી આવે?'

રસરાજ જોઈ રહ્યો હતો. પલવાર તે મૂઢ બની ગયો. પીયૂષને જાણે જોઈ હોય અને પછી તે અદૃશ્ય થઈ ગઈ હોય તેમ તેના મનમાં ખેદ થયો. તે એકદમ વિલાઈ ગયો. તેને સ્મરણ થઈ આવ્યું.
‘ચાલો આપણે શેત્રંજ રમીશું? તમે તો હોશિયાર ગણાઓ છો.’ વાત પલટાવવા શાસ્ત્રીજી બોલ્યા.
‘હોશિયારી હશે તોયે જતી રહેશે. બુદ્ધિ હવે જડ થતી જાય છે. જુઓ શાસ્ત્રી, પેલી પીયૂષ તો ન હોય?'
આ વખતે તો કોઈ ન હતું. વિચારમાં ને વિચારમાં તે પીયૂષને જોતો હતો અને તેને ખરી માની બોલી ઊઠતો હતો.
શાસ્ત્રીને લાગ્યું કે અત્યારે રસરાજ સાવધ નથી એટલે આડીઅવળી વાત કરાવતા તેને ઘર ભણી લઈ ગયા.
તે જ દિવસની રાત્રિ પડી છે. જે આનંદ સવારમાં લાગતો હતો તે અત્યારે રહી ગયો છે. કૃષ્ણપક્ષ હોવાથી સવારની સુંદરતા અત્યારે ભયંકર લાગતી હતી.
મધ્યરાત્રિ હોવાથી સૌ નિદ્રાવશ થઈ ગયેલાં હતા. રહેવાની ઓરડીમાંથી રસરાજ બારી પર ધોતિયું બાંધી નીચે ઊતર્યો. રસરાજે નિશ્ચય કરી દીધો હતો. ‘પિતાનો વાંક નથી, શાસ્ત્રીનોયે નથી; આમ જીવવું જ ગમતું નથી. ગમે તે પ્રકારે પ્રાણ તજવો. જીવતા રહેતાં સંકલ્પો સતાવવા લાગે છે; માથું ફરી જાય છે. તો પછી બસ આ કેમ ન કરવું?' જીવનમરણની તેણે તુલના કરી દીધી હતી અને હવે જે પ્રિય હતું તે શોધવા એ જતો હતો.

ભંડારીનાં પગથિયાંની બાજુના ઓટલા ઉપર એ ઊભો રહ્યો. નીચે અથડાઈને નર્મદા વહેતી હતી. તેનાં પાણી તરફ નજર નાખી તે આકાશ તરફ જોઈ બોલી ઊઠ્યો : ‘પીયૂષ ! આવતા જન્મમાં જરૂર મળજે! અને આમ બોલી પવિત્ર સરિતાને પગે પડ્યો અને તરત જ દેહ ઝંપલાવી દીધો.

ત્રીજે દિવસે ભરૂચ આગળ પીયૂષ અને રસરાજનાં શબ કોણ જાણે, સાથે જ જડી આવ્યાં! જીવતાં નાથ કરવા ઇચ્છતી પ્રિયાએ શબ અવસ્થામાં પ્રિયતમનો સાથ બીજે દિવસે કર્યો હતો.
નંદનગામ આગળથી પસાર થતું રસરાજનું શબ પીયૂષવેલીએ જોયું તો નહિ હોય ?
* * *


0 comments


Leave comment