3.10 - વાડીનો વડ / સંજુ વાળા


વાડીના વડ હેઠળ ચપટીક છાયડી રે સૈ
કોટ-કાંગરે ઝૂરે મારો જીવ
ઝરૂખે ઊભી હું તો અઢળક આંસુ લૈ.

ખાલીખમ દિવસો ’ને લાંબી રાત
આયખે તાણી બાંધ્યાં તંગ,
કાળા રે વગડાઉ વાયલ વાય
ખાખરા જેમ ખેરવે અંગ.
જતું-આવતું લોક આંગળી ચીંધી કહેતું વેણ
કે, ભીતર કોઈ કાંકરી સણણણ સોંસરી ગૈ.
વાડીના વડ હેઠળ ચપટીક છાયડી રે સૈ.

વંકાતા મારગની અમથી ધૂળ
શું જાણું તળના તોરી તાણ,
અજવાળું પાથરતાં પગલાં રણઝણશે
‘ને સંધાશે સંધાણ.
‘આઘેથી ઊતરશે કોઈ પરદેશીની વેલ્ય’
સરીખી દાદાજીએ ધરપત દીધી નૈ
વાડીના વડ હેઠળ ચપટીક છાયડી રે સૈ.

૧૭/૧૨/૧૯૯૪


0 comments


Leave comment