5.1 - યજ્ઞેશ દવેની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
૧૯૮૦ની આસપાસ ગુજરાતી કવિતામાં જે કેટલાક કવિ અવાજો નોંખી રીતે કાવ્યસર્જનમાં પ્રવૃત્ત થયા તેમાં યજ્ઞેશ દવે મહત્ત્વના છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘જળની આંખે' (૧૯૮૫) કવિલોક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયો. ત્યારબાદ ‘જાતિસ્મર’ (ઈ.સ.૧૯૯૨, બી.આ. ૧૯૯૬) તથા ‘અંદર ખૂલતા દરવાજા' (ઈ. સ. ૨૦૦૬)માં પ્રગટ થયા. ‘જળની આંખે’ તથા ‘જાતિસ્મર’માં દીર્ઘકાવ્યો સંગ્રહીત છે. જ્યારે ‘અંદર ખૂલતા દરવાજા'માં કવિ નિવેદનમાં નોંધે છે તેમ ‘નાની કવિતા’ઓ સંગ્રહીત છે.

ગુજરાતીમાં છે કે નર્મદ- દલપતરામના જમાનાની દીર્ઘકાવ્યો લખાય છે. દલપતરામ-નવલરામના દીર્ઘકાવ્યો બહુધા સમાજ સુધારાને કેન્દ્રમાં રાખી લખાયા છે. જ્યારે એ પછીની પેઢીના કલાપી- કાન્ત – ન્હાનાલાલના ખંડકાવ્યો- દીર્ઘકાવ્યો કોઈ પ્રસંગ- ઘટના કે કથાને આધારે લખાયેલા છે. તેમાં માનવમન તથા પ્રકૃતિની રહસ્યમતા કેન્દ્રીયભૂત વિષય રહ્યો છે. ગાંધીયુગમાં સુન્દરમની ‘તેર સાતની લોકલ'માં દલિત- પીડિત દશાનું આલેખન છે. તો ઉમાશંકરનાં ‘નિશીથ’ દીર્ઘકાવ્યમાં પ્રકૃતિના કરાલ- કોમલ રૂપોની વંદના ભાષાના જુદા જુદા ‘લેઅર્સ’ દ્વારા આલેખાઈ છે. આધુનિકયુગમાં સુરેશ જોષીના ‘એક ભૂલા પડેલા’ રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન' તથા રમેશ પારેખના ‘લાખા સરખી વાર્તા’ કે મનોજ ખંડેરિયાના ‘શાહમૃગો' જેવી રચનાઓમાં માનવ અસ્તિત્ત્વની વંદ્યતા-નિરર્થકતા અનેક સંદર્ભ સાથે ગૂંથાયા છે. આમ યજ્ઞેશ દવે કવિતા લખવાની શરૂઆત કરે છે ત્યારે દીર્ઘકવિતાની એક આખી પરંપરા એમની સામે છે. આ પરંપરા કોઈપણ સર્જકના સર્જન માટે અનુકુળ આબોહવા રચી આપે છે. અને આજ પરંપરા સર્જકની કસોટી પણ કરે છે. કારણ કે આ પરંપરાને આત્મસાત કરીને કવિએ પોતાનો નોખો અવાજ પ્રગટાવવાનો હોય છે. યજ્ઞેશ દવે પોતાના દીર્ઘકાવ્યો દ્વારા એ કઈ રીતે કરી શક્યા છે. એમની કવિતાના વિષયવસ્તુ, અભિવ્યક્તિરીતિ તથા ભાષાસંરચનાની તપાસ કરી એમની કવિતાનું મૂલ્યાંકન કરવું એ આ પ્રકરણનો મુદ્દો છે.

યજ્ઞેશ દવેના પહેલા કાવ્યસંગ્રહ ‘જળની આંખે'માં સાત, બીજા સંગ્રહ ‘જાતિ સ્મર’માં નવ એમ કુલ સોળ દીર્ઘકાવ્યો સંગ્રહીત છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment