5.1.1 - યજ્ઞેશ દવેની કવિતાનું વિષયવસ્તુ અને સંવેદન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   યજ્ઞેશ દવે મૂળે ‘ઈકોલોજી' વિદ્યાશાખાના વિદ્યાર્થી. એટલે પ્રકૃતિ, વનસ્પતિ, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, સમાજ, રાજકારણ એમ અનેક વિષયોના સંદર્ભો તેમની કવિતામાં આવે છે. ‘ન પ્રવાસી, ન ગૃહવાસી' કાવ્યમાં માનવ સંસ્કૃતિના વિકાસની સાથે અસ્તિત્વની છિન્નભિન્નતા સુધી આવી પહોંચેલા એક આખા સમૂહ (માનવજાત)ની દિશાહિનતા નિરૂપિત થઈ છે. માણસના બૌદ્ધિક વિકાસની સાથે સાથે સામે આવી રહેલી અનેક ભિષણતાઓએ માનવજાતને એક એવા મૂકામ પર લાવી મૂકી છે. જ્યાં :
“આપણે જોયું છે કે
આપણી પ્રજ્ઞાએ જ ફોડી નાખ્યું છે
લુખ્ખા આશ્વાસનનું,
છેક સાવ જ વાંજણી આશાનું કોરું કોચલું ?”
(જળની આંખે, પૃ.-૨)
   માનવ અસ્તિત્વની સાથે જોડાયેલ નિરંતર વેદનાઓ પેલા પ્રોમિથયસના કાળજાને ઠોલ્યા કરતા બાજની જેમ માણસને તાર-તાર કર્યા કરે છે એ સંવેદન પ્રાકૃતિક- પૌરાણિક સંદર્ભોથી રસાઈને આ રીતે વ્યક્ત થયું છે.
“આપણે બરુનું લીલું ઘાસ હોત તો,
આપણે હોત
જળનું અવિરત ગાન
કે આપણે હોત ચોમાસુ લાવરી,
તમે કેટલીય વાર
વિચાર્યા કર્યું છે આપણે,
પણ થોડું ય જો હોય આપણા હાથમાં
તો શું ગર્ભાશ્રમની લક્ષ્મણરેખા ઉલ્લંઘી હોત
આ સુવર્ણમૃગની લાલસામાં ?
તો શું ફસાયા હોત
અહીં આ તાર તાર જીવનના વણાટ પેચમાં ?
- જ્યાં આ જાળમાં
કોઈ બાજ બનીને ઠોલે છે નિરંતર,
- જ્યાં આપણે જ છીએ આપણા જીવનનું ઈજન,
એકમેકનું
બળ્યું ઝળ્યું
જાંખું પાછું આશ્વાસન.”
(જળની આંખે, પૃ.-૨-૩)
   ‘અશ્વત્થામા' કાવ્યમાં યુગો યુગોના રજળપાટને અનેક સમકાલીન, ઐતિહાસિક, પૌરાણિક, રાજકીય સંદર્ભોથી મૂકી મૃત્યુ દ્વારા મુકત થવાની ઝંખના રજૂ થઈ છે. અમરત્વનું વરદાન પામેલા અશ્વત્થામાના મિથને ન્દ્રમાં રાખી જન્મ-મરણના કુદરતી ઘટનાક્રમના તૂટેલા લયનો વિનિયોગ થયો છે. યુગો યુગોથી મળેલી પીડાઓમાંથી મરણ દ્વારા અશ્વત્થામા મુક્ત થવા ઝંખે છે :
“આ એક જન્મની ઓરમાં જ
વીંટળાઈ વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો
ને જન્મે જન્મે અનેક મૃત્યુ.
તે દિવસે ધર્મરાજા યુધિષ્ઠિરે તો કહેલું
‘अश्वत्थामा हत:’
પણ, સત્ય હોત જો એ મૃત્યુ !
ભાગ્યવાન છે.
મહાભાગ્યવાન છે એ હાથી
ને હું?
હું હત્ત ભાગ્ય.”
(જળની આંખે, પૃ.-૧૦)
   અહીં અશ્વત્થામાના પૌરાણિક મિથ દ્વારા માનવમાત્ર દ્વારા એક જીવનમાં અનેક જન્મો અને ક્ષણે ક્ષણે મનમાં ચાલતા કુરુક્ષેત્રમાં હણાતા બાહુબલીઓની જેમ મનની ચિર વેદનાઓ આલેખાઈ છે. અને કરૂણતા એ છે કે એમાંથી કોઈ મુક્તિ નથી. એ પારાવાર પીડાઓને અશ્વત્થામાની જેમ વેઠવા સીવાય ઉગારો નથી.

   પુરાણ પ્રસિધ્ધ ‘મિથ’નો અહીં અનેક સંદર્ભોએ વિસ્તાર થાય છે. અશ્વત્થામાની મૃત્યુ ઝંખના અને મૃત્યુના મંગળ રૂપો આ રીતે વ્યક્ત થયા છે.
“મેં જાણે કે જોયું છે તોય જોયું નથી
વહેતા કેશની ધારા સાથે કોઈ લે જળસમાધિ,
તો કોઈને સ્વીકારે પૃથ્વી.
કોઈના છેલ્લા શ્વાસ પ્રિયજનના સાથમાં,
કોઈ ફૂલ કરમાઈ જાય કોઈના હાથમાં,
તો કોઈ ટહુકો જરી જાય સાવ એકાંતમાં”
(જળની આંખે, પૃ.૧૦)
   આ કાવ્યમાં અશ્વત્થામાંની મૃત્યુ માટેની તીવ્ર ઈચ્છાને કેન્દ્રમાં રાખી ‘ટીટો નાસરની સ્મશાનયાત્રા’ (જળની આંખે, પૃ.-૧૧), ‘મુસોલિનીના શબ પર શિષ્ટ ઘરની સન્નારીઓએ બીભત્સ ચાળા સાથે કરેલો પેશાબ'(જળની આંખે, પૃ.-૧૪) પિરામિડોની અંદર લઈ જવાતું તૂતનખાનનું શબ, લૂઈ સોળમાની લોહીથી શણગારેલી તલવાર એમ મૃત્યુના ઐતિહાસિક તેમજ ‘નરકંકાલ મળે જિબ્રાલ્ટરમાં કે પેકિંગમાં’ (જળની આંખે, પૃ.-૧૬) જેવાં નૃવંશાસ્ત્રીય સંદર્ભથી મૃત્યુની અનેક છાયાઓ પ્રતીકાત્મક રૂપ ધારણ કરે છે.

   ચીનની રાજધાની પેકીંગમાંથી મળેલું દસ લાખ વર્ષ પહેલાના ‘હોમો સેપિયન્સ' માનવનું અસ્થિ માનવામાં આવે છે કે જે સમયે વાનરમાંથી માનવનું રૂપાંતર શરૂ થયું હતું ત્યારનું છે. યજ્ઞેશ દવે ‘ઇકોલોજી' ના વિદ્યાર્થી હોવાને કારણે આવા અનેક સંદર્ભો કાવ્યમાં નિગરણ પામી કાવ્યને અશ્વત્થામાના મૃત્યુ ઝંખનાથી ઉપર ઉઠાવી અર્થોના અનેક પ્રદેશોમાં વિસ્તારી આપે છે.

   કર્ણની ઉક્તિ રૂપે ઉઘાડતું કાવ્ય ‘તને’ શરૂઆતમાં તો દ્રોપદીને ઉદ્દેશીને લખાયું હોય તેવો આભાસ રચે છે :
“કંઈ કેટલીય વાર
અપમાનિત થઈને ફર્યો છું
તારા મત્સ્યવેધી સ્વયંવરોમાંથી,
અનેકાનેકવાર મારાં લક્ષવેધી બાણ
રહીં ગયા છે ધનુષની તંગ પ્રત્યંચા પર
મને જ લક્ષતાં
ને
તારા હાથની વરમાળ સરી પડી છે
કોઈ અવરની જ ડોકમાં.
અનેક ધનુર્ધરો, વિદ્યાધરો, ગદાધરો વચ્ચે
માત્ર હું જ રહ્યો છું અશ્રુજલધર
ને તારી ભરી સભામાં માત્ર હું જ રહ્યો છું
સાવ નિર્વાસિત.
શું સુતપુત્ર હોવાને લીધે ?
શું અક્ષત્રિય હોવાને દાવે?
કે કોઈ રાજવંશધારક ન હોવાથી ?“
(જળની આંખે, પૃ.-૨૧)
   પણ કાવ્ય જેમ જેમ આગળ વધતું જાય છે એમ સંદર્ભો બદલાતા જાય છે. અને કર્ણ કે દ્રૌપદીનું ‘મિથ’ માત્ર એ બે પાત્રો પૂરતું સીમિત ન રહેતા નર અને નારીનું રૂપ ધારણ કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિ ‘કંઈ કેટલીય વાર’માં ‘કેટલીય’ વાર શબ્દ દ્વારા અનેક વખત અપમાનિત થવાનો સંદર્ભ છે. એટલે અહીં માત્ર કર્ણની વાત રહેતી નથી પણ સદીઓથી રૂપગર્વિતા નારીની કામના કરતા પુરુષનું પ્રતીક બની જાય છે. પુરુષ ને હંમેશા અપરાજિતા નારીને પામવાની ઝંખના રહીં છે. પણ સત્ય એ છે કે જે અપરાજિતા છે એ પળે પળે તલસાવે છે. માટે તો એ તલસાટ ચિરવેદનાનું રૂપ ધારણ કરે છે. એવી અપરાજિતા અને એના માટેનો તલસાટ આ રીતે કાવ્યરૂપ પામે છે.
“તારા એ મુખની રેખા
ક્યારેય બદલી નથી,
બદલી શક્યો નથી.
એ ગર્વિષ્ટ ડોક,
એ ભ્રમરની બંકિમ ઉગ્રતા,
એ ઉન્માદી આંખોનો કામુક કેફ,
એ ધનુષી હોઠોનો વિષયી વળાંક,
એ ઉદંડ ચહેરાની એક પણ રેખા
ક્યારેક નરમ થઈ થરકી નથી, મરકી નથી.
બધુ જ રહ્યું છે અજેય, અક્ષત, અચલાયતન.
કંઈ કેટલાય ચહેરા પર
તે ઢોળ્યા કર્યો છે
તારા કૃષ્ણ કેશરાશિનો વિપુલ-ઘન-અંધકાર ....
સમસમીને જોતો રહ્યો છું
અનેક કાયાઓમાં તારો વિલાસી વિહાર
તોય ક્યારેય નારી બનીને જૂકી નથી મારી છાતી પર
ખૂબ ખૂબ ઈચ્છ્યું છે
પણ ક્યારેય નથી જોયું તારી આંખમાં
એક પણ આંસુ.”
(જળની આંખે, પૃ.-૨૪)
   હેલન, દ્રૌપદી, ક્રિઓપ્રેટ્રા કે આમ્રપાલી અનેકની થઈ હોવા છતાં એના પ્રત્યેનું અદમ્ય આકર્ષણ તો રહ્યું. અહીં શરીર-સ્થળ બદલાય છે પણ એ સનાતન નારી હૃદય તો જાણે એક જ છે. એટલે કવિ ‘અનેક કાયાઓમાં તારો વિલાસી વિહાર' એમ લખે છે. વળી ‘એ’ શબ્દોના આર્વતન દ્વારા ભૂતકાલીન સૌંદર્ય વર્તમાનમાં ઉપસાવી કાવ્યસંવેદનને વળ ચડાવે છે. કાવ્યના અંતે મુનશીની નવલકથાઓમાં આવતી નાયિકાઓની જેમ પુરુષમાં સમાઈ જવાનું સ્ત્રી સહજ સંવેદન રજૂ થયું છે. કાવ્યના શરૂઆતમાં આલેખાયેલી એ રૂપગર્વિષ્ઠા, અપરાજિતા પુરુષમાં સમાઈ હૂંફ મેળવવા ઈચ્છે છે. અને પુરૂષ પણ એનો સ્વીકાર કરે છે. એટલે મહાભારતના સંદર્ભોથી શરૂ થતું કાવ્ય અનેકયુગની નારીઓનું પ્રતીક બનીને વિસ્તરે છે.

   યજ્ઞેશ દવે પાસેથી ‘મોતીસરીનું આ વન’, ‘માચુ પિચુનાં ખંડેરોમાં’, ‘મારી શેરી’ જેવો સ્થળ વિષયક કાવ્યો મળે છે. જેમાં એ સ્થળ માત્ર સ્થળ ન રહેતા એમાં આવતાં સંદર્ભોને કારણે એક બહુપરિમાણિયરૂપ નિર્મે છે. ‘મોતીસરીનું આ વન’ જસદણ પાસે આવેલા પક્ષીઓનું નાનું સરખું અભયારણ્ય છે. એને કેન્દ્રમાં રાખીને આ કાવ્ય લખાયું છે. પ્રકૃતિ અને પક્ષીજગત અનેક ઇન્દ્રીયગ્રાહ્ય કલ્પનો દ્વારા આ કાવ્યને એક નવું પરિમાણ મળે છે. જેમકે :
“દૂર દૂરથી ઊડેલો કલાન્ત પવન
તેનાં પીંછાં પસવારે રાયણના વૃક્ષ પર ને
તેનાં પીંછામાંથી ખરે, હવામાં તરે તરે
તેના ભ્રમણદેશોની ગંધ.
કુકડાની કામેચ્છા જેવો સૂર્ય-લાલ
આથમી જાય વનનાં વૃક્ષોમાં.”
(જળની આંખે, પૃ.-૧૯)
   દક્ષિણ અમેરિકાના પેરુ દેશ અને તેની આસપાસના જંગલોમાં વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક એવી ‘ઇન્કા’ સંસ્કૃતિ આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવી હતી. હાલ માત્ર એના અવશેષો પ્રાપ્ત થાય છે. એ ‘ઈન્કા’ સંસ્કૃતિનું એક પ્રાચીન સ્થળ એટલે માચુ પિચુ. કાવ્યની શરૂઆત રહસ્યમય અને ગંભીર રીતે થઇ છે.
“એ ગહન ગંભીર ઉપત્યકાઓમાં
જ્યાં વાદળો સરકે છે પાછલા પ્રહરના સ્વપ્નની જેમ,
જ્યાં એ વાદળોની ધૂસર જવનિકા પાછળ
પૂરો થયો છે એક કરૂણ ખેલ...”
(જળની આંખે, પૃ.-૨૮)
   માચુ પિચુમાં અત્યારે તો માત્ર એ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો બચ્યા છે. પણ શૃંગારીક અને બીભત્સ કલ્પનોના આલેખન દ્વારા કવિ ભાવકને તત્કાલીન સમયમાં મૂકી દે છે.
“ચાંદની રાતે
નરકંકાલો સાથે નારીકંકાલોની ક્રીડા
અફળતા અસ્થિઓના બોદા અવાજો, ભયાવહ
ચિત્કારો
એક જડબાના પોલાણમાં ફસડાઈ પડેલી બીજા
જડબાની ડાબલી.
ક્યાં ગયાં એ કામુક સ્તનો ?
એક સ્તનની પરિક્રમા કરતાં કરતાં જ
થાકીને સૂઈ ગયેલી આંગળીઓ
અગ્નિના બાણ જેવા હોઠો
જંઘાના મૂળમાં બાઝેલાં પ્રસ્વેદનાં મોતીઓ,
સુવર્ણનાં કંકણથી ય ઉજ્જવળ એ કમનીય હાથ,
કાનની બુટમાં રતાશ બની ફરકી ગયેલો એ કંપ”
(જળની આંખે, પૃ.-૨૯)
   આ પ્રકારના આલેખનને કારણે આ કાવ્યમાત્ર એક સ્થળ વિશેષના કાવ્યથી ઉપર ઊઠી માનવ સંસ્કૃતિઓનો વિકાસ અને વિનાશ. એ વિનાશની ભયાવહતાને લાગે છે.

   ‘મારી શેરી’, ‘જાતિસ્મર' સંગ્રહનું પહેલું કાવ્ય છે. ‘જાતિસ્મર'માં ‘જળની આંખે’થી થોડા જુદા વિષયો લઈને દીર્ઘકાવ્યો થયા છે. જાણે કે ‘જળની આંખે’નો વિસ્તાર ‘જાતિસ્મર’માં છે.
“જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે,
જ્યાં દિવસે અંધારી નવળીમાં પ્રૌઢ સ્ત્રીઓ નજર ચુકાવી
પેશાબ કરવા જાય છે ઝટપટ,
જ્યાં ચાર વરસની છોકરી હાજત જતી વખતે
આબરૂ ઢાંકે છે ટૂંકા ફ્રોક થી.”
(જાતિસ્મર, પૃ.-૯)
   અહીં કાવ્યની શરૂઆતમાં જ આપેક્ષા ભંગ થાય છે. આપણે વર્ષોથી ગામ કે ચાલીની શેરી ને આદર્શ રૂપમાં જોતાં આવ્યા છીએ. પણ અહીં તે આદર્શની પાછળ રહેલી નક્કર અને ભિષણ વાસ્તવિકતાથી કાવ્ય ઉઘડે છે. કાવ્યના વિષયને અનુરૂપ કલ્પનોનું નાવીન્ય અહીં તરત નજરે પડે છે જેમકે :
“નળિયાં પર પહોળા પગ કરી બેઠેલો તડકો, ને
નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય.”
(જાતિસ્મર , પૃ.૯)
   શેરીમાં રહેતા લોકોની ગરીબી અને એ ગરીબી સાથે જોડાયેલ અનેક વિડંબણાઓ કાવ્યરૂપ પામી છે.
   યજ્ઞેશ દવેના બધા કાવ્યોથી જુદું પડતું એક કાવ્ય છે ‘વસ્તુઓ'. આ કાવ્યમાં વસ્તુઓની નાશવંતનાને બતાવાની સાથે વસ્તુઓ સાથે જોડાયેલા માનવભાવો સંવેદનો, ઇતિહાસો અનેક સંદર્ભોથી રજૂ થયાં છે. માણસ માત્ર વસ્તુઓથી આકર્ષાય છે. વસ્તુઓના મોહમાં પડે છે એક રીતે કહેતા આપણી આસપાસ આખું વસ્તુઓનું જ જગત છે પણ આ બધામાં વસ્તુઓ તો પોતાની તટસ્થતા કાયમ રાખે છે.
“દાદાની લાકડી, ચશ્માં, જૂનું મકાન,
ખુરશી, પલંગ ને પ્રાઈમસ,
રેશમની સાડી, ટેરીનનું શર્ટ, સુક્કાં ફૂલો
ને અત્તરની શીશી :
વસ્તુઓ ધારણ કરે છે આપણને
સાંખ્યયોગના અદભુત તાટસ્થ્યથી.”
(જળની આંખે, પૃ.૩૩)
   ક્ષલ્લુક કહી શકાય એવી વસ્તુઓના આલેખનથી શરૂ થતા કાવ્યમાં વસ્તુઓ ધારણ કરે છે તેમાં ચમત્કૃતિ છે. કારણકે એક રીતે જોઈએ તો આપણ ને વસ્તુઓને ધારણ કરીએ છીએ પણ અહીં તો વસ્તુઓ આપણને ધારણ કરે છે. એટલે ખરેખર તો નિર્જીવ વસ્તુઓ સાથેના મનુષ્યના અનુબંધ અથવા આસક્તિ દર્શાવી છે. મેં આગળ કહ્યું છે તેમ અહીં ઐતિહાસિક સંદર્ભોમાં વસ્તુઓને મુકી આપી છે જેમકે :
“કંઈ ધીરોદત, ક્ષમાશીલ રાજવીની જેમ
સંગ્રહસ્થાનમાં સામ સામે હાથ મિલાવતાં
ઊભા રહે છે રોમન આયુધો ને કાર્થેજિયન શસ્ત્રો
મોગલ શિરત્રાણની હૂંફમાં જ ઢબુંરાઈ બેસે છે
મરાઠાઓની ઢાલ
ચન્દ્રખનીજની નજીક જ નદીના પાંચીકાની જેમ
રમ્યા કરે છે
કોઇ લુપ્ત સંસ્કૃતિના મૃતિકા પાત્રો.”
(જળની આંખે, પૃ.૩૩)
   અહીં આયુધો, શિરત્રાણ કે પાંચીકા માત્ર વસ્તુઓ નથી રહેતી પણ એની સાથે જોડાયેલા ઇતિહાસને કારણે માનવજાત માટે એક ચિરસ્થાઈ પ્રતીક બની જાય છે. શૌર્યનું કે પોતાની સંસ્કૃતિનું. ‘અંદર ખૂલતા દરવાજા’ની નાની કવિતાઓમાં વિષય કરતા કોઈ એક સંવેદન વધારે મહત્ત્વના છે. આ નાના કાવ્યોમાં કવિ ચિત્તમાં અચાનક ઝબકી ગયેલા કોઈ સંવેદન કોઈ ઘટનાને કાવ્યરૂપ મળ્યું છે. અહીં ટૂંકાકાવ્યોમાં અનુસંધાન તો દીર્ઘકવિતાનું જ છે. કારણ કે અહીં પણ અનેક પ્રકારના સંદર્ભો તો આવ્યા જ કરે છે. જેમકે :
“રામ જોવા છે ?
છાતી ચીરવાનો કોઈ અર્થ નથી
જાવ..... અયોધ્યા જાવ.”
(અંદર ખુલતા દરવાજા, પૃ.૫૧)
*
“રસ્તા પરથી
ઊતરી એક કેડી
ને ખોવાઈ ગઈ ઘાસમાં.”
(અંદર ખુલતા દરવાજા, પૃ.૪૩)
*
“આકાશમાં
માત્ર એક ટીટોડીનું ક્રન્દન
ને
આખો ને આખો દરિયો ઉલેચાય.”
(અંદર ખુલતા દરવાજા, પૃ.૩૪)
   આ સંગ્રહમાં ‘કોડી કાવ્યો', ‘જળસૂત્ર', ‘ત્રણ ચિલિકા ચિત્રો', ‘કેટલાંક પક્ષી કાવ્યો', ‘અવકાશ કાવ્યો’ મહત્ત્વના છે.
   આમ સમગ્રતયા જોઈએ તો યજ્ઞેશ દવેની કવિતા અનેક વિષયોમાં ફરી વળે છે. એમની કવિતામાં માનવમનની ઊંડાઈઓ છે તો કલબલતા પક્ષીઓ પણ છે. ચકરાતી પૃથ્વી છે તો ઉછળતા સમુદ્રો છે. નિર્જીવ વસ્તુઓ છે તો ચહલપહલ વાળી શેરી છે. એટલે જ યજ્ઞેશ દવેનું કાવ્યવિશ્વ પરંપરાગત ગુજરાતી કવિતાથી નોખી ભાત રચે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment