5.1.2 - યજ્ઞેશ દવેની કવિતાની અભિવ્યક્તિરીતિ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   કોઈપણ કવિ માટે ચિત્તમાં ઊઠતા સંવેદનને કાવ્યરૂપ આપવું એ પહેલો પડકાર છે. અને આ પડકારમાં સૌથી પહેલું કામ પાડવાનું આવે છે માધ્યમ સાથે. કવિ જે માધ્યમની પસંદ કરે છે એ માધ્યમની સિધ્ધિ-મર્યાદાઓ એની સામે હોય છે. એ માધ્યમમાં એને એના સંવેદનને ઢાળવાનું હોય છે, એ તો ખરું જ પણ એની શક્યતાઓને પણ તાગવાની હોય છે. યજ્ઞેશ દવે એ માટે દીર્ઘકાવ્યના સ્વરૂપને પંસદ કરે છે. આપણે આગળ જોયું તેમ યજ્ઞેશભાઈ પહેલા અનેક કવિઓએ દીર્ઘકાવ્યો લખ્યાં છે. એટલે એ બધાથી નોખા પડવું એ બીજો પડકાર છે. યજ્ઞેશ દવે માટે પોતાની આગળની પેઢીના લાભશંકર ઠાકર કે સિતાંશુ યશશ્ચંદ્રના દીર્ઘકાવ્યોની અભિવ્યક્તિ તરફ ઢળવું સહજ હતું. આમ છતાં એમની અભિવ્યક્તિરીતિ એ બધાથી જુદી પડે છે. અને ખાસ કરીને જીવનાનંદદાસની કવિતાનો પ્રભાવ ઝિલે છે. યજ્ઞેશ દવેની મોટા ભાગની રચનાઓની શરૂઆત કોઈ એકાદ સીધા કથનથી થાય છે. જેમકે :
“ના, ના
દેહ વિહાર સ્થાન નથી જીવનનું”
(જળની આંખે, પૃ.૧)
*
“હા,
હું જ અશ્વત્થામા”
(જળની આંખે, પૃ.૯)
*
“જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે”
(જાતિસ્મર, પૃ.૯)
   અહીં પ્રથમ બે કાવ્યોમાં હકાર અને નકારથી કાવ્ય ઉઘડે છે ને એટલે જ એક પ્રકારનું રહસ્ય ઊભું કરે છે. જ્યારે ત્રીજા કાવ્ય ‘મારી શેરી'ની શરૂઆત આચકાંરૂપ પણ વાસ્તવિક છે. આખા કાવ્યમાં જુગુત્સાપ્રેરક કથન અને વર્ણનમાં આવ્યાં કરે છે. એના દ્વારા જ શેરીનું એક વાસ્તવિક ચિત્ર ઊભું થાય છે. આધુનિકયુગમાં આપણે ત્યાં અરૂઢ કલ્પનો આવ્યા. જેમકે :
“ને અંધકારની યોનિમાંથી
સરકે છે આ તડકો’’
(વહી જતી પાછળ રમ્ય ઘોષા, પૃ. ૯૩)
   અહીં લાભશંકર ઠાકર તડકાને અંધકારની યોનીમાંથી સરકતો બતાવે છે. જ્યારે ‘મારી શેરી' માં ‘નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય” (જાતિસ્મર, પૃ.૧૦)

   જેવું લ્પન અરૂઢ છે તેમજ કાવ્યના વિષયને અનુરૂપ છે. એ વર્ણ વિષયને બરોબર લાગુ પડે છે. ક્યાય આયાસ લાગતો નથી. ‘હેલો’ કાવ્ય પણ અભિવ્યક્તિના અનેક પરિમાણો પ્રગટાવે છે.
“એ રણુજાના રાજા
અજમલજીના બેટા
વીરમદેવના વીરા
રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો હો..હો...જી...
સાંભળો છો મારો હેલો ?
હેલ્લો...
રાણુજાના રાજા સાંભળો છો મારો હેલો ?
હેલ્લો... હેલ્લો...
પોખરણના કિલ્લામાંથી રણની છાતીનો ધબકાર
નહીં
સાંભળ્યો’તો તે ધડાકો ?
આટલાંટિક ઓળંગી ઈ ધડાકો સાંભળ્યો'તો બીગ બ્રધરે
આંગળાં કાનમાં ઘાલ્યાં કે મોમાં ઈ ખબર નંઈ
રાણુજાના રાજા સાંભળ્યો'તો ઈ ધડાકો ?''
(સમીપે, અંક :૧૦-૧૧ ડિસેમ્બર ૨૦૦૮ પૃ.૩૧)
   અહીં રામદેવપીરના સંદર્ભોથી આરંભાતું કાવ્ય અનેક કાવ્યપ્રયુક્તિઓને કારણે સમકાલીન સામાજિક – રાજકીય સંદર્ભોને તાકે છે.

   લોકગીતની લયબદ્ધ પંક્તિને અહીં ટૂકડાઓમાં વહેંચી દીધી છે છતાં એની લયનો હિલ્લોળ બરકરાર છે. પણ એના પછી આવતી પંક્તિ ‘સાંભળો છો મારો હેલો?’માં ભાવકના કાન સરવા થઈ જાય છે. જાણે કે સીધો સંવાદ રચાય છે. પણ હેલો પછી આવતા ‘હેલ્લો' શબ્દમાં આપેક્ષાભંગ થાય છે. અને કાવ્યનો નવો સંદર્ભે ઊઘડે છે. પોખરણમાં ભારતે કરેલા પરમાણુ વિસ્ફોટનો સંદર્ભ આવે છે. સ્થળ ભૌગોલિક રીતે જોતા પોખરણ અને રામદેવપીરનું સ્થાનક રણુજાની પાંત્રીસ-ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે. પણ બન્નેના સંદર્ભમાં વિરોધાભાસ છે. એકમાં વિધ્વંસકતા છે જ્યારે બીજામાં સર્જન. પરમાણુ વિસ્ફોટનો અવાજ આટલાંટિક પાર અમેરિકામાં સંભળાય છે. આખી દુનિયાના જમાદાર થઈને ફરતાં અમેરિકાનો સંદર્ભ ‘બીગ બ્રધર' શબ્દ દ્વારા સૂચવાઈ જાય છે. એ પછી આવતી પંક્તિ ‘આંગળાં કાનમાં ધાલ્યાં કે મોમાં ઈ ખબર નઈ.’ માં ૧૯૭૪ ના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દીરા ગાંધી દ્વારા કરવામાં આવેલાં પ્રથમ પરમાણુ પરીક્ષણ પછી અટલબિહારી બાજપાઈની સરકાર દ્વારા પોખરણમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ સુધી અમેરિકા દ્વારા અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવા છતાં ભારતે પરમાણુ બોમ્બ બનાવ્યો એનું આશ્ચર્ય અને રોકી ન શકવાની લાચારી એમાં વ્યકત થઈ છે. યજ્ઞેશ દવેની કવિતામાં આવતાં આવા સંદર્ભો માટે ઇતિહાસ, ભૂગોળની જાણકારી વગર એમની કવિતાનો પૂર્ણ આસ્વાદ શક્ય નથી. આ સંદર્ભે શિરીષ પંચાલનું નિરીક્ષણ નોંધવા જેવું છે.
“ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, કળા, વિજ્ઞાનના સંદર્ભોમાં સતત રાચતી રહેતી આ કવિતા ભાવક પાસે અપેક્ષા રાખે છે; એ સંદર્ભ જાણ્યા પ્રમાણ્યા વિના આ રચનાઓનો આસ્વાદ શકય નથી” (‘જાતિસ્મર', પૃ. ૯૪)
   આમ યજ્ઞેશ દવેની કવિતા ભાવક જોડે પણ ચોક્કસ અપેક્ષાઓ રાખે છે. “હેલો” કાવ્યને આપણે અનુઆધુનિક સંદર્ભમાં પણ તપાસવું જોઇએ. માત્ર વૈયક્તિકચેતના નહીં પણ વૈશ્વિક ચેતના આ કાવ્યનો વિષય છે. આ કાવ્ય રચનારીતિની અનેક ખૂબીઓને કારણે ભાવકના તર્કને પણ સરાણે ચઢાવે છે. વીસમી સદીમાં વિશ્વ પર પથરાઈને સંકેલાયેલ વ્યક્તિ કે વિચારને સ્ટેજ પણ બોલકા થયા વગર કાવ્યકળાની સિસ્તે રજૂ કરે છે.
“શુકનવંતા સાથિયે તો આંગણામાંથી
ઊડી સ્વસ્તિક થઈ કાળો કે’ર વરતાવ્યો કાળો કે’ર”
(‘જાતિસ્મર', પૃ. ૩૨)
   ‘સાથિયો', ‘દાતરડું - હથોડી’, ‘અવનવા એકાવન તારલા વાળી ધજા' જેવા વ્યક્તિ, વિચાર કે રાષ્ટ્ર સાથે જોડાયેલા પ્રતીકોના ઉલ્લેખથી કાવ્યનો ધ્વનિ ઉઘડે છે. આખું કાવ્યમુખ્યાર્થનો બાધ કરી એક નવા અર્થ તરફ લઈ જાય છે. એ માટે આગળ કહ્યું તેમ આપેક્ષાભંગ અને ભાષાઓની જુદી જુદી તરેહોનો રચનારીતિના ભાગરૂપે કવિએ ઉપયોગ કર્યો છે.

   ‘જળની આંખે’નાં કાવ્યોમાં અભિવ્યક્તિરીતિના પ્રપંચરૂપે પુરાકલ્પનનો સફળ વિનિયોગ થયો છે. ‘ન પ્રવાસી, ન ગૃહવાસી’માં આવતા કેસેન્દ્રા, ટાયરેશિયસ, સહદેવએ માત્ર ગ્રીક કે ભારતના પુરાણપાત્રો ન રહેતા કાળની સામે માનવીની લાચારીના પ્રતીક બની જાય છે. આમ મૂળે તો મોટે ભાગે ‘મિથ’ રૂપે આવેલા ઘટનાપ્રસંગ કે પાત્ર કાવ્યમાં ‘મિથ'થી ઉપર ઉઠી પ્રતીક બની જતાં હોય છે. એજ રીતે અશ્વત્થામા, કર્ણના માત્ર થોડાં સંદર્ભોથી કથાનું રૂપ બાંધી દે છે.

   શરૂઆતમાં નોધ્યું હતું તેમ યજ્ઞેશ દવે મૂળે ‘ઇકોલોજી'ના વિદ્યાર્થી. એમનું પીએચ.ડી. પણ ‘એકસપરીમેન્ટલ બાયોલોજીના ઇકોલોજી' વિષયમાં. ‘ઇકોલોજી' માટે ગુજરાતમાં ‘પર્યાવરણશાસ્ત્ર' સંજ્ઞા પ્રયોજાય છે. ‘જાતિસ્મર’નું ‘પૃથ્વી' કાવ્ય આવા પર્યાવરણશાસ્ત્રના સંદર્ભોથી તપાસવા જેવું છે. અભિવ્યક્તિરીતિની જુદી જુદી તરેહો, ભૂગોળ, ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્રના સંદર્ભોને કારણે જાણે કે આ કાવ્ય કાવ્ય ન રહેતા પૃથ્વીનું મહિમા સ્તોત્ર બને છે.

   સૂર્યમંડળની ઉત્પત્તિની સાથે જ થયેલી પૃથ્વીની ઉત્પત્તિ ભૌતિકશાસ્ત્ર આપણને સમજાવે છે. તો એક કોષી જીવથી જીવનવિકાસના ક્રમિક તબક્કાઓ પાર કરી જટિલ રચના વાળા જીવો સુધી પહોંચેલી સૃષ્ટિની વાત પ્રાણીશાસ્ત્ર કે નૃવંશાસ્ત્ર કરે છે. અહીં પૃથ્વીની એ કથા પ્રતીક, કલ્પન, પુરાલ્પન, લય, પ્રાસ જેવી અનેક કાવ્ય પ્રયુક્તિઓ દ્વારા આ રીતે રજૂ થઈ છે.
“પૃથ્વી !
ઝાળઝાળ વેદના હતી
રોમ રોમ ભભૂકતો રોષ હતી,
અગ્નિગર્ભા
જ્વાલામુખે અગ્નિ ફુત્કારતી રહી તું.
અનરાધાર વરસાદમાં લથબથ પલળતી હતી
હિમયુગોથી શાશ્વત શીત રાત્રિઓમાં થરથર ધ્રૂજતી હતી,
મહાકાય ડીનોસોરના દહેભારથી જંતુની જેમ ચપાઈ હતી
થાકીને ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગઈ છે તું
દુરાત્માઓના વંશોથી...”
(‘જાતિસ્મર', પૃ. ૫૩)
*
“નક્ષત્રના ભ્રમણો,
બદલાતાં નદીના વહેણો
નારંગી ઉત્ફુલ્લ પ્રભાતો, રૂપેરી નભઝુમ્મરો
ઉદાસ ઘેરી સંધ્યાઓ, રેલાતી ચંદન ચાંદનીઓ
દારૂણ ઘોર રાત્રિઓ, ભયાવહ ધૂમકેતુઓ
પૃથ્વીગર્ભ ધાતુઓ
આગ ઓક્તા જ્વાળામુખીઓ, પ્રમત્ત પવનો
પ્રતાપી પર્વતો, કરાલ કાંઠા કરાડો
ધોધો જલપ્રપાતો
લેપાતી લોપાતી દિશાઓ
ખૂલતા ખંડો, ઓટના દરિયાઓ
ચિંઘાડતા હાથીઓ
ચૂપચાપ ચાલતાં નીલગાયોના ટોળાં
જંગલને ચીરતી વાનરીની સીસો
સૂનકારને પડઘાવતાં બિહામણા તમરાઓ
જંતુની જેમ મરી જતાં કુળો,
સળી જતાં સામ્રાજ્યો
દળકટક લઈ ચડી આવતાં ઘડીવારમાં
જડી જતાં લાવલશકરો
મહાકાલની આ વિર્વતલીલાને
મેં જોયા કરી છે આદિમ આર્શ્યથી’
(‘જાતિસ્મર', પૃ. ૫૭-૫૮)
   ‘ઓ’ કારાન્ત પદોને કારણે અહીં લયાત્મક્તા સધાઈ છે. પણ મુખ્યવાત છે લયની સાથે સાથે ચાલતી પૃથ્વીની ઉત્પત્તિથી શરૂ થયેલું ને અબજો વર્ષોથી વિકાસ પામેલું પર્યાવરણ. પર્યાવરણનો અર્થ અહીં એ અતિ સંકુળ અને બૃહદ છે. પોતાના ઉત્પત્તિકાળે પૃથ્વી આગનો ગોળો હતી. કાળક્રમે ઉપરનો પોપડો ઠરતા રાસાયણિક પ્રક્રિયાઓ થતાં હજારો વર્ષો સુધી વરસાદ વર્ષ્યા કર્યો અને સમુદ્રો બન્યા. અનેક હિમયુગો આવ્યા અને ગયા. ડાઇનાસોર જેવાં મહાકાય પ્રાણીઓ આવ્યા ને ગયા. અનેક પ્રજાતિઓ –સંસ્કૃતિઓ, સામ્રાજ્યો, ઉદભવ્યા ને વિનાશ પામ્યા. એ આખી ‘કથા’ આ કાવ્યમાં છે. પણ આગળ કહ્યું તેમ આ કાવ્ય ભાવકની કસોટી કરે છે. કારણ કે આ કાવ્યના આસ્વાદ માટે ભાવક પાસે ઇતિહાસ, ભૂગોળ, ભૌતિકશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર એમ અનેક વિદ્યાશાખાઓનું સામાન્ય જ્ઞાન જરૂરી છે.

   ‘જળની આંખે', ‘જાતિસ્મર’ની રચનાઓ બહુધા એક જ કુળની છે. અભિવ્યક્તિની તરેહોમાં ઝાઝો બદલાવ નથી. એટલે ઘણી વખત એક જ પ્રકારની કાવ્યરીતિ મર્યાદા બને છે. થોડા આત્યંતિક બનીને એમ પણ કહી શકાય કે આ બન્ને સંગ્રહની સોળ રચનાઓ એકજ પ્રલંબકાવ્યનો આભાસ રચે છે. એનું કારણ કવિની એક સરખી અભિવ્યક્તિરીતિ છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment