4 - હમ કિસી સે કમ નહીં ! / ગુણવંત વ્યાસ
- નામ ?
- વાલો.
- વોટ ?
- વાલજી.
- બાપ કા નામ ?
– ભગા.
- મીન્સ, ભગજી?
- ના... ના, ભગા; ભગા જ !
- પૂરા નામ ?
- વાલજી ભગા ચમાર.
ફોર્મ-વિતરકે ચીતરીભરી નજર વાલા પર નાંખી, રજિસ્ટરમાં નામ નોંધ્યું. બાઈકને સ્ટેન્ડ કરી બેઠેલા રોકી-ગ્રુપના નબીરામાંથી લકી બોલ્યો :
‘જાત ન પૂછો સાધુ કી, પૂછ લીજીયોં ગ્યાન...!’
ડંખીલા હાસ્ય વચ્ચે કલાર્કે છઠ્ઠો સવાલ કર્યો : ‘ક્લાસ ?'
ગ્રુપનો જ વીકી ગણગણ્યો : ‘બેકવર્ડ ક્લાસ !'
આ વખતનું સમૂહ-હાસ્ય ઝેરીલું જણાયું. વાલાએ કરડાકીભરી નજર ટોળા પર નાંખી. એને એ રીતે જોતાં જોઈ, રોકી ઠાવકો બન્યો : ‘લો, કર લો બાત ! હમને કુછ કિયા હી નહીં ઔર કાતિલ નજર હમેં ઘુરઘુર કે દેખ રહી હૈ !’ ને પછી વાલાની તરફ ઘુરકતાં બોલ્યો : ‘માર ડાલોગે ક્યાં?’
વાતને વાળવા સંજય વચ્ચે પડ્યો : ‘અરે યાર ! જો પૂછતા હૈ, ઉસે જવાબ દો ન, ઈધર ક્યોં દેખતે હો !'
શુચિએ સિગારેટનો ધુમાડો એ રીતે છોડ્યો, જાણે વાતને હવામાં ફંગોળતી હોય. વાલો ઊબકી ગયો. ક્ષણભર તો બારી છોડીને જતા રહેવાની ઈચ્છા થઈ, પણ માધો યાદ આવ્યો. મા યાદ આવી. ત્યાં કલાર્કનો કર્કશ અવાજ ફરી સંભળાયો : ‘કૌન સા ક્લાસ ?’
‘ફર્સ્ટ યર.’
ફોર્મ લઈ ખોડંગાતા જતા વાલાની પાછળ કોઈ ગુજરાતી આશિકે વળી એક પંક્તિ ફેંકી :
‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની...!’
ટોળું ખડખડાટ ખખડતું રહ્યું. શુચિની સળગતી સિગારેટ હાથમાં લેતાં રોકીએ વાલાની પીઠ પાછળ તે ફેંકી.
‘યુ ક્રુઅલ ફેલો...!' – કહેતી શુચિ ત્વરિત ઊભી થઈ. સળગતી સિગારેટને સેન્ડલથી મસળવા લાગી. એને એમ કરતી જોઈ લકી ગણગણ્યો : ‘બીગડેં બના દે સબ કે કામ , હે શેરોવાલી...!'
મોન્ટુએ સુધાર્યું : ‘એ તો જીન્સવાલી હૈ...'
ટોળું ફરી ખડખડાટ કરતું ખખડવા લાગ્યું. હાસ્યના હડસેલાથી વાલો હોસ્ટેલ તરફ ફંગોળાયો.
* * *
આજે થોડો થાક લાગ્યો. લાંબો થયો. હજુ તો છ મહિના થયા. અઢી વરસ કેમ નીકળશે?! માધો હતો, પણ એ તો આ વરસ પૂરતો જ, ત્રીજું વરસ પૂરું થતાં એ તો હાલશે. પોતાને બાકીનાં બે વરસ આ જડ જમાત સાથે પનારો પડવાનો. બાપાએ માધાને ભરોસે જ પોતાને શે'રમાં મૂક્યો'તો. બાકી એ તો ચામડાં ચીરવામાં જ પોતાનું ભાવિ ભાખતા. ભલું થજો માનું, કે એ મક્કમ રહી, માદળિયું બાંધતાં બોલેલી : ‘બાપના કૂવામાં બૂડી નો મરાય. ને ઐ દાટ્યું સ પણ હું; બે-પાંસ કળ ને ડુંગર જેવડા ડર સિવાય ! ડરીડરીને ઐ જીબ્બા કરતાં તો મારો વાલો શે'રમાં ભણી મોટો લાટસા'બ થાહે, જોજોને !' - ને પોતાને ઉદ્દેશી કહેલું : ‘આ માદળિયું માના આસીરવાદ સે, જા!’ માસ્તરોએ ય બાપાને સધિયારો આપેલો : ‘છોરો ભણવામાં હુશિયાર છે. શે'રમાં જાહે, દા'ડા સુધરી જાહે.' સાહેબોની સલાહથી જાતિનું સર્ટિ. ને ખોડની ખરાઈનો કાગળ તૈયાર રાખેલાં, પણ એની કોઈ જરૂર ન પડી ને ટકાને આધારે જ કૉલેજ નક્કી થઈ ગઈ. માના આશીર્વાદ ફળ્યા ને શે'રની નામાંકિત કૉલેજમાં ભણવાનું સપનું સાચું પડ્યું. પણ છ માસમાં જ બગાવતખોરોની દાનત ગંધાવા લાગી. તૂટતા વાલાને માધો સાંધતો રહેતો. કૉલેજીયન બનાવવા મથતો રહેતો. હિન્દી-અંગ્રેજીની ભેળસેળવાળી ભાષાથી ખાસ નહીં ટેવાયેલો વાલો ક્ષોભ પામતો તો માધો તેની સાથે હિન્દીપ્રયોગો વધારી દેતો. વાલો અટવાતો તો તેને હિન્દી ફિલ્મ જોવા લઈ જતો. છ માસમાં તો ઘણું-ઘણું કરી ચૂક્યો હતો એ, ને વાલો પણ ઠરીને ઠામ થતો જતો હતો. પણ આ નાતના નીચાપણાનો – લોકનાં મનમાં ઘર કરી ગયેલો કચરો કાઢવો કેમ? – વાલો પડખાં ફેરવતો રહ્યો. ઉંઘ ન આવી તે ન જ આવી. બેઠો થયો. દર મિનિટે પોઝિશન બદલાતી રહી : કોણી ગોઠણે ટેકવાઈ ને પંજાનું પોલું સંપુટ રચાયું. આંગળીઓ નાકે અડી ને અંગુઠાઓએ હડપચીને ટેકો આપ્યો. બીજી મિનિટે સંપુટ લમણે ટેકવાયું ને માથાનો આધાર બન્યું. ત્રીજું દૃષ્ય પહોળા પગના ઢીંચણે ટેકવાયેલી કોણીએ રચેલા, પગ વચ્ચે ઝૂલતા સંપુટનું હતું ને ચોથે ચક્ર પૂરું થતું હોય તેમ એ જ સ્થિતિમાં પંજા બાવડે અડતાં જ અટક્યા. માના માદળિયા પર હાથ ફર્યો. થોડી સાંત્વના મળી. કોઈ ધક્કો લાગતો હોય તેમ તે ઊભો થયો ને ફોર્મ ભરવાની સૂચનાઓ સાથે સ્પર્ધાના નિયમો વાંચવા લાગ્યો.
* * *
કૉલેજના એન્યુઅલ ફંકશનમાં નાટક રજૂ થવાનું હતું. પાર્ટિસીપન્ટસ માટે બે દિવસથી ફોર્મ્સ વહેંચાતાં હતાં. આજે છેલ્લો દિવસ હતો. માધો વાલાને બે દિવસથી આગ્રહ કરતો હતો. એ જાણતો હતો કે વાલો અચ્છો કલાકાર છે. રાવળિયાઓના ઢોલ વાલાના નાચ વિના અધૂરા જ રહેતા. ઢોલને તાલે એ જે નાચ કરતો, જાનૈયાઓ છક થઈ જતા ને રૂપિયાનો વરસાદ વરસતો. ગોકળ આઠમે રાસ રમાડતો વાલો જેટલો શૃંગારિક લાગતો, નવરાત્રિએ ગરબા ગવડાવતો એ એટલો જ ધાર્મિક જણાતો. નવા વરસે દરબારના ડેલે દાંડી પીટવા જતા રાવળિયાઓએ વાલાને સાથે લઈ જ જવો પડતો. સ્કૂલમાંથી જ એ નાચ-ગાન-નાટકમાં રસ લેતો થયો હતો. ગામમાં નાટક-મંડળી આવેલી; એ તો વાલાની કળા પર આફ્રિન થઈ તેને સાથે જ લઈ જવા તૈયાર હતી, પણ ભગાકાકાએ ગભરાઈને ના પાડી દીધેલી. મંડળી ગામમાં રહી ત્યાં લગણ વાલાને ઘરમાં પૂરી રાખેલો ! – એ વાલો કોલેજના નાટક માટે ના પાડે ?! વાલાનો વિરોધ અવગણીને ય આજે તો એ સોગંધ પર ઊતરી આવ્યો હતો.
‘તું મેરા બેસ્ટ ફ્રેન્ડ છે ના? સોગંદ ખા; ફોર્મ લઈ આવીશ !’
‘હા, ભઈ, હા ! સોગંદ, બસ !’
‘ના, એમ નહીં, રખ મેરે સર પે હાથ !'
‘લો, મૈ સર પે હાથ રખ કે કહેતા હૂં - લાઉગા, ઠીક !’ - ને વાલાએ પોતાના માથે જ હાથ રાખ્યો.
‘ચલ, લુચ્ચા !' – કહેતો માધો હસી પડ્યો ને વાલાના માથેથી હાથ લેવડાવી લીધો. વાલો પણ મુડમાં આવી હસતો- હસતો કૉલેજ જવા રવાના થયો.
* * *
હોસ્ટેલનું કેમ્પસ બાઈકોની ઘરેરાટી ને કાન ચીરી નાખતી ચિચિયારીઓ સાથે ઊભરાવવા લાગ્યું. બાઈકર્સ-ગ્રુપ સાથે રોકીનું લશ્કર પણ જોડાયું. હોસ્ટેલમાં રહેતા ફોલોઅર્સ પણ તેમાં સામેલ થયા. થોડા ટોળટપ્પા ને થોડી ધીંગામસ્તી વચ્ચે રોકીએ સ્વરચિત શેઅર ફેંક્યો :
‘આજકલ, સમાજ ઊલટા-પુલટા હો રહા હૈ, (૨)
આસમાં મેં પૈર, સર જમીં પે સો રહા હૈ !'
‘વાહ... વાહ... વાહ... વાહ.. !' ટોળાએ ચાનક ચડાવી.
‘જૂતી, સર કા સરતાજ હોને ચલી હૈ, (૨)
ઔર મુકૂટ મીટ્ટી મેં ખો રહા હૈ !'
‘વાહ... વાહ... ક્યા બાત હૈ !' - સમર્થકોનો રિસ્પોન્સ મળતાં રોકી વધુ ભરાયો બન્યો :
‘સુના હૈ, આસપાસ મેં ઈક બંદા હૈ, ચમડેં કા ઉસકા ધંધા હૈ;
એ સમાજ સાલા સમજતા હી નહીં.... અંધા હૈ !
ભૂલ ગયે? કબીર ને કહા હૈ : ..... ગંદા હૈ, પર ધંધા હૈ !’
‘વાઉ..! યો....! ઓયે-વોયે...! બલ્લે-બલ્લે...! વન્સમોર, વન્સમોર...!’
ચિચિયારી હવે હૃદયને ચીરવા લાગી. વાલો ઊભો થયો ને ધડાકાભેર બારીબારણાં બંધ કર્યા. શોર થોડો ઘટ્યો. ઠંડી હોવા છતાં પંખો શરૂ કર્યો. પંખાના કિચૂડાટમાં બહારનો ઘોંઘાટ દબાયો. વાલાએ બ્લેન્કેટ ઓઢી, પલંગમાં પડતું મેલ્યું.
* * *
બારણું ખખડ્યું. વાલાએ પ્રતિભાવ ન આપ્યો. ઓઢીને પડ્યો જ રહ્યો. આ વખતે ટકોરા સાથે માધાનો અવાજ પણ ભળ્યો. વાલો ઊભો થયો. બારણું ખોલ્યું. ને ફરી પલંગ તરફ વળ્યો. ટેબલ પર ફોર્મ જોતાં જ માધાના અવાજમાં આનંદ ભળ્યો : ‘વાઉં...! યુ ગોટ ધ ફોર્મ !’
પણ બીજી જ પળે વાલાની ઉદાસી કશુંક બન્યાના સગડ આપી ગઈ.
‘ક્યા હુઆ ?!’ - માધાથી પૂછાઈ ગયું.
‘યે દીવાર ટૂટતી ક્યોં નહીં ?'
‘ફરગેટ એવરીથિંગ એન્ડ ફીલ ધીસ ફોર્મ !' - માધાએ વાલાને ‘પુશ' કર્યો, પણ વાલાની ઉદાસીમાં કોઈ ઓટ ન આવી. માધો એની નિકટ બેઠો, ને વાલાનો હાથ હાથમાં લઈ આશ્વસ્થ કરવા લાગ્યો. વાલો ગદગદિત થઈ ગયો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ને આંસુ સાથે ખારાશ પણ શબ્દ બની પ્રગટી. બંને ઘટનાઓનું બયાન માધાને પણ વ્યથિત કરી ગયું. માધાએ પણ ક્યાં આવી ઘટનાઓનો સામનો નહોતો કર્યો ! કેટકેટલાં અપમાનો સહ્યાં હતાં ને છતાં હંમેશા હસતો રહેતો માધો, તત્ક્ષણ સ્વસ્થ થઈ, વાલાને ખભે હાથ મૂકતાં બોલ્યો :
‘હમેં જો કરના હૈ, કરકે રહેંગે; લેટ ધેમ વૉચ !'
‘મગર એ બારબાર અપમાનિત હોને કા ડર મુજે ખા રહા હૈ !'
‘ફરગેટ ફીયર, એન્ડ માઈન્ડ વેલ : ડર કે આગે જીત હૈ !'
માધાની હળવાશભરી મક્કમતાએ વાલાના મનોબળને સાંધ્યું. તોય પ્રશ્ન તો રહ્યો જ :
‘મને તો તમારું આશ્ચર્ય થાય છે, માધાભાઈ; આટલા જાતિવિરોધ પછી યે તમે હસતા રહો છો ?!'
માધાએ ખીસ્સામાંથી રૂ કાઢી, કાનમાં ભરાવતાં કહ્યું : ‘ઈટસ સિક્રેટ ઓફ માય એનર્જી !!’ - ને હસતાં-હસતાં ગાવા લાગ્યો : ‘જીના ઈસી કા નામ હૈ...!'
માધાની મોજે વાલાને પણ મસ્તીમાં લાવી દીધો :
‘એમ નહીં માધાભાઈ, આમ કહો : ‘હમ ભી કિસી સે કમ નહીં...!’
‘ધેટસ રાઈટ !'
બંને મિત્રો હસી પડ્યા. વાલાએ ઊભા થઈ ફોર્મ પકડ્યું. માધાએ પેન લંબાવી.
* * *
‘ધ રામાયણઃ એન એપિક ઓફ (ન્યૂ) આઈડિયાઝ' નાટકના ઓડિશનના પહેલે દિવસે ભારે ઘસારો હતો. જજીસ તરીકે ફાઈન આટર્સ ફેકલ્ટીના ડીન પ્રો. કે.રંગનાથન, ડ્રામા ડાયરેકટર મહેશ માવળંકર ને સ્ટોરી રાઈટર જી.કે. પ્રજાપતિની ત્રિપુટી એક પછી એક ફોર્મને આધારે પાર્ટિસિપન્ટને બોલાવી, તેની પાત્રતા તપાસતી હતી. એલિજિબિલિટી સાથે એબિલિટીને પણ ચકાસતી જજીસ ટીમે પર્ફોમન્સને પ્રાધાન્ય આપ્યું હતું. બોડી-લેન્ગવેજને ઓળખી અલગ-અલગ કેરેકટર ને જુદા જુદા ડાયલોગ ફાળવતાં, કુતૂહલથી જોડાયેલા કેટલાયે ચહેરા રિજેકટ થયા હતા. થોડા આશાસ્પદ યુવાનોને પહેલે દિવસે જ નાનાનાના રોલ એલોટ કરી, થોડા પસંદગીના ચહેરાઓને મેઈન કેરેકટરના સિલેકશન માટે બીજે દિવસે બોલાવ્યા હતા. તેમાં એક વાલો પણ હતો. માધાને તો વિશ્વાસ હતો જ, પણ અન્યને એ મોટું આશ્ચર્ય હતું : ફર્સ્ટ યરનો, પગે લંગડાતો દલિત, વન ઓફ ધ મેઈન કેરેકટર્સ ઓફ ડ્રામા?! - વોટ અ જોક ! પણ જજીસ ટીમનું આશ્ચર્ય જરા જૂદું હતું. પ્લેટફોર્મ પર પ્રવેશતાં જ ગ્રાન્ડ માસ્ટર માવળંકરની ફ્રેમમાં વાલો ફિક્સ થઈ ગયો. ખોડંગાતા પહાડી વ્યક્તિત્વમાં પ્રથમ સૂર્યસારથિ અરુણ, પછી અંગદ ને અંતે હનુમાન કળાતાં માવળંકર ખુશ હતા. ડાયલોગ-ડિલિવરીમાં બુલંદ અવાજે માવળંકરના મુખમાંથી ‘ફીટ હૈ, બોસ !' જેવા શબ્દો કમાઈ આપ્યા હતા. કે. રંગનાથનને ખોડ ખટકતી હતી; પણ એ જ ખોડ ગ્રાન્ડ માસ્ટરને હનુમાન-જમ્પ માટે અતિ મહત્ત્વની જણાઈ હતી. સ્ટોરી રાઈટરને પણ આધુનિક નાટક સંદર્ભે, ખોડમાં ખૂબી જણાતાં, એ સંવાદોમાં સુધારો કરવા વિચારતા હતા. રોકી ગ્રુપના લગભગ તમામ ફ્રેન્ડસ નાના-મોટા રોલ માટે સિલેક્ટ થયા હતા. જોકે એમાં રોકીના વર્ચસ્વનો પણ પ્રભાવ હતો. સંજયને રામ ને શુચિને સીતાનું કેરેકટર એલોટ થતાં જ ગ્રુપને ગમ્મત થઈ : પ્રમાણમાં સરળ સંજય સાથે મનસ્વી માનુની શુચિ ?! – પણ વુમન-ઇમ્પાવરમેન્ટના મેસેજને કન્વે કરતી મોડર્ન યુવતીના કેરેકટરમાં શુચિ જ પરફેકટ ફીટ હતી. ઈમ્પ્રેસીવ પર્સનાલિટી ને આર્ગ્યું નેચર, રામ ને રાવણ સામે સવાલો કરતી સીતા તરીકે હૂબહૂ બંધ બેસતાં હતાં. રાવણ તરીકે તો રૉકી જ હીટ એન્ડ ફીટ હતો. ગર્વિષ્ઠ ને ગુસ્સાવાળી તેની છાપ કૉલેજમાં પણ બદનામ હતી. બધું જ બરાબર હતું, માત્ર એક લીટી ફંટાઈ હતી. જમ્પીંગ જેક તરીકે ખ્યાત જેકશનની જગ્યાએ વાલજીની વરણી થઈ હતી. જેકશનના ભાગે અંગદનું એક નાનું દૃશ્ય જ આવ્યું હતું. રોકીનો પ્રભાવ પહેલીવાર ઓસરતો સૌએ જોયો. રૉકી આથી પણ વધુ અકળાયો. પણ જજીસ ટીમે નમતું ન જોખ્યું ને રિહર્સલની ડેટસ્ ડિકલેર કરી દીધી.
* * *
રોકી ગ્રુપ રમતે ચડ્યું હતું.
‘એકશન...!’ જેકશને માસ્ટરની અદાથી કહ્યું. ધુમાડા છોડતી શુચિને છોડી, લકી ઊભો થયો. સંજય પાસે આવી, જરૂરિયાત કરતાં વધુ ઝૂકતાં બોલ્યો : ‘પ્રભુ, આપકા એ સેવક તો ટેઢા હૈ !'
‘ટેઢા હૈ, પર મેરા હૈ !' – સંજય ઉવાચ.
ટોળું હાસ્યને રવાડે ચડ્યું. અધૂરી સિગારેટ બુજાવી, શુચિ ઊભી થઈ સંજય પાસે આવી.
‘પ્રભુ, ઈસ સમસ્યા કા કોઈ ઉપાય તો હોગા ?'
‘અબે વો કયા બતાયેગા, વો ખુદ અપની સમસ્યા સૂલઝા નહીં સકતા !’ – દૂરથી મોન્ટુ ચિલ્લાયો.
‘પૂછને મેં ક્યા જાતા હૈ !' – શુચિ મારકણી અદાથી બોલી.
‘ઓયે મૈં મરજાવા ...!’ - લકી સમર્પણની અદાથી બોલ્યો. શુચિ બેધ્યાન જ રહી, બોલી :
‘પ્રભુ, આજ કી નારી પૂછતી હૈ આપ કો, ઉત્તર દિજીયે !’
‘બચ્ચી, કોઈ ભી ઈન્સાન છોટા નહીં હોતા !’
‘રૉકી હોકી ઊગામતાં બોલ્યો : બચ્ચી? સાલે, બીબી કો બચ્ચી બોલતા હૈ ?! તેરી તો...'
‘સોરી, સોરી મહાપ્રભુ ! મેરે અપરાધ કો ક્ષમા કરે !!’ - ને પછી શુચિ તરફ ફરતાં બોલ્યો :
‘પ્રિય કોઈ ભી આદમી કમજોર નહીં હોતા !’
આપ કી બાત મેરી સમજ મેં ન આઈ, પ્રભુ !’
‘દેશ સ્માર્ટ બન રહા હૈ, પ્રિયે !'
ગ્રુપમાં ફરી ગમ્મત થઈ. રૉકી, વચ્ચે જ હોકી ઉછાળતો કૂદી પડ્યો ને ચપટી વગાડતાં બોલ્યો :
‘ઓયે, યાદ રખ્ખ; ઢૂંઢતે રહ જાઓગેં, તુમ ઉસે ! પતા હી નહીં ચલેગા : આ રહા થા, યા જા રહા થા !’ – ને હોકીને, તલવારની જેમ, એણે હવામાં વીંઝી, જાણે કોઈનો શિરોચ્છેદ કરતો હોય.
‘કટ.. કટ...' – જેકશને એકશન બદલી.
હોસ્ટેલના કૅમ્પસમાં હસાવનારી હરકતથી સભાન એક રૂમનું અંધારું એકલું-એકલું હાંફે ચડ્યું હતું ને એની પરવા અજવાળે ઊછળતી યુવાનીમાં કોઈને ય નહોતી.
* * *
‘એન્ડ ઈન ધ લાસ્ટ, કોઈ ભી કામ છોટા નહીં હોતા ! – એ સોચ કે અપને-અપને કામ મેં જુડ જાઓ. એ મત સોચોં, હમને કિયા ક્યા હૈ, એ સોચો, હમેં કરના ક્યા હૈ ! કલ કો ભૂલ કર આજ મેં જીને કી કોશિશ કરો. મુસિબતેં તો આતી રહેંગી; ઉસે પુશ કરો. ખુશ રહો. થામ લો : હમ મેં હૈ હીરો ! ફીર દુનિયા તુમ્હારે પીછે હોંગી. ઓલ ધી બેસ્ટ!’ રિહર્સલના પ્રથમ દિવસે નાટકનાં થિમ, એઈમ અને એકશન વિશે માહિતી આપતા ગ્રાન્ડ માસ્ટર માવળંકરે અંતે શુભેચ્છાઓ આપી, ડાયલોગ્સની કોપીઓ વહેંચી. પ્રેકટીસ માટે સમય આપી તે પોતાની ઑફિસમાં આવ્યા. નાટ્યગૃહમાં અવકાશ મળતાં જ રોકી-ગ્રુપ એકશનમાં આવ્યું. રોકી પાસે રોતલ ચહેરો કરી, હાથ જોડતો લકી બોલ્યો :
‘માસ્ટરજી, મેરા નંબર કબ આયેગા ?'
‘કિસ ને કહા, તુજ મેં હૈ હીરો? જાઓ. પહેલે અપની હાઈટ બઢાઓ, ફીર આઓ !’ – રૉકી વ્યંગ નજરે વાલા સામે જોતાં બોલ્યો.
‘મગર માસ્ટરજી, પિતાજી કી...'
‘જીસકી ભી ઈચ્છા હો, એક બ્લાન છોટી અપની હાઈટ કો બઢાને મેં મૈં કુછ નહી કર સકતા. પહેલે ઠીક સે અપને પૈરોં પે ખડેં રહેના સીખો; ફીર મૈં તુમ્હારે સિલેકશન ફોર્મ મેં સાઈન કરુગા !'
‘તો જાઓ પહેલે ઉસકી સાઈન લે કે આઓ, જીસ ને મેરે પૈરોં પે લીખા હૈ : મૈં ટેઢા હું, મેરા...’
‘ખામોશ ! ચિલ્લાને સે સચ જૂઠ સાબિત નહીં હોતા ! તુમ્હારે પાસ હૈ હી કયા, જો મૈં તુમ્હેં અપને નાટક કે લીયે સાઈન કરું ?'
જેકશન વચ્ચે જ કૂદયો: મેરે પાસ કાર હૈ !
વિકીએ ટાપસી પૂરી : મેરે પાસ ગીટાર હૈ !
શુચિ ચૂપ રહી, પણ મોન્ટુ વચ્ચે કુદ્યો : મેરે પાસ મા હૈ !
‘મા’ સાંભળતાં જ લકીને કશું યાદ આવ્યું હોય તેમ તે દોડ્યો ને બાવડે હાથ ફેરવતાં બોલ્યો : ‘સરજી, સરજી, મેરે પાસ માં કા દિયા હુઆ એ ‘લકી-ક્વચ’ હૈ !'
‘તો, અપના એ ‘લક' પહન કે ચલો !... પાસ જીતના, બહેતર ઇતના !' – કહેતો રૉકી હોકીથી હવામાં ફાયરિંગ કરતાં બોલ્યો : ‘ઢીશૂમ...ઢીશૂમ.. ઢીશૂમ...!!’
ચોતરફ સન્નાટો છવાઈ ગયો. માવળંકરસર આવી પહોંચ્યા હતા. ટોળું વીખરાયું ને પોતપોતાના કામે વળ્યું. ખૂણો ખોડંગાતો રહ્યો.
* * *
ભાંગતાને સાંધતો ને બેઠેલાને ઊભો કરતો માધો વાલાના મનનો મેલ ધોઈ રહ્યો છે :
‘શાબાશ, વાલા ! કેમ્પસમાં બધે તારા નામની જ ચર્ચા છે, તારા નામનો ગરમાવો છે, આજકાલ બધે !’
‘પણ હાથપગ ઠંડા પડતા જાય છે, એનું શું?’
‘ઠંડા મતલબ ?’
‘મતલબ કે, માવળંકરસરનો સપોર્ટ ન હોત તો આજ હું ટકી પણ ન શક્યો હોત. રૉકીગ્રુપની અપમાનજનક કોમેન્ટસ..! થાય છે, જાતનો આ દાગ મારી દુનિયા ડુબાડશે !'
“ફરગેટ ઘેટ નોનસેન્સ થિંગ ! કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના ?! માઈન્ડ વેલ, કહેતે હૈ વો, જો કુછ કર નહીં પાતેં. તુજ મેં સબ કુછ કર દિખાને કી તાકત હૈ; તો કર દિખા કે ઉસ કી બોલતી બંધ કરો !’
માધાના અવાજમાં અજબનું ઓજસ વર્તાયું. પણ વાલો ગજબનો ગભરાઈ ચૂક્યો હોય તેમ બોલ્યો :
‘મુજે તો અબ ડર ભી લગતા હૈ, કુછ અનહોની ન હો !'
‘તુમ પહેલે દિલ સે ડર નિકાલો. મુજે એ ડરા-ડરા સા વાલજી નહીં; ગાંવ મેં જો નાચતા-ગાતા થા, વો વાલજી ચાહીયે. એ દિલ માગે મોર, સમજે ! ઔર દુસરી બાત; ડરને કી જરૂર નહીં ક્યોં કી ડર તો વો ખુદ રહે હૈ હમસે, હમારી તાકત સે, ઈસલિયે જલતે હૈ, તો ઉસે ઓર જલાઓ. તુમ થોડી ઓર પ્યાસ બઢાઓ, ઔર કર લો દુનિયા મુઠ્ઠી મેં ! ફીર દેખો, દુનિયા કહેગી : દાગ અચ્છે હૈ !'
વરસાદી ઝાડીઓથી ઝૂકી ગયેલો છોડ વરાપ નીકળતાં જ કોળાવા લાગે એવી તાજપ વાલાના ચહેરા પર ઊગી નીકળી. એ મનોમન જ ગણગણ્યો : દાગ અચ્છે હૈ !'
* * *
ફાઈનલ રિહર્સલમાં વાલાએ કમાલ કરી બતાવી. કાલ સુધી કરમાતો વાલો આજે કંઈ તાકાતથી કરતૂક દાખવતો હતો, કોઈ ન કળી શક્યું; સિવાય માધો. માવળંકર પણ પ્રભાવિત હતા ને બીજા ગૌણ કલાકારોનો કાફલો પણ અચંબો પામતો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યો હતો. એકમાત્ર રોકીગ્રુપ આકળવિકળ ને આઘાતગ્રસ્ત હતું. રામ, રાવણ કે સીતાની એક્ટિંગથી ઈમ્પ્રેસ થવાને બદલે સેવકની સરળતા સૌને સ્પર્શી જાય એ આ ગ્રુપને માન્ય જ નહોતું. ચામડાનાં ચંપલને ધૂળમાં રગદોળવા હઠીલી જીદ ઉપર તળે થતી, અંદર ને અંદર ધૂંધવાતી હતી. માવળંકર એથી અજાણ નહોતા. કશુંક અઘટિત ટાળવા જ એમણે, કાલના પર્ફોમન્સ માટે શુભેચ્છાઓ આપી, વાલાને ચેતવ્યો પણ ખરો :
‘ઓલ ધી બેસ્ટ, અપના ખ્યાલ રખના; ટેક કેર !’
‘થેન્ક યુ' કહેતો વાલો, માધાના નશામાં જ, પૌલાદી મક્કમતાથી ધીરે રહી ઉચ્ચર્યો : ‘આઈ ડોન્ટ કેર !!’
* * *
‘સાલ્લી, એ ચમડેં કી ગંધ; પીછા હી નહી છોડતી !' લકીએ બગાસુ ખાધું.
‘યાર, આજકલ તો ફેશન હૈ,ચમડેં કો ગલે લગાને કી !’ મોન્ટુએ વાતને વળ ચડાવ્યો. ત્યાં તો રૉકી હીંસક બનતો કૂદયો : ‘કૂત્તા લગાતા હૈ ચમડે કો ગલે, ઈન્સાં નહીં !’
‘રિલેક્સ, બી રિલેક્સ્ડ !! રોકીને શાંત પાડતાં, સંજયે ચાનો ઓર્ડર આપ્યો.
‘સ્ટુપીડ ! નાસ્તા ભી મંગવા, કડક કે ભૂખ લગી હૈ !’ શુચિએ પેટ પર હાથ ફેરવ્યો. સ્ટુપીડે પકોડા મંગાવ્યા.
ફાઈનલ રિહર્સલ પછી છૂટીને ગ્રુપ, દાબેલું ઓકવા કૉલેજ કેન્ટિનમાં ટોળે વળ્યું હતું. શુચિને પ્રવાહથી વેગળી જોઈ, વિકીએ વ્યંગ કર્યો : ‘જો હેમા, રેખા, જયા ઔર સુષ્મા - સબ કી પસંદ બન રહા હૈ, અબ વો શુચિ કા ભી ફેવરિટ હૈ ક્યા ?!’
‘બાસ્ટર્ડ, યુ શટ-અપ !' કહેતી શુચિએ ટેબલ પર ઢોળાયેલા પાણીમાં તરતી કીડીને માચીસની કાંડીથી દૂર કરીને પછી એ જ કાન્ડીથી સિગારેટ સળગાવી. વીકીએ ફરી તેને ઉશ્કેરી :
‘અબે યહાં જલ રહે હૈ સભી, ઔર તું આગ લગાતી હૈ ?!'
‘તો સોચો ન કુછ, ઠંડક કા ફોર્મ્યુલા !’ કહેતી શુચિએ સળગતી કાન્ડીને એ જ ઢોળાયેલા પાણીમાં ડુબાડી ઠારી.
‘મિલ ગયા !' રૉકી અચાનક હરખનો માર્યો કૂદયો.
‘ક્યા ?!' બધાએ એકી અવાજે આશ્ચર્ય જતાવ્યું.
‘લંબી ઠંડક કા ફાર્મ્યુલા !’
‘મતલબ ?'
‘એક આઈડિયા જો બદલ દે અપની દુનિયા !!’
‘મગર કૌન સા આઇડિયા?' ટોળામાં કુતૂહલ જન્મ્યું. રૉકીએ ખુરશી નજીક ખેંચી. અનુયાયીઓ તેને અનુસર્યા. શુચિ એમ જ સ્થિર બેસી રહી. રૉકીએ ધીરે રહીને પોતાનો આઇડિયા કહી સંભળાવ્યો. ટોળું એકી સાથે ચિત્કારી ઊઠ્યું : ‘વોટ ?!’
‘ક્યું, ચૌંક ગયે ન ?!’
‘અબે, માર ડાલોગેં તુમ સબકો !'
‘કોઈ મરતા નહીં, કોઈ મારતા નહીં, એ મૈં નહીં કહેતા, ગીતા મેં લીખા હૈ!’ રૉકી કોઈ સૂફીની અદાથી આકાશ સામે જોતાં બોલ્યો.
‘હમ તુમ્હે સાથ નહીં દેંગે !'
‘ઠીક હૈ, તુમ્હારી મરજી !'
‘ક્યા, સચમુચ તુમ...?’
‘લીખ કે દુ ક્યા ?!’
ચા આવી, પકોડા હજુ ન આવ્યા. શુચિએ વેઈટરને બુમ મારી : ‘પકોડેં ક્યા, ચાય પીકર ખાનેં પડેગેં ?’
‘અબ પીકર ખાઓ, યા ખા કર પીઓ, કુછ ફર્ક નહીં પડતા !’ હતાત્સાહી સંજયે નિરાશ વદને જવાબ વાળ્યો.
* * *
વિશાળ સ્ટેજ ઊભું કરાયું હતું. પવન આજ તોફાની બન્યો હતો. પડદાઓ ફફડી રહ્યા હતા. સૂરજની ગરમીને પોષની ઠંડીએ શોષી લીધી હતી. ઓડિયન્સ ભરચક હતું. ડી જે સાઉન્ડ એક પછી એક ઉત્તેજક ગીતો છેડી રહ્યું હતું ને કૉલેજીયનોમાં મસ્તી ચડી હતી. મહેમાનો આવવાની તૈયારી હતી ને પડદા પાછળ પ્રો.માવળંકર આખરી સૂચનાઓ આપી રહ્યા હતા. વાલાની ‘તન કી શક્તિ, મન કી શક્તિ’ને પુશ-અપ કરીને માધાએ એના જુસ્સાને ટકાવી રાખ્યો હતો. વાલો સ્વસ્થ હતો. પોતપોતાના પોષાકમાં સજ્જ કેરેકટર્સ ડાયલોગ્સ પર છેલ્લી નજર ફેંકી રહ્યા હતાં. રામના ચહેરા પરની ચિંતા અકળ હતી, તો રાવણનો અંદાજ અનોખો હતો. તક મળતાં જ એણે લકી ઊર્ફે લક્ષ્મણના કાનમાં તેલ રેડ્યું : ‘આજ કુછ તુફાની કરતે હૈ !'
લકી ચોંક્યો; પણ એને ઈશારાથી શાંત પાડી, ધીરેથી કહ્યું : ‘રાસ્તા ક્લીયર હૈ !'
લકી જ નહીં, મોન્ટુ, વીકી, જેકશને પણ આંચકો અનુભવ્યો. સંજય તો સંવાદો જ ભૂલવા લાગ્યો. શુચિ પર જાણે કોઈ અસર નહોતી. સ્ટેજ પર જતાં પહેલાં તક મળે એ સિગારેટના બે દમ મારી લેવા તલપાપડ હતી. સંજયે ને સૌએ સમજાવવા કોશિશ કરી, પણ રોકી રૂવાડા જેટલો ય ન ફરક્યો. બધા આગળ એ એક જ ધૂન રિપિટ કરતો રહ્યો : ‘આઈ કેન !'
‘યસ, આઈ કેન !!’ - માધાને ઉત્તર આપતો વાલો સ્ટેજ તરફ આગળ વધ્યો.
* * *
પ્રસંશકોની વાહવાહથી માવળંકર ખુશ હતા. સીતાના સવાલો ને રામનું તાટસ્થ્ય, રાવણનું અટહાસ્ય ને હનુમાનની હોશિયારી, દર્શકોને મુગ્ધ કરી દેતો તાળીઓનો ગડગડાટ... હનુમાન જમ્પ પર તો ઓડિયન્સ ઓવારી ગયું. હનુમાનનું વિરાટ વ્યક્તિત્વ રાવણને વામણું બનાવવા લાગ્યું. રાવણ કૂત્કાર્યો. હનુમાનને કેદ કરી, આગ લગાડવા ઝનૂની બન્યો. પૂંછડીએ જ નહીં. પેટે પણ પાટા વીંટી દિવાસળી ચાંપતા રાવણનું ધાતકી હાસ્ય દિશાઓ કંપાવી ગયું. બધા ધ્રૂજી ઊઠ્યા. હનુમાનજીની સ્ટેજ પરની દોડાદોડ ને તોફાની બનેલો પવન ક્યારે પડદા સુધી પહોંચી ગયા, અકળ રહ્યું. જોત-જોતામાં આગ બધે પ્રસરવા લાગી. રૉકીનું અટહાસ્ય હજુ યે દિશાઓ ચીરતું એનું વર્ચસ બતાવી રહ્યું હતું. સંજયે એને હચમચાવ્યો. બાવડું ઝાલી ખેંચ્યો પણ ખરો, પણ એ તો ઝાટકાથી બાવડું છોડાવતાં, એ જ ઉન્માદમાં બબડ્યો :
‘ક્યું... કુછ મીઠા હો જાયે ?!' - ને ફરી એના અટહાસ્યમાં રમમાણ બન્યો.
રોકીના આ રૂપે સંજયની વાચા જ નહીં, વિચાર પણ છીનવી લીધા. દિગ્મૂઢ દશામાં તે ભાગ્યો. ઓડિયન્સમાં નાસભાગ મચી. સ્ટેજ પર અંધાધુંધી ફેલાઈ. ભાગતી શુચિ સાથે વાલો અથડાતાં જ, બેલેન્સ ગુમાવતો તે સ્ટેજ પર પટકાયો. પગથિયાં ઊતરવા આવેલી શુચિ અટકી. કશોક વિચાર આવતાં જ તે પાછી ફરી. તેને રોકવા માગતા રોકીને ધક્કો મારી તે દોડતી વાલા પાસે પહોંચી. વાલો આગમાં ઘેરાઈ ચૂક્યો હતો. સળગતા પડદા વચ્ચે બળતી પૂંછડીમાં લપેટાયેલા વાલાને બચાવવો કઈ રીતે ?! ક્ષણિક વિચાર ઝબક્યો ને ત્વરિત તેનો અમલ થયો. કમરે વીટેલી સુતરાઉ સાડી સટાસટ કાઢતી તે દોડી, ને આગ ઓલવતી તેને વીંટી દીધી. વાલો કશુ વિચારે તે પહેલા તો તેનો હાથ પકડી ઊભો કરતી શુચિ પગથિયા તરફ દોડી ને તેની પાછળ ખોડંગાતો વાલો ઢસડાતો હોય તેમ દોરાયો. સ્વબચાવમાં દોડતી જનતા પાસે એ જોવાની ફુરસદ પણ ક્યાંથી હોય ! હા, સામેથી હાંફળો-ફાંફળો માધો દોડતો આવી રહ્યો હતો.
* * *
0 comments
Leave comment