3 - ……….કે હું / જવાહર બક્ષી


વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું
તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું,
એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?

ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ
તો હાથ લાગ્યાં તડકો રેતી ને તરસ,
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના,
મૂળમાં છે કોણ ? સૂરજ રણ કે હું ?

ક્ષણક્ષણ સમયજળમાં સતત વહી જાઉં છું.
પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું.
આ કોણ વ્હેતું જાય છે ? કાયા કે
પડછાયા કે માયા કે નહીં કૈ પણ કે હું ?

પ્રત્યેક ઘર કરચોથી વેરણ-છેર છે
ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું
બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?

અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો,
જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો*
તો આમ ઠંડું પડ્યું તે કોણ ?
ધૂણી, રાખ કે અંગાર કે ઈંધણ કે હું ?

*નાદ પ્રગટ કરવો. ચચરી ચચરીને બળવું.


0 comments


Leave comment