11 - બારણું / ધીરેન્દ્ર મહેતા


બોલ, કોને કહે, શું કહે બારણું,
આવ-જા થઈ રહી શું ચહે બારણું !

રાત હુક્કે રહીને જ ઝૂમ્યા કરે,
સાથ એની ખખડતું રહે બારણું!

ગુફ્તગૂ જે કરી'તી કદી આડશે,
સાંભળું મગ્ન થઈ જો કહે બારણું.

મીટ મંડાયલી ત્યાં પડી છે તિરાડ,
ક્યાં લગી આ નજરને સહે બારણું !

કોણ રોકી શકે આ ટકોરા હવે,
ખુદ ટકોરા બનીને વહે બારણું !

રિક્ત આ ટોડલા ને સૂના ઉંબરા,
ક્યાં સુધી આ બધુંયે લહે બારણું ?

૨૭-૭-૭૭


0 comments


Leave comment