12 - ચોમેર / ધીરેન્દ્ર મહેતા


આ મીણના આવાસમાં વેરાન ચિતરાયાં હશે?
એમાં કયા રૂપે પછી વસનાર પરખાયાં હશે ?

ભીતર ઝરણના વેગથી બહુ ગાન ફેલાયાં હશે,
ને સોંસરા એ પહાડ જેવા પહાડ વીંધાયા હશે

ઝાકળ મહીં ડોકાઈને જોયા કરે નિજ રૂપને,
એ સૂર્યને પણ સૂર્યની રે કેટલી માયા હશે !

ઊંચે રહેવાયું નહીં આકાશથી એથી કદાચ,
જલમાં અહીં વેરી રહ્યું ચોપાસ નિજ છાયા હશે!

આષાઢઘેર્યા નભ તળે જે ગોઠવાયાં નીડમાં,
એ તણખલાં આંધી થઈ ચોમેર ફેંકાયાં હશે ?

૫–૪–૭૭


0 comments


Leave comment