13 - પત્ર / ધીરેન્દ્ર મહેતા


એ પ્રસંગો ના કદી વરસ્યા અહીં શ્રાવણ બનીને,
જે હતા કારણ, રહ્યા એ ફક્ત બસ કારણ બનીને !

સાવ સૂનું થઈ ગયું છે ઘર, અરે, ખૂણા બધાયે,
એક સપનું ઝૂલતું બસ બારણે તોરણ બનીને !

એમની સાથે નિકટતા આમ તો મારે રહી છે,
પાસમાં મારી રહ્યાં છે, પણ સદા થાપણ બનીને !

ઊપડી આ ટ્રેન જોઉં દૂર ત્યાં રૂમાલ ફરક્યો,
કેવડો મોટો સમય આ આમ આવ્યા ક્ષણ બનીને !

કોઈ પણ રસ્તે જવાને જ્યાં હજી માંડું કદમ હું,
કોક આડે ત્યાં જ આવી જાય છે દર્પણ બનીને!

શબ્દમાં આવી ગયો’તો એમની સાથે લગોલગ,
અર્થને પલટી ગયાં ત્યાં વાક્યમાં એ ‘પણ’ બનીને !

શબ્દ પાંખો ફડફડાવે, અર્થ હજુ આંખ ઉઘાડે,
પત્ર ફેલાયે તરત ત્યાં તે ધધગતું રણ બનીને !

૧૭-૧૨-૭૮


0 comments


Leave comment