14 - કદીક એ વળાંક પર / ધીરેન્દ્ર મહેતા


તરડ પડી સમય મહીં રહી અખંડ ક્ષણ નથી,
થયેલ સ્ફોટમાં બચી શકી જ એક પણ નથી.

કશુંક એ મહીં રહ્યું હજીય ધબકતું જુઓ,
ગયું છવાઈ મૌન તે અવાજનું મરણ નથી.

તપાસતા રહો સતત બધે જ કાફલા મહીં,
શું ક્યાંય બારણા થકી વળી ગયેલ જણ નથી?

કપોતના અવાજનેય પી ગયા પ્રતિધ્વનિ,
હવે અહીંય ઘર મહીં નથી જ, કોઈ પણ નથી.

કદીય જે ગલી મહીં ન આવવા લીધા કસમ,
કદીક એ વળાંક પર વળી ગયાં ચરણ નથી ?

ઉજાસ સાંજ ને પવન પડી ગયા સિવાયનું
ગયા પ્રસંગનું અને બીજું કશું સ્મરણ નથી.

તરસભરી નજર જુએ જ શુન્યતા સિવાય શું ?
અફાટ વિસ્તર્યું અહીં જ આસપાસ રણ નથી ?

૧૯-૨-'૩૬


0 comments


Leave comment