16 - અવકાશના પિલાણમાં / ધીરેન્દ્ર મહેતા
તુજ યાદની દીવાલ એકાએક બસ તૂટી પડી,
અવ રિક્તતામાંથી હું મુજ અણસારને શોધ્યા કરું !
એકાન્ત જ્યારે ઓગળી ચોમેરને ભીંસી રહે,
અવકાશના પોલાણમાં વિસ્તારને શોધ્યા કરું !
ક્યારેક પડછાયો બનીને એ મહીં ખોવાઈ જઉં,
પાછું વળી એમાં જ મુજ આકારને શોધ્યા કરું !
આકાશ કેરી ચાળણીથી જે ઝર્યો’તો રાતભર,
હું ક્યારનો ધોળા દિને અંધારને શોધ્યા કરું !
એમાં પ્રવેશીને કદાચિત્ હું તને પામી શકું,
એથી સદા વીતી ક્ષણોના દ્વારને શોધ્યા કરું !
કોને ખબર શાથી પડે છે તોય પડઘા મૌનના,
હું તે સતત આ શબ્દમાં ઉદ્દગારને શોધ્યા કરું !
૨૧-૫-'૬૭
0 comments
Leave comment