17 - સૂરજ આથમી ગયો ! / ધીરેન્દ્ર મહેતા
એ છોડ, જે પ્રહાર પવનના ખમી ગયો,
કોમળ કળીના ભારથી કે નમી ગયો !
ઊડતાં તણખલાંઓનું હવે થાય તે ખરું,
વંટોળ તો ઊઠી અને પાછો શમી ગયો !
જીરવી શકાઈ ના વધુ નિઃસીમ શૂન્યતા,
છેવટ અષાઢી મેઘ ધરા પર નમી ગયો !
આવી ચડી અહીંય નીરવતાની રજકણો,
મુજમાં હતું શું એવું કે એને ગમી ગયો !
ભીની નજર મહીંય હતી ગૂઢ વેદના,
કે ખુદ દિલાસો એની કને કમકમી ગયો !
ભીંજાઈ ના કદી જો પલક એની યાદમાં,
હૈયા મહીં અબોલ વિરહ સમસમી ગયો !
એનેય પાછી એવી ક્ષણો ના મળી કદી,
તુજ પ્રેમ કેવો કાળની સાથે રમી ગયો !
કંઈ આમ આવ્યો અંત અમારી કથા તણો,
કે ચંદ્રમાને જોઈ સૂરજ આથમી ગયો !
૯-૭-'૬૮
0 comments
Leave comment