19 - ખાલી મકાનોમાં / ધીરેન્દ્ર મહેતા


પળવારમાં ઊભરાય ને પળવારમાં એ ઓસરે,
ખાલી મકાનોમાં અહીં આ શ્વાસ કોનો ફરફરે !

ડૂબી ગઈ તુજ દિલ મહીં જે લાશ મારી યાદની,
જોયા કરું છું એ કદી તુજ આંખમાં પાછી તરે !

આકાશમાં અકળાઈ જાતી શૂન્યતાને તો કહો,
મુજ જિંદગી કેરા નિબિડ પોલાણમાં જઈ વિસ્તરે !

ભટક્યા કરે એમ જ ભલે એ લેશ ના કરજે દયા,
એવું બને એ જીવ તારા દ્વાર પર આવી મરે !

ભૂલી ગયો’તો હું સવારે શું થયું એથી કહે,
એ શક્ય છે એવી જ રીતે સાંજના એ સાંભરે !

પેલી દિશાના સાદને તો અવગણી રોકાઉં પણ,
હું શું કરું રસ્તા જ ખુદ આવી અને જો કરગરે !

માણસ તરીકેની જ ઓળખ બસ નથી તારી હવે,
સાચું કહું છું કે અહીં માણસ થકી માણસ ડરે!

૧૭-૧-'૭૦


0 comments


Leave comment