20 - તૃણના શિખરથી / ધીરેન્દ્ર મહેતા


કૈં રાતભર આ આંખમાં ચોમેર એ ભાગ્યા કરે :
સપનું નથી કે ઊંઘ પણ, સુખનું હરણ લાગ્યા કરે !

દેવાયલી સાંકળ જુઓ, નિઃસ્તબ્ધ છે, પાછા વળો,
કિરણો સૂરજનાં બંધ દ્વારોને સતત વાગ્યા કરે...

આ શ્વાસમાં અવિરત અવાજો કોઈ લક્કડખોદના,
આ આંખમાંના વૃક્ષને ટોચે અને ભાંગ્યા કરે....

આ રગ મહીં તે રક્ત ટાઢુંબોળ છે, શું છે બીજું ?
તો કોણ છે આ રગ મહીં: જંપે નહીં, જાગ્યા કરે.

ઊભો રહીને શાન્ત રીતે શું વિચારે છે પવન !
આ રાતરાણી તો સુવાસે ચાંદની તાગ્યા કરે !

અક્ષર બધા ઊભા રહે આ પાસ ઈમારત બની,
કાગળ ઉપરની કલ્પના તો જંગલો માગ્યા કરે !

ના, નહિ જ નહિ કહેવાય ઠાલા શબ્દમાં એવો પ્રસંગ,
તૃણના શિખરથી ઓસના ખરવા સમું લાગ્યા કરે...

૧૧-૧૨-૭૮


0 comments


Leave comment