1 - પ્રકરણ ૧ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


સાંજટાણાના આથમતા સૂર્ય જેવું ત્યારે આ નગર હતું : ઝાંખું, ઓછાબોલું, ભેજવાળું, ઉદાસ. પછી તે ઘણી રીતે વિસ્તર્યું છે, વકર્યું છે. તેનું કાળજું સંકોચાયું છે. આંધળી ગતિને લીધે શહેર સતત અને ખૂબ હાંફે છે. બત્તીઓના ઉન્માદી ઝગારાથી તેની દ્રષ્ટિ ધૂંધળાયા કરે છે.

સાઠેક વર્ષ પહેલાં નગરની ધૂળિયા શેરીઓમાં અને ઘરોનાં છાપરાં પરનાં કાચાં નળિયાં પર વરસતો વરસાદ દિવસો સુધી ભીની સુગંધ ફેલાવ્યા કરતો.શેરીઓનાં વૃક્ષો, પાંદડાં અને ફોરાં ખેરવ્યા કરતાં. નાનાં, કાચાં ઘરોમાંથી ચકરાતો ધુમાડો આકાશની નિઃસીમતામાં ઓગળી જતો. રસોઈ કરતી સ્ત્રીઓએ ચૂલામાં મારેલી ફૂંક અને વિદ્વાન બ્રાહ્મણોનાં અગ્નિહોત્ર બંને ધુમાડાનાં ઉગમસ્થાન હતાં. એ ધૂમ્રવલયોમાં સ્ત્રીઓનાં ગીત અને નિઃશ્વાસ, વેદપાઠીઓના મંત્રોચ્ચાર, શ્રીમંતોની મેડીએ વાગતા થયેલા થાળીવાજાની તાવડીઓમાંથી લહેરાતા નાટકનાં ગાયનોનાં સૂર, આંક ગોખતા છોકરાઓના રાગડા, પલાખાં પૂછતા વડીલોના હાકોટા, શાળાના શિક્ષકોની આંકણીનો ચમચમાટ, ફાનસ અને દિવેલનાં કોડીયાનાં ઉજાસનું ઝાંખું ચિતરામણ; બધું શહેર પરના ખુલ્લા, વણબોટ્યા આકાશમાં વમળાયા કરતું. નગરની મિડલ સ્કૂલ અને હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં બૉયસ્કાઉટો કૅમ્પ ફાયર કરતા અને શહેરની એકમાત્ર સંયુક્ત આર્ટ્સ-સાયન્સ કૉલેજના રુઆબદાર પ્રિન્સિપાલના કરડા હોઠો વચ્ચે દબાયેલી કાળી પાઈપમાંથી ફગફગતી તમાકુભીની ધૂમ્રરેખા, એ બેની વચ્ચે કશીક સંગતતા હતી.

ધુમાડાની આ નાની, નીચી દીવાલોને ઠેકીને ડગુમગુ પસાર થતા શહેરના સાંકડા, અસમતળ, ભીડ વિનાના રસ્તાઓ પરથી આંકોની જગ્યાએ માત્ર બે ખાડા ટકાવીને જીવતા માણસો પણ કોઈની આંગળી સરખી યે ઝાલ્યા વગર, સંદેશવાહક કબૂતરની જેમ, સોંસરવા ચાલી શકતા તેવા એ સમયનું નરવું, નિરાંતવું નગર પછી તો...

શિયાળુ સાંજ સરખી કે ફાનસના ઓઘરાળા ગોળા જેવી ઝાંખીધબ્બ આંખોની ચિકિત્સા માટે શહેરમાં પહેલવહેલું ડૉ. શ્રીધર તાંજોરકર દવાખાનું ઊઘડ્યું હતું, જેનું ઝાંખા અક્ષરે ઓળખાયેલું પાટિયું નગરની ધુમ્મસી છબિમાં સાંગોપાંગ ભળી ગયું હતું અને તેને તો નિગમશંકર ભદ્રશંકર ત્રિવેદી જેવા પંડિત પણ વાંચી શકે તેમ ન હતા, પણ...

બરાબર યાદ હતી એ ક્ષણ નિગમશંકરને, જોકે એના પર વર્ષોનાં છાણાં-અડાયાંની રાખ ફરી વળી હતી; છતાં તે તેમનાં મનઃચક્ષુ સમક્ષ ચણોઠીની જેમ ચમકતી હતી; દૂરના શૈશવમાંથી ઓજસવંતું કહી શકાય એવું, કદાચ એટલું જ તેમને માટે બચ્યું હતું.

શહેરની પાઠશાળામાં સવારના સત્રમાં સંસ્કૃતનું અધ્યયન કરીને પાછા ફરી રહેલા સોળેક વર્ષની વયના, ઊંચા, ગોરા, સશક્ત નિગમશંકરના બોડા માથા પરની લાંબી શિખા અને ખભે ઓઢેલું કેસરી ઉપરણું બંને ગરમ પવનના ઝપાટે ફરફરતાં હતાં. બપોરનો સૂરજ દસ નહિ, અગિયાર દિશાઓને આવરી લઈને પોઠો ભરીભરીને તડકો ઠાલવતો હતો. તેવી ઝળાંઝળાં ક્ષણે કાળા રીંછના લોહીના જાડાલઠ્ઠ રેલાની જેમ અચાનક અંધારું પથરાઈ વળ્યું. આંખો આડે કશોક પરદો રચાઈ ગયો- તેનો રંગ કાળો હતો તેટલું નિગમશંકરને સમજાયું. એ દુઃસ્વપ્ન હશે કે કૂંડાળામાં પગ પડી ગયાનું ક્ષણિક પરિણામ હશે તેમ માનીને તેઓ આગળ વધ્યા, પણ બંને પગ જાણે છાણના પોદળા! શરીરમાં તાવ અને કળતરનો સબાકો અનુભવાયો. ઝટ્ટ ઘેર પહોંચી જવાની અધીરતા બાવળની કાંટાળી ડાળખીની જેમ જીવને ઉઝરડવા લાગી. ઘરમાં બને એટલો ઓછો અને પાઠશાળામાં વધારે સમય વિતાવવા નિગમશંકરને પોતાનું શરીર વિખેરાઈ જતું લાગ્યું અને દિશાઓ ભરબપોરે મેલી દાટ...

ઘરણટાણે સાપ જેવાં અંબાડોસી ભટકાઈ પડ્યાં. અવાજ પરથી પારખવાનું પહેલું પાત્ર તેઓ બન્યાં નિગમશંકર માટે. થતાં હતાં દૂરનાં ફોઈ. તેમણે સાદ ન દીધો હોત તો કળાયાં યે ન હોત. પણ ડોસીએ ભત્રીજાને ભાળ્યોઃ ‘સારું થયું તું મળી ગયો નિગમ! મુંબઈથી કીકાનો કાગળ આવ્યો છે. હું તારી કને તે વંચાવવા જ આવતી’તી. મેં રાંડે તો કાળા અક્ષર કુહાડે માર્યા છે. વાંચી આલ ને દીકરા! તું તો ભણશેરી છે.’- કહી અંબાડિસીએ પત્તું લંબાવ્યું. નિગમશંકરે ફંફોસીને તે હાથમાં લીધું, આંખ સામે ધર્યું, પણ અક્ષરમાત્ર અંતર્ધાન! આંગળીનાં ટેરવાંને પોસ્ટકાર્ડનો સ્પર્શ થતો હતો એટલું જ. વેદસંહિતાની પોથીઓ અને ‘સિદ્વાંતકૌમુદી’નાં પાનાં આંગળીઓ વડે ગ્રહણ કરીને કડકડાટ વાંચવા ટેવાયેલી નિગમશંકરની આંખો માટે એક પતાકડું ઉકેલવાનુંયે કઠણ બન્યું. તેમણે આંખોની લગામ તંગ કરી. ફોગટ. ‘કેમ દીકરા, આજે આમ? તું ભણેલું ભૂલ્યો કે પછી તારી આંખોમાં કૂવા ખોદાયા?’ ડોસીએ અચરજ દાખવ્યું. ‘હા, ફોઈબા! કંઈક એવું જ લાગે છે...’ બોલતાં બોલતાં નિગમશંકરનો કંઠ રૂંધાઈ ગયો. અડબડિયાં, ઠેબાં અને ઠોકરો ખાતા તેઓ માંડ ઘરની દિશામાં વળ્યાં. ‘લાવ દિકરા, હું તને ઘરભેગો કરું’ એવી પાછળથી સંભળાતી અંબાડોસીની બૂમોને તેમણે કને ન ધરી. ક્યાં સુધી કોઈ મૂકી આવશે? ફંફોસવું એ જ હવે જીવનનો પર્યાય બનશે કશું?

અ રાત્રે તેમનું શરીર શીતળાના મગ-ચણા જેવડા દાણાઓથી ભરાઈ ગયું. શરીર પર જાણે કરકરિયાળું, અણિયાળું ગોદડું ધરબાયું. શીતળાના ફણીધરે બે સૌથી વધુ કારમા ડંખ દીધા નિગમશંકરની આંખો પર. જાણે ધગધગતા અંગારા ચંપાઈ ગયા અને દીવા રામ થયા. જમણી આંખોનો ડોળો નાદાન બાળકની લખોટીની જેમ બહાર ઊછળી આવ્યો. ડાબી આંખને કોઈએ ખેંચી કાઢીને અડાબીડ કૂવામાં ફેંકી દીધી જાણે!

મંત્ર-અનુષ્ઠાન, બાધા-આખડી, ભૂવા-જતિ, વૈદ્ય-હકીમનું એક નાનકડું વિશ્વ ખડકાઈ ગયું નિગમશંકરની આંખોના ખાડા ફરતે. વ્યર્થ. સવારનો તડકો પથરાતાં જ સંકેલાઈ ગયો. ભદ્રશકંર જેવા બાપેય સંતાપ કર્યોઃ ‘મારાં અનેક પાપોની સજા નિગમને ભોગવવાનો સમો આવ્યો...યયાતિનું ઘડપણ એના દીકરાએ લઈ લીધું’તું... મારા દીકરાનો અંધાપો હું કેમે કરતાં લઈ શકું તો મારું ઘડપણ લેખે લાગે...આ ફોગટ જિંદગીમાં મેં ક્યારેય કોઈની તરફ ચોખ્ખી નજરે દીઠું નથી...નિગમની નજર ઊજળી દૂધ જેવી હતી...ઉપરવાળાએ એમાં જ ઝેરનાં બે ટીપાં...એણે મારી કૂડી આંખો લઈ લીધી હોત તો ઘોળ્યું...’

ભદ્રશંકરની ત્રીજી પત્ની ચંચળે દીકરાની દશા જોઈને વલોપાત કરતા ધણીને સાંત્વનના બે બોલ ન કહ્યા. તે સમજતી હતીઃ ભદ્રશંકરનાં પાપ દીકરાની આંખોમાં જઈને પોકાર્યાં હતાં. પિતા-પુત્ર વચ્ચે સગપણ હતું, સામ્ય ન હતું, અને એ ચંચળ, સુલક્ષણા દીકરા ને કુલક્ષણા પતિની વચ્ચે જીવતી હતી.

અંધાપાના જનોઈવઢ ઘાની કળ વળ્યા પછી નિગમશંકરે ફરીથી એક સહાધ્યાયીની આંગળી પકડીને પાઠશાળાએ જવા માંડ્યું અથવા અંધાપાની પીડાને શમાવવા માટે તેમણે વહેલી વહેલી પાઠશાળાની વાટ પકડી, પણ તેમને માટે બે આંખો મીંચાતાંવેંત આખી દુનિયા બદલાઈ ગઈ હતી. નિગમશંકર પોતે પણ ક્યાં હતા તે રહી શક્યા હતા? હવે તેઓ માત્ર સ્પર્શ, ગંધ, સ્મૃતિ, ગ્રહણશીલતા અને જિજીવિષા વડે જીવતા હતા. વિદ્યા પણ તેમની સ્મૃતિના સહકાર પર અવલંબિત હતી, અને આ નાનકડા શહેરની જીર્ણ પાઠશાળા અંધાપા પહેલાં લાગતી હતી તેનાથી અનેકગણી નિસ્તેજ અંધાપા પછી લાગવા માંડી હતી. જે ભૂમિ પ્રત્યે પણ એમને વિતૃષ્ણાનો ભાવ જાગવા માંડ્યો હતો.

ભલું થજો પંડિત વિનોદાનંદ ઝાનું. કાશીથી કોઈક વિદ્વત્સભામાં ભાગ લેવા અહીં આવ્યા હતા. પાઠશાળાની મુલાકાત લીધી. છાત્રોને મળ્યા. નેત્રહીન નિગમશંકરની જિજ્ઞાસામાં એમને ઉત્કટ રસ પડ્યો. તેમની નિષ્ઠાએ પંડિતજીને પ્રભાવિત કર્યા. આ પડું પડું પાઠશાળામાં ગતાનુગતિક શિક્ષકોને હાથે તેનો વિકાસ નહિ થાય તેની તેમને પ્રતીતિ થઈ ગઈ. ‘બંધુ, તું કાશી ભણવા આવશે?’ તેમણે અંધ નિગમશંકર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. ‘કાશી?’ નિગમશંકરનું રોમરોમ આંદોલિત થઈ ગયું. તેમને લાગ્યુંઃ તેમને અંધત્વ દૂર થઈ ગયું હતું અને કોઈક મંદિરના ઘુમ્મટ પરના સુવર્ણકળશ જેવો પ્રકાશ ચારે કોર પથરાઈ ગયો હતો. જાણે તેઓ પંડિત વિનોદાનંદ ઝાનો ચહેરો પણ જોઈ શકતાહતા અને પોથીઓમાંના સામવેદના મંત્રોના અક્ષરો અને સ્વરો પણ તેમને દેખાવા લાગ્યા હતા. થોડાક વખતથી દેખાતું બંધ થઈ ગયેલું માનું મુખ પણ ફરીથી તરવરી ઊઠ્યું હતું અને અંબાડોસીએ તેમને વંચાવવા માટે ભરબપોરે કાગળ આપેલો તે ક્ષણ પણ પુનઃ સાકાર થઈ ઊઠી અને આ વખતે કાગળમાંના અક્ષરેઅક્ષર...

તેમણે પંડિતજીના પગ પકડવાનો પ્રયાસ કર્યો. પંડિતજીએ તેમને અધવચ્ચેથી જ ઊંચકી લીધા. નિગમશંકરની આંખોના ખાડામાંથી ખારું પણ પવિત્ર જળ ઊભરાયું. ‘ફિર બેટે, કાશી આને કી તૈયારી કરો,’ પંડિતજીએ સૂચના આપી. નિગમશંકરે ઘેર આવી પિતાને વાત કરી. તેઓ ત્યારે ભાંગના નશામાં હતા. વૈદ્યની સૂચનાથી ઘરમાં પાક બની રહ્યો હતો. એક ગોઠિયો રાતના રામજણીના જલસાની કેફિલ વાત કરતો હતો. ભદ્રશંકરે તેના પર અકારણ ગુસ્સે થયા અને તેને થોડીક ઝૂડી કાઢી. નિગમશંકરનું મન ચણચણી ઊઠ્યું : આ પિતા... ભાંગ... પાક... રામજણી... માર ખાતી મા... પોતાનો અંધાપો અને વિદ્યા મેળવવાની પોતાની ઝંખના... કેમ મેળ પડશે?

‘હરિઃ ૐ’ કહીને ત્રણ દિવસ પછી નિગમશંકરે પંડિત વિનોદાનંદ ઝા સાથે શહેર છોડ્યું ત્યારે એમની આંખોના ખાડા અને હ્રદય ફરીથી ભીનાં બન્યાં, પણ સરસ્વતીની વીણાનો ઝંકાર તેમના ભીતરને ગુંજાયમાન કરી રહ્યો હતો. વાતે વાતે ગાળો બકતા બાપ અને પાઠશાળાના દળદરી શિક્ષકો અને પેલી ભરબપોરેની અંધારીધબ્બ ક્ષણ, બધું વેગળું સરતું ગયું. માત્ર ક્યારેક ક્યારેક માના મુખની રેખાઓ લિસોટાઈ જતી હતી મનની ઉજાગર આંખો સમક્ષ. સગી આંખે તો હવે એ ચહેરો ફરી ક્યારે ય જોઈ શકવાનો ન હતો પણ માને હવે મળી શકાશે ખરું? નિગમશંકરના કિશોર હ્રદયમાં પ્રશ્ન ઊઠતો હતો.

‘દુસ્તરાન્ન...દુસ્તરાન્ન
સેતુંસ્તર...સેતુંસ્તર...
હાઊ...હાઊ...હાઊ...’
વારાણસીની ‘શેઠ ધનપતરાય સંસ્કૃત પાઠશાળા’માં બીજા અનેક વિદ્યાર્થીઓથી જુદો પડી જતો નિગમશંકરનો નરવો કંઠ ગુંજી ઊઠ્યો. દૂર પશ્ચિમકાંઠાના એક નાનકડા નગરથી એ કંઠનો રેલો પૂર્વની જ્ઞાનનગરી સુધી દડી આવ્યો.

અને ઉપનિષદનું અધ્યયનઃ
અસૂર્યા નામ તે લોકા અન્ધેન તમસાવૃડડતાઃ
તારત્યે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ

તડકાના નવા નવા ટાપુઓ અંધકારના દરિયામાંથી ઉપર આવતા હતા. પરવાળાંના બેટ દ્રષ્ટિને, અસ્તિત્વને ઝળાંઝળાં કરી જતા હતાં.
મંત્રો, કારિકાઓ, ભાષ્યો, શ્લોકો, સૂત્રો, મલ્લિનાથિઓ, વ્યાકરણો, સર્ગો, મહાકવ્યો, ઉપનિષદો, દર્શનશાસ્ત્રો, કાવ્યો, નાટ્યો, ખંડો વગેરેની લીલછમ ઉપત્યકાઓ અને શૈલીશિખરોના આરોહણે અને તેની સાથે જડાયેલા અડાબીડ અંધકારને સાર્થકતા અર્પતા પરિભ્રમણે પૂરાં બાર વર્ષ નિગમશંકર પાસે અધિકારપૂર્વક માગી લીધાં. શુધ્ધ ઉચ્ચારો પ્રકટાવતી એમની વાણી, અક્ષુણ્ણ સ્મરણશક્તિ, સમૃધ્ધ ભાવકોશ, તલવારની ધાર જેવી ગ્રહણશીલતા અને અણનમ જિજ્ઞાસા એ જ તેમના શ્વાસોચ્છવાસ હતા. કંઠસ્થ અને હ્રદતસ્થ વેદ્યાના તેઓ સ્વામી બન્યા. અદર્શનની અગાધ મર્યાદાને તેમણે અંતરદર્શનની સમૃધ્ધિથી હઠાવી દીધી. તે સાથે તેમણે પોથીઓ અને પુસ્તકોનો સંચય કર્યો. શિષ્યવૃતિરૂપે મળતા પૈસા બચાવીને તેમણે દર મહિને કમમાં કમ એક પુસ્તક કે પોથી ખરીદવાનો નિયમ રાખ્યો. તેમનું એક સ્વપ્ન હતુંઃ આવી પાઠશાળા પોતાના શહેરમાં સ્થાપવી. ત્યારે આ પુસ્તક-પોથીઓનો સંચય ખપ લાગશે.

આ બાર વર્ષમાં બે જ મુખ્ય ઘટના તેમને માટે બનીઃ તેઓ જુવાન થયા અને માના મરણની ખબર આવી. તે દિવસે તેમણે ભોજન ન કર્યું. આંખોમાં આંસુ ઊભરાતાં રહ્યાં-આખી રાત જાગીને ગીતાપાઠ કર્યો. બીજે દિવસે બ્રાહ્મમુહૂર્તે હાથમાં લાકડી લઈ, કોઈના યે સથવારા વિના, રોજના અભ્યાસને બળે ગંગાતટે ગયા અને માનું સ્મરણ કરી સ્નાન કર્યું. પછી ચારે દિશામાં પાણીની અંજલિ અર્પતા તેઓ ઉદગારી ઊઠ્યાઃ ‘ગંગા, વારાણસી, હવે તો તમે બંને જ મારી મા!’

અને હવે પિતાની ગંભીર માંદગીના સમાચાર. આમે ય અહીંનું અધ્યયન સમાપ્ત થયું હતું. ઘણા વખતથી તેઓ અધ્યાપન કાર્ય પણ કરતા હતા. હવે વતન જવું જોઈએ; તેમણે નિર્ણય કર્યો. કાશીથી નીકળવાની આગલી સાંજે તેઓ ગંગાતટે ગયા. આ વખતે એક વિદ્યાર્થી સાથે હતો. બાર વર્ષના આ લાંબા રોકાણમાં ગંગાના પાણીના સ્પર્શે અને જળપ્રવાહ પરથી વહી આવતા પવને કેટલી તો હૂંફ અને કશુંક પોતીકાપણું આપ્યાં હતાં. જાણે માનો ખોળો અને સ્પર્શ. અદર્શન જ એમની નિયતિ હતી. નહોતો જોયો જાહ્નવીના જળમાં ડૂબી જતો પશ્ચિમનો સૂર્ય; નહોતાં દર્શન કર્યાં કાશીવિશ્વનાથનાં. માત્ર ભાવજગત ભર્યું ભર્યું રહી શક્યું હતું. તે સ્તોત્રોના શ્લોકરટણથી વ્યક્ત થતુંઃ
‘અતીતઃ પંથાનં તવ ચ મહિમા વાડ્મનસ્યો-’

કાશી છોડવાની ક્ષણે તેમ।ને બે હાથ જોડીને નગરી, પાઠશાળા, ગુરુજનો, સહપાઠીઓ, ગંગા, બાબાવિશ્વનાથ, હવા, રજકણ- સર્વને પ્રણામ કર્યા. તેમના હ્રદયમા સૌથી ઊંડા સ્તરમાંથી અમુખર શબ્દો વહી નીકળ્યાઃ
‘વારણસી, તું કેવળ નગરી નથી; મારી જનેતા છે. તારે ખોળે હું વિદ્યાભ્યાસ વડે સાચો દ્વિજ બન્યો છું. મારી અદર્શનની દુઃસહ યાત્રાને કંઈક સહ્ય બનાવવા કાજેનો ઉજાસ તેં જ મને દીધો છે. તારું મારા પર અપરંપાર ૠણ ચઢ્યું છે. હવે હું અહીં તરફથી કદાચ નહિ આવી શત્રુ. તારી જ્ઞાનરજમાં આળોટવાનું સૌભાગ્ય ફરીથી તો ક્યાં મળવાનું? પણ મારા જીવતરની રજેરજમાં મેં તને સંચિત કરી લીધી છે મા! તારા આશીર્વાદને પાત્ર ઠરવાનો હું પ્રયત્ન કરીશ. મારા જેવા અંધના ભાગ્યમાં લગ્નનો યોગ લખાયો હશે, અને જ્યોતિષનું મારું જ્ઞાન કહે છે કે એ યોગ છે, અને મને સંતતિ થશે તો મારો પુત્ર પણ કયારેક તારે ચરણે જ્ઞાન મેળવવા આવે તેવી મારી ભાવના છે મા! પ્રણામ!’

નિગમશંકર વતન પાછા ફર્યા ત્યારે ભદ્રશંકરના છેલ્લા દિવસો ચાલતા હતા. સિત્તેરે પહોંચેલી ઉંમર. બેહદ વિલાસને કારણે કાયા અનેક રોગોથી વીંધાઈ ગઈ હતી. બંને આંખોનું તેજ મોતિયાએ છીનવી લીધું હતું. નિગમશંકર પિતાની મૃત્યુશય્યા પાસે ઊભા રહ્યા. ‘બાપુજી!’ તેમણે નરવા કંઠે સાદ દીધો; ‘કોણ, નિગમ? દીકરા...!’ ભદ્રશંકરનો દુર્બળ સ્વર માંડ સંભળાયો. પિતા-પુત્ર બંને પરસ્પરને હવે માત્ર સ્વરથી જ પામી શકે તેમ હતા. દ્રષ્ટિનો સેતુ બંને છેડેથી તૂટી પડ્યો હતો.

‘દીકરા, હું જાઉં છું...’ ભદ્રશંકરના ભાંગ્યાતૂટ્યા શબ્દો ખોડંગાતા વહી આવ્યા.
‘બાપુજી, હરિનું નામ લ્યો.’ પંડિત પુત્રે કહ્યું. પછી મહામૃત્યુંજય મંત્રનું આવર્તન શરૂ કર્યુંઃ ‘ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ્...’ પણ મંત્રોચ્ચાર ભદ્રશંકરની પીડાને શમાવી શકે તેમ ન હતો.
‘નિગમ, તારો ગુનેગાર છું. તારે માટે જવાબદારી મૂકતો જાઉં છું... તને અંધાપો છે... મને તો ક્યારે ન હતો...? તારે તારી નવી માને પાલવવી પડશે... વચન આપ દીકરા...!’

નવી મા!
નિગમશંકરનું અસ્તિત્વ ક્રોધ, ઉદ્વેગ, પીડા અને કૌતુકથી હલબલી ઊઠ્યું. ચારે કોરથી વીંટળાઈ વળેલો અંધકાર વધારે દુઃસહ બન્યો હોય એમ તેમને લાગ્યું. તેમણે મનોમન બાથોડિયાં ભર્યાં. મરણાસન્ન બાપને કશીક શિક્ષા ન થઈ શકે? તેમને પ્રશ્ન થયો. પછી જ્ઞાને બંધાવેલી ધૃતિ તેમની વહારે આવી. સ્ત્રીકંઠમાંથી છૂટેલું ડૂસકું તેમને કાને પડ્યું. કદાચ એ જ નવી મા હતાં. નિગમશંકર બે જ શબ્દો સ્વગતની જેમ બોલ્યાઃ ‘મા પ્રણામ!’

કોઈ પ્રત્યુત્તર નહિ.
એ રાત્રે ભદ્રશંકરે પ્રાણ છોડ્યા. અંધારું અંધારામાં ભળી ગયું. નિગમશંકરની આંખોમાંથી એકેય અશ્રુબિન્દુ ન ખર્યું. તેમણે ગંગાના પ્રવાહની કલ્પનાઓ કર્યે રાખી. વેદમંત્રોના અશબ્દ નાદથી તેમણે પોતાના ચિત્તને ભરી દેવાના પ્રયત્નો કર્યા. નવી માની ચૂડીઓ ફૂટી, તેમના કપાળમાંનો ચાંદલો ભૂંસાયો. તેના સાક્ષી બનવા માટે પોતાની પાસે આંખો ન હતી તે તેમને રૂડું લાગ્યું. તેમના પરંપરાગ્રસ્ત હ્રદયમાં પણ પ્રશ્નો ઊઠતા હતાઃ ક્યાં શાસ્ત્રો? કયો ધર્મ? મારાથી માંડ પાંચેક વર્ષ મોટાં નવી માએ શા માટે વૈધવ્ય વેંઢારવું જોઈએ? અપરાધી મારા બાપ હતા. નવી માના બાપે કદાચ પૈસાના લોભે દીકરીને વેચી હશે. તો ગુનેગાર તે. નવી મા શા સારુ સજા ભોગવે? તેમનું પુનર્લગ્ન-શિવ શિવ! નિગમશંકરના રૂઢ સંસ્કારો ઊછળી આવ્યા, છતાં પ્રશ્નો અટકતાં ન હતા. બાપના અપરાધની સજા હું ભોગવી શકું તેમ હોઉં તો? વળી એક પ્રશ્ન. હવે પછીના વર્ષોમાં ઘરમાં હશે વૃધ્ધ પુરુષની જુવાન વિધવા અને આંખે અંધ પણ શરીરે જુવાન એવો હું! કેમ વીતશે સમય? અદર્શનની દીવાલ મને જકડી રાખી શકશે...

દીવાલ પહેલી નવી માએ જ તોડી. મરણની ઔપચારિકતાઓ પૂરી થયા કેડે તેમણે એક વાર નિગમશંકરને પોતાની પાસે બોલાવ્યા. નિગમશંકરે કશીક ન સમજાય તેવી સુગંધનો અનુભવ કર્યો. નવી માના બોલવા પરથી તેમણે અંતરને માપી લીધું અને પલાંઠી મારી ભોંય પર બેઠા. મોઢું ઢળેલું રાખવાની જ તેમને ટેવ હતી.

‘નિગમશંકર, સાંભળ્યું છે કે તમે કાશી જઈ મોટા પંડિત થઈ આવ્યા છો?’

નવી માના કંઠના રણકારની નિગમશંકરે મનોમન નોંધ લીધી. પછી હાથ જોડી ઉત્તર વાળ્યો. ‘મોટો પંડિત તો કાશીનગરી જાણે, પણ બાર વર્ષ ઠીકઠીક ભણ્યો છું. કાશી મારી સાચી મા છે. તેના જ્ઞાનમૃતે હું પોષાયો છું. મારી આંખોના પાટા એક રીતે કંઈક તેણે જ છોડ્યા છે મા!’

‘તમે મને ‘મા’ ન કહો,’ નવી માએ કેશ વિનાના માથા પર સફેદ સાડલાનો છેડો આઘો ખેંચતાં કહ્યું અને પછી મૃદુ, મીઠા સ્વરે ઉમેર્યુંઃ ‘હું તો ઉંમરમાં લગભગ તમારા જેવડી જ છું.’

તેમના શબ્દોની મીઠાશથી નિગમશંકરે આછો કમ્પ અનુભવ્યો. આ મીઠાશ...! અને પોતાના પશુ જેવા પિતા...! અપરાધની ભાવના બળવત્તર બની ઉઠી. એનું પ્રાયશ્ચિત...? નવી માના પુનર્લગ્ન? કોની સાથે...? કમ્પ વધી પડ્યો. વિચારનું એક વધુ મોજું ઊછળી આવ્યુંઃ હું ગંગાકાંઠેથી ઘેર આવ્યો અને ઘરમાં આ ગંગાસ્વરૂપ અપર મા! ભીતરમાં કશીક શીતળતા પથરાવા લાગી હતી કે શું? તેમણે શિર વધારે નમાવીને કહ્યુંઃ
‘વયનો નહિ, પદનો મહિમા છે મા! તમે મારાં માતૃપદે છો, હું પુત્ર છું તમારો.’

નિગમશંકરની અંધ આંખોને પણ લાગ્યું કે નવી મા એકીટશે તેમની તરફ જોઈ રહ્યાં હતાં. તેઓ અસ્વસ્થ બની ગયા. પોતે અહીંથી ઊઠી ન જવું જોઈએ? ત્યાં તો તેમને બાંધી રાખતા નવી માના શબ્દો સંભળાયાઃ
‘એ બધાં સગપણો મારે માથે પરાણે લદાયેલાં છે નિગમશંકર! સાચું સગપણ સ્નેહનું.’
‘હું સમજું છું. મારા પિતાના અપરાધની હું ક્ષમા માગું. તેનાથી તમારું દુઃખ હળવું થતું હોય તો-‘
‘ગુનો મારા નસીબનો તે મારા બાપે ત્રણ સો રૂપરડી ખાતર મારું વેચાણ...’ નવી માના બાકીના શબ્દો આંસુની છાલકમાં વહી ગયા.
‘હું કાશીને બદલે અહીં હોત તો આવો મોટો અનર્થ ન થવા દેત. મારો જીવ આપીને ય હું બાપુજીને આવુંપાતક કરતાં અટકાવત.’
‘થઈ ગયું તે મિથ્યા થવાનું નથી. મારે તો આખો જન્મારો કાઢવાનો છે હજી.’
‘આજ્ઞા કરજો મા! હું મારો પુત્રધર્મ બજાવીશ. અપંગ છું, પણ તમારી સેવામાં પાછી પાની નહિ કરું.’
‘સેવા નહિ, મને સ્નેહ જોઈએ છે નિગમશંકર!’ નવી માનો સ્વર કંઈક નજીકથી સંભળાયો. નિગમશંકર ત્યાંથી ઊભા થઈ ગયા અને કાંઈ બોલ્યા વિના એ ઓરડામાંથી ચાલ્યા ગયા.

વળતે દિવસે બ્રાહ્મમુહૂર્તમાં નિગમશંકર પોતાની ઓરડીમાં વેદમંત્રોનું આવર્તન કરતા હતા ત્યાં તેમણે ઉંબરે કોઈકનો પદરવ સાંભળ્યો. મંત્ર તૂટ્યો. ‘કોણ?’ તેમણે ફફડતે કાળજે પૂછયું. ઉત્તર મળતાં પહેલાં જ મળી તો ગયો હતો. કોઈક કશુંક બોલ્યા વિના તેમની પાસે આવીને બેસી ગયું. ફરીથી એ જ સુગન્ધ... શ્વાસોચ્છવાસ વેગથી લેવા કે રોકવા તે નિગમશંકર નક્કી ન કરી શક્યા. તેમણે હાથ હવામાં ફંફોસ્યો.

‘હું છું નિગમ!’ નવી માનો હૂંફાળો, હાંફતો સ્વર કેવડાની સુગંધ સમો સરી આવ્યો.
‘તમે? મા?’ નિગમશંકર ખસવા ગયા, ‘અત્યારે? અહીં?’
‘હા, નિગમ, રહેવાયુ નહિ. તમારી પાસે ચાલી આવી.’
‘આવ્યા છો તો આ મંત્ર સાંભળતાં જાઓ મા! તેમાં કહ્યું છે કે માયાનો સમુદ્ર તરવો બહુ દુષ્કર છે. તેને અનૃતથી નહિ, સત્યથી જ તરી શકાય.’
‘મંત્ર નહિ, તમારી મીઠી વાણી!’
‘વેદમંત્રિથી વધારે મીઠું બીજું શું હોય? જે વાણીમાં હરિનો મહિમા ગવાય તે જ સૌથી મીઠી મા!’
‘મને ‘મા’ ન કહો નિગમ! કાંટા ભોંકાય છે.’
‘શાંત થાઓ મા! હું તમને એક સુંદર કથા કહું- શ્રીકૃષ્ણ અને મોરપિચ્છના સંબંધ વિશેની.’
‘તમે જ મારા કૃષ્ણ!’
‘તમે સ્વસ્થ નથી; ચંચળ બન્યા છો મા! હું તમારો પુત્ર છું. જાઓ, ઈશ્વરસ્મરણ કરતાં સુખેથી સૂઈ જાઓ. હજી સવાર વેગળી છે.’
‘મારી ઊંઘ વેરણ છે નિગમ!’

નવી માનો હાથ નિગમશંકરને અડ્યો. પોતે આટલાં વર્ષ સંચિત કરેલું બધું જ્ઞાન પળવારમાં સરી જશે એમ તેમને લાગ્યું. તેઓ પંખીની ફફડતી પાંખ જેવા અવાજે માંડ બોલ્યાઃ
‘મારી કસોટી ન કરો. હું હાડચામનો મનુષ્ય છું. મને આંખો નથી એટલું જ.’
‘તમે મારે રૂંવેરૂંવે આંખો ઉઘાડી દીધી છે નિગમ!’
‘ના, મા ! તો ઘરમાં બીજો અનર્થ થશે.’ નિગમશંકર ચિત્કારી ઊઠ્યા.
‘ચાલ, નિગમ, આપણે પરણી જઈએ. વિધવાના પુનર્લગ્નનો સુધારો તારે હાથે થશે. આપણે આ શહેર છોડી દઈશું’
‘વિધવાના પુનર્લગ્ન વિશેના મારા વિચારો બહુ જડ નથી, પણ આપનો સંબંધ મા-દીકરાનો છે એ પળવાર માટે ય કેમ વીસરાય મા?’
‘મનનો સંબંધ સહુથી મોટો નિગમ!’
‘ના, મા! તો સમાજમાં, જીવનમાં નરી અરાજકતા ફેલાય.’
‘આમે ય શું સુખ છે?’
‘પ્રાપ્ત સ્થિતિમાં સુખ જોવું તેમાં માણસની વશેકાઈ છે; અનુકૂલઃ શતાવર્ત...’
‘નિગમ!મારા નિગમ! મારી તરસ-’ અને નવી માનું લગભગ આખું શરીર નિગમશંકરના ખોળામાં... તેઓ ઊભા થઈ ગયા; તાંબા જેવા અવાજે બોલ્યાઃ
‘આજે સાંજે જ હું કાશી ચાલ્યો જઈશ, ત્યાં સુધી અન્નજળ પણ નહિ લઉં- જો તમે આ જ રીતે-‘

અને નવી માનાં આંસુના બંધ તૂટી ગયા.
ઘરના વાડામાંના ઉદુમ્બર વૃક્ષની સૌથી ટોચની ડાળ પર ત્યારે સૂર્યનું પહેલું સુવર્ણકિરણ રેલાઈ ચૂક્યું હતું.

થોડા દિવસો પછી નવી માએ નિગમશંકરે પૂછ્યુંઃ ‘તમે લગ્ન કેમ નથી કરતા?’
‘હું અંધ છું, મા! મારા જેવાને દીકરી દઈ કયાં મા-બાપ છતી આંખે આંધળાં સાબિત થાય?’
‘અંધાપા સિવાય તમારામાં કશી ખોડ નથી, ભલભલાને આંજી નાખે તેવી તમારી વિદ્યા છે. તેથી યે વધારે તો તમારું હ્રદિયું સાબદું છે, નહિતર હું ભાન ભૂલી પણ તમે-‘
‘એ વાત જવા દો મા!’ નિગમશંકરે નવી માની વાત અડધેથી અટકાવતાં કહ્યું, ‘મારા તરફ તમારો પક્ષપાત છે.’
‘હું તો તમને સુખી કરી શકું તેમ નથી. તમારી મક્કમતાએ મને હરાવી છે. તમે તો મારી આંખો ઉઘાડી! પણ તમારું સુખ જોઈને હું સુખી થઈશ.’ નવી માએ તેમના આ જુવાન સાવકા પુત્ર તરફ સજળ આંખો ઠેરાવતાં કહ્યું, પછી થોડી વાર સુધી કશોક વિચાર કરીને ઉમેર્યુંઃ ‘મારી બહેનની દીકરી ભાગીરથી સાથે તમે લગ્ન કરશો?’

ભાગીરથી!
નામ શ્રવણથી નિગમશંકરના હૈયામાં જાણે સરિતાજળની લહરી ઊઠી. વારાણસીમાં ભાગીરથીના સાંનિધ્યમાં બાર વર્ષનું વિદ્યાતપ...અને હવે નવી મા ભાગીરથી સાથે લગ્ન કરવાની વાત કરતાં હતાં! ગંગા એ મારું સાતત્ય છે, અનુસંધાન છે કે અંતિમ ગંતવ્ય? તેમને પ્રશ્ન થયો. પછી તરત સ્વસ્થ થઈને તેમણે કહ્યુંઃ
‘મા, મારા પર તામારી ઘણી કૃપા છે, પણ તામારી ભાણેજને તમે શા સારુ હાથે કરી અંધારા કૂવામાં નાખશો? આ ઠીક નથી થતું. મેં તો આજીવન અપરિણીત રહેવાની તૈયારી રાખેલી જ છે. સંસાર-સુખના મને ઝાઝા મનોરથ નથી.’

‘ના, નિગમશંકર! તમને પરણીને ભાગીરથી જરાય દુઃખી નહિ થાય તેની મને ખાતરી છે. આંખવાળાને પરણીને તો હું દુઃખી થઈ. તમારી તો અંદરની આંખો સતેજ છે. ભાગીરથી મારી નજર આગળ રહેશે. મને પણ તમારા બેનો આધાર મળશે. હું મરું ત્યારે મારે માથે તમારો જ હાથ હોય...’ અને નવી માની મોટી કાળી આંખો ઝળઝળિયાંથી છલકાઈ ગઈ.

નિગમશંકરે પ્રણામની મુદ્રામાં હાથ જોડી કહ્યુંઃ ‘મારી સગી માનો ચહેરો હવે મને ઝાઝો યાદ નથી. મારા બાપે તમારો ઘોર અપરાધ કર્યો છે. છતાં તમે મારા સુખની ખેવના રાખો છો. ગયે જન્મે તમે જરૂર મારી સગી જનેતા હશો.’

‘ના, નિગમ! એવા સગપણમાં મારું મન નથી. હું તમારી પાસે હવે બીજું કાંઈ માગતી નથી. તમે મને એક વાર ફક્ત એટલું જ કહોઃ ‘તમે મારાં મા નથી.’ એ રીતે મારે મારા આ ગોઝારા લગ્નનો ડાઘ ભૂંસી નાખવો છે.’ નવી મા બોલતાં બોલતાં કેળનાં લીલા મસૃણ પાંદડાની જેમ ધ્રૂજી ઊઠ્યાં.

‘સંબધો, સગપણ એ તો ૠણાનુબંધની લીલા છે નવી મા! આપણે તો તેમાં માત્ર નિમિત્તરૂપ, સાક્ષી કે પ્યાદાં. ૠણાનુબંધે જ આ જન્મે આપણને મા-દીકરો બનાવ્યાં છે. બનવાજોગ છે કે આવતે જન્મે આપણે બીજા કોઈક પ્રકારના સંબંધમાં તાંતણાથી...’ કહી નિગમશંકર હાથ વડે ફંફોસતા ત્યાંથી ખસી ગયા...

અને એક વાસન્તિક સાંજે ભાગીરથી નિગમશંકરના જીવન અને ઘરમાં પ્રવેશી...
(ક્રમશ :...)


0 comments


Leave comment