2 - પ્રકરણ ૨ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


ભાગીરથી નિગમશંકરની વહુ બનીને આવી ત્યારે સહુ કોઈને લાગ્યું કે જાહ્નવીની સ્ફટિક-ઉજ્જવલ ધારા નિગમશંકરને આંગણે વહી આવી. ઘણાને નિગમશંકરના ભાગ્યની ઈર્ષા આવી. કોઈકે કહ્યુંઃ ‘નિગમભાઈ, વહુ તો તમે તેજની પૂતળી લાવ્યા!’ પણ નિગમશંકર તેને સગી આંખે જોઈ શકે તેમ ન હતા. ઊંચી, ટટ્ટાર, નાજુક, નમણી, સાહેલીના પુષ્પ જેવી ઊજળી ભાગીરથીને લગ્ન પછી એકાંતમાં પ્રથમ વાર સ્પર્શ કરતાં પહેલાં નિગમશંકરે તેનાથી ખાસ્સું છેટું રાખીને કહ્યુંઃ ‘ભાગીરથી, હું અંધ છું તે જાણવા છતાં તમે મારી સાથે લગ્ન કર્યાં છે. હવે પછીનાં વરસોમાં તમારે માથે હિમાલય જેવડી જવાબદારીઓ આવશે. તમે હિંમત અને ત્યાગવૃત્તિ બંને બતાવ્યાં છે. મારી આંખોની ઊણપ તમને જે દહાડે ખટકે તે જ દહાડે તમે મને છોડી જવા મુક્ત રહેશો.’

‘એવું ન બોલો ચિંતા કરવાની શી જરૂર છે? માસીબાની છાયા આપણે માથે છે. તમારી વિદ્યા તમારી મુઠ્ઠીમાં છે. બીજું બધું હું જાળવી લઈશ; પાછી નહિ પડું.’- અને ભાગીરથીએ હાથ લંબાવ્યો. નિગમશંકરે એ હાથને શોધી કાઢ્યો અને જકડી લીધો. ધીમે ધીમે નિગમશંકરની દ્રષ્ટિવંત આંગળીઓનાં ટેરવાંઓને જાણે શત-સહસ્ત્ર આંખો ફૂટી નીકળી, એ ટેરવાંઓમાં તીવ્ર ઘ્રાણશક્તિ પ્રક્ટી. પછી નિગમશંકરના સૌષ્ઠવભર્યા શરીરના રોમેરોમમાં ઉજાસના અસંખ્ય દીવાઓ ઝળઝળી ઊઠ્યા અને તેને આધારે તેઓ ભાગીરથીને જોવા અને પામવાની રસમય પ્રક્રિયામાં તરબોળ બન્યાં. ઊંડા શ્વાસ લઈને તેમણે કહ્યુંઃ ‘ભાગીરથી, તને હું જોઈ તો શકતો નથી, પણ કાશીમાં હું જે બધાં સંસ્કૃત કાવ્યો અને નાટકો ભણ્યો હતો તેનો શૃંગારરસ અત્યારે મારામાં ઘૂઘવવા માંડ્યો છે... ક્યાંક ભણવામાં આવ્યું હતુંઃ પહેલી રાતે થાળીમાંના કંકુનો મુઠ્ઠો ભરીને દીવાનું અજવાળું લોપી દેવાયું, નાયિકાની લજ્જા સચવાઈ ગઈ અને અંધારામાં નાયક-નાયિકાનો શૃંગાર...’ પછી એક નિઃશ્વાસ નાખીને તેમણે ઉમેર્યુંઃ ‘મારી તો બંને આંખોમાં શીતળાએ મુઠ્ઠીઓ ભરીને લાલચોળ દાણા ઓરી દીધા હતા! તને લજ્જાની સમસ્યા નહિ નડે ભાગીરથી!’

વાતાવરણ ભારેખમ બની ગયું. તેને હળવું કરવાના પ્રયત્નમાં નિગમશંકરેકહ્યુઃ ‘તું મને આંખો આપજે, હું તને દ્રષ્ટિ આપીશ, સહિયારા પ્રયાસથી આપણે સંસારને શોભાવીશું. ઈશ્વર કૃપાસિંધુ છે. મારા જેવા અંધને તેણે તારા સરખી સ્ત્રી દીધી. તું મને એક પુત્ર આપજે- સૂર્ય જેવો તેજસ્વી.’ અને નિગમશંકરે ભાગીરથીને આશ્લેષમાં ગૂંથી લીધી. આલિંગનની હૂંફ ઓસરી એટલે તેઓ જાત સાથે સંવાદ કરતા હોય તેમ બોલ્યાઃ

‘ભરબપોરના એક સૂરજે મારી આંખો હંમેશને માટે છીનવી લીધી હતી. કાશીમાં મને તેની કળ વળી. બાર વર્ષે અહીં પાછો ફર્યો ત્યારે મરણપથારીએ પડેલા બાપની બંને આંખો મોતિયામાં ડૂબેલી. અંધાપો બેવડાયો. અમે બંને એક રીતે સરખા. અમારી બે પેઢી તો સૂરજ વગરની બની. મારે એનું સાટું વાળવું છે ભાગીરથી! તારી કૂખે જે દીકરો જન્મશે તે...’ તેમના શેષ શબ્દો ભાગીરથીના ચુંબને શોષી લીધા.

ત્યારે નવી મા પોતાની એકાકી ઓરડીમાં ટૂંટિયું વાળીને સૂતાં સૂતાં વિચારે ચઢ્યાં હતાંઃ
પડખેના જે જીર્ણ ઓરડામાં નિગમ અને ભાગીરથીના સંસારની શરૂઆત થઈ રહી છે ત્યાં જ નિગમના બાપે ભાંગના નશામાં પહેલવહેલીવાર મને ચૂંથી નાખી હતી. કશી મીઠાશ ન હતી એ આખાય વ્યવહારમાં પછી હંમેશા એ વરના અનુભવનું બેવડાવું... જે સુખ હું કદી ન પામી શકી તે ભાગીરથીને અઢળક મળજો... નિગમ, તારી સુજનતાની મને ખાતરી છે... અને તને એક દીકરો મળે- અસ્સલ તારા જેવો જ હોય- ફક્ત આંખો ભાગીરથીની હીરાકણી જેવી... મારું કાળજું ઠરશે એને જોઈને...

નિગમશંકરે બે’ક વર્ષ પછી જન્મેલા પુત્રનું નામ રાખ્યું તિલક; બબડ્યાઃ ‘ચિત્રકૂટના ઘાટે સરયૂને તીરે તુલસીદાસજીએ ઘસેલા ચંદનનું તિલક રઘુવીરે કર્યું હતું. મારા જેવા અંધને કપાળે સ્વયં ઈશ્વરે કરેલું સૌભાગ્યનું તિલક તે જ આ દીકરો... એનાથી મોટું વરદાન બીજું કયું?’
પછી તેમણે સોડમાં બાળકને લઈને સૂતેલી પ્રસન્ન ભાગીરથીને એક જ પ્રશ્ન કર્યોઃ
‘રથી, છોકરાની આંખો તો સાજી-સારી છે ને?’
*
નિગમશંકરનું જૂનું, સાકડું, અંધારિયું ઘર શેરીની વચ્ચોવચ હતું. પ્રવેશતાં જ પરસાળ, પછી એક ઓરડો. તેમાં બેસવા-ઊઠવાનું રહેતું. પછી એક ઓરડો. તેમાં રસોડું, પણિયારું, નાહવાની ચોકડી. ત્યાં જ એક કૂવો. ઘરમાં થોડા વખતથી નળ આવ્યા હતા, પણ દેવસેવામાં અને રસોઈમાં હજી કૂવાનું પાણી વપરાતું હતું. ઘરમાં વીજળી આવી નહોતી. ફાનસ, ચીમની અને દિવેલનાં કોડિયાંની ઝાંખી ઠકરાત હતી. વળી એક ઓરડો. ત્યાં સુવાની ગોઠવણ હતી. છેલ્લો એક ઓરડો. તેમાં નિગમશંકરે કાશીમાં ભેગાં કરેલાં પુસ્તકો અને પોથીઓનો ભંડાર રહેતો. તેને અડીને વાડો હતો. તેમાં ઉદુમ્બર, પારિજાત, કરેણ અને બીલીનાં એકએક વૃક્ષો હતાં. રામતુલસી-કૃષ્ણતુલસીના બે ક્યારા. મોગરાનો એક છોડ જે ઉનાળે ફૂલ આપતો. નાહવાની ચોકડી. કેટલાક બપોર પછી; કેટલાક બંને વાર. છાત્રોને તેઓ કાં તો પરસાળ પાસેના ઓરડામાં અને ૠતુ અનુકૂળ હોય તો વાડામાં ભણવા બેસાડતા. સવાર-બપોર-સાંજ ઘર વેદમંત્રોના સમૂહસ્વરોથી જીવંત બની જતું. તેમાં નિગમશંકરનો ઘડાયેલો, બુલંદ-મધુર, વિશ્વાસસભર, અધિકૃત સ્વર જુદો તરી આવતો. તેમને વડો શિષ્ય દુર્ગાશંકર અંધ ગુરુનું ઘણું કામ સંભાળી લેતો. તેમને બહાર લઈ જવા, સંભાળીને ઘેર પાછા લાવવા, કોઈ પુસ્તક કે પોથીમાં મંત્ર કે શ્લોક કે કારિકાનો અર્થ કે ટીકા જે સંદર્ભ જોવા પડે તો તેમ કરવું, યજમાનો સાથેનો વ્યવહાર જાળવવો, કાગળ-પત્ર લખવા, નિગમશંકરનું સ્વાસ્થય સારું ન હોય તો બીજા શિષ્યોને ભણાવવા- બધું કામ દુર્ગાશંકરનું રહેતું. તે સ્વજન જેવો હતો. ગુરુ અને ગુરુપત્ની બંનેને તેના તરફ તિલકવત વાત્સલ્ય હતું. તિલકથી વયમાં સાત-આઠ વર્ષ મોટો દુર્ગા તેના મોટા ભાઈની ગરજ સારતો.

શેરીમાં રમવાનું બહું ગમતું તિલકને-ખાસ કરીને આંધળા પાડાની રમત. આંખે પાટો બાંધવાનો. કશું જ દેખાય નહિ. આસપાસ ભિલ્લુઓ શોર મચાવતા હોય. તેઓને અવાજને આધારે શોધી પકડવાના. ઘરમાં બાપુજી આવું જ કંઈક કરતા હતા ને? એમના હાથમાં બાનો, દુર્ગાનો કે મારો હાથ હોય... ક્યારેક એકલા ચાલે. કદીક અથડાઈ પડે. સતત અવાજો અને ગંધને પકડવાની મથામણ કર્યા કરે. ‘કોણ આવ્યુ એ? નરભેરામ કે? હું તમારો અવાજ ઓળખી ગયો! દિવાળીબહેન, તમારાં તો પગલાં જમેં પારખી લીધાં... આ શેની વાસ આવે છે? કાગળ બળે છે કે શું?’ નિગમશંકરના આ બધા નિરંતર સંગાથી શબ્દો હતા. અને મંત્રોને સાકાર કરતા શબ્દો. નવી મા અને ભાગીરથીની હયાતીને પારખવામાં તો તેમને અવાજ કે શબ્દોની પણ સહાય લેવી પડતી ન હતી. સુખડના કાષ્ઠ જેવી નવી માની સુગંધ, જૂઈના ફૂલ જેવી ભાગીરથીની સૌરભ તેમને માટે પૂરતી હતી. અને તિલકની દૂધિયલ ગંધ.

પછી સુખડનાં કાષ્ઠ બીજાં કાષ્ઠ સાથે ભળીને ભસ્મ બની ગયાં. ટૂંકી બીમારીમાં નવી મા ચાલ્યાં ગયાં. નિગમશંકરે પોતાની આંખોના ખાડામાં ઊભરાતાં આંસુને બલાત રોક્યાં. ભાગીરથી તો ભાંગી પડી. તિલક સૂનમૂન. ઘર જાણે સુગંધ-સૂનું બની ગયું. એક સંબંધીની સહાયથી નવી માના શબને ચિતા પર ચઢાવી તેને ધ્રૂજતે હાથે અગ્નિદાહ દેતી વખતે નિગમશંકરના અંતરમાં નવી માના કેટલાયે શબ્દો પડઘાઈ ઊઠ્યા- હું મરું ત્યારે મારે માથે તમારો હાથ હોય... તમે મને એક વાર ફક્ત એટલું જ કહો: ‘હું તમારી મા નથી. એ રીતે મારે મારા લગ્નના ડાઘને ભૂંસી નાખવો છે...’ નિગમશંકરનું હૈયું રડી ઊઠ્યું નવી મા હયાત હતાં ત્યાં સુધી તો તેમની આ ઈચ્છા તેઓ સંતોષી શક્યા ન હતા; પણ તેમની ચિતાની પ્રદક્ષિણા ફરતી વખતે તેમના અંતસ્તલમાંથી અશબ્દ વાચા ફૂટી નીકળીઃ

‘હા, તું મારી મા ન હતી. તારા મૃત્યુ પછી હું તેનો સ્વીકાર કરું છું. મારા બાપ સાથેનું તારું લગ્ન એ એક મોટો ડાઘ હતો મારે માટે પણ. આજે તારા હંમેશ માટેના વિજોગ પછી હું એ ડાઘ ભૂંસી નાખું છું. મારાં શાસ્ત્રો ભલે મને પાપી ઠરાવે. મારું પોથી જ્ઞાન ભલે મારા પર ધિક્કાર વરસાવે. તારિ ઈચ્છાને આ રીતે સંતોષીનેય હું કંઈક ૠણમુક્ત થાઉં છું. હ્રદયનો ધર્મ બધા શાસ્ત્રચીંધ્યા ધર્મોથી ચઢિયાતો છે.’

નવી માના અસ્થિફૂલ લઈને નિગમશંકર ઘેર આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ ફરીથી અંધ બન્યા હતા. સંબંધીઓની વિદાય પછી મોડી રાતે ભાગીરથી તેમની પાસે આવીને કશુંક બોલ્યા વિના બેસી પડી તે નિગમશંકરને બહુ સારું લાગ્યું. ફંફોળીને ભાગીરથીનો ચહેરો શોધી કાઢી તેની ભીની આંખો પર પોતાની આંગળીઓ ફેરવતાં તેઓ બોલ્યાઃ
‘રથી, તેં તારાં માસી ગુમાવ્યાં. મેં મારાં નવી મા કરતાં ઘણું વધારે ખોયું છે.’
‘હું જાણું છું, સમજું છું.’
‘અને છતાં-’
‘તેમનો શો વાંક હતો?’
‘અને મારો?’
‘તમારી તો ગરવાઈ ગઈ છે.’
‘આજે ચિતાનિ પ્રદક્ષિણા કરતી વખતે મેં નવી મા સાથેના જૂઠા ઝેરી સગપણને મનોમન તોડી નાખ્યું.’
‘તમે પુણ્ય કામ કર્યું.’
‘રથી, નવી માએ તને મારી સાથે પરણાવીને એથીયે મોટું પુણ્યકાર્ય કર્યું!’
‘એ જ એમનો સંતોષ હતો.’
‘આપણો તિલક-’
‘એ એમની આંખોનું રતન હતો.’
‘હવે આપણું.’

તિલકને તેનાં આ ગોરાં, ભીનાં દાદીમા ખૂબ ગમતાં. નવી માએ પણ પોતાના મનગમતા પુરુષના અને લાગણીશીલ ભાણેજીના પુત્ર પર વહાલ ઢોળવામાં કશી દિલચોરી રાખી ન હતી, બલકે એ વહાલને જ તેઓ પોતાના જીવનનું અમૃત માનતાં હતાં. તિલક ભાગીરથી કરતાં નવી મા પાસે વધારે રહેતો. આથી જ નવી માના મૃત્યુ સાથે એકાએક તેમનો ખોળો છીનવાઈ ગયો ત્યારે તિલકને પહેલીવહેલી વાર કશીક ન સમજાય તેવી ઝાંખપનો અનુભવ થયો. ખૂણામાં ઝળહળતો ઘીનો દીવો અદીઠ પવનઝપાટે ઓલવાઈ ગયો કે માએ આંખોમાં મેશની આખી ડબલી ઠાલવી દીધી? બાપુજી જેને અંધાપો કહે છે તે શું આ હશે?... તિલકને લાગ્યુંઃ આંધળાં પાડાની રમતમાં તેની આંખે બંધાયેલા પાટાની ગાંઠ છૂટતી ન હતી. દિવસો સુધી તે ન સમજાય તેવી ઉદાસીના કાળાશથી ઘેરાઈ ગયો. દાદીમાની લાંબી આંગળીઓ તેના માથા પરના સોનેરી વાળમાં ફરતી. દાદીમા તેને આંધળી ચકલી અને અરીસાની વાત કરતાં તે તેને યાદ આવતાં તે રડી પડ્યો ત્યારે ભાગીરથીએ તેને કહ્યુંઃ ‘દીકરા, રડ્યે કાંઈ દાદીમા પાછાં નહિ આવે. ઊલટું તારી આંખો બગડશે.’

આંખો બગડે એટલે શું? તિલકને પ્રશ્ન થયો. આંખો બાપુજીની છે તેવી થઈ જાય? બીકના માર્યા તેણે આંખો મીંચી દીધી. અંધારુંધબ્બ. તેને યાદ આવ્યું- એક વાર તેણે બાપુજીને પૂછ્યું હતુંઃ ‘તમને કાંઈ દેખાતું નથી?’
‘ના, દીકરા!’ નિઃશ્વાસ પહેલો, પછી નિગમશંકરનો ઉત્તર આવ્યો.
‘હું પણ નહિ?’
‘ના.’
‘બા?’
‘ના.’
‘નવી મા?’

નિગમશંકર જરાક ચમકી ગયા, પછી બોલ્યાઃ
‘જો ભાઈ, આમ તો તમને કોઈને, અને આ દુનિયાનું કશું જોઈ શકતો નથી; પણ વિચારો કરી કરીને મેં તમારાં બધાંની છબીઓ મનોમન ચીતરી છે. તું કેવો સરસ, ગોરો, નાજુક છોકરો છે તે હું જાણું છું...તારી બા...તારાં દાદીમા...મારે તો ભગવાનની મૂર્તિની યે હવે તો આમ કલ્પના જ...’

તિલકને દાદીમાની આંખો બહુ સાંભળતીઃ કેવી સરસ-છબીમાં અંબામાતાની છે તેવી. પછી તે પોતાની આંખો પર હાથની આંગળિઓ દાબી દેતો. અંધારામાં યે થોડીક આકૃતિઓ આછી આછી તરવરી ઊઠતી - બાપુજી, બા, દાદીમા, શેરીના ભાઈબંધો, બિલાડી, કૌમુદી ગાય, પડોશની તરુ; પણ પછી ભયથી તેનું મન ઘેરાઈ જતું. આંખો પરથી તે હાથ ઉથાવી લેતો. ફરી અજવાળું. અધ્ધર શ્વાસ હેઠો બેસતો. ક્યારેક તરુ સાથે તે ‘બાપુજી-બાપુજી’ ની રમત રમતો. તે બાપુજી અને તરુ બા થતી. બાપુજીની જેમ તે આંખો મીંચી હાથમાં લાકડીને બદલે દંડૂકો લઈ તે ઠોકતો, ફંફોસતો ચાલતો અને તરુ તેને દોરતી. ભાગીરથી એક વાર તિલક-તરુની આ રમત જોઈને ગુસ્સે થઈ ગઈ. તેણે તિલકને એક લપડાક લગાવી દિધી, તરુને કાઢી મૂકી ને પછી પોતે રડી પડી.

નિગમશંકર તિલકને ગુરુ દ્રોણે અર્જુનની ધનુર્વિદ્યાની પરીક્ષા લીધી હતી તેની વાર્તા કહેતા. વૃક્ષ પરના પક્ષીની માત્ર જમણી આંખ જોઈ શકતા અર્જુનની એકાગ્રતાનો ઉલ્લેખ આવતાં તિલકે પૂછ્યુંઃ ‘બાપુજી, તમે આવી પરિક્ષા આપી શકો?’
‘ના દીકરા!’

પછી તેઓ સ્વગતની જેમ બોલ્યાઃ ‘પણ ભાઈ, નરી આંખે દેખાય તે જ લક્ષ્ય કાંઈ વીંધવા-સરખું નથી હોતું. કેટંલાક લક્ષ્યો દ્રષ્ટિમર્યાદાની પાર હોય છે.’
પછી તેમણે દશરથરાજા અને શ્રવણની વાત કરીઃ ‘જળ પીવા હરણ આવ્યું છે એમ ધારી રાજાએ શબ્દવેધી બાણ છોડ્યું. બાણ તો આંધળું હતું. તેણે શબ્દ વીંધ્યો, પણ એ શબ્દ મૃગનો નહિ, શ્રવણના ઘડાનો હતો.’ વળી સ્વગત બબડ્યાઃ ‘લક્ષ્યસિધ્ધિનું સાધન દ્રષ્ટિ વગરનું હોય તો આવો અનર્થ થાય.’

પિતા-પુત્રની વાત સાંભળવી ભાગીરથીએ કહ્યુંઃ ‘આ અબુધ બાળકને તમારી પંડિતાઈમાં શી સમજ પડવાની હતી?’
નિગમશંકરે હસીને જવાબ આપ્યોઃ ‘આ તો મારો મારી સાથેનો સંવાદ છે,’ પછી ઉમેર્યુંઃ ‘એક સમય એવો આવશે જ્યારે તિલક મારી આવી વાતો સમજશે- બલકે મને બે અક્ષર શીખવશે. હું તેને કાશી મોકલીશ. તે વિદ્ધત્સભાઓને ડોલાવશે, મંડનમિશ્રોને હરાવશે.’

‘તમારે તમારા તિલકને તમારા જેવો વેદિયો નથી બનાવવાનો હોં નિગમશંકર!’

વચ્ચેથી જ કોઈનો અવાજ વહી આવ્યો અને પતિ-પત્નીની વાત અટકી પડી.
‘આવો દેસાઈસાહેબ!’ ભાગીરથીએ આવકાર આપ્યો અને શેતરંજી સરખી પાથરી, પોતે માથે બરાબર ઓઢ્યું અને પાણી લેવા માટે ત્યાંથી ઊઠી ગઈ.

ધીરજલાલ દેસાઈ નાયબ મામલતદાર હતા. થોડાક વખતથી સામા ઘરમાં ભાડે રહેવા આવ્યા હતા. નિગમશંકરના કુટુંબ સાથે ઘરોબો બંધાઈ ગયો હતો. ધીરજલાલનો દિકરો મુકુન્દ અને તિલક ભાઈબંધ બન્યા હતા. મુકુન્દ વયમાં થોડોક મોટો હતો, શહેરની અંગ્રેજી શાળામાં ભણાતો હતો. ધીરજલાલ મહોલ્લામાં ‘દેસાઈસાહેબ’ તરીકે ઓળખાતા હતા તે તેમને ઘેર પટાવાળાઓની રોજ થતી આવ-જા, સાહેબ ડિસ્ટ્રિક્ટમાં ગયા છે- ના તેમનાં પત્ની કુસુમબહેન દ્વારા અપાતા ગર્વભર્યા જવાબો, કોટ-પાટલૂનનો ધીરજલાલનો પોશાક, તેમના મુખમાંથી સરી પડતા અંગ્રેજી શબ્દો, દેશના આઝાદીસંગ્રામની તેમને મોઢે થતી ટીકા, ‘એડમિનિસ્ટ્રેશનમાં અંગ્રેજ બચ્ચાને કોઈ નહિ પહોંચે’નું તેમનું ધ્રૂવવાક્ય, દિવાળી-નાતાલમાં તેમને ઘેર આવતા ભેટોના કરંડિયા, વગેરે કારણે.

તિલકનો પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરવાનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ મુકુન્દના કહેવાથી દેસાઈસાહેબે આગ્રહ કરવા માંડ્યો:
‘નિગમશંકર, તમે રહ્યા જૂના જમાનાના માણસ. નવા જમાનાના પવનને તમે નહિ પારખી શકો.’
‘હું અભણ નથી દેસાઈસાહેબ!’ નિગમશંકરે ગૌરવપૂર્વક કહ્યું.
‘તમે કાશીમાં ભણ્યા છો, પણ તમારી એ વિદ્યાનો આજ અને આવતી કાલની દુનિયાને કશો ખપ નથી.’
‘એ દુર્ભાગ્યપૂર્ણ છે.’
‘જે હોય તે, પણ તમારે તિલકના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ.’
‘તે હું નથી કરતો તેમ તમે માનો છો?’
‘તો પછી તેને પાઠશાળામાં ભણાવવાની વાત કેમ કરો છો?’
‘તેમાં ખોટું શું છે?’
‘કાંઈ નહિ, પણ તેણે અંગ્રેજી તો ભણવું જ જોઈએ.’
‘દેસાઈસાહેબ, તમારા અંગ્રેજો તો હવે જવા બેઠા છે!’
‘પણ અંગ્રેજી રહેશે, અંગ્રેજપણું રહેશે.’
‘તમારા જેવાઓના કારણે.’ નિગમશંકરે ઠંડો પ્રહાર કર્યો. ધીરજલાલા સમસમી ગયા. નિગમશંકરે સ્વસ્થતાથી કહ્યુંઃ
‘દેસાઈસાહેબ, હું વિદ્યામાત્રનો આદર કરું છું. તિલક અંગ્રેજી શિક્ષણ લેશે તો તેનું સદભાગ્ય હશે. તે હાઈસ્કૂલમાં જાય, કૉલેજમાં જાય, હું રાજી છું.’
‘હવે તમે સમજ્યા નિગમશંકર!’
‘પણ તેણે આપણી પ્રાચીન વિદ્યાની ઉપેક્ષા ન કરવી જોઈએ. તે તો સગી માતાની અવહેલનાકર્યા સમાન ગણાશે.’

ધીરજલાલ અંધ પણ ગરવા બ્રાહ્મણના ચહેરા પરના ઓજસ તરફ જોઈ રહ્યા. નિગમશંકરે કહ્યુંઃ
‘દેસાઈસાહેબ, જ્ઞાન તો વટવૃક્ષ જેવું છે. તે અનેક શાખા-પ્રશાખાઓમાં વિસ્તરે છે. તમે માનશો? મારા પિતા કશું જ ભણ્યા ન હતા. ધૂળિયા નિશાળમાં કે પાઠશાળામાં તેમણે પગ જ મૂક્યો ન હતો, છતાં યજમાનવૃતિ કરતા! કઈ રીતે, કહું? શહેરના બાર દરવાજાઓનાં નામ રાગડાની જેમ લલકારીને ગગડાવી જતા! તે સંસ્કૃત શ્લોકમાં બોલવાનું તેમને માટે નવાઈ ભર્યું ન હતું. એ અભિશાપ મારા વડે કંઈક તૂટ્યો તે મારું, મારા કુળનું સદભાગ્ય. તેમાં મારા અંધત્વે પરોક્ષ સહાય કરી. હું અંધ ન બન્યો હોત તો કદાચ કાશી ન જઈ શક્યો હોત. અનિષ્ટમાંથી ઈષ્ટનો ઉદભવ થયો દેસાઈસાહેબ! અહીં જ વિધિના વિધાનની અકળતાઓ ખ્યાલ આવે છે.’

પછી ગળું ખંખારીને તેમણે ઉમેર્યુંઃ
‘અંધ થયો ત્યારે મારા પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો તેવી મારી લાગણી હતી. તે સ્વાભાવિક પણ હતી. હજી યે અંધાપાની મર્યાદાઓ કાંઈ ઓછી નથી, છતાં તેણે જ મારે માટે કાશીનો રાનમાર્ગ ઉઘાડી આપ્યો. શાપ વરદાન બન્યો. કાશીની મારી જ્ઞાનદિક્ષા સિવાય મારું અસ્તિત્વ જ શું છે? દેસાઈસાહેબ, ભાગીરથી જેવી સ્ત્રી અને તિલક સરખો પુત્ર, મારા કંઠમાં વેદમંત્રોનું ગાન, મનમાં દર્શનશાસ્ત્રની સભરતા, લોહીમાં ઉપનિષદનાં વચનો અને હ્રદયમાં ઈશ્વર પ્રત્યેની અમીટ શ્રદ્ધા; માણસને એનાથી વધારે શું જોઈએ?’

નિગમશંકરની આંખોના ખાળા સજળ બન્યા. ધીરજલાલ દિગ્મૂઢ બનીને તેમને જોઈ રહ્યા. તેમણે ખાસ્સી વાર પછી કહ્યુંઃ ‘ત્યારે તો તમારો તિલક જરૂર મામલતદાર, બૅરિસ્ટર કે આઈ.સી.એસ. બનશે.’

પણ નિગમશંકરનું ચિંતન જુદું જ હતુંઃ
‘તમે પાછી ભૂલ કરી દેસાઈસાહેબ! તિલકને નવી કેળવણી આપવા હું તૈયાર થયો છું તે કાંઈ મામલતદાર, કલેક્ટર કે બૅરિસ્ટર બને તેવી લાલસાથી નહિ. તેને જે બનવું હશે તે બનશે. તે આમાનું કાંઈ નહિ બને તો યે મને ચિંતા નહિ થાય. તે વિદ્યા મેળવે, જ્ઞાની બને અને સારો માણસ થાય એટલું જ પૂરતું છે. અમે તો બ્રાહ્મણ. હોવા જોઈતા હતા અપરિગ્રહી, બન્યા છીએ ભિક્ષુક. એ કલંક કંઈક તો ભૂંસવું જોઈએ. તમે જાણો છો? મારા ઘરની પાઠશાળામાં હું વિદ્યાર્થીઓ પાસેથી એક પાઈ લેતો નથી. વિદ્યાનો વિક્રય ન હોય દેસાઈસાહેબ!’

લાંચખાઉ મામલતદારને આ નિરપેક્ષ વિદ્વાનની વિચારસરણી મુદ્દલ સમજાતી ન હતી. તો કશીક દલીલ કરવા જતા હતા ત્યાં નિગમશંકરે કહ્યુંઃ
‘મામલતદારસાહેબ, તમારો ઉપકાર કે તમે મારા તિલકને નવી કેળવણીનો રસ્તો સુઝાડ્યો. અમરા ધંધામાં હવે ગૌરવ ક્યાં રહ્યું છે? યજમાનો આગળ દિનભાવે હાથ લંબાવવો તેના કરતાં...’ અને નિગમશંકર ગંભીર બની ગયા.
‘તમારી વ્યવહારુ બુદ્ધિ ખુશી ઉપજાવે તેવી છે નિગમશંકર!’ દીરજલાલે છેવટે પૂરી શરણાગતિ સ્વીકારી.
‘વિદ્યા એટલે જ જાડ્યનો પરિહાર.’ નિગમશંકરના મૂખમાંથી સૂત્ર સર્યું.

તિલક. મિડલસ્કૂલ. ત્યારનું ફર્સ્ટ સ્ટૅન્ડર્ડ. પાઠશાળા. અંગ્રેજી આલ્ફાબેટ. સ્લેટમાં પેન વડે ઘૂંટાતા અંગ્રેજી મૂળાક્ષરો. ભાગીરથીનું કૌતુક. નિગમશંકરનો ઉલ્લાસ. તેમણે તિલકને કહ્યુંઃ
‘તિલક, તારી સ્લેટમાં મારી પાસે પણ અંગ્રેજી બારાખડી ઘૂંટાવને દીકરા!’

તિલક થોડી પળો અંધ પિતા સામે જોઈ રહ્યો. પછી તેણે તેમની આંગળી અનેઅંગૂઠા વચ્ચે પેન પકડાવી, સ્લેટ એમના ખોળામાં મૂકી અને પછી એમનો હાથ ઝાલી એમની પાસે વાંકોચૂકો અંગ્રેજી A લખાવ્યો. પાછળ ઊભી રહીને બાપ-દીકરાની આ ક્રીડા જોઈ રહેલી ભાગીરથી ખડખડાટ હસી પડી ને બોલીઃ
‘તમને આ ઉંમરે શા ચાળા સૂઝે છે?’
‘આ ચાળા નથી રથી, મારો વધૂ એક જન્મ છે.’ નિગમશંકરે કહ્યું. પછી તિલકને હાથે અંગ્રેજી મૂળાક્ષર ઘૂંટવાનું ચાલુ રાખી ઉમેર્યુંઃ
‘બાપ દીકરાને ભણાવે તેને બદલે અહીં દીકરો બાપને શીખવે છે! પુત્ર-ગુરુને પ્રણામ!’ તેઓ હસવામાં જોડાયાં.

થોડી વાર એ લીલા ચાલી. તિલક પાટી-પેન મૂકીને રમવા દોડી ગયો. ભાગીરથીને પોતાની પડખે બેસાડીને નિગમશંકરે કહ્યુંઃ ‘રથી, આ નવી વિદ્યા તો સાત દરિયા પારથી આવી છે આપણી ભૂમિ પર. અવિદ્યાનું જાડ્ય ઘણું વધી પડ્યું છે આપણે ત્યાં. આ નવી વિદ્યા નવું અજવાળું લાવી છે. હું થોડો વહેલો જન્મયો, નહિ તો આ વિદ્યા પણ શીખત. વીજળીના દીવા, થાળીવાજું અને તેની તાવડી, મોટર એ બધું ગોરાઓ લાવ્યા છે, એ તો ભૌતિક સાધન-સંપત્તિ છે, પણ જ્ઞાનની નવી સીમાઓ તેઓએ ઉઘાડી છે... ભણવા માટે હું કાશી ગયો; તિલક વિલાયત કેમ નહિ જાય?’

‘પણ તિલકના બાપુ, લોકો કહે છે કે અંગ્રેજી ભણેલાઓ બગડી જાય છે, સાચી વાત?’ ભાગીરથીએ પૂછ્યું.
‘મારા બાપ ક્યાં અંગ્રેજી ભણેલા હતા? છતાં બગડવામાં એમણે કશી મણા રાખી નહોતી! એમનો દીકરો હોવાનું મને ગૌરવ નથી. એમનામાં વિવેકબુદ્ધિ હોત તો ઘડપણમાં ઘોડે ચડી નવી માનો ભવ...’ ફરી ફરીને, જુદી જુદી વાતે નવી મા કેમ સાંભરી જતાં હતાં? આજે તેઓ હયાત હોત તો? તિલકને અંગ્રેજી બારાખડી લખતો-બોલતો જોઈને કેટલાં રાજી થાત! નિગમશંકરને વિચાર આવ્યો અને એમનું મન નવી માની હાજરીની ઈચ્છામાં ડૂંબતું ગયું...

એ સાંજે તિલક નિશાળેથી કંઈક વહેલો ઘેર આવ્યો. તેની આંખો આંસુથી ભીની અને ચહેરો ખરડાયેલો હતો. ઉંબરેથી દફતરનો ઘા કરતાં તે છુટ્ટે મોઢે રડી પડ્યો અને તેના મુખમાંથી આક્રન્દભર્યા શબ્દો વહી નીકળ્યાઃ
‘મારે અંગ્રેજી નથી ભણવું બાપુજી...! મને ત્યાંથી ઉઠાડી લ્યો... મને પાઠશાળામાં મૂકો...’

ભાગીરથીએ દોડતાં આવીને તિલકને ઊંચકી લઈ છાતીસરસો ચાંપી દીધો. તિલકનો રડવાનો અવાજ સાંભળીને નિગમશંકર પોથીઓવાળા ઓરડામાંથી ઉતાવળે આવવા જતાં એક થાંભલા સાથે ભટકાઈ પડ્યા.

તે દિવસે સૂર્ય વહેલો આથમી ગયો હતો કે શું?
(ક્રમશ :...)


0 comments


Leave comment