3 - પ્રકરણ ૩ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


જુલાઈ મહિનાનું આકાશ અંધારાયેલું હતું. તિલકના વર્ગ-ખંડમાં ઉજાસ ઓસવાઈ ગયો હતો. તિલકનું મન વર્ગની બહાર રમતું હતું. શાળાના મેદાનમાં લીલું ઘાસ વરસાદની ધારાને ઝીલવા માટે ઉદગ્રીવ હતું. તિલક આજે તેની હંમેશની પહેલી બેન્ચ પર બેઠો ન હતો. અનીલના આગ્રહથી તેની બાજુમાં પાંચમી પાટલી પર બેસવાનું તેને ગમ્યું હતું. બારી સાવ નજીક હતી. વરસાદ આવે એટલે બારીના સળિયાની બહાર હાથ કાઢી ફોરાં ઝીલવાની તિલકની યોજના હતી. જરા જરા વારે તે બારી બહાર પંખી બનીને ઊડી આવતો હતો. છેક સામી દીવાલને અડીને ગોઠવેલાં ટેબલ-ખુરશી પાસે ઊભેલાં પટેલમાસ્ટર અંગ્રેજીનો પિરિઅડ લઈ રહ્યા હતા, પણ તિલકનું ધ્યાન કાળા પાટિયાને બદલે કાળાશ પકડી રહેલા આકાશ પર હતું. પટેલમાસ્ટર ચૉક વડે બ્લૅકબૉર્ડ પર શબ્દો લખતા હતા, વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછતાં હતા, વળી ડસ્ટરથી ભૂંસતા હતા. નવા શબ્દો, પ્રશ્નો, ઠપકો, ઘાંટા...

એક પ્રશ્ન તિલકને પુછાયો. તિલક ત્યારે ઈશાન ખૂણેથી આકાશમાં ખેંચાઈ આવતા ઘેટાના આકારના કાળા ભમ્મર વાદળની ગતિ જોવામાં ખોવાઈ ગયો હતો. પટેલમાસ્ટરે ત્રણ વાર તેનું નામ દોહરાવ્યું ત્યારે તે ચોંકીને ઊભો થયો. સાહેબના પ્રશ્નને તેણે મગજમાં ગોઠવ્યો. પછી બ્લૅકબૉર્ડ તરફ જોયું. તેના મનમાં નિરાંત હતી. અંગ્રેજીના શબ્દો અને પાઠો તો તે ઘેર જાતે આગળ આગળ કરતો રહ્યો હતો; પટેલમાસ્ટરના સવાલનો જવાબ આપવો તે તો રમત વાત.

પણ સાહેબ મશ્કરી કરતા હતા કે શું? બ્લૅકબૉર્ડ પર ક્યાં કશું જ તેમણે લખ્યું હતું? પાટિયાનો કાળો રંગ માત્ર- જાણે કાળા બરફની પાટ. ઉપર સફેદ ચૉકના અક્ષરો હતા જ ક્યાં? કે પછી સફેદ અક્ષરો હંસ બની આકાશમાં ઊડી ગયા હશે?

પ્રશ્નો. દોહરાવતા પ્રશ્નો. ફરીફરીને પુછાતા પ્રશ્નો. અને પટેલ સાહેબના ઉગ્ર બનતા ઘાંટાની તડાફડી. બીજા વિદ્યાર્થીઓ તો બ્લૅકબૉર્ડ તરફ જોઈને ફટાફટ પ્રશ્નોના ઉત્તરો આપતા હતા. માત્ર તિલકને જ પાટિયામાં કાળા રંગના લંબચોરસ સિવાય બીજું કશું પ્રતીત થતું ન હતું. પટેલમાસ્ટરે એક બળૂકો હાકોટો કર્યો. તિલક પંખીની પાંખની જેમ ફફડી ઊઠ્યો. વર્ગમાં નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. પછી પટેલનો પ્રશ્ન બરછીના ધારદાર ફળાની જેમ વીંઝાઈ આવ્યોઃ
‘અલ્યા ત્રિવેદી, તું આંધળો મૂવો છે કે શું? પાટિયા પર આવા ભમરડા જેવા અક્ષરે લખ્યું છે તેય તને દેખાતું નથી?’

પટેલ કોણ જાણે કેટલુંય બોલ્યે ગયા. તિલકના ચિત્તમાં એક શબ્દ ગોફણના પથ્થર કે ચંદનઘોની જેમ ચીટકી ગયોઃ
આંધળો.
અને તેનાં આવર્તનો, આંદોલનો, પ્રતિધ્વનિઓ...

ક્ષણાર્ધમાં બાપુજી યાદ આવી ગયા. કહો કે એમની આકૃતિ હૂબહૂ કોરાઈ ગઈ આંખો સમક્ષ. હાથ ફંફોસીને ચાલતા, ધ્વનિની દિશાનો આધાર લેતા, ચાલતાં ચાલતાં થાંભલાં કે દિવાલ સાથે ભટકાઈ પડતા, બાના હાથ વડે દોરાતા, આંખોના ખાડાને કારણે ક્યારેક બિહામણા લાગતા બાપુજી માત્ર પટેલમાસ્તરને બદલે નહિ, વર્ગના એકએક વિદ્યાર્થીને સ્થાને પણ ગોઠવાઈ ગયા હોય- પોતે પણ તિલક નહિ, બાપુજી જ હોય તેવી અદમ્ય લાગણીથી તે વીંધાઈ ગયો.

અને વળતી પળે ડૂસકાં ભરતો, આંખોમાંથી ધારા વહાવતો તે બેન્ચ પર ફસડાઈ પડ્યો ત્યારે પડખે બેઠેલા અનિલે તેને વાંસે હાથ ફેરવી તેની વ્યથામાં મૂગું સહભાગીપણું દાખવ્યું, પણ તિલકે ત્યારે ભરચક કલાસરૂમમાંયે અફાટ અટૂલાપણું અનુભવ્યું અને કશી યે નિકટતા અનુભવી તો ત્યાં ગેરહાજર હતા તે પોતાના બાપુજી સાથે.

પટેલ માસ્ટરના ઘાટાં અટક્યા. તેમને કશીક સૂઝ પડી. તેમણે તિલકને પહેલી બેન્ચ પર બેસવા કહ્યું. તિલકે અનિલ સામે જોયું. અનિલે મૂંગી સંમતિ- બલકે પ્રોત્સાહન આપ્યું. તિલક ધ્રૂજતો ધ્રૂજતો તેની મૂળ જગ્યાએ જઈ બેઠો. ફરીથી પટેલનું ફરમાન છૂટ્યું. તિલકે ઊભા થઈને બ્લૅકબૉર્ડ તરફ જોયું. કાળા બરફની લાદી. ના, તેના પર ધીમે ધીમે બતક જેવા સફેદી અક્ષરો ઊધડતા હતા ખરા. જાણે કાળા આકાશમાં તારાઓની ભાત. આંસુથી ઓઘરાળા બનેલા તિલકનના મુખ પર સ્મિતનું સફેદ કમળ જરાક ખીલી આવ્યું અને ક્ષીણ સ્વરે તે પાટિયા પરના શબ્દો વાંચી ગયો. વર્ગમાં શોરનું એક મોજું ઊછળ્યું, શમી ગયું. શિક્ષક નામે પટેલ તેમની ચશ્માંળી આંખોમાંથી ક્યાંક સુધી તિલક તરફ જોઈ રહ્યા; પછી ટૂથબ્રશિયા મૂછ હેઠળના હોઠ ફફડાવીને તેઓ બોલ્યાઃ
   ‘ત્રિવેદી, તારી આંખો નબળી છે. તારે ચશ્માં લેવાં પડશે, નહિતર તું ભણી કેમ શકશે? આટલી નાની ઉંમરે તને શોર્ટસાઈટ છે. માઈનસ નંબર હશે.’

કોઈ બીજી ભાષાના શબ્દો સાંભળતો હોય તેમ તિલક અનભિજ્ઞાથી ઘેરાઈ ગયો. તેની ફાટેલી આંખોમાં છળી ઊઠ્યાનો ચોખ્ખો ભાવ હતો અને તેના હોઠ ઊધડી ગયા હતા. ફરીથી તેણે બાપુજી સાથે મનોમન નિકટતા અનુભવી.

પિરિઅડ પૂરો થયો છે તેવું સૂચવતો ઘંટનો રણકાર બંદૂકની ગોળીનો ભડાકો થાય અને કબૂતરોનું ઝુંડ હુડુડુડુ કરતું ઊડી જાય તેમ વર્ગમાંથી બહાર ધસી જતા છોકરાઓ, પટેલમાસ્તરના કરડા આકારનું ઓગળી જવું, પાસે આવીને ઊભા રહેલા અનિલની આંખોમાં વંચાતી સહાનુભૂતિની લિપિ- એ સર્વને વળોટીને તિલકનું નાનકું અસ્તિત્વ તેના બાપુજીની બે આંખોના ગોખલાઓમાં લપાઈ ગયું હોય તેમ તે ક્ષણોએ તે ત્યાં હોવા છતાં ન હતો, અને આકાશમાં કાળાં ડિબાંગ બની ગયેલાં વાદળો છેક નીચે ઝળૂંબી આવ્યાં હતાં, વર્ગખંડમાંનો ઉજાસ સાવ ઝંખવાઈ ગયો કે પોતાની નબળી આંખોને કારણે એમ લાગતું હતું-? આ પ્રશ્ન જાગે તેટલી તિલકની વય ન હતી છતાં કોણ જાણે કેમ, તિલકને દાદીમાના મૃત્યુ પછીના દિવસો યાદ આવી ગયા, જ્યારે આખું ઘર આવું જ ઝાખું ઝાખું લાગતું હતું. તેણે વર્ગની બહાર દ્રષ્ટિ કરી. શાળાના મેદાનમાં છોકરાઓ તોળાઈ રહેલા વરસાદની ચિંતા કર્યા વગર, અથવા કદાચ તેથી જ, બેવડા ઉત્સાહથી રમતા હતા. તિલકના પગમાં થોડીક પળો માટે થનગનાટ જાગ્યો અને ઓસરી ગયો; ના, નથી જવું. મેદાનને બદલે સફેદ અક્ષરો વગરની કાળા બરફની લાદી ગોઠવાઈ જાય તો?

વરસાદ તૂટી પડ્યો. વરસતો જ રહ્યો; તિલક ઘેર પહોંચ્યો ત્યાં સુધી. બધું ભીંજાઈ ગયું હતું- શરીર કપડાં, દફતર, આંખો...

શાળામાં અને ઘેર સુધીના રસ્તે તેના મનમાં લગભગ અપરિચિત એવો એક શબ્દ વર્તુળાયા કર્યોઃ ચશ્માં. પટેલમાસ્તરના મુખેથી એ શબ્દ કાંઈ પહેલવહેલી વાર નહોતો સાંભળ્યો. સામે બારણે રહેતા ધીરજલાલ દેસાઈ લખતી-વાંચતી વખતે ‘બેતાળાંનાં ચશ્માં’ પહેરતાં હતાં. ચશ્માં ટૅબલ પર મૂકીને દેસાઈ અંદરના ઓરડામાં ગયા હોય ત્યારે તિલકે એક-બે વાર એ પારદર્શક કાચને અને ધાતુની ફ્રેઈમને બીતાં બીતાં અડકી લીધું હતું. એકાદ વાર એ ચશ્માં પોતાની આંખે ચઢાવી તે જોયાં હતાં. બધું ઝાંખું ઝાંખું લાગતાં ગભરાઈને ચશ્માં ઉતારી નખ્યાં હતાં. ભણવાની ને બીજી ચોપડીઓમાં સ્ત્ર્ર્-પુરુષોનાં ચિત્રોમાં આંખો ફરતે પેન્સિલ વડે કુંડાળા કરવાની ગમ્મત...

ભાગીરથીએ તેને ખોળામાં લઈ લૂગડાના પાલવ વડે તેની આંખોનાં આંસુ લૂછ્યાં ત્યાં સુધીમાં નિગમશંકર પણ પાસે અવીને બેસી પડ્યા. તિલકનું રડવાનું તત્ક્ષણ બંધ થઈ ગયું અને તેણે પહેલાં બાપુજીની આંખોના ખાડા તરફ ને પછી બાની પાણીદાર આંખો તરફ જોયા કર્યું. તેણે તેની ટચૂકડી અનામિકા બાપુજીની અને બાની આંખો ફરતે ચશ્માંના આકારમાં ફેરવી જોઈ. તેના આ ચાળાથી ચકિત બનેલી ભાગીરથીએ સંચિત સ્વરે પૂછયુંઃ
‘તિલક, બેટા, તું આ શું કરે છે?’
‘બા...’ તિલકના અવાજમાં ઠરડાટ હતો, ‘બાપુજી ચશ્માં કેમ નથી પહેરતા?’
‘ચશ્માં પહેરું તો યે મારો અંધાપો જાય તેમ નથી દીકરા!’ નિગમશંકરે જવાબ દીધો.
‘દેસાઈકાકા તો પહેરે છે.’
‘એ કાંઈ મારી જેમ આંધળા થોડા છે? તેમને તો બેતાળાં આવ્યાં છે.’
‘નિશાળમાં માસ્તરે મને પણ ચશ્માં પહેરવા કહ્યું છે...મારી આંખો...’ અને તિલક ફરીથી ડૂસકાઈ ગયો.

નિગમશંકરના હ્રદયમાં, કહો, એમના સમગ્ર અસ્તિત્વમાં ખટાક દઈને જાણે ભાલાનું આખું ફળું ભાંગી ગયું. ધગધગતા લોહીના ફીણભર્યા ઉછાળથી તેમના શ્વાસ શ્વાસ ઊભરાઈ ઊઠ્યા. રોકવા છતાં તેમને મધ્યાહનની પેલી ક્ષણ યાદ આવી જ્યારે રજેરજ ઉજાસ હણાઈને નામશેષ થઈ ગયો હતો અને અંબાડોસીનો કાગળ... તેમને લાગ્યું કે શીતળાના દાણાથી શરીરનો તસુએ તસુ ભરાઈ જવાની, આંખનો ડોળો બહાર નીકળી પડવાની વેદના તેઓ ફરીથી અનુભવી રહ્યા હતા... અને સાંભરી આવી ભદ્રશંકરની મરણપથારી, જ્યાં તેઓ મોતિયાના અને આવી રહેલા મૃત્યુના અને ફોગટ જીવતરના ત્રિવિધ અંધકારના દળકટક હેઠળ દબાઈને કણસતા હતા અને પિતા-પુત્ર વચ્ચે અંધત્વ સિવાય કશું સામ્ય ન હતું. પણ એટલી સમાનતા યે કાંઈ ઓછી હ્રદયવિદારક હતી?

તેમણે તેમનો થરથરતો હાથ તિલકના ચહેરા પર પસવાર્યો. તેની નાની નાની આંખો પર તેમની આંગળીઓ પીંછાની જેમ ફંફોસતી રહી. તિલક, તેમનું જ લોહી, પણ તેને ક્યારેક જોયો તો નથી જ. માત્ર સ્પર્શથી અને ભાગીરથીના વર્ણનથી તેના અણસાર પામવાની મથામણ કરી છે. તિલક જ નહિ, અટકળ અને અભ્યાસ, સ્પર્શ, શ્રવણ, ઘ્રાસ અને સ્મૃતિથી જ સમગ્રતા અનુભવવાની હતી. ભાગીરથીના હોઠથી માંડીને સામવેદના મંત્રોમાં પથરાયેલી અમૂર્ત સમગ્રતા. સોળ વર્ષની વય પહેલાં જે જોયું તે જ જોયું; પછી તો નિતાન્ત અદર્શન. બાપનો અણગમતો ચહેરો, માની રાંક મુખમુદ્રા, શેરી પરનું ધૂમિલ આકાશ, પાઠશાલાની જીર્ણ ભીંતો, પોથીમાંની દેવનાગરી લિપિ, વાડામાંની કરેણ પરનાં ફૂલોનો પીળો ધમરક રંગ, બધું હવે તો સ્મૃતિમાં ઘણું ઝાંખું પડી ગયું હતું. શેષ હતો અંધકારનો ખીચખીચ ખંડ.

-અને તિલકની આ આંસુભીની આંખો.
અંધકારની સાંઢણીઓનો કાફલો તૂટતો જ નહોતો કે શું? બાપના મોતિયા, પછી પોતાને શીતળા અને હવે તિલકની ચશ્માંની વાત! કાજળની ડાબલી ઊઘડી. સૂર્ય વાદળો પાછળ ઘેરાયો. અથવા અન્તહીન ખગ્રાસ ગ્રહણ. સૂરજનો મોક્ષકાળ કેમ નથી આવતો હજી? એકમાંથી બીજા ગ્રહણનું ચક્ર વણતૂટ્યું- કોણ છે રાહુ? ભાગ્ય? શાપ ઊતર્યો છે વંશ પર? સૂર્ય શાપિત છે કે શાપદાતા? આ શાપનું નિવારણ નહિ હોય? પુરાણોમાં તો શાપવિમોચનની કેટલી બધી કથાઓ આવે છે! શાપ અને તેનું નિવારણ, બંને કેવળ ભ્રમ? દંતકથા? એ બંને હોય તોયે તે માણસની મુઠ્ઠીમાં જ છે?

નિગમશંકર કંઈક ટાટ્ટાર થયા. તેમણે તિલકને પોતાના ખોળામાં લીધો, તેને માથે હાથ ફેરવી નિશાળમાં શું બન્યું હતું તેની વિગત પૂછી. તિલકે ડૂસકાં લેતાં વાત કરી. ત્યારેય તેની આંખો સમક્ષ વર્ગખંડની બહારનું જુલાઈનું અંધારાયેલું આકાશ ફેલાઈ જતું હતું. નિગમશંકરને મામલતદાર યાદ આવ્યા. તે સલાહ આપશે. બીજું કાંઈ નહિ તો દાક્તર-બાક્તરની ભાળ કરશે. તેમણે તિલકનો ખભો થાબડતાં કહ્યુંઃ

‘જો તિલક, ગભરાઈ ન જવાનું, રડવાનું તો નહિ જ. જે સંજોગ આવે તેનો સામનો કરવાનો. તારી આંખો તો ફક્ત નબળી જ છે ને? ચશ્માંથી ઠીક થઈ જશે. મારી સામે જો. મને તો આંખો જ નથી.’

તિલકે બાપુજી તરફ જોયું. એમના આંખોના ગોખલાનો તેને ફરીથી ભય લાગ્યો.

રાત્રે ધીરજલાલ ડિસ્ટ્રિકથી ઘેર આવ્યા એટલે નિગમશંકર તિલકનો હાથ પકડી તેમની પાસે પહોંચ્યા. પાછળ ભાગીરથી પણ આવી. નિગમશંકરે ઉપર ઉપરની સ્વસ્થતાથી, ભીતરમાં સહેજ ફફડાટ અનુભવતાં તિલકની વાત કરી. ધીરજલાલ પહેલાં ગંભીર બન્યા, પછી હોઠો પર મામલતદારી સ્મિત લાવી ચપટી વગાડતાં બોલ્યાઃ ‘ઓહોહો! ધૂળ જેવી વાતમાં તમે આટલી ચિંતા શું કરો છો નિગમભાઈ? ઊપડી જાઓ તાંજોરકર દાક્તરને દવાખાને. તિલકનાં ચશ્માંના નંબર તે કાઢી આપશે. આ મેં બેતાળાં તેની પાસે ક કરાવ્યાં છે ને? માણસ કરોડો પણ કાબેલ. પછી ઈસા ચશ્માંવાળાની દુકાન તમારા દુર્ગાએ તો દીઠી જ હશે. નંબર પ્રમાણે એ ચશ્માં બનાવી આલશે. બધું મળીને દસ-બાર રૂપિયાનો ખરચ થશે, પણ છૂટકો નથી. આ તો આંખના રતનની જાળવણીનો સવાલ છે.’

‘હા, દેસાઈસાહેબ!’ પકડાઈ ન આવે તેવા નિઃશ્વાસ સાથે નિગમશંકરે હોંકારો પૂર્યો.
‘ભગવાનને પ્રાથના એટલી જ કરવાની નિગમશંકર, કે તિલકને ચશ્માંનો નંબર બહુ ભારે ન આવે.’ ધીરજલાલે જાણે ટાઢો ડામ દીધો.
‘હં...’
‘બાકી આ દસ વરસની ઉંમરમાં છોકરાને ચશ્માં આવે તે સારું તો ન જ કહેવાય.’ મામલતદારે હવે તો હથોડો ઝીંક્યો.
‘દેસાઈસાહેબ, હજી તો એને આખી જિંદગી વિતાવવાની છે ભણવા-ગણવાનું પછીછે ને અત્યારથી જ આમ...’ ભાગીરથીને સ્વરમાંની તિરાડ અછતી ન રહી.
‘ભાગીરથીબહેન, ભણવા-ગણવાનું, વાંચવા-લખવાનું, નિશાળ-ચોપડાં, બધું પછી; પહેલી આંખ; સમજ્યા?’ ધીરજલાલ સાંત્વન દેતા હતા કે નવી નવી શૂળ ભોંકતા હતા?

નિગમશંકરથી હવે રહેવાયું નહિ. તેમણે પૂર સ્વસ્થ અને સબળ સ્વરે કહ્યુઃ
‘જુઓ, ધીરજલાલ, એ વાત તો કરશો જ નહિ. હું સદંતર આંધળો થયો તે છતાં- તે પછી જ આટલું ભણ્યો. મને એનું અભિમાન મુદ્દલ નથી, પણ તેનાથી માણસના પુરુષાર્થમાં મારી આસ્થા વધી છે. તિલકને તો ચશ્માં જ આવ્યાં છે. તે ભણશે નહિ તો શું વતું કરશે?’

ભાગીરથીએ અંધ પતિ તરફ ગૌરવથી જોયું. ધીરજલાલ ગેંગેં ફેંફેં થઈ ગયા.
‘એમ નહિ નિગમશંકર, હું તો...હું તો...’

આગળ તિલક, પાછળ નિગમશંકર, પડખે ભાગીરથી; ઘેર પાછા ફર્યા પછી ભાગીરથી એ પતિને કહ્યુંઃ
‘તમે મામલતદારને સારું ચોપડાવ્યું. એ એની ફિશિયારીમાંથી જ હાથ કાઢતા નથી.’
‘ચોપડાવ્યું તો ખરું રથી, પણ વાત સવા સરળ નથી હોં. તિલકને અત્યારથી આંખે ચશ્માં આવે તે-’
‘ચિંતા કરશો? તમે?’
‘નહિ કરું. હું ભૂલી ગયો. તું મારી પડખે છે.’ નિગમશંકરે ભાગીરથીની હડપચી શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો.

રાત્રે તિલક ઊંઘી ગયો તે પછી નિગમશંકરે ભાગીરથીને કહ્યુંઃ
‘એક વાત પૂછું રથી?’
‘કેમ, આજે રજા માગવી પડે છે?’
‘વાત એવી છે એટલે.’
‘આટલો વ્હેરો-આંતરો ક્યારથી લાવ્યા?’
‘મને કહે રથી, તેં મને-મારા જેવા આંધળાને સા માટે પસંદ કર્યો? તને ખંચકાટ ન થયો? તેં ના કેમ ન પાડી? તને મારી સાથે શું સુખ-’

નિગમશંકરના મુખ પર ભાગીરથીનો હાથ મુકાઈ ગયો. પછી તેણે પૂછ્યુંઃ
‘આજે જ - આટલે વરસે કેમ આ બધું પૂછવું પડ્યું?’

વજનદાર ચૂપકીદી છવાઈ ગઈ ઓરડામાં
‘બોલો ને! કેમ જવાબ ન આપ્યો?’

તો યે નિગમશંકરનું મૌન ન તૂટ્યું.
‘તિલકનાં ચશ્માંની વાત આવી એટલે તમને આ બધા વિચારો આવ્યા, ખરું ને?’ પતિની છાતી પર માથું મૂકતાં ભાગીરથી એ કહ્યું.
‘તું મારિ અન્તર્યામી છે.’
‘જુઓ, આવા બધા વિચારો નહિ કરવાના. તિલક- કહું, કેવો થશે? સૂરજ જેવો.’
‘પણ સૂર્યને ગ્રહણ-’
‘એનો યે મોક્ષ થાય જ ને?’
‘તું મા છે એટલે એમ કહે છે; પણ મારા સવાલો ઊભા જ છે.’
‘હું તમને પરણી, આટલાં વરસથી તમારી પડખે છું, તેમાં જ મારા જવાબોનથી આવી જતા?’
‘ના. પૂરેપૂરા નહિ. મારી સાથેના લગ્નની નવી માની દરખાસ્ત તેં નકારી કેમ ન કાઢી?’
‘આસ્થા. ધીરજલાલને તમે એ જ કહ્યું ને? માસીબામાં મને આસ્થા હતી. તેઓ મારું બૂરું તાકે જ નહિ.’
‘નવી માને મારા તરફ જુદો જ ભાવ હતો એ તેં અગાઉથી જાણ્યું હોત તો?’
‘શો ફેર પડત? માસીબા માણસ ન હતાં? એમને ઈચ્છાઓ ન થાય?’
‘પણ આ તો તારા જીવતરો સવાલ હતો.’

‘જીવતર આપનાર ને તેને જોગવનાર આપણે ક્યાં છીએ?’
‘ક્યાંથી શીખી તું આ બધું?’
‘કાશી ભણી આવેલા એક પંડિત પાસેથી.’ ભાગીરથીએ હાસ્ય વેર્યું. નિગમશંકર એ હાસ્યમાં ઓગળી ગયા. પછી ભાગીરથીએ અંતરના ઊંડાણમાં ડૂબકી મારી ખાસ્સી વારે સપાટી પર આવતાં કહ્યુંઃ
‘તમે દેખી શકતા નથી તેની ખોટ મને ક્યારે ય સાલી નથી- તમે સાલવા દીધી નથી. તમે મને સગી આંખે દીઠી નથી, પણ આમ તો તમે મને જ જુઓ છો. તમારી વિદ્યા અને હું અને પછી તિલક, એ ત્રણ સિવાય ચોથું કોઈ છે જ ક્યાં તમારા મનમાં? તમારાં વેદમંત્રો અને હું, બંને તમારે મોઢે! તમે દેખતા હોત તો દુનિયાની બીજી કેટલી યે માયા તમને વળગી હોત!’ અને ભાગીરથીએ પતિના આંખના ખાડાઓમાં એક એક હળવી ચૂમી ભરી લીધી. નિગમશંકરે તેને હ્રદયસરસી ચાંપતાં કહ્યુઃ ‘હું તને દ્રષ્ટિ આપીશ તેવું મારું અભિમાન તેં ઉતાર્યું રથી! તેં મને આંખ અને દ્રષ્ટિ બંને આપ્યાં છે.’ પછી ઉમેર્યુંઃ ‘ઈચ્છું છું કે તિલકને તારા જેવી વહુ મળે!’

હાસ્યના ફીણમાંથી ભાગીરથીએ માંડ કહ્યુંઃ
મારાથી યે ચઢિયાતી!

સૂર્ય વાદળો સાથે સંતાકૂકડી રમતો હતો, પણ વરસાદની શક્યતા ન હતી. દુર્ગાશંકરે છત્રી રાખવાનું કહ્યું, પણ નિગમશંકરે ના પાડી. તેમનો એક હાથ દુર્ગાએ, બીજો તિલકે પકડ્યો. અલ્યા દુર્ગા, તેં દાક્તર તાંજોરકરનું દવાખાનું દીઠું છે ને? તેમણે ત્રીજી વાર એકનો એક પ્રશ્ન પૂછ્યો. હા ગુરુજી, મેં પાટિયું વાચ્યું છે. દુર્ગાનો ઉત્તર પણ પુનરાવર્તન સમો હતો. નિગમશંકરે લાલ પહોળી કિનારવાળું ધોતિયું ચારે છેડે પહેર્યું હતું. માથે ચકરી પાઘડીમાંથી ડોકાતો તોરો, શરીરે ઉપરણું, પગમાં દક્ષિણી જોડા, કપાળે ચંદનની અર્ચા, ગળામાં રૂદ્રાક્ષની માળા.

અલ્યા, દુર્ગા, તારા આ દાક્તરના દવાખાનાનો દાદર તો બહુ સાંકડો ને અટપટો લાગે છે. તાંજોરકરના દવાખાનાનો દાદર ચઢતાં શ્વાસભેર નિગમશંકર બોલ્યા.
હા, ગુરુજી! સાચવીને ચઢજો હોં. મારો હાથ બરાબર સાહી રાખ્યો છે ને?

તું ફિકર ન કર. આવી દશામાં હું તો બદરીકેદાર જાઉં તેવો છું. - કહી મહામુશ્કેલીએ નિગમશંકર દાદરનાં પગથિયાં એક પછી એક ચડવા લાગ્યા.
પ્રારંભમાં જ ગેરસમજ થઈ. ડૉ. તાંજોરકર સમજ્યા કે આ કોઈ દક્ષિણા ઉઘરાવવા નીકળેલો બ્રાહ્મણ છે. તેમણે ક્રોધ કર્યોઃ નીકળી પડ્યા છે ભામટાઓ કોણ જાણે ક્યાંથી... વગેરે... થોડીક પળો નિગમશંકર ચૂપચાપ સાંભળી રહ્યા, પછી તેમણે ઠંડા શારી નાખતા અવાજે કહ્યુંઃ

તમે જ દાક્તર છો ને?
શું છે તેનું?
જરા ધીરજ રાખો સાહેબ! હું કાંઈ દક્ષિણા ઉઘરાવવા નીકળેલો ભિક્ષુક નથી. હુ તો દર્દી તરીકે તમારા દવાખાનામાં-
પણ તમારે માટે હું શું કરી શકું તેમ છું! તમે તો સદંતર-

હા, હું આંધળો છું, પણ તમને જોઈ શકું છું. સમજ્યા? મેં કહ્યું ને? ધીરજથી મારી વાત સાંભળો. મારા દીકરાની આંખો તપાસવાની છે.
ફીના પૈસા લાવ્યા છો મહારાજ?

દાક્તર! આપણે તો જાણે પાઠ અદલબદલ કર્યા! જુઓ, હું કદી હાથ લંબાવતો નથી અને કોઈની પાસે મફત કામ લેતો નથી. નિગમશંકરે તણખા વેરતાં કહ્યું, પછી ઉમેર્યુંઃ ક્યાં ગયો દુર્ગાશંકર? દાક્તરને અગાઉથી ફી આપી દે, એટલે એમને ભરોસો બેસે.

નિગમશંકર ડૉક્તરનો ચહેરો જોઈ શકે તેમ ન હતા, પણ એમણે વિચાર્યું કે એ ચહેરામાં ઘુવડ, વરુ, શિયાળ, ગીધ વગેરેનું મિશ્રણનું થયું હશે. બાડી ખીચડિયા ભમ્મર, પહોળાં ચોરસ જડબાં, મોટી મૂછો, ઘોઘરો અવાજ, જાડું શરીર- દાક્તરનું આ સ્વરૂપ તિલકના મનમાં અણગમો અને ભય પ્રગટાવવા માટે પૂરતું હતું. તેમા તાંજોરકરનો પહેલે જ પગલે કઠોર વ્યવહાર. એટલે જ જ્યારે તાંજોરકર તિલકની આંખમાં દવા મૂકવા માટે તેને ટેબલ પર સુવડાવ્યો ત્યારે ભયથી તેનું હ્રદય ફફડી ઊઠ્યું અને તેણે ચિત્કાર કર્યોઃ બાપુજી...! નિગમશંકર તેની પાસે જ હતા, અવાજને આધારે તેનો ચહેરો શોધી કાઢી તેને માથે હાથ ફેરવતાં તેઓ બોલ્યાઃ તું ગભરાઈશ નહીં તિલક! હું અહીં જ છું. જો, હું આદિત્યાનામ અહં વિષ્ણુઃ નો શ્લોક-જાપ કરું છું... ભગવાન વિષ્ણુ અને સૂર્ય બધાં સારાં વાનાં કરશે. અને એમના હોથ ફફડતા રહ્યા. હવે કાલે આવજો. કહી ડૉક્તરે તિલકને ટેબલ પરથી ઉતારી મૂક્યો.

દવાખાનાનો સાંકડો, અટપટો દાદર ઊતરતાં લડબડી જતા નિગમશંકરે દુર્ગાનો ખભો તો પકડ્યો હતો, પણ આંખોમાં દવા પડવાથી તિલકને બધું ભૂરું અને ઝાંખું લાગતું હતું તેથી બાપુજીનો હાથ પકડવા જેટલી સ્વસ્થતા તેનામાં ન હતી. તિલકને ભય અને વિસ્મય થતાં હતાંઃ આંખમાં દવા પડતાંવેંત બધું ભૂરું! બાપુજીનું સફેદ ધોતિયું જાણે ગળી કરી હોય તેવું! દુર્ગાની ક્ફની ભૂરા રંગમાં ઝબોળી દેવાઈ હતી? સામા મકાનની દીવાલ સફેદ હતી કે વાદળી? આસમાની રંગનું આકાશ વધારે આસમાની લાગતું હતું કે લગભગ કાળું...? ઘરના થાંભલા સાથે ડોકું ઘસે છે તે કૌમુદી ગાયનો દૂધ જેવો ઊજળો રંગ પણ હવે ભૂરો... વાડામાંના પારિજાતનાં ફૂલ ભૂખરાં... તિલક ઘણું સમજી શકે તેમ હોત તો તેને આમ લાગ્યું હોત કે તે ફૂગ ચઢેલા દેશમાં આવી ચઢ્યો છે.

પણ બીજે દિવસે તાંજોરકરે તિલકના નાક પર લોખંડની જાડી ખાલી ફ્રેઈમ મૂકી અને તેમાં એક પછી એક કાચ ગોઠવી તેનાં ચશ્માંના નંબર કાઢવા માંડ્યા ત્યારે તેણે એકસાથે ભૂખરાશનો અને તડકાની ઉજ્જવળતાનો અનુભવ કર્યો. કાચ મુકાય એટલે બધું ઝળાંઝળાં, કાચ ઊંચકી લેવાય એટલે નરી ઝાંખપ. સામી દીવાલ પરના ચાર્ટમાંના અંગ્રેજી-ગુજરાતી અક્ષરો પણ તેની સાથે સંતાકૂકડી રમતા હતા. ચશ્માના કાચની સાથે જ જાણે એ અક્ષરોનું હોવું- ન હોવું આધારિત હતું. અંધારાં-અજવાળાં, દર્શન-અર્ધદર્શન, અસ્તિ-નાસ્તિની આ રૂદ્ર- રમ્ય લીલાથી તિલકની કૂણી છાતીનું તૂટું તૂટું થવું અને...

માઈનસ ચાર અને સાડાચાર...
ચશ્માંની કાચની કંઈક ગડમથલને અંતે ડૉક્ટર આવું કશુંક બોલ્યા ત્યારે તિલક નિગમશંકરના ખોળામાં હતો અને દુર્ગા પાસે ઊભો હતો. નિગમશંકરે ડૉક્ટરના એ શબ્દોનો મર્મ ઉકેલવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. તિલકે વારાફરતી તાંજોરકર, બાપુજી અને દુર્ગાશંકરની સામે જોઈ લીધું. ડૉક્ટરે ચશ્માંના નંબરનું કાગળિયું લંબાવતાં ઘોઘરા અવાજે કહ્યુંઃ

મહારાજ, તમારા આ દીકરાને કાલ ને કાલ સ્કૂલમાંથી ઉઠાડી લ્યો. એની આંખો બહુ નબળી છે. અત્યારથી જ કાળજી નહિ રાખો તો તેને ભવિષ્યમાં મુશ્કેલી પડશે. આ ઉંમરે આટલા નંબર સારા નહિ. સમજાય છે મારી વાત?

નિગમશંકર નિઃસ્તબ્ધ બની તાંજોરકરના અવાજની દિશામાં ફર્યા, ત્યાં ડોક્ટરે તિલકને ઉદ્દેશીને કહ્યુંઃ
જો છોકરા, તારું ભણવા-વાંચવાનું આજથી બંધ. ચોપડીને હાથ પણ ન લગાડવાનો. તારા બાપુજીની જેમ તારે આંખો ન ગુમાવવી હોય તો સ્કૂલ છોડી દેજે. એમનો ધંધો શીખવા માંડ. કે પછી ગાયન-વાદન! હું તો ડૉક્ટર છું, ચેતવણી આપી જાણું.

તિલકને લાગ્યુંઃ એની ભીતર ચકલીનાં ઢગલો ઈંડા ઊંચેથી પડી પડીને ફૂટી રહ્યાં હતાં. તેણે બાપુજીનો આશરો શોધ્યો. તેની અસહાયતા તરી આવી. તે ખરેખર બાપુજીને જોઈ શકતો હતો? દુર્ગા તેને દેખાતો હતો ખરો? સામેની ખુરશી પર દાક્તર બેઠા તો હતા ને? ટેબલ પર પડેલી કલમ... પુસ્તકો... ખંડમાંની ખુરશીઓ... દવાખાનાની બારીમાંથી દેખાતો આકાશનો ટુકડો... તિલકે આંખો ઉઘાડબંધ કરી... તેને તેની શાળા, શિક્ષકો, વિદ્યાર્થીઓ, બ્લૅકબૉર્ડ, નકશા, પૃથ્વીનો ગોળો, સ્કૂલની લાઈબ્રેરીના કબાટોમાં હારબંધ ગોઠવેલાં પુસ્તકો, શાળાના મેદાનમાંના લીમડામાં ભેરવાયેલા પતંગો, બધું યાદ આવી ગયું. એ બધું છોડવું પડશે? ડૂમો ભરાઈ ગયેલી છાતી સાથે તે નિગમશંકરના પડખામાં જાણે કે વિખરાઈ ગયો. નિગમશંકર પુત્રનો મૂંગો વલોપાત પારખી ગયા. તેઓ ઊભા થયા, પછી બોલ્યાઃ દુર્ગા, દાક્તરને તેમની ફીના પૈસા આપી દે

દુર્ગાએ તેમ કર્યું,
મારી વાત ધ્યાનમાં રાખજો. છોકરાનું ભવિષ્ય ન બગાડશો.

નિગમશંકરની પીઠ પાછળ તાંજોરકરના શબ્દો સર્પની જેમ ડંખી ગયા. હવે નિગમશંકર ઊભા રહી ગયા. તેમણે પોતાનું માથું સહેજ ટટ્ટાર કરી ડોક્ટર તરફ અડસટ્ટે ફરી એ જ ઠંડા, વીંધી નાખતા અવાજે કહ્યુંઃ દાક્તરસાહેબ, આપની સલાહ માટે આભાર, પણ... અને તેઓ બે પળ? થંભ્યા, પછી બોલ્યાઃહું સોળ વર્ષનો હતો ત્યારે શીતળાનાં કોપમાં મારી બંને આંખો ગઈ. ઈશ્વરે જાણે છે કે હું અભિમાની નથી, પણ દાક્તરસાહેબ, અંધાપો આવ્યા પછી જ મારું ખરું વિદ્યાજીવન શરૂ થયું. તમે તમારાં ક્ષેત્રમાં જેટલું ભણ્યા હશો તેટલું તો હું મારાં ક્ષેત્રમાં ભણ્યો જ હોઈશ. તમે કાઢી આપેલા ચશ્માંના નંબર તો ઠીક, સાક્ષાત શીતળામાતા પણ મારા તિલકને ભણતો નહિ રોકી શકે. અને નિગમશંકર તેમના અંધત્વ સાથે અસંગત લાગે તેટલી ત્વરા અને સ્પષ્ટતાથી દવાખાનું વટાવીને દાદર સુધી પહોંચી ગયા ત્યારે દુર્ગો અને તિલક પાછળ રહી ગયા હતા. દાદર ઊતરતી વખતે નિગમશંકરના મુખમાંથી અર્ધસ્ફૂટ શબ્દો સરતા રહ્યાઃ
આદિત્યો જ્યોતિરાદિત્યઃ સહિષ્ણુ ગતિસત્તમઃ॥

પગથિયાં પૂરાં કરી નીચે રસ્તા પર આવી નીચા નમી તિલકને ખભે હાથ મૂકી તેમણે પૂછ્યુંઃ દીકરા, નિશાળે જઈશ ને? દાક્તરની વાતથી તું ગભરાતો તો નથી ને?

ના, બાપુજી, હું સ્કૂલે જઈશ. તિલક ધીમા પણ ચોખ્ખા અવાજે બોલ્યો. તેની આંખો સમક્ષ ફરીથી કલાસરૂમની દીવાલે લટકતો દુનિયાનો નકશો ચિતરાઈ ગયો. પૃથ્વીનો ગોળો તો ચોખ્ખો ફૂલ દેખાતો હતો. તેને લાંગ્યુઃ સ્કૂલના મેદાનમાં લીમડાની ડાળીઓ ભેરવાયેલો પતંગ પાછો આકાશમાં પહોંચી ગયો હતો.

શાબાશ
! નિગમશંકરે ઉદગાર કાઢ્યો.
ઈસા ચશ્માંવાળાની દુકાન અને ત્યાંથી ઘર સુધીના આખા રસ્તે નિગમશંકરના મુખમાંથી શ્લોકો અને મંત્રોનું ધીમું રટણ ચાલું રહ્યુંઃ
રવિર્વિરોચનઃ સૂર્યઃ સવિતા રવિલોચનઃ

પછી બોલ્યાઃ
જ્યોતિષામ અપિ તદ જ્યોતિઃ તમસઃ પરમુચ્યતે

પળકે રસ્તા વચ્ચે જ થોભ્યા, આકાશ તરફ માથું ઊંચું કર્યું, પછી ગણગણ્યાઃ
તેજ સામ્યધિકૌ સૂર્યાત સર્વલોકવિરોચનાત

ઘેર પહોંચીને તેઓ સીધા પોથીઓવાળા ઓરડામાં ચાલ્યા ગયા. ક્યાંય સુધી તેમાં ફરતા રહ્યા. ફરીફરીને તેમણે પોતાની પોથીઓ અને પુસ્તકોને હાથ વડે સ્પર્શ કર્યા જ કર્યો. કેટલીક પોથીઓને ઊંચકીને પોતાની આંખોના ખાડા સાથે ચાંપી. તેઓ બોલી ઊઠ્યાઃ મા, મારા દીકરાની વિદ્યાભાવનાના દીવાને ઠરવા ન દેતાં...

થોડી વારે ભાગીરથી ત્યાં આવી. પતિની વિહવળતાને સમજી ગઈ હોય તેમ ચૂપચાપ ઊભી રહી ગઈ, પણ હવાની ગંધ બદલાતાં જ નિગમશંકર બોલ્યાઃ કોણ આવ્યું છે? રથી તો નહિ?
હા, હું જ છું- કહી ભાગીરથી તેમની નજીક ગઈ.

શું કરો છો ક્યારના એકલા અહીં? ભાગીરથીએ પતિના ખભે હાથ મૂકી પૂછ્યું.
મારાં સ્વજનોને મળીને તેમની પાસે આપણા તિલકના રક્ષણની યાચના કરતો હતો.

તિલકના રક્ષણની?
હા, રથી! કહી નિગમશંકરે ભોંય પર બેસી પડ્યા. લીંપણવાળી ફર્શ પર ભાગીરથી પણ તેમના પડખામાં ગોઠવાઈ.
દાક્તરે તિલકને નિશાળેથી સમૂળગો ઉઠાડી લેવાની સલાહ દીધી. તિલકની આંખો ઘણી નબળી છે- ઉંમરના પ્રમાણમાં.
હં...ભાગીરથીનો વૈશાખી લૂ જેવો નિઃશ્વાસ વહી આવ્યો.

વાંચવા- લખવાનું મુદ્દલ બંધ કરવાનું કહ્યું. ચોપડીને હાથ સરખો યે ન લગાડવાનો. નિગમશંકરનો અવાજ તૂટતો ગયો, દાક્તરે મોઢે તો તેમની વાતને ઠોકર મારીને ચાલી આવ્યો છું, પણ પછીથી અંદરથી ભાંગી પડ્યો છું રથી! તિલકને આટલી ઉંમરથી...કશોક આધાર જરૂરી હતો એટલે સીધો આ ઓરડામાં... જેણે મને ઓથ આપી તે તિલકને પણ આપશે તેવી આશાએ...

હં... ભાગીરથીની નિઃશબ્દતા હજી તૂટતી ન હતી.
બાપની આંખો મોતિયામાં ગઈ... મારી શીતળાએ ખૂંચવી... હવે તિલકનો વારો આવશે...? કોણ અમારા કુળની પાછળ પડી ગયું હશે...? શાપ હશે...? કોઈ પાપની શિક્ષા છે આ?

આવા બધા વિચારો ન કરો. તમે તો જ્ઞાની છો.
મારું જ્ઞાન તિલકની આંખોમાં તેજ શી રીતે પૂરી શકે?
આસ્થા રાખો. તેમાંથી જ તિલકને કંઈક મળશે.
પ્રયત્ન કરું છું રથી, પણ હામ તૂટે છે.
હું છું, મારાથી વધારે આ પોથીઓ ને પુસ્તકો છે, પછી તમારે શાની ચિંતા છે?

ધર્મને હું સ્વીકારું છું, પણ અંધશ્રદ્ધાળુ નથી, છતાં શાપ અને તેના વિમોચનના વિચારોને હું પૂરા અટકાવી શકતો નથી.
તમે ઊલટું નક્કી કર્યું હોત તો હું તિલકને લઈને મારે પિયરે ચાલી જાત અને તેને ત્યાં ભણાવત.
તો આપણું દાંપત્ય વધારે ઉજમાળું બનત.
હવે નરવા બનો. નિશ્ચય કર્યા પછી ભાંજગડ શી?
રથી, લાગે છેઃ આ પોથીઓ કરતાં યે મને તારો આધાર વધારે છે.
એવું ન બોલશો. પોથીઓ છે તો તમે છો ને તમે છો તો હું. એ તો આપણી ગોત્રેજ છે, કુળદેવી છે.

નિગમશંકરે ભાગીરથીને ખભે માથું ઢાળી દીધું. ભાગીરથીએ ત એમની લાંબી શીખામાં પોતાની સુકોમેળ આંગળીઓ ગૂંથ્યા કરી. નિગમશંકર બોલ્યાઃ
રથી! કદાચ સૂર્યના શાપ જેવું કંઈક હોય અને આપણો વંશ તેના કૂંડાળામાં આવ્યો હોય તો યે આ બ્રહ્માંડમાં ઈશ્વર સૂર્યથી યે અનેકગણા તેજસ્વી છે. તેજસામ્યધિકૌ સૂર્યાત્...ઈશ્વર સૂર્યથી ક્યાંય વધારે સુંદર ને પ્રકાશમાન છે, કારણ તે સર્વ લોકને ઉજ્જવળ કરી શકે છે. આપણું શરણ એ છે.

ભાગીરથીએ કાંઈ બોલ્યા વિના પતિના ખભાને થપથપાવ્યા કર્યો. નિગમશંકરે કહ્યુંઃ
ગીતાનું પેલું વચન તો તું જાણે છે ને?
ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ
યદ ગત્વા ન નિવર્તન્તે તદ્વામ પરમં મમ...

રથી, આપણે તો તે ના એ ધામ નાં યાત્રાળુઓ છીએ... રસ્તે સૂરજનો રથી, આપણે તો યે ભલે અને ઘોર અંધારુ આવે તો યે ભલે... આપણી યાત્રા નહિ અટકે...
કાશી તમારી રગરગમાં વસેલી છે તિલકના બાપુ!
અને તું?

નિર્મળ હાસ્યથી વિષાદના ધુમ્મસના થોડાક થર વિખેરાઈ ગયા...

તિલકને એ રાત્રે સ્વપ્નું આવ્યુંઃ ઊંચો કાળો જીંથરિયો દાંતિયાં ખિખિયાટા કરતો ગોરીલો વાનર ડૉ. તાંજોરકરને મળતો ચહેરો લઈ ધસી આવ્યો. તિલકે ત્યાં પોતાને જાડા કાચની પારદર્શક કોટડીમાં પુરાયેલો જોયો. તેના હાથ-પગ બાંધેલા, મોઢામાં ડૂચો, આંખે પાટાને બદલે કાળો ધમ્મર નાગ. કાચની કોટડીની બહાર લીલાંછમ્મ વૃક્ષો, પણ તેના પર ફળફૂલને બદલે રૂપકડી ચોપડીઓ લુમ્બઝુમ્બ. ગોરીલાએ દોટ કાઢીને કોટડી સાથે અફળાઈ તેની કચ્ચર કચ્ચર કરી નાખી. એની અસંખ્ય કરચો તિલકને શરીરે બાવળની કાંટ્યની જેમ ભોંકાઈ. તે લોહીલુહાણ. વૃક્ષો ઠૂંઠાં બની ગયાં. ચોપડીઓ ખર ખર ખરીને રાખ. આંખે વળગેલાં નાગે બંને આંખો પર એકકેક ડંખ દેતાં તિલકે કાળી બળતરા અનુભવી. તે ચીસ પાડીને જાગી ગયો ત્યારે નિગમશંકર પાછલી રાત્રે ખૂણામાં પદ્માસન વાળી રટતા હતા:
‘તેજ સામ્યધિકૌ સૂર્યાત્....’

ઈસાભાઈએ તિલકની આંખો પર પિત્તળની ફ્રેઈમ પર મઢેલાં ગોળાકાર ચશ્માં ગોઠવ્યા અને તત્ક્ષણ તિલકને લાગ્યું: તે ઝગારા મારતા તડકાના મુલકમાં આવી ચઢ્યો હતો. અક્ષરોનો ચાર્ટ, ઈસાભાઈની દાઢીના તાંતણા, બાપુજીની મૂછના વાળ, દુર્ગાની હડપચી પરનો ઝીણકો તલ, બધું ચોખ્ખું અને સાવ પાસે આવી ગયું હોય તેવું કળાયું. તિલકની નસોમાં લોહી ધોધમાર વહેવા લાગ્યું. તેણે ચશ્માં કાઢી નાખ્યાં. પળવારમાં તડકીલી દુનિયા ધુમ્મસભરી ખીણમાં ગાયબ થઈ ગઈ. તેને ભય લાગ્યો. ઝટપટ ફરીથી ચશ્માં પહેરી લીધા. કૂવામાંથી પાણી ભરેલી ડોલની સાથે બહાર આવતા સૂરજના પ્રતિબિંબની જેમ ઊજળી દુનિયા ખીણમાંથી ઉપર આવી.

ઘરમાં તે પોતાની પાસે હતી તે બધી જ ચોપડીઓનો પથારો પાથરીને વચ્ચે બેઠો. એક ચોપડી લે થોડી વાંચે, મૂકે, બીજી લે, વાંચે, ત્રીજી... તેને વિચાર આવ્યો: વાડામઆં પારિજાતના ઝાડની બાજુમાં ચોપડીઓનું એક ઝાડ ઉગાડી ન શકાય? હું એને પાણી પાઈશ. બાપુજી ખાતર આપશે. બા ચકલાંથી તેને છેટું રાખશે. ઝાડના થડની બખોલમાં હું મારાં ચશ્માં મૂકી રાખીશ. ઝાડને છાયડે બેસીશ. ટપ્પ દઈને ખોળામાં ચોપડી પડશે. બખોલમાંથી ચશ્માં કાઢી હું તે વાંચવા બેસી જઈશ.

મુકુન્દે તેને શેરીમાં છપ્પો રમવા માટે બૂમ પાડી ત્યારે જ તેનો કલ્પનાતન્તુ તૂટ્યો. ચશ્માં પહેરીને તે શેરીમાં ગયો. બધાં ભેરુઓ તેને વીંટળાઈ વળ્યા. થોડીક મજાક, પછી રમત. તિલક દોડ્યો. એક ભેરુ તેની સાથે ભટક્યો. ધક્કાથી તેનાં ચશ્માં છટક્યાં, સમયસૂચકતાથી તેણે તેને અધવચ્ચે ઝડપી લીધાં. તેનો જીવ હેઠો બેઠો. ‘હું નથી રમતો. મારાં ચશ્માં ફૂટી જાય...’ એમ બોલીને તે ઘરમાં આવી ગયો ત્યારે તેનું ગળું જ નહિ, આખું હૈયું ડૂમાથી ઘેરાઈ ગયું હતું.
*
(ક્રમશ :...)


0 comments


Leave comment