4 - પ્રકરણ ૪ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


અભિજિતની આંગળીઓ સિતાર પર કુશળતાથી ફરતી હતી અને રાગનો આકાર બંધાતો હતો. તિલક તેની સામે બેસીને ચશ્માંના જાડા કાચ પાછળ ઢંકાયેલી આંખોથી તો એ દ્રશ્ય જોતો જ હતો; તેનાથી વધારે તો તેના મન અને હ્રદયમાં તે ન સમજી શકે તેવી બેચેની ઘૂંટાતી હતી.

મામલતદાર ધીરજલાલની બદલી થતાં તે મકાનમાં પંડિત રમાનાથ રહેવા આવ્યા હતા. તેમના તરુણ દીકરા અભિજિતનું તિલકને વિશેષ આર્કષણ થયું કેમ કે તે સિતાર સારી વગાડતો હતો. અભિજિત તિલકથી વયમાં થોડોક મોટો હતો, પણ તેઓ વચ્ચે મૈત્રીનો તન્તુ ઝડપથી વિકસવા લાગ્યો. રમાનાથ સારા શાસ્ત્રીય ગાયક હતા, પણ અભિજિતને સુરીલો કંઠ મળ્યો ન હતો, તેથી તેમણે તેને સિતાર તરફ વાળ્યો. રમાનાથજીને ખરી નિરાશા તો તેમની દીકરી સત્યા વિશે થતી હતી. તે તેમનો સંગીતનો વારસો કોઈ રીતે જાળવે તેમ ન હતી. ઊલટું તેની અલ્લડતા તેની પાસે જાતજાતનાં તોફાનો કરાવતી રહેતી. પંડિત રમાનાથજી તલ્લીન થઈને કોઈ અપ્રચલિત રાગની સાધના કરતા હોય ત્યારે સત્યા બાજુના ખંડમાં ફિલ્મી ગીતના રાગડા તાણવા બેસી જતી. અભિજિતના સિતારવાદનમાં તબલાંની ઠોકાઠોક વડે ખલેલ પાડવાનું તેને બહું ગમતું. રમાનાથજીએ તેના ગળામાં સંગીત ઉતારવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ સત્યા જાણે રમાનાથજીની પુત્રી નહિ, ઔરંગઝેબની વારસ હતી! તેની હરકતોથી રમાનાથજી ગુસ્સો ક્યારેક જ કરતા, ઘણુખરું હસી પડતા. વારંવાર કપાળ કૂટીને નિગમશંકર જેવા તેમના નવા આદરણીય મિત્ર રાવ ખાતા. હજી પેલે દીવસે જ તેમણે કહ્યું: નિગમભાઈ આ છોકરી મારી સંગીતસાધનાની ગંભીરતાને સમજતી જ નથી. હવે એ કાંઈ છેક બાળકી નથી, તો યે તેનાં તોફાનમસ્તી જતાં નથી. અભિજિત સિતાર ન શીખ્યો હોત તો મારી સંગીત વિદ્યા નિર્વંશ જાત. સત્યા વિશે તો મેં હાથ ધોઈ નાખ્યા છે.

એમ ન કહો રમાનાથજી! નિગમશંકરે ગળું ખંખારીને કહ્યું: વિદ્યાના સ્વરૂપો સમય પ્રમાણે બદલાતાં રહે છે. અભિજિત સિતાર શીખ્યો તો સારું થયું, પણ ધારો કે એ ઇજનેર કે દાક્તર થાય તો યે તેણે તે વિદ્યા તો મેળવી જ હોયને? જ્ઞાનથી વધારે પવિત્ર આ જગતમાં બીજું કશું નથી અને જ્ઞાનની કોઈ એક કેડી નથી.

એ સાચું, પણ આપણી પરંપરાગત, કુલગત વિદ્યા-મારા તિલકનો દાખતો આપું, હું સંસ્કૃત, વેદ, દર્શન, બધું ભણ્યો, જ્યારે તિલક ઈગ્રેજી કેળવણી લે છે. મિડલ સ્કૂલનું ભણતર પૂરું કરીને હાઈસ્કૂલમાં આવ્યો છે. ભણવામાં તેને રસ છે. તેમાં તે હોશિયાર પણ છે. વરસોવરસ પાસ થાય છે ને તે સારી રીતે. તેનું ભણતર પૂરું થાય તો બનવાજોગ છે, કે તે શિક્ષક, પ્રાધ્યાપક કે એવું કંઈક બને. તે વેદનો એક મંત્ર પણ નહિ બોલી શકે, પણ તેના ક્ષેત્રનું તેને જ્ઞાન હોય એટલે બસ.

હં...
અને હું જાણું છું કે તિલક કેવી મુશ્કેલીઓ વચ્ચે તેનો અભ્યાસ આગળ વધારી રહ્યો છે. ના, મારી ગરિબ અવસ્થાનાં રોદણાં હું નહિ રડું, સવાલ તિલકની નબળી આંખોનો છે, ક ઉદરતની એટલી અવકૃપા, બીજું શું? જોકે તેનાથી હું, તિલક કે તેની બા હિંમત હારી ગયા નથી. એમ હોત તો તેને ક્યારનો યે નિશાળેથી ઉઠાડી લીધો હોત. પેલા દાક્તરની તો એ જ સલાહ હતી. અમે કોઈએ એ ન માની. તિલક શા માટે ન ભણે? તે સિવાય જેમ હું તેમ તે હોય જ શા સારુ? છોકરો ખેંચ્યે રાખે છે. જેમતેમ તેનું ગાડું ગબડાવે છે. હું દેખતો નથી તો યે તેનો સાક્ષી છું. પહેલી વાર તેને ચશ્માં આવ્યાં તે પછીનાં આ ચાર વરસમાં તેના નંબર દોઢગણા વધ્યા.

એમ?
હા, રમાનાથભાઈ, તિલક કાંઈ એકલું તેનું ભણવાનું જ વાંચે છે તેવું થોડું છે? આવી આંખે ય તેણે તેની નિશાળના પુસ્તકાલાયની ઘણીખરી ચોપડીઓ વાંચી હશે.
પણ તેની આંખો-

એ સારું નથી, નુકસાનકારક છે તેમ હું સમજું છું, તે પણ સમજે છે; પણ એના જીવનનો રસ જ, મારી જેમ, ચોપડીઓ અને ચિત્રપોથીઓમાં જડાયેલો હોય ત્યાં હું, તે કે કોઈ શું કરી શકવાના હતા?
પણ કોઈ ઉપચાર?

કરીએ છીએ. ત્રિફળાના પાણીની છાલકો, કોથમીરના રસ અને મધનું આંખોમાં અંજન, શીર્ષાસન, ગાયત્રીમંત્ર દ્વારા સૂર્યનું અનુષ્ઠાન વગેરે; પણ ફરક પડ્યો હોત તો એટલો કે તિલકના ચશ્માંના નંબર વધતા ગયા છે. વાક્ય પૂરું કરતાં નિગમશંકરથી, બહુ રોકવા છતાં, આછો નિઃશ્વાસ નખાઈ ગયો.

તિલકને યાદ હતું: ચાર વર્ષ પહેલાં ચશ્માં પહેરીને પહેલી વાર તે સ્કૂલે ગયો ત્યારે તેના મિત્રો તેને વીંટળાઈ પડ્યા હતા. કોઈકે મશ્કરી કરી હતી. કોઈકે કાન ખેંચ્યો હતો. લંગડીની રમતમાં જોડાવાના સૂચનને તેણે મારાં ચશ્માં ફૂટી જાય એમ કહીને નકાર્યું ત્યારે અનિલે ચિડાઈને તેને બાયલો કહ્યો હતો.

હજી આજેય રોજ સવારે શીર્ષાસન કરતી વખતે તેને ઊંઘા દેખાતા આસપાસના દ્રશ્યને ભેદીને ક્યારેક પટેલમાસ્તરનો ચહેરો, વર્ગમાંના પાટિયા પર ચૉક વડે લખાયેલા શબ્દો કે આંકડાઓ, પૃથ્વીનો ગોળો અને સ્કૂલના કમ્પાઉન્ડમાં રમતા છોકરાઓનાં ઝુંડ દેખાઈ જાય છે. તેને યાદ આવે છેઃ તે રિસેસમાં ઘણુંખરું લાઈબ્રેરીમાં જતો અથવા ક્લાસમાં પોતાની બેન્ચ પર કે બારી પાસે બેસી રહેતો. હાઈસ્કૂલમાં આવ્યા પછી પણ એ ક્રમ બદલાયો ન હતો; વધારે ઘેરો બન્યો હતો. મિડલ સ્કૂલની લાઈબ્રેરી થોડી નાની હતી, હાઈસ્કૂલની થોડીક વિશાળ. પુસ્તકો પણ વધારે. એ બંને તેની સૌથી વહાલી જગ્યાઓ; માના ખોળા જેવી. મિડલ સ્કૂલમાં બાળસાહિત્ય વાંચ્યા પછી હવે નવલકથાઓ સુધી તેના હાથ અને આંખો લંબાવા લાગ્યાં હતાં. વિજ્ઞાન કે ગણિત જેવા અણગમતા વિષયના પિરિયડમાં તે વર્ગમાં ચાલતા શિક્ષણકાર્યમાં ધ્યાન આપવાને બદલે કાં તો છેલ્લી બેન્ચ પર બેસી બહારની ચોપડી વાંચવાનું સ્વપ્નવિહારે નીકળી પડવાનું આજની જેમ ત્યારે ય પસંદ કરતો હતો તે ય તે ભૂલ્યો નથીઃ એક દિવાસ્વપ્ન તો હજી યે અવારનવાર તેની ધૂંધળી આંખોને અજવાળી જાય છેઃ કિશોરકથાના કોઈક નાયકની જેમ તે ખજાનાની શોધમાં નીકળી પડે... મહામુશ્કેલી પછી ખજાનો મળે; પણ એમાં હીરા-મોતી કે સોનું- રૂપું ન હોય; મળી આવે માત્ર પુસ્તકોના ઢગલા, બાપુજી માટે પોથીઓ, રૂદ્રાક્ષની માળાઓ, બીલીપત્રો; બા માટે ચંદનનું આખું વૃક્ષ, પોતાને માટે રંગની પેટી અને પીંછીઓ, ચશ્માંની ફ્રેઈમો અને કાચનો ભંડાર... અને માઈલો દૂર સુધી જોઈ શકે તેવી જીવતી આંખોની જોડની જોડ... એમાંથી સહુથી વધુ તેજસ્વી આંખોની જોડ તે બાપુજીને આપશે અને બીજી જોડ પોતે લઈ લેશે...

વરસાદમાં રમવાનું તેને આજેય ગમે છે; ત્યારે વધારે ગમતું હતું, પણ ચસ્માંના કાચ પર પાણીની છંટાતી ઝરમરથી તે અકળાઈ જતો અને લાઈબ્રેરીમાં જઈને વર્ષાગીતોની ચોપડી વાંચવામાં તેનું મન વધારે રોકાઈ જતું. અને હવે રમાનાથ શ્રાવણની મેઘલી રાત્રે મિયામલ્હરનો આલાપ છેડે છે કે અભિજિત સિતાર પર મેઘમલ્હારની ગત વગાડે છે ત્યારે તિલકના હ્રદયમાં ચશ્માંના કાચ પરની જળસર્જિત ચંચળ તિરાડો, વર્ષાગીતોના શબ્દો અને શબ્દો અને રાગના સૂર, બધું એકાકાર થઈ જતું લાગે છે અને તે આંખો પરથી ચશ્માં ઉતારી પૂતી બિડાયેલી આંખે કશુંક સાકાર કરવાના પ્રયત્નમાં ડૂબી જાય છે. સત્યાનું કોઈક અડપલું જ તેની એ તન્દ્રાને તોડી શકે છે.

એ અડપલું જાણે ક્રિકેટનાબોલની જેમ વીંઝાઈ આવે છેઅને તેને ચોંકાવી મૂકે છે. ઓહ! કેટલાંયે વરસોથી ક્રિકટના દડાને હાથ લગાડ્યો નહોતો! છેક નાનપણમાં શેરીમાં કપડાના કે ટેનિસના દડાથી ક્રિકેટ રમવું ગમતું. પછી સ્કૂલમાં થોડીક તક મળી ન મળી ને ઝૂંટવાઈ ગઈ-ચશ્માંને કારણે. દડો સીધો ચહેરા પર જ ધસી આવ્યો; ઈજા થવા કરતાં યે ચશ્માં ફૂટવાનો ભય વધારે તીવ્ર હતો. તે ખસી ગયો. સ્ટમ્પ ઊખડી પડ્યો. શૂન્ય રને આઉટ. ફિલ્ડિંગ કરતી વખતે ય દડો બરાબર ન દેખાતાં તેણે બે વાર કૅચ ગુમાવ્યા. ટીમના કૅપ્ટને ગુસ્સે થઈને તેને ઘુવડ કહ્યો. ત્યારથી બૉલ-બૅટ છૂટ્યાં તે છૂટ્યાં. ઉતરાણ વખતે પેચ લાગતાં આકાશમાં દૂર નીકળી જતો પતંગ તે જોઈ ન શકતો ત્યારે એક નિસાસો નાખીને જાતે જ દોરી તોડી નાખતો અને પતંગને જવા દેતો. હવે તો ઉતરાણમાં તે છાપરેય જતો નથી. માત્ર એક વાર સત્યાના આગ્રહથી તે ગયો, પણ સત્યાએ તેને પતંગ ચગાવવાને બદલે ફિરકી પકડવાનું કહ્યું અને તે છાપરેથી ઊતરી પડ્યો. પાછળ સત્યાના શબ્દો પેલા દડાની જેમ ધસી આવ્યાઃ સોડાની બાટલીના કાચ જેવાં તિ તારાં ચશ્માં છે... તું શી રીતે પતંગના પેચ લઈ શકવાનો હતો? તિલકને થયું: પહેલાં પોતે જેમ હાથ પરની દોરી તોડી નાખી પતંગને વહી જવા દેતો તેમ સત્યાના આ મ્હેણાથી તે પોતે તૂટીને ખોવાઈ જાય...

બાની સાથે જગન્નાથજીના મંદિરે દર્શન કરવા જતો ત્યારે આભૂષણોના ઢગલા નીચે દબાયેલી , બળરામ, કૃષ્ણ, સુભદ્રા ઉપરાંત બીજી ઝીણીઝીણી મૂર્તિઓ તેને દેખાતી નહિ. વળી કોઈક વૃદ્ધ, શ્રીમંત દર્શનાર્થી પાસેથી દૂરબીન મળતું ને તે આંખે માંડતાં જ મૂર્તિઓ ચોખ્ખી-ફૂલ અને સાવ નજીક... બધું... બધું જ આવું દેખાતું હોય તો? તેને પ્રશ્ન થતો. તે જાણે છેઃ દૂરબીન કાંઈ ચશ્માંની જેમ હંમેશાં પહેરી શકાતું નથી.

પહેલાં થતી તેમાંની ઘણી ઈચ્છાઓ હવે નથી થતી; ઢબૂરાઈ ગઈ છે. પતંગિયા પાછળ દોડી, તેને પકડી, તેની પાંખોની ભાત ખૂબ નજીકથી જોવી; શાળાના દૂરબીન વડે ખગોળશાસ્ત્રના પાઠ શીખવા; અંતરાય-દોડની હરીફાઈમાં ચશ્માં ફૂટવાની બીક રાખ્યા વગર ભાગ લેવો. ઘરના વાડામાં રાત્રિને સમયે બેસી બા કે દુર્ગા પાસે જુદા જુદા તારાઓને જોવા-ઓળખવા; સાઈકલ ચલાવતાં શીખવું; ઢાંકણ વાસી દીધું છે એ બધી ઈચ્છાઓ પર આ ચાર-પાંચ વર્ષમાં, ધીમે ધીમે અનુભવોને આધારે.

પહેલવહેલાં ચશ્માં ક્યારે ફૂટ્યાં હતાં? બરાબર યાદ હતું તિલકને. મિડલ સ્કૂલના પહેલા વરસની પરીક્ષાનું સરસ પરિણામ લઈને બા-બાપુજીને તે બતાવવાના ઉત્સાહને કારણે સ્કૂલેથી ઘરની દિશામાં તે દોડતો જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઠોકર વાગતાં તે અડબડિયું ખાઈ ગયો હતો અને ચશ્માં ઊછળીને રસ્તા પર પડ્યાં હતાં ચંપલ પહેરેલો. તેનો જમણો પગ ચશ્માંની ઉપર. એક કાચ કચ્ચારઘાણ, બીજામાં તિરાડ, ફ્રેઈમની એક દાંડી તૂટી ગઈ. રડી પડ્યો તિલક. પરિણામનો ઉત્સાહ પળવારમાં ઊડી ગયો. ચશ્માંવિહોણી આંખો ફરતે ઝાંખપ ઘેરાઈ ગઈ. એપ્રિલમાં જુલાઈ મહિનો ફૂટી નીકળ્યો.

ચશ્માં તૂટી ગયાં અને બેત્રણ દિવસ પછી નવાં ચશ્માં આવ્યાં એ વચગાળામાં જાણે તેના શરીરનો એક સૌથી અગત્યનો ભાગ છેદાઈ ગયો હોય કે જૂઠો પડી ગયો અને પરિણામે આખા અસ્તિત્વમાં જડતા કે પાંગળાપણું આવી ગયાં હોય કે જૂઠો પડી ગયો અને પરિણામે આખા અસ્તિત્વમાં જડતા કે પાંગળાપણું આવી ગયાં હોય એવું તિલકે એટલી ઉંમરે પણ બરાબર અનુભવ્યું હતું. તે પછીનાં આ ચાર વર્ષમાં ચશ્માં વધુ બે વાર ફૂટ્યાં હતાં અને ત્યારે એ અનુભવ વધારે ઘેરો બનીને તેની સાથે અથડાયો હતો તેની યે તેને પૂરી સૂઝ છે. શેરીમાં વાગતી ગ્રેમફોનની રેકૉર્ડ સાંભળવામાં, જમતી વખતે ભરેલા કોળિયાનો સ્વાદ અનુભવવામાં, પારિજાતનાં ફૂલની સુગંધ માણવામાં, કૌમુદી ગાયની સફેદ ચામડીની સુંવાળપ ઝીલવામાં કશીક ઓછપ રહી જતી હતી; બધું અડવું લાગતું હતું; આજે તે વિચારી શકે છેઃ ચશ્માં મારી આંખ છે કે કાન, જીભ, નાક, હાથનાં ટેરવાં, બધું જ?

હજી થોડા દિવસ પહેલાં બાપુજી એને એક છાયાશાસ્ત્રીને ત્યાં લઈ ગયા હતા. રેવાશંકર કે એવું કશુંક નામ હતું એનું. બાપુજીએ એની સમક્ષ આંખોની વાત કરી. તિલકને તે નથી ગમતું. જેનીતેની આગળ શા માટે નબળી આંખોની કહાણી માંડવી? છાયાશાસ્ત્રીએ સૂરજના તડકામાં તેને ઊભો રાખીને તેની છાયાનું કંઈ માપ લીધું ને પછી જર્જરિત પોથીનાં પાનાં કાઢી ન સમજાય તેવા શ્લોકો ઉચ્ચર્યા. છેવટે કંહ્યુઃ આ છોકરો ગયા જનમમાં રાજવૈદ્ય હતો અને તેણે બેદરકારીથી ખોટી દવા આપતાં રાજાના પુત્રની આંખો ગઈ હતી. તેની શિક્ષારૂપે આ જનમમાં તેને આવી કાચી આંખો-

વાહિયાત! તિલકના હ્રદયમાંથી એક જ પ્રતિભાવ જાગ્યો હતો. તેને તત્ક્ષણ ત્યાંથી ઊભા થઈ જવાની ઈચ્છા થઈ આવી હતી; પણ બાપુજીની આંખોના ખાડામાં પાણી ચમકતાં હતાં અને તેઓ હાથ જોડીને આ શિક્ષાનું નિવારણ પૂછતા હતા એટલે તિલક એટલો સમય હતો ત્યાં જ જડાઈ ગયો. છાયાશાસ્ત્રીએ વળી એકાદ થોથું ઉથલાવીને સવા કરોડ ગાયત્રી મંત્રના જાપ કરવાનો ઉપાય ચીંધ્યો ત્યારે બાપુજીએ માથું નમાવી હું તે અવશ્ય કરીશ એમ કહ્યું; પણ તિલક ખડો થઈ ગયો અને એક શબ્દ પણ બોલ્યા વગર બારણા પાસે જઈને મોઢું ફેરવીને ઊભો રહ્યો. ગયો જનમ...! રાજવૈદ્ય...! રાજાના દીકરાની આંખો...! ખોતી દવા...! સજા...! નિવારણ...! સવા કરોડ ગાયત્રી મંત્રજાપ...! તેનું મગજ ધમધમી ઊઠ્યું: ના, ના... મેં કોઈ પાપ કર્યું નથી... વિજ્ઞાનશિક્ષક તો વર્ગમાં કહેતા હતાઃ અમુકતમુક વિટામિન્સની ઊણપ અથવા આંખોની વારસાગત નબળાઈ કે પછી જન્મથી આંખોની રચનામાં કશીક ખામી... હું તો કૌમુદી ગાયની મોટી, કાળી, ભોળી આંખોમાંથી દદડતું પાણી સરખુંયે જોઈ-વેઠી શક્તો નથી. હું વળી રાજાના દીકરાની આંખો છીનવું? ને તે ગયા જનમમાં?

પણ નિગમશંકર તો જાણે એ ક્ષણથી જ ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુરવરેણ્યમ્’ના વિશ્વમાં પ્રવેશી ચૂક્યા હતા. બીજે દિવસે બ્રાહ્મમુહૂર્તમાં તેમનો મંત્રોચ્ચાર વાડામાંના ઉદુમ્બર વૃક્ષની છાંયમાંની રેલાઈ, સૂતેલા તિલકના કર્ણપટ સુધી વહી આવ્યો અને ગંગાના પાણીની લહરી જેમ અફળાયો ત્યારે પહેલાં તો તિલક હાથની મુઠ્ઠી વાળીને અને દાંત ભીડીને પથારીમાં પડી રહ્યો, પણ પછી તેને લાગ્યું કે નિગમશંકરનો મંત્રસ્વર તેની આંખો પર મોરપીંછની મૃદુતા, જૂઈની સુગંધાને શ્રાવણી ઝરમરની શીતળાનો લેપ કરતો હતો તેમ તેમ તેની મિઠ્ઠીઓ અને ભીંસ છૂટતી ગઈ અને એક ક્ષણ એવી આવી જ્યારે તે પથારી છોડી દોડતો વાડામાં પહોંચ્યો અને મળસ્કાની સોનેરી આભામાં નહાઈ રહેંલા નિગમશંકરને એકીટશે જોઈ રહ્યો. તેને વિચાર આવ્યોઃ ગયા જનમમાં મેં ગુનો કર્યો હોય કે નહિ, આ જનમમાં આવા બાપુજી મળ્યા એ તો સારું જ થયું! છાયાશસ્ત્રીએ કહી તે વાત ખોટી હશે; પણ મારા પ્રત્યેની બાપુજીની લાગણી તો સાવ સાચકલી. ત્યાર વિના તેઓ આમ...! અને તિલક ચૂપચાપ નિગમશંકરની સામે બેસી ગયોઃ તેની આંખો બિડાઈ ગઈ. મીચેલી આંખો સમક્ષ સૂર્યનો ગોળો ઝળહળી ઊઠ્યો. એમાં બાપુજીનો ચહેરો આછો આછો ઝબકી જતો હતો કે શું?

નિગમશંકરનો મંત્રસ્વર અને રમાનાથની આલાપચારી પણ ક્યારેક ક્યાંક એકમેક સાથે ભળી ઓગળી જતાં હોય તેવું તિલક અનુભવે છે. બંને વૃદ્ધો પોતપોતાની વિદ્યાની વિશિષ્ટતાઓ અને તેઓના પારસ્પરિક સંબંધ વિશે ચર્ચા કરે છે ત્યારે ન સમજવા છતાં તિલક તે ધ્યાનથી સાંભળે છે, ઊઠી જતો નથી. માત્ર સત્યા તેમા વિક્ષેપ પાડે છે. સત્યાને જન્મ આપી માનું મૃત્યું થયું પછી રમાનાથજીએ બીજું લગ્ન કર્યું નહોતું. સત્યાને તેમણે ઉછેરી તો પૂરી કાળજીથી; પણ મા વિનાની સત્યાના સ્વભાવમાં કંઈક ઊણપો રહી ગઈ છે. તે મનસ્વી છે. ધાર્યું કર્યા વિના રહેતી નથી. કોઈની બહુ આમન્યા રાખતી નથી. એક પ્રકારનું વિદ્રોહી તત્વ તેનાં વર્તન-વ્યવહારમાં ક્યારેક ડોકાઈ જાય છે. રૂપાળી ખાસ નથી, ભીનેવાન છે; પણ મોંનો સિક્કો આકર્ષક છે. એની બધી વિશેષતા એના લાંબા, કાળામેઘ, સુંવાળા વાળમાં છે. ઘણો વખત તે વાળની સાથે જ કશીક માવજત ક્ર્યા કરતી હોય છે. રમાનાથ તેના બેસૂરા કંઠનો રમૂજમાં ઉલ્લેખ કરે છે ત્યારે તે ચિડાઈને તેમના તાનપુરાનો એકાદો તાર તોડી નાખવાનું પરાક્રમ કરે છે. પછી એ જ તૂટેલા તારને ફરીથી જોડવાની મથામણમાં પણ તે પરોવાય છે.

અભિજિત સ્વસ્થ, પ્રશાન્ત, તેની સિતારના સૂર જેવો મીઠો, અંતર્મુખ છે. સિતાર વગાડતા અભિજિતની સામે તિલક કલાકો સુધી બેસી રહે છે. તે સિતારની ભાષા ઉકેલવા મથે છે. બાપુજી વેદમંત્રોનું ગાન કરે છે, રમાનાથજી શાસ્ત્રીય રાગ છેડે છે, અભિજિત તંતુવાદ્યને રણઝણાવે છે. વેદમંત્રોમાં શબ્દો છે, પણ તેના અર્થ સુધી પહોંચવાનું હજી તિલકનું ગજું નથી, છતાં અર્થની પાર પણ તેમાં કશુંક છે જે સમજાયા વિના પણ તેને મંત્રમુગ્ધ કરે છે. રમાનાથજી એક-બે પંક્તિની ચીજમાંથી સમયતારૂપ રાગનું સ્વરૂપ ઘડે છે એ કશોક અવ્યક્ત અનુભવ ઊપસવા લાગે છે. અભિજિતની સિતાર પાસે તો માત્ર સ્વર છે; શબ્દના કાનો-માતર પણ નથી, છંતા યે તે સાંભળવાથી મન કોરું રહી શકતું નથી. ત્રણેય અનુભવો વચ્ચે કશુંક સરખાપણું હોય એમ કેમ લાગે છે? તિલકના તરૂણ મનમાં ઝાંખોપાંખો પ્રશ્ન સ્ફુરે છે, ઉત્તર મળતો નથી. તે અભિજિતની સિતાર સાથે વધારે તન્મયતા કેળવવાની મથામણમાં ગૂંથાય છે. સિતાર વગાડતી વખતે અભિજિતની આંખો બિડાઈ જાય છે; ક્યાંક સુધી તે બિડાયેલી જ રહે છે. એ બંધ આંખોના અંધકાર સમક્ષકશુંક આલેખાતું હશે ખરું? શું દોરાતું હશે? તિલકને વધુ એક પ્રશ્ન થાય છે. સિતારમાંથી ચોક્કસ રાગ પ્રગટાવતા અભિજિતની બિડાયેલી આંખો સમક્ષ અંધારાની કોરી પાટી તો નહિ હ હોય. તેની આંખો બંધ છે, છતાં સિતારવાદનમાં તે કશો અવરોધ અનુભવતો નથી.

એક સૂર પણ ખોટો વાગતો નથી. ત આલીમ અને તલ્લીનતા. શ્ક્ય છે કે આંખો બિડવાથી, દેખાતી દુનિયા સાથે નો તંતુ તેટલા સમય પૂરતો તૂટ્યા પછી અભિજિતની તલ્લીનતા વધતી હશે અને રાગનું રૂપ તે વધારે સારી રીતે ખીલવી શકતો હશે. પોણો કલાક સુધી એક રાગ વગાડ્યા પછી અભિજિત આંખો ઉઘાડે છે ત્યારે આસપાસની દ્રશ્યમાન, અવાજસભર, ક્ષુલ્લક્તાઓથી ભરચક દુનિયા સાથેનો તાર ફરીથી જોડાતાં જાણે તેને થોડોક સમય લાગે છે ને તે માટે પ્રયત્ન કરવો પડે છે, તે તિલક મનોમન નોંધે છે.

હું સિતાર શીખું તો?- એક પળે તિલકના મનમાં સ્ફુલ્લિંગની જેમ આ વિચાર ઝબકે છે અને પછી તે તેનો કેડો મૂકતો નથી. આંખોનો ઉપયોગ કર્યા વગર પણ કશુંક સર્જી - મેળવી શકાય છે - તેને બીજો વિચાર આવે છે. બલકે એકાગ્રતા કેળવવા માટે તો અભિજિત તેની પાણીદાર આંખોને ય તેટલા સમય પૂરતી અંધ બનાવી દે છે. અંધ બાપુજીનું બળકટ, ભાવસભર મંત્રગાન અને બીડેલી આંખે સિતાર વગાડતા અભિજિતની સિદ્ધિ... બાપુજી આ વાર્જિત્ર શીખ્યા હોત તો? મંત્રગાન જેટલો જ પ્રભાવ કેળવી ન શક્યા હોત? અને અભિજિતની આંખો બાપુજી જેવી હોત તો? તિલક વિચારધારા અટકાવી દે છે અને એક દિવસ અભિજિતને કહે છેઃ

અભિભાઈ, તમે મને સિતાર વગાડતાં ન શીખવો?

સત્યા પાસે જ બેઠી હતી. તે ખિલખિલાટ હસી પડી. ચાંદુડિતાં પાડતી તે બોલીઃ તું સિતાર શીખશે? તો અભિભાઈ શું ઘાસ કાપશે? સોડાની બાટલીના કાચ જેવાં ચશ્માંમાંથી તને સિતારનો તાર દેખાશે? અને તોફાની હાસ્ય.

અભિજિતે તેને આંખોથી ડારવાનો પ્રયત્ન કર્યો. વ્યર્થ. તિલક, તું સિતાર શીખશે ત્યારે હંન તારી ડોક પર કબૂતરનું પીછું ફેરવીશ! તને ગલગલિયાં થશે ને તારાથી સૂર ખોટો વાગશે.

તિલકે માત્ર સ્મિત કર્યું.
તું ખોટું ખોટું ભલે હસે; પણ તિલક, અભિભાઈ તને જયજયવંતી શીખવતા હશે ત્યારે હું તારા પર ડ્રાંઉં ડ્રાંઉં કરતો દેડકો છોડી મૂકીશ!

હવે તિલક મોટેથી હસી પડ્યો. તેને આ છોકરી ગમતી હતી કે શું? તેનો સ્વભાવ પોતાથી સાવ વિરુદ્ધ દિશાનો છે એટલે?...

અને અભિજિતે તિલકને સિતાર શિખવવાની શરૂઆત કરી. પહેલી વાર જ્યારે તિલકે એ વાદ્યને હાથમાં લઈને ખભે, ખોળામાં ગોઠવ્યું ત્યારે તેને લાગ્યું કે તે પોતે જ આખેઆખો સિતાર બની ગયો હતો. એકવાર સત્યા તેની ડોક પર પીછું ફેરવી ગઈ ત્યારે તેને પોતાનું આ સિતારપણું વધારે ઉત્કટપણે અનુભવાયું. સત્યાએ જોરજોરથી તબલાં ઠોક્યાં, એક વાર તે સાચેસાચ દેડકો લઈ આવી... પણ બે-અઢી મહિનાની મથામણ પછી એક દિવસ તિલકે સિતાર પર ભૂપાલીની સરગમ શુદ્ધ રૂપે વગાડી ત્યારે સત્યા પીછાં, દેડકાં અને તબલાં ભૂલીને ક્યાંય સુધી તેની સામે બેસી રહી ચૂપચાપ. પણ એની આંખો ત્યારે મીંચાયેલી ન હતી. તે તો ભૂપાલી વગાડતા તિલક પર, તેની આંગળીઓના ચંચળ ટેરવાં પર, ચશ્માં પાછળની તેની બિડાયેલી આંખો પર કેન્દ્રિત હતી.

ભાગીરથી સત્યાને રોટલી વણતાં અને નિગમશંકર સત્યાને સંસ્કૃતનું વ્યાકરણ શીખવે છે, પણ રોટલી નકશો બને છે સંસ્કૃતની ચોપડીને સત્યા જમીન સાથે પછાડે છે. ભાગીરથી તેના હાથ પર વેલણ ફટકારતાં નથી અને નિગમશંકર હસીને કહે છેઃ મને આ દીકરીનો ચહેરો એક વખત જોઈ લેવાની બહુ ઈચ્છા થાય છે, રમાનાથજી! આવું સરળ, નિખાલસ હ્રદય છે તો મુખ કેવું હશે?

જાંબુવંતી જેવું! તિલક તેના સ્વભાવની વિરુદ્ધ જઈને મશ્કરી કરે છે એટલે સત્યા તેને સોડાની બાટલી કહી ઘા કરી લે છે. તેના એ શબ્દોનો સંદર્ભ સમજ્યા પછી નિગમશંકરે કહ્યું:
રમાનાથભાઈ, મને તિલકની આંખોની ઘણી ચિંતા છે. સત્યા એ કહ્યું તેમ સોડાની બાટલીના કાચ જેવાં તેનાં ચશ્માં...

નિગમભાઈ, હું તમારા દાખલા પરથૂ કહી શકું કે ઈશ્વર કંઈક છીનવી લે છે તો સાટામાં બીજું કશુંક આપે છે. હું જ્યારે ગાવા બેસું છું અને ખરેખરો સૂર કોઈક વાર લાગી જાય છે- અનાહત નાદ જેવો- ત્યારે મને લાગે છે કે, મારી આંખો રહી જ નથી. દ્રશ્યજગત સાથેનો મારો સંબંધ ત્યારે હું કપાયેલો અનુભવું છું. બહુ જ સારું લાગે છે. એવી પળ ક્યારેક જ આવે છે તેથી હું તેની રાહ જોયા કરું છું.

આ વાત સાચી. મારો યે એવો અનુભવ છે. મારે માટે તો દીઠાની દુનિયા જ નથી- વર્ષોથી. ઉપનિષદના કોઈ મંત્રનો મર્મ મારા મનમાં ઊગે કે વેદની અપૌરુષેય વાણીનો પડઘો મારા હ્રદયમાં પડે તે જ મારી આંખો; પણ તિલક... એની સામે તો હજી આખી જિંદગી...
તિલક અભિજિત પાસે સિતાર શીખે છે તે તમે જાણો છો ને? એની પ્રગતિ સારી છે.

હા પણ... આસ્થા ટકાવી રાખતા નિગમશંકર પણ વિષાદનો ઝીણો સૂર કાઢી બેઠા અને તિલક અણગમતા ભાવથી ઘેરાય ગયો. પોતાની નબળી આંખોનો કોઈ ઉલ્લેખ પણ કરે તે તેને ગમતું ન હતું. આંખો નબળી છે તો મારી છે; તેમાં કોઈને શું? તેની સાથે બહુ બહુ તો બા અને બાપુજીને નિસ્બત. આંખો ખેંચીને વાંચવું પડે છે તો મારે; બીજાને તો બોજ ઉઠાવવો પડતો નથી ને? આંખો નબળી છે તો તેની સામે આવડશે તેવી રીતે હું લડીશ; કોઈની મદદ પણ નહિ માંગુ... બાપુજી નર્યા અંધાપા સામે લડ્યા ને જીત્યા; મારી પાસે લાકડાની તલવાર તો છે; હું સાવ હથિયાર વગરનો નથી.

પણ... તિલકનું મન પોચું પડી ગયું; ઘોર અંધાપો અને તંદુરસ્ત આંખોની વચ્ચેની મારી આ સ્થિતિ વધારે કપરી નથી? અંધાપો એક ચોક્કસપણું તો છે. અજવાળાનું નામ જ ન લેવાનું; આ તો સૂરજ પૂરો આથમતો નથી કે પૂરો પ્રકાશતોય ય નથી.

તિલક વધારે ધગશથી સિતાર શીખે છે. ભણવાની અને લાઈબ્રેરીની ચોપડીમાંથી જે કંઠસ્થ કરવા જેવું હોય- ગુજરાતી- અંગ્રેજી- હિન્દી કવિતાઓ, સંસ્કૃત શ્લોકો, સૂત્રો, સુભાષિતો, નાના નાના ગદ્યખંડો, એકાંકી નાટકોના સંવાદો, બધું તે સતત સ્મૃતિમાં ઉતાર્યા કરે છે. સ્મરણોને તે ટકોરતો, સંકોરતો, સરાણે ચઢાવતો રહે છે, સ્પર્શના વિવિધ અનુભવોને અલગ અલગ તારવવા મથે છે. ધ્વનિઓની લીલાથી દ્રશ્યજગતને પામવાના પ્રયત્નોમાં તે ડૂબતો રહે છે. બાનો વત્સલ સ્પર્શ અને સત્યાનાં ક્વચિત અડી જતાં આંગળાં, નેત્રહીન બાપુજીનાં આંગળાંઓની દ્રષ્ટિ અને સિતારને રણઝણાવતી અભિજિતની આંગળીઓની તરલ એકાગ્રતા...

નબળી આંખોનો વિકલ્પ- અથવા વિકલ્પો કોઈક રીતે ય હાથ લાગે છે?- લાગશે?
(ક્રમશ :...)


0 comments


Leave comment