5 - પ્રકરણ ૫ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


ગોરધન શેઠને ત્યાં વિષ્ણુયાગ હતો. નિગમશંકર તેમાં આચાર્ય પદે હતા. દેખી શકતા ન હોવા છતાં બધાં વિધિવિધાનો અને તેને લગતા શ્લોકો-મંત્રો તેમને કંઠસ્થ હતા; એટલે શિષ્યોની સહાયથી તેઓ આવા મોટા ઉપક્રમો પણ પાર પાડી શકતા. આવે વખતે દુર્ગાશંકરની વ્યસ્તતા વધી જતી. ગુરુને કાર્ય સ્થળે લાવવા- લઈ જવાથી માંડીને તેમને યજ્ઞકુંડ સુધી દોરી જઈ તેમની હાથમાં સરવો મૂકવા સુધીની કામગીરી તેને કરવી પડતી. તિલક પણ ક્યારેક બાપુજીની સાથે આવાં કામોમાં જતો, છતાં તેનું મન તેમાં મ્પ્પ્રું ચોટી શકતું નહિ. તેને હવે આ વધાં વિધિવિધાનોના વાજબીપણા અને સાર્થકતા વિશે થોડા થોડા સંશયો જાગવા માંડ્યા હતા. જોકે બાપુજીને શક્ય એટલી બધી મદદ કરવાનું તેનું વલણ તો રહેતું જ. તેને મન તો બાપુજીનું જીવન જ એક યજ્ઞ હતો અને તેના મુખ્ય ૠષિ પણ તેઓ! તેમનો અનાદર કરવાનું તેને માટે શક્ય ન હતું, પણ આ વખતે તેની મૅટ્રિકની પરિક્ષા નજીક આવી પડી એટલે નિગમશંકરની ઘણી જવાબદારી દુર્ગાને માથે આવી પડી હતી. તેની ગુરુભક્તિ જીને ભાગીરથીબાથી બોલાઈ ગયું: દુર્ગા, તું ગયે જનમે જરૂર મારો સગો દીકરો હોવો જોઈએ.

દુર્ગાએ તેનું બોડકું માથું નમાવીને કહ્યું: એમ કેમ કહો છો બા? આ જનમેય હું ક્યાં તમારો દીકરો નથી? જેવો તિલક તેવો હું.
ભાગીરથીબાએ તેને માથે હાથ પસવાર્યો. દુર્ગાએ તેની લાંબી શિખાની ગાંઠ વાળી.

ગોરધનદાસ શેઠનો ઘણોક વેપાર મુંબઈમાં ચાલતો હતો. વિષ્ણુયાગને તેમણે ઘરમાં કોઈ લગ્નપ્રસંગ હોય તેવું ઉત્સવનું સ્વરૂપ આપી દીધું હતું. મુંબઈથી ઘણા મહેમાનો આવ્યા હતા. શેઠની હવેલી જાણે રમણે ચઢી હતી. અતિથિઓમાં પ્રો. નિકુંજ મહેતા અને રૉબર્ટ જેમ્સ પણ હતા. નિકુંજભાઈ મુંબઈની એક કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા. રૉબર્ટ તેમનો અમેરિકી મિત્ર હતો; ત્યાંની એક યુનિવર્સિટીના ઇન્ડોલૉજી વિભાગમાં અધ્યાપનકાર્ય કરતો હતો. ભારત તેના રસનો વિષય હતો. ભારતીય સંસ્કૃતિ, અહીંની પ્રાચીન વિદ્યાઓ, દર્શનશાસ્ત્રો, ભારતીય વિદ્ધાનોની વિલાતી જતી પેઢીના અવશેષો વગેરે સાથે તેના અંતરનું પરોક્ષ તાદાત્મય સધાયેલું હતું. અમેરિકામાં રહીને તેણે ભારતીય વિદ્યાઓનો ઘણો અભ્યાસ કર્યો હતો. પોતાના એ જ્ઞાનનો લાભ ત્યાંના વિદ્યાર્થીઓને આપતાં તે એક પ્રકારનો ઊંડો સંતોષ અનુભવતો હતો. ઉંમર તેની ચાળીસ-પિસ્તાળીસથી વધારે નહી હોય. છ ફૂટની ઊંચાઈ, માથે સોનેરી વાળ, નિખાલસ ચહેરો, માંજરી આંખોમાં જ્ઞાનનું તેજ અને ભૂખ, રૉબર્ટ માટે ભારત તેની સ્વપ્નભૂમિ હતી. હજારો વર્ષથી આ ગરીબ પણ જ્ઞાનસમૃદ્ધ, અધ્યાત્મ-શ્રીમંત દેશની સંસ્કૃતિ ટકી રહી છે તે તેને મન વિસ્મય અને અહોભાવ પ્રેરનારી ઘટના હતી. આ પહેલાં સદેહે તે ક્યારેં ય અહીં આવ્યો ન હતો, પણ ભારતીય ગ્રન્થોના અધ્યયન દ્વારા તે અહીં જાણે વારંવાર આવી ગયો હોય, ઘણા પૂર્વજન્મો તેણે અહીં વીતવ્યા હોય તેવી તેની ઉત્કટ લાગણી હતી. કાશીની ગલીઓ, મદુરાનાં ગોપુરમો, મથુરા-વૃદાવનનાં મંદિરો, દ્વારિકાનો દરિયો, સોમનાથનું જ્યોતિર્લિંગ, અજંતા-ઈલોરાની ગુફાઓ, બધું જ તેના પરોક્ષ પરિચયની પરિધિમાં આવી ચૂક્યું હયું. હવે તો તે ત્યાં જાતે પગ મૂકી રહ્યુ હતો. તેને મન આ કેવળ ટૂર નહિ, પણ પિલગ્રિમેજ- યાત્રા હતી. મુંબઈના વિમાની મથકે પગ મૂક્યો પછી તેણે નીચા વળી ભારતની ધરતીને હાથ વડે સ્પર્શ કરી લીધો. પ્રૉ. નિકુંજ મહેતા તેને રિસીવ કરવા ઍરપોર્ટ પર આવ્યા હતા. બંને વચ્ચે ખાસ્સા સમયથી પત્રવ્યવહાર હતો. પ્રત્યક્ષ મળવાનું પહેલી વાર થયું, પણ બંને પરસ્પરને તરત ઓળખી ગયા.

ગોરધન શેઠ પ્રૉ. મહેતાના સંબંધી થતા હતા. વિષ્ણુયાગનું તેમનું નિમંત્રણ તેમને મળ્યું ત્યારે રૉબર્ટ તેમને ઘેર જ રહેલો હતો. ગિરગામમાં ત્રણ ઓરડાના પ્રૉ. મહેતાના આવાસમાં એક ઓરડો રૉબર્ટ અને એનાં પુસ્તકોએ રોકી લીધો હતો. નિકુંજભાઈના કેટલાંય પુસ્તકો તેના પલંગની આસપાસ વિખરાયેલાં પડ્યાં હતાં. દેવયાનીબહેન તેને બબ્બે કલાકે કૉફી આપી જતાં અને રૉબર્ટનું અધ્યયન ચાલ્યા કરતું. સાંજે બંને વિદ્વાન મિત્રો હીંચકે ઝૂલતાં ઝૂલતાં કે દરિયાકાંઠે ફરતાં ફરતાં ચર્ચાઓ કરતા. નિકિંજભાઈએ રૉબર્ટને વિષ્ણુયાગના આમંત્રણની વાત કરી. રૉબર્ટ ઊછળી પડ્યોઃ મારે ભારતના કોઈક નાનકડા શહેરમાં જઈને ત્યાંનું લોકજીવન તો જોવું જ છે; તે ઉપરાંત કોઈક ધાર્મિક વિધિના સાક્ષી પણ બનવું છે. વ્હારતીય પદ્ધતિનું એકાદ લગ્નતો મેં અમેરિકામાં પણ જોયું છે, પણ મારે તો કોઈ યજ્ઞ જોવો છે. યજ્ઞો વિશે મેં વેદોના અનુવાદોમાં તો ઘણું વાચ્યું છે.

તો પછી તારે માટે આ સોનેરી તક છે, રૉબર્ટ! પ આઈપ સળગાવતાં પ્રૉ. મહેતાએ કહ્યું: લેટ્સ ગો, તને કોઈ અગવડ નહિ પડે તે હું જોઈશ.
અગવડને હું આનંદરૂપ માનીશ નિકુંજ!

અહીં આવ્યા પછી બંનેને પોતાનું આવવું સાર્થક લાગ્યું. રૉબર્ટ યજ્ઞનાં વિધિવિધાન જોઈને અભિભૂત થતો ગયો. વિવિધ દેવતાઓનાં કરાતાં આવાહનો, પૂજન-અર્ચન, રચાયેલાં મંડળો, જુદા જુદા રંગો વડે રંગેલા ચોખાના પુરાયેલા સાથિયાઓ, મુખ્ય સર્વતોભદ્ર, રેશમી વસ્ત્રોનો રંગ-ફરકાટ, કેળના સ્તંભ અને આસોપાલવનાં તોરણોની સજાવટ, ઘીના દીવાઓ, સાંજે આરતીનો ઝળહળાટ, યજ્ઞકુંડમાં લપકતી અગ્નિજવાળાઓ, હુતદ્રવ્યોની તેમાં અપાતિ આહુતિઓ, બ્રાહ્મણોના મંત્રઘોષ, યજમાનની વિનમ્રતા, લોકોનો ભક્તિભાવ- રૉબર્ટ આબધું આંખો ફાડીને જોતો રહ્યો. કેટલુંક તે સમજતો હતો, કેટલુંક નિકુંજભાઈ સમજાવતા હતા, કેટલુંક વણસમજાયું રહી જતું હતું.

રૉબર્ટ અને નિકુંજભાઈ બંનેનું ધ્યાન સૌથી વધારે તો નિગમશંકર તરફ ખેંચાયું. વૃદ્ધત્વની નજીક આવેલા એ અંધ વિદ્ધવાનની જ્ઞાનશીલતા સાથે ભળી જતી તેમની વિનમ્રતા અને સાત્ત્વિકતા, તેમનો પ્રભાવ, પોતાની શારીરિક મર્યાદાને અતિક્રમી ગયેલી તેમની અંધશ્રદ્ધા, એ સર્વની તેઓ મનોમન ઝીણી ઝીણી વિગતો સાથે નોંધ લેતા રહ્યા. નિકુંજભાઈએ ગોરધનશેઠ પાસેથી નિગમશંકરનો પરિચય કરી લીધો અને પછી તેઓ અને રૉબર્ટ તેમને મળ્યા. નિકુંજભાઈએ નિગમશંકરનો ચરણસ્પર્શ કર્યો, રૉબર્ટે તેમનું અનુસરણ કર્યું. નિકુંજભાઈએ પહેલાં ટૂંકમાં પોતાની અને પછી વિગતે રૉબર્ટની ઓળખ આપી. તે સાંભળી નિગમશંકર હસીને બોલ્યાઃ

તમારા જેવા વિદ્વાન મિત્રોના પરિચયથી મને આનંદ ન થાય? તેમાં આ ગોરાભાઈ તો છેક દરિયાપારથી અહીં આવ્યા છે ને તે વળી આપણી સંસ્કૃતિનો સંસ્પર્શ પામવા. તમારું બંનેનું સ્વાગત. પછી ઉમેર્યું: ગોરાભાઈ, તમારું અજાણ્યું નામ તો મારી અભણ જિહવાએ ચઢી શકે તેમ નથી, આથી હું તમને ગોરાભાઈ કહીશ. અમારા એક દેવ શંકરના વર્ણન માટે કર્પૂર ગૌરમ્’ જેવો સરસ શબ્દ પ્રયોગ થયો છે. - કહી નિગમશંકર વળી બાળક જેવું ફોરું હસી પડ્યા, અને અમારા બીજા દેવ કૃષ્ણ કાળા હતાઅ, પણ અમારા કવિઓએ તેમને માટે ઘનશ્યામ મેઘશ્યામ જેવા સુંદર વિશેષણો વાપર્યાં છે.

નિકુંજભાઈ રૉબર્ટ અને નિગમશંકર વચ્ચે દુભાષિયા બન્યા.
રૉબર્ટ કહ્યું: પંડિતજી, આપની જીભને અભણ કોણ કહેશે? આપની વિદ્યાની દેવી તો સરસ્વતી ગણાય છે. હું ખોટો તો નથી ને? એ દેવીનો વાસ આપની જીભે છે. મારું નામ આપની જીભે ન ચઢે તેમાં આપને કશું ખોવાપણું નથી. વૉટ ઇઝ ધેર ઇન અ નેઇમ? જીભને ટેરવે જે રમવું જોઈએ તે બધું તો આપે આત્મસાત કર્યું જ છે.

એ બધો શુકપાઠ નીવડી શકે છે, ગોરાભાઈ! જો અંતરાત્મા જાગ્રત ન હોય તો. છેવટે તો જ્ઞાન પણ એક સાધન છે- વધારે સારા માણસ બનવા માટેનું, આત્મતત્વને પામવા માટેનું, પરમતત્વ સાથે સાયુજ્ય સાધવા માટેનું. પછી ઉમેર્યું:

હું તમને એક વાત કહું, અમારાં શાસ્ત્રોમાં પુરુષોત્તમની કલ્પના છે. અમારા ભગવાનને પણ અમે તો પુરુષોત્તમ રૂપે ઓળખીએ અને સ્વીકારીએ છીએ. એ સારું છે, યથાર્થ છે. ઉત્તમ ખરા, પણ પુરુષોમાં ઉત્તમ, દેવોત્તમ નહિ. ઈશ્વરના માનુષી ભાવે સ્વીકારની આ વાત છે. અમારે કેટલાયે અવતારો મનુષ્યરૂપે- અરે; પ્રાણીઓરૂપે પણ થયા. બ્રહ્માંડની અખિલાઈ સાથેનું આ તમારું તાદામ્ય છે. અમે કશાનો અનાદર, અસ્વીકાર કરતા નથી. અમારું સ્ત્રીદાક્ષિણ્ય પણ વિશિષ્ટ છે. અમારાં દેવીને અમે જગદમ્બા, જગન્માતા કહીએ છીએ. અમારા જ્ઞાનનો દેવ કોઈ પુરુષ નથી પણ નારી છેઃ સરસ્વતી. અમે અરુન્ધતી જેવી એક વિદુષીને સર્વોચ્ચ- તારામંડળમાં સ્થાન આપ્યું છે. અમારી ગાર્ગીની જિજ્ઞાસાનો ક્યાંય અંત જ નથી. અમારો બાળક નચિકેતા તેની જિજ્ઞાસાને યમદેવ-મૃત્યુના દેવના સાન્નિધ્ય સુધી વિસ્તારે છે. ગણિતશાસ્ત્રની અમારી પંડિતા લીલાવતી એક સ્ત્રી. જગતને અમે શૂન્યની શોધ કરી આપી. આ બધું મારું મિથ્યાભિમાન નથી, સત્ય છે.

નિગમશંકર બોલ્યે ગયા, ત્યારે તેમની એક બાજુએ દુર્ગાશંકર, બીજે પડખે તિલક બેઠા હતા. તિલક પિતાની વાતો બહુ જ ધ્યાનથી સાંભળી રહ્યો.
અમને તો આપનામાં પુરાણકાળના કોઈ ૠષિનાં દર્શન થાય છે. રોબર્ટે તેના અમેરિકન ઉચ્ચારોવાળા અંગ્રેજીમાં કહ્યું. નિકુંજભાઈએ તેનો તરજુમો સંભળાવ્યો. નિગમશંકર હસીને બોલ્યાઃ આ તો તમારી ઉદારતા છે, ગોરાભાઈ! આ કળિયુગમાં ૠષિઓ ક્યાંથી મળે? હું તો પાકો સંસારી છું. આ મારો દીકરો... કહી નિગમશંકરે તિલક જ્યાં હોવાનો તેમને અણસાર હતો ત્યાં સંકેત કર્યો, પછી ઉમેર્યું:

હું તો નેત્રહીન જ છું, તેમાં મારા તિલકની આંખો...
તિલકના શ્વાસ ઉભડક થઈ ગયા. બાપુજી ફરીર્થી તેની નબળી આંખોની રામાયણ સંભળાવશે તેવા ભયથી તે ધ્રૂજી ઊઠ્યો. સદભાગ્યે તેમણે વાત આગળ ન વધારી.

પણ પંડિતજી, આપ આપની કઠણ શારીરિક મર્યાદાને વળોટી જઈ શક્યા છો તેમાં જ આપનું આંતરિક બળ પ્રગટ થાય છે. રૉબર્ટે કહ્યું.

મને અંધત્વનો મહાવરો પડી ગયો છે એટલે તમને એવું લાગે, નહિતર અદર્શનના અંતરાયો ઓછા પીડાકારક નથી. કશું જોવાનું જ નહિ! યજ્ઞની પાવક જ્વાળાઓ સુધ્ધાં નહિ! હા, ક્યારેક એ જ્વાળાની આંચ મારા હાથને અડી જાય છે ત્યારે યજ્ઞદેવતાનો સ્પર્શ હું અનુભવું છું. અગ્નિને પણ સ્પર્શથી જ પામવાનો! અને જ્યારે મારા આખા શરીરે અગ્નિ ફરી વળશે ત્યારે હું તે અનુભવી જ નહિ શકું. નૈનં દહતિ પાવકઃ તે આનું નામ? કોઈ મારી સામે છરી કે પિસ્તોલ કે એવું કોઈ ઘાતક શસ્ત્ર કાઢે તો યે તેને હું તો જોઈ જ ન શકું. નૈન છિન્દન્તિ શસ્ત્રાણિ... સર્પ આવીને મારી સામે ફેણ માંડે તે યે મારું અદર્શન અકબંધ! હું તેનો ફુત્કાર સાંભળું ત્યારે જ મરણના ભયથી પરિચિત થઈ શકું! સમુદ્રતટે હું સ્નાન કરવા જાઉં ત્યારે પહાડ જેવડા મોજાંના ઘુઘવાટને સાંભળીને હું મરણને ઠેલી શકું તો તેમ, નહિતર જળસમાધિ જ...! શક્ય છે, મારું અદર્શન મારી તટસ્થતાનું ઘડતર કરવામાં સહાયરૂપ થતું હશે... નિગમશંકરે હ્રદયની વાણી સંભળાવી.

તોડી ક્ષણો સુધી મૌન પથરાઈ ગતું. પાર્શ્વભૂમાં યજ્ઞકુંડમાં અપાતી આહુતિઓના સ્વાહાકાર સંભળાયા કરતા હતા. ક્યાંક સુધી ઊંડા શ્વાસ લીધા પછી નિગમશંકર બોલ્યાઃ
આટઆટલાં દેવ-દેવીઓનું હું મંત્ર દ્વારા આવાહન કરાવું, પણ તેઓની મૂર્તિઓને તો મારે હાથના સ્પર્શથી જ ઓળખવાની! અને નિઃશ્વાસ.
પણ સાચી ઈશ્વરમૂર્તિતો આપના હ્રદયમાં વસે છે. નિકુંજભાઈએ કહ્યું.

એમ હોવું કેટલું કપરું છે તે જાણું છું પ્રોફેસરસાહેબ, પણ આપણા જેવા બધાની અભીપ્સા તો એ જ હોય. પછી કહેઃ મેં તમને કહ્યું ને? હું તો પાકો સંસારી છું, પણ મેં આ મારા પુત્રનું મુખ જોયું નથી અને મને એ પુત્ર આપનાર તેની માતાનો ચહેરો પણ મારાથી અદીઠ રહ્યો છે. મારા જેવાને જાળવનારી, મારા વંશને આગળ વધારનારી એ સ્ત્રી પણ મારી આંખો માટે તો અણજાણ જ... અરે, જેણે મને દ્વિજ બનાવ્યો એ કાશીના પણ મેં સગી આંખે દર્શન ન કર્યાં... જે વિદ્યાએ મારા અંધાપાને ખાળ્યો એ વિદ્યાને સાચવતી પોથીઓને પણ મારે તો સ્મરણ અને કંઠમાં જ ઉતારવી પડી, દ્રષ્ટિમાં નહિ. મારા ગુરુઓ-આચાર્ય વિનોદાનંદ ઝા, વિચિત્રનારાયણ શર્મા, શ્રીનિવાસન શાસ્ત્રી, વેંકટાચારી રામમૂર્તિ, પંડિત ત્રિલોચન પદ્મધર, ધનુર્ધર શુક્લ બધા પાસેથી વિદ્યા મેળવી, આશીર્વાદ મળ્યા, દર્શન ન મળ્યા! તમે કહો ગોરાભાઈ, હું આત્મગ્લાનિ કેમ ન અનુભવું? તેમના નિઃશ્વાસનો વેગ વધી પડ્યો. પછી તેમણે કહ્યું:

નિકુંજભાઈ, ઈશાવસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર તો તમે જાણતા જ હશો-
અસૂર્યા નામ તે લોકાઃ અધેન તમસાડડવૃતાઃ,
તાડસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ
ગોરાભાઈ, આ સકળ વિશ્વ સૂર્ય વિનાનું છે, અંધારામાં ડૂબેલું છે. મારે માટે તો ખરું જ.

ના, પંડિતજી! નિકુંજભાઈએ પ્રતિવાદ કર્યોઃ આ મંત્રની બીજી પંક્તિમાં આપના જેવાઓ તો અપવાદરૂપ છે. આપના આત્માનું અનન શક્ય જ નથી; ઊલટો તે વિદ્યાના બળે વધારે તેજસ્વી બન્યો છે.
નિગમશંકર હસી પડ્યાઃ
હું એવા ભ્રમમાં નથી પ્રોફેસરસાહેબ! ઈશાવસ્યનો જ પેલો મંત્ર તમને યાદ છે ને?
અન્ધતમઃ પ્રવિશન્તિ યેડવિદ્યામુપાસતે,
તતો ભૂય ઈવ તે તમો યઉં વિદ્યાયાર્દ્રાઃ

જેઓ વિદ્યાને પૂજે છે તેઓ પણ ઘોર અંધકારમાં પડે છે અને જેઓ વિદ્યાને ઉપાસે છે તેઓ તેનાથી પણ ઘોર અંધકારની ગર્તામાં પડે છે.
આપના જેવા જ્ઞાની સાથે આવી હતાશાનો મેળ અમને સમજાતો નથી.

એ હતાશા નથી, નિર્ભ્રાન્તિની શરૂઆત છે. કાશી ભણીને અહીં આવ્યો ત્યારે અહીં કાશી જેવી મોટી પાઠશાળા ઊભી કરવાનું મારું સ્વપ્ન હતું. તે માટે તો મેં કાશીમાં ઘણી અગવડો વેઠીનેય અનેક પોથીઓ અને પુસ્તકો ભેગાં કર્યાં હતાં.
ક્યાં છે એ બધાં! રૉબર્ટે ઉત્સુકતાથી પૂછ્યું.

એ રહ્યાં મારાં ઘરમાં થોડા થોડા વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા. વિદ્યાર્થીઓ આવતા, પણ ધગશ અને દ્રષ્ટિ વિનાના. પેટગુજારો થાય એટલું ભણ્યા પછી ચાલ્યા જતા. જ્ઞાનની સાચી ભૂખ ભાગ્યે જ કોઈકમાં જોવા મળતી. ગોરાભાઈ, તમે અમારી વિદ્યાના આર્કષણથી ખેંચાઈને દરિયાપારથી અહીં આવ્યા; અમે તમારી વિદ્યાની નૉળવેલને સૂંઘવાનું યે ભૂલતા જઈએ છીએ! બીજાની શી વાત કરવી? મારો દીકરો જ ઈંગ્રેજી કેળવણી લે છે. સારું છે. જમાનાની સાથે ચાલવું રહ્યું. નિગમશંકરના શબ્દોમાં નિષાદ ઊતરી આવ્યો.

થોડીવાર રૉબર્ટે કહ્યું: પંડિતજી અમને એક લોભ થાય છે. આપનો ગ્રંથભંડાર અમે જોઈ શકીએ ખરા?
મારું અને મારા ગ્રંથભંડારનું એ સદભાગ્ય હશે ગોરાભાઈ! તમારો એ અધિકાર છે. કર્મ અને જ્ઞાનથી તમે સાચા બ્રાહ્મણ છો. તમારા જેવા વિદ્વાનોનાં પગલાં મારી ઝૂંપડીમાં ક્યાંથી?

પછી ઉમેર્યું: મારું કાળજું કઠણ કરીને ય એ ગ્રંથો હું તો તમારા જેવા કોઈક વિદ્યારસિકને આપી દઉં. એનો સદપયોગ તો થાય; પણ એ ગ્રંથો અને પોથીઓ સાથે માયા બંધાઈ ગયેલી છે. હજી તે છૂટે તેમ નથી. મારે મન તો જેવો તિલક અને તેની બા તેવાં જ એ પુસ્તકો અને પોથીઓ. તેનો વિયોગ વેઠવાની હજી તો મારી હામ નથી. મારિ સ્થિતપ્રજ્ઞતા એટલી કાચી; પણ તમે મારે ઘેર જરૂર આવો. - કહી નિગમશંકરે હાથ લંબાવ્યા. નિકુંજભાઈએ તેની સાથે પોતાના હાથનો સંપુટ રચ્યો.

નિગમશંકર એકાએક પોતાની બંને પડખે એક એક વાર ડોકું ફેરવીને કહ્યું:
તિલક, દુર્ગા, જુઓ છો ને આ ગોરાભાઈની આપણી વિદ્યા તરફની પ્રીતી? નિકુંજભાઈ તો આપણી જ જન્મભૂમિના છે, એટલે તેમને તો તેનું ખેંચાણ હોય. તમારે આમાંથી ઘણું શીખવાનું છે. એ પુસ્તકો અને પોથીઓ એ જ મારી મૂડી છે ને વારસો છે. બીજું તો હું કાંઈ આપી શકું તેમ નથી. હું હયાત નહિ હોઉં તો યે મારો આત્મા એપુસ્તકો અને પોથીઓમાં હશે. એ અક્ષરદેહ એટલે હું જ હોઈશ. આટલાં વર્ષ ભાગીરથીએ મને જાળવ્યો છે, મારા અંધાપાને વેઠ્યો છે. દુર્ગા, તેં ય શિષ્યભાવે મારી સેવા કરી છે. બેટા તિલક, તુંય મારા ઘડપણને જોગવશે તેમ માનું છું. મારા પછી તમે આ ગ્રંથભંડારને જાળવશો, તેના સદુપયોગની વ્યવસ્થા કરશો તો તમે મારી જ સેવા કરી ગણાશે દીકરાઓ! હું અંધ છું, પુસ્તકો મુંગા છે, પણ તે તમને દ્રષ્ટિ વાણી, શીલ બધું જ આપશે.

બાપુજી! તિલક માત્ર એક ઉદગાર જ કાઢી શક્યો. તેણે બાપુજીના હાથ પકડી પોતાના માથા પર મૂકી દીધા.
હું સમજી ગયો દીકરા! તારામાં મને ભરોસો છે. અને હવે તો આપણા આ નવા ભાઈઓની યે ઓળખાણ થઈ ગઈ. તેમની પણ મદદ મળી રહેશે. ગોરધન શેઠ તો છે જ. તેમને મારામાં સારી આસ્થા છે.
બધાંની આંખોમાં સજ્જળતાનું આછું આછું તેજ ચમકી ઊઠ્યું.

એ સાંજે રોબર્ટ અને નિકુંજભાઈ નિગમશંકરને ઘેર આવ્યા. રસ્તામાં જ નિકુંજભાઈએ તેમના વિદેશી મિત્રને કહ્યું હતું: તને નિગમશંકરને ઘેર અમારી એક જૂની માન્યતા પ્રત્યક્ષ જોવા મળશે- લક્ષ્મી અને સરસ્વતી ભાગ્યે જ સાથે રહી શકે છે.

જર્જરિત અંધારિયું ઘર, દીવાલને બદલે ક્યાંક લાકડાંની ફરેકાળ. જ્યાં કરો હતો ત્યાં પણ લૂણો લાગેલો, ચૂનો કાંકરી ખર્યા કરે. છતનાં ખપાટિયાં સડી ગયેલાં. એક ઓરડામાં છતને બદલે કંતાન બાંધેલું. બેસવા માટે એક ગાદી, બે તકિયા, ગલેફ ચાદર સ્વચ્છ ખરાં, પણ થીંગડાંવાળાં. ચૂલાના ધુમાડાથી રસોડાની જીર્ણ ભીંતો કાળીમેશ. જૂની ફાટેલી રેશમની સાડી પહેરીને ચૂલા પર રસોઈ કરવામાં ઓતપ્રોત ભાગીરથીબા.

રૉબર્ટને પહેલો વિચાર આવ્યોઃ હું અહીં કીમતી સૂટ, ટાઈ અને બૂટ પહેરીને આવ્યો તે સારું નથી થયું. તેને પોતાની જાત અહીં એ સંદર્ભ પૂરતી અપ્રસ્તુત લાગી. ફાનસનો ઝાંખો પ્રકાશ પોતાનાં કપડાંની ચમકને નામશેષ કરી નાખે તો સારું તેવી તેને લાગણી થઈ આવી. ઘરમાં કોઈ અજાણ્યા વિદેશીને આવેલો જોઈને ભાગીરથીબાના ચહેરા પર જે ક્ષોભ પ્રગટ્યો તેની નોંધ લઈ રૉબર્ટ વિચાર્યું: આ આખા ઘરનો બાહ્ય પરિવેશ તિલકની માયોપિક આંખો જેવો છે - માત્ર નિગમશંકરની વિદ્વત્તા તેમાં ઉજાસનો પથ કરતી હતી. રૉબર્ટના મનમાં વિષાદ અંધારયો એ વિષાદથી ઊગરવા માટે તેણે નિગમશંકર તરફ જોયું. તેઓ સામે એક આસન પર પલાંઠી વાળીને કશો ટેકો લીધા વિના ટટ્ટાર બેઠા હતા. તેમના ચહેરા પર ક્યાંય કશા દૈન્યની છાયા ન હતી. ઊલટી એક પ્રકારની આભા વર્તાતી હતી. તેમના કપાળ પર ચંદનની સોનેરી અર્ચા તેમના શરીરના ઊજળા રંગ સાથે ભળી હતી. તેમણે શરીરે ધોતિયું પહેર્યું હતું. ખેસ પણ ઓઢ્યો ન હતો. પૂર્ણતાની સહેજ નિકટ પહોંચ્યાની અનુભૂતિ તેમના સાન્નિધ્યમાં થતી હતી કે શું? - રૉબર્ટને પ્રશ્ન થયો.

તિલક અને ભાગીરથીબાએ મહેમાનોને પિત્તળના પ્યાલામાં દૂધ આપ્યું. સાથે થોડાક ફળ. રૉબર્ટ ભાગીરથીબા તરફ જોઈ રહ્યોઃ આ સ્ત્રીએ પરણીને ક્યારેક પતિના દ્રષ્ટિપાત તો ઝીલ્યા જ નહિ! છતાં તેના ચહેરા પર અધૂરપ કે અભાવની નાની સરખી વાદળી યે કેમ વર્તાતી ન હતી? દરિદ્રતાના આ ઘેરા ધુમ્મસ વચ્ચેય તેનું ઊજળું મોં કેમ સ્વાભાવિક રીતે હસું હસું લાગતું હતું? મારા દેશમાં કેટલી સ્ત્રીઓ અંધ પુરુષને પતિ તરીકે સ્વીકારે અને સ્વીકાર્યા પછી તેની સાથે આખું જીવન વિતાવે? આવી ગરીબીને વેઠીને તેને ઉજાળનાર સ્ત્રીઓ પણ કેટલી હશે? રૉબર્ટથી ભાગીરથીબાને નીચા નમીને પ્રણામ કરી દેવાયા.

તેનો મનોભાવ કળી ગયા હોય તેમ નિગમશંકર બોલ્યાઃ
ગોરાભાઈ, આ મારા તિલકની બા તો ગાંધારી જેવી છે. ગાંધારી વિશે તમે કદાચ જાણતા હશો. મહાભારતનું તેજસ્વી પાત્ર છે. અંધ પતિને વર્યા પછી તેણે આંખે પાટા બાંધીને જીવન વિતાવ્યું. પતિના અંધાપામાં તે ભાગીદાર બની. છતી આંખે અંધત્વ વહોર્યું. તિલકની બાએ દેખીતી રીતે તો આંખે પાટા નથી બાંધ્યા, પણ હું દ્રશ્ય પદાર્થોનો જે આનંદ નથી ભોગવી શકતો તેના તરફ તે આંખ પણ માંડતી નથી. પાટા બાંધીને અંધાપો વહોરવા કરતાં યે ઉઘાડી આંખે અંધત્વ અપનાવવાનું વધારે દોહ્યલું છે. અને આણે તો વળી પેટે પણ જરૂર પડ્યે પાટા બાંધી જાણ્યા છે!

નિકુંજભાઈએ નિગમશંકરની વાતોનો મર્મ સમજાવ્યો એટલે તેણે ભાગીરથીબા સામે ફરીથી હાથ જોડ્યા. ભાગીરથીબાએ નિકુંજભાઈ તરફ જોઈને કહ્યું:
સાહેબ, એમને તો મારાં વખાણ કરવાની ટેવ પડી છે. પરણ્યા પછી એમની આંખો ગઈ હોત તો હું શું કરત? આ તો બધું જાણ્યા-સમજ્યા પછી કર્યું હતું એટલે વસવસો હોય જ નહિ. માણસને લકવો થાય ને એની ચાકરી કરવી પડે, માણસ ગાંડો થઈ જાય ને એને સાચવવો પડે; એના કરતાં તો અંધાપાને જાળવવો સહેલો છે. પછી કપાળ પર સાડીનો છેડો લંબાવતાં તેમણે ઉમેર્યું: અને એમની પાસે જે છે તે તો ગોરધન શેઠ પાસે પણ નહિ હોય.

સાચી વાત છે બા, તમારી. નિકુંજભાઈએ કહ્યું.
પછી બધાં ગ્રંથસમ્ચય જોવા માટે ઊઠ્યાં. તિલક સૌથી આગળ હતો. દુર્ગો તેની જોડાજોડ. પછી રૉબર્ટ અને નિકુંજભાઈ. છેલ્લે ભગીરથીબા અને નિગમશંકરને તેમનો હાથ પકદીને દોરતાં હતાં.

તિલકે ઓરડાનું તાળું ઉઘાડ્યું. અંદર જઈ બારીઓ ખોલી નાખી. હવડ હવાની એક ડમરી બહાર સુધી ફેલાઈ ગઈ. ખંડમાંનો અંધકાર ધીમે ધીમે વિખેરાયો. દુર્ગાએ હાથમાંના ફાનસની વાટ તેજ કરી. ઓરડામાં ચોમાસાના સૂર્ય જેવો ઝાંખો ઉજાસ પથરાયો.

રૉબર્ટ નએ નિકુંજભાઈએ ચારે પાસ નજર ફેરવી. ઓરડામાં જ્યાં ત્યાં પોથીઓના નાના-મોટા ઢગલાઓ હતા. કોઈક કોઈક પોથી બંધણામાં બાંધેલી હતી, કોઈક છૂટી હતી. ઠેર ઠેર પુસ્તકોનાં પોટકાંઓ પડેલાં હતાં. ત્રણચાર મોટી પેટીઓ, લાકડાંનાં બે તોતિંગ કબાટો અને એક મોટો ખખડધજ પટારો હતાં. ખંડની વચ્ચે એક બાજઠ હતો, પાસે એક ઢાળિયું. એક પીઠવાળો અને ત્રણ સાદા પાટલા હતા. મોટી દીવી હતી. ખૂણામાં ખીંટીને ફાનસ ટીંગાતું હતું.

તિલક નિગમશંકરને હાથ પકડીને ખંડની વચ્ચે લઈ ગયો. નિગમશંકરમાં જાણે ધીમે ધીમે મૂળ ચૈતન્ય પ્રગટવા લાગ્યું. તેમણે જોરજોરથી શ્વાસ લીધા. તેઓ ઓરડામાં ફરીફરીને પોથીઓને, પુસ્તકોને, કબાટોને, પેટી-પટારાને ઘનિષ્ઠ સ્પર્શ કરવા લાગ્યા. ભરવાડ જાણે તેની ગાયોને પસરાવતો હોય તેવું એ દ્રશ્ય હતું. પુસ્તકો અને પોથીઓ પણ જાણે તેમના સ્પર્શની પ્રતિક્ષા કરતાં હોય તેમ મહોરી ઊઠીને અજાણી સુંગધ પ્રસારવા લાગ્યાં. અથવા હાજર રહેલાંઓના હ્રદયની ભવનાએ સર્જેલું એ બધું મધુર, નિર્દોષ છળ પણ હોય.

પછી નિગમશંકરે કહ્યું:
ગોરાભાઈ, નિકુંજભાઈ, હું અકિંચન, પણ આ પુસ્તકો જ મારું અનર્ગળ ધન. સાતમે વર્ષે મને જનોઈ દીધીને હું જાતે જ આ શહેરની એક ખંડેર જેવી પાઠશાળામાં ભણવા બેઠો. આ જ ઓરડામાં બેસીને હું સ્વાધ્યાય કરતો. પછી અંધાપો આવ્યો. કાશી જવાનું થયું. ત્યાં જે પુસ્તકો, પોથીઓ હાથ લાગ્યાં તે બધાં અહીં લાવ્યો. આ પુસ્તકો અને પોથીઓને હું સગી આંખે જોઈ તો શક્યો નથી, પણ મેં તેમને સૂંઘ્યાં છે, પીધાં છે, છાતીએ ચાંપ્યાં છે, તેના પર મારાં આંગળાંની અને હોઠની છાપ છે. મારા શ્વાસમઆં તેના અક્ષરો સમાયા છે. દેખ્યા વગર પણ હું જાણું છું: પેલાં ખૂણામાં ઉપનિષદો છે, આ તરફ વેદોની સંહિતાઓ અને બ્રાહ્મણગ્રંથો છે... પેલી બાજું વ્યાકરણનાં પુસ્તકો છે... પેલી થપ્પી ન્યાયશાસ્ત્રનાં પુસ્તકોની જ હોવી જોઈએ... પેલા કબાટમાં રઘુવંશ, મેઘદૂત, ઉત્તરરામચરિત તો છે જ...પછી નિઃશ્વાસ નાખીને ઉમેર્યું:

આ પુસ્તકોએ મારા અંધાપાને સહ્ય બનાવ્યો છે તો આ પુસ્તકોને કારણે જ મને મારો અંધાપો વધારે સાલે છે પણ ખરો. આંખો હોત તો અમારી વચ્ચે વધારે તાદત્મય સધાયું હોત. ગુરુઓ મારી પહેલી આંખો બન્યા. પછી આ પુસ્તકોએ જ મારી આંખોનું સ્થાન લીધું. મારી સ્મૃતિ મારી દ્રષ્ટિ બની. મારા શિષ્યો પાસે પણ મેં મારી આંખોનું કામ લીધું. મારો તિલક મારી આંખો બની શકશે ખરો? દૈવ જાણે!
પછી કહેઃ અમારી બોલીમાં બત્રીસ કોઠે દીવા થયા એમ કહીએ છીએ. માણસને બે દેખીતી આંખો ઉપરાંત પણ કેટલી બધી આંખો અને એ આંખોની દ્રષ્ટિની જરૂરત પડે છે! માણસ ધારે તો તેના રૂંવેરૂંવેથી જોઈ શકે છે. એ જ કદાચ બત્રીસ કોથે દીવા! સૌથી તેજસ્વી દીવો આત્માના કોડિયે ઝગે!

બોલતી વખતે નિગમશંકર આછું આછું ધ્રૂજતા હતા તે નિકુંજભાઈ એ જોયું. તિલકે પિતાને હાથ પકડીને બાજઠ પર બેસાડી દીધા અને તે તેમને ખભે હાથ મૂકીને ઊભો રહ્યો. વાતાવરણમાં નિતાન્ત નિઃસ્તબ્ધતા પથરાઈ ગઈ. બધાંની દ્રષ્ટિ પિતા-પુત્ર પર હતી. ફાનસનાં ઝાંખા અજવાળામાં તેઓ તેજછાયાના ચિતરામણ જેવા લાગતા હતા. ફાનસ વગરના ઓરડા જેવા નિગમશંકર, ફાનસ સાથેના ઓરડા જેવો તિલક, નિગમશંકરનું અંધત્વ, તિલકની આંખો પરનાં ચશ્માંના જાડા કાચ અને ચોમેર પુસ્તકો-પોથીઓનો ફેલાવ; ત્રણેયનું સાયુજ્ય એક અકળ આકૃતિ સર્જતું હતું.

રૉબર્ટ અને નિકુંજભાઈ પુસ્તકો અને પોથીઓને હાથમાં લઈને જોવા લાગ્યા.
આ ગ્રંથ તો મુંબઈ યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં પણ નથી. નિકુંજભાઈનો ઉદગાર.

આ પોથી હું અમેરિકા લઈ જઈ શકું તો કેવું સારું! રૉબર્ટના શબ્દો.
ઓહ, આ તો અદભૂત છે!
આ તો દુર્લભ જ ગણાય!
આ તાડપત્ર!
આ ભોજપત્રની પોથી!

નાનકડા ઓરડાની એ એક સુદીર્ઘ, સાર્થક યાત્રા હતી બંને માટે. બંનેનાં કપડાં પર ધૂળ જામી ગઈ હતી. શ્વાસમાં યે રજકણો, પણ નિકુંજભાઈને વિચાર આવ્યોઃ આ તો જ્ઞાનનાં હજારો પતંગિયાની પાંખો પરથી ઊડેલું સુવર્ણરજ!

ખાસ્સી વારે બધ્હં ઓરડાની બહાર આવ્યા. તિલક ખંડને તાળું મારવા રોકાયો. બારણાં વાસતાં પહેલાં તે ઉંબરમાં ઊભો રહ્યો અને ઓરડામાંની ગ્રંથસૃષ્ટિ તરફ ઉદાસીથી છલકાઈ જતી આંખે જોઈ રહ્યો. આ બહુમૂલા વારસાના વૈભવનું તે શું કરશે? તે તેને સાચવી શકશે? તેના ખભા તે માટે નિર્બળ નહિ પૂરવાર થાય? પૂરે ચઢેલી જમુનાનાં ઘૂઘવતાં જળને વીંધી માથા પરના ટોપલામાં બાલકૃષ્ણને લઈને વસુદેવ મથુરાથી ગોકુળ ગયા હતા. ટોપલા પર શેષનાગે રક્ષણની છાયાધરી હતી. પૂર અને મૂશળધાર વૃષ્ટિ પણ કૃષ્ણને કાંઈ કરી શક્યાં ન હતાં. આ પુસ્તકો અને પોથીઓએ જ બાપુજીને મન તો ઈશ્વરનો અવતાર છે. અંધાપાનાં પૂર સામે તો તમણે તેનું રક્ષણ કર્યું. સમય-પરિવર્તનનો ગાંડોતૂર વાયરો બધી દિશાઓમાંથી વીંઝાવા માંડ્યો છે. તેની સામે ટોપલીમાંના બાલકૃષ્ણની જેમ તેને જમુના પાર કરાવવા જેટલું વસુદેવનું સામર્થ્ય હું શી રીતે પ્રગટાવી શકીશ?

તિલકે વધારે ઉદાસ બન્યો. ધ્રૂજતે હાથે ખંડનાં બારણાં બંધ કરી તાળું મારી તે ઘરના આગળના ભાગે આવ્યો. બેસવા-ઊઠવાના ખંડમાં ઊભેલા નિકુંજભાઈ સાથે તેની આંખો મળી. તેમણે તેની સામે સૂચક દ્રષ્ટિએ જોયું. તિલક થોડી ક્ષણો સુધી તેમની તરફ જોઈ રહ્યો, પછી તેણે ચશ્માં કાઢીને લૂંછયા, પાછાં પહેરી લીધાં...

અમને સામવેદના એક-બે મંત્રો સંભળાવો પંડિતજી! નિકુંજભાઈએ નિગમશંકરને વિનંતી કરી, સામગાન હવે વિરલ બન્યું છે. તેમણે પોતાની આ વિનંતીનો મર્મ રૉબર્ટને અંગ્રેજીમાં સમજાવ્યો. રૉબર્ટ રાજી થઈ ગયો. તેના ચહેરા પર અપેક્ષા અને ઉત્સુકતા તરી આવી.

નિગમશંકરે પોતાનું પદ્માસન દ્યઢ કર્યું. પોથીઓવાળા ઓરડા તરફ અટકળથી પ્રણામ કર્યા પછી તેમણે કહ્યું:

શ્રી કૃષ્ણે ગીતામાં વેદનામ સામવેદોસ્મિ કહીને સામવેદનું ગૌરવ કર્યું છે તે અમસ્તું નથી. ગાનાત્મકતા તેની વિશેષતા છે. ગાત્રવીણા પર તેના સ્વર લેવાય છે. સંશોધકો કહે છે કે પહેલાં સામવેદના ગાનની સાથે વાંસળીની સંગત થતી. આરણ્યક જીવનમાં એ જ તો સહુથી સુલભ વાદ્ય હોય ને? સ્વયં નારદ મુનિએ સામવેદની ગાન પદ્ધતિ સમજાવી છે અને નારદ મોટા સગીતજ્ઞ હતા તે તમે જાણો છો.
ધીમે ધીમે નિગમશંકરની વાણીમાંથી વ્યાવહારિક સ્તરના શબ્દો વિલાતા ગયા. તેઓ ધ્યાનસ્થ જેવી સ્થિતિમાં સર્યા. તિલક અનિમેષ આંખે તેમની સામે જોઈ રહ્યો. તેને લાગ્યુઃ બાપુજી જાણે આ સ્થળ અને કાળથી કપાઈ ગયા હતા. તેઓ અહીં ન હતાં, તેઓ ન હતા, તેઓ તેઓ ન હતા. તિલકે એ ઓરડામાં બેઠેલાં ભાગીરથીબા તરફ જોયું. તેમની દ્રષ્ટિ પણ નિગમશંકર પર જ કેન્દ્રિત થયેલી હતી. બાની આંખોમાં ઝળઝળિયાં ચમકતાં હતાં કે શું...? નિકુંજભાઈ અને રૉબર્ટ કોઈક અસામન્ય ઘટના બનવાની હોત તેમ નિગમશંકર તરફ તાકી રહ્યા હતા. માત્ર દુર્ગો સ્વસ્થ હતો.

અને ત્યાં નિગમશંકરના બુલંદ મધુર કંઠમાંથી - ના, તેમની અંતરગુહામાંથી પ્રણવનાદ સંભળાયોઃ
ૐ...
તે સાથે જ ભાગીરથીબા એ પતિ સામે જોઈ પ્રણામ કર્યાઃ નિકુંજભાઈના હોઠ ઊઘડી ગયા. રૉબર્ટની નીલ આંખોમાં કશોક ઝબકારો વર્તાયો.

નિગમશંકરે મંત્રગાનનો પ્રારંભ કર્યોઃ
ઓડગ્રાઈ ॥ આયાહિડરૂવોઈતોયાડ ર ઈ ।
વ્યક્ષતોયાડ ર ઈ । તોયાડ ર ઈ ॥ નાઈહોતાસાડ ૨૩॥
ત્સાડ ર ઈવાડ ૨૩૪ ઔહોવા ॥ હી ડ ૨૩૪ પી ॥

અંધારાનો કાળો પહાડ ભેદીને ઉજાસનું એક ક્ષીણકાય ઝરણું વહી નીકળ્યું. પ્રથમ તેનો મંદમંદ નૂપુરધ્વનિ સંભળાયો. જોતજોતામાં તેની જલધારા પુષ્ટ બનવા લાગી. ઝરણું સરિતામાં પલટાવા લાગ્યું. હવે તેનો કલકલ ધ્વનિ સંભળાતો હતો. પછી તો ત્યાં મહાનદ વહેવા લાગ્યો. અને આ નિઃસીમ સમુદ્ર! તેનો ઘોર ગંભીર નિનાદ! સ્થળકાર જળજળાકાર!
નીચું, સાકડું, અંધારિયું જર્જરિત ઘર હવે હતું જ ક્યાં?

તિલકને વીજળીમા ઝબકારા જેવી પ્રતીતિ થઈઃ આ ક્ષણોમાં બાપુજી અંધ નહોતા, બધું જોઈ શકતા હતાઃ તેને બાને, અતિથિઓને અને સ્વયં વેદનારાયણને! આ ક્ષણો લંબાયા જ કરે, કદી વિરમે જ નહિ અને બાપુજી સતત બધું જોઈ શકે તો કેવું સારું! તિલકની હ્રદયધબક વધી ગઈ. મંત્રગાન પૂરું તો નહિ થાય ને? પૂરું થઈ જશે તો? ફરીથી એ જ અંધકાર...? ના... બાપુજી, અટકશો નહિ, અમને ફરીથી અંધારાના દરિયાના ડૂબવા ન દેશો...

પણ ધીમે ધીમે નિગમશંકરનો સ્વર મંદ પડતો ગયો. મંત્રગાન પૂરું થયું. ઓરડામાં અડાબીડ નિઃસ્તબ્ધતા પથરાઈ ગઈ. માત્ર નિગમશંકરના હમણાં જ વિરમેલા સ્વરના પડછંદાઓ ઘરની જીર્ણ ભીંતોને અસીમ સુધી વિસ્તારતા હતા. તિલકે એકાએક તીવ્ર ખાલીપો અનુભવ્યો. જે ક્ષણને તે ટાળવા-ઠેલવા ઈચ્છતો હતો તે સાકાર થઈ. બાપુજી અંધ હતા.

દુઃસહ મૌનને છેવટે નિકુંજભાઈએ ભેદ્યું. પ્રણામ કરીને તેમણે કહ્યું:
પંડિતજી, આપે અમને વિરલ અનુભુતિ કરાવી.
એ જાણે આ દુનિયાનો અનુભવ જ ન હતો. રૉબર્ટે કહ્યું.

બધો પ્રતાપ વેદના મૂળ ઉદગાતાઓનો. અને વેદ તો અપૌરુષેય ગણાયા છે- અપાર્થિવ વાણી પ્રભાવશાળી હોય તેમાં શી નવાઈ? હું તો થાળીવાજાની તાવડીથી વધારે કાંઈ નથી. નિગમશંકર બોલ્યા.
ના, પંડિતજી, આપ એનાથી ઘણું વિશેષ છો. પરમતત્વ સાથેના કંઈક અનુસંધાન વગર આવું ગાન શક્ય નથી. નિકુંજભાઈ બોલ્યા.

તમારી વાણી ફળો ભાઈ! પરમતત્વનો એક બિન્દુ જેટલો અણસાર પામું તોય હું ધન્ય થઈ જાઉં! કહી નિગમશંકરે દિગન્ત તરફ પોતાના બંને હાથ ઊંચા કર્યા, ઉમેર્યું: મરણનો મને કશો ભય નથી. ઠીક ઠીક નિર્ભ્રાંત છું તે વિશે. કાલ આવતું હોય તો આજ આવે. કોઈ પણ રૂપે આવે. અબળખા એટલી જ છે કે મરણ સમયે મારાં હોઠ, કંઠ ને હૈયામાં વેદનારાયણનો વાસ હોય! અને તેમણે માથું નમાવ્યું.
થોડી વારે નિકુંજભાઈ અને રૉબર્ટ ઊભા થયા.., નિકુંજભાઈએ ફરીથી નિગમશંકરનો ચરણસ્પર્શ કર્યો અને પછી તેમના હાથમાં સો રૂપિયાની બે નોટ મૂકી. હાથને અંગારો અડ્યો હોય કે સર્પદંધ થયો હોય તેમ નિગમશંકર છળી ઊઠ્યા અને બોલ્યાઃ
આ શું નિકુંજભાઈ?
કાંઈ નથી પંડિતજી! ફૂલની પાંખડીરૂપ દક્ષિણા.

મને પાપમાં ન નાખો પ્રોફેસરસાહેબ, હું તો અપરિગ્રહી છું- કહી નિગમશંકરે ચલણી નોટોને ભોંય પર મૂકી દીધી. તેમના મુખ પરની ધ્યઢતાં જોઈને નિકુંજભાઈ દલીલ ન કરી શક્યા. એ નોટો તિલકને આપવાનો પ્રયત્ન કર્યો. તિલકે ધીમે સાદે કહ્યું: ના સાહેબ, અમારાથી કાંઈ લેવાય ન નહિ. બાપુજીને જાણ થાય તો તેઓ ઉપવાસ કરે.

પડોશીના ઘરની ઘડિયાળમાં દસના ટકોરા થયા ત્યારે રૉબર્ટ અને નિકુંજભાઈ બહાર આવ્યા. નિગમશંકરે અને તેમનું આખું કુટુંબ તેમને ઓટલા સુધી વળાવવા આવ્યું.
ફરી ક્યારેક મળીશું પંડિતજી! નિકુંજભાઈએ કહ્યું.
બધું હરિની ઈચ્છા પર છે ભાઈ! મળીએ, ન મળીએ... અને શેરીનો અંધકાર પ્રગાઢ બન્યો.
*
(ક્રમશ :...)


0 comments


Leave comment