6 - પ્રકરણ ૬ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


હોલ નાનો હતો. શ્રોતાઓ ઝાઝા ન હતા, પણ હતા ગુણીજન. સામે ફર્શથી સહેજ ઊંચા મંચ પર ગાદીતકિયા ગોઠવ્યાં હતાં. અભિજિત ક્યારનો યે સિતારના સૂર મેળવી રહ્યો હતો. તબલાં પર બચુ ઇસ્તાદ હતા; વૃદ્ધ, અફીણના બંધાણી, પણ પોતાની કળામાં પારંગત. તબલાં પર એમની સુક્કી લાંબી આંગળીઓ પતંગિયાંની જેમ ઊડાઊડ કરતી. હથોડીની મદદથી તેઓ તબલાં મેળવતા હતા.
શ્રોતાઓની પ્રથમ પંક્તિમાં પંડિત રમાનાથ હતા. અબિજિતનો આ શરૂ શરૂનો જાહેર કાર્યક્રમ હતો. તૈયારી તેની લાંબા સમયની હતી, પણ કોણીઓ મારીને આગળ આવવાનો તેનો સ્વભાવ ન હતો. રમાનાથ તેને શિક્ષણ પૂરું આપતા, પણ તેનાં વધુ પડતાં વખાણ કરવાથી અળગા રહેતા. તેમને તો આ કર્યક્રમમાં આવવું ન હતું. પણ અભિજિતે હઠ પકડી હતીઃ તમે મને દાદ ન આપતા; મારી ભૂલો શોધજો; ઘેર આવીને તે બદલ અમ્ને ઠપકારજો, પણ તમે નહિ આવો તો હું સિતારને અડીશ નહિ. રમાનાથ પીગળી ગયા, પણ તેઓ કર્યક્રમમાં આવવા સંમત થયા પછી અભિજિતના મનમાં ક્ષોભ જાગવા માંડ્યોઃ સમર્થ સંગીતવિદ પિતાની હાજરીમાં પોતે સ્વસ્થતાથી, આત્મવિશ્વાસથી સિતાર વગાડી શકશે ખરો? ભૂલો નહિ કરી બેસે? પછી થયું: પિતાજી પિતાજીને સ્થાને છે, હું મારે સ્થાને. તેઓ પણ ક્યારેક મારા જેવા શિખાઉ હશે જ ને? તેમના ઉસ્તાદ મુશ્તાકહુસેન ખાંસાહેબની કઠોર શિસ્ત અને તાલીમની વાત કરતાં તો તેઓ આજે પણ ગળગળા થઈ જાય છે. તો ઘડાયા, ટક્યા, વિકસી શક્યા; હું શા માટે પાછી પાની કરું? અને તેનો ખોડંગાતો વિશ્વાસ ફરીથી સમતળ બન્યો.
તિલકને તેણે ખાસ આમંત્રણ આપ્યુ હતું. પણ મારી પરિક્ષા? તિલકે મૂંઝવણ બતાવી હતી. કાલે બે કલાક વધારે વાંચી લેજે. મારો કાર્યક્રમ હોય અને તું ન આવે? અભિજિતના આગ્રહની સમક્ષ તિલક ઝૂકી ગયો, પણ તે મોડો પડ્યો. બાપુજીની સાયંસંધ્યા લાંબી ચાલી. વળી બા જગન્નાથજીના મંદિરે ગયાં હતાં ત્યાં આજે ખાસ ઉત્સવ હતો તેથી તેઓ મોડાં ઘેર પાછાં ફર્યાં. પછી રસોઈ... ગોરધન શેઠ છેલ્લા બે એક વર્ષથી જગન્નાથ મંદિરના મુખ્ય ટ્રસ્ટી બન્યા હતા. મંદિર નાનું હતું, પણ ભક્તોમાં પ્રિય હતું. ગોરધન શેઠે તેને વિકસાવવાના દેખીતા પ્રયત્નો કરવા માંડ્યા હતા. ભાગીરથીબાને જગન્નાથજીમાં ઊંડી આસ્થા હતી. દિવસમાં એક વાર તો તેઓ મંદિરે દર્શન કરવા જતાં જ. આંખો મીંચીને કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓને તેઓ હ્રદયમાં ધારણ કરતાં...
તિલક હૉલમાં આવ્યો ત્યારે અભિજિતને યમનની આલાપાચારી સિતાર પર પૂરી કરી હતી અને તે ચીજની ગત પર આવ્યો હતો અને તે સાથે જ બચુ ઉસ્તાદની આંગળીઓમાં વીજળી નર્તન કરવા લાગી હતી. બીજાઓને ખલેલ ન પડે તે માટે તિલક હૉલને છેવાડે ખૂણામાં એકલો બેસી ગયો. થોડાક પ્રયત્ન પછી તે યમનની સ્વરસૃષ્ટિમાં પ્રવેશી શક્યો, આંખો મીંચી તેમાં ડૂબવા લાગ્યો.
ત્યાં તેની કમર પર ઝીણી અને તીણી ચૂંટલી ખણાઈ. તે ચમક્યો. તેની આંખો તત્ક્ષણ ઊઘડી ગઈ. સત્યા તેની બાજુમાં બેઠી હતી. કોરા વાળ. શામળા કપાળ પર બે-ત્રણ અલકલટો ઊતરી આવેલી. આછા ગ્રે કલરના ગ્રાઉન્ડ પરની ડાર્ક ડિઝાઈનવાળા ટૉપની નીચે બ્લૂ બ્લેક સ્કર્ટમાં તે સોહામણી લાગતી હતી. સત્યાનું બધું સૌન્દર્ય તેની પાણીદાર, બોલકી, તોફાની આંખોમાં આવીને વસ્યું હતું. તેનું ઘાટીલું નાક, રસાળ હોઠ અને સુડોળ શરીર. સેન્ટની ધીમી ખુશ્બોએ તિલક પર મહેકીલું આક્રમણ કર્યું. તેણે સત્યા તરફ જોયું- ધ્યાનપૂર્વક- કદાચ પહેલી જ વાર. સ્લીવલેસ તૉપમાંથી દેખાતા તેના હાથ પરનાં શીતળા ટાંક્યાનાં બે ચિન્હ જોઈને તેણે ઉત્તેજના અનુભવી અને તે સાથે શીતળામાં આંખો ગુમાવનાર બાપુજી પણ તેને યાદ આવ્યા. એ દુઃખદ સ્મૃતિને પાર્શ્વભૂમાં હડસેલી દેવા માટે તેણે સત્યાની છાતી અને પગ તરફ નજર ચોરીને બે વાર જોઈ લીધું.
હું છું, સત્યા- દેખાઉં તો છું ને તને? સત્યાએ તિલકના કાનમાં ધીમા પણ તોફાની અવાજે કહ્યું. તત્ક્ષણ તિલકના મનમાં એક ઝીણી તિરાડ પડી, છતાં તેણે સ્મિત કરીને એવા જ સ્વરે જવાબ આપ્યો. તારી ચૂંટલીએ જ તારી ઓળખાણ આપી દીધી! બિલાડીઓ નખોરિયાં ભરવા માટે જાણીતી હોય છે!
અને તેં જે સિસકારો કર્યો તે જ સિતારની સાચી મીંડ હતી. કહી સત્યાએ વાતાવરણમાં મોટેથી કહી શકાય તેવું હસી પડી. પાંચ-સાત ડોકાં તે તરફ ફર્યાં. તિલકે નાકે આંગળી મૂકી તેને ચૂપ રહેવા સૂચવ્યું. છટ્! સત્યાએ ઉદગાર કાઢ્યો. તિલકે ફરીથી અભિજિતની સિતારમાં ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો. કપરું લાગ્યું હવે તે. સેન્ટની હળુહળુ સૌરભ... તિલકે યમનની ચીજના શબ્દો અને એની સરગમને મનમાં તાજાં કરવાની મથામણ આદરી.
કોણીનો હળવિ ધક્કો દરિયાના નાનકડા મોજાની જેમ આવ્યો અને તિલકના મનમાં બંધાવા માંડેલું યમનનું રૂપ તૂટી પડ્યું. તેણે કંઈક અણગમાથી સત્યા તરફ જોયું. જોકે તેને જ્યાં સત્યાની કોણીનો અણિયાળો સ્પર્શ થયો હતો ત્યાં કશીક મીઠાશ અનુભવાતી હતી. સત્યાએ ખડખડાટ સ્મિત કર્યું! તેની તેજ તેજ મારતી આંખોમાં ઈશાની વીજળી જેવું તોફાન ઝબૂક્યું. તિલકે તેને ગુફતેગો જેવા સ્વરે કહ્યું:
જો છોકરી, સિતાર તારો ભાઈ વગાડે છે. તારે ન સાંભળવું હોય તો ભલે, મને સાંભળવા દે.
ઊંહું!
તો તું અહીં શા માટે આવી છે?
તોફાન કરવા. સિતાર તો રોજ ઘેર માથું ખાય છે.
મને પણ નહિ સાંભળવા દે?
ના
કેમ?
મારી મરજી.
હું જગ્યા બદલી નાખીશ.
તું જ્યાં જશે ત્યાં હું આવીશ.
તિલકને ચીડ ચઢી, પણ તેણે મૌન જાળવ્યું. તે ફરીથી અભિજિતની સિતારમાં... ફરી કશુંક અટકચાળું... તિલક અવિચળ. સત્યાની નરી ઉપેક્ષા કરી તેણે. ફરી અડપલું. તિલક ગમા અને અણગમાના બેવડા ભાવથી ઘેરાઈ ગયો. યમન પુરાકાષ્ઠા સાધી રહ્યો હતો. અભિજિતની આંગળિઓ રમઝટ મચાવતી હતી. બચુ ઉસ્તાદ તબલાં પર હણહણતા હતા. હૉલમાં સૂરોને અષાઢ વરસતો હતો; તાળીઓનો પણ. સહુ કોઈનું ધ્યાન અભિજિત, ઉસ્તાદ અને તબલાંમાં ઓતપ્રોત હતું; માત્ર સત્યા- તેણે તિલકના પડખામાં ભરાઈ તેના કાનમાં ફૂંક મારી. તિલક ચમકી ગયો. તે જ ક્ષણે અભિજિતે યમન સમાપ્ત કર્યો. તાળીઓ, તાળીઓ. માત્ર રમાનાથજીએ તાળીઓ ન પાડી. એમની આંખોમાં નિતાન્ત પ્રસન્નતા હતી. અને સત્યાએ તાળીઓ ન પાડી. તે જાણે આ સભા ખંડમાં ન હતી.
તને અભિભાઈનું સિતારવાદન ન ગમ્યું? તિલકે પૂછ્યું.
મને રસ નથી.
તને શેમાં રસ છે?
એ તું જ શોધી કાઢ- તારામાં બુદ્ધિ હોય તો! કહી સત્યાએ મોં મચકોડ્યું. તિલકને હસવું આવ્યું.
થોડી મિનિટોના વિશ્રામ પછી અભિજિતે શિવરંજની શરૂ કર્યો. સત્યાએ લાંબું બગાસું ખાધું. તેણે તિલકને પૂછ્યું: તું ક્યાં સુધી અહીં બેસવાનો છે?
શિવરંજની તો હું સાંભળીશ જ.
તારું પરિક્ષાનું વાંચવાનું નથી બગડતું?
કાજી દૂબલે ક્યોં? તિલકે સત્યાની આંખોમાં આંખો પરોવીને સામો પ્રશ્ન કર્યો. ચાર આંખોનું ચોમાસું ઘેરાવાના સંભવની ક્ષણે જ સત્યાથી વળી ઘા થઈ ગયોઃ તિલક, હું તને દેખાઉં છું ખરી? પળવારમાં તિલક તેનાથી ત્રણ ફૂટ દૂર ખસી ગયો. શિવરંજનીના સ્વરોની આંગળી પકડી તે સત્યાના ડંખીલા શબ્દોની સરહદથી દૂર ચાલ્યા જવાની મથામણમાં ડૂબ્યો. સત્યા તરફ જોવાનો પ્રશ્ન જ ન હતો. માત્ર તેના સેન્ટની સુગંધને શ્વાસમાં આવતી અટકાતી શકાતી ન હતી.
શિવરંજની પૂરો થયો અને તાળીઓ શમે તે પહેંલા તિલકે અભિજિત પાસે જઈને તેને અભિનંદન આપી કહ્યું: મારે પરિક્ષાનું વાંચવું છે એટલે હું તમારી રજા લઉં છું.
અભિભાઈ, તિલકને કહો ને મને ઘર સુધી મૂકતો જાય. પાછળથી સત્યા ટહુકી.
કેમ, તારે બેસવું નથી? તારે ક્યાં પરિક્ષાની ચિંતા છે? અભિજિતે હસીને કહ્યું.
કેમ જાણે હું ભણતી જ હોઉં!
ભલે. તું તીતીઘોડા જેવી છે તે હું જાણું છું. ઠરીને ક્યાંય બેસાય નહિ! તિલક, આ તોફાની બારક્સ તને સોંપ્યું!
બધાં હસી પડ્યાં.
તિલક અને સત્યા હૉલની બહાર નીકળ્યાં ત્યારે પાસેના ટાવરે સાડાઅગિયારનો સંકેત આપ્યો. સત્યા પાસે સાઈકલ હતી. તિલક હંમેશાંની જેમ પગપાળો. સાઈકલ શીખવા-ચલાવવાનું તેને છોડવું પડ્યું હતું- ચશ્માંને કારણે - તે તેને કાંટાની જેમ યાદ આવ્યું. રસ્તાઓ સૂમસામ. કોઈક ઘોડાગાડી મંદ ગતિએ દોડી જતી હતી. સેન્ટની ૠજુ ખુશબો પોતાને ખભે હાથમૂકીને ચાલતી હોય એમ તિલકને લાગ્યું.
એય, તું મૂંગો રહેવા મારી સાથે આવ્યો છે? એવું હોય તો હું સાઈકલ પર આ ચાલી સડસડાટ! તું ફાંફાં મારતો આવજે મારી પાછળ! મને કાંઈ કોઈની બીક નથી. સત્યા અચાનક ત્રાટકી. તેણે સાઈકલ પર ચઢવાનો અભિનય કર્યો. તિલકે માત્ર એક વાર તેની સામે જોયું અને પછી હોઠ ભીંસીને તે ચાલતો રહ્યો.
એય સોડાવોટર, બહુ ગુસ્સો આવે છે મારા પર? સત્યા એ તીખાશ ઠાલવી.
હવે તિલક ઊભો રહ્યુ. તેણે એક હાથે સત્યાની સાઈકલનું ગર્વનર પકડ્યું, પછી તપાવેલા લોખંડની જેમ કહ્યું:
સત્યા, તું આખો વખત મારી નબળી આંખોની, મારાં ચશ્માંની મશ્કરી કરે છે તે મને નથી ગમતું. નથી ગમતું એટલે નથી જ ગમતું, સમજી? નબળી તો નબળી પણ એ મારી આંખો છે. એને વિશે હવે હું તારો- કે કોઈનો એક પણ ખરાબ શબ્દ નહિ સાંભળું, માઈન્ડ વેલ!
શું કરશે તું? કપાળ પર ઊતરી આવેલા વાળને ઝાટકો મારીને સત્યાએ જાણે શબ્દોનો જમૈયો ઉગામ્યો.
હું તારે ઘેર આવવાનું, સિતાર શીખવાનું, તારી સાથે બોલવાનું, તારી સામે જોવાનું પણ બંધ કરી દઈશ.
એટલું બધું?
હા, એનાથી પણ વધારે. મારી આંખો જેવી છે તેવી પણ મને કામ આવે છે. તેનાથી જ હું વાંચું - લખું છું, આટલે સુધી તો ભણ્યો છું. હજી ભણીશ, ખૂબ ભણીશ, બી.એ. થઈશ, એમ.એ. થઈશ, તેનાથી યે વધારે ભણાતું હશે તો ભણીશ, છેક આંધળો થઈ જઈશ તો બ્રેઈલ લિપિથી વાંચીશ, પુસ્તકો મોઢે કરીશ... તિલક એક શ્વાસે બોલી ગયો. સત્યા તેની હાજરીમાં પહેલી જ વાર સ્તબ્ધ.
તારી આંખો ખૂબ સારી છે, પાણીદાર છે, દૂર દૂર સુધી જોઈ શકે છે, પણ શો ઉપયોગ કરે છે તું તેનો? મેં તને કોઈ દિવસ કશું ખાસ વાંચતી જોઈ નથી. મહાન પિતાની દીકરી, અભિભાઈની તું બહેન, અમે તું ફિલ્મી રાગડા તાણ્યા કરે છે! એક રાહ તું પૂરો સાંભળી પણ શક્તી નથી. તિલકે ધીમા પણ વૈશાખની બપોરના શબ્દોમાં કહ્યું, પછી નિઃશ્વાસ નાખીને ઉમેર્યું: યાદ રાખજે સત્યા, હું મારી આંખો છેક ગુમાવી દઈશ તો તે તારી પાસે એક એક ચબરખી યે વંચાવવા નહિ આવું... અને તેનો સ્વર તૂટી ગયો.
વમળાતી આવતી મધ્યરાત્રિની એ નિઃસ્તબ્ધ ક્ષણોમાં એકાએક વજનદાર મૌન ઊતરી આવ્યું. પતંગિયા-શી સત્યા જાણે ઘંટીનું પડ બની ગઈ. તેને આકરા શબ્દો કહ્યા બદલ પ્રશ્ચાત્તાપની લાગણી તિલકના મનમાં ઊગી ન ઊગી ને વેરાળ બની ગઈ અને ત્યાં સત્યાનો જ ન હોય તેવો અપરિચિત, અટૂલો અવાજ વહી આવ્યોઃ
હું બહુ જ ખરાબ છોકરી છું, નહિ તિલક?
અને તિલકનું ભીતર હલબલી ઊઠ્યું. આ છોકરી ત્વચાની નીચે તો મીણ જેવી હતી કે શું? તિલકે માંડ સ્વસ્થતા ટકાવીને કહ્યું:
જરા યે નહિ. તું નિખાલસ છે, ક્યારેય કોઈ વાતે ગંભીર બનતી નથી.
પણ તારી વધારે પડતી ગંભીરતાથી અકળાઈ જઈને હું હદ બહારનું તોફાન કરી બેસું છું.
ચાલ, આપણે તોફાન અને ગંભીરતાની થોડી થોડી અદલાબદલી કરી લઈએ! તિલકે હસીને કહ્યું. સત્યાના શિયાવિયા ચહેરા પર પહેંલા સહેજ મલકાટ દેખાયો એટલે તિલકે કહ્યું: એય જાંબુવંતી, આટલા બધા ગંભીર નહિ બનવાનું! અને સત્યા ખડખડાટ હસી પડી. થોડાં ડગલાં ચાલ્યા પછી તેણે કહ્યું:
તિલક, મારા તોફાનને તું આજે ટોકે છે, પણ જોજે, મારું બધું તોફાન જોતજોતામાં ક્યાંનું ક્યાં ચાલ્યું જશે અને હું એટલી ગંભીર બની જઈશ કે તું મને ઓળખી પણ નહિ શકે. અમે છોકરીઓ વહેલી મોટી થઈ જઈએ છીએ.
અને તું ત્યારે મને આટલી પણ નહિ ગમે સત્યા!
એટલે? એટલે? તેં શું કહ્યું? સત્યાના શબ્દોમાં આયુષ્યભરનું કૌતુક ઊમટી પડ્યું.
કાંઈ નહિ. તિલકે વાત ઉડાવી દેવાની વ્યર્થ કોશિશ કરી.
તું એમ કહેવા માગે છે કે હું તને થોડીક પણ ગમું છું? સત્યા તેની અડોઅડ આવીને પૂછ્યું. તિલકે નિરુત્તર રહીને ચાલવા માડ્યું.
તિલક! તિલુડા! સત્યા સાદ કરી ઊઠી. તિલક વણથંભ્યો ચાલતો જ રહ્યો. સત્યા એકદમ સાઈકલને પૅડલ મારતી ધસી આવી અને તિલકની સાથે તેણે તેના વાહનનું આગલું પૈડું ભટકાવ્યું.
સોડાવૉટર! તેણે ચિત્કાર કર્યો.
તિલકે થંભ્યો. પાછળ ફરીને તેણે જોયું. તેના હોઠો પર સ્મિત તરવર્યું. તે એક જ શબ્દ બોલ્યોઃ
જાંબુવંતી!
તું રંગે બહુ ઊજળો છે તેનું તને અભિમાન છે?
ગધેડાં ગોરાં હોય છે.
અને જાંબુવતી કૃષ્ણને ગમતી હતી!
કૃષ્ણ ગોરા ન હતા!
ચાલ, બેસી જા મારી સાઈકલની પાછલી સીટ પર. પાંચ મિનિટમાં તને તારે ઘેર પહોંચાડી દઈશ. સમજે છે શું તું તારા મનમાં?
કોઈ જોશે તો સમજશે કે તું મારું અપહરણ કરી જઈ રહી છે!
જાંબુવતીએ કૃષ્ણનું અપહરણ કર્યું હતું?
ખબર નથી. બાપુજીને પૂછીને કહીશ. તેઓ ભાગવતના અભ્યાસી છે.
ભેંસ આગળ ભાગવત ન વાંચતો તિલક!
શા માટે તારી જાતને આટલી ઉતારી પાડે છે?
તેં જ કહ્યું ને? હું ગંભીર નથી.
થોડી વાર પહેલાં તો રડું રડું થઈ ગઈ હતી.
હવે વાંચવાનું મોડું નથી થતું? એના કરતાં સિતાર પર એક રાગ વધારે સાંભળ્યો હોત તો? ચાલ, આવી જા સાઈકલ પર.
ના, ખરાબ લાગે.
મધરાતે કોણ જોવાનું છે? અને જોશે તો છોકરી હું છું કે તું?
અરે, પણ-
મને ખૂબ ગમશે! સત્યાએ તેની સાવ નિકટ આવીને કહ્યું: પ્લીઝ...જા, તું મને ક્યારેય સાઈકલ પર ન બેસાડતો- મોટરમાં પણ નહિ!
હું ક્યાં સાઈકલ ચલાવી શકું તેમ છું? અને મોટર...? તિલક ગ્લાનિના ભાવથી ઘેરાઈ ગયો.
જો તિલુ,તું વારંવાર આમ તારી આંખો માટે મનમાં ઓછું આણે છે તે મને ગમતું નથી. લડી લે, ટક્કર ઝીલી લે, સામી છાતીએ ઘા કર અને ઘા ખમી લે. રાત્રિના સૂનકારમાં સત્યાનો અવાજ ઘંટારવની જેમ રણક્યો. તિલકે તેની તરફ ધ્યાનપૂર્વક જોયું. સત્યા તેને ગમી હતીન કે શું?- પહેલી જ વાર? તે ચીપચાપ સાઈકલની બૅક સીટ પર બેસી ગયો. સત્યા એ જોરથી પૅડલ મારવા શરૂ કર્યાં.
વજન લાગે છે?
ના રે, ના! તું તો ફૂલ જેવિ હળવો છે!
બે હાસ્યો પરસ્પરમાં ભળી ગયાં.
સાઈકલે વેગ પકડ્યો. સુકોમેળ સુંગધ હવે નદી બનીને જાણે તિલકની અડોઅડ વહેવા લાગી હતી. ચિરપિચિત શહેરાના નિર્જન રસ્તાઓ તિલકને પહેલી જ વાર એક સાથે અજાણ્યા અને રળિયામણા લાગ્યા. અને સત્યાનું યૌવનમાં રહેલું શરીર તિલકના સરીરથી લગભગ લગોલગ હતું. સાઈકલની ગતિ સાથે તેનો હળુ હળુ સ્પર્શ તેને થઈ જતો હતો. તિલકને થયું: ઘર જલદી ન આવે તો સારું. અથવા ક્યારેય ન આવે. અને આ રાત પણ પૂરી ન થાય અને સૂરજ ઊગે જ નહિ અને રસ્તાઓ પરની આ વિજનતા અકબંધ રહે અને પવનનો આ સુગન્ધિત પાલવ લહેરાયા કરે અને સત્યાના ફરફરતા સ્કર્ટનો સ્પર્શ, તેણે સત્યાની કમર પર આંગળીથી સહેજ સ્પર્શ કરીને મૃદુતાથી કહ્યું: સત્યા, સાઈલક તું ધીમી ચલાવી નથી શકતી?
વળતી ક્ષણે સત્યાએ સાઈકલ થંભાવી દીધી, પછી પાછળ ફરીને જોયું. તેની આંખોમાં સ્મિતના લહેરિયાં વર્તાયાં. પછી તેણે ધીમે ધીમે, સ્લો સાઈકલિંગની રેસમાં ઊતરી હોય તેમ, સાઈકલ હંકારવા માંડી...
ઘેર આવિઓઇને તિલકે પરિક્ષાનું વાંચવાને બદલે તેની નોટબુકમાં ક્યાંય સુધી કંઈક લખ્યા કર્યું. પ્રાસથી સંકળાયેલી, જોડકણા જેવી, કાચી કાચી પંક્તિઓ...
પરિક્ષાને આગલે દિવસે એક નાનો છોકરો તિલકને ચિઠ્ઠી આપી ગયો. આ અક્ષરો તે પહેલી જ વાર જોતો હતો. મરોડદાર નહોતા. જોડણીની ખાસ્સી ભૂલો હતી.
પરિક્ષાની ટારઝન જેવી સફળતા માટે મિસ્ટર સોડાવૉટરને જાંબુવતીની જાંબુના આખા ઝાડ જેટલી શુભેચ્છાઓ! મિસ્ટર સોડાવૉટર શ્રીમાન માટલીફોડ પહેલવાનો સાબિત થશે જ!
ચિઠ્ઠી વાંચીને તિલકને ખડખડાટ હસવાનું મન થયું, ચિઠ્ઠીના જવાબરૂપે તેણે એક કાગળ પર જોડકણું ચીતરી માર્યું:
સોડાવૉટર કહે છેઃ સુણ જાંબુવતી,
પરિક્ષા તું આપજે મારા વતી!
ડાબે હાથેથી મળશે પહેલો નમ્બર!
પરિણામપત્રક આવશે દિગમ્બર!
પાર્ટીમાં વહેશે સોડાવૉટરની નદી;
હરરોજ નહીં જાંબુવતી, કદી કદી!
ચિઠ્ઠીની તે ગડી વાળે એ પહેલાં તો છોકરો દોડી ગયો હતો. જોડકણું એક વાર વાંચીને તેણે ચિઠ્ઠીના ચીરા કર્યા. બીજે દિવસે પરીક્ષાનું પહેલું પેપર આપવા જતાં પહેલાં તે બા-બાપુજીને પગે લાગ્યો અને સત્યાની ચિઠ્ઠીને તેણે કાળજીથી ચોપડીનાં પાનાં વચ્ચે મૂકી. રોજેરોજ પ્રશ્નપત્રની સાથે પુસ્તકો બદલાતાં ગયાં, પણ ચિઠ્ઠી એની એ જ રહી...
પરિક્ષા પૂરી થઈ તે જ સાંજે તિલકે નિગમશંકરને કહ્યું: બાપુજી, તમે મને વેદ ન શીખવો?
નિગમશંકરના ચહેરા પર આશ્ચર્ય અને પછી પારાવાર આનંદ છલકાઈ ઊઠ્યો. તેમણે પૂછ્યું:
વેદ? તારે શીખવો છે? શા માટે? તું તો ઈંગ્રેજી ભણે છે.
તેથી શું? વેદ શીખવા ખાતર ન શીખાય?
કેમ ન શીખાય? તને ફાવશે?
હું દીકરો તમારો છું.
ખરો ખરો મારો દીકરો! તને વેદ ભણવાની ઈચ્છા થઈ તે જ બતાવે છે કે તું મારો દીકરો છે! નિગમશંકરની પ્રસન્નતા માઝામાં રહી શકતી ન હતી. તેઓ હડબડતા, ફાંફાં મારતા રસોડા ભણી જતાં બોલ્યે ગયાઃ રથી, તું સાંભળે છે? તારો આ દીકરો મારી પાસે વેદ ભણવા માગે છે...! આજે કંસારનું આંધણ મૂકજે રથી! આપણા ઘરમાં સોનાનો સૂરજ ઊગ્યો છે...તિલક...મારો દીકરો... મા સરસ્વતી...! ના કાશી!... ગુરુદેવ...!
પતિના આનન્દ-ઉલ્લાસનાં સાક્ષી બનવા માટે ભાગીરથીબા લોટવાળા હાથે, સજળ આંખે, શણિયાથી વીંટળાયેલા શરીરમાં સ્ફૂર્તિની વીજળી ઝબકાવતાં રસોડાની ધુમાડો ખાધેલી ભીંતોનું સાંનિધ્ય છોડીને બહાર આવ્યાં ત્યારે આત્સલ્યની સજીવ મૂર્તિ શાં લાગતાં હતાં.
બીજે દિવસે બ્રાહ્મમુહૂર્તમાં ભાગીરથીબા તિલકને ઉઠાડીને નદીએ તારાસ્નાન કરવા ગયાં અને તેઓ પાછાં ફર્યાં ત્યારે પિતા-પુત્ર વાડામાં ઉદુમ્બરની છાયામાં દર્ભાસનો પર બેશી ગયા હતા. ભસ્માંકિત શરીરે નિગમશંકરે માત્ર ઊનની ધાબળી પહેરી હતી, તિલકે સ્વચ્છ પંચિયું. હજી આકાશમાં ફિક્કો ચંદ્ર ઓગળતો હતો અને કોઈક કોઈક ઝાંખા તારા હતા, જેને તિલક માંડ કળી શકતો. સૂનકાર હતો; પણ તે ગાયનૉ ડોકમાંની ઘંટડી જેવો મંજુલ લાગતો હતો. તેમાંથી જ પ્રગટ્યો હોય તેવો નિગમશંકરનો સ્વર સંભળાયોઃ
હરિઃ ૐ...
ઘાંટી ફૂટી રહેલા કંઠથી તિલકે પ્રતિધ્વનિ પાડ્યોઃ
હરિઃ ૐ...
નિગમશંકર બોલ્યાઃ સાંભળ દીકરા, ૠગવેદમાં એક મંત્ર છેઃ
સોમો ધેનું સોમો અર્વન્તમ આશું
સોમો વીરં કર્મણ્યં દદાતિ;
સાદન્યં વિદથ્યં સભેયં
પિતૃશ્રવણં યો દદાશદ અસ્મૈ.
મને એનો અર્થ સમજાવો બાપુજી! તિલકે કહ્યું.
હા. વેદમંત્રો માત્ર ગગડાવી જવા તે પૂરતું નથી. જોકે એનું નાદ સૌંદર્ય અદભુત છે. છતાં તેનો અર્થ અને મર્મ સમજવા જોઈએ. સાંભળ. આ અર્થ કંઈક આવો છેઃ
જે સોમદેવતાનો અર્ઘ્ય આપે છે તેને સોમદેવતા ગાય, અશ્વ, કર્મવીર પુત્ર અને સાદન્ય એટલે ઘર માટે, વિદથ્ય કહેતાં મંડળી માટે અને સભેયં એટલે સભા માટે યોગ્ય પુત્ર આપે છે, જે પિતાની કીર્તિ વધારે છે. તને સમજાયું ને ભાઈ?
થોડું થોડું - કહી તિલક પિતાના શબ્દોને મનમાં ઘૂંટવા લાગ્યોઃ કર્મવીર પુત્ર; ઘર, મંડળી અને સભાને માટે યોગ્ય પુત્ર, જે પિતાની કીર્તિ વધારે.
તિલકના હ્રદયમાં એક કડાકાની સાથે પ્રશ્ન જાગ્યોઃ સોમદેવતાએ બાપુજીને આવા આશીર્વાદ આપ્યા હશે ખરા? સોમદેવતા હશે ખરા? તેઓ આશીર્વાદ આપી શકતા હશે ખરા?
તે જ ક્ષણે નિગમશંકરના મન-પ્રાણ પ્રાર્થનાના ગંગાજળમાં ઝબકોળાઈ રહ્યાં હતાં: હે સોમદેવતા! તમે મને પુત્ર આપ્યો છે તો તેને કર્મવીર, સાદન્ય, વિદથ્ય, સભેય બનાવજો... મારી કીર્તિ વિશે હું નિઃસ્પૃહ છું.
પિતૃશ્રવણં યો દદાશદ અસ્મૈ એ મંત્રશબ્દો જુદા જુદા સંદર્ભ સાથે પણ સમાન્તરે પિતાપુત્રના હ્રદયમાં પડઘાતા રહ્યા. ઉદુમ્બર પાછળથી સૂર્યે ડોકિયું કર્યું...
સાંજે તિલક અભિજિત પાસે ગયો ત્યારે તેનો સિતારનિ રિયાઝ ચાલતો હતો. પરિક્ષાનાં પેપર્સ કેવાં ગયાં? અભિજિતે પૂછ્યું.
સારાં.
હવે?
સિતાર ફરી શરૂ કરીએ?
ખુશીથી.
અભિજિતે તેને સિતાર આપી. છેક મહિનાના અંતરાલને કારણે તિલકના હાથ પરથી શીખેલું ઊતરી ગયું હતું. ફરીથી એકડો ઘૂંટવા જેવી સ્થિતિ આવીને ઊભી રહી. વૅકેશન છે એટલે હું ઘણા કલાકો રિયાઝ કરીશ. તિલકે કહ્યું અને તે તૂટેલા તાર જોવાની મથામણમાં ખોવાતો ગયો. સાદી સરગમ, એનાં દ્વન્દ્વો, આવર્તનો, પુનરાવર્તન... તિલકની આંખો ફરીથી બિડાઈ ગઈ. બ્રાહ્મમુહૂર્તે ઘૂંટેલા વેદમંત્ર, સંધ્યાકાળનાં આ સ્વરસ્પન્દનો, બંનેની સરહદો ક્યાંક ભળી-ઓગળી જતી હતી. સ્થળ - કાળ - શ્વાસ - વાદ્ય - આંગળીઓ, બધું ડૂબતું ગયું. ક્યારેક ક્યારેક બંધ આંખોના અંધારપટ પર બાપુજીના અને અભિભાઈના ચહેરાઓની કશીક સેળભેળ થઈ જતી હતી એટલા પૂરતી જ સભાનતા ટકી હતી. એકાદ કલાકે તિલકે આંખો ઉઘાડી. ખંડમાં કોઈએ બત્તી જલાવી ન હતી. લગભગ અંધારું હતું. તેમાંથી તેણે માંડ એક આકૃતિને અલગ તારવી. એ કદાચ સત્યા હતી. તેણે ચસ્માં સરખા કર્યાં. આંખ હવે અંધકારથી ટેવાવા લાગી હતી. હા, એ સત્યા જ હતી. તે બોલ્યોઃ
સત્યા!
હં...
તું ક્યારની અહીં છે?
પોણો કલાક થયો.
મને ખબર જ ન પડી.
તું ડૂબેલો હતો- સિતારમાં. મારે ખલેલ પાડવી નહોતી. બેસી રહી, તારી સામે.
તારા સ્વભવથી વિરુદ્ધ જઈને?
મને ગમતું હતું - તું સિતાર વગાડતો હતો તે.
હં... તિલકે સત્યા તરફ જોયું. તે હવે બત્તી કરે તો સારું. તેને સ્પષ્ટપણે જોઈ શકાય. અથવા હું તેની ખૂબ નજીક જાઉં. કે પછી આ અંધકાર જ સારો હતો? અંધારામાંથી કશીક સુગંધ આવે છે? ના, એ સેન્ટની ખુશબો નથી. ત્યારે? અંધકારની? સત્યાની? સિતારના સૂરોની? બાપુજીના મંત્રગાનની? કશુંક સમજાય છે તેની? કહુંક નથી સમજાતું તેની? સત્યા એ શબ્દો ઉચ્ચાર્યા તેની? તેનામામ નવી નવી પ્રવેશેલી ગંભીરતા અને સમજદારીની? કે પછી સુગંધને કોઈ નામ હતું? કોઈ ઓળખ નથી હોતી? સુગંધ એટલે સુગંધ એટલે...?
*0 comments


Leave comment