7 - પ્રકરણ ૭ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાની એ સાંજે તિલક મેલું, ઉદાસ, મરણાસન્ન આકાશ તેના ઘરના ઉંબરા પરથી વાડા પર તોળાયેલું જોઈ રહ્યો હતો. તેનાં ચશ્માંના જાડા કાચ પર એ આકાશનું લઘુ પ્રતિબિંબ ઝિલાતું હતું. ક્ષણે ક્ષણે એ આકાશ વધારે ધૂંધળું પડતું જતું હતું. રાતનો સમય હજી વેગળો હતો તેય તે નજીક આવી ઝળૂંબતો હોય તેવું તેને લાગ્યું.

તિલકને થયું: જાણે બધું થંભી ગયું હતું. ચાર-પાંચ દિવસથી તે કૉલેજ પણ જઈ શક્યો ન હતો. આખા શહેરમાં એક પ્રકારની પ્રવાહી સ્થગિતતા પથરાઈ ગઈ હતી. જળની બેડીઓમાં શહેર જકડાઈ ગયું હતું. ઈન્ટર આર્ટસના તેના વર્ગના મોટા, લંબચોરસ ખંડની બેન્ચો અત્યારે કદાચ કમ્મરપૂર પાણીમાં તરતી હશે. ઘરની કૉલેજ સુધીનો ડામરનો રસ્તો, રસ્તા પરની દુકાનો, પોલીસચોકી, વૃક્ષો, તારના થાંભલા, બધું પાણીના ઘેરાથી લથપથ હશે. કૉલેજનું વિશાળ મેદાન અત્યારે સરોવરમાં પલટાઈ ગયું હશે.

શહેરના પશ્ચિમ છેડાને અડીને વહેતી નદી છેલ્લા ચારેક દિવસથી સમુદ્ર બની હતી. આમેય તે બારમાસી નદી હતી. ચૌદસ-અમાસની ભરતી તેને દરિયાની ખાડીનું રૂપ આપતી. તિલકને થોડા સમયથી નદી સાથે માયા બંધાઈ હતી. કૉલેજ જતાં રસ્તામાં જમણે હાથે તેને નદીના દર્શન થતાં. નદી તેની જોડાજોડ ચાલતી. ઘરમાં તો નદીનું મહાત્મય હતું જ. ભાગીરથીબાનો તારાસ્નાન કરવાનો નિયમ હતો. વાર-પર્વે તેઓ નિગમશંકરને નદીએ નાહવા લઈ જતાં. તિલકના ઘરથી નદી ઝાઝી દૂર ન હતી. નાનપણમાં નદી સાથે તેને વધારે નાતો હતો, તે હવે તાજો થશે તેમ લાગતું હતું. ભાદરવા મહિનામાં ગણપતિની મૂર્તિ બનાવવા માટેનો કળ લેવા સારુ તે શેરીના ગોઠિયાઓ સાથે નદીએ જતો. ક્યારેક ભાગીરથીબા તેને નાહવા માટે ત્યાં લઈ જતાં. પછી એ તંતુ તૂટી ગયો હતો. નિગમશંકરે બાર વર્ષ ગંગાતટે વિતાવ્યાં હતાં. તેઓ શહેરની નદીમાં તેનું અનુસંધાન મેળવવાનો પ્રયત્ન કરતા.

આ વર્ષનું ચોમાસું ગાંડુતૂર હતું. અહીં તો વરસાદ હતો જ; તેનાથી વધારે નદીના સ્ત્રાવ વિસ્તારમાં હતો. દરિયો શહેરથી માંડ બારેક માઈલને છેટે હતો, પણ એમ લાગતું હતું: દરિયો સામે ચાલીને નદીને મળવા અહીં સુધી આવ્યો હતો.

તિલકે નદીનું મનોહર સ્વરૂપ જોયું હયું. હવે તેને વિકરાળ ચહેરો જોવા મળતો હતો. તેને લાગ્યું: એક ઝીણું છીપલું વિરાટ શંખ બની છલકાતું હતું, અથવા બે આંખોમાંથી જળના ધોધ વછૂટ્યા હતા.

પૂરનો ધસારો અત્યાર સુધી મુખ્યત્વે કૉલેજ તરફ હતો. આગાહીઓ બહુ સારી ન હતી. મ્લાન આકાશ ભણી જોતાં તિલકને કૉલેજના વિચારો આવતા હતા. દોઢ વર્ષ થવા આવ્યું હતું તેને કૉલેજમાં પ્રવેશ્યે. આટલા ટૂંકા સમયગાળામાં તો તેને કૉલેજ સાથે મૂંગો નેહ જોડાઈ ગયો હતો. સુધરાઈની ગંદી પ્રાથમિક શાળા, નાની અમથી મિડલ સ્કૂલના, હાઈસ્કૂલના વર્ગની બારીમાંથી દેખાતું નાનકું આકાશ અને હવે કૉલેજમાં તો ક્ષિતિજ અન્તહીન! ડૂર ડૂર સુધી ફેલાયેલા કૉલેજના અફાટ મેદાનની પશ્ચિમ ધારે ઊભા રહી કે બેસી મૂંગા મૂંગા, એકલા-અટૂલા આકાશ તરફ જોતી વેળાએ તેણે ઉદાસીનો અને તેમાંથિ ઝમતી કશીક અવ્યક્ત, અનનુભૂત મીઠાશનો અનુભવ કર્યો હતો અને ત્યારે થોડેક દૂર ફૂટબોલ રમતા છોકરાઓનો શોર કે કૅન્તીનમાં કૉફીના કપ સાથે કલરવતી છોકરીઓના ટહુકા, કશું જ તેના સુધી પહોંચી શક્યું ન હતું. કાં તો તેના મનમાં કવિતાની અડધીપડધી પંક્તિ સ્ફુરતી અથવા મન સાવ નિર્વિચાર બની જતું અને સમય પણ ઓગળી ગયો હોય તેમ લાગતું.

કૉલેજની ક્રિકેટની ટીમ, સ્ટુડન્ટસ યુનિયનની ચૂંટણી કે કૅન્ટીનનાં પકોડાં સાથે તે નિસ્બત કેળવી શક્યો નહ્તો. સારું ભણાવવા સ્થૂળકાય પ્રોફેસરો, સિનિયર વિદ્યાર્થીઓ, પાઠ્યપુસ્તકો, કૉલેજની વિશાળ લાઈબ્રેરી, તેમાં ઘૂઘવતાં કબૂતરો, વાર્ષિક મૅગેઝિનમાં છપાતી કવિતા-વાર્તાઓ અને મેદાનની પશ્ચિમ ધાર પર ડૂબતા સૂરજની સિન્દૂરી આભા સાથે તે ઓતપ્રોત થઈ શક્યો હતો. કૉલેજની સામેના સુધરાઈના અસ્તવ્યસ્ત બગીચાને અડીને વહેતી નદીને કાંઠે પદેલા ઘાટઘૂટ વગરના મોટા પથ્થરો ક્યારેક તેની એકાંતસભર પળોના સાક્ષી બનતા, તો ક્યારેક કૉલેજના સાઈકલ-સ્ટેન્ડ પર ઘેટાંનાં ટોળાની જેમ ખડકાયેલી સાઈકલોના મોટા ઢગલામાં પોતાનું વાહન ન હતું - ક્યારે ય નહિ હોય તેવો વિચાર કૉલેજના ટાવરના આંકડાઓને પ્રીછવાનિ પ્રયત્ન કરતાં કરતાં એને વીંધી જતો.

કૉલેજ! કેવી તો તરસ જગાવ્યા કરતી હતી એ એક શબ્દે તેના હ્રદયમાંય ખાસ્સા સમયથી! હાઈસ્કૂલનાં વર્ષો પૂરાં થવા આવ્યાં તે પહેલાંથી જ તેને કૉલેજના વિચારો આવવા શરૂ થઈ ગયા હતા. તે પતંગિયુ કે પંખી હોય તો હાઈસ્કૂલના બાકી રહેલા થોડાઘણા મહિનાઓ વળોટીને સીધો કૉલેજનાં યુકેલિપ્ટસનાં વૃક્ષોની ઊંચી ડાળીએ પહોંચી જાય તેવી ઝંખના તેને મૅટ્રિકની પરિક્ષાનું વાંચતી વખતે પણ થઈ આવતી હતી. એ પરિક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલાં તો તે વૅકેશનમાં કોઈક મિત્રની પ્રિ-આર્ટસની ચોપડીઓ લાવીને વાંચવા પણ મંડી પડ્યો હતો. પરિણામ જાહેર થયું અને તેને પ્રથમ વર્ગ મળ્યો ત્યારે તો તેને સીધા જ કૉલેજના ક્લાસમાં કૂદકો મારવાની ઉત્સુકતા થઈ આવી હતી.

પણ એ આતુરતાની ભીતરમાં દ્વિધાનો એક ઝીણો ઝીણો સૂર રણક્યા કરતો હતો તેનો તેને પહેલાં ખ્યાલ ન આવ્યો અને જ્યારે તેણે એ દ્વિધાને પરખી ત્યારે તેને કચડી નાખવાની કોશિશ કરી. તેમાં સફળતા ન મળી ત્યારે તેણે તે તરફ કાન સરવા કર્યા.

પોતે ખરેખર આગળ, કૉલેજમાં ભણવું જોઈએ ખરું? હજી તો છએક વર્ષ પહેમાં જ ડૉ. શ્રીધર તાંજોરકરે તેને ભણવાનું તે જે દિવસથી છોદી દેવાની કડક સલાહ આપી હતી. અને એટલાં જ વર્ષમાં તેનાં ચશ્માંના નંબર ચાર વાર બદલાયા હતા, એટલે કે વધ્યા હતા. એ પછી પણ દ્રષ્ટિ તો ધુમ્મસના પર્યાય જેવી જ રહેતી હતી તેનો અનુભવ માત્ર તે એકલો જ કરી શકતો હતો. નવા કાચ, થોડું ઊજળાપણું, ફરી ઝાંખપ. એક પગલું આગળ, બે પગલાં પાછળ, આંખો પર આઠ અને દસ નંબરનાં ચશ્માં ચઢાવવામાં કોઈ સુખ ન હતું. અરીસામાં ચહેરો જોવાનું ઘણે અંશે છોડી દીધું હતું. પોતાની વિરૂપતાની પ્રતિચ્છવિથી દૂર ભાગવાનું વલણ તેના મનમાં ઘૂંટાઈ ચૂક્યું હતું. એ વિરૂપતા માત્ર ચશ્માંના જાડા કાચને કારણે હતી, નહિતર તે સોહામણો તરુણ હતો તેનો તેને ખ્યાલ તો હતો, પણ એ ખ્યાલથી હવે કશું આશ્વાસન મળી શકે તેમ ન હતું. મિસ્ટર સોડાવૉટર એ એક સંબોધનનો ડંખ પણ પૂરતો વેધક હતો. કૉલેજના સુઘળ, ચબરાક છોકરા-છોકરીઓ સાથે પોતે શી રીતે ભળી શકશે એવો પ્રશ્ન તેને નહોતો જ થતો એવું નહોતું અને ચાર વર્ષને અંતે તે જ્યારે કૉલેજમાંથી બહાર નીકળશે ત્યારે તેનાં ચશ્માંના કાચની સ્થૂળતા કેટલી વધી હશે? એ માત્ર ચાર વર્ષ હશે ખરાં? ધારો કે તે એકાદ વાર નાપાસ થાય - માંદગીને લીધે કે ગમે તે કારણે. એક વર્ષ ઉમેરાય. અને એમ.એ. થવું હોય તો બીજાં બે વર્ષ. પુસ્તકો, પુસ્તકો અને નોટબુકો અને ફાનસ અને ફાઉન્ટન પેન અને રેફરન્સ બુક્સ અને કૉલેજની વિશાળ લાઈબ્રેરીમાં ચોવીસે કલાક માળા બાંધીને ઘટરઘૂં કરતાં કબૂતરો સથે કાયમની દોસ્તી બાંધવાની ઈચ્છા. એમ.એ. કર્યા પછી એ નોકરી શોધશે એ શિક્ષકની, અધ્યાપકની, ગ્રંથપાલની. પુસ્તકો અને ડૉ. શ્રીધર તાંજોરીકરની સલાહના ધારદાર શબ્દો અને પુસ્તકો. એનું એક અડાબીડ વન હતું. એ વનમાં તો એ સફર કરતો આવ્યો હતો- આટલે સુધી અને એ વનનો કોઈ અંત જ ન હતો. જીવનના છેડા સાથે જ એનો છેડો મળી શકે તેમ હતો. Woods are lovely, dark and deep, તેને ક્યાંક વાંચેલી કાવ્યપંક્તિ યાદ આવી જતી હતી. Lovely, Dark અને Deep - ત્રણેય શબ્દો તેના મનમાં ક્યાંય સુધી ચકરાતા રહ્યા. જીવનની સફરના અંત પહેલાં જ આ વન પૂરું થઈ જાય- તો એવા જીવ્યાનો અર્થ શો હતો? આંખો સમક્ષ હંમેશને માટે કજ્જલશ્યામ અંધકાર પથરાઈ જાય ત્યાં સુધીમાં તેણે પુસ્તકોનાં વનમાં ઘણાંક વૃક્ષોને ઓળખી લીધા હોય...! એક દ્વન્દ્વયુદ્ધ હતું: ઝંખવાતી જતી આંખો અને પુસ્તકોની અલમારીઓ વચ્ચેનું, મૂગું છતાં મરણિયાવૃતિથી ખેલાતું. અત્યાર સુધી તો તે ટકી શક્યો હતો, હાર્યો ન હતો. હજી ટકસ્ઘે થોડાં વર્ષ- અથવા વધારે વર્ષ સુધી. હથિયાર હેઠાં નહિ મૂકી દે. માથું કપાય તો ધડ લડે તેવા ક્ષત્રિયનો જુસ્સો તેનામાં પ્રગટવો જોઈએ. તે કૉલેજમાં પ્રવેશે તો તે એક લડાઈ જીતે. અને ઘણી બધી લડાઈઓ મળીને એક યુદ્ધ રચાતું હોય છે. તાંજોરકરે તેને પીછેહઠનો જાણે કે આદેશ જ આપ્યો હતો. દરેક નવા વળાંકે એ આદેશ જાજો થતો હતો. તેને સાંભળ્યો - ન સાંભળ્યો કરવાનું વલણ તેણે કેળવ્યું હતું.

નબળી આંખો અને વાંચવાની ભૂખ વચ્ચેનું છેલ્લું, નિર્ણાયક યુદ્ધ તો કોણ જાણે ક્યારે, કયા સવ્રૂપમાં લડાશે! શક્ય છે, તેની સાથે તેના જીવનનો અંત આવી જાય. અથવા એ પણ શક્ય છે કે તે યુદ્ધ હારી જાય તે પછી યે જીવન ઘસડાયા કરે- મરેલા સાપના ખોખાને ખેંચી જતી અસંખ્ય કાળી કીડીઓની જેમ. એમ પણ બને કે છેલ્લા શ્વાસ સિધી યે તે પરાજયનો સ્વીકાર ન કરે.

અને બાપુજીએ પેટે પાટા બાંધીને એકઠાં કરેલાં પુસ્તકો-પોથીઓની અવહેલના તે શી રીતે કરી શકશે? મૅટ્રિકની પરિક્ષા પૂરી થયા પછી તેણે વેદનું જે અધ્યયન શરૂ કર્યું હતું તેનો તંતૂ ન તૂટે તે માટેની તેની વ્યગ્રતા અછતી રહી શકે તેમ ન હતી. ક્યારેક તે એકલો પોથીઓવાળા ઓરડામાં જઈને બેસતો અને તેની સાથે તાદાત્મય કેળવવા મથતો. બાપુજીને છે તેવી આસક્તિ હજી તે એ પોથીઓ અને ગ્રંથો સાથે કેળવી શક્યો ન હતો; હજી તેને બધું ભુલભુલામણી જેવું લાગતું હતું , છતાં પોથીઓ પરની ધૂળ ઉરાડવા માટે તેણે તેના શ્વાસ ખર્ચવાની શરૂઆત તો કરી હતી.

ક્યારેક તેને લાગતું કે પુસ્તકોની જ બનેલી દીવાલો વચ્ચે તે કેદ થઈ ગયો હતો અને તેમાંથી તે ક્યારેય છૂટી શકે તેમ ન હતો તેથી તેણે એકાદ-બે વાર દ્વિધાભર્યા શબ્દો કાઢ્યા ત્યારે નિગમશંકરે જ નહિ ભાગીરથીબા એપણ તેને ઊગતો ડામી દીધો. તિલક ભણશે નહિ તો શું વંતુ કરશે? તેવા નિગમશંકરે વર્ષો પૂર્વે ધીરજલાલ મામલતદાર સમક્ષ ઉચ્ચારેલા શબ્દો પુનરુક્તિ પામીને તેની સાથે ભટકાયા અને બાએ-

આગળ નથી ભણવું એવો તને વિચાર જ કેમ આવ્યો?
પણ બા, મારી આંખો-
તારા બાપુજી કરતાં તો સારી છે ને? ભાગીરથીબાએ શ્વાસભેર કહી નાખ્યું: તારી તેવી દશા થાય ત્યારે મને કહેજે. હું તને બીજે દહાડે કાશી મોકલી આપીશ, સમજ્યો?

તિલકની દ્વિધાનો તંતુ મૂળમાંથી છેદાઈ ગયો. તેને યાદ આવ્યું: તેણે એક વાર બાને કહ્યું હતું: મને આ જાડા કાચનાં ડફોળ જેવાં ચશ્માં પહેરતાં ખૂબ શરમ આવે છે. હું કોઈ નવત પ્રાણી હોઉં તેમ લોકો મારી તરફ જુએ છે.

ભલે જોતાં! તારા બાપુજીને અંધાપાને કારણે શું નહિ વેઠવું પડ્યું હોય? એ તો એમની વિદ્યાને કારણે લોકો એમનું માન જાળવે છે, નહિતર ખોડખાંપણવાળાઓની તો દુનિયા ઠઠ્ઠા ઉડાવે છે તે હું જાણું છું. એવી ઠઠ્ઠાથી યે તારું ઘડતર થશે દીકરા!

કૉલેજમાં પ્રવેશ મળ્યાના પ્રથમ દિવસે કૉલેજના પ્રાંગણમાંના લીમડાના ઘટાળા વૃક્ષ સાથે તિલકે કશીક અદીઠી ઓળખ અનુભવી અને પછી એ લીમડો તેનો મિત્ર બન્યો. તેની છાયામાં બેસીને એક બપોરે તેણે કૉલેજ પ્રવેશ વિશેનું સૉનેટની પંક્તિઓનાં ચીંથરાં ઉડાવ્યાં, એય ઘુવડ! નો એક ગોફણ - પથ્થર પર તેના તરફ વીંઝાઈ આવ્યો. મનથી તે લોહીલુહાણ. તે કૉલેજના મધ્ય ભવનમાંથી નીકળી જઈ લીમડાની છાયામાં બેસી પડ્યો- એકલો-અટૂલો. હૉલમાં ગવાતાં ગીતો અને ભજવતા એકાંકી નાટકોનો કલશોર તેના સુધી આવીને પાછો વળી જતો હતો. કાર્યક્રમ પૂરો થયો અને છોકરા-છોકરીઓ ખિલખિલાટ કરતાં બહાર નીકળ્યાં ત્યારેય તે વૃક્ષની છાયામાં બેસી રહ્યો. અને પછી નિર્જનતા વધી પડી ત્યારે તે કૉલેજનું કમ્પાઉન્ડ વટાવીને સડક પર આવ્યો. રસ્તા પરની બત્તીઓ ઝાંખી હતી અને તે એકાદ વાર થાંભલા સાથે ભટકાતો સહેજમાં રહી ગયો અને એક સાઈકલ તેની નજીક આવી ત્યારે જ તેને તે જોઈ શક્યો. ઘેર આવ્યો ત્યારે તે ઉદાસીથી લથબથ હતો. પણ તેને હાંકી કાઢવા માટે તેણે સવારોસવાર સુધી વાંચ્યા કર્યું. પ્રથમ વર્ષની પરિક્ષામાં ઊજળો દેખાવ તેને માટે અનિવાર્ય હતો. અને તેવું જ બન્યું. જાડા કાચનાં ચશ્માંની તેની હણાતી, હીણી પડતી પ્રતિભા પરની ઝાંખપ લૂછવાનું કાર્ય તેની ઝળહળતી માર્કશીટે કરી આપ્યું અને બીજા વર્ષમાંના તેના પ્રવેશને એક-બે અધ્યાપકો, બે ત્રણ મિત્રો અને ગોરધન શેઠની દીકરી ઈક્ષાએ વગર બોલ્યે, છતાં પ્રશંસાની રેખા ચમકાવતી આંખે વધાવ્યો.

હજી તો તે ગણપતિની મૂર્તિ બનાવવા માટે નદીએ કળ લેવા જવાના બાળપણના દિવસોની યાદને મનોમન ઘૂંટતો હતો ત્યાં આ સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું...

ચોમાસું આ વર્ષે જૂનથી જ ભારે હતું. કોરાકટ ઉઘાડના દિવસો અપવાદરૂપ હતા. હવામાં એકધારો ભેજ અને મરિયલ ઉદાસી હતાં. હાથીની સૂંઢ જેવી વરસાદની ઝડીઓથી ઘરો પૂંઠાનાં માળખાં જેવાં અને રસ્તાઓ તરબોળ. શેરીમાંના જમીનના ટુકડા પરની નાળિયેરી, લાકડાની વખારને અડીને ઊગેલી બદામડી, વાડામાંનાં ઉદુમ્બર, પારિજાત અને કરેણ, બધાં લીલાશ અને ભીનાશનો થાક વરસાવતાં હતાં. મેઘદૂતનાં શ્લોકોનું રટણ કરવાની ઈચ્છા પણ આથમી ગઈ હતી. તિલકને લાગ્યું: ચારે બાજુ ફૂગ વળી ગઈ હતી કે તેનાં ચશ્માંના નંબર ફરીથી વધ્યા હતા?

ચઢતાં પૂરે નદીનો નકશો બદલી નાખ્યો. પૂરની સાથે ઉત્તેજનાની સપાતી પણ વધતી ગઈ. શહેર આખું જાણે જુદું જ આવીને રેલાઈ ગયું. ફાળ ભરતા ઉચાટથી વાતાવરણમાંનો બોજ વધતો જતો હતો. આંખો અને હોથો અને કાળજાં પ્રશ્નાર્થોના પર્યાય બન્યાં હતાં. ચારેકોર ફફડાટભર્યો શૂન્યવકાશ ઘૂંટાતો હતો. બધું થંભી ગયું હતું અને છેદાઈ જવાનો, અટૂલા પડવાનો સિલસિલો ફેલાતો જતો હતો. અને અંધારપટ. ફાનસો અને ચીમનીઓનાં ઓશિયાળાં અજવાળાઅં. વાતાવરણમાં ચસોચસ અકિંચનતા ઠલવાઈ ગઈ હતી. અને ઉપર મેલું, સોગિયું આકાશ. હવામાંથી હવે થોડી થોડી મરણની ગંધ છૂટવા માંડી હતી.

ચારે કોરના આ કરપીણ ઉદ્વેગ અને શુન્યતા વચ્ચે નિગમશંકર ગ્રંથસંચયવાળા તેમના ઓરડામાં બેસીને વેદમંત્રોના ઉચ્ચારણ અને ઉપનિષદનાં સૂત્રોના પાઠમાં રોકાયેલા હતા. ભાગીરથીબા અને તિલક તેમને અડખેપડખે હતાં ત્યારે તેમણે કહ્યું:

તિલક, આવી સ્થિતિમાં કુદરનો કોપ જોવાનું, પ્રલયકાળ આવ્યો એમ માનવાનું મારું વલણ નથી. કુદરત પણ કાર્યકારણની સાંકળ સાથે બંધાયેલી છે, તો મનુષ્યનો તેનાથી શી રીતે છુટકારો થઈ શકે? પ્રાર્થના હરકોઈ સમયે ઈષ્ટ છે; પણ પૂર આવે એટલે નદીને ચૂંદડી-શ્રીફળ ચઢાવવામાં ભાવના હશે, તર્ક નથી. વિજ્ઞાનના આવિષ્કારો વિશે હું કાંઈ જ જાણતો નથી, પણ નદીઓને નાથવી તો જોઈએ. ભાગીરથના તપથી ગંગાએ શિવજીની જટામાં અવતરણ કર્યું એ પુરાણકથાનું કશું વૈજ્ઞાનિક સંશોધન નથઈ શકે?

પછી થોડી વારે તેમણે ઉમેર્યું:
ઇન્દ્ર કોપ્યો અને વ્રજ જળજળાકાર થયું ત્યારે કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકી લોકોને રક્ષણ આપ્યું એ કથાનું પણ નવું અર્થઘટન કેમ ન થઈ શકે? આજે આ પૂરપીડિત શહેરનો ગોવર્ધનધારી કોણ?

વળી કહેઃ
યજ્ઞાત ભવતિ પર્જન્ય એ સૂત્ર મને ખૂબ ગમે છે. જીવનમાં મેં યજ્ઞોનાં વિધિવિધાન તો અનેક કરાવ્યાં, પણ યજ્ઞનો મર્મ પારખવામાં હું ઊણો તો નથી ઊતર્યો ને? જીવન પોતે જ યજ્ઞમય બન્યું છે ખરું? સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો મને કંઠસ્થ છે; પણ એની પરિક્ષાની ઘડી આવે તો? ત્યારે?

વાડામાંનાં વૃક્ષોના હિલોળામાં નિગમશંકરના શબ્દો ઓઝપાઈ ગયા અને ચોમેર ભારેખમ નિઃસ્તબ્ધતા ફેલાઈ ગઈ. તેને ભેદવાનો મરણિયો પ્રયત્ન કરતા હોય તેમ નિગમશંકરે કંઈક મોટા અવાજે કહ્યું:
આ પૂરનાં પાણી...કોણ જાણે કોનું શું ભરખી જશે? કંઈકના સ્વજન... કંઈકની માલમતા... આપણી પાસે તો છે જ શું? તમે બે અને આ પોથીઓ...

એ સાંજે જૂના શહેરમાં જર્જરિત કોટે એક સ્થળે પૂરનાં વેગીલાં પાણીને થોડાક પ્રતિકાર પછી રસ્તો કરી આપ્યો. કિલ્લાનો મુખ્ય દરવાજો તૂટે અને આક્રમક સૈન્ય ધસારાબંધ નગરમાં પ્રવેશે તેમ પૂરનાં પાણી અનેકગણા વેગથી શહેરમાં ધસમસી આવ્યાં. કોટની રાંગે ઊભાં થયેલાં ઝૂંપડાં જળપ્રવાહમાં નામશેષ થયાં. પાણીને હવે રોકનારું કોઈ અને કાંઈ રહ્યું નહિ. નવી બંધાયેલી હાઉસિંગ સોસાયટિઓના બંગલાઓમાં પાણી પહેલા માળ સુધી પહોંચ્યાં. બજારની દુકાનો જળજળાકાર. અને છતાં પાણી કૂચ વણથંભી હતી. એક શોર ઊઠ્યો શહેરમાં. પાણી આવે છે એ ત્રણ શબ્દો હવાના બધા સ્તરો પર તરાતા થઈ ગયા. શહેર ભરતીએ ચઢેલો દરિયો. અને હવે ટાપુઓ એક પછી એક વિલાતા જતા હતા. આકાશ જમીન પરનાં મેલાં, બિહામણાં પાણીનું પ્રતિબિંબ ઝીલતા વિરાટ દર્પણ જેવું બન્યું હતું. અનેક હાથ-પગ ધરાવતા ઑકટોપસ જેવા જળપ્રવાહે શહેરને હવે બધી દિશાઓમાંથી ઘેરી લીધું હતું. એક પ્રચંડ કરોળિયાનું જાળું રચાઈ ગયું હતું, જેમાંથી લાળનાં તાંતણાઓને બદલે પાણીની ધારઓ ધસી આવતી હતી અને શહેર નિઃસહાય માખીની જેમ તેની પકડમાં ભીંસાઈને તરફડતું હતું.

નિગમશંકરનું ઘર જ્યાં હતું તે શેરી કંઈક ઊંચા વિસ્તારમાં હતી અને નદીમાં આ પહેલાંનાં તેમની સાંભરણમાં આવેલાં બે પૂર વખતે એ મર્યાદા ટકી ન શકી. શહેરના કોટમાં પડેલાં ગાબડાંને કારણે રેલનાં પાણી સહસ્ત્ર માથાંવાળા શેષનાગની જેમ ફૂંફાડતાં, ફુત્કારતાં ચારે કોર ફરી વળ્યા. નિગમશંકર જ્યાં રહેતા હતા તે શેરીની સ્થિતિ તણખલાં જેવી હતી.

ત્યારે નિગમશંકર વાળુ કરવા બેઠા હતા અને તિલક તેના ઓરડામાં અજંપ બની એક ચોપડી લેતો હતો, તરત તે મૂકીને બીજી ઉપાડતો હતો. પછી તે ઘરને ઓટલે ચાલ્યો ગયો.ભાગીરથીબાએ જેમતેમ ખીચડી બનાવી હતી. નિગમશંકરે બે કોળિયા ભર્યા અને લોકોનું બુમરાણ સંભળાયું. એ જ ત્રણ શબ્દોઃ પાણી આવે છે.

પણ આ વખતે લોકોના ચિત્કારોની ઉપરવટ થઈ સ્વયં જળનો ઘુઘવાટ ધસી આવ્યો. નિગમશંકર ભાણેથી ઊભા થઈ ગયા. પણ તમે પૂરું જમી તો... ભાગીરથીબાના શબ્દો અડધેથી તૂટી ગયા. નિગમશંકરની અંધ આંખો સમક્ષ સોળ વર્ષની ઉંમર સુધી જોયેલી શહેરની નદીનો જળપ્રવાહ આલેખાઈ ગયો અને પછી બાર વર્ષ સુધી સેવેલાં ગંગાતટના કાલ્પનિક ચિત્રો તેમાં ભળી ગયાં. તેઓ બોલ્યાઃ
રથી લાગે છે કે સ્થિતિ વણસી છે. ઘડી પછી કોણ જાણે શું હશે! આ જીવ બચાવવાનો સમો છે. ગભરાટમાં પડ્યા વગર પણ સમયસૂચકતાથી વર્તવું પડશે આપણે બધાંએ. તેમનું વિચારચક્ર સક્રિય બન્યું, પણ અંધાપો આડશ રચીને ઊભો રહ્યોઃ પોતે શું કરી શકે તેમ હતા? બહુ બહુ તો સૂચનાઓ આપે.

તિલક દોડતો આવ્યો- આપણા ઘર સુધી ઘૂંટણપૂર પાણી થઈ ગયાં છે. રમાનાથકાકાના ઘરમાં તો પાણી ભરાયાં છેય ખરાં. તેઓ બધાં અગાશીમાં ચઢી ગયાં છે. આપણે શું કરીશું? પાણી ગમે ત્યારે આપણા ઘરમાં પણ-

ભાગીરથીબાને હૈયે હવે ફાળ પડી. ઘરનો ઉપલો માળ ન હતો, અગાશી ન હતી, માત્ર છાપરું હતું. તેઓ શ્વાસભેર ઓટલે ગયાં. આ શેરી હતી કે સમુદ્ર? પાણી તેમના ઓટલાની ધાર સાથે માથું પછાડતાં હતાં. તરત ઘરમામ પાછાં ફર્યાં, નિગમશંકરનું બાવડું પકડતાં બોલ્યાં:
સાંભળો છો? રેલનાં પાણી ઓટલા સુધી...
ચિંતા નહિ રથી, ઉપાય કરીએ.
છાપરે ચઢી જઈએ.
રમાનાથકાકાની અગાશીમાં?
ના, તિલક! આપણે આપણા ઘરમાં હોઈએ તે સારું છે.જીવ્યાં છીએ અહીં. મરવાનું આવશે તો અહીં જ મરશું. નિગમશંકરના શબ્દોમાં નિર્ધારનું બળ વર્તાયું.

પાણીની ગર્જના સંભળાઈ.
રથી, તિલક, અવસ્થ બનવાથી રસ્તો સૂઝતો હોય તોય નહીં સૂઝે. વરૂણદેવના રૂપમાં પણ ઈશ્વરનુણ તત્વ આપણે આંગણે આવ્યુ છે. એમાં એની કૃપા જોવી કે અવકૃપા તે આપણા વલણ પર આધાર રાખે છે. હું અપંગ છું. તામારે માટે બોજારૂપ જેવો છું. બચવાનો રસ્તો તમારે જ શોધવો પડશે. - કહી તેમણે માથું આકાશ ભણી ઊંચું કર્યું. તેમના મુખમાંથી ત્રુટક ત્રુટક શબ્દો સ્ત્રવતા રહ્યાઃ

ઈશ્વરનું એક નામ છે, અંભોનિધિ... જળનો અખૂટ ભંડાર... સંસારરૂપી સાગર જેમને આધારે રહ્યો છે તે... આ તો નદી સમુદ્રનો છદ્મવેશ લઈને આવી છે... એના પર નિયંત્રણ તો અંભોનિધિનું... આપણે તો માત્ર પુરુષાર્થ કરવો રહ્યો... શક્ય છે. આ જળઘોડાઓ મારા રહ્યા સહ્યા મોહ, મદ, મત્સરનું પક્ષાલન કરવા માટે આવ્યા હોય...
પછી તેઓ ઉદગારી ઊઠ્યાઃ

આપો મા તત્ર નયતુ અમૃતં મા ઉપષ્ઠિત! જલદેવી, મને તે સ્થાનમાં લઈ જાઓ અને મને અમૃત પ્રાપ્ત કરાવો!
એટલી વારમાં તિલક નિસરણી લઈ આવ્યો અને છાપરા તરફઊઘડતા કાતરિયા પાસેની દીવાલ સાથે તેને ટેકવી. તે જ ક્ષણે પૂરનાં પાણી ફાટેલા જ્વાળામુખીની જેમ ઘરનાં બંધ બારી-બારણાંની તિરાડો, જાળિયામાંથી અંદર પ્રવેશ્યાં અને નિસરણી પાસે ઊભેલા તિલકના પગ સાથે જ પાણીનો ટાઢો હિમ જેવો પહેલો સ્પર્શ થતાં તે છળી ઊઠ્યો. નિગમશંકર અને ભાગીરથીબા સાથે બોલી પડ્યાઃ પાણી આવ્યાં...

જોતજોતમાં જળ ઘૂંટણપૂર. તિલકે કાકલૂદી કરીને ભાગીરથીબાને નિસરણી પર ચઢાવી કાતરિયામાં ધકેલ્યાં. પછી નિગમશંકરને વિનવણી કરવા માંડીઃ બાપુજી...! બાપુજી...! નિસરણી પર ચઢી જાઓ... પણી વધી રહ્યાં છે.

નિગમશંકર નિશ્ચલ, અબોલ-અડોલ. તિલકે તેમનો હાથ પકદી લીધો. શરીર ઠંડુગાર. તેને કાળજે ફાળ પડી. બાપુજી! તે ચિત્કારી ઊઠ્યો, તમને શું થાય છે? તમે બોલતા કેમ નથી?
તિલક! હું સ્વચ્છ છું. મનોમન પરમતત્વનું સ્મરણ કરું છું. તેમના ફોરા શબ્દો સંભળાયા.
હવે ઉતાવળ કરો બાપુજી, નહિ તો પૂરનાં આ પાણી-
હું જાણું છું. તે મારું સર્વસ્વ લેવા માટે જ આવ્યાં છે!

તિલકને તેમના શબ્દો ન સમજાયા એટલે દિગ્મૂઠ બની તેમની સામે જોઈ રહ્યો. એના હાથમાંનું ફગફગિયું ફાનસ ધ્રૂજી ઊઠ્યું.
હા, દીકરા, આ નિસરણીથી આપણે તો કદાચ બચી જઈશું; પણ પૂરનાં પાણી મારાં અમૂલ્ય પુસ્તકો અને પોથીઓને... ઈશ્વરેચ્છા બલિયસી. નિગમશંકરનો સિંહ જેવો અવાજ પણ તરડાઈ ગયો.

તિલકના હ્રદયમાં વીજળી જેવું કશુંક શિરોટાઈ ગયું. પાણી તેની અને બાપુજીની કમ્મર સુધી પહોંચવા આવ્યાં હતાં. હવે તો તે પોથીઓવાળા ઓરડા સુધી યે રેલાયાં હશે. વાડા તરફથી યે પાણી આવ્યાં જ હશે. બે બાજુના જળ-સાટકાઓથી ગ્રંથભંડારવાળો ઓરડો...તેણે કંપારી અનુભવી પછી નિગમશંકરને નિસરણી સુધી દોર્યા, તેમને ચાર પગથિયાં ચઢાવ્યા. ઉપરથી ભાગીરથીબાએ તેમનો હાથ પકડી લીધો. હવે તું ઉપર આવી જા તિલક! બાએ બૂમ પાડીને કહું: હું હમણાં આવું છું, કહી તિલક એક હાથમઆં ફાનસ સાથે પોથી-પુસ્તકોવાળા ઓરડા તરફ પાણીને ડહોળતો આગળ વધ્યો- કદાચને પાણી હજી ત્યાં સુધી ન ગયાં હોય અને થોડી ઘણી જે પોથીઓ બચાવી શકાય તે...

તિલક! કાતરિયા તરફથી નિગમશંકરનો અવાજ સંભળાયોઃ રહેવા દે દીકરા! તું જ મારો જીવતો-જાગતો ગ્રંથભંડાર છે... તું હશે તો બધું...

પણ તિલક એ શબ્દમર્યાદાથી દૂર સરી ગયો હતો. પાણીના ઘોષમાં શબ્દમાત્ર ડૂબી જવા સર્જાયો હતો. તિલકની ફરતે જળનો ભરડો વધતો જતો હતો. તેની છાતીની આસપાસ પાણીનું જાણે દોરડું બંધાઈ ગયું હતું. બંધન છોડાવવા મથતા કેદીની જેમ તે પાણીના ઘેરાને કાપીને આગળ વધતો હતો. હાથમાંના ફાનસને તે ઊંચું ને ઊંચું રાખતો હતો. તેના પદ સાથે કશુંક અથડાયું. ઘરનું કોઈ રાચ, પાટલો કે એવું કંઈક. તે ઠોકર ખાઈ ગયો તે સમતુલા સાચવે અને ફાનસને પાણીથી અળગું રાખે તે પહેલાં તેનાં ચશ્માં આંખ પરથી ઊથલીને પાણીમાં પડી ગયાં. એક હાથે તે તેને પકડવા ગયો, પણ જળના વેગમાં તે અદ્રશ્ય! ઉજાસ આમે ય આછો હતો, હવે ઝાંખપનું અરણ્ય ફેલાઈ ગયું. આ પૂર શું શું લઈ જવા માટે આવ્યું હતું? તેનાં ચશ્માં... વચ્ચે વચ્ચે તેના નામનો સાદ પાછળથી આછો આછો વહી આવતો હતો. તેણે મોટેથી રાડ પાડીઃ હું હેમખેમ છું બા! તમે ચિંતા ન કરો! તેના શબ્દો કાતરિયા સુધી નહીં જ પહોંચ્યા હોય. થોડી ક્ષણોમાં તો તેને લાગ્યું: કોઈ તેની પાછળ હડફડહડફડ કરતું આવતું હતું. અને નિગમશંકરનો સાદ સંભળાયોઃ તિલક, દીકરા, પાછો વળ...પોથીઓની ચિંતા ન કર... નક્કિ, આ તો બાપુજી! અંધાપાને કઈ રીતે મારી હઠાવીને તેઓ આ જળનો પહાડ વીંધી અહીં સુધી આવી શકશે? આગળ વધવું કે પાછળ હઠવું તેની અસમંજસતાથી તે ઘેરાઈ ગયો. પોથીઓવાળો ઓરડો હવે પાસે જ હતો. ત્યાં તો પાણી વધારે લાગતાં હતાં. ફાનસ હજી આછું આછું ટમટમટતું હતું- આંધળાની આંખ જેવું. તેણે પાછળ ફરીને બૂમ પાડીઃ બાપુજી, તમે પાછા જાઓ... હું હમણાં આવું છું... અને તે ડાંફો ભરતો ગ્રંથભંડારના ઓરડા સુધી પહોંચ્યો. તેણે હાથ લંબાવ્યો. ખંડના તાળાનો તેને સ્પર્શ થયો. પાણી તેનાથી ઊંચી સપાતીએ હતા. તેનું હ્રદય જાણે થંભી ગયું. ઝાંખા ફાનસે ધૂંધળી આંખોને અણસાર આપ્યોઃ બારીઓ, જાળિયાં, તિરાડોમાંથી પાણી ગ્રંથભંડારમાં રેલાઈ ચૂક્યાં હતાં. તે ઠંડા જળની ભીંસ હોવા છતાં નખશિખ દાઝી ઊઠ્યો. ફાનસ તેના હાથમાંથી સરકીને પાણીમાં પડી બુઝાઈ ગયું. ઘુવડોના રાક્ષસી ટોળા જેવો અંધકાર તેના પર તૂટી પડ્યો.
(ક્રમશ :...)


0 comments


Leave comment