8 - પ્રકરણ ૮ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


બોત્તેર કલાક સુધી નદીનાં પુરનાં પાણીનો સ્પર્શ વેઠીને પોથીઓનાં બરડ પાનાં જાણે કે જાડાં પીળાં પ્રવાહી જેવાં બની ગયાં. પુસ્તકોનાં ઢગલાઓને જળનો અજગર ગ્રસી ગયો હોય અને તેને મોટી ઊલટી કરીને પાછાં બહાર કાઢ્યાં હોય તેમ તે કાદવિયાં, ડહોળાં પાણીના અવશેષોની વચ્ચે ઠેરઠેર પડ્યાં હતાં અને ચપ્પટ થઈ ગયેલા માનવ-મૃતદેહો જેવાં દેખાતાં હતાં. ઓરડામાંથી પલડીને લોચો બની ગયેલા જૂના કાગળોની વિચિત્ર, અણગમતી, અસહ્ય દુર્ગંધ વધૂટતી હતી અને શ્વાસને ગૂંગળાવતી હતી. ખંડની ભોંય પર પુસ્તકોની જે થપ્પીઓ અને પોથીઓનાં પોટકાં હતાં તે બધાંએ જાણે જળસમાધિ લીધી હતી. તુકારામે પોતાના અભંગ સ્વહસ્તે નદીમાં પધરાવ્યા હતા. અહીં જળ સામે ચાલીને પુસ્તકો અને પોથીઓને ભરખી ગયું હતું. જર્જરિત કબાટોનાં લાકડાંનાં બારણાં આમે ય તૂટેલા- ફૂટેલાં, અર્ધ ઉઘાડાં, કાચનાં બાકોરાંવાળાં હતાં. પૂરનાં વેગીલાં અને વિકરાળ પાણી સમક્ષ તેઓને પૂરી સરણાગતિ સ્વીકારી હતી. પટારામાંના બચી ગયાં હતાં એટલું આશ્વાસન લેવાની પણ કોને સૂધ હતી? લાકડાની પેટીઓ પાણીમાં તરતી હતી અને એની તિરાડોમાંથી પાણીએ અંદરનાં પુસ્તકોને પખાળ્યાં હતાં. લહિયાઓની કલમે લખાયેલી પોથીઓમાંના કાચી સાહીના અક્ષરો ધોવાઈ ગયા હતા. રેલના પાણીના ધસારાને કારણે ઓરડાની ઉત્તર બાજુની દીવાલનો એક ભાગ પડી ગયો હતો. કેટલીક પેટીઓ ઈંટોના ઢગલા હેથળ દબાઈ ગઈ હતી. પડખેના વાડામાંનું ઉદુમ્બર ધરાશાયી થયું હતું. ઘરના કોઈ સ્વજનના મરણ જેવી એ ઘટના હતી. કેટલી પેઢીઓનું, તેના ચઢાવ-ઉતારનું, ભદ્રશંકરના ગાંજાના ધૂમાડાની સેરોનું, નિગમશંકરની વેદૠચાઓનાં સ્પંદનોનું, નવી માના છૂપા નિઃશ્વાસોનું, દેવપૂજા અર્થે પારિજાતનાં ફૂલોની માળા ગૂંથવા બેસતાં ભાગીરથીબાની આંગળીઓમાંથી સ્ત્રવતી સુગંધનું, કિશોર-તરુણ તિલકના હ્રદયમાં જાગતી ભાવોર્મિના કાવ્યપંક્તિરૂપ આવિષ્કારનું તે સાક્ષી હતું. ગયું. અને કરેણના વૃક્ષની મોટી ડાળ ભોંયભેગી થઈ હતી.

કલાકોના કલાકો સુધી નિગમશંકર, ભાગીરથીબા અને તિલક ફફડતે હૈયે માળિયામાં બેસી રહ્યાં હતાં અને નીચે ઘરમાં પૂરનાં પાણી મનસ્વીપણે વિનાશ ફેલાવતાં હતાં. નિગમશંકરની દેખવું નહિ ને દાઝવું નહિ તેવી સ્થિતિ, ગણો તો હતી, પણ તેમનું લાગણીતંત્ર પળે પળે પૂરનાં જળની જોડાજોડ વંકવોળામણી ગતિ કરતું હતું. ભાગીરથીબાની આંખો પૂર ચઢેલી નદી-શી, અને તિલકની ફાટેલી, ઝંખવાળી આંખોમાંથી ભીનાશમાત્ર ઊડી ગઈ હતી અને સુક્કું ડિબાંગ રણ છવાઈ ગયું હતું... નીચે પાણી અને પોતાનું આ કરપીણ કોરાપણું!

પૂરનાં પાણી કંઈક ઓસર્યાં ત્યારે સૌપ્રથમ તિલક નિસરણી વાટે માળિયામાંથી નીચે ઊતર્યો. ઘરની ભીની, કાદવિયા, ગંધાતી ભોંય પર પગ મૂકતાં જ તેને લાગ્યું કે તે રડી પડશે, અથવા તેની આંખોની કોરાશ અને ઝાંખપ બંને વધારે ઘેરાં બનશે. માંડ માંડ હોઠ ભીંસીને તેણે પ્રથમ નિગમશંકરને અને પછી ભાગીરથીબાને કાળજીથી નીચે ઉતાર્યાં. તિલકે ઘરના હાલહવાલ પર નજર ફેરવી. અઢાર દિવસના મહાભારતના યુદ્ધ પછીનું કુરુક્ષેત્રનું મેદાન તેને યાદ આવ્યું. માનવશબોને સ્થાને ચીજવસ્તુઓ. ઘાયલ તો તે પોતે જ હતો, અને તેનાં મા-બાપ. દરિદ્રતા હવે વધારે આકરી બનશે. ઘરમાં મૂઠી અનાજ પણ બચ્યું હશે ખરું? પાથરી શકાય તેવાં બે ગાદલાં કોરાં રહ્યાં હશે? નાનકડા પણ પેઢીઓથી ટકી રહેલા દેવઘરમાંની પિત્તળ-ત્રાંબા-પથ્થરની નાની નાની દેવમૂર્તિઓ પણ દેડકાંનાં શબોની જેમ વેરણછેરણ... ભાગીરથીબા હાંફળાફાંફળા બનીને મૂર્તિઓની શોધમાં ગૂંથાયાં. થોડીક ખૂણે-ખાંચરેથી મળી આવી. કૃષ્ણ, બળરામ અને સુભદ્રાની મૂર્તિઓનો પત્તો ન હતો. ભાગીરથીબા ભાંગી પડ્યાં. કાદવિયા ભોંય પર પછડાઈ પડ્યાં. લૂગડાનો છેડો તેમણે આંખે દાબી દીધો. મારા જગન્નાથજી મને છોડીને... અધૂરા શબ્દો તેઓ પૂરા ન કરી શક્યાં. તિલક ફાટી આંખે ભાવશૂન્ય હ્રદયે માના આક્રંદને જોઈ રહ્યો. શો અર્થ હતો આ વિલાપનો? ત્રણ-ચાર દેવમૂર્તિઓ ઓછી થઈ તો શો ફરક પડવાનો હતો? એ મૂર્તિઓમાં દૈવત હતું તો તેમણે પોતાનું રક્ષણ કેમ ન કર્યું? આ ઘરની ગરીબીને વધારે ચીંથરેહાલ થતી અટકાવવા એ મૂર્તિઓ કેમ ખપ ન લાગી? પૂરનાં પાણી આડા હાથ ધરી દેતાં એ મૂર્તિઓને કોણ રોકતું હતું? બાપુજીના જીવન-સર્વસ્વ જેવાં પુસ્તકો અને પોથીઓના ઓરડામાં પૂરનાં વિનાશક પાણી પ્રવેશ્યાં ત્યારે મૂર્તિઓએ તમનો સામનો કેમ ન કર્યો? બાએ જિંદગીભર એ મુર્તિઓની પૂજા કરી, બાપુજીએ આખું આયખું પોથીઓ-પુસ્તકોની ઉપાસના કરી-કશું કેમ કામ ન લાગ્યું અણીને વખતે... તિલકના જુવાન લોહીમાં પ્રશ્નો સર્પગૂંચળાઓની જેમ ફુત્કાર કરી ઊઠ્યા. નદીનાં આ પૂર શું માત્ર શહેરમાં, શેરીમાં અને આ ઘરમાં જ આવીને બધું રમણભમણ કરી ગયાં હતાં? પૂર પછી એ પોતે પણ પહેંલા હતો તેવો રહી શકશે ખરો?- રહ્યો હતો ખરો? તેની ભીતર પણ ખાસ્સું ખેદાનમેદાન થઈ ગયું ન હતું?

તિલકે બાપુજી સામે જોયું. તેઓ મૂંગા તો હતા જ; નિશ્વેતન પણ લાગતા હતા. ભાગીરથીબાનાં કલ્પાંતનાં મોજાંઓથી તેઓ જાણે વેગળા સરી ગયા હતા. આમેય માળિયામાં બે રાત વિતાવી ત્યારે તેઓ ભાગ્યે જ થોડા શબ્દો બોલ્યા હતા. હલન-ચલન પણ મર્યાદિત. જાણે ક્યાંક અંદર, ઊંડે ઊતરી ગયા હોય, આ દુનિયા સાથેનો તંતુ તૂટી ગયેલો અનુભવતા હોય તેવા લાગતા હતા. ક્વચિત અમ્ભોનિધિ એ એક શબ્દ અને ક્યારેક આપો મા તત્ર નયતુ અમૃતં મા ઉપષ્ઠિત આ અર્ધસ્ફુટ ઉદગારો, એ સિવાય તેમની બીજી કશી ખાસ ગતિવિધિ ન હતી. તેમની આ બહ્ય નિશ્ચેતનતાથી તિલક ચિંતાતુર બન્યો હતો. બાપુજી થોડુંક બોલ્યાં કરે તો સારું તેવી ઈચ્છા તેને વારંવાર થઈ આવી હતી. તેણે તેમને વાતમઆં પરોવવાના પ્રયત્નો કર્યા હતા. ઘણા અંધજનોની જેમ નિગમશંકર પણ એકંદરે વાચાળ હતા, પણ પૂરનાં પાણી ઘરમાં પ્રવેશ્યાં તે સાથે જ તેમની વાચા લગભગ હરાઈ ગઈ હતી. પડોશના મંગળદાસ માસ્તરે છાપરા વાટે થોડું કાચુંકોરું ખાવાનું મોકલ્યું હતું, પણ તિલક અને ભાગીરથીબાના ઘણા આગ્રહ છતાં નિગમશંકરે તેને સ્પર્શ પણ કર્યો ન હતો. બહુ કહ્યું ત્યારે તેઓ એટલું જ બોલ્યાઃ બે દિવસથી મેં સ્નાન કર્યું નથી. ધોયેલું ધોતિયું કે અબોટિયું પહેર્યું નથી. અન્નનો દાણો યે શી રીતે મોઢામાં મૂકી શકું? તિલકને ઝાંઝ ચઢી આવીઃ અત્યારે આવી પળોમાં યે આ બધો આચારધર્મ? શો અર્થ છે એનો? અ આચાર-વિચાર-યમનિયમનું પાલન પૂરનાં પાણીને ધસી આવતાં તો ન રોકી શક્યું! દેવો’તો ને નદીને શાપ કે થઈ જા સુક્કી ભઠ્ઠ! ઊગરી ગયું હોત આંખુ શહેર ને હજારો લોકો ને અ અપણું ઘર ને તમારાં પોથી-પુસ્તકો આ પાયમાલીમાંથી! બે-ત્રણ દિવસ તમે નકોરડા ઉપવાસ કરશો એટલે આ પાયમાલી હતી- ન હતી થઈ જશે?

પતિને નિર્જળા ઉપવાસ કરતા જોઈ ભગીરથીબા વારંવાર ગળગળાં થઈ જતાં હતાં. કેટલીયે વાર તેમણે કહ્યું પણ ખરું: તમે બે કોળિયા ખાઈ લો તો કેવું સારું! અમારે હૈયેય કેવી ટાઢક વળે!

નિગમશંકરે કોઈ ઉત્તર ન દીધો. ભાગીરથીબાએ જ્યારે એ કાકલૂદી ફરી ફરીને દોહરાવી ત્યારે છેવટે તેઓ એટલું જ બોલ્યાઃ
રથી, મને વિક્ષેપ ન પાડ.

બાપુજીનો અવાજ અપાર્થિવ હોય તેવો કેમ લાગતો હતો? તિલકને પ્રશ્ન થયો. તેના કાળજાનો ફફડાટ વધી પડ્યો. કયા વિક્ષેપની વાત તેઓ કરતા હતા? શેમાં વિક્ષેપ? તેઓ વ્યગ્ર હતા? વેદનાથી સ્હોરાઈ જતા હતા? તટસ્થ રહેવા મથતા હતા? સ્થિતપ્રજ્ઞ થવા કાજેનો તેમનો આ મૂંગો તરફરાડ હતો? કે પછી જડ બની ગયા હતા? સ્પષ્ટપણે કાંઈ કળી શકાતું ન હતું. મા-દીકરાએ એક જ ક્ષણે એકબીજા તરફ જોયું. બંનેની આંખોમાંથી વેદના છલકાઈ ઊઠી.

તિલકની નબળીફટ્ટ આંખો સમક્ષથી પણ એ રાતનો કાળમીંઢ ઓથાર ખસી શકતો ન હતો. પહેલાં ચશ્માં અને પછી ફાનસે જીવનની હારેલા માણસની જેમ જળને વહાલું કર્યું અને અંધારાને મારગ કરી આપ્યો ત્યારે નિગમશંકર તેની પાસે જ હતા અને સામે પોથીઓવાળા ઓરડાને જળની તોતિંગ સાંકળોનો ઘેરો હતો. તિલકને વિશેષ ચિંતા બાપુજીની થતી હતી. તેમના હ્રદયમાં સ્થિતિ...! હજી થોડાક સમય પહેલાં તો તેઓ આ ખંડમાં પુસ્તકો અને પોથીઓના સાન્નિધ્યે ૠચાઓ અને સૂત્રોના આલોકિત વિશ્વમાં સરકી ગયા હતા, અને હવે એ જ પુસ્તકોની મશાલ પાણીના મારથી બુઝાઈ જતાં અંધારું બેવડાયું હતું- બાપુજીની આંખોથી યે વિશેષ! નિગમશંકર એમની જિંદગીમાં જાણે બીજી વાર અંધ બની રહ્યા હતા! તિલક આખો ડૂમાનો પર્યાય બની ગયો. તે ચેતન અને અચેતનમાં સરી રહ્યા હોય તેમ તેને લાગ્યું. માંડ માંડ તેણે તેની સભાનતાને ટકાવી રાખી. એક પ્રકારની મૂઢતાથી તે ઘેરાઈ ગયો. બાપુજીને પાછા નિસરણી સુધી લઈ જવા કે ઓરડાનું તાળું ઉઘાડી રહ્યાંસહ્યાં પુસ્તકોને બચાવવાનું શક્ય છે કે કેમ તે જોવું...? પણ આ જળઘેર્યા ઘરમાંથી ચાવી કેમ, ક્યાં શોધવી? અને બારણું ઉઘાડતાં તો પાણીની દીવાલોની દીવાલો ઓરડામાં ધસી જાય... તિલકને છુટ્ટે મોઢે રડી પડવાની ઈચ્છા થઈ આવી. વજ્જર જેવો આ ડૂમો કેમેય કરીને હળવો થાય છે? પણ તેના રડવાથી બાપુજી વધારે અજંપ બન્યા વિના ન રહે અને પોતાના કરતાં બાપુજીની વેદના આ પળે ચધારે ઘેરી હોવી જોઈએ. આ પુસ્તકો અને પોથીઓ સાથેનો તેમનો તંતુ કાંઈ કાચા સૂતરનો ન હતો; તે તો તેમની રક્તવાહિનીઓ જેવો હતો. પોતે તો હજી એ તંતુ સાથેની નિસ્બત માંડ શરૂ કરી શક્યો છે. બાપુજીની વ્યથાને તે પૂરેપૂરી પ્રીછી શકે તેમ પણ હતો ખરો? એ વ્યથાની ભેખડ સુધી પહોંચવાનું યે તેનું ગજું હતું?

વિચારોનાં આ બધાં તુમુલ મોજાંઓને હઠાવી દઈને અંધ નિગમશંકરની સલામતીની જ તંતોતંત ખેવના કરવાનો નિર્ધાર તેના હ્રદયમાં એકાએક જ બંધાઈ ગયો અને તે પાણી ડખોળતો તેમની પાસે પહોંચી જઈ બોલ્યોઃ બાપુજી, પોથીઓવાળા ઓરડામાં પાણી ભરાયાં તો છે જ, પણ તમે ચિંતા ન કરશો. આપણે કરી યે શું શકવાના હતા? પાણીને અટકાવાનું આપણું શું ગજું? આ તો કુદરતનો કોપ... આપણે માળિયામાં જ ચઢી જઈએ, નહિતર...

પણ નિગમશંકર કાંઈ બોલ્યા નહિ. અંધારામાં એમના ચહેરા પરના ભાવો જોવાનું તે શક્ય ન હતું. તિલક જો એમના હ્રદયની બોલીને સાંભળી શકતો હોત તો તેને આ શબ્દોનો ભેટો થાતઃ
મારાથી આ ઓરડામાં, મારાં પુસ્તકો અને પોથીઓની સાથે જ, જળસમાધિ ન લઈ શકાય? ગંગાનાં પાણીના સાન્નિધ્યે હું આ પોથીઓ-પુસ્તકોની વિદ્યા પામ્યો, મારો નવો જન્મ થયો. હવે જ્યારે આપણા શહેરની નદી એ પુસ્તકો-પોથીઓને ગ્રસી જવા બેઠી છે ત્યારે મારા આયખાનો યે તેની સાથે જ અંત આવે તેમાં શું ખોટું? જીવનભરની સાધના આમ પાણીમાં જશે, હેં...? જળદેવી, મને તે સ્થાનમાં લઈ જાઓ અને અમૃતની પ્રાપ્તિ કરાવો... કયું હશે એ સ્થાન? ક્યાં આવ્યું એ અમૃત થાનક?

તિલકે તેમને બાવડેથી ઝાલ્યા અને ધીમે ધીમે માળિયાવાળા ઓરડા તરફ સમજાવી-પટાવીને દોરવા માંડ્યા. તેને થયું: તે બાપુજીને નહિ, તેમના ખોળિયાને પોથીઓવાળા ઓરડાથીદૂર લઈ જઈ રહ્યો હતો. તેનો હાથ તેમને ખભે, બરડે ફરતો હતો. તેમની આ શુન્યતા તૂટે અને એ શૂન્યતાનો ચેપ પોતાને ન લાગે તે માટે તે મોટે સાદે કંઈક ને કંઈક બોલતો ગયોઃ
બાપુજી, તે દહાડે નિકુંજભાઈ અને એમના પેલા અમેરિકન ભાઈબંધ સમક્ષ તમે જે મંત્રગાન કર્યું હતું તે અદભુત-

નિષ્ફળ નીવડ્યા તેના બધા પ્રયત્નો. નિગમશંકરનું ઉપરી મૌન અને શૂન્યતાનું કવચ અતૂટ રહ્યાં. તિલકને થયું: અત્યારે તે તેના બાપુજી સમક્ષ પુત્રની નહિ, પિતાની ભૂમિકા ભજવતા મથતો હતો, પણ વ્યર્થ!

નિગમશંકરને નિસરણીના પગથિયાં ચઢાવવામાં તેને વધારે મહેનત કરવી પડી. જેમતેમ તેઓ માળિયે પહોંચ્યા ત્યારે તેનો શ્વાસ હેઠો બેઠો, પણ તે પછીની અનંત લાગતી પળો તો વધારે નિઃસ્તબ્ધ બનીને ખડકાઈ ત્રણે ય જણ પર. મૃત્યુની રમણા ખેલતી રાત્રિ, અને નદીના બધા ય કાંઠાઓ જઆણે લોપાઈ ગયા હતા. ભયાવહ સૂનમૂનતા એ જ સકળ વાતાવરણનો એકમાત્ર અર્થ હતો. આક્રોશો, ફફડાટભરી ગુસપુસ, નજીવા સંપર્કો, ટાર્ચના અલપઝલપ ઝબકારા, ધસમસતા પાણીનો જંગલી જનાવર જેવો હુંકાર, ફાનસના ઉદાસ તેજ-પડછાયા, ભૂંડનાં ટોળાં જેવું ગંધાતું પાણી... એમાં માત્ર જુદા તરી આવતા હતા નિગમશંકરના ઉદગારોઃ આપો મા તત્ર નયતુ અમૃતં... પણ એનાં આવર્તનો વચ્ચેનો સમયગાળો વધતો જતો હતો...

પાણી ઓસર્યા કેડે સૌ પ્રથમ તિલક કાતરિયામાંથી નીચે ઉતર્યો. ઝાંખી આંખો તેણે ઘરની સ્થિતિ પર ફેરવી અને ઘણું રોકવા છતાં તેનાથી એક ડૂસકું ભરાઈ ગયું. તેની પાછળ ભાગીરથીબા આવ્યાં. તેમની દ્રષ્ટિ પણ ચારે કોર ફરી વળી. પછી તેમણે નીચું જોઈ લીધું. તિલકની સામે જોયા વિના તેઓ બોલ્યાઃ દીકરા, હિંમત હાર્યે કાંઈ નહિ વળે. આપણે બંને એ મળીને આ ઘરને અને તારા બાપુજીને ફરીથી બેઠાં કરવાનાં છે. બાના શબ્દોએ તિળકને ઢંઢોળ્યો. તેણે આંખોમાની ભીનાશને લૂછી નાખી. મા-દીકરાએ મળીને નિગમશંકરને માળિયેથી નીચે ઉતાર્યા. ભાગીરથીબા બેઠકના ઓરડાની થાય તેવી સાફસૂફીમાં રોકાયા. તિલક બધું ભૂલીને, બાપુજીનેય એકલા છોડીને, પોથીઓવાળા ઓરડા ભણી દોડ્યો. એક કબાટમાંથી મળી આવેલી ચાવીથી તાળું ઉઘાડી ઓરડાનાં જર્જરિત બારણાંને અલગ કરતાં તો તિલકની આંખે અંધારા આવી ગયાં. એ અંધકાર ઓસર્યો એટલે તેની ધૂંધળી આંખો સમક્ષ પલળીને મૃતઃપ્રાય થઈ ગયેલી પોથીઓ અને પુસ્તકોના કમ્મરપૂર કળણમાં જાણે તે ખૂંપતો ગયો અને જીવલેણ દુર્ગંધે તેના શ્વાસોને ગૂંગળાવવા માંડ્યા. તત્ક્ષણ તેને પહેલી જ વાર અંધાપો બાપુજી માટે આશીર્વાદ જેવો લાગ્યો! તેમણે આ સર્વનાશને સગી આંખો જોયો હોત તો... પણ પછી થયું: સ્થૂળ આંખોના અભાવની મર્યાદાને વળોટી ગયેલા બાપુજી તેમના પુસ્તકસંચયના વિનાશના અંદાજને કારણે તો કલાકોના કલાકોથી લહીલુહાણ નિઃશબ્દતાથી ઘેરાઈ ગયા હતા ને? તેમનાથી વળી શું અજાણ્યું હતું?

વળી તેને થયું: બાપુજીને બદલે તે અંધ હોત તો? આ વિનાશને જોવાની યાતનામાંથી તે ઊગરી શક્યો હોત. એવું લાગે છે, જાણે પુસ્તકો અને પોથીઓમાંના લાખો શબ્દ હવે મરેલા મંકોડાઓનાં શબ સિવાય કશું નથી અને તે કાદવમાં પડીને ફુગાઈ રહ્યાં છે... તેણે બાપુજી સામે જોયું અને તેને આશા બંધાઈઃ કદાચ આ મંકોડાના શબો દેવચકલીઓ બનીને પાંખો ફફડાવશે, તેમાંથી મંદ સ્વરનો કલરવ સાંભળાશેઃ
તત્ર કો મોહઃ કઃ શોકઃ એકત્વમનુપશ્યતઃ

તિલક ચમકી ઊઠ્યો. એકાદ અઠવાડિયા પહેલાં જ તે બાપુજી પાસેથી ઈશાવાસ્ય ઉપનિષદનો આ મંત્ર શીખ્યો હતો અને સર્વનાશના સાક્ષી બનવાની આ ક્ષણે તેને અનાયસ એ જ મંત્ર યાદ આવ્યોઃ એકત્વમનુપશ્યતઃ - મંકોડાનાં શબ અને દેવચકલીઓની પાંખોનો ફડફડાટ, બંને એક જ? ના, એવું શી રીતે બને? રજપાત્ર આશ્વાસન મેળવવાની યે ક્યાં ગુંજાયશ બચી હતી? અચાનક તેને ખભે કશિક સ્પર્શ થયો. બાપુજી. તે ધ્રૂજી ઊઠ્યો. જેનાથી તે પીંછાની જેમ ફડફડતો હતો તે કટોકટીની પળ આવી પહોંચી હતી કે શું? સમ્મુખ, પ્રત્યક્ષ? શી રીતે ટાળી શકાશે તેને? કઈ રીતે વર્તવું જોઈએ પોતે?

બાપુજી! તે વધુ વિચાર કરે તે પહેલાં તેના મુખમાંથી ડૂસકાંથી ભીંજાયેલો એક જ શબ્દ, એક ચિરપરિચિત સંબોધન વહી નીકળ્યું અને તે નિરાધાર વેલની જેમ નિગમશંકરે ને ખભે ઢળી પડ્યો. તેને સઘન ડૂમાનું ખગ્રાસ ગ્રહણ છૂટવાની એ વેળા હતી. કેમ વીતી, કેટલી વીતી; કશાની સૂઝ ન પડી. તેને એટલું જ ભાન હતું કે તેના બાપુજીનો ખભો ભીંજાઈ રહ્યો હતો.

અને ત્યાં તેને કાને જાણે દૂર દૂર ધસી આવતો હોય તેમ, ગળાયેલો-ચળાયેલો એક મંત્રસ્વર રેલાઈ ગયોઃ
ઓમ ત્ર્યંબકં યજામહે સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ્...

આ તો બાપુજીનો સ્વર! - લાંબા કલાકોના મૌન પછી પહેલી જ વાર તેમનો અવાજ! તેલકે તેમને ખભેથી માથું ઊંચકી વિસ્ફારિત આંખે તેમની સામે જોયું. નિગમશંકર જાણે દિગંત ભણી તાકતા હોય તેવી તેમની મુખમુદ્રા હતી. ગુફામાંથી સંભળાતી સિંહની ડણક-શો તેમનો અવાજ ધીમે ધીમે વધારે બુલંદ બની ગાજવા લાગ્યો હતો. તેમના તેજમઢ્યા ચહેરા પરનો તનાવ શમવા આવ્યો હતો અને તેને સ્થાને નિર્મળ મુદા પ્રસરવા લાગી હતી.

પણ આ તો મહામૃત્યુંજય મંત્ર હતો! આ સમયે અને આ સ્થિતિમાં બાપુજી તેનું ગાન કરી રહ્યા હતા! શા માટે? તેમને એ જ મંત્ર કેમ સાંભર્યો? તે સાવા અકસ્મિક, સાહજિક હતું કે ચોક્કસ હેતુથી તેમણે મહામૃત્યુંજય મંત્ર લલકારવા માંડ્યો હતો? મૃત્યુ! અહીં એનો ઓછાપો છે ખરો? કોણ છે અહીં મૃત્યુની સમીપ? કોના ભણી તેના નહોરીલા હાથ લંબાઈ રહ્યા હતા? ધસમસી રહેલા મૃત્યુના પ્રતિકાર અર્થે આ મંત્ર ઉચ્ચારાઈ રહ્યો હતો? બાપુજી કયા, કોના મૃત્યુ પર વિજય મેળવવા માટે આ મંત્રનું શસ્ત્ર વીંઝતા હતા? કદાચ તેઓ પોતાને તો આ મંત્ર સંભળાવી નહિ રહ્યા હોય ને?

છેલ્લો પ્રશ્ન થતાં જ તિલક ચોંકી ઊઠ્યો. તેણે પિતા સામે જોયું. તેઓ તો જીવિત હતા; કદાચ જીવનની વધારે નજીક આવ્યા હતા. તો શા માટે આ મંત્ર? શું તેમની અદંર કશુંક મૃત્યુ પામવાની અણીએ હતુ? તેઓ તેને ઉગારી લેવા માંગત હતા?

હવે મંત્રનું આવર્તન થવા લાગ્યું:
ઓમ ત્ર્યંબકં યજામહે...
ઓમ ત્ર્યંબકં યજામહે...
ઓમ ત્ર્યંબકં યજામહે...

નિગમશંકરનો સ્વર ઉત્તુંગતા સાધતો ગયો. પ્રારંભે તેમાં જે તરડાટ હતો તે પણ હવે ભૂંસાઈ ગયો. તિલકને લાગ્યું: બાપુજી તેમની હયાતીના અણુએ અણુથી આ મંત્ર આ ક્ષણે ઉચ્ચારી રહ્યા હતા... અને પછી નિગમશંકરનો સ્વર તારસપ્તક પર પહોંચ્યો. બીજા બધ્હં જ અવાજ, નાદ, સૂર, ધ્વનિ નેપથ્યે ધકેલાઈને ડૂબી ગયા. માત્ર મંત્ર-સ્વર ચક્રવર્તી બન્યો હતો. નિગમશંકરના શ્વાસ ધમણની જેમ ચાલતા હતા અને ભેજવાળી હવામાં પણ તેમના કપાળેથી પ્રસ્વેદના રેલા ઊતરતા હતા. તિલકના હ્રદયમાં ભય, કૌતુક, ચિંતા વગેરે હતું જ; હવે તેને એવો અણસાર આવ્યો કે બાપુજીની ભીતર કશુંક બદલાઈ રહ્યું છે- બદલાઈ જશે. પોતે કહાક મોટા પરિવર્તનને અનુભવવાને આરે હતે એમ તેને લાગ્યું.

પછી ધીમે ધીમે દરિયાની ઊતરતી ભરતીની જેમ નિગમશંકરનો સ્વર શમવા લાગ્યો. ડૂબી ગયેલા બીજા અવાજો, નાદ, સૂરબુદબુદો, દ્વનિ-તરંગો ફરીથી સપાતી પર આવવા લાગ્યા. એક પળે નિગમશંકરનો સ્વર તદ્દ્ન થંભી ગયો. ચારે કોર અગાધ શૂન્યતા છવાઈ ગઈ. મંત્રજ્ઞાન પછીની આ ધ્વનિહીનતા બીકાળવી લાગતી હતી કે પ્રસન્નતાસભર તે તિલકને સમજાતું ન હતું. તેણે નિગમશંકર તરફ જોયું. તેમના ચહેરા પર હવે સ્વસ્થતાની આભા ઝગારા મારતી હતી. થોડીક પળો એમ જ મૌનસભર વીતી. પછી નિગમશંકરના મુખમાંથી, ફૂલ ઝરતાં હોય તેમ સૂત્ર સરી પડ્યું:
તત્ર કો મોહઃ કઃ શોકઃ એકત્વમનુપશ્યતઃ

તિલકે રોમાંચ અનુભવ્યો. થોડીક વાર પહેલાં તેને આ જ સૂત્ર યાદ આવ્યું હતું, જે બાપુજીએ જ તેને શીખવ્યું હતું, અને હવે તેમના જ મુખમાંથી આ પળે તેનું ઉચ્ચારણ! મહામૃત્યુંજય મંત્રનાં સઘન આવર્તનો પછી અ ઉપનિષદસૂત્રનો ગુંજારવ- શું સૂચવે છે તે? બાપુજી કઈ મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા? ક્યાં પહોંચ્યા હતા? ક્યાં પહોંચશે? ખીણમાંથી શિખર તરફ? ખીણમાંથી તળેટી ભણી? તળેટીમાંથી ટોચ સુધી? શિખરથી કંદરામાં? ઊંછે કે નીચે? ઊર્ધ્વારોહણ હતું આ કે અવરોહણ?

તે વળી નિગમશંકરની વધારે નિકટ ગયો, અને પિતા કોઈક વાતે ઉઝરડાયેલા પુત્રને કરે તેમ, તેણે તેમને બરડે ચૂપચાપ ક્યાંય સુધી હાથ ફેરવ્યા કર્યો. તેને ફરી એક વાર પંડના પિતૃકૃત્યનો ખ્યાલ આવ્યો. નિગમશંકર ત્રણ-ચાર વાર ઉપનિષદસૂત્ર બોલીને ધીમે ધીમે શાંત થઈ ગયા. તિલક તેમને બાએ કંઈક સ્વચ્છ કરેલા બેઠકખંડમાં દોરી ગયો અને એક ગૂણપાટ પર બેસાડ્યા. ભાગીરથીબા ક્યાંયથી દૂધનો પ્યાલો લઈ આવ્યાં. નિગમશંકરનું અનશન ત્રણ દિવસે છૂટ્યું.

તિલક ફરીથી પોથીઓવાળા ઓરડામાં ચાલ્યો ગયો, તેને વ્યથાસભર આંખોથી નિહાળતાં તે તરફડી ઊઠ્યોઃ કોઈકથી, ક્યાંકથી કશોક ચમત્કાર થાયઃ ભીંજાઈને નષ્ટ નીડના ઢગલા જેવી બની ગયેલી આ પોથીઓ ફરીથી શિયાળાના તડકા જેવી તાજી, કોરીકડાક, સ્વચ્છ બની જાય; એ પૃષ્ઠો પર ફરીથીસુવાચ્ય અક્ષરોમાં મંત્રો-શ્લોકો-કારિકાઓ-સૂત્રો-ભાષ્યો લખાઈ જાય; પંખીઓના કલરવથી માળાઓ પુનઃ કલરવી ઊઠે; માથાફોડ દુર્ગંધ નવા કાગળોની તાજી સુગંધમાં પલટાઈ જાય... તેણે નિઃશ્વાસ નખ્યો. આમાનું કશું જ શક્ય ન હતું એ સત્ય તેની છાતીમાં શલ્યની જેમ ભોંકાઈ ગયું. તે ભોંય પર બેસી પડ્યો અને તેણે, દાવાનળમાંથી ટિટોડીના ઈંડાને ઉગારવા મથતો હોય તેમ, સહેજસાજ બચી ગયેલાં પુસ્તકો અને પોથીઓને અલગ તારવવાનો પુરુષાર્થ શરૂ કર્યો. ધીમે ધીમે તે આસપાસનું ભાન ભૂલતો ગયો. તેને માત્ર પોથીઓ અને પુસ્તકોનો હાડપિંજરો જેવો ઢગલો જ દેખાવા લાગ્યો... નમતી, ઉદાસ સાંજે તે થાકીને ઓરડાની જર્જરિત દીવાલને ટેકો દઈ બેઠો હતો ત્યાં નિગમશંકર લાકડી ઠપકારતા તેની તરફ આવ્યા. તિલકે ઊભા થઈને તેમને ઝાલી લીધાં અને ઓરડામાં દોરી લાવ્યો. ખંડ હવે કંઈક અમોનમો બન્યો હતો. દુર્ગંધ હજી દોમદોમ હતી. થોડાંક બચી ગયેલા પુસ્તકો અને પોથીઓ એક કોરે; નષ્ટ ગ્રંથોનો મોટો ઢગલો બીજી તરફ. વચ્ચે નિગમશંકર કૃષ્ણને મથુરાથી ગોકુળ પહોંચાડવા તત્પર વસુદેવ જેવા. ક્યાંય સુધી તેમણે ઊંડા શ્વાસોચ્છવાસ લીધા, પછી તેમણે ખંડમાં ધીમે ધીમે ફરવા માંડ્યુ. ધ્રૂજતા હાથે તેઓ તૂટેલાં-ફૂટેલાં કબાટોને, ભેજથી તોરબોળ ભીંતોને, કાદવિયા ભોંયને અને છેલ્લે પોથીઓ-પુસ્તકોના છિન્નભિન્ન અવશેષોને અડતા ગયા- અડતા જ રહ્યા. વયસ્ક પિતા જાણે પોતાનાં શિશુઓનાં શબોને અડી અડીને અંતિમ વિદાય આપતો હોય તેમ તેમણે એ અક્ષરસંપત્તિનાં ક્ષર ખંડેરો સાથે સ્પર્શકની મૂક ગોષ્ઠિ કર્યે રાખી. તેમની આંખોના કૂવામાંથી નવાણ ફૂટતાં જતાં હતાં. તિલક ઉચાટ અને રાહતના બેવડા અનુભવમાંથી પસાર થઈ રહ્યો હતો. પછી નિગમશંકર ભોંય પર બેસી પડ્યા. તિલક તેમની પડખે ને પડખે જ રહ્યો હતો. ભાગ્રઈરથીબા પણ આવી પહોંચ્યાં. નિગમશંકરે ફંફોસીને તિલકને ખભે હાથ મૂક્યો અને કહ્યું:

દીકરા, વરૂણદેવે આપણા ગ્રંથભંડારને પોતાનો કરી લીધો. ભલે તેઓ વધારે જ્ઞાની થતા. તેમને તેનો ખપ પડ્યો હશે. ઈશ્વરની ઈચ્છા સર્વોપરી થાઓ! અને તેમણે એક લાંબો નિઃશ્વાસ નાખ્યો. ખંડમાં વજનદાર મૌન અને મા-દીકરાની આંખોમાં આંસુ તોળાઈ રહ્યાં. ત્યાં વળી નિગમશંકરના શબ્દો સંભળાયાઃ

તિલક, હવે ઘરમાં બે જ ગ્રંથો રહ્યાઃ દળદાર પણ કાળની ઊધઈથી ખવાતો જતો હું અને જેનાં હજી થોડાક જ પાનાં લખાયેલાં છે, ઘંઆં કોરા છે, અક્ષરો પડવાની વાટ જુએ છે તેવો બીજો ગ્રંથ તું!
તિલક, હવે ભાગીરથીબાના આંસુના બંધ પણ તૂટી ગયા.
અને રથી, તું તો લાગણી અને વ્યવહારનું મહાકાવ્ય છે જ!
તિલકના બાપુ તમે-

હવે હું ઝાઝો વ્યથિત નથી રથી! વાવાઝોડું આવીને મારી અદંરથી પસાર થઈ ગયું છે. બોત્તેર કલાકમાં હું કેટલા યે ભવોમાં ફરી આવ્યો છું... નિગમશંકર હળવે હળવે બોલ્યા. વળી અશબ્દતા પથરાઈ ગઈ. પછી તેમણે તિલકના ચહેરા પર હાથ ફંફોસતા કહ્યું:

તિલક, દીકરા, પુસ્તકો અને પોથીઓ તો ગયાં- જળપ્રવાહમાં વહી ગયાં, પણ હજી હું છું અને તું છે. વરૂણદેવ આપણને તાણી જઈ શક્યા નથી. આંખો ગ્રંથભંડાર મારી છાતીમાં, નસોમાં અને કંઠમાં અકબંધ છે બેટા! વરૂણદેવ તો એક કાંગરો યે ખેરવી શક્યા નથી. મારું અભિમાન નથી, સત્ય અને અવત્વ છે. કાળદેવતાની આણનો હું સ્વીકાર કરું છું, પણ જ્ઞાન અને જીવન વિશેની સમજ કાળજયી છે ભાઈ!

પછી તેમણે પૂછ્યું: આપણે બે મળીને આ પષ્ટ ગ્રંથભંડારને ફરીથી સજીવન ન કરી શકીએ તિલક? વળી થોડા મૌન પછી તેઓ બોલ્યાઃ
એક રીતે એમ પણ લાગે છે કે ઈશ્વરે મારી રહીસહી માયાનું બંધન પણ તોડી નાખ્યું. આ પુસ્તકો મારે માટે મદ, મત્સર, મોહ-માયાનાં પાત્ર બન્યાં હતાં...એ મારાં છે, મેં સંચિત કર્યા છે, મને કંઠસ્થ છે, હું એમાનો જ્ઞાનનો પ્રસાર કરીશ- મારું આવું હું-પદ તેમાંથી વારંવાર બહાર આવતું હતું. મારે માટે એ પણ અણછાજતું હતું. જ્ઞાન પણ મારું છેવટનું લક્ષ્ય ન હોઈ શકે. જ્ઞાનનેય સાધન ગણી તે દ્વારા આત્માની ઊર્ધ્વ ગતિ સાધવી તે જ સાચું ધ્યેય હોય... ઈશ્વરે જળદેવીને સામે ચાલીને મોકલ્યાં અને મને પખાળ્યો - મારા ગુમાનને પલાળ્યું...જ્ઞાનનું ગુમાન...! વિદ્યાના વારસાનો યે મોહ શો? બધું જ નશ્વર... બહું જ ઈશ્વરાધીન... અનસ્વર માત્ર આત્મા... તર કો મોહઃ કઃ શોકઃ...?

નિગમશંકરની આંખોના ખાડામાં ભીનાશ તરી આવી. અશ્રુ ગદગદ સ્વરે એઓ બોલ્યાઃ
હું ભણેલો પણ ભૂલ્યો હતો. દર્શનશાસ્ત્રનો અભ્યાસી પણ જ્ઞાનના ગુમાનને ગાળી શક્યો ન હતો. અન્ધતમઃ પ્રવિશન્તિ યે વુદ્યામુપાસતે. જેઓ વિદ્યાને ઉપાસે છે તેઓ પણ ઘોર અંધકારની ગતમાં પડે છે. હું મોહ-મત્સરની ગર્તમાં હતો. મારા પરમાત્માને તે શાનું ગમે? તને યાદ છે તિલક? મુંબઈથી આવેલા નિકુંજભાઈ અને ગોરાભાઈને મેં કહેલું: મારું કાળજું કઠણ કરીને એ ગ્રંથો હું તો તમારા જેવા કોઈક વિદ્યારસિકને આપી દઉં, પણ એ ગ્રંથો અને પોથીઓ સાથે મારી માયા બંધાયેલી છે. તે હજી છૂટે તેમ નથી. મારે મન તો જેવો તિલક ને તેની બા તેવાં જ એ પુસ્તકો અને પોથીઓ. તેનો વિજોગ વેઠવાની હજી તો મારી હામ નથી. મારી સ્થિતપ્રજ્ઞતા હજી એટલી કાચી... અને હવે પોથીઓ-પુસ્તકોના આ સર્વનાશ! એને સ્વીકારવો જ રહ્યો- સપ્રમાણ! મારી નબળી-પોચી સ્થિતપ્રજ્ઞતાનું તેનાથી ઘડતર કરવાનું ઈશ્વરે ધાર્યું હશે. સર્જહારની ઈચ્છાનો જય થાઓ!
આપો મા તત્ર નયતુ અમૃતં અમૃતં... અમૃતં...

અને બોલતાં બોલતાં નિગમશંકર એકાએક બેસૂધ બનીને ઢળી પડ્યા. ચારે બાજુ નષ્ટપ્રાય પુસ્તકો અને પોથીઓની વચ્ચે ઢળેલા નિગમશંકર પોતે જ ગ્રંથોના એક ઢગલા જેવા લગતા હતા. ભાગીરથીબા અને તિલકની આંખોમાં ચિંતા તરી આવી. તિલક દોડતો પાણી લઈ આવ્યો અને થોડુંક પિતાના મુખ પર છાંટ્યું. ભાગીરથીબા સાડલાના પાલવથી હવા ઢાળવા લાગ્યાં. તિલકે સાદ કર્યોઃ બાપુજી...! બાપુજી...!થોડીવારે નિગમશંકર સળવળ્યા. તેમણે જોરથી શ્વાસોચ્છવાસ લીધા-મૂક્યા, હું ક્યાં છું? એવું કંઈક તેઓ બબડ્યા. તમે આપણા ઘરમાં જ છો. ભાગીરથીબાએ મોટે સાદે કહ્યું. નિગમશંકરે ફંફોસીને તેમનો હાથ સાહી લીધો. એ સ્પર્શથી જ જાણે તેમનું ધૂંધળું ચૈતન્ય ફરી ઉજાસવંતું બન્યું. તેમણે કહ્યું: છેવટ સુધી મારી પડખે રહેજે હોં રથી! હવે આ દેહનો ભરોસો નથી... અને દીકરા તિલક, તું પણ... તિલકને૪ તેમણે કપાળે હાથ ફેરવ્યો. આવું શું બોલતાં હશો. હજી તો તમારે તિલકને તમારા જેવો વિદ્વાન બનાવવાનો છે... ભાગીરથીબાએ પતિના ચહેરા પર ઝૂકીને કહ્યું.

નિગમશંકર થોડીક વાર કાંઈ ન બોલ્યા. પછી તેમણે સ્વગતની જેમ કહ્યું:
ઈશ્વરેચ્છા સર્વોપરી બનો!

તિલક પિતાના ઝળહળતામુખને અનિમેષ આંખોથી જોઈ રહ્યો. તેના હ્રદયમાં કશોક સણકો ઊઠી આવ્યો- વેદનાઓ, અધૂરમના ભાનનો, ભાવિ જવાબદારીની ચિંતાનો.
તેણે અસહાય બનીને પુસ્તકોના છિન્નભિન્ન ઢગલા પર નજર ફેરવી.
(ક્રમશ :...)


0 comments


Leave comment