9 - પ્રકરણ ૯ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


તમે સહુ હેમ ખેમ છો ને?
પૂરનાં પાણી ઊતર્યાં એટલે સૌપ્રથમ રમાનાથજી સેરીનો કાદવ ખૂંદતા ખૂંદતા નિગમશંકરને ઘેર દોડી આવ્યા. ચાર દીવસની વધેલી દાઢી અને થાક છતાં તેમના મુખ પર કશીક આભા ઝળહળતી હતી. તેમની પાછળ અભિજિત અને સત્યા. અભિજિત સ્વસ્થ હતો. સત્યા જાણે કશાકને, કોઈકને શોધતી હોય તેમ તેની આંખોમાં વ્યાકુળતા હતી. તેણે તિલકને જોયો ને તે તેની પાસે દોડી ગઈ. સત્યાના વાળ વિખરાયેલા હતા. તે ધોયેલાં કપડાં પહેરવા પણ રોકાઈ ન હતી. તેની આંખોમાં ઉજાગરા અને ચિંતાની લાલાશ હતી. રમાનાથ, અભિજિત અને સત્યા આવ્યાં એટલે નિગમશંકર, ભાગીરથીબા અને તિલકે પોતાની અસ્તિત્વનો જાણે કે અનુભવ કર્યો. ભાગીરથીબાની આંખો ભીની થઈ ગઈ. તિલકે પોતાની જાતને ચૂંટી ખણી. સાચે જ, દુનિયા હજી જીવતી હતી! સત્યા એની નજીક મોજૂદ હતી! ઘણું નષ્ટ થયા પછી પણ કશુંક ટકી શક્યું હતું. પ્રલય આવી ગયાના પછીના પંખીના પ્રથમ ટહુકા જેવું વાતાવરણ નાનકડા ઘરમાં પથરાઈ ગયું.

રમાનાથે પ્રશ્ન દોહરાવ્યોઃ
તમે સહુ હેમખેમ?

નિગમશંકરે અવાજની દિશામાં હાથ લંબાવ્યો અને પછી રમાનાથનો ખભો પકડી લેતાં કહ્યું:
અમારા હેમખેમ હોવાનુ શો અર્થ છે રમાનાથભાઈ? વરુણદેવ, આમ જુઓ તો, મારું સર્વસ્વ લઈ ગયા...
રમાનાથના ચહેરા પર સ્તબ્ધતા તરી આવી. તેમણે અસમંજસથી ભાગીરથીબા તરફ જોયું. તેમને તરત ઉત્તર મળ્યોઃ
હા, ભાઈ, એમનાં બધાં પુસ્તકો અને પોથીઓ પાણીમાં ગયાં... બોલતાં બોલતાં ભાગીરથીબાનો અવાજ તૂટી ગયો.

રમાનાથની આંખોમાં પાણી ઊભરાયાં: હરિ! હરિ! તેઓ ઉદગારી ઊઠ્યાઃ આ તે કેવો મહા-અનર્થ! પૂછ્યું: કાંઈ જ બચ્યું નથી?
નજીવું. તિલકે જવાબ આપ્યો.

દરિયામાં બિન્દુ જેટલું. નિગમશંકરે પૂર્તિ કરી. પછી સહુના હોઠ સિવાઈ ગયા. નિગમશંકર ફરીથી જાણે પંડની સાથે બાથોડિયા ભરતા હતા. ભાગીરથીબા કળીએ કળીએ કપાવાની વેદનાથી લોહીલુહાણ. તિલકને લાગ્યું: તેની બધી સંવેદના થીજી જશે કે શું? તેણે સત્યા સામે જોવાની પણ હિંમત ન કરી. છેવટે રમાનાથ બોલ્યાઃ મને તમારો એ ઓરડો બતાવશો? સહુને આ શબ્દોથી કળ વળી. નિગમશંકરે પૂછ્યું:
સ્મશાનમાં રાખ સિવાય શું જોવાનું હોય? આ તો પાણી; અસ્થિફૂલ પણ તાણી ગયાં.

તો યે... રમાનાથે આગ્રહ કર્યો. છએ જણ ઊઠીને ભારે પગલે પુસ્તકોવાળા ઓરડા પાસે ગયાં. તિલકે ખંડનાં બારણાં ઉઘાડ્યાં. રમાનાથ અંદર ડોકાયા અને થોડી ક્ષણોમાં જ તેમણે આંખો મીંચી દીધી- ક્યાંય સુધી મીંચેલી જ રાખી. તેમના અંતરમાંથી અવશપણે જોગિયાના સૂર વહી આવ્યા. એ જ સૂરો નષ્ટભ્રષ્ટ પુસ્તકો અને પોથીઓનાં કણેકણમાંથી પણ સ્ત્રવતા હોય એમ તેમને લાગ્યું. તેમણે નિગમશંકર તરફ જોયું. એ તો સ્વયં જોગિયા રાગનું માનુષી સ્વરૂપ! તેમણે નિગમશંકરનો હાથ પકડી લીધો. નિગમશંકર તૂટતા મોભની જેમ તેમને વળગી પડ્યા. આંસુભીના અવાજે તેઓ એટલું જ બોલી શક્યાઃ રમાનાથભાઈ, હું, મારું કુળ નિરાલમ્બ બની ગયા...

રમાનાથે થોડી વાર સુધી તેમને બરડે હાથ ફેરવ્યો, પછી કહ્યું: સાચું આલમ્બન ઈશ્વરનું નિગમભાઈ! તમે તો જ્ઞાની છો. વિદ્યા તમારા હ્રદયમાં અને જિહવાગ્રે વસેલી છે. પ્રલયપૂર પણ એનો નાશ કરી શકે તેમ નથી.
આશ્વાસન! માત્ર મનમનામણું!
આપણી નિરુપાયતા અને નિયંતાની સર્વોપરિતા પણ તે જ છે. સ્વસ્થ થાઓ નિગમભાઈ!

પૂરનાં પાણી ચઢ્યાં તે પછીના બોત્તેર કલાકમાં મેં તેનું જ રટણ કર્યું છે. વિટંબણાનો પાર ન હતો. જાત સાથે ઝૂઝવાનું હતું. એક તરફ કાળજું ફાટી જતું હતું, બીજી તરફ ટકી રહેવાની ઈચ્છા હતી. કસોટી આકરી થઈ. અગનઝાળ જેવી જ પરિક્ષા. મૃત્યુ જેવો એ અનુભવ હતો. જાણે મારો અંતકાળ નજીક આવી રહેલો હું જોતો હતો...- કહી નિગમશંકર શ્વાસ ખાના થંભ્યા. પછી ઉમેર્યું:

મૃત્યુની પળો હોય ત્યાં મહામૃત્યુંજય મંત્રની હાજરી હોવી ઘટે. મને એ જ સાંભર્યો. આ મૃત્યુ જુદી ભાતનું હતું. પ્રત્યક્ષ નહતું તેથી વધારે છેતરામણું હતું. મેં મંત્રનું શરણું લીધું. તેણે મને ઉગાર્યો અને મૃત્યુને મારી હટાવ્યું. મારો જાણે એક વધુ નવો જનમ થયો. શીતળામાં આંખો ગઈ તેય મારું મૃત્યુ હતું. પછી કાશીની વિદ્યાએ મને ફરી જીવતો કર્યો. આબીજી વારનું મોત આવ્યું. મંત્રથી તેને અત્યારે તો ઠેલ્યું છે. કાલની વાત કાળ જાણે.- કહી નિગમશંકર ચૂપ થઈ જાણે પોતાનામાં ઊતરી ગયા. વળી બોલ્યાં:

મેં હાર સ્વીકારી નથી, પડકાર ઉપાડ્યો છે. હવે તિલક મારી કોરી પોથી છે. મારી વિદ્યા વડે તેને ભરી દેવો રહ્યો.
સત્યાએ તિલક સામે જોયું. તિલકના ચહેરા પર તારાખચિત આકાશ જેવી ગંભીરત ચસોચસ પથરાયેલી હતી. રમાનાથ બોલ્યાઃ

તમે કોઈને યે પાસે હાર નહિ કબૂલો તેમ જ મેં ધાર્યું હતું. ઈશ્વર તમારી પડખે રહો. તેમણે ફરીથી નિગમશંકરનાં ખભાને આદરથી સ્પર્શ પર્યો. પછી તેમણે પોથીઓવાળા ખંડમાં ફરવા માંડ્યુ. છિન્નભિન્ન પુસ્તકોને જોતાં ગયાં, ક્યારેક અડી લેતા ગયા, ક્યારેક થીજી જતા હોય એમ ઊભા રહેતા ગયા. છેવટે બોલ્યાઃ સરગમના સાતેય સૂરો જાણે તરડાઈ ગયા છે અહીં.

કોઈએ કશો પ્રતિભાવ ન આપ્યો.
ફરીથી બધાં બેઠકખંડમાં આવ્યાં. દુર્ગંધનું શાસન અકબંધ હતું. રમાનાથ બોલ્યાઃ
નિગમભાઈ, પૂરે અમારામ ઘરમાં ભારે ખાનાખરાબી કરી છે, પણ તમારી સરખામણીમાં તો મેં કાંઈ જ ખોયું નથી. અમે અમારાં તાનપૂરા, સિતાર, હાર્મોનિયમ, તબલાં, સંગીતનાં પુસ્તકો બધું અણીની પળે ઉગારી લીધું. મેં કેટલાક અપ્રચલિત રાગો પર કામ કર્યું છે. ત્રણસોક નવી ચીજો બાંધી છે. વર્ષો સુધી એ બધું હું નોટબુકમાં લખતો રહ્યો હતો. એ બધું જ બચી ગયું છે.

ભાગ્યશાળી... નિગમશંકરે એક જ શબ્દ ઉચ્ચાર્યો.
આ પૂરનો મારો એક અનુભવ કહું? રમાનાથ બોલ્યાઃ અવિનય નથતો હોય તો... પછી કહ્યું: પૂરનઆં પાણી ઘરમાં આવ્યાં એટલે અમે ત્રણેય જણ ઉપલા માળે ચઢી ગયાં. નીચે બધું જળજળાકાર... પૂરનાં પાણીના ઘૂઘવાટમાં કોઈ રાગ સાંભળવા જેટલી સ્વસ્થતા ન હતી. મને થયું: આમને આમ બેસી રહીશ તો પ્રકોપથી હું ફાટી પડીશ. બહુ રૂંધામણ પછી મને મારું સંગીત સાંભર્યું. ડૂબતાને તણખલું મળ્યું. મેં તાનપૂરો હાથમઆં લીધો. અભિને તબલાં પર બેસવા કહ્યું. સત્યા નવાઈ પામતી સામે આવીને બેઠી...નદી સમુદ્ર બની હતી ત્યારે સ્વર સાંભરતા હતા...!

મેં પ્રણવમંત્રથી શરૂઆત કરી. ૐકાર નો નાદ જાણે બ્રહ્મરન્ધ્રમાંથી નીકળ્યો. તે સાથે મારી અસ્વસ્થતાનો આંચળો સરકવા લાગ્યો હોય એમ મને થયું. હું મન્દ્રસાધનમાં પરોવાઈ ગયો. ખરજનો આવો સૂર આખી જિંદગીમાં ક્યારેય નીકળ્યો ન હતો. ધીમે ધીમે હું મારી અંદર ડૂબતો ગયો. મારામાં જાણે કશાક જળની ભરતી ચઢી હતી. તે આ રેલનાં પાણી ન હતાં. આ ડૂબવું તો સુખમય હતું. સ્થળકાળનું ભાન વિસરાતું ગયું. સ્વર સિવાય બીજી કશી સભાનતા ટકી ન હતી. સ્વર એક પણ ખોટો લાગતો ન હતો. આવો અનુભવ આ પહેલાં ક્યારેય થયો ન હતો...

સ્વરબ્રહ્મની હું જાણે અલપઝલપ ઝાંખી કરી શકતો હતો. ભૂખતરસની સૂધ પણ રહી ન હતી. સત્યાએ પછીથી મને કહ્યું કે તેને ચિંતા થઈ આવી હતી અને તે મને જગાડવા માંગતી હતી પણ અભિએ તેને અટકાવી હતી. તે મને સમજી શક્યો હતો. તાનપૂરા પર ફરીફરીને મારી આંગળીઓનાં ટેરવાં છોલાઈ ગયાં હતાં, પણ પીડાના અનુભવથી હું મુક્ત હતો, પૂરને કારણે આવેલો અજંપો તો ક્યાંય ઓસરી ગયો હતો. માત્ર અદભુત, અકથ્ય આનંદ હતો... જિંદગીમાં ફરી ક્યારેય આવું, આટલું ગાઈ શકીશ? આ ગવાયું તે ય ઈશ્વરની કૃપા. રેલમાંથી ગાનનું અવતરણ થયું! હું ધન્ય બન્યો! અને રમાનાથની આંખોમાં મલ્હારની અસર જેવા ઝળઝળિયાં ઊમટી આવ્યાં.

નિગમશંકરે ફંફોસીને રમાનાથનો હાથ પકદીને કહ્યું:
રમાભાઈ, તમે આજે મને મોટી હૈયાધારણ આપી છે. તમને પ્રણવનો સાક્ષાતકાર થયો, મને મહામૃત્યુંજય મંત્રનો. આપણા છેડાઓ ક્યાંક મળતા લાગે છે. મંત્ર એ જ આપણા બંનેનું તંત્ર ભાઈ!

આકાશમાં સાંજ ઊતરવા લાગી હતી. તેનો ઝાંખો ઉજાસ નિગમશંકર અને રમાનાથના ચહેરાઓને અજવાળી રહ્યો હતો. થોડી વારે સત્યાએ તિલકને કહ્યું:
ચાલ, ક્યાંક ફરી આવીએ. રેલથી શહેરની કેવી હાલત થઈ છે તે જોવાનું મને મન છે.

થોડી આનાકાની પછી તિલક તૈયાર થયો. તેણે અભિજિતને આગ્રહ કર્યો, પણ તેણે ના કહી. સત્યા અને તિલક શેરી વટાવી મુખ્ય રસ્તા પર આવ્યાં ત્યારે સત્યાએ તિલકને પૂછ્યું: તારા ચશ્માં ક્યાં?
નદીના પૂરમાં ઘસડાઈ ગયાં. તિલક ફિક્કું હસ્યો. હંમેશ માટે તે ચાલ્યાં ગયાં હોય તો કેવું સારું! પણ ના, મૃત્યુ વખતેય તે મારી આંખો પર હશે- સાપની જેમ કુંડળી જમાવીને!
સત્યા થંભી ગઈ. તિલક તરફ ફરીને તેણે કહ્યું: આવું કેમ બોલે છે તિલક? મરવાની વાત તને છાજે?

તિલકે ફરીથી ઉદાસ સ્મિત કરીને કહ્યું:
સત્યા, મૃત્યુની હવાતો અહીં ચારેબાજુ છે. આ પૂરમાં દોઢસો-બસો માણસો મર્યાં. સેંકડો ઢોર તણાયાં. બીજું પણ કેટલુંયે. કેટલોક વિનાશ નરી આંખે જોઈ ન શકાય તેવો યે હશે. પૂર ર્હ્યાં તે બોત્તેર કલાકમાં મેં મારા બાપુજીને મૃત્યુ પામતા ને ફરીથી સજીવન થતા જોયા. બાપુજીના સર્વસ્વ જેવા તેમના પુસ્તકભંડારનું કારમું મરણ મેં સગી આંખે જોયું. બાપુજી તો એટલી પીડામાંથી યે ઊગરી ગયા- અંધાપાને કારણે. મને પહેલીવાર અંધાપાનું આર્કષણ જાગ્યું સત્યા! બાપુજી કદાચ મને ચાહે તેના કરતાં યે તેમનાં પુસ્તકોને વધારે ચાહતા હતા. પૂરમાં હું મરણ પામ્યો હોત તો યે કદાચ તેમને આટલો આઘાત ન લાગ્યો હોત. આ ત્રણ દિવસ મારે માટે ત્રણ ભવ જેવા વીત્યા છે. હું તેને ક્યારેય ભૂલી નહિ શકું. મારા મન પર તેની હંમેશ ઘેરી અસર રહેશે. પૂર પહેલાં જે હું હતો હવે નથી રહ્યો. પૂરમાં મારું ઘણુંક ધોવાઈ ગયું છે, પણ હું સાવ ભાંગી પડ્યો નથી. અપંગ બાપુજીએ મને ટકાવ્યો છે. આવડા મોટા આઘાતમાંથી તેઓ જે રીતે બહાર આવ્યા તેનાથી મને હામ મળી છે.

સત્યાએ હળવેકથી તિલકનો હાથ પકડ્યો, સહેજ દબાવ્યો અને પછી છોડી દીધો. તિલકે કહ્યું:
પણ હું જાણું છું: મારી જવાબદારી વધશે. હવે બાપુજી મારામાં જ બધું ભવિષ્ય બાંધી બેઠા છે. હું કઈ રીતે તેને લાયક થઈશ તે મને સમજાતું નથી. તેમનું જ્ઞાન પર્વત જેવડું અને હું તો માત્ર તરણું!

તિલક, એક વાત કહું? સત્યાના સ્વરમઆં ગંભીરતા ઊપસી આવીઃ આખરે તો તે તારી રીતે તારું ભવિષ્ય ઘડવાનું છેતું તું જ છે અને તું તું જ રહેવો-બનવો જોઈએ. મને પણ તો જ- અને તે જ ગમે. સત્યાના શબ્દોમઆં મક્કમતા પાંગરી ઊઠી. તિલક તેની સામે જોઈ રહ્યો. આ સત્યા બોલતી હતી? અલ્લડ, બેજવાબદાર, મુક્ત પંખી જેવી સત્યા આવું બધું વિચારી શકતી હતી? પહેલી જ વાર તિલકના હ્રદયમાં સત્યાની ગંભીર આકૃતિનું પોત બંધાયું. તેણે કહ્યું: હું તારો આભાર મનું છું સત્યા! અત્યારે તો હું ઘણી બાજુઓના વિચારોથી ઘેરાઈ ગયો છું ચોખ્ખેચોખ્ખી દિશા પારખી શકું તેવી મારી સ્થિતિ અને લાયકાત નથી. હલેસાં હાથમાં છે પણ તેને ચલાવવાનું મેં છોડી દીધું છે. હોડીને મેં પાણીમાં વહેતી મૂકી છે. તેને જ્યાં જવું હોય ત્યાં જાય. પવન અને પાણીનું વહેણ તેની દિશા ભલે નક્કી કરતાં. મારી પોતાની કોઈ ઈચ્છા નથી, હોય તો તે હું લાદવા માંગતો નથી, હું મારી જાતને ઘડવા તાકું છું.

સત્યાએ એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો - માત્ર તેનું અસ્તિત્વ બોલતું હતું: હું તારી સાથે છું તિલક!
બંને ચૂપચાપ આગળ વધ્યાં. નગરની સ્થિતિ દુઃસહ હતી. ગંદકી, દુર્ગંધ, વિનાશ અને અરાજકતાઓ તે પર્યાય બન્યું હતું. મકાનોને સ્થાને લથબથ ખંડેરો. વૃક્ષો ધરાશાયી. રસ્તાઓ અવરુદ્ધ. લોકોના ચહેરાઓનાં ઝૂમખેઝૂમખાં નિસ્તેજ. તેઓની આંખોમાં લાચારીનો ઓથાર. ઝૂંપડાંઓના માત્ર તૂટ્યાફૂટ્યા અવશેષો. તાર-ટેલિફોન અને વીજળીના થાંભલાઓ ધ્વસ્ત. બીભસ્ત વર્તુળો દોરતી સમડીઓની ઊડાઊડ. કૂતરાઓના ડાઉકારા. અંધકારનું ઘૂંટાતા જેવું. અપરાધીભાવ દર્શાવતું હોય તેવું આકાશ. હવા થીજી ગયેલી. બધું જ મૃતવત. માત્ર એક તૂટેલા થાંભલાની ટોચ પર એક ચકલી ફરકતી હતી, ગતિની આકૃતિઓ સર્જતી હતી અને તેનૉ ચીંચીકાર હવાનાં નિઃસ્તબ્ધ પડોને હલબલાવી જતો હતો.

સત્યા બાળક-શી મુગ્ધ આંખે એ ચકલીને જોતી થંભી ગઈ. પછી તેણે એકાએક તિલકનો હાથ પકદી લઈને કહ્યું: તિલક, પૂર ચઢ્યાં તે કલાકોમાં હું તને વારંવાર યાદ કરતી હતી. મને મુખ્ય ચિંતા તારી હતી.

તિલકનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. પૂર આવ્યાં તે પછીના લાંબા પ્રહારોમાં તેણે તો ભાગ્યે જ સત્યાને સંભારી હતી! તે તો તેના ઘરની, બાપુજીની, પોથીઓની, ચશ્માંની સમસ્યાઓથી જ ઘેરાઈ ગયો હતો! તે આ તૂટેલા, જડ થાંભલા જેવો અને સત્યા ફરકતી, કલરવતી ચકલી!

કહે ને, તું મને સંભારતો હતો? સત્યાનો પ્રશ્ન પાણીમાં વહી આવતા પાંદડા પરના દીવાની જેમ તરતો તરતો આવ્યો. ખાસ્સી વારે તિલકે કહ્યું:
સત્યા, જૂઠું બોલવાનું મને નહિ ફાવે. તારું તો નામ જ સત્યા તારી પાસે અસત્ય બોલવાનું શક્ય નથી. હું મારી મુસીબતોથી ઘેરાયેલો હતો- તને યાદ કરવા જેટલી નિરાંત અને સ્વસ્થતા ક્યાંથી લાવવાં?
તું સાચું બોલ્યો એ મને વધારે ગમ્યું.
આજે હું એક નવી સત્યાને મળી રહ્યો છું.

અને તું તો તેનો તે જ છે!- ભોટવાશંકર જેવો! સત્યાની આંખોમાં ઘણે વખતે અસલ તોફાન ચમક્યું. તે ખડખડાટ હસી પડી. ચારે કોરનાં ઉદાસ વાતાવરણમાં તેનું હસવું અલગ તરી આવ્યું.
ભોટવાશંકર! ચાલો, એક વધુ પદવી! કહી તિલક એ હાસ્યમાં ભળી ગયો.

પહેલાં સોડાવૉટર, હવે ભોટવાશંકર! પછી કાંઈક ત્રીજું જ ! હાસ્યનાં ફીણમાંથી સત્યા માંડ બોલી શકી. તિલકે ગંભીરતાથી કહ્યું: સત્યા, આપણો આનંદ અહીં છાજતો નથી. ચારે બાજુ મૃત્યુની હવા છે.
આવતી કાલે, પરમ દહાડે તેમાં જ નવાં સુગંધીદાર ફૂલ ખીલશે તિલક!
મારા બાપુજીનો ગ્રંથભંડાર ફરીથી નહિ ખીલે સત્યા!
તું તો ખીલશે ને? એય પૂરતું છે.

ચકરાવો લઈને તેઓ હવે જુદે રસ્તે ફંટાયાં. એ રસ્તો નદીની દિશામાં ફૂટતો હતો. નદી! તિલકને હૈયે ધ્રાસકો જાગ્યો. નગરની નદીને આ પહેલાં તે ખૂબ ચાહતો હતો. તેને મન તે માત્ર નદી ન હતી, એક જીવંત વ્યક્તિ હતી, પણ છેલ્લા ત્રણ-ચાર દીવસમાં નદીએ જે રૂપ બતાવ્યું હતું તેને કારણે તે તેના મનથી ઊતરી ગઈ હતી. હવે તે ગંદા, ખારા, મેલા પાણીનો માત્ર એક રેલો હતો. તિલકનાં પગ થંભી ગયાં. સત્યા એ પૂછ્યું: આગળ વધવું નથી?

હવે નદી આવશે.
મારે તેને જોવી છે.
શા માટે?
હવે હું તેને ધિક્કારું છું.
પણ તે સામે ચાલીને આપણે આંગણે આવી હતી.
આપણને લૂંટી જવા.

નદી ક્યારેય કાંઈ લૂંટતી નથી. કશુંક આપી જાય છે. આપણને તેની જાણ થતી નથી.
મારે તેનું મોઢું નથી જોવું.
તો તે ફરીથી આપણે આંગણે આવશે.
હું એને જાકારો દઈશ.
એ બની શકે તેમ નેથી.
હું ૠષિ હોત તો નદીને શાપ આપત.
મા સાથે આટલું સિસાવાનું ન હોય.
માવતર કમાવતર થયાં.
તું શા માટે કછોરું થાય?
મા આવો વિનાશ વેરે?
એ જ બધું પાછું ભરપૂર કરી દેશે.
કઈ રીતે મનાય?

હું કહું છું ને?- હું સ્ત્રી છું. હું નદીને વધારે ઓળખું છું. સત્યાએ માથું ઉન્નત કરીને આંખો ઢાળી દેતાં કહ્યું. તિલક તેની સામે ટગરટગર જોઈ રહ્યો. તેને પોતાનાં ચશ્માંનો અભાવ સાલ્યો. અત્યારે ચશ્મઆં હોત તો સાંજુકી વેળાના આ મંદ ઉજાસમાં સત્યાનો આ આભાવન્ત ચહેરો કંઈક સ્પષ્ટતાથી જોઈ શકાયો હોત. કદાચ આવી, આટલી આભા ફરીથી જોવા ન પણ મળે. અને મળે તો યે કદાચ આંખો...

સત્યાએ તેને હાથ પકડીને નદીની દિશામાં દોર્યો. કાદવ હવે વધારે હતો. કાંઠો ધોવાઈને છિન્નભિન્ન. કેટલાય વૃક્ષો મૂળસોતાં ઊખડેલાં. કાંઠાને બાંધેલી મોટી પાળના રડ્યાખડ્યા અવશેષો. કાંઠાના કાદવમાં ગંધાતાં જાનવરોનાં શબો. દૂર સૂનો મસાણઘાટ. પડખેનો પુલ નિર્જન. અને નદીનો હવે ક્ષીણ, સહજ જળપ્રવાહ! આ એ જ અનદી હતી જે ઘર સુધી, ઘરમાં પિશાચણીની જેમ ધસી આવી હતી હૂહૂકાર કરતી! માથાના બધાં વાળ છુટ્ટા! આંખોમાંથી અંગારવર્ષા! અષ્ટભુજા! એક હાથમાં લોહી ભરેલું ખોપરીનું ખપ્પર! જોજન લાંબી જીભ! અને હવે લજ્જાળુ ગૃહિણી! જાણે ચહેરા પરનો ઘૂમટો ફરક્યો યે ન હતો! ત્યારે તો પૂરેપૂરી નગ્ન હતી-અને નિર્લજ્જ! પગથી માથા સુધી કપટી જ કપટી! છદ્મવેશી! હિંમત હોય તો કબૂલ કેમ નથી કરતી કે તેણે જ જોગણી બની રાસડા લીધા હતા? કોણ ભરોસા કરશે હવે તેનો? પાછું વરવું પોત નહીં પ્રકાશે તેવું અભય વચન આપીને પ્રાયશ્ચિત કરશે ખરી? શું બગાડ્યું હતું મારા અંધ બાપે એનું કે તે તેમનું સર્વસ્વ ઘસડી ગઈ? શું આવ્યું એના લોહીયાળ હાથમાં? બા અને બાપુજીતો એનાં પાણીને અમૃત માનીને તેનું આચમન કરતાં રહ્યાં હતાં આખો જનમારો... બાપુજીએ તો બાર વરસ ગંગાકાંઠો સેવ્યો હતો... અને આ નદીએ તેનો આવો બદલો! ખારપાટ ફેલાઈ જાય... ગોખરું ને આવળ-બાવળ ઊગી આવે તેના પટમાં... વહાણોને બદલે પીળચટાં, ખૂંધાળાં ઊંટ ફરે તેમાં...

તિલકનું કાળજું જ્વાળામુખીની જેમ લપકી ઊઠ્યું. તેણે આવેગ પૂર્વક નદી તરફથી મોઢું ફેરવી લીધું. તેની આંખોમાં આંસુની સરિતા તગતગી ઊઠી. સત્યા એ જોઈને ચિત્કારી ઊઠીઃ
તિકલ, આ શું?
કારણ તું જાણે છે.
હજી તારો ગુસ્સો ઊતર્યો નથી? તું તો સમજુ છે.
...
મેં કહ્યું ને નદી તો મા છે.
...
એક વાત પૂછું?
...
નદીનાં પૂરે તારા બાપુજીની પોથીઓનો નાશ કર્યો એ સાચું, પણ...
...
તારા બાપુજીએ મહામૃત્યુંજય મંત્રનો આધાર સાંપડ્યો તે કોને લીધે?
સત્યા! તિલકનું ભીંસાયેલું મૌન તૂટ્યું.
હા તિલક! મૃત્યુને જીતવાનું બળ તારા બાપુજી કયા નિમિત્તે બતાવી શક્યા?
પણ સત્યા-
આ નદી તો તારા બપુજીની સામે ભૂંડે હાલે હારી ગઈ છે તિલક!
ઓહ સત્યા, તું આજે-
આ નદીની તારે તો દયા ખાવાની હોય. તું એને શું શાપ આપવાનો હતો? એ પોતે જ ઓશિયાળી બની ગઈ છે! હંમેશા એ તારા બાપુજીની જીતનું ગીત ગાતી રહેશે...

તિલકે સત્યાને ખભે હાથ મૂક્યો અને પોતાની ઝાંખી ઝાંખી આંખો તેની શગવન્તી આંખોમાં પરોવવાનો પ્રયત્ન કર્યો. આજે પળે પળે સત્યાનાં એક પછી એક નવાં રૂપ તેની સમક્ષ ઊઘડતાં જતાં હતાં. આ સત્યા અત્યારે કેટલી બધી સ્પૃહણીય લાગતી હતી! નદીનાં પૂરે તેને પણ પ્રક્ષાલિત કરી હતી! તેની અલ્લડતા, અબુધપણું વહી ગયાં હતાં પૂરનાં પાણીમાં... છેવટે તિલકે કહ્યું:

સત્યા, મારી ઝાંખી, ચશ્માં વગરની આંખો વડે પણ આજે હું તને સાફ, સ્વચ્છ જોઈ શકું છું- પહેલી જ વાર! તું હંમેશા આવી જ રહેશે? મને તું કાયમ આવી સાફ દેખાશે?
ઊહું! હું તો હતી તે જ છું- તોફાની, નટખટ, જાંબુવતી! સત્યાનું મનોહર હાસ્ય રણક્યું, અને તું ભોટવાશંકર, બુધાજી, ગાભાજી, સોડાવૉટર!
ના, સત્યા, અત્યારે હું તારા પૂરતો સોડાવૉટર નથી- બિલોરી કાચ છું- પાણીદાર, સાત રંગવાળો! ઉજાળી શકું, બળી શકું, બાળી શકું તેવો!
તું ગંગારામ છે.
હા, છું અને રહીશ. ગંગાએ મારા બાપુજીનાં હાડ પોષ્યાં છે. હું એમનો દીકરો છું તારે હજી મને જે કહેવું હોય તે કહે, પણ મારો આજનો અનુભવ હતો- ન હતો નહીં થાય. અને તિલકે ઊંડા શ્વાસ લીધા.

નદીકાંઠાના કાદવમાં તેઓ થોડાંક આગળ વધ્યાં. હવે ઝાઝું ચાલી શકાય તેમ ન હતું. થંભી ગયાં. અંધારાનાં દળકટક હવે પૂરાં ઊતરી આવ્યાં હતાં. માત્ર એક શુભ્ર સારસ પંખી કાંઠાના કાદવ પર સેલારા લેતું હતું. તેની સફેદ આકૃતિની ઝાંય વર્તુળાયા કરતી હતી. સત્યા અને તિલક અશબ્દ બની કેટલીયે ક્ષણો સુધી ઊભાં રહ્યાં. તિલકની આંખો બિડાઈ ગઈ. હવે સત્યા પણ કળાતી ન હતી. માત્ર સારસના હિલોળાની સફેદ ઝાંય ચકરાતી હતી. એકાએક તેને શબ્દો યાદ આવ્યાઃ જળદેવી, મને અમૃત પ્રાપ્ત કરાવો...! તેનાથી આપોઆપ હાથ જોડાઈ ગયા. નદીનો કલરવ ૠચાગાનની જેમ વહી આવ્યો...

પાછાં ફરીશું? સત્યાએ પૂછ્યું.
હા... તિલકે ઉત્તર આપ્યો.

ધીમે ધીમે બંને એ કાંઠા તરફ ચાલવા માંડ્યું. નદી દુરાતી ગઈ, છતાં તે જાણે દૂર ન હતી. તિલકે ફરી એકવાર સત્યાનો હાથ પકડી લીધો. તેને લાગ્યું કે સત્યાની નસોમાં એક અનામી નદી વહી રહી હતી.
તિલકે ઘેર પાછા ફર્યા પછી બેઠક ખંડના એક ખૂણામાં સૂનબૂન બેસી પડ્યો. અ આજની સાંજના અનુભવોને વિખરાઈ જવા દેવા માગતો ન હતો. સત્યાનું જે નવું રૂપ તેણે અનુભવ્યું હતું તેને તે અકબંધ રાખવા તે ઝૂઝી રહ્યો હતો. ફરીથી કદાચ ક્યારેય આવી સાંજ નહિ આવે તેવા ભયથી તે ઘેરાઈ રહ્યો હતો. થોડીવારે નિગમશંકર ટેકેટેકે તેની પાસે આવ્યા- પૂછ્યું:
શહેર જોયું?
હા.
નદીએ ગયો હતો?
હા.

નદીને નમસ્કાર કર્યાં? નિગમશંકરનો પ્રશ્ન આવ્યો. તિલકનું મન ઉભડક થઈ ગયું. જે નદી બાપુજીનું બધું જ આંચકી ગઈ હતી તે નદી પ્રત્યે-
કેમ જવાબ ન આપ્યો? તેમણે પૂછ્યું. છતાં તિલકની જીભ ઊપડી નહિ.
નદીને પ્રણામ જ હોય દીકરા!
પણ બાપુજી-
પૂર ગયાં, વાત ગઈ. પુનશ્ચ હરિઃ ૐ ભાઈ! નિગમશંકર બોલ્યા.
ક્યાંથી મળ્યું આ ધૈર્ય? મહામૃત્યુંજય મંત્રમાંથી? તત્રઃ શોકઃ ના ઉપનિષદસૂત્રથી? તિલકને કંઠે ડૂમો ભરાઈ આવ્યો. તેણે નિગમશંકરના ખોળામાં માથું ઢાળી દીધું. નિગમશંકર ધ્રૂજતો હાથ તેના લુખ્ખા વાળમાં ફરવા લગ્યો. તિલકે તેમના ખોળામાંથી માથું ઊંચક્યા વિના કહ્યું:
બાપુજી, મં નદીને નમસ્કાર કર્યા હતા.
મને ખાતરી હતી...- કહી નિગમશંકરે નીચા નમી તિલકનું માથું સૂંઘી લીધું.

થોડી વારે તિલકે કહ્યું:
બાપુજી તમારું શરીરસ્વસ્થ હોય તો આજે આખી રાત તમારી પાસે મારે ઉપનિષદ શીખવું છે.
એમ?
હા, બાપુજી, થાય છે કે બોત્તેર કલાક-હજારો કલાક સુધી એક આસને હું તમારી પાસે બેસી રહું અને તમે જે શીખવો તે શીખ્યા કરુ... ખોળામાંથી માથું ઊંચકતાં તિલકે કહ્યું.
પણ હવે પોથીઓ ક્યાં છે?
તમે છો ને!
હા.
અને હું છું.

પછી ભાંગતી રાત્રે, ફાનસને અજવાળે, ચોપાસના શ્બ્દહીન, ઉદાસ વાતાવણમાં નિગમશંકરનો મીઠો, બુલંદ સ્વર સમુદ્રનાં મોજાંની જેમ ઘૂઘવી ઊઠ્યોઃ ૐ ઈશાવાસ્યમિદમ સર્વમ્...
તિલકે તેનો મંદ, સકંપ, ક્ષીણ પ્રતિશબ્દ પાડ્યોઃ ૐ ઈશાવાસ્યમિદમ સર્વમ્...
નિગમશંકરના શબ્દો સંભળાયાઃ
આ વિશ્વમાં જે કાંઈ ચલ-અચલ છે તે સર્વમાં ઈશ્વર વ્યાપ્ત છે, તે રમણ કરે છે અને બધા પર તેનું આવરણ છે. તેનો ત્યાગ કરીને તમે સુખ ભોગવશો. બીજાના ધનથી લલચાશો નહિ...
અને પછી એક ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું:

આ પૂરપીડિત શહેરમાં પણ ઈશ્વરનો વાસ છે... નષ્ટ પોથીઓ અને પુસ્તકોના છિન્ન અવશેષોમાં પણ તે જ રમણ કરી રહ્યો છે... આ હું જે છું, હું જે બોલું છું, જે મારા કંઠ અને હ્રદયમાં છે તે બધું પણ ઈશ્વરાધીન છે, ઈશ્વરનું છે... મારું સાચું ઘન મને ત્યજી ગયું છે, પણ તેને હું ત્યાદમાં ભોગવું છું- ભોગવીશ... વિનાશમાં પણ વસી રહેલા સર્જનના દેવ, તમને મારા નમસ્કાર... ઈશાવાસ્યમિદમ સર્વમ્...ઊદમ સર્વમ...

અચાનક નિગમશંકરનો સ્વર તૂટી ગયો. તેમના શબ્દો ક્ષીણ બની ગયા. અંદરથી કશોક અદમ્ય ઉછાળ આવ્યો હોય તેમ તેઓ નિશ્ચેત જેવા વર્તાયા. તિલકે તે જોયું. તે છળી ઊઠ્યો. તે ચિત્કારી ઊઠ્યોઃ બાપુજી! તેણે તેમને કચમચાવી દીધા. નિગમશંકર ધીમે ધીમે પૂર્વવત બન્યા. તેઓ સ્વગતની જેમ બોલ્યાઃ મને એકાએક શું થઈ ગયું હતું...? હું ક્યાં ચાલ્યો ગયો હતો... હું ક્યાં છું?
ભેંકાર રાત્રિમાં તેમના આ સ્વગતવત પ્રશ્નો નિરુત્તર રહેવા સર્જાયા હતા. માત્ર તિલકની ફિક્કી આંખોમામ્થી પ્રતિપ્રશ્ન જાગ્યોઃ
બાપુજી, તમે ક્યાં હતા! ક્યાં છો?
*
(ક્રમશ :...)


0 comments


Leave comment