10 - પ્રકરણ ૧૦ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


દુર્ગાશંકરને અમદાવાદની એક સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકની નોકરી મળી તેથી તેણે નિગમશંકરની વિદાય લીધી. નિગમશંકરે તેને આશીર્વાદ આપતાં કહ્યું: શુભમ ભવતુ. તારુ કલ્યાણ થાઓ દીકરા! તારી ખોટ મને વધારે સાલશે, પણ તારી ઉન્નતિ થતી હોય તો હું આડો નહિ આવું. મારો સ્વાર્થ પછી, પહેલાં તારું ભવિષ્ય. હુંતો ખર્યું પાન; આજે છું, કાલે નહિ હોઉં. હવે મારે તો ૠતંભરા પ્રજ્ઞાના દર્શનની વાટ જોતાં જ દહાડા વિતાવવાના. તારે માટે તો આખી જિંદગી પડી છે. તારા કુળનું અને ગુરુનું નામ દીપાવજે. મારો ખરો વારસ તું છે. તિલક હજી એકડો ઘૂંટે છે. શિવાસ્તે પંથાનઃ...

દુર્ગો નિગમશંકરના પગમાં માથું ઢાળી બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો, પછી રુદન ભર્યા સ્વરે બોલ્યોઃ હું અનાથ છોકરો. તમે મને ઉછેર્યો. મારા સાચા પિતા તમે જ છો. તમે મને દિક્ષા દીધી. તમારો હું ઓશિંગણ છું- રહીશ. હું જે કાંઈ છું તે તમારા વડે. હું તમને ક્યારેય નહિ ભૂલું. આંખો લૂછી ઉમેર્યું: તમારું સ્વાસ્થયસાચવજો. બહુ દોડદોડી ન કરશો.

ભાગીરથીબાને પ્રણામ કરતાં તે બોલ્યોઃ બા, મને આશીર્વાદ આપો. હું તમારો તિલક જ છું.
ભાગીરથીબાએ છાતીસરસો ચાંપી તેના હાથમાં સવા રૂપિયો, શ્રીફળ અને પૂજાનું સૂકું ફૂલ મૂક્યાં. દુર્ગાએ તે માથે ચડાવ્યાં. તેણે તિલકને કહ્યું: તિલક, આપણે મા-જણ્યા ભાઈઓ ભલે નથી, પણ આપણું હેત તેનાથી યે અદકું છે. હવે બાપુજીનો બધો બોજ તારે જ ઉપાડવાનો છે.

તિલકે માથું નમાવ્યું. તેણે દુર્ગાના બંને હાથ ઉષ્માથી દબાવ્યા.
ઉંબરે તરફ પગ ઉપાડતાં દુર્ગાએ કહ્યું:
બાપુજી, બા, તિલકભાઈ, જરૂર પડ્યે મને કહેણ મોકલજો. હું અડધી રાતેય દોડી આવીશ.
તું જરૂર પડ્યે કહેણ વગર પણ આવી પહોંચશે તેની મને ખાતરી છે. મારા હ્રદયને તું બરાબર જાણે છે. નિગમશંકર બોલ્યા અને દુર્ગો ધીમે ધીમે આંગણું, શેરી વળોટી ગયો.

છેવટે દુર્ગો પણ ગયો... નિગમશંકરે બારણેથી પાછા ફરતાં આછો નિઃશ્વાસ નાખીને કહ્યું: પાંખો આવે એટલે પંખીઓ માળા છોડીને ઊડી જ જાય... કુદરતનો એ જ ક્રમ... આકાશ તેઓને બોલાવતું હોય છે, તેનો સાદ તેઓ કેમ ઠેલી શકે...? આપણે તો માત્ર આશીર્વાદ જ આપવાના... દુર્ગો જતાં મારી હાથ લાકડી ગઈ. ઘરની બહાર પગ મૂકતાં જ હું તેનો હાથ સાહી લેતો હતો. યજ્ઞયાગાદિમાં હવે ગામ-પરગામ જવું દોહ્યલું... જેવી હરીચ્છા...

પાછળ આવી રહેલા તિલકે તેમના શબ્દો પકડી લીધા, કહ્યું: એવું ન કહો બાપુજી! જરૂર પડ્યે હું તમારી સાથે આવીશ, તમને બનતી મદદ કરીશ. હવે હું યજ્ઞમાં ભાગ લઈ શકું છું - તમે જાણો છો.
એવી આશા ખોટી ભાઈ! તું હવે બી.એ. ના છેલ્લા વરસમાં આવ્યો છે. તારું ભણવા-ગણવાનું બગડે એ મને કેમ ગમે? મને તો કોઈકનો ને કોઈકનો ટેકો મળી રહેશે. આટલાં વરસ નભ્યું તો હવે ગાડું નહિ ગબડે?
ના, બાપુજી, તમારી સાથે ક્યારેક યજ્ઞમાં આવીશ તોયે મારું ભણવાનું નહિ બગડે. દિવસે તમારી સાથે રહીશ, રાત્રે મારું કૉલેજનું વાંચીશ. યજ્ઞ પોતે પણ શિક્ષણ છે.

નિગમશંકરને બેઠકખંડમાં ગાદી પર ભીંતને ટેકે બેસાડી તિલક તેની ઓરડીમાં આવ્યો. ચશ્માં ઉતારી એકઢાળીયા ઉપર તેણે માથું ઝુકાવી દીધું. દુર્ગાના જવાથી તે પણ કશોક અવકાશ અનુભવતો હતો. દુર્ગો તેને ઘણું હતો-મોટોભાઈ, મિત્ર, સાથી, સહાયક... હવે તે પણ ચાલ્યો ગયો. જીવનમાં આવું કેમ બન્યા કરે છે? કોઈક આવે છે, કોઈક જાય છે... કશું સ્થાયી રહેતું નથી... બધું ચલ-વિચલ...

તિલકની બંધ આંખોના અંધકાર સમક્ષ અનેક આકૃતિઓ આછાઘેરા તેજે, વિવિધ રંગો વિખેરતી - સંકોરતી તરવરી ઊઠી... બાવીસેક વર્ષનું તેનું જીવન- કૅનવાસ પણ એક રીતે સપાટ, એકરંગી, પણ બીજી રીતે ભાતીગળ રંગો, આકારો અને તેઓની સંકુલતાઓથી સભર હતું! નવી માની અલપઝલપ પણ ભરપૂર વત્સલ્ય છાંય; ધીરજલાલ મામલતદારે નવી દુનિયાની આઘેરી ક્ષિતિજ તરફ આછો સંકેત કર્યો હતો; ડૉ શ્રીધર તાંજોરકરે તેની કાચી આંખો વિશે જે મરણતોલ ચેતવણી આપી હતી તે વ્રજલિપિ બનીને તેના અસ્તિત્વના કણેકણમાં ભળી ગઈ હતી અને તેને અનેક ગ્રંથીઓ-પડકારોના કળણમાં ઉતારતી રહી હતી; શાળાનૅ શિક્ષકો હવે ઝાંખા બની ગયેલા પડછાયાઓ અને શેરીના ગણ્યાગાંઠ્યા ભાઈબંધોની સ્મૃતિઓનું કપૂરની જેમ ઊડી જવું; પછી અટૂલાપણું બાજ પક્ષીની જેમ ધસી આવ્યું હતું અને તેનો ઘેરો નાખીને ચકરાતું-પ્રસરતું ગયું હતું - એ ઘેરો હજી યે પૂરેપૂરો છૂટ્યો નથી; કદાચ વધારે સબળ બન્યો છે. ચશ્માંના કાચ વર્ષે-બે વર્ષે આકસ્મિક ફૂટતા રહ્યા હતા; ફ્રેઈમો તૂટી હતી; નવા કાચ, નવી ફ્રેઈમ... ચશ્માંના નંબર વધતા ગયા હતા, છતાં દ્રશ્યજગત ઝંખવાતું રહ્યું હતું અને ધુમ્મસમાં જીવવાનો અનુભવ ગાઢ, નિરંતર બનતો ગયો હતો. ધ્વનિ, સ્પર્શ, ગંધ, અટકળની લીલાઓ પ્રત્યે મન અને શરીર પણ, લગભગ અભાનપણે જ અભિમુખ બનતાં ગયાં હતાં. નેત્રહીન બાપુજીની એકે એક હિલચાલ મનના અગોચર ખૂણાઓમાં પ્રતિબિંબાતી જતી હતી... અને કૉલેજનું ભવન. એની કરકરી દીવાલો અને છતો વધારે ને વધારે ઊંચા લાગતાં ગયાં હતાં. તેના મોટા મેદાનમાં વરસાદની મોસમમાં નાનમોટાં ખાબોચિયાં ભરાતાં હતાં, પણ તેમાં પોતાનું ઝિલમિલાતું પ્રતિબિંબ જોવાની ઈચ્છા ઘટતી ગઈ હતી. લાઈબ્રેરીના વિશાળ, શાંત ખંડમાં ખુરશી અને ડેસ્ક પર પુસ્તકોની થપ્પીઓને સહારે દિવસો, મહિનાઓ વીતતા રહ્યા હતા અને કૉલેજનાં ચાર વર્ષ પણ પૂરાં થવા આવ્યાં હતાં. લાઈબ્રેરીનાં સેંકડો પુસ્તકોનાં હજારો પૃષ્ઠો પરના લાખો અક્ષર પણ તેની આંગળીઓનાં ટેરવાંની છાપ, દ્રષ્ટિનો સ્પર્શ, શ્વાસોચ્છવાસની મુદ્રા અંકિત થયેલા હતા અને અક્ષરો વચ્ચેના અવકાશોમાં તેના વિચારોની હળુહળુ લહેરખીઓ સુગંધાતી હશે. ક્યારેક કોઈક પુસ્તકના હાંસિયામાં કશીક નોંધરૂપે ટચૂકડું લખાણ તેના હસ્તાક્ષરમાં સચવાયેલું પડ્યું હશે અથવા બુકમાર્ક તરીકે તેણે મૂકેલી બસની ટિકિટ, કબૂતરનું પીંછું કે લીમડાનું સૂકું પાંદડું હજી ત્યાં અકબંધ હશે. ટાંપ તરીકે તેણે ભૂલથી કોઈક પાનાની ધાર ખૂણેથી વાળી હશે અને તે ફરીથી સરખી કરવાનું કોઈને સૂઝ્યું નહિ હોય. કેવું અને કેટલું વૈવિધ્યસભર વંચાતું રહ્યું હતું આ વર્ષોમાં! શેક્સપિયરનાં નાટકો, ચેકૉવની વાર્તાઓ, મિલ્ટનનું પેરેડાઈઝ લૉસ્ટ, હર્માન હેસની સિદ્ધાર્થ જેવી નવલકથા, ભવભૂતિનું ઉત્તર રામચરિત, કાર્લ માર્ક્સ, જિદ્દુ કૃષ્ણમૂર્તિનાં પુસ્તકો, ડિસ્ક્વરી ઑવ ઈન્ડિયા, ટાગોર, શરદબાબુ, નિત્શે, વિનોબ... અને બાપુજી લગભગ નિયમિતપણે તેને ઉપનિષદો, વેદો, ભાષ્યોનીનિઃસીમ સૃષ્ટિમાં પોતાની કરચલીયાળી આંગળીને સહારે ગુમાવતા રહ્યા હતા અને બાપુજી પ્રત્યેના અગાધ ૠણ, આદર અને પૂજનીયતાની તેની ભાવના ગાઢ, નક્કર બનતી રહી હતી, અને છતાં કૃષ્ણમૂર્તિના શબ્દો વળી વળીને શા માટે તેની અંતર્ગુહામાં પડઘાયા કરતા હતા? સ્વ-જ્ઞાન આપણને અન્ય કોઈ આપી શકે નહિ. કોઈ પુસ્તકમાંથી તે પ્રાપ્ત થઈ શકે નહિ. એ તો આપણે શોધવું પડે. સ્વ-જ્ઞાન એ પરિવર્તન કે પુનરુદ્ધારની શરૂઆત છે. જગતનું પરિવર્તન પોતાના પરિવર્તનથી જ થાય છે.

અને તે સાથે-
જે કહેવાતું હોય તેને આપણે સાંભળતા નથી. આપણે આપણા જ ઘોંઘાટને સાંભળીએ છીએ. આપણાં શિક્ષણ, પૂર્વગ્રહો, વલણ પ્રત્યાઘાતોને બાજુએ મૂકવાં એ અતિશય મુશ્કેલ છે. શબ્દોથી પર જઈ તત્ક્ષણ સમજ મેળવી શકીએ એ રીતે સમજવું ઘણું જ કઠિન...

કૃષ્ણમૂર્તિના આ શબ્દો શા માટે તેની આસપાસ હંસોના શુભ્ર વૃન્દની જેમ ચકરયા કરતા હતા? - તે બાપુજી પાસે ઉપનિષદનું કોઈ સૂત્ર કે વદમંત્રનો મર્મ સમજવા મથતો હોય, સ્વયં કૃષ્ણમૂર્તિને વાંચતો હોય ત્યારેય-શા માટે તેના ચિત્તમાં કશું બહુ સમરસ થઈ શકતું ન હતું? સ્વ-જ્ઞાન જાતે જ શોધવાનું હોય તો બાપુજી સાથેનું આ ઉપ-નિ-ષદ-સત્ર કે વેદાધ્યયન નિરર્થક વ્યાયામ માત્ર હતાં? બાપુજીને તરાપે તે ક્યાં સુધી અને શા માટે તરશે? જિંદગીનાં નદી-સમુદ્રમાં પોતીકાં હલેસાં વગર તે એક આંગળી જેટલું તે અંતર વળોટી શકે ખરો? ક્યાંથી, કઈ રીતે મેળવવું આત્મજ્ઞાન? આ તો બધું જ ઉછીનું છે- શબ્દો, વિચારો, અનુભવો - કદાચ જીવન પણ! અને આત્મજ્ઞાન વિના પરિવર્તન ક્યાંથી? પુનરુદ્ધારની શક્યતાઓ તો સાવ વેગળી- અનેક જન્મો પછી પાંગરે તો પાંગરે તેવી- જો જન્મ-પુનર્જન્મ જેવું કાંઈ હોય તો!

અને ચારે કોર ઘોંઘાટ સિવાય બીજું કશું અનુભવાય છે ખરું? વર્ગમાં અધ્યાપકોના લેક્ચર્સનો ઘોંઘાટ, વિદ્યાર્થીઓનો દિશાશૂન્ય આંધળો ઘોંઘાટ, બાપુજી પરના આધારનો અશ્રાવ્ય કોલાહલ અભિજિતની સિતારમઆંથી યે ક્યારેક શોર પડઘાઈ ઊઠતો હોય એમ કેમ લાગે છે? સત્યાના સાન્નિધ્યમાંની બોલકી ક્ષણોને કેમ ટાળી શકાતી નથી? અને સહુથી વધુ તો પોતાના ભીતરમાં ચાલતો નિરંતર, અડી શકાય તેવો, ક્યારેક બધિર કરી મૂકતો ઘોંઘાટ... કઈ રીતે જવું આ બધા બહુપરિમાણી કોલાહલોથી ઊંચે, અલિપ્ત...? સ્વરો, શબ્દો, મૌનના પણ, ઘોંઘાટથી ભાગી છૂટવું શી રીતે?

દ્વિધાઓ અકથ્ય હતી અને તુમુલ હતી, છતાં જિંદગી અજસ્ત્રપણે વહ્યે જતી હતી. શહેરના જર્જરિત પુસ્તકાલય સાથેનો અનુબંધ ગાઢ બની રહ્યો હતો. ખંડેર- શા એ મકાનમાં પ્રવેશતાં જ કશીક ન સમજી શકાય તેવી આત્મીયતાની લાગણી કેમ અનુભવાતી હતી? અભિભાઈની સિતાર સાથેનો સંબંધ પણ તૂટ્યો ન હતો. રમાનાથકાકાની મેઘમંડિત મૂર્કીઓ અને ફૂલ વરસતાં હોય તેવાં સૂક્ષ્મ સ્વરો સાથેની નિકટતા પણ સુગંધની જેમ અનુભવી શકાતી હતી. અને સત્યા, અને સત્યા...

કૉલેજની સ્પર્ધાઓમાં અને નિબંધલેખન જેવી સ્પર્ધાઓમાં ક્રમ આગળ રહેતો હતો. અને વર્ષિકોત્સવમાં પારિતોષિક સ્વીકારવા જતી વેળાએ કદીક મંચ પરનું એકાદું અડબંગ પગથિયું બરાબર ન દેખાવાથી ચૂકી જવાતું હતું અને ગબડી પડતાં સહેજમાં ઊગરી જવાતું હતું ત્યારે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું દબાયેલું, મજાકિયું, ભોંકાઈ શકે તેવું હાસ્ય અવશપણે ઊછળી આવતું હતું, પછી પારિતોષિકનો ચળકાટ વધારે ઝાંખો લાગતો હતો. માત્ર ગોરધન શેઠની દીકરી ઈક્ષાતેને
અભિનંદન આપતી વખતે મર્મવેદિ હાસ્ય નહિ, સહ્રદયતાભર્યું સ્મિત છલકાવતી હતી.... શિષ્યવૃતિઓ મેળવવા માટેની અરજીઓ લખતી વખતે હાથ ધ્રૂજી જતો હતો, કલમ ઠરડાતી હતી, પણ અરજીઓ અચૂક કરવી પડતી હતી. બે’ક ટ્યૂશનો તેને મળી જતાં હતાં અને ક્યારેક અડધું વરસ સાવ કોરું જતું હતું. નિગમશંકર હવે ઝાઝા સક્રિય રહી શકતા ન હતા અને આજે તો દુર્ગો યે ચાલ્યો ગયો- દૂર દૂર... કહેણ મોકલીએ તો જ આવી શકે તેટલો આઘો. ગોરધન શેઠના વડપણ હેઠળના ટ્રસ્ટીમંડળ દ્વારા ચાલતા જગન્નથ મંદિરમાં સેવા પૂજા કરવાનું થોડુંક કામ ભાગીરથીબાએ મેળવ્યું હતું અને તેમનાં સવાર-સાંજ મંદિરમાં વીતતાં હતાં . રથયાત્રા આવતી ત્યારે ભાગીરથીબાનું કામ વધી જતું. ઉત્સવોની ભીડ વરસમાં ઘણી વાર અનુભવાતી. ક્યારેક સાંજનાં અંધારાં ઊતરી આવતાં ત્યારે તિલક ભાગીરથીબાને લેવાં માટે મંદિરે જતો અને ત્યાંની હવામાં થોડીક વાર રોકાઈ જતો. હાથ જોડ્યા વિના, આંખો નમાવ્યા વિના તે કૃષ્ણ-બલરામ-સુભદ્રાની મૂર્તિઓ જોઈ રહેતો. રથયાત્રાને આગલે દિવસે ભાગીરથીબા એ મૂર્તિઓની આંખે પાટા બાંધતાં તે જોવાનું તિલક ક્યારેય ચૂકતો ન હતો. આંખે પાટા બાંધેલી મૂર્તિઓને જોઈને તેને અવશપણે બાપુજી યાદ આવી જતા. રથયાત્રા નીકળે તે પહેલાં ભાગીરથીબા મૂર્તિઓની આંખો પરથી પાટા છોદી નાખતાં. તિલકને ફરીથી બાપુજી સાંભરતા. રથયાત્રાને વળાવીને, છેલ્લાં પ્રણામ કરીને ભાગીરથીબા ઘેર આવતાં અને બાપુજી પાસે બેસી જતાં - બેસી જ રહેતાં, બે-ત્રણ દિવસ સુધી સૂનમૂન રહેતાં, બાપુજીની તંતોતંત કાળજી રાખતાં, તેમને બે ડગલાં યે એકલાં ચાલવા ન દેતાં, આસપાસ કોઈ નથી એમ ધારી બાપુજીની આંખોના ખાડા પર હાથ ફેરવી લેતાં અને હે જગન્નાથ, તારો આશરો છે. એવું બબડી જતાં. તિલક ચૂપચાપ ભાગીરથીબાનું આ વર્તન જોયા કરતો. તેની દ્રષ્ટિ સમક્ષ આંખો પર પાટા બાંધેલી મૂર્તિઓ ઊપસી આવતી.

એક વાર તેણે ભાગીરથીબાને પૂછ્યું પણ ખરું: બા, આ રીતે રથયાત્રાને આગલે દિવસે કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓની આંખે પાટા બંધવાના અને પછી તેને છોડી નાખવાના રિવાજનું રહસ્ય શું હશે? તું કાંઈ જાણે છે?

ના ભાઈ, મને કશી ખબર નથી. ભાગીરથીબાએ કહ્યું: હું તો સમજણી થઈ ત્યારથી આ જોતી આવી છું અને તે મુજબ કરું છું.
તિલકે નિગમશંકરને પણ તે વિશે પૂછ્યું: તેમણે કહ્યું: માત્ર લૌકિક રિવાજ. તેને ધર્મ શાસ્ત્રનો કશો આધાર હોય તો તે હું જાણતો નથી.

તિલકે તર્ક કર્યો: કદાચ એમ હોય કે દેવોનેય અંધત્વનો અનુભવ કરાવી પછી ફરીથી દ્રશ્યજગત સાથેનો તંતુ જોડી આપવાનો માણસે આવો તરંગ રચ્યો હોય... નિગમશંકરે કોઈ જવાબ ન આપ્યો, એટલે તિલક મૌનમાં સરી પદ્યો.

મંદિરે જઈને ભાગીરથીબાને પોતાનાથી થઈ શકે તેવી મદદ કરવાનું તિલકને ગમતું હતું. મૂર્તિઓ માટે ફૂલોનાં હાર ગૂંથવા, ચંદન ઘસી આપવું, પૂજપો તૈયાર કરવો, આરતીનાં પૂમડાં બનાવવાં વગેરે કામો કરતી વખતેય તે પોતાની જાત સાથે સ્પષ્ટ હતો - આ બધાં કામો તો મંદિરમાંની મૂર્તિઓ પ્રત્યેના ભક્તિભાવ કરતાં વિશેષ તો ભાગીરથીબાને સહાયરૂપ થવાની ઈચ્છાને બળે કરતો હતો. મૂર્તિઓને સ્થાને બાપુજીનાં કશાંક પુસ્તકોને ગોઠવ્યાં હોય તો તેનાથી તેના મનની ધારણા વધારે દ્રઢ થઈ શકે તેની તેને ખાતરી હતી.

તિલકની ઈચ્છા તો બા પાસે મંદિરનું આ કામ છોડાવી દેવાની હતી. અવારનવાર તેણે બાને તે વિશે ઇશારો પણ કર્યો હતો. બાએ વાત ટાળી દેવાનો પ્રયત્ન કરતાં તિલકે કહ્યું: બા, હવે હું કાંધસમાણો દીકરો છું. થોડાક મહિનાઓ પછી હું નોકરી કરવા લાગીશ. પછી હું તને આ કામ નહિ કરવાં દઉં - અત્યારથી કહી રાખું છું.

ભાગીરથીબા હસી પડ્યાં. તેમણે કહ્યું: તિલક તું એમ માને છે કે બે પૈસા મળે તે માટે હું આ કામ કરું છું? ગાંડા! અત્યાર સુધી મેં તને કહ્યું નથી. હવે કહેવામાં વાંધો નથી. ગોરધન શેઠ મંદિરની સેવાપૂજા કરવા માટે મને જે પૈસા આપે છે તેમાંની એક પાઈ પણ હું રાખતી નથી. તે તો તરભા તપોધનને ત્યાં પહોંચી જાય છે. બિચારો છેક ગરીબ છે. એનાં છૈયાંછોકરાં ભૂખે મરે છે. આ મંદિરમઆં તેને કોણ નોકરીએ રાખે? તેથી મેં આ જુક્તિ કરી છે.

તિલક સ્તબ્ધ બનીને ભાગીરથીબા સામે જોઈ રહ્યો. પછી તેણે મંદિરમાંની એક મૂર્તિ તરફ દ્રષ્ટિ કરી. મનુષ્યત્વ અને દેવત્વ વચ્ચેની ભેદરેખા ઓગળતી જતી નહોતી? તેણે વિચાર્યું: પોતે આ પ્રમાણે ક્યારેય કરી શકશે? તે તો બી.એ. થઈને તરત નોકરીનો જ વિચાર કરતો હતો! તેણે કેમ માની લીધું હતું કે ડિગ્રી મળવાની સાથે નોકરી તેની રાહ જોતી હોય તેમ સામે ચાલીને તેના પગમાં પડશે? આ નબળી આંખોને ઢાંકતાં ઊંચા નંબરનાં ચશ્માંના જાડા કાચની દીવાલ ભેદીને નોકરી તેના સુધી પહોંચી શકશે ખરી? અને માત્ર બી.એ. થવું પૂરતું હતું? એમ.એ. કરવું જ જોઈએ. શક્ય હોય તો પી.એચ.ડી. પણ; છતાં તત્કાળ નોકરી શોધવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. ત્યાર વિના આ અભવગ્રસ્ત, ભીંસભર્યા જીવનનો કોઈ ઉપાય ન હતો. બી.એ. થયા પછી શિક્ષકનું કામ તેને કદાચ મળી જાય. તેમાં તેને કંઈક રસ પણ હતો. સરકારી કચેરી કે બૅન્ક કે સુધરાઈની કારકુનીમાં જોતરાવાની તેની જરાય ઈચ્છા ન હતી. તેના જેવા નબળી આંખો ધરાવનારે એવી નોકરી આપવાનું યે કોણ હતું? એવો નકાર કે જાકારો સાંભળવાની તેની તૈયારી ન હતી. એમ.એ. થયા વિના અધ્યાપક બની શકાય તેમ ન હતું. કોઈક યુનિવર્સિટીના રિસર્ચવર્કમાં જોડાવું હોય તો પી.એચ.ડી. નું છોગું યે જરૂરી હતું...સ્વપ્નાં- તેય ઝાંખી આંખે ભાળેલાં... તિલકથી ઉદાસ સ્મિત કરી દેવાતું.

ધીમે ધીમે શહેરની જર્જરિત લાઈબ્રેરી સાથેનો તેનો હ્રદયનો ઘરોબો વધતો જતો હતો, હજી સુધી તો એક વાચક તરીકેનો જ તંતુ તેની સાથે જોડાયેલો હતો. લાંબા વૅકેશનોનો ઘણો સમય તે આ ગ્રંથાલયમાં ગાળતો હતો. કૉલેજ ચાલુ હોય ત્યારેય દિવસમાં એક વાર તો તે લાઈબ્રેરીનાં તૂટી ગયેલાં પગથિયાં ચઢી તેની હવડ ગંધથી વીંટળાતો જ. એક ગમગીનીભરી સાંજે તે લાઈબ્રેરીમઆં એક ખૂણામાં બેસીને કશુંક વંચતો હતો ત્યારે અચાનક જ તેને તીવ્રપણે એવી લાગણી થઈ આવી કે તેના ઘરમાં બાપુજીનો જે પોથી-પુસ્તક-ભંડાર હતો અને જેને નદીના પૂરે નષ્ટ કર્યો હતો તેનું કશુંક અનુસંધાન તે આ ગ્રંથાલય સાથે અનુભવતો હતો! એ અનુસંધાને તેના મન પર તે પોતે પણ ન સમજી શકે તે રીતે પ્રભાવ પડ્યો હતો અને તેથી જ તેના પગ અવશપણે આ પુસ્તકાલય ભણી વળતા રહેતા હતા. આ લાગણીનું રૂપ તેના મનમાં સ્પષ્ટ થયું તે સાથે જ ખંડેર-સા એ ગ્રંથાલય પ્રત્યેનું મમત્વ અનેકગણું સબળ બનીને તેની સામે પ્રત્યક્ષ થયું. હાથમાંનું પુસ્તક ટેબલ પર મૂકીને તે ઊભો થયો, તેણે ગ્રંથાલયની હવડ હવાને જોરજોરથી પોતાન શ્વાસમાં ભરી અને પછી ચારે તરફ દ્રષ્ટિ કરી. ઘણાં દુર્લભ પણ વેરવિખેર પડેલાં, ઊધઈ, અને ઉંદરોથી કોરાતાં-કતરાતાં જતાં સેંકડો પુસ્તકો, ફાટી ગયેલાં સામાયિકો, તૂટેલી ખુરશીઓ, વીજળીના ઊડી ગયેલાં બલ્બો, ફર્શ પર કચરો-ધૂળ, બારીઓના ફૂટેલા કાચ, વર્ષોથી ચૂનો ન થવાથી લૂણો ખેરવતી દિવાલો-એક સડી ગયેલું, વાંસ મારતું, મનહૂસ વાતાવરણ! તિલકનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તેની આંખોમાં બળતરાં થઈ આવી. તેને ફરીથી તેના બાપુજીનો પોથીઓવાળો ઓરડો, તેની અગાઉની સમૃદ્ધિ અને સાંપ્રત દરિદ્રતા સાંભર્યા. આવદું આ નગર, તેમાં કંઈક ઠીક ઠીક કહી શકાય તેવું આ એક જ પુસ્તકાલય અને તેની આ સ્થિતિ! અને તે પોતાને પુસ્તકપ્રેમી કહેવડાવતો હતો, બી.એ.-એમ.એ.-પી.એચ.ડી. થઈ યુનિવર્સિટીનાં સંશોધન-વિભાગમાં સારા પગારની નોકરી મેળવવાની મહેચ્છા સેવતો હતો! જાણે વૃદ્ધ, આજાર માતા-પિતાને એકલાં, ભાગ્યને ભરોસે છોડી અઢળક ધન કમાવા સારુ પરદેશમાં વસતો કાંધ સમાણો દીકરો!

તિલક ધીમે ધીમે પુસ્તકાલયમં ટહેલવાં લાગ્યો. કબૂતરોની પાંખોની ફફડાટ, ખિસકોલીઓની હડિયાપાટી, બુઠ્ઠા લાઈબ્રેરિયન જીવણરામ તલાટીની બીડીના ધુમાડાની કડવી ગંધ; બધું શમતું ગયું, અને તેની આંખો સમક્ષ સુઘડ, સોહામણું, હજારો પ્રાચીન-અદ્યતન, સુવ્યવસ્થિત ગોઠવેલાં પુસ્તકોથી ઉભરાતું, વાંચકોનાં વિશાળ વૃન્દોને ઉષ્માથી આવકારતું પુસ્તકાલય ઝળહળી ઊઠ્યું. ફરીથી તેણે ઉજ્જળ વગડા જેવી લઆઈબ્રેરી પર દ્રષ્ટિ કરી. વિરોધાભાસ તેના હ્રદયમાં શલ્યની જેમ ખૂંચી આવ્યો.

લાઈબ્રેરિયન જીવણરામની તેને દયા આવી. રેલવેના બુકિંગકલાર્કની નોકરીમાંથી નુવૃત્ત થઈ માત્ર ગુજરાન ચલાવવા માટે ટૂંકા પગારે તેઓ પુસ્તકાલયમાં જોડાયા હતાં. રવજી અને મફત એ બે પટાવાળાઓ માથાભારે થઈ ગયા હતા. કેટલાં યે મૂલ્યવાન પુસ્તકો તેઓએ ચોરી કરીને અથવા પસ્તીમાં પાણીને મુલે વેચી કાધાં હતાં. કહેવાતું કે લાઈબ્રેરીના પાછલા ઉજ્જડ ભાગમાં તેઓ ગેરકાયદે દારૂનો અડ્ડો ચલાવતાં. જીવણરામે પુસ્તકોની સૃષ્ટિ સાથે દૂરનો યે સંબંધ ન હતો. તેઓ અણઘણ કારકૂનથી વિશેષ કાંઈ ન હતા. પ્રામાણિક ખરાં, પણ પટાવાળાઓ તેમને ઘોળીને પી ગયા હતા. પુસ્તકાલય ટ્રસ્ટ હેઠળ ચાલતું હતું અને ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ હતા ગોરધન શેઠ. વેપાર-ધંધા અને બીજી અનેકા સામાજિક પ્રવૃતિઓમાં રોકાયેલા રહેવાને કારણે તેઓ પુસ્તકાલય માટે કશો સમય આપી શકતા ન હતા. વર્ષમાં એકવાર સામાન્ય સભા મળતી જ એટલું જ. સરકારી ગ્રાન્ટ માટેની થોડીક લખાપટ્ટીનું કામ જીવણરામ કરતાઅ. નવાં પુસ્તકોની ખરીદી ભગ્યે જ થતી હતી અને થતી ત્યારે પુસ્તકોની પસંદગી રવજી અને મફત કરતા! ગ્રંથ વિક્રેતાઓ તેઓને ખાનગીમાં લાંચ આપી રાજી કરતાં. જે પુસ્તકો હતા તેની સાચવણી, બાંધણી, ફર્નિચર વગેરે માટે નાણાકિય પ્રબંધ, વ્યવસ્થા કે ઉત્સાહ, કશું ન હતું.

વિચારોના વમળમાં ડૂબેલો તિલક એકાએક અટકી ગયો. તેના મનમાં કશાક નિશ્ચયનું અબરખિયું પડ બંધાતું હતું. આવતી કાલે જ ગોરધન શેઠને મળવું. તેઓ તેને નિગમશંકર અને ભાગીરથીબાના દીકરા તરીકે ઓળખતા તો હતા જ, બે’ક વાર મંદિરમાં અલપઝલપ પ્રત્યક્ષ મળવાનું પણ થયું હતું. ગોરધન શેઠ વિશેની છાપ તિલકના મનમઆં ઊજળી હતી; છેક ખંધા, કઠોર શ્રીમંત માત્ર ન હતા.

બીજે દિવસે તે સવારે હવેલી એ ગયો. પહેલી ઈક્ષા જ મળી, તેને જોઈને આશ્ચર્ય પામી તેણે પૂછ્યું:
તિલકભાઈ, તમે? આજે અહીંયા?
ન આવી શકું? તિલકે વળતો પ્રશ્ન કર્યો.

મોસ્ટ વેલ્કમ! ઈક્ષા બોલી અને તેના હોઠો પર બીજલેખા જેવું સ્મિત ઝળહળી ઊઠ્યું. તિલકે તેના તરફ ધારીને જોયું. કૉલેજમાં તેને તે અવારનવાર જોતો હતો. કોઈક પ્રસંગે તેની સાથે નજીવી વાત કરવાનું યે બન્યું હતું. તે તેનાથી એક વર્ષ આગળ હતી. હવે એમ.એ. ના બીજા વર્ષમાં આવશે. મુખ્ય વિષય, તિલકની જેમ જ, ગુજરાતી હતો. બી.એડ. ની ડિગ્રી પરિક્ષામાં એ વિષયમાં તેણે સહુથી વધુ માર્કસ મેળવ્યા હતા. કૉટનની સાદી સફેદ સાડી, માથા પર કોરા છુટ્તા વાળ; કદાચ સદ્યસ્નાતા હશે; વાળમાં મોગરાનું એક ફૂલ; તિલકને એકસાથે તેજ સુગંધ અને એ બેના સહઅસ્તિત્વમાંથી સર્જાતી ગરિમાનિ અનુભવ થયો.

ઈક્ષાએ ઉમેર્યું: તમે અમારે ત્યાં આવો તે તો અમારૂં સદભાગ્ય કહેવાય. ઈક્ષાના શબ્દોમાં, તેના સકળ વ્યવહારમાં સરળ, સહજ, ૠજુ પ્રસન્નતા છલકાઈ ઊઠી.
એવું કાંઈ નથી ઈક્ષાબહેન! હું કોઈ દુર્લભ વ્યક્તિ નથી.
તમે જાણો છો? બાપુજી તમારે માટે ઊંચો અભિપ્રાય ધરાવે છે.

ખોતી વાત. તેઓ તો કદાચ મને ઓળખતા તે નહિ હોય. મને યાદ નથી કે આ પહેલાં હું ક્યારેય તેમને નિરાંતે મળ્યો હોઉં. એક-બે વાર અલપઝલપ ભેટો થયો છે એટલું જ. તેમના જેવા વ્યસ્ત માણસને અમસ્તા મળીને તેનો સમય વેડફવાનું મને ગમે પણ નહિ. જોકે અત્યારે હું તેમને મળવા આવ્યો છું. જો તેઓ મને દશેક મિનિટ આપી શકે તો...

બાપુજી બહુ સરળ માણસ છે તિલકભાઈ! તમે બેસો, હું તપાસ કરીશ. કદાચ નાહીને દેવસેવામાં બેઠા હશે. તમને મળશે જ. હું ફરજ પાડીશ.
જોજો, એવું કરતાં બહેન! એવું હશે તો હું ફરીથી આવીશ. તિલક કહેતો રહ્યો અને ઈક્ષા શુભ્ર ચાંદનીની જેમ સરી ગઈ. તિલકે આસપાઅસ નજર ઘૂમાવી. હવેલીમાં શ્રીમંતાઈની સાથે શાલીનતા પણ સ્પષ્ટપણે તરવરતી હતી, ઝળહળતાં ઝુમ્મરો, દીવાલો પર પૂર્વજોનાં મોટાં તૈલચિત્રો, સુંવાળો ગાલીચો, અદ્યતન રાચરચીલું, અમાંનું કશું નહિ; પણ વિશાળ ખંડની એક આખી પાંખ રોકીને ગોઠ્વાયેલાં પુસ્તકોની ખીચોખીચ ભરેલાં કબાટોએ તિલકનું સકળ ધ્યાન આકર્ષ્યું અને તે કબાટ પાસે જઈ તેનૅ પારદર્શક કાચ સાથે આંખોને લગભગ લગોલગ લગાડી પુસ્તકોનાં નામ વાંચવા લાગ્યો. તેને ખ્યાલ પણ ન રહ્યો કે ઈક્ષા તેની પાછળ આવીને ઊભી રહી ગઈ હતી. પછી તેણે સહેજ સંચાર અનુભવ્યો. કદાચ ઈક્ષાના શ્વાસોચ્છવાસનો. તેણે પાછળ ફરીને જોયું. ઈક્ષા. સહેજ ક્ષુબ્ધ બનીને તેણે કહ્યું: પુસ્તકો જોતો હતો.

હું જાણું છું, તમને પુસ્તકોમાં ખૂબ રસ છે.
તમારા ઘરની લાઈબ્રેરી ઘણી સમૃદ્ધ લાગે છે.
થોડાંક પુસ્તકો બાપુજીએ વસાવ્યાં હતાં, બાકીનાં મારા આગ્રહથી આવ્યાં છે.
તમારો પુસ્તક પ્રેમ મારા કરતાં યે વધારે લાગે છે ઈક્ષાબહેન!
એવું ન કહો તિલકભાઈ! મારે તો સગવડ છે એટલે પુસ્તકો આવતાં રહે છે ને વંચાય છે. તમે પુસ્તકો મેળવવા માટે જે શ્રમ કરો છો તે હું જાણું છું.
તમે- તમે? જાણો છો?
હા, ભાઈ, કૉલેજમાંની તમારી પ્રવૃતિઓથી હું અજાણ નથી. અને શહેરની લાઈબ્રેરીમાં પણ તમે સવાર-સાંજ...

હું એટલા માટે જ તમારા બાપુજીને મળવા અવ્યો છું. તિલકે ઘટસ્ફોટ કર્યો, ઉમેર્યું: ઈક્ષાબહેન, આપણા બંનેનો પુસ્તકપ્રેમ સક્રિય બને તો એ જર્જરિત ગ્રંઠાલયનો આપણે જરૂર જીણોદ્વાર કરી શકીએ. તમારા બાપુજીની તેમાં હૂંફ મળવી જોઈએ.

મળશે જ. આ તો પુણ્યકાર્ય છે. લ્યો, એ જ આવ્યા! કહી- ઈક્ષાએ ખંડના બારનાં તરફ સંકેત કર્યો. એક ઊંચો, ગૌર, પ્રૌઢ પુરુષ ખંડમાં પ્રવેશ્યો. ગોરધન શેઠે માત્ર ધોતિયું અને મલમલનું પહેરણ પહેર્યા હતાં. શ્રીમંતાઈનું કશું બાહ્યચિહ્ન તેમના શરીર પર ન દેખાયું. આગંળીએ વીંટી પણ નહિ, વય પચાસેકથી વધુ નહિ હોય.માથે આછા વાળ. ચમકદાર આંખો પર સોનેરી ફ્રેઈમનાં નાજુક ચશ્માં, હોઠો પર પારદર્શક સ્મિત. તિલક તરફ હાથ લંબાવીને તેમણે કહ્યું: કેમ છે ભાઈ તિલક, પંડિતજીની તબિયત સારી છે?

તિલકે પ્રણામ કરી કહ્યું: હા, ગોરધનકાકા! તેઓ ક્યારેક આપને યાદ કરે છે.
એ મારા જેવાનું ખુશનસીબ, બીજું શું? તેમના જેવા માણસને હું યાદ આવું... શેઠે કહ્યું, પછી ઉમેર્યું: તિલક, તું કદાચ જાણતો હોય – નાનપણમાં હું અને પંડિતજી સંસ્કૃત ભણવા સાથે પાઠશાળામાં જતાં હતાં. પછી તેમની આંખો ગઈ ને તે કાશી સુધી લઈ ગઈ. તેઓ મોટા વિદ્વાન બન્યા. હું દુનિયાદારીમાં અટવાયો. નિગશંકર જેવાથી તો આપણે કંઈકેય ઊજળા છીએ.

શેઠના શબ્દો તિલક અહોભાવથી સાંભળી રહ્યો.
તું કદાચ નહિ માને પણ તિલક, ક્યારેક થઈ આવે છેઃ આ બધી જંજાળ છોડી પંડિતજીની પાસે બેસી કાં તો હું ફરીથી સંસ્કૃત શીખવા માડું કે પછી તેમની પાસે જ્ઞાનવાર્તા સાંભળું.
કાકા, દુનિયાદારીના અનેક વ્યવહારોની વચ્ચેય આપના મનમાં આ ભાવના ટકી છે એ જ મોટી વાત છે. તિલકે કહ્યું અને તેણે ઈક્ષા તરફ જોયું. ઈક્ષાની પુસ્તકપ્રીતી અને અભ્યાસની લગનીનું મૂળ હવે તે કંઈક જોઈ શકતો હતો. અને તેનું આભિજાત્ય.

કહે ભાઈ, કેમ આવવાનું થયું? હું જાણું છું – ઈક્ષા ઘણી વાર તારી વાત કરે છે – તેં તારા બાપુજીનો વારસો-
એ તો મારી પહોંચ બહારની વાત છે કાકા, પણ રસકેળવવા મથું છું. તિલકે તરત કહ્યું:આજે તો આપને એક વિનંતી કરવા આવ્યો છું.
મને ખાતરી છે કે તારા પોતાને વિશે નહિ જ હોય. નિગમશંકરે પણ ક્યારેય પોતાની કશી વાત કરી નથી.

ના, કાકા, એક રીતે કહું તો આ મારી જ વાત છે- આપણાં બધાંની. મારા મનમાં લાઈબ્રેરીનો મુદ્દો છે. એ બહુ જ માઠી દશામાં છે. વેરવિખેર થઈ રહી છે. આમ જ ચાલશે તો થોડાંક વરસો પછી ત્યાં માત્ર ખંડેર જેવું મકાન હશે. પુસ્તકો નહીં હોય,પુસ્તકાલયનો આત્મા જ મરી પરવાર્યો હશે. તિલક ભાવાવેશથી બોલ્યો, આપ તેના ટ્રસ્ટીમંડળના વડા છો. આપ આ લાઈબ્રેરીમાં થોડાક પણ રસ લ્યો- તેને મરતી અટકાવો –મારી ગરજે, ઈક્ષા બહેન જેવાં વ્યાસંગીની ગરજે.

ખંડમાં અણચિંતવી નિઃસ્તબ્ધતા પથારાઈ ગઈ. ગોરધન શેઠ નીચું જોઈ રહ્યા હતાં. ખાસ્સી વારે તેમણે માથું ધીમે ધીમે ઊંચું કર્યું. પછી તેમનો ક્ષમાયાચક હોય તેવો સ્વર સંભળાયોઃ

તિલક, ઈક્ષા, આ માટે મુખ્ય ગુનેગાર હું છું. મેં વેપાર ધંધાની લ્હાયમાં પુસ્તકોની આ પરબની ખેવના જ ન રાખી. આ મારું પાતક છે. સારું થયું, તેં મારું ધ્યાન ખેંચ્યું - મને ઢંઢોળ્યો. પછી ઊંડા શ્વાસ લઈ થોડીવારે ઉમેર્યુંઃ પાંચ વરસમાં એ લાઈબ્રેરીને હું - આપણે એક તીર્થધામ બનાવીશું. મારો આ કૉલ છે, બસ?

તિલકથી હાથ જોડાઈ ગયા.
શેઠના શબ્દો ફરીથી વહી આવ્યાઃ
પણ આ કામ મારું એકલાનું નથી. એ કામ મુખ્યત્વે તારું છે તિલક! અને તારું પણ ઈક્ષા!
જી, હા.
તમે બંને મને વચન આપો-ભણી લીધા પછી પણ તમે રોજ થોડો થોડો સમય લાઈબ્રેરીને આપશો. કહૂ ગોરધન શેઠે હાથ લંબાવ્યો. તિલક તેમની ઊજળી હથેળીને જોઈ રહ્યો.
આપનો કયા શબ્દોમાં આભાર માનું? તિલકે કહ્યું.
તમે બાપુજીને ઢંઢોળ્યા તિલકભાઈ, આભાર તમારો માનવો જોઈએ. ઈક્ષા બોલી.
મને શરમિંદો ન બનાવો. તિલકે કહ્યું, હું આપની રજા લઉં? તે ઊઠવા ગયો. તેનો હાથ પકડીને તેને બેસાડતાં ગોરધન શેઠ બોલ્યાંઃ
તું બી.એ. ના છેલ્લા વરસમાં છે ને ભાઈ?
હા.
પરિક્ષા પછી તાઅરે લાઈબ્રેરીમાં જોડાવાનું છે.
પણ ત્યાં તો જીવણકાકા છે ને?

ભલે રહ્યા. તેમનો મુખ્ય મદદનીશ તું હશે. શેઠે જાણેકે આદેશાત્મક સ્વરે કહ્યું. ઈક્ષા વચ્ચે જ બોલી પડીઃ બાપુજી, તમે તિલકભાઈને આ રીતે અત્યારથી બાંધી ન લ્યો. તેમની સામે હજી તો તેમનું આખું ભવિષ્ય પડ્યું છે. બી.એ. થઈ ને શું તેઓ સંતોષ માનવાના છે? એમ.એ. નહિ કરે? પી.એચ.ડી. નહિ થાય? ઈક્ષાના ચહેરા પર આવેશની રતાશ તરી આવી. તિલકે તેના તરફ સહેજ જોઈ લીધું.

તે ભલે ને થાય! હું ક્યાં ના પાડું છું? શેઠે ઉત્તર વાળ્યોઃ હું તો લાઈબ્રેરી માટેની તેની સેવા માગું છું.
તિલક કંઈક બોલવા ગયો પણ તેને અટકાવીને ઈક્ષાએ કહ્યુંઃ ના બાપુજી, તિલકભાઈ લાઈબ્રેરીને સેવા જરૂર આપે પણ તેમની કારકિર્દી-
એટલે તું કહેવા શું માગે છે? ગોરધન શેઠે હસીને પૂછ્યું, પછી તિલક તરફ ફરીને કહ્યુંઃ જોયું તિલક, તારી કારકિર્દીની ચિંતા તારા કરતાં ઈક્ષાને વધારે છે!
તિલક નીચું જોઈ ગયો. ઈક્ષાએ કહ્યુંઃ

તેમના જેવા તેજસ્વી માણસ તો અધ્યાપક થાયા, સંશોધક બને-કાંઈ તમારી ભૂખડીબારસ જેવી લાઈબ્રેરીમાં ન પડી રહે! ઈક્ષાએ ફરીથી જુસ્સાભેર કહ્યું.

હવે ગોરધન શેઠ ચૂપ થઈ ગયા. તેમેણે માત્ર એક વાર તિલક તરફ જોઈ લીધું. તિલક જાણે ક્યાંક ખોવાઈ ગયો હતો. ક્યાંય સુધી તેની દ્રષ્ટિજમીન સરસી ખોડાઈ રહી. પછી તેણે ધીમે ધીમે ઊંચું જોયું. એક નજર ગોરધન શેઠ પર નાખી, પછી ઈક્ષા તરફ. તેને લાગ્યું કે ઈક્ષાના ચહેરા પરની, આખા અસ્તિત્વ પરની આભા વધી ગઈ હતી. આ યુવતી, જેની સાથેનો તેનો પરિચય નવોસવો હતો, એટલો ગાઢ પણ ન હતો, તે તેને વિશે આટલી બધી ઉત્કટ ખેવના- તિલકને લાગ્યું: તેના અંતસ્તલમાં કશુંક સ્વચ્છ, બિલોરી ઝરણું ફૂટી રહ્યું હતું. જે કદાચ તેની નિર્બળ આંખોને પખાળી જશે. તેણે માંડ સ્વસ્થતા જાળવી. પછી ગળું સહેજ ખંખેરીને કહ્યુંઃ

ગોરધનકાકા, ઈક્ષાબહેન, આપે મારા પ્રત્યે જે મમત્વ દાખવ્યું છે તેને હું કયાઅ શબ્દોમાં...? વાક્ય તેનાથી અધૂરું છૂટી ગયું. વળી થોડીક મથામણ પછી તેણે ઉમેર્યુંઃ

કેટલીક બાબતોમાં હું બહુ નસીબદાર નથી. જેમ કે જન્મથી જ મને ખૂબ નબળી આંખો મળી છે. મારી આવતી કાલ અંધારી ઘોર પણ હોઈ શકે. બાળપણથી જ મને ન ભણવાની ચેતવણી મળી હતી, છતાં પડતો-આખડતો, અથડાતો-કુટાતો હું અહીં સુધી પહોંચ્યો છું. અહીં જ અટકવાની મારી તૈયારી નથી. ઈક્ષાબહેને સાચું કહ્યું- હું શા માટે એમ.એ. અને પી.એચ.ડી. નહિ થાઉં? મુશ્કેલીઓ ઓછી નથી, વધશે, પણ હું હારી ખાવાનો નથી. ઝૂઝીશ. ટકીશ- આપના આશીર્વાદથી...

સહેજ થંભીને તિલકે કહ્યુંઃ
પણ આજે હું આપને બંનેને વચન આપુ છું- હું ડૉક્ટરેટ મેળવીશ તો યે કામ તો શહેરની આ લાઈબ્રેરીમાં જ કરીશ; બીજી કોઈ નોકરી નહિ સ્વીકારું.
અરે, તિલકભાઈ, તમે - તમે આ શું? -ઈક્ષા ઉદગારી ઊઠી.

ભાઈતિલક, તારે આવો આકરિ નિર્ણય કરવાની જરૂર નથી. લાઈબ્રેરીનું કામ તો થયા કરશે. તું શા માટે તારી કારકિર્દીને હોડમાં મૂકે...શેઠે વિનવણીના સ્વરે કહ્યું.
તિલકભાઈ તમે વધારે પડતા લાગણીશીલ બની ગયા છો. પાછી ખેંચી લો તમારી આખી યે વાત... પ્લીઝ... ઈક્ષાના સ્વરમાં ભીનાશ તરી આવી.

કાકા, ઈક્ષાબહેન, કદાચ તમે નહિ જાણતાં હો... નદીમાં જે છેલ્લું પૂર આવ્યું તેમાં મારા બાપુજીનો દર્લભ ગ્રંથભંડાર નાશ પામ્યો... એમનું તો સર્વસ્વ લૂંટાઈ ગયું... હવે જે એમના કંઠ અને હ્રદયમાં છે તેટલું જ... હું તો હજી તેમની પાસે એકડો ઘૂંટું છું. બાપુજીનો હવે ઝાઝો ભરોસો નહિ. અદંરથી તેઓ ભાંગી પડ્યા છે - જો કે બહારની સ્વસ્થતા ટકાવી રાખી છે; પણ તેમની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે- મરણતોલ ઘાને જીરવી જવા માટેનું. હું તે જોઈ શકું છું.

ભાગીરથીબહેને તે વિશે મને થોડીક વાત કરી હતી ખરી. ગોરધન શેઠે કહ્યું.
આપણી સાવ અડોઅડ વ્યક્તિગત મહાભારત જેવી એક ઘટના બની ગઈ અને આપણે સાવ અંધારામાં જ...ઈક્ષા સ્વગતવત બોલી.

જે થયું તે હવે મિથ્યા થવાનું નથી. જે અમૂલ્ય પુસ્તકો અને પોથીઓ પાણીમાં ગયાં તે ગયાં... તુકારામે જાતે પોતાના અભંગો નદીમાં પધરાવી દીધા હતા... તિલક બોલ્યે ગયો, હું બહુ જ નિર્બળ માણસ છું, પણ જ્યારથી મેં સગી આંખે પુસ્તકોનો પ્રલય જોયો- બાપુજી તો તે જોઈ ન શકવા જેટલા એક રીતે ભાગ્યશાળી- ત્યારથી હું ચૂંથાતો રહ્યો છું, વલોવાઈ ગયો છું...

દીકરા તિલક... ! ગોરધન શેઠના શબ્દોમાં વાત્સલ્યનું અમી વરસ્યું.

ત્યારથી અભાનપણે આ ખંડેર જેવી લાઈબ્રેરી સાથે મારે મમત્વ બંધાતું ગયું છે... તેના સંપર્કમાં હું વર્ષોથી છું પણ તેની સાથેનો લગાવ તાજો જ છે... કદાચ હું તેમાં મારા બાપુજીના ગ્રંથભંડારની છબી જોઈ રહ્યો છું... બાપુજીનાં પુસ્તકોનો તો નદીનાં પૂરે નાશ કર્યો... તેને રોકવાનું અમારું કે કોઈનું ગજું નહોતું... પણ લાઈબ્રેરીનાં આ પુસ્તકો-આપણી બેદરકારી અને ઉપેક્ષાનું પૂર તેને પણ ઘસડી જાય તે પહેલાં આઅપણે- મારે કશુંક કરવું... તિલકને ગળે ડૂમો ભરાઈ આવ્યુ. તેમાંથી મુક્ત થઈને તેણે કહ્યુંઃ

જિંદગીમાં હું આ લાઈબ્રેરી માટે થોડુંક પણ કરી શકું તો મારી - મારા કુળની પેલી પારાવાર હાનિના વસમાં ઘાને કદાચ હું સહેજ સહ્ય બનાવી શકીશ...
ધીમે ધીમે તિલકના શબ્દો સમેટાતા ગયા. ખંડમાં ભાવાનુબંધનનું એક અદ્રષ્ટ મેઘધનુષ્ય રચાઈ ગયું. ઈક્ષા ઊભી થઈ ને તિલક પાસે આવી અને હેતથી તેને ખભે હાથ મૂકી તેણે એક જ શબ્દ ઉચ્ચાર્યોઃ
ભાઈ!

તેના એ ઉદગારમાં તેના હ્રદયભાવનું સકળ ઐશ્વર્ય ઊતરી આવ્યું.
ગોરધન શેઠે ઊભા થતાં કહ્યુંઃ તારી વાત અદભુત છે તિલક, છતાં તું ફરીથી નિરાંતે વિચાર કરજે. ઉતાવળે નિર્ણય કરવાની જરૂર નથી. પછી ઈક્ષાને તેમણે સૂચવ્યું; તિલક માટે દૂધની વ્યવસ્થા... તેઓ ધીમે ધીમે તિલકની પાસે આવ્યા અને તેને ખભે હાથ મૂકીને બોલ્યાઃ તિલક, તું મારા ગુરુભાઈનો દીકરો છે. મને તારે પડખે રહેલો માનજે. તેઓ ખંડમાંથી ચાલ્યા ગયા.

ભાઈ, તમે આ શું કર્યું? ઈક્ષાએ પૂછ્યું અને તે સોફા પર તિલકની પાસે આવીને બેસી ગઈ. તિલકે તેની સામે જોયા વગર ક્ષીણ સ્વરે કહ્યુંઃ
મારે માટે એ અનિવાર્ય હતું બહેન! આવો કશોક નિર્ણય કર્યા વગર હું જીવી ન શક્યો હોત એમ તો નહિ કહું, પણ એ જીવ્યું સાર્થક ન હોત.
પણ તમે કેટલું બધું છોડી રહ્યા છો તેનો તમને ખ્યાલ છે?
અને ઘણું મેળવી પણ રહ્યો છું- કાકાની છાયા, તમરું હેત...
એ તો આમ પણ મળ્યાં હોત.
ના બહેન, મોટું વરદાન મેળવવા માટે પહેલાં પાત્રતા કેળવવી પડે છે. પાત્રતા તપ અને ત્યાગ વગર આવતી નથી.

જ્ઞાન અને વિદ્યા આપણાં સાચાં મા-બાપ.
હા, આપણો એમની સાથેનો નાળસંબંધ.
એ નાળસંબંધ જ આપણો પણ સંબંધ.
સંબંધનું એ ઉત્કૃષ્ટ, પ્રાંજલ રૂપ.

તિલક અને ઈક્ષાએ એક જ ક્ષણે પરસ્પરની સામે જોયું અને પછી તેઓની નજરો ઢળી ગઈ. એ એક ક્ષણમાં તિલકે પ્રબળપણે અનુભવ્યું - તેની આંખોની બધી નબળાઈ, નિસ્તેજતા નિચોવાઈ ગઈ હતી. ચશ્માંના નંબરો ઊતરી ગયા હતા અને સકળ દ્રસ્યાત્મક્તા તેજ તેજથી લીંપાઈ ગઈ હતી.

થોડી વારે ઈક્ષાએ કહ્યુંઃ
તિલકભાઈ, તમારા જેટલો ત્યાગ કરવાની તો મારી હામ નથી.
એને ત્યાગ ન કહો. એ મારીગરજ છે.

એક વાત હું કહીશ- હું જ્યાં પણ હોઈશ, જે સ્થાને કે પદે હોઈશ, જેવી હોઈશ, ભાવથી તમારી આંખોમાં, તમારા હ્રદયમાં, તમે જે પુસ્તકો વાંચશો તેના અક્ષરોમાં હું હોઈશ. મને સાદ કરજો; દુનિયાના ગમે તે છેડેથી તમારી પાસે આવવા હું મથીશ. જરૂર પડ્યે હું તમારી આંખો બનીશ. હું તમને પુસ્તકો વાંચી સંભળાવીશ. તમે મને દ્રશ્ય જગતની પારના જગતની કંઈક ઝાંખી કરાવજો, આપણી વચ્ચેના સંબંધનું એ જ સત્ય.

ઈક્ષાબહેન, આવતી રથયાત્રાએ જગન્નાથજીના મંદિરમાં કદાચ એ કૌતુક થશે- કૃષ્ણની આંખો પરના પાટા બહેન સુભદ્રા પોતાને હાથે છોડી નાખશે. તિલકે બારીમાંથી દેખાતા આકાશ ભણી તાકી રહેતાં કહ્યું અને ઈક્ષા ઉજાસના સમુદ્રમાં ઝબકોળાઈ ગઈ.
*
(ક્રમશ :...)


0 comments


Leave comment