13 - વૈશાખ / ધીરુ પરીખ


આજ વૈશાખ શો ઠીબમાં ઝૂલતો !
ને પણે નેવે હાંફતી ચાંચમાં ખૂલતો.
ગંધ-કુપ્પી સમી સાખમાં ફોરતો
ઘોરતો ઓરડે કો’ક એદી તણી આંખમાં.
સૂસવતી લૂ મહીં દોડતો, ને વળી
ખોડતો જાતને શ્વાનના ખોળિયે બોડમાં.
બંધ પાંખો કરી બેસતો પર્ણના ઝુંડમાં
તો ખડો થૈ જતો ડમરીલા થંભમાં.

જૈ ઊંડે વાવ ને કૂપમાં કુંડમાં
કાય કૈં ઠારતો.
આજ વૈશાખ આ
થાક ઉતારતો છાંયડે પરબની પ્યાસમાં.

ડારતો નભતપ્યા ચંડ લોચન થકી
મૂળમાં ટૂંટિયે ફફડતી છાંયને
મોકળે મન જરી અંગ લંબાવતાં.

ખોરડા બ્હાર ભાગી ગયાં
નાગડાં–પૂગડાં બાળને બરકતો
રતુમડું મરકતો ગુલમહોરે છક્યા છાકમાં.

અરવ ને અલસ બપ્પોરમાં
મેં દીઠો આજ વૈશાખ કો રાજવી
જેમ જીતી બધું
હોય ઊભો પ્રતાપે બડા લાંકમાં !


0 comments


Leave comment