14 - ઘડીક / ધીરુ પરીખ


આજે જીવને એમ થતું કે
લાવ ઘડીક તો ઊડી લઉં'..

ફડફડ કરતો અનંત આંબું
ચંદર તો શું સૂરજનું પણ
અંતર ના કૈં લાંબુ;
તગતગતાં હું તેજ ગ્રહી લઉં કરમાં :
અંધારાંનાં ટોળાં ના’વે
સાથે કદીય સફરમાં !
અધવચ ત્યાં તો એમ થતું કે
લાવ ઘડીક તો ડૂબકી દઉં....

સરસર કરતો સાગર-તલમાં સરકું
તિમિર-પ્હાડો ખૂંદી ખૂંદી ભીતરમાં કૈં ગરકું :
ઝગમગતાં રત્નો લઉં મારી સાથે,
તરતો આવું ક્ષારસપાટી માથે !

માથે આમતેમ જ્યાં નજર કરું
ત્યાં મોતી વેરાઈ જાતાં :
રતન આબમાં બૂડે
તેજ આભમાં ઊડે-

ઘડીકમાં તે ધસી આવતાં એ જ :
ઉપર-તળેથી કાળાં ટોળાં, કાળા પ્હાડો !


0 comments


Leave comment