15 - હવા થઈને / ધીરુ પરીખ


ચલો ચલોને આજ
હવે તો હવા થઈને ફરીએ –

રાત આખીનાં જંપ્યાં જળને
જરી જગાડી
થનગન થનગન નર્ત’તાં તો કરીએ.

ફૂલ ફૂલમાં બાંધી ફરમ
ત્યાંથી મુક્ત કરીને એને
ઉપવન આખું ભરીએ.

હરચક ભરચક લૂમઝૂમ
ખેતરમાં સાગર
લીલાશને ઉછાળી
ઉપર હળુહળુ કંઈ તરીએ.

ઘટા આખીના મૂંગામંતર
પાનપાનના કાનકાનમાં
એવું તે કૈં કહીએ....
ખડખડ હસતાં કરીને પાછાં
દૂર દૂર શું સરીએ.

નીડનીડમાં ધરબેલાં ગીતો ફણગાવી
નીરવતાનું ખાવા ધાતુ
આજ વિરૂપ વેરાન જ હરીએ.

અરુપરુ કો સ્થિર વાદળી
વ્યોમ મહીં વિસામણ-ડૂબી
એને વિધવિધ, ચલો હવે,
આકાર ધરીએ.

ચલો ચલો ને આજ
હવે યો હવા થઈને ફરીએ !


0 comments


Leave comment