16 - સૂરજનું સ્વપ્ન / ધીરુ પરીખ


અંધારાને આજ અનેરું
સપન સૂરજનું આવ્યું,
નેવેનેવે કૂચ કરતું કૈં
કટક તેજનું લાગ્યું.

સૂનમૂન શું તેજ લપાયું
નીડ ઓઢીને આખો;
તેમાં અવ તો ફૂટી રહ્યા
કલરવ સૂરજના લાખો.

કળીકળીની સેજે પોઢ્યું
તેજ બીડીને પાંખો,
દલદલ ખોલી
ઝાકળમાં ઝળકી સૂરજિયા આંખો.

કૂવાના તળિયામાં જઈને
જાત છુપાવી બેઠો ઠરીને એ જ
ફરીથી સૂરજ ઘડૂલે છલક્યો,
વહેતાં નિર્ઝરનાં વારિમાં
કરી ડોકિયુ તેજ વેરતો
મરક મરક શો મલક્યો !

ત્યહીં અચાનક ઘુવડ કેરી ઘૂક....
અને અંધારાનો જીવ જાગ્યો;
સૂરજ તૂટી ખંડ ખંડ....જૈ
દૂર વ્યોમમાં
ઉડુઉડુ થૈ ભાગ્યો !


0 comments


Leave comment