17 - ઠૂંઠું / ધીરુ પરીખ


સમી સાંજની વેળા થઈ
કંઈ સિંદૂરિયા ભાગોળ !

ભાગોળે એક ઠુંઠા પરથી
કલરવની ટોળી જ્યાં
ઊડતી જાય,
અહો, ત્યાં....
ઠૂંઠાની ચે રુક્ષ
ડાળ પર વૃક્ષ
લ્હેરતું થાય.

વૃક્ષમાં ડાળેડાળે
માળેમાળા ભરી
કૂણેરો કલરવ કૈં રેલાય.

પ્રભાતના તડકાની છાલક
તિમિર-મેલાં ધોઈ ધોઈ
પાન ચળકતાં કરતી,
બપ્પોરી વેળાની લૂમાં
મૂક બની ગઈ ઘંટડીઓના
ધણની ઉપર
લીલી ચામર ફરતી.

નમતે પ્હોરે
તોફાની ટોળીના શોરે
ઘટા વૃક્ષની ખડખડ હસતી,
ધીમે ધીમે ગોધૂલિનો ગુલાલ વેરી
સમી સાંજની વેળા
આછું શ્યામલ પટકૂળ પ્હેરી
પાંખો બંધ કરીને પાછી
ડાળડાળ પર વસતી....

અતીતની લૂમઝમ અને ઘેઘૂર ઘટામાં
સાંપ્રતના ઠૂંઠાની ક્ષણો ઊપસતી !


0 comments


Leave comment