18 - પથ્થર-પંખી / ધીરુ પરીખ


આજ હવે આ પંખીને
થાતું કે ઊડવું છાંડું;
આજ હવે આ પથ્થરને
થાતું કે ઊડવા માંડું !

કલરવનું એ રોજ,
પ્રસારી પાંખો
ઊડી ઊડીને થાક્યું',
( આખર
કરતું શાની ખોજ?)
પંખી અવ તો
બીડી પાંખો
આવી બેઠું
પથ્થરના પંખીની પીઠે.

મૂગુંમંતર
સંકેલીને પાંખ પડ્યું છે
અહી સદંતર
પથ્થર થઈને પંખી.
ખોલી પાંખો હાલ્યું;
કંઠ મહીં મૂંઝાતું ગાણું
મન મૂકીને મ્હાલ્યું;
નાની બે પાંખોથી આખું
અનંત એણે ડહોળ્યું;
વર્ષોથી થીજેલું ચેતન
ક્ષણાર્ધમાં તો
આજ ફરીથી કોળ્યું....

પીઠ ઉપરના પંખીએ ત્યાં
ફરી પ્રસારી પાંખો,
ગગન ભોમથી ઝંખી રે’તી
વર્ષોથી વણબીડેલી બે
પથ્થરના પંખીની આંખે.


0 comments


Leave comment