19 - શિશુ અને દાદા / ધીરુ પરીખ


દાદાજીને શિરે
ફગફગે ધોળા વાળ;
ખોળે ચઢી હસે શિશુ –
દાદાજીનાં નેણે જાણે
ચગ્યો ભૂતકાળ !

જનમવેળાના પ્હેલા
રુદન-સિંચન થકી
માચીમાંથી ફૂટી હશે
કેવી આશ-ડાળ !

પા પા પગી પાડી પ્હેલી
આયુ-પરસાળ,
ઊડ્યું હશે ઘર આખું
કેવું અંતરાળ !

ગર્યા હશે શબદનાં
અધખૂલ્યાં ફૂલ,
કર્યા હશે ઘરે એનાં
કેવાં કેવાં મૂલ !

ઘોડિયાના કિચૂડાટે
પોઢ્યું હશે બાળ,
કર ગ્રહી દોરી કરે
સપનની ભાળ !

ધોળા ખેંચે ભોળું ત્યારે
આંખ મહીં ફરી વળ્યાં
પાણીના બિલોરી કાચે
સ્મૃતિ નથી એવા
શિશુ-સ્વરૂપને દાદા કેવું
માણે તત્કાળ !


0 comments


Leave comment