2.2.1 - જયદેવ શુક્લની કવિતાના વિષયો અને સંવેદના / જયદેવ શુક્લની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   આધુનિક યુગમાં સુરેશ જોષી, ગુલામ મોહંમદ શેખ, લાભશંકર ઠાકર જેવા કવિઓએ અછાંદસ કવિતાને એક નવી ઊંચાઈ બક્ષી. સુરેશ જોષીના અછાંદસ કાવ્યોમાં જીવનની વંધ્યતા, ઈચ્છાઓ, નિરાશાઓ કાવ્યરૂપ બનીને આવ્યાં, તો ગુલામ મોહંમદ શેખના કાવ્યોમાં સ્થલ વિષયક સંવેદનો બળકટ રૂપે આલેખાયાં. જેમાં એક ચિત્રકારનું દ્રશ્ય અને રંગ સંયોજનની સમજે પણ અભિવ્યક્તિની નવી તરેહ નીપજાવી. એ આપણે ‘જેસલમેર’ જેવાં કાવ્યોમાં જોઇ શકીએ છીએ. આ પુરોગામી કવિઓથી અછાંદસમાં નવું કંઈ કરવું એ દરેક કવિ માટે પડકાર હતો. એ વખતની જયદેવની સંવેદના એમના જ શબ્દોમાં જોઇએ :
“આધુનિકતાવાદના પ્રભાવથી ફાટફાટ થતા એ દિવસોમાં એક નવોસવો કવિ ક્યે ખૂણેથી, કઈ દિશાએથીં, કેવી રીતે સાહિત્ય જગતમાં પ્રવેશે? આ મૂંઝવણ નાનીસૂની નહોતી, આરંભનાં વર્ષોમાં દોસ્ત, સંકલ્પ કરેલો કે આધુનિકોએ પ્રયોજેલી કાવ્ય પ્રયુક્તિઓને પદાવલિના પડઘા નથી પાડવા. જેવું સૂઝે તેવું પોતાનું જ લખવું છે. બીજા કશાને નહીં, માત્ર કૃતિને જ બોલવા દેવી”(‘શબ્દસૃષ્ટિ,’ દિપોત્સવી વિશેષાંક ઓક્ટોબર-નવેમ્બર:૨૦૧૧ પૃ. ૩૮)
   આવી અભિજ્ઞતાપૂર્વક કાવ્યસર્જન માટે પ્રવૃત્ત થયેલ કવિ પાસેથી વિષય અને સંવેદનના અવનવાં રૂપો એમની કવિતામાં મળે છે. ‘પ્રાથમ્ય’ સંગ્રહનું પ્રથમ કાવ્ય ‘ભેજલ અન્ધકાર’માં વિષયની રીતે એક નોંધપાત્ર રચના છે.
“ગભારામાં હીજરાતા
તાંબાના નાગને
કચડતો
ફૂલોની ગન્ધવાળો
ભેજલ અન્ધકાર.
નાગને માથે
ખીલેલું
જાસૂદનું કુલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત.
મન્દ્ર ગાન્ધારમાં
કડકડાટ મહિમ્ન બોલતો
વરસાદ
નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.
ભેજલ અન્ધકારમાં
આગિયા રેલાય છે...”
(‘પ્રાથમ્ય’, પૃ.૧ પ્ર.આ. ૧૯૮૮)
   આ કાવ્યમાં શિવાલયના ગર્ભગૃહના સંદર્ભો દ્વારા કવિએ રતિ સંવેદનને કાવ્યરૂપ આપ્યું છે. આ માટે હીજરાતા તાંબાના નાગ, ફૂલોની ગન્ધવાળો ભેજલ અન્ધકાર જાસૂદનું ફૂલ જેવા પ્રતીકો યોજી રતિરાગનું ઉદ્દીપન અને પરિતૃપ્તિને સંવેદન રૂપ આપ્યું છે. આ સંચયની મોટા ભાગની રચનાઓમાં રતિ, પ્રકૃતિ, લલિતકલાઓ, સ્વખોજ વિષય બનીને આવે છે, ...પ્રકૃતિ માટેનું આકર્ષક, તીવ્ર રતિઝંખના, લલિતકળાઓના સંદર્ભો અને અંગત અનૂભૂતિજન્ય સ્વ-ઈતિહાસ જેવા મુખ્ય ચાર કેન્દ્રોની આસપાસ રચાતી પ્રાથમ્યની કવિતા તેમાંની તીવ્ર સંવેદનશીલતા અને ઇન્દ્રિય સંતર્પકતાને લીધે વધુ પ્રભાવક બની છે.(‘શબ્દસૃષ્ટિ,’ રાજેશ પંડયા જુલાઈ ૨૦૧૨ પૃ. ૬૨)

   રતિના બીજા એક સંદર્ભને લગતું કાવ્ય ‘પરોઢ’ પણ નોંધપાત્ર છે.
“સન્તુરમાંથી ફોરતા
પીલુના કેસરિયા સ્વર જેવો શ્રાવણ
તારા દેહમાં રોપાયો.
ચીતરાયો
પીડમાં રેલાતું
લોહી
કાનના ગુલાબો પર વરસ્યું.
મસૃણ ટેકરીઓ
નાચી ઊઠી
દ્રુત-ત્રિતાલમાં.
રાનેરી ક્ષિતિજની તિરાડમાંથી
ભૈરવી-મઢ્યું પરોઢ
પાંખો ફફડાવતું
ઊડયું !”
(‘પ્રાથમ્ય’, પૂ.ર પ્ર.)
   સંગીત અને પ્રકૃતિનાં પ્રતીકો-કલ્પનો દ્વારા રતિક્રિડાનું સમાંતર આલેખન આ કાવ્યનો વિશેષ છે. કાવ્યમાં સંદર્ભ પરોઢનો છે પણ મૂળે તો રાત્રે જે રતિક્રિડાનો આનંદ મળ્યો છે એને કવિએ સંગોપિત રાખ્યો છે. શરીરમાં રેલાતું લોહી, કાનના ગુલાબો પર વરસવું, મસૃણ ટેકરીઓનું નાચી ઊઠવું જેવા પ્રતીકોમાં કાવ્યનાયકની રતિક્રિડા સમયની ચેષ્ટાઓનું આલેખન છે.

   જયદેવ શુક્લની કવિતામાં આવતા રતિ વર્ણનો, કલ્પનો અને પ્રતીકોથી મઢાયેલા હોવાથી ક્યાંય રૂચિભંગ થતો નથી. અને એ કાવ્યાનંદ આપે છે. આ વિષય અને સંવેદનમાં ‘પીસોટો’ ‘ઝરણું’ ‘ધનુષ પરથી સનનન...એક, બે’ જેવી રચનાઓને પણ મૂકી શકીએ. રાગ અને તાલની જુગલબંધીને રજૂ કરતું કાવ્ય ‘જલસો’ પણ ધ્યાનપાત્ર છે.
મારા મસ્તિષ્કમાં
સન્તુર વસે છે
હું સન્તુરને નમું છું.
મારા શ્વાસમાં
તાનપુરો વસે છે
હું તાનપુરાને નમું છું.
મારા હૃદયમાં
મૃદંગ વસે છે
હું મૃદંગને નમું છું.
મારી નાભિમાં
ષડ્જ વસે છે
હું ષડ્જને નમું છું.
મારાં ચરણોમાં
થાપ વસે છે
હું થાપને નમું છું.
મારા હાથમાં
બે તુંબડાવાળી સિતાર વસે છે
હું સિતારને નમું છું
ચૂમું છુ
અંગાંગ એક સાથે બજી ઊઠે છે!
(‘પ્રાથમ્ય’, પૃ.૫૧)
   સાદા વિધાનો જેવા લાગતા આ કાવ્યમાં મસ્તિષ્ક સાથે સન્તુર, શ્વાસ સાથે તાનપુર, હૃદય સાથે મૃદંગ, નાભી સાથે ષડ્જ, ચરણો સાથે થાપ જેવા સંદર્ભો જોડાતાં માત્ર વિધાનો ન રહેતાં કાવ્યાત્મકતા ધારણ કરે છે. વળી કાવ્યને અંતે બે તુંબડાવાળી સિતારના પ્રયોગ દ્વારા કાવ્યમાં રતિનો સંદર્ભ પ્રવશે છે ને અંતે ‘ચૂમું છું અંગાંગ એક સાથે બજી ઊઠે છે.’માં એ રતિ સંદર્ભ વધારે પૃષ્ઠ બને છે અને રતિનો રોમાંચ ઇન્દ્રિયગ્રાહ્ય થતા ધારણ કરે છે. આ કાવ્ય સંદર્ભે રાજેશ પંડ્યાનું વિધાન નોંધવા જેવું છે.

   આ કાવ્યમાં શરીર અને સંગીતના સંસ્કારો ઓતપ્રોત-એકરૂપ બની ગયા છે. આ માટે કવિએ કરેલી કાવ્યયોજના પણ રસપ્રદ છે કાવ્યમાં શરીરનાં છ અંગોને લગતાં છ એકમો છે. યજુર્વેદ રુદ્રાષ્ટાધ્યાયીના પાઠના આરંભ પૂર્વે ॐ मनोजुतिरिति मंत्रस्य बृहस्पतिःबेदती छंदः बेहस्पतिदेवता हृदयन्यासे बिनियोग એમ એક પછી એક છ અંગોનો ષડIIન્યાસ કરવાની પ્રણાલિકા છે. એને કાવ્યની સંરચના માટે ખપમાં લઇ જયદેવ શુક્લ આધુનિક ગુજરાતી અછાંદસ કવિતામાં એક નવું ‘ષડંગન્યાસ’ રચે છે.” (‘શબ્દસૃષ્ટિ,’ જુલાઇ:૨૦૧૨ પૃ. ૬૩)
 
   રતિરાગ ઉપરાંત ‘એક લાલ સોનેરી પર્ણ’ કાવ્યમાં કવિએ ફ્રેન્ચ ફિલ્મ સર્જક જ્યાં લૂક ગોદારની 'Week End‘A’I 'Breathless' ફિલ્મો જોઈને અનુભવેલું સંવેદન રજૂ કર્યું છે. કાવ્યની વચ્ચે વચ્ચે આવતા Fade in, Close up, Cut dissolve જેવા ફિલ્મ ટેકનિક સાથે જોડાયેલા સંદર્ભો કાવ્યને નવું પરિમાણ આપે છે. ફિલ્મ એપ્રીસીએસનના કાર્યને કારણે કવિમાં ફિલ્મના માધ્યમનો અનુભવ પણ અહીં એક પ્રયુક્તિ લેખે કામે લાગ્યો છે. પણ વિષય અને સંવેદનામાં દેખાતી આધુનિકતાનો દાબ હજી કવિ પર વર્તાય છે.

   ફાઇન આર્ટસ ફેકલ્ટી (વડોદરા)માં, ગુલામ મોહંમદ શેખે કરેલું એક ચિત્ર. જેવાં કાવ્યોમાં ઇન્દ્રિયગ્રાહ્ય કલ્પનોનો ભરપૂર ઉપયોગ થયો છે. તો પૌરાણિક સંદર્ભોને પણ કવિએ કાવ્યમાં પ્રયોજ્યા છે.

  ‘પ્રાથમ્ય’ સંગ્રહની અંતિમ રચના ‘વ્રેહસૂત્ર’ વિશેષ ધ્યાનપાત્ર છે. સ્વની શોધ, પરંપરાગત બ્રાહ્મણ સંસ્કાર, નારીકામના અને રતિના સંદર્ભો, પ્રકૃતિનાં રૂપો એથી અનેકવિધ સંદર્ભો કલ્પનોથી રચાઈ ને આવતું આ કાવ્ય કવિની એક મહત્વાકાંક્ષી રચના છે.
મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
આનન્દથી વરસતો
પ્રતિપળ તરસતો
ટળવળતો
ગાતો, વાતો
ખડખડ હસતો,
ભાગતો, વાગતો, ખાળતો
ચાલી રહ્યો છું......
 (‘પ્રાથમ્ય’, પૃ.૮૮)
   રમેશ પારેખની ‘તારા સોરઠ દેશે હું દંતકથા શો ફરું’ જેવી રચનાની જેમ અહીં પણ શોધ છે. સંવેદનશીલ-વિચારશીલ માનવને હંમેશા પોતાના મૂળની શોધ રહ્યા કરે છે. પોતે કોણ છે? ક્યાંથી આવ્યો? પોતાના શરીરમાં દોડી રહેલાં રક્ત કોની પરંપરામાંથી આવ્યાં? આવા સ્વ-ઈતિહાસના પ્રશ્નોને અનેક ઋષિઓ, કથાઓના સંદર્ભથી આ કાવ્યમાં મૂક્યાં છે.

   આ તો થઈ ‘પ્રાથમ્ય’ની રચનાઓની પણ ત્યારબાદ જે રચનાઓ ગુજરાતી સામયિકોમાં પ્રગટ થતી રહી છે. પણ સંગ્રહીત થઇ નથી એ રચનાઓના વિષયો અને સંવેદન પણ જોઇ લઇએ.

   રતિ અને પ્રકૃતિની સાથે હવે જયદેવ શુક્લની કવિતામાં સમકાલીન વિભિષિકાઓ, પિતા-પુત્રના ભાવસંબંધ, વિષય બનીને આવે છે.

   કોમી રમખાણોની વિભિષિકાને કવિએ સહેજ પણ બળૂકા થયા વગર “માગસરની અમાવાસ્યા’ કાવ્યમાં આ રીતે નિરૂપી છે.
“આકાશનાં
લાખ્ખો, કરોડો,
અબ્બજો કાણાં
ચમકતા બરફથી
પુરાઇ ગયાં છે.
કાંટાળા અન્ધકારમાં
અસંખ્ય વિકરાળ પ્રાણીઓની
આંખ જેવાં
ચમકે છે.
ગોટેગોટ અન્ધકાર
વધુને વધુ છવાતો જાય છે.
કાળાકાળા ગઠ્ઠા
આમતેમ અથડાય છે.
શ્વાસ ડચુરાય છે.”
 (‘સમીપે’,૧ સપ્ટેમ્બર)
   અહીં ગોટેગોટ અન્ધકાર, અસંખ્ય વિકરાળ પ્રાણીઓનાં પ્રતીક દ્વારા તોફાનો દરમ્યાનની હિંસકતા કાવ્યત્મક રીતે નિરૂપાઈ છે. આમ કવિ પોતાના સમયથી પર નથી.

   તો ‘જનાન્તિક ગુચ્છ’ના બાર કાવ્યોમાં પુત્ર જનાન્તિકથી દૂર રહેવાનો ચચરાટ અને વેદના કાવ્યરૂપ પામ્યાં છે.
“કોણ ? હેલો પપ્પા! કેમ છો?
મજામાં બેટા.
તમારો પત્ર આજે જ મળ્યો.
હું.......
પપ્પા, રાજા, દુર્ગા, અનુપ, આરતી ને ભાઈ શું કરે છે ?
તને ખૂબ યાદ કરે છે.
તમે!”
(‘શબ્દસૃષ્ટિ,’ ઓક્ટોબર-નવેમ્બર:૨૦૧૧ પૃ. ૪૨)
   આ ઉપરાંત ‘સ્તનસુત્ર’, ‘ગબડાવી દે, ફંગોળી દે’ માં સંવેદન વિશ્વ ‘પ્રાથમ્ય’ ના કાવ્યોથી જુદું પડે છે. આમ વિષયવસ્તુ અને સંવેદનની રીતે જોતાં જયદેવ શુક્લનાં કાવ્યો ‘પ્રાથમ્ય’ પછી પણ સતત બદલાતાં રહ્યાં છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment