2.2.3 - જયદેવ શુક્લની કવિતાની ભાષારચના / જયદેવ શુક્લની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   પોતે અનુભવેલા સંવેદનને ભાષામાં રજૂ કરવાની મથામણ સાહિત્યના ઉદ્દભવ જેટલી જ બલકે એનાથી વધારે જૂની છે. દરેક મોટા કવિએ કોઇને કોઇ રીતે ભાષાની આ સિમિતતાની વિડંબના કરતાં કાવ્યો લખ્યાં છે. કાન્તને કોઈએ પૂછયું કે કશું લખો છો ? ત્યારે એમણે આપેલો જવાબ પણ આ મથામણનું જ પરિણામ છે. એમણે કહ્યું “વિચારો, કલ્પનાઓ બહુ આવે છે પણ ભાષા જડતી નથી.” આમ ભાષાની અને એમાંય પોતીકી ભાષાની શોધ દરેક કવિ કરતો હોય છે. જયદેવ શુક્લની કાવ્યભાષા પણ એમના સમકાલીન કવિઓની કાવ્યભાષા કરતાં નોખી છે. એમના સમકાલીન કવિ નીતિન મહેતા બોલચાલની લઢણોનો વધારે પ્રયોગ કરે છે તો, દલપત પઢિયાર, મણિલાલ પટેલની કવિતામાં ગ્રામબોલી વિશેષ પ્રયોજાઈ છે, પણ જયદેવ શુક્લની કવિતામાં સંસ્કૃત તત્સમ પદાવલિ વિશેષ પ્રયોજાઈ છે. એના મૂળમાં નાનપણથી સાંભળેલા વેદપાઠ અને પંડિત પિતાના ઘરના સંસ્કારો જોઈ શકીએ છીએ. જેમ કે : ‘તામ્રવર્ણીહવાના અંગાંગે’ કાવ્ય જોઈએ.
“નગ્ન
બદામડીના હાથમાં
તરતું
સૂર્યનું કિરમજી-લાલ પર્ણ
હમણાં જ
ખરી પડશે.
કલરવતું ઊડી જશે
ઘઉંના ખેતરમાં
રણકતી સોનાની સળીઓ
વચ્ચે લપાઈને બેઠેલું
તડકાનું પંખી
શાલ્મલિની રક્તિમ કાયા પર
ચીતરાય
કાગળની ઊડાઊડ.”
(‘પ્રાથમ્ય’, પૃ.૧૧)
   જયદેવ શુક્લની કવિતામાં કોયલોના ઉલ્લેખો પણ એક કરતાં વધારે કાવ્યોમાં આવે છે. વળી એમની ભાષારચનામાં પ્રતીકો તથા કલ્પનોની એક વિશેષ જગ્યા છે. એમની કવિતા બહુધા કલ્પનપ્રધાન કવિતા છે.

   ‘ધરતી પર ફસડાઇ પડેલી બળતી હવા’, ‘આકાશ કોચી નાખતા ટેલિફોનના તાર’, ‘સળગતા તડકાનું છાપરું ઓઢીને ઊભેલી અટૂલી ઝૂંપડી’ જેવાં કલ્પનો ‘વૈશાખ-એક’ કાવ્યમાં વિશેષ આસ્વાદ છે. ગુજરાતી કવિતામાં અંધારાનાં અનેક રૂપોને અનેક રીતે જુદાજુદા કવિઓએ શબ્દબદ્ધ કર્યા છે. જયદેવ શુક્લ પણ ‘રાત્રિ’ કાવ્યમાં અંધકારને
“રાત્રિની કાળવી ઠંડીમાં
ઠરીને ઠીકરું થઈ ગયેલો અન્ધાર”
   જેવી પંક્તિઓમાં અંધારાનું એક નવું જ કલ્પન આપે છે. તો તાપી-કિનારો કાવ્યમાં ઇન્દ્રિયતત્વ દ્વારા તાપી કિનારાનું અરૂઢ આલેખન કર્યું છે.

   ‘ભીના પડછાયા’ ‘બીડીનો કડવો ધુમાડો’ ‘ગાયની ચામડી જેવું થરથરતું જળ’ જેવાં કલ્પનો અહીં પણ ધ્યાન ખેંચે છે. બલકે એનાથી કાવ્યને એક નવું પરિમાણ મળે છે. જયદેવની કવિતામાં આવતાં આવાં કલ્પનો જ ઘણીવાર કવિતાને ઊંચકી લે છે બાકી ઘણીવાર એમનાં કાવ્યો ભાષારમત અને દુર્બોધ બની જાય છે. ‘ભાદરવા વદ આઠમ સં. ૨૦૩૭: એક બપોર’ કાવ્યમાં પણ
‘ખદબદતા
ચૂનાના ગાંગડાથી બચવા
લંગડે પગે
ચાલતી બપો'’માં
   ‘લંગડે પગે ચાલતી બપોર’ના કલ્પનની સાથે રાજેન્દ્ર શાહનાં ‘શ્રાવણી મધ્યાહન’ કાવ્યમાં આવતા બપોરના કલ્પન ‘ધીમે ધીમે લસતી ગોકળગાય જેમ’ તરત યાદ આવે છે. વરસાદી દિવસોની બપોરની ધીમી ગતિ આ બન્ને કલ્પનોમાં જોઈ શકાય છે.

   ‘એક લાલ સોનેરી પર્ણ’ કાવ્યમાં પણ બોલચાલની ભાષા લય, પ્રાસ, અને શબ્દોનાં આર્વતનો દ્વારા કાવ્યત્વ સિદ્ધ કર્યું છે. ‘આ દેશમાં ને વેશમાં, ‘આમ ટ્રાફિક જામ, મનના પન્થ વામ. ન મળે અમને ધામ,’ બાકી ન્યસ્તન કે વ્યસ્તન કે હસ્તન હોય તો હોય’ જેવી કાવ્યપંક્તિઓમાં આપણે એ પામી શકીએ છીએ. જયદેવ શુક્લએ પ્રાસયુક્ત શબ્દો દ્વારા અછાંદસનો પોતાનો એક લય નિપજાવ્યો છે.

  ‘વેદસૂત્ર’માં
“મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
આનન્દથી વરસતો
પ્રતિપળ તરસતો
ટળવળતો
ગાતો, વાતો
ખડખડ હસતો,
ભાગતો, વાગતો, ખાળતો
ચાલી રહ્યો છું...”
   અહીં લયતો છે જ પણ ક્રિયાપદો દ્વારા કાવ્યનાયકનો અહોરાતનો રઝળપાટ પણ મૂર્ત થયો છે.
   પ્રાથમ્ય પ્રયોજાયેલી તત્સમ પદાવલિ જયદેવની કવિતામાં આજ સુધી જળવાઈ રહી છે. ઈ. સ. ૨૦૦૭માં ‘ખેવના’માં પ્રગટ થયેલા કાવ્ય‘દાદાનો સ્પર્શ’માં પણ આપણેએ જોઈ શકીએ છીએ
“તપસ્વી વૃક્ષોનાં
મૂળને સ્પર્શી,
હિમાલયના સ્કન્ધ પર
ઊંચકાઇ,
દુર્ભેદ્યશિલાઓ વચ્ચેથી
હસી રહ્યો છે
ગંગાપ્રવાહ
હરકી પૌડીના
શાતાદાયક પ્રવાહમાં
ડૂબકી મારતાં જ
દાદાનો વહાલસોયો સ્પર્શ પૂછે છે :
“આવી ગયો બેટા ?”
   ભાષારચના સંદર્ભે એટલું કહી શકાય કે કલ્પનોની તાજગી સિવાય જયદેવ શુક્લની કવિતાની ભાષાના એવા કોઈ વિધવિધ સ્તરો નથી અથવા સમયે સમયે એમાં કોઈ પરિવર્તનો પણ નથી.

   અંતે જયદેવ શુક્લની કવિતાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતાં એટલું જરૂર કહી શકાય કે પુરોગામીઓની અછાંદસમાં રહેલી અતિ દુર્બોધતા, ભાષારમત જયદેવની કવિતામાં ચળાઈ ગયાં છે. અને એક જુદું સંવેદનવિશ્વ, પ્રતીકો-કલ્પનો, વાતાવરણ અને ફિલ્મ, ચિત્ર, સંગીત જેવી કલાઓના સંદર્ભો દ્વારા ઊઘડે છે. કવિની કવિતા સંદર્ભે રાજેશ પંડ્યાએ યોગ્ય જ કહ્યું છે.
“આવા ગુજરાતી કવિ જયદેવ શુક્લની કવિતા ગુજરાતી ભાવક પાસે વિશેષ સજ્જતા અને સઘન વાચનની અપેક્ષા રાખે તેવી માનુની છે. આપણી ભાષાના-પોતાની રુચિ બરાબર કેળવીને આવા કવિઓ સાથે સંવાદ સાધે તો એમને અન્યાય ન થાય. ભાવકોની પરંપરાગત રુચિને પડકારતા આવા કવિઓ વિના કોઈપણ ભાષાને ચાલી શકે નહીં.”(‘શબ્દસૃષ્ટિ,’ જુલાઈ:૨૦૧૨ પૃ. ૭૧)
* * *


0 comments


Leave comment